विवेचन सारांश
કર્મયોગનો સિદ્ધાંત

ID: 3267
गुजराती - ગુજરાતી
શનિવાર, 08 જુલાઈ 2023
પ્રકરણ 3: કર્મયોગ
3/4 (શ્લોક 25-32)
વિવેચન: ગીતા વિશારદ શ્રી શ્રીનિવાસ વર્નેકર જી


ગીતા પરિવારની પરંપરા મુજબ મધુર પ્રાર્થના અને મંગલમય દીપપ્રજ્વલન પછી વિવેચન સત્રની શરૂઆત થઈ. ગુરુ વંદના, ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પ્રણામ, જ્ઞાનેશ્વરમહારાજને કોટી કોટી પ્રણામ, ભારત માતા, મહર્ષિ વેદવ્યાસજી, ગીતામાતાને પ્રણામ અને પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજના ચરણોમાં શત્ શત્ પ્રણામ અને ગીતા પ્રેમીઓના અભિવાદન સાથે વિવેચનની શરૂઆત થઈ. 
અત્યાર સુધી આપણે જોયું કે અર્જુને કઈ રીતે પ્રશ્ન પૂછ્યો. બીજા અધ્યાયમાં ભગવાને અર્જુનને જ્ઞાન અને કર્મ બંનેનું મહાત્મ્ય કહ્યું, સાંભળીને અર્જુન વધારે મૂંઝવાઇ ગયો. એણે વિચાર્યું કે જો જ્ઞાન આટલું શ્રેષ્ઠ છે તો યુદ્ધ જેવા ઘોર કર્મમાં ભગવાન મને કેમ પ્રવૃત્ત કરે છે? અર્જુને ભગવાનને પૂછ્યું, તમારા બંને તરફની ભાષા બોલવાને લીધે મારો સંભ્રમ વધતો જાય છે તો એક નિશ્ચિત માર્ગ મને કહો. ભગવાન કહે છે બંને માર્ગો એક જ સ્થાન પર લઈ જાય છે પરંતુ જેની જે યોગ્યતા છે તેના અનુસાર એણે એ માર્ગનું અનુસરણ કરવાનું છે. આમ કહીને ભગવાનને કર્મયોગનું મહાત્મ્ય કહ્યું. કર્મ કઈ રીતે કરવા જોઈએ, રોજનું કામ કરતા કરતા કઈ રીતે એ જ કાર્યને આપણે કર્મયોગમાં બદલી શકાય તે ભગવાનને અર્જુનને કહ્યું. ભગવાને એમ પણ કહ્યું કે કર્મ કર્યા વગર કોઈ એક ક્ષણ પણ રહી નથી શકતું. જે આપણું નિયત કર્મ છે, વિહિત કર્મ છે તે કેમ ન કરવું? સૃષ્ટિના ચક્રમાં સૃષ્ટિ માટે ઉપયોગી કર્મ કેમ ન કરવું જોઈએ? જે આ નથી કરતા તેનું જીવન વ્યર્થ છે. બધાના કલ્યાણ માટે જે જીવન વ્યતીત નથી કરતાં તેમનું જીવન વ્યર્થ છે.  વળી ભગવાને કહ્યું, આ નાના નાના કર્તવ્ય કર્મ કરતાં કરતાં જ આપણે પરમની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આ રીતે ઘણા લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. જનક રાજાએ પણ પોતાનું કર્તવ્ય કર્મ કરતાં કરતાં જ સિદ્ધિને પ્રાપ્ત કરી હતી જે એક સંન્યાસી કે જ્ઞાની પ્રાપ્ત કરે છે.

આ બધી વાતો જાણ્યા પછી ભગવાન અર્જુનને કહે છે શ્રેષ્ઠ લોકોનું કાર્ય શું છે? એમણે કાંઈ કરવાની જરૂર નથી, જીવનમાં જે પ્રાપ્ત કરવાનું હતું તે જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું છે છતાં પણ શ્રેષ્ઠ લોકોએ પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ કારણ કે ઘણા લોકો એમનું અનુસરણ કરે છે. ઘરમાં વડીલો જે કરે છે તે જોઈ જોઈને બાળકો પણ કરતા થઈ જાય છે. એટલે બીજા માટે સારું ઉદાહરણ પ્રસ્તુત કરવા માટે શ્રેષ્ઠ લોકોએ કે વડીલોએ સારા કાર્યો કરતાં રહેવું જોઈએ. પોતાનું જ ઉદાહરણ આપીને ભગવાન કહે છે, ત્રણે લોકમાં મારા માટે કર્તવ્ય બચ્ચું નથી, મારે કંઈ પ્રાપ્ત નથી કરવાનું કે કંઈ પ્રાપ્ત નથી થયું એવું પણ નથી. એ પોતે દ્વારકાધીશ છે, ત્રણે લોકના સ્વામી છે છતાં પણ ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં અવતરિત થઈને ગોપાલન,  સારથીનું કાર્ય, એઠાં પતરાવળ ઉપાડવાનું કાર્ય વગેરે બધા કાર્ય કરે છે. યુદ્ધવિરામ વખતે ઘોડાઓને નવડાવવાનું, એમના જખમો પર મલમ પટ્ટી કરવી એ બધા કાર્યો પણ કરે છે. જે કર્મ કર્તવ્ય રૂપમાં સામે આવે છે તે હું કરું જ છું એમ ભગવાન કહે છે. હું આવું કરું છું એનું એમ કહેવાનું પણ કારણ છે. પરમાત્મા સૃષ્ટિના નિર્માતા છે, એનું ભરણપોષણ કરે છે, સંરક્ષણ કરે છે અને એમનામાં જ સંસાર વિલીન થઈ જાય છે. 
ભગવાન સંસારને ધારણ કરે છે. આપણને પૃથ્વી ધારણ કરે છે અને સૂર્ય તથા ગ્રહો, આકાશગંગા, સૂર્ય  જેવા અનેક સૂર્યો ભગવાને ધારણ કર્યા છે. કલ્પના કરો કે પરમાત્મા પોતાનું કામ ન કરે તો શું થશે? બધું જ પરમાત્મામાં વિલીન થઈ જશે, સૃષ્ટિ સમાપ્ત થઈ જશે. ભગવાન નિયમ અનુસાર, ધ્યાનપૂર્વક બધુ કાર્ય કરે છે. ભગવાન કહે છે, જો હું આમ નહીં કરું તો બધા મનુષ્ય પણ મારું અનુસરણ કરશે, લોકો આળસુ થઈ જશે. બધા સામે આપણું જીવન કર્મયોગમય કઈ રીતે કરવું એ ઉદાહરણ પ્રસ્તુત કરવા માટેનું કાર્ય કરું છું. જો હું નહીં કરું તો આખો સંસાર નષ્ટ થઈ જશે, સુચારુ રૂપથી કાર્ય નહીં થાય, સપ્તલોક નષ્ટ થઈ જશે. પ્રજાનું નિર્માણ કરીને એનો જ ઘાત કરનાર કહેવાઈશ, બધાનું નુકસાન કરનાર હું બનીશ માટે જ ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં સાક્ષાત પરમાત્મા અવતરિત થયા છે. 
ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે કે ધર્મની રક્ષા કરવા માટે દરેક યુગમાં હું અવતરિત થઈશ. ગીતામાં ધર્મ એટલે પોતાનું કર્તવ્ય કર્મ અને  સ્વધર્મ એટલે પોત પોતાનું કર્તવ્ય.  દાખલા તરીકે માતૃધર્મ એટલે માતા તરીકેનું કર્તવ્ય. દરેક જીવને ધરતી પર જન્મ લેતાં જ કર્તવ્ય યાદ કરાવવા માટે ભગવાન પણ અવતરિત થતા રહે છે અને કઈ રીતે કર્તવ્ય કરવું તે કરીને બતાવે છે. આજે પણ ૫૦૦૦ વર્ષ પહેલા કહેવાયેલી ગીતા એટલી જ ઉપયોગી છે, શ્રદ્ધાથી વંચાય છે અને આચરણમાં મુકવાનો પ્રયત્ન પણ થાય છે કારણ કે ગીતા ભગવાને સ્વમુખે કહી છે અને પોતે એવું આચરણ કરીને પણ બતાવ્યું છે અને લોકો સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
    “ आम्ही पूर्णकाम होऊनी, जरी आत्मस्थिति राहुनी ।
       तरी हे प्रजा कैसेनि, निस्तरेल ॥”। 
  ભગવાન કહે છે જો હું મારું કર્તવ્યકર્મ નહીં કરું, મારામાં જ સ્થિત રહીશ તો લોકોનો ઉદ્ધાર કઈ રીતે થશે?


3.25

સક્તાઃ(ખ્) કર્મણ્યવિદ્વાંસો, યથા કુર્વન્તિ ભારત।
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તઃ(શ્), ચિકીર્ષુર્લોકસઙ્ગ્રહમ્॥૩.૨૫॥

માટે હે ભારત! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે.

આ બહુ મહત્વપૂર્ણ શ્લોક છે. ભગવાન કહે છે જે વિદ્વાન છે, જ્ઞાની છે તેણે કેવી રીતે કર્મ કરવું જોઈએ? જે અજ્ઞાની મનુષ્ય છે તે પોતપોતાના કર્મ કરે છે કારણ કે એને કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એને માટે આસક્ત થઈને એ કર્મ કરે છે. આ ખોટું નથી. તેને કંઈક પ્રાપ્ત કરવું છે એટલે એ ધ્યાન દઈને, સારી રીતે કર્મ કરે છે. એ માને છે કે જો હું સારી રીતે કર્મ કરીશ તો મને પરિણામ પણ સારું જ મળશે એટલે ધ્યાનપૂર્વક કર્મ કરે છે, અજ્ઞાની જે રીતે કર્મમાં આસક્ત થઈને, મહેનતથી કર્મ કરે છે વિદ્વાનોએ પણ કંઈ ન જોઈતું હોવા છતાં આસક્તિ છોડીને એ જ રીતે ધ્યાનથી કર્મ કરવું જોઈએ. સ્વયં માટે આવશ્યક નથી પણ બધાને કામ લાગશે, બીજાને મદદ થશે એ માટે જ્ઞાનીએ કાર્ય કરવું જોઈએ. આપણે ગયા વખતે જોયું કે પોતાના બાળકોના લગ્ન પછી પણ ઘણા લોકો બીજાના બાળકો માટે જીવનસાથી શોધવાનું કાર્ય કરે છે. લોકોની ભલાઈ માટે, હિત માટે કાર્ય કરતા રહે છે એ સજ્જને કરવું જોઈએ કારણ કે એમ કરીને એ લોકો અન્ય લોકો સામે ઉદાહરણ પૂરું પાડે છે.   
અજ્ઞાનીઓ આસક્ત થઈને કર્મ કરે છે એમને કરવા દેવું જોઈએ અને જ્ઞાનીઓએ પણ આસક્તિ વગર કર્મ કરીને બતાવવું જોઈએ.  
   " देखे फलाची आशा, आचरे कामुकु जैसा ।
     कर्मी भरू होआवा तैसा, निराशा ही ॥”
જે પ્રમાણે કંઈ ફળ મળશે એ આશાથી મનુષ્ય સકામ કર્મ કરે છે એ જ રીતે મને ઈચ્છા નથી તો પણ મારે કર્મ કરવું જોઈએ. નિષ્કામ લોકોએ કામના ન રાખતાં કર્મ કરવા જોઈએ.
જ્ઞાનેશ્વર મહારાજ અહીંયા બહુ સુંદર વાત કરે છે.
સંતોએ શું કરવું જોઈએ? આપણે સંત નથી, સામાન્ય મનુષ્ય છીએ પણ આપણે સંતત્ત્વ તરફ જઈ શકીએ છીએ. આપણે ક્યાંથી ક્યાં જવાનું છે તેના પર આપણું ધ્યાન સતત હોવું જોઈએ. 
   “Not failure but low aim is crime.”
આપણું ધ્યેય શું છે? મનુષ્ય જન્મની પ્રાપ્તિ પછી આપણે આપણું ધ્યેય નક્કી કરવાનું છે. મનુષ્ય જીવનનું સર્વોચ્ચ ધ્યેય નરથી નારાયણ બનવાનું છે. ત્યાં સુધી જવા માટેનો આપણે પ્રયાસ કરવો જોઈએ. સજ્જનોએ શું કરવું જોઈએ? જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
  “ संतानी सन्मार्गे वागावे, हे विश्वची सन्मार्गी लावावे ।
 हे विश्वची मोहरें लावावे, अंतरीस काम नसावे स्वर्गा विषे हि ॥” 
 પોતે સન્માર્ગે ચાલવું, સત્કર્મ કરવુંઅને વિશ્વને પણ સત્કર્મ કરવા પ્રેરિત કરો. અંતરંગમાં કોઈ કામના નથી, સ્વર્ગની પણ કામના નથી અને છતાં કર્મ કરતા રહેવું.  
આખા દિવસમાં એક કાર્ય તો આવું કરવું જ જોઈએ. એના વિશે વિચારવું. નાનું કાર્ય સમાજના હિત માટે, સૃષ્ટિના હિત માટે,  દેશના, વિશ્વના હિત માટે કરવું. મને કોઈ અપેક્ષા ન હોવી જોઈએ. એ ભાવથી રોજનું એક કાર્ય આપણે કરવું જોઈએ.

3.26

ન બુદ્ધિભેદં(ઞ્) જનયેદ્, અજ્ઞાનાં(ઙ્) કર્મસઙ્ગિનામ્।
જોષયેત્સર્વકર્માણિ, વિદ્વાન્યુક્તઃ(સ્) સમાચરન્॥૩.૨૬॥

પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરૂષ શાસ્ત્રવિહીત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મો કરાવે.

ભગવાન કહે છે, બુદ્ધિ ભેદ નિર્માણ ન કરો. આપણે ભગવદ્ગીતા શીખી લીધી છે, જાણી લીધું છે કે નિષ્કામ કર્મ કઈ રીતે કરવું, ફળની અપેક્ષા ન કરવી જોઈએ તો બીજાને એ વસ્તુ ન કહેવી. ભલે એ કામનાઓમાં અને ફળમાં આસક્ત થઈને કર્મ કરે છે, એને આ બધું ન કહેવા જાવ. એમને એમનું કર્મ કરવા દો. બુદ્ધિ ભેદ નિર્માણ ન કરો. 
આપણે કેટલા ભાગ્યશાળી છીએ! આપણે સ્વયં જાણીએ છીએ કે ભગવદ્ગીતા કોને કહેવી જોઈએ. ૧૮મા અધ્યાયમાં સ્વયં ભગવાન કહે છે જેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, ભગવાન જેને યોગ્ય સમજે છે એને જ આ જ્ઞાન આપે છે એટલે આપણને થોડું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો બીજાને કંઈ જણાવવાની આવશ્યકતા નથી. ભગવદ્ગીતામાં બહુ બધી વાતો કરી છે; એ બધાને જ લાગુ પડે એવું નથી પણ મારે માટે ઉપયુક્ત શું છે તે મારે જોવાનું છે. 
 આપણે દવાની દુકાનમાં જઈએ છીએ ત્યાં ઘણી દવાઓ હોય છે પણ આપણે ડોક્ટરે જે દવા લેવાની કહી છે, આપણે માટે જે ઉપયુક્ત છે તે જ દવા લઈએ છીએ. અર્જુનના મનમાં પણ આ જ પ્રશ્ન આવ્યો હતો જ્ઞાનમાર્ગ આટલો મહત્વપૂર્ણ છે તો એ માર્ગ હું કેમ ન સ્વીકારું અને યુદ્ધ જેવું ઘોર કર્મ કેમ કરું? ભગવાન કહે છે જેની જે યોગ્યતા છે એણે એ કર્મ કરવું. જ્ઞાનમાર્ગે ચાલવા માટે એની એટલી યોગ્યતા હોવી જોઈએ. જેની એ યોગ્યતા છે એણે ક્યારેય બીજા લોકોને કઈ રીતે કર્મ કરવું તેનો ઉપદેશ ન કરવો જોઈએ. સારા કર્મ કરો એટલું જ જણાવવું જોઈએ. એમને કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરો. પોતે સારી રીતે સારા કર્મ કરવા અને બીજાને પણ એમાં પ્રવૃત્ત કરવા જોઈએ.
હવે ભગવાન વિષય બદલે છે. હવે ભગવાન જ્ઞાનની વાત કરે છે. આપણે કર્મ કરીએ છીએ તો વાસ્તવમાં આ બધા કર્મો કોણ કરે છે? આપણે કાનથી સાંભળીએ છીએ, જીભથી સ્વાદ ચાખીએ છીએ, આંખથી જોઈએ છીએ આ બધાં કર્મો કોણ કરે છે? ભગવાન આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે અર્જુન! આ વાત પણ તું જાણી લે.

3.27

પ્રકૃતેઃ(ખ્) ક્રિયમાણાનિ, ગુણૈઃ(ખ્) કર્માણિ સર્વશઃ।
અહઙ્કારવિમૂઢાત્મા, કર્તાહમિતિ મન્યતે॥૩.૨૭॥

વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની મનુષ્ય 'હું કર્તા છું' એમ માને છે.

ભગવાન કહે છે, અર્જુન! પ્રકૃતિના ગુણો દ્વારા કર્મ થઈ રહ્યા છે. પ્રકૃતિ શું છે? એના ગુણ શું છે? ૧૪મા અધ્યાયમાં આપણે જોયું કે પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. પ્રકૃતિના ત્રણ ગુણો છે, સત્ત્વ, રજ અને તમ. ગુણોને લીધે જ પ્રકૃતિના બધા કાર્યો થાય છે. સ્વયંમને જાણવા, અંતત: ગત્વા હું કોણ છું એનો ઉત્તર પ્રાપ્ત કરવાનો ભગવદ્ગીતાનો અંતિમ ધ્યેય છે. આ શરીર મારું છે, એમાં હું રહું છું, એનો હું માલિક છું પણ હું શરીર નથી. શરીર શેનું બનેલું છે? પ્રકૃતિનું બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચમહાભૂતનું બનેલું છે અંતે એ પંચમહાભૂતમાં જ વિલીન થઈ જાય છે. બધું કાર્ય વાસ્તવિક રૂપથી શરીરથી થાય છે. જોવાનું કાર્ય આંખ કરે છે, ચાલવાનું કામ પગ કરે છે, જે પ્રકૃતિથી બન્યા છે.
શરીર પ્રકૃતિનું બનેલું છે અને એના ગુણો દ્વારા કાર્ય થાય છે. જ્યારે સત્વગુણ વધે છે ત્યારે આપણને જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા થાય છે, ભગવદ્ગીતા ભણવાની ઈચ્છા પ્રબળ બને છે. રજોગુણ વધે છે ત્યારે કંઈક પ્રાપ્ત કરવાની, ફળ મેળવવાની ઈચ્છા થાય છે. એને માટે મનુષ્ય દોડીને કર્મ કરે છે. આખા દિવસમાં કાર્ય કરીને, થાકીને મનુષ્ય સૂઈ જાય છે ત્યારે તે તમોગુણના પ્રભાવમાં થાય છે. ત્રણે ગુણોના પ્રભાવમાં કાર્ય થઈ રહ્યા છે પરંતુ હું આત્મરૂપ છું, હું શરીર નથી અને કાર્ય શરીર દ્વારા થાય છે. અહંકારને લીધે આ મૂઢ આત્મા આ કાર્ય હું કરું છું એમ માને છે. હું જ શરીર છું એ ભાવ છે એને લીધે એ માને છે કે આ હું જ કરું છું. ભગવાન કહે છે કર્તા પ્રકૃતિ છે તું કર્તા નથી.
જ્યારે હું એમ કહું છું કે હું તમારી સાથે વાત કરું છું તે ખોટું નથી. અહમ જુદા જુદા સ્તર પર હોય છે. આ શરીર હું છું એમ જ્યારે હું કહું છું તે કાચો અહમ્ છે, એ શરીરના સ્તર પર જ છે. કાચો અહમ્ જલ્દી જતો નથી કારણ કે અહંકારને જવા માટે સૌથી વધારે સમય લાગે છે. બધું જતું રહે છે, મનુષ્ય અહંકાર પણ છોડી દે છે પણ જ્યારે કહે છે કે હવે મને કોઈ અહંકાર નથી આ કહેવું પણ અહંકાર છે. અહંકાર જ્યારે સમાપ્ત થશે ત્યારે જ મનુષ્ય સ્વયંને બરાબર જાણી શકશે.
સંત કબીરનો એક બહુ સુંદર દોહો છે. એ કહે છે,
 " जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं ।
   प्रेम गली अति सांकरी, जा में दो न समाहीं
॥”
ભક્તિનો માર્ગ અત્યંત સાંકડો છે, એમાં બે ન સમાઈ શકે, યા તો હું જઈશ કે હરિ જશે. જ્યાં સુધી "હું" છે ત્યાં સુધી હરિના દર્શન નહીં થઈ શકે. "અહમ્" જવા માટે આ વસ્તુ સમજવી બહુ આવશ્યક છે. જે કર્મ કરી રહ્યો છું એનો કર્તા હું છું? ના, આ શરીર છે. કર્તવ્ય કર્મ કરવા શરીર પ્રત્યે ધ્યાન કેમ આપવું? એટલે કહેવાય છે,
 " शरीरमाद्यं खलु धर्मसाधनम् ॥”
કર્તવ્ય કર્મ કરવા આપણું શરીર સાધન છે જેને લીધે આપણે કાર્ય કરી શકીએ છીએ. એને માટે શરીર સ્વસ્થ રાખવું જોઈએ પરંતુ અંતરંગમાં તો એ જાણવું જોઈએ કે હું કર્તા નથી. પ્રકૃતિ કાર્ય કરે છે અને પરમેશ્વરની શક્તિથી કાર્ય થાય છે પણ દેહાત્મક બુદ્ધિ એટલી જલ્દી નથી જતી. 
 

3.28

તત્ત્વવિત્તુ મહાબાહો, ગુણકર્મવિભાગયોઃ।
ગુણા ગુણેષુ વર્તન્ત, ઇતિ મત્વા ન સજ્જતે॥૩.૨૮॥

પણ હે મહાબાહો! ગુણવિભાગ અને કર્મવિભાગના તત્ત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો.

તત્ત્વને જાણનાર તત્વજ્ઞાની છે. તત્ એટલે એ જેને આપણે શોધવાનું છે, આત્મતત્ત્વ. તત્ પરમાત્મા માટે પણ વપરાય છે. તત્ ને ત્વ સાથે જાણવું, ત્વ એટલે એની ભાવના, એનો ભાવ. ભાવનો અર્થ એટલે વૃદ્ધનું વૃદ્ધત્વ, માતાનું માતૃત્વ, બાળકનું બાળકત્વ. માતાનું માતૃત્વ માતા જ જાણી શકે. પરમાત્માનું તત્વ જાણવા એની સાથે એકરૂપ થવું પડશે, નરમાંથી નારાયણ બનવું પડશે.
આપણા જે સંતો છે તે બધા તત્વજ્ઞ છે. દેખાવમાં મનુષ્ય દેહમાં છે પણ પરમાત્મા સાથે એકરૂપ થઈને રહે છે. એ સંતો જે તત્વજ્ઞાની છે તે ગુણ વિભાગ અને કર્મ વિભાગને બરાબર જાણે છે અને જાણે છે કે દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે એમાં હું નથી. ગુણાતીતના લક્ષણો પણ ૧૪મા અધ્યાયમાં કહ્યા છે. મોટા મોટા કાર્યો થાય છે પણ તત્વજ્ઞાની કહે છે એ અમે નથી કરતા, ગુણો પોતપોતાનું કાર્ય કરે છે. કર્તુત્વનો ત્યાગ થઈ જાય છે. આ વાતને સમજીને, જાણીને એ એમાં અટકતા નથી, આપણે અટકી જઈએ છીએ. આ કામ મેં કર્યુ એનો યશ મને મળવો જ જોઈએ એમ આપણે માનીએ છીએ. આ તો થઈ તત્વજ્ઞાનની વાત પણ આપણા જેવા સામાન્ય મનુષ્ય શું જાણે છે?

3.29

પ્રકૃતેર્ગુણસમ્મૂઢાઃ(સ્), સજ્જન્તે ગુણકર્મસુ।
તાનકૃત્સ્નવિદો મન્દાન્, કૃત્સ્નવિન્ન વિચાલયેત્॥૩.૨૯॥

પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે.

પ્રકૃતિના ગુણોને લીધે આપણે સંમોહિત થઈ ગયા છીએ. આપણી
દેહાત્મબુદ્ધિ છે કારણ કે આપણે ગુણોના મોહમાં છીએ. ગુણ આપણને અનેક કર્મોમાં ફસાવે છે. ગુણોને સંસ્કૃતમાં રસ્સી કહે છે. ત્રણેય ગુણો માણસને આ શરીરમાં અટકાવી રાખે છે, બાંધી રાખે છે. બંધન શેનું છે તે પહેલા જાણીશું તો એમાંથી છૂટી શકીશું, મોક્ષ પ્રાપ્ત કરી શકીશું. બંધન ગુણોનું છે. શરીર પ્રકૃતિનું છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મક છે એટલે આપણે ત્રણેય ગુણો સાથે રહેવું જ પડશે પણ આપણે ધીરેથી એમાંથી નીકળી જવાનું છે. આ વસ્તુ તત્વવેત્તાઓ જાણે છે પણ આપણે નથી જાણતા. જે સંપૂર્ણ જ્ઞાની છે એમણે સામાન્ય માણસોને વિચલિત ન કરવા જોઈએ. એમને કર્તુત્વ કર્મ કરવા દેવા જોઈએ એટલું જ નહીં એને સારા કર્મ કરવા માટે પ્રવૃત્ત પણ કરવા જોઈએ. ભલે ફળની અપેક્ષા માટે કરે પણ કરવા દો. નાના બાળકને જ્યારે આપણે શરૂઆતમાં મંદિર લઈ જઈએ છીએ તો એને પ્રસાદની લાલચ આપીએ છીએ. રોજ જતા ધીરે ધીરે એને ત્યાં પ્રેમ ઉપજે છે અને પછી પ્રસાદની લાલચ નહીં હોય તો પણ એ આવશે. પહેલા જે અપેક્ષા રાખીને કર્મ કરે છે એને કરવા દો, વિચલિત ન કરો.
જો કોઈને જ્ઞાન થઈ ગયું છે તો સામાન્ય મનુષ્યને  વિચલિત ન કરો. તો પછી કર્મ કઈ રીતે કરવું?

3.30

મયિ સર્વાણિ કર્માણિ, સન્ન્યસ્યાધ્યાત્મચેતસા।
નિરાશીર્નિર્મમો ભૂત્વા, યુધ્યસ્વ વિગતજ્વરઃ॥૩.૩૦॥

મુજ અન્તર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળાં કર્મોને મારામાં સમર્પીને કામના રહિત, મમત્વ રહિત અને સંતાપ રહિત થઈને તું યુદ્ધ રૂપી કર્તવ્ય કર્મ કર.

આ અત્યંત મહત્વપૂર્ણ શ્લોક છે. કર્મયોગ અને ભક્તિયોગ આ શ્લોકમાં સમાવાયા છે. ત્રણ સૂત્રી કાર્યક્રમ પરમ પૂજ્ય ગુરુજીએ આપણને આપ્યો છે. 
    “ गीता पढ़े, पढ़ायें, जीवन में लायें ॥”
ગીતા ભણાવવા માટે આપણે પણ પહેલા ભણવું પડશે. ભણવાથી આપણને પણ લાભ થાય છે. જો આ શ્લોકને મનુષ્ય આચરણમાં લઈ આવે તો આખી ભગવદ્ગીતા આચરણમાં આવી જશે. આ શ્લોકમાં ભગવદ્ગીતા આચરણમાં કઈ રીતે લાવવી તેનો ઉત્તર છે.   
ભગવાન સંન્યાસનો અર્થ સમજાવે છે. ન્યાસ એટલે ત્યાગ અને સમ્યક એટલે સારી રીતે. સંન્યાસનો અર્થ એટલે સારી રીતે ત્યાગ કરવો.
ભગવાન સંન્યાસ લેવાનું નથી કહેતા. ભગવાન કહે છે, બધા તમારા કર્મો મને અર્પણ કરી દો. જેમ આપણે ભગવાનને તિલક કરીએ છીએ, ચોખા ચડાવીએ છીએ તેમ આખા દિવસનું એક એક કર્મ ભગવાનને અર્પણ કરી દો. કર્મ જ પૂજા બની જશે.  
 જ્ઞાનેશ્વર મહારાજ બહુ સુંદર કહે છે,
तया सर्वात्मका ईश्वरा । स्वकर्मकुसुमांची वीरा ।
पूजा केली होय अपारा । तोषालागीं ॥
સ્વ કર્મના ફૂલ એક એક કરીને ભગવાનને અર્પણ કરવાના છે. અર્પણ કરવા ક્યાં જવાનું છે? કશે નહીં, મનમાં જ અર્પણ કરવાનું છે. મનમાં જ સ્મરણ કરીને એક એક કર્મ એક એક ફૂલની જેમ આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. કાર્ય શરૂ કરતાં પહેલાં ભગવાનનું સ્મરણ કરવાનું છે કે તારું કાર્ય કરવા જઈ રહ્યો છું અને કાર્ય પૂરું થાય ત્યારે એમ કહેવાનું છે કે તારું કાર્ય પૂરું થયું, તને અર્પણ. આખા દિવસમાં છે જે કાર્ય કરો, ડોક્ટર ઓપરેશન કરે છે, ગૃહિણી ઘરનું કામ કરે છે, ઓફિસમાં કામ કરીએ, શિક્ષક ભણાવે છે વગેરે. એ ભગવાનને અર્પણ કરી દો. આ અત્યંત મહત્વપૂર્ણ છે.
   “मी कर्ता या कर्माचा। मज लाभ व्हावा या फळाचा।
    चित्ता स्पर्श या अभिमानाचा। होऊ न द्यावा॥”
આ કર્મ મેં કર્યું છે એવું વિચારવાનું નથી, અભિમાન કરવાનું નથી.
કઈ રીતે અર્પણ કરવાનું છે?
ગીતા સાધના શિબિરમાં ગુરુજી કહે છે,
कर प्रणाम तेरे चरणों में, करता हूँ अब तेरे काज।
पालन करने को आज्ञा तेरी, नियुक्त होता हूँ मैं आज॥
अन्तर में स्थित रहकर मेरे, बागडोर पकड़े रहना।
निपट निरंकुश चंचल मन को, सावधान करते रहना,
अन्तर्यामी को अन्त स्थित देख, सशंकित होवे मन।
पाप वासना उठते ही हो, नाश लाज से वह जलभुन॥
जीवों का कलरव जो, दिनभर सुनने में मेरे आवे।
तेरा ही गुणगान जान, मन प्रमुदित हो अति सुख पावे॥
तू ही है सर्वत्र व्याप्त हरि, तुझमें सारा यह संसार।
इसी भावना से अंतर भर, मिलूँ सभी से तुझे निहार॥
प्रतिपल निज इन्द्रिय समूह से, जो कुछ भी आचार करूँ।
केवल तुझे रिझाने को बस, तेरा ही व्यवहार करूँ॥
कर प्रणाम तेरे चरणों में, करता हूँ अब तेरे काज।
पालन करने को आज्ञा तेरी, नियुक्त होता हूँ मैं आज॥
સવારે ઊઠીને ભગવાનને પ્રાર્થના કરો કે તારું કામ કરવા માટે હું નિયુક્ત થયો છું. ભગવાન બધે જ છે, મારા અંતરંગમાં પણ છે. જો હું કર્મ કરતાં કરતાં ભૂલી જાઉં કે કર્મ તમને અર્પણ કરવાનું છે તો મને યાદ કરાવતા રહેજો અને સાવધાન કરજો. મારું મન ચંચળ છે એને સાવધાન કરતા જાવ. મનને સારી રીતે કામમાં લગાડું એ રીતે મને સાવધાન કરતા રહેજો. અંતર્યામી સાથે જ છે એ જો મને ખબર પડી જશે તો કાર્ય વ્યવસ્થિત થશે, ખોટું કર્મ નહીં કરી શકીએ. સવારમાં ભગવાનને પ્રણામ કરીને એનું સ્મરણ કરતાં કરતાં કાર્ય કરવું, આખો દિવસ કાર્ય કરીને એ કાર્ય ભગવાનને અર્પણ કરતા જવું. ભગવાનને અર્પણ કર્યું એટલે કર્મ મારું ન રહ્યું, હું કર્મ બંધનથી મુક્ત થઈ ગયો. ભગવાનનું કાર્ય છે એ ભાવ મનમાં રહેશે તો  ખોટું નહીં કરી શકીએ અને બહુ સારી રીતે કાર્ય થશે. ભગવાન માટે કર્મ કરું એ ભાવને જાગૃત રાખો. કર્મ કર્યા પછી ભગવાનને અર્પણ કરી દીધા પછી એ કર્મ ભગવાનનું થઈ ગયું, એના પરિણામની ઈચ્છા ન કર.
એક યોદ્ધા માટે કર્તવ્યકર્મ યુદ્ધ જ છે. સીમા પર પહેરો દેતા સૈનિકો સામે દુશ્મન આવે તો ગોળી જ મારવાની છે, એ એનું કર્તવ્ય છે. અર્જુન માટે કર્તવ્યકર્મ યુદ્ધના રૂપમાં સામે આવ્યું છે. ભગવાન કહે છે, જે કર્તવ્ય છે તે કર, ગુસ્સો, સંતાપ ન કર. કર્તવ્ય છે એ ભાવથી યુદ્ધ કર. આ ભગવદ્ગીતાનો વ્યવહારુ શ્લોક છે, એને જીવનમાં કરીને જોઈશું તો એના પ્રભાવનો આપણે સ્વયં અનુભવ કરી શકીશું. ભગવદ્ગીતા યોગશાસ્ત્ર છે, અનુભૂતિનું શાસ્ત્ર છે. બીજાના જણાવવાથી નહીં સમજાય, સ્વયં એનો અનુભવ લેવો પડશે. સવારે ઊઠીને પ્રાર્થના કરીને જે જે કર્મ કરીએ તે એક એક ભગવાનને અર્પણ કરતા જાવ.  જો ભૂલી જાવ તો દિવસના અંતે બધા કાર્ય ભગવાનને અર્પણ કરો. કર્મને લીધે શું થવાનું છે તે ચિંતા દૂર થઈ જશે અને રાત્રે ઊંઘ પણ સરસ આવશે. ગીતા આચરણમાં કઈ રીતે લાવવી તે બતાવનારો આ અત્યંત સુંદર શ્લોક છે. 
  
 
 

3.31

યે મે મતમિદં(ન્) નિત્યમ્, અનુતિષ્ઠન્તિ માનવાઃ।
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો, મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ॥૩.૩૧॥

જે માણસો દોષદૃષ્ટિ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે.

ભગવાન કહે છે, અર્જુન! જે લોકો મારા મતમાં, મારા ઉપદેશમાં દોષ નથી જોતા,  અસુયા નથી કરતા,  મનમાં ભગવાનને અર્પણ કરવાથી શું થશે? એમ શંકા નથી કરતાં પરંતુ શ્રદ્ધાયુક્ત થઈને ભગવાન માટે બધા કાર્યો કરવા લાગે છે, એનું આચરણ કરે છે એ બધા કર્મથી મુક્ત થઈ જાય છે. છેવટે મનુષ્યને મોક્ષ જ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. કર્મ બંધનથી પણ મુક્ત થઈ જશે.  જે પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા એમની ભક્તિ ચાલુ જ રહે છે. તુકારામ મહારાજ જ્યારે પાંડુરંગ સાથે એકરૂપ થઈ ગયા ત્યારે એમના ભજન તો ચાલુ જ હતા.
 आधी होता संतसंग। तुका झाला पांडुरंग ।
       त्याचे भजन राहिना । मूळ स्वभाव जाईना॥

તુકારામ મહારાજને પાંડુરંગના દર્શન થયા એમ ન કહેવાય પરંતુ પાંડુરંગ સાથે એકરૂપ થઈ ગયા એમ કહેવાય.
કર્મ બંધનથી મુક્ત થઈને પણ વ્યક્તિ કર્મ કરતી રહે છે. જબરજસ્તી કરવું પડે છે એટલે નથી કરતી પણ મુક્ત થઈને કરે છે. 




3.32

યે ત્વેતદભ્યસૂયન્તો, નાનુતિષ્ઠન્તિ મે મતમ્।
સર્વજ્ઞાનવિમૂઢાંસ્તાન્, વિદ્ધિ નષ્ટાનચેતસઃ॥૩.૩૨॥

પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, તે અવિવેકી મનુષ્યોને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ.


ભગવાન કહે છે, કોઈ કોઈ લોકો અસૂયા રાખીને, આમાં દોષ જોઈને મારા મતનું અનુસરણ નથી કરતા તે અજ્ઞાની છે એમ જાણીને એની તરફ ધ્યાન ન આપ. તું તારું કાર્ય આ રીતે કરતો રહે.  
મયિ સર્વાણિ કર્માણિ, સંન્યસ્યાધ્યાત્મચેતસા ।"
પૂજ્ય સ્વામીજીએ એક મહત્ત્વપૂર્ણ વાત કરી હતી. જીવનમાં સફળતા જોઈતી હોય તો, એ રાજમાર્ગ છે, હાઇવે છે. આ માર્ગ પર ચાલો જીવનના
આચરણમાં લાવો તો મુક્તિ ચોક્કસ મળશે જ.
   " યત્ર યોગેશ્વર: કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર:
     તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥"
  જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
"देखैं शवाच्या हातीं दिधलें । जैसें रत्‍न कां वायां गेलें ।
नातरी जात्यंधा पाहलें । प्रमाण नोहे ॥
कां चंद्राचा उदयो जैसा । उपयोगा न वचे वायसा ।
मूर्खा विवेकु हा तैसा । रुचेल ना ॥" 

જેમ મરેલા માણસના હાથમાં હીરા-મોતી આપીએ એનો કંઈ ઉપયોગ નથી એમ હીરા-મોતી જેવા ભગવાનના વચનોને જે આચરણમાં નથી લાવતા તેનો કોઈ ઉપયોગ નથી. ભગવદ્ગીતા વિજય મેળવવાનું, આનંદથી જીવન જીવવાનું શાસ્ત્ર છે. આ હીરા-મોતી જેવા વચનો જીવનમાં લાવીશું તો વિજય નિશ્ચિત છે. જીવન નીખરી જશે. ભગવદ્ગીતા વિજયી થવાનું શાસ્ત્ર છે, આનંદમાં જીવન જીવવાનું શાસ્ત્ર છે. આ બધું કાર્ય ભગવાનને અર્પણ કરીશું અને શાંત થઈને મુક્ત થઈ જઈશું તો રાત્રે ઊંઘ પણ સારી આવશે. જેમ ભગવાને કહ્યું તેમ કર્મભાવ સાથે એમના ચરણોમાં આજનું વિવેચન અર્પણ કરું છું. આ સાથે જ વિવેચન સંપૂર્ણ થયું અને પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું. 
 પ્રશ્નોત્તરી :
સવાલ : ૧  ગયા વખતે એક દીદીએ કેશવ શબ્દનો અર્થ પૂછ્યો હતો, "ન્યગ્રોધોદુંબરો શ્વસ્થા:" જે વિષ્ણુ સહસ્ત્રનામમાં આવે છે તેનો અર્થ પણ પૂછ્યો હતો.
જવાબ : જેના વાળ અત્યંત સુંદર છે, વાંકડિયા છે, લાંબા છે અથવા જેણે કેશી નામના દૈત્યનો વધ કર્યો છે તે કેશવ છે.  
વિષ્ણુ સહસ્ત્રનામમાં "ન્યગ્રોધોદુંબરો શ્વસ્થા:" એવા વિષ્ણુના ત્રણ વૃક્ષાત્મક નામ છે. ન્યગ્રોધ એટલે વડનું ઝાડ; ઔદુંબર એટલે ઉંબરનું વૃક્ષ અને અશ્વત્થ પીપળાનું વૃક્ષ. આ ત્રણેય વૃક્ષો પૂજનીય છે.

 સવાલ : ૨  અભિષેક ભૈયા
૩૦મા શ્લોકનો અર્થ સમજાવો.
જવાબ : જ્વર એટલે સંતાપ. યુદ્ધ કરતી વખતે ગુસ્સો કે સંતાપ ન કરતાં, આ મારું કર્તવ્ય કર્મ છે, સામે શત્રુ ઉભો છે ને મારા દેશની મારે રક્ષા કરવાની છે માટે ગોળી ચલાવું છું એમ વિચારીને ગોળી ચલાવવી. અર્જુન યોદ્ધા છે અને યુદ્ધ થવાનું છે એટલે એમણે એમ કહ્યું. આપણે આપણા કર્તવ્ય કર્મને સંતાપ વગર કરવાનું છે, મારે કરવું પડે છે અને માટે ગુસ્સો કરીને નહીં પણ ભગવાને આ જે કાર્ય મારી સામે મૂક્યું છે તે મને કરવા માટે ભગવાને નિયુક્ત કર્યો છે એમ વિચારીને કાર્ય કરવું. કર્મ કરવા તરફ આપણો દ્રષ્ટિ કોણ બદલવો જોઈએ.
સવાલ : ૩. ઉપેન્દ્રભૈયા
૬ઠા શ્લોકમાં "કર્મેન્દ્રિયાણી સંયમ્ય" લખ્યું છે અને સાતમા શ્લોકમાં " યસ્ત્વિંદ્રીયાણી મનસા" લખ્યું છે તો છઠ્ઠામાં ફક્ત કર્મેન્દ્રિયોનો જ કેમ ઉલ્લેખ છે? 
 જવાબ :
કર્મેન્દ્રિયો દ્વારા કર્મ થાય છે. જીભ કર્મેન્દ્રિય છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે. કર્મ આપણે ઈંન્દ્રિયો દ્વારા કરીએ છીએ. આજે એકાદશી છે હું અનાજ નહીં ખાઉં એમ વિચારું પણ આખો દિવસ વિચાર કરું કે કાલે તો હું સમોસા ખાઈશ, મનથી સ્મરણ કરે છે તે મિથ્યા છે. અહીં કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને શબ્દો બધી ઈંન્દ્રિઓ માટે જ વપરાયા છે. કેટલીક ઇન્દ્રિયો ફક્ત કર્મેન્દ્રિય છે જેમાં હાથ અને પગ આવે છે. 
સવાલ : ૪  સુધાંશુભૈયા
ગીતાજીમાં જ્યાં ધર્મ શબ્દ આવે છે ત્યાં સ્વકર્મ સમજવું એમ કહે છે તો ૧૮મા અધ્યાયમાં "સર્વ ધર્માન્ પરિત્યજ્ય" એ શ્લોકમાં કયા ધર્મને ત્યજવાની વાત છે?
 જવાબ : બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. ભગવાન જ્યારે કહે છે "સર્વ ધર્માન્ પરિત્યજ્ય" એમાં કર્તવ્ય કર્મ છોડવાની વાત નથી પણ આપણા મનમાં જે ધર્મ અધર્મ આવે છે, આ કરું કે આ ન કરું ? યુદ્ધ કરું કે ન કરું? એ જે વિચારો આવે છે તે છોડવાની વાત છે. ભગવાન કહે છે, મારી શરણમાં આવી જાવ અને અંતરંગમાં તમને જે પ્રેરણા થશે એ કરો, એ જ ધર્મ બની જશે. 
૧૬મા અધ્યાયના અંતિમ શ્લોકમાં ભગવાન કહે છે કાર્ય શું છે, અકાર્ય શું છે એનો નિશ્ચય કરવા માટે શાસ્ત્રોને પ્રમાણ માનો. આપણી શ્રદ્ધા શાસ્ત્રો પર છે પણ આપણે એને જાણતા નથી. આપણે શાસ્ત્રો પર શ્રદ્ધા રાખવાની છે. આ અધ્યાયમાં ભગવાને "ઓમ તત્ સત્ " આ મંત્ર આપ્યો છે. ઓમ ભગવાનનું નામ છે, તત્ એટલે આ કાર્ય ભગવાન માટે કરું છું એ ભાવ રાખો અને સત્ કહીને ભગવાનને અર્પણ કરો. જો કોઈ આ રીતે કાર્ય કરે છે તો એ સત્કાર્ય બની જાય છે. ભગવાન કહે છે ધર્મ શું છે,  અધર્મ શું છે એમાંથી મુક્ત થઈને મારે શરણે આવી જા, તારી ચિંતાઓ મટી જશે, પાપ પુણ્યમાંથી તું છૂટી જઈશ. ભગવાનના અનુસંધાનમાં કરેલા બધા કર્મો પોતાની મેળે જ સત્કર્મ થઈ જશે. આપણાથી ખોટું કાર્ય થતું હશે તો આપણા અંતરંગથી ભગવાન સૂચના આપશે અને આપણે એ કામ નહીં કરીએ. 
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી સત્રની સમાપ્તિ થઈ.
       ॥  ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥