विवेचन सारांश
કુરુક્ષેત્રમાં શંખનાદ
ગીતા પરિવારની પરંપરા મુજબ શ્રીકૃષ્ણની પ્રાર્થના સાથે શરૂઆત થઇ. દીપ પ્રજવલન થયું. ગુરુ વંદના સાથે વિવેચનની શરૂઆત કરી.
ભગવદ્ગીતાના પહેલા અધ્યાયનું ચિંતન આપણે ગયા અઠવાડીયે ચાલું કર્યું. ગયા અઠવાડિયે આપણે દસ શ્લોકો પૂરા કર્યા અને આ 10 શ્લોકોમાં આપણે જોયું કે “વિષાદ” પણ “યોગ” કેવી રીતે બની જાય છે! જ્યાં સુધી મનમાં પ્રશ્ન ન થાય, મનમાં જીજ્ઞાસા ન થાય, દિલ ભરાઈ ન જાય, ત્યાં સુધી યોગનો માર્ગ શરૂ થતો નથી અને એટલે જ આપણા બધા ઉપનિષદો પ્રશ્નો સાથે શરૂ થયા, જિજ્ઞાસા સાથે શરૂ થયા. જ્યારે મનમાં ભક્તિ ઉદ્ભવે છે તો સૌથી પહેલા તે બહાર દેખાય છે, તે આંખો દ્વારા દેખાય છે, આંખો છલકી ઊઠે છે, આંખોમાં પાણી ભરાઈ આવે છે. જો ભગવાન સામે બેસીને બધી વિપરીત પરિસ્થિતિઓમાં પણ જો તમારી આંખોમાં પાણી ભરાઈ જાય તો સમજી લેવું કે આજે “વિષાદ” તમને યોગ તરફ લઈ જશે. ફક્ત પોતાના માટે રડવું અથવા તો પોતાની ખૂબીઓના વખાણ કરવા તે સ્વાર્થની નિશાની છે. પણ અર્જુનને જે “વિષાદ”નો યોગ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે એવી જગ્યાએ આવીને ઊભો છે કે ત્યાંથી તે અધ્યાત્મ તરફ છલાંગ લગાવી શકે છે. અર્જુન આ અધ્યાયમાં વિષાદગ્રસ્ત થઈ જાય છે. પણ શરૂઆતથી નહી, જ્યાં સુધી રથ બંને સેનાની વચ્ચે નથી પહોંચતો, ત્યાં સુધી તે એકદમ વિશ્વાસમાં, ઉત્સાહમાં હતો અને એટલે જ વારેવારે પોતાનું ગાંડીવ ઉપાડીને તેની યુદ્ધ માટેની તૈયારી હોવાનો સંકેત આપતો હતો. જ્યાં સુધી રથ બેઉ સેનાની વચ્ચે નથી આવતો ત્યાં સુધી તેના મનમાં ગ્લાનીનો ભાવ ઉત્પન્ન થયો ન હતો. પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રના મુખમાં આપવામાં આવ્યો છે. ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે..... આની શરૂઆત “ધર્મ” શબ્દ સાથે થઈ. ભગવદ્ગીતા ધર્મનો રાહ બતાવવાવાળો ગ્રંથ છે. બાકીની ભગવદ્ગીતા યાદ રહે કે ન રહે પણ ભગવદ્ગીતાનો પ્રારંભનો એક શબ્દ “ધર્મ” જો આપણા હૃદયમાં વસી જાય અને આપણે તે જ રસ્તા પર ચાલવા લાગીએ તો ભગવદ્ગીતા આપણા જીવનમાં આવી જાય છે. આ એક પ્રશ્ન પછી ધૃતરાષ્ટ્ર એક શબ્દ પણ બોલ્યા નથી. ધૃતરાષ્ટ્ર શારીરિક રીતે નેત્રહીન છે. પણ માત્ર ભૌતિક દ્રષ્ટિથી જ નહીં તેઓ અંતરથી પણ દ્રષ્ટિહીન છે. તેઓ સૂઈ ગયા છે, પુત્ર મોહમાં અંધ થઈ ગયા છે. શારીરિક રીતે અંધ હોવા છતાં પણ જો અંદરથી સૂર મળી જાય તો સૂરદાસ પણ બની શકાય. પણ ધૃતરાષ્ટ્ર જેવા અંધ જે અંદરથી પણ સૂઈ ગયેલા છે, સંજયના મુખેથી આખી ભગવદ્ગીતા તેમને કહેવામાં આવે છે, પણ તેમનું જાગવું મુશ્કેલ છે. પહેલા દસ શ્લોકોમાંઆપણે જોયું કે દુર્યોધન કે જેની પાસે 11 અક્ષૌહિણી સેના છે, ગુરુ દ્રોણાચાર્ય - જેઓ સેનાના એક અગત્યના સેનાની છે - પાસે જઈને આખી સેનાનું વર્ણન કરે છે કે જુઓ સામે કોણ-કોણ છે? અને આપણી સેનામાં કોણ-કોણ છે. દ્રોણાચાર્યને ખુશ કરવાનો પણ પ્રયાસ કરે છે. પણ દ્રોણાચાર્ય નાનપણથી જ દુર્યોધનને બહુ જ સારી રીતે ઓળખતા હતા એટલે તેની આ બધી વાતોની કોઈ અસર દ્રોણાચાર્યના ચહેરા પર જોવા મળતી નથી. દુર્યોધન તેમની આ પ્રતિક્રિયાથી તકલીફ અનુભવે છે. તો દુર્યોધને વિચાર્યું કે ચાલો, હવે ભીષ્મ પિતામહને પણ થોડા ખુશ કરી દઉં! કારણ કે તેઓ તો કૌરવ સેનાના સેનાપતિ છે. તો દુર્યોધને ભીષ્મ પિતામહને ખુશ કરવા માટે આગળની વાત થોડા ઊંચા અવાજે કહી કારણ કે ગુરુ દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ થોડા દૂર ઊભેલા હતા. દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે ઉભો હતો અને ત્યાં ઉભા રહીને ભીષ્મ પિતામહને સંભળાયતે રીતે પોતાની સેનાને સંબોધીને કહે છે.
1.11
અયનેષુ ચ સર્વેષુ, યથાભાગમવસ્થિતાઃ।
ભીષ્મમેવાભિરક્ષન્તુ, ભવન્તઃ(સ્) સર્વ એવ હિ॥૧.૧૧॥
દુર્યોધન ત્યાં રહેલી સેનાને ઉદ્દેશીને કહે છે, તે બધા મહારથીઓને કહે છે કે આપ બધા દરેક મોરચા પર પોતપોતાના સ્થાને દ્રઢ રહી ભીષ્મ પિતામહનું બરાબર રક્ષણ કરજો. આ કહેવાની શું કંઈ જરૂર હતી? યુદ્ધ શરૂ થવાનું છે તો દરેક વ્યક્તિને પોતપોતાની જવાબદારીનો તો ખ્યાલ છે જ! પણ આ ભીષ્મપિતામહ જે આપણા સેનાપતિ છે તેમનું રક્ષણ કરવાનું છે એમ કહેવાની જરૂર શું હતી? દુર્યોધનના મનમાં એક સંદેહ હતો કે ગુરુ દ્રોણનો સૌથી પ્રિય શિષ્ય અર્જુન છે અને તેથી તેઓ ઉભયપક્ષી બની શકે. તેઓ હસ્તિનાપુરનરેશ પાસેથી ધનુર્વિદ્યા શીખવવા માટે વેતન સ્વીકારે છે એટલે મજબૂરીમાં લડવા તો આ તરફ ઊભા છે, પણ બની શકે કે તેઓ બંને તરફ ધ્યાન આપે અથવા એવું પણ બની શકે કે તેઓ સામેના પક્ષ તરફથી લડે. પરંતુ ભીષ્મ પિતામહ તો પોતાની પ્રતિજ્ઞાથી હસ્તિનાપુરની રાજગાદીની સેવા કરવા માટે બંધાયેલા છે. તેથી તેમના માટે તેના મનમાં કોઈ શંકા નથી. એટલે તો તમને સૌથી પહેલા સેનાપતિ બનાવ્યા છે. તેઓ ખરેખર એક શૂરવીર યોદ્ધા પણ છે, વયોવૃદ્ધ છે, તપોવૃદ્ધ છે, અનુભવથી વૃદ્ધ છે, તેમની રક્ષા કરવાનું દુર્યોધન કહે છે. આનું એક બીજું કારણ પણ છે દુર્યોધનને ચિંતા છે કે ભીષ્મપિતામહ પોતાની પ્રતિજ્ઞા માટે એકદમ દ્રઢ છે. એટલે એમાં કોઈ શંકા નથી કે તેઓ હસ્તિનાપુરની રક્ષા કરશે પરંતુ તેઓ બીજી પણ પ્રતિજ્ઞાઓથી બંધાયેલા છે. તેમાંની એક પ્રતિજ્ઞા એ પણ છે કે તેઓ કોઈ મહિલા ઉપર પોતાના શસ્ત્રો ચલાવશે નહીં. અને ભીષ્મ પિતામહને એ ખ્યાલ છે કે શિખંડી નામનો જે મહારથી સામે ઉભો છે તે આ જ જન્મમાં પહેલા સ્ત્રી હતો. તેણે ખૂબ તપશ્ચર્યા કરીને પુરુષત્ત્વ પ્રાપ્ત કરેલું. આમ આ જ જન્મની પૂર્વમાં રહેલી સ્ત્રી શિખંડી પર ભીષ્મ પિતામહ બાણ ચલાવશે નહીં અને એટલે જ ભીષ્મ પિતામહની ચારે બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરવાની વાત દુર્યોધન પોતાના સેનાનીઓને કહી રહ્યો છે. તેનું એક વધુ કારણ એ પણ છે કે તે ભીષ્મ પિતામહને ખુશ કરવા માંગે છે. ભીષ્મ પિતામહ પ્રસન્ન થઈ ગયા. દુર્યોધનને મારી કેટલી ચિંતા છે? અને તે જ આનંદમાં આવીને તેમણે પોતાનો શંખ ઉપાડ્યો અને શંખનાદ કર્યો.
તસ્ય સઞ્જનયન્હર્ષં(ઙ્), કુરુવૃદ્ધઃ(ફ્) પિતામહઃ।
સિંહનાદં(વ્ઁ) વિનદ્યોચ્ચૈઃ(શ્), શઙ્ખં(ન્) દધ્મૌ પ્રતાપવાન્॥૧.૧૨॥
દુર્યોધનને ખુશ કરવા માટે અને તેને તે બતાવવા માટે કે તેની વાત મેં સાંભળી લીધી છે, કૌરવોમાં વૃદ્ધ કુરુવૃદ્ધ ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો. આપણે ગયા અઠવાડિયે જોયું કે કુરુવંશનો એક વયોવૃધ સદસ્ય “માહિક” પણ આ સેનામાં શામેલ છે. જે શાન્તનુંનો નાનો ભાઈ છે. શાન્તનુંના નાના ભાઈ એટલે કે ભીષ્મ પિતામહના કાકા. આમ ભીષ્મ પિતામહના કાકા સ્વભાવિક રીતે જ ભીષ્મથી વૃદ્ધ જ હોવાના! તેઓ જયારે આ યુદ્ધમાં શામેલ છે તો ભીષ્મ પિતામહને કુરુવૃદ્ધ કહેવાની શું જરૂર છે? પણ ધર્મની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, પરાક્રમની દ્રષ્ટિએ, ભીષ્મ ખરેખર મહાન છે. વૃદ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે, તપોવૃદ્ધ છે અને એટલે કુરુવૃદ્ધ છે. આચાર્ય દ્રોણ તેના શિષ્યની ચાલાકીઓથી પરિચિત હતા એટલે તેઓ તેના વચનોનો કોઈ પ્રતિભાવ આપતા નથી પરંતુ દાદાજી તો દાદાજી હોય છે! તેઓને પોતાના પૌત્રનો ચાલાકી ભર્યો વ્યવહાર સમજમાં આવતો નથી. તેમના મનમાં સ્નેહનો અપાર ભાવ રહેલો હોય છે અને દાદાજી ભીષ્મ પિતામહે સાર્થક કર્યો. તેઓએ શંખનાદ કરી દીધો. આ શંખનાદ ખુશીના કારણે કરવામાં આવેલો શંખનાદ છે. અન્યથા યુદ્ધ શરૂ કરવા માટે પણ એક શંખનાદ કરવામાં આવે છે. તેનો ધ્વનિ અલગ હોય છે. અહીં જે શંખનાદ કરવામાં આવ્યો તે ભીષ્મ પિતામહ પોતાનો ઉત્સાહ બતાવવા માટે કર્યો છે. આ શંખની ધ્વની સાંભળીને બીજા કૌરવો પણ પોતપોતાના શંખ અને અન્ય વાદ્યો વગાડવા લાગ્યા. યુદ્ધમાં ઘણાં પ્રકારના વાદ્ય લાવવામાં આવે છે જેમકે ઢોલ, નગારા, શંખ. આ બધા વાદ્યો યુદ્ધ ભૂમિમાં લાવવાનું શું કારણ હોય છે? આ બધા વાદ્યોના અવાજથી શત્રુસેનામાં ભય ઊભો કરવાનો હેતુ હોય છે. ધ્વનિનો પણ હૃદયથી મનથી એક ઊંડો સંબંધ હોય છે. આજે જે વિમાનો ઉડે છે તે સાઇલેન્સર સાથે ઉડે છે પણ સેનાના વિમાનો સાઇલેન્સર વિના ઉડાડવામાં આવે છે. તમે જોયું હશે કે સેનાના વિમાન ઉડે ત્યારે બહુ જ ભયંકર અવાજ કરે છે. આ ભયંકર અવાજ એટલા માટે હોય છે કે જેનાથી શત્રુના મનમાં ભયકંપ ઉત્પન્ન થાય.
તતઃ(શ્) શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ, પણવાનકગોમુખાઃ।
સહસૈવાભ્યહન્યન્ત, સ શબ્દસ્તુમુલોઽભવત્॥૧.૧૩॥
ઢોલ - નગારા વાગવા માંડ્યા. જોર-જોરથી અવાજ કરવા લાગ્યા. ઢોલ પીટવામાં આવ્યા. પખવાજ કે જે બે હાથથી વગાડવામાં આવે છે તે વગાડવામાં આવ્યા, ગોમુખ એટલે કે મોઢાથી વગાડવાનું સિંગ હોય છે. આ રીતે એક સાથે જે બધા વાદ્યો વાગ્યા તેનાથી ભયંકર નાદ (અવાજ) ઉત્પન્ન થયો. એ નાદ, અવાજથી આખું વાતાવરણ ભય કંપિત બની ગયું. આ બધું ધૃતરાષ્ટ્રએ પૂછેલું કે મારા અને પાંડવોના પુત્રો યુદ્ધ મેદાનમાં શું કરે છે તેના જવાબમાં સંજય દ્વારા ધૃતરાષ્ટ્રને કહેવામાં આવી રહ્યું છે. સંજય અત્યાર સુધી કૌરવો શું કરે છે તે બતાવ્યું. પાંડવો શું કરે છે તે હવે બતાવશે.
તતઃ(શ્) શ્વેતૈર્હયૈર્યુક્તે, મહતિ સ્યન્દને સ્થિતૌ।
માધવઃ(ફ્) પાણ્ડવશ્ચૈવ, દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ॥૧.૧૪॥
“હયગ્રીવ” નામના એક દેવતા છે. તેમનું મુખ ગ્રિવ એટલે ઘોડા જેવું છે. હયએટલે ઘોડો અને અગ્રીવ એટલે મુખ. અર્જુનના રથમાં જે ઘોડા લગાડવામાં આવ્યા છે તે ઘોડા સફેદ રંગના છે. ચિત્રરથ નામના ગંધર્વએ અર્જુનને શ્વેત રંગના 100 અશ્વ ભેટ આપેલા. આ ઘોડા બહુ અદ્ભુત હતા. તેની વિશેષતા એ હતી કે તે સો ના સો બની રહેતા. જો એક ઘોડો મૃત્યુ પામે તો બીજો તેનું સ્થાન લઈ લેતો. આમ નવો ઘોડો ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ તે ઘોડાઓમાં હતી. તેઓ સો ના સો બની રહેશે તે પ્રકારનું વરદાન તેમને પ્રાપ્ત હતું. આ ઘોડા બહુ જ ભાગ્યશાળી હતા કે જેમની લગામ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના હાથમાં પકડેલી. એટલું જ નહીં પરંતુ રોજ સાંજે ભગવાન પોતે તેમને પાણી પીવડાવવા લઈ જતા હતા. સારથી હોવાના કારણે તેમના કર્મ મુજબ તેમની સાર સંભાળ કૃષ્ણ ભગવાન ખુદ રાખતા. રોજ ઘોડાઓની સાર સંભાળ રાખવાની, તેમને બ્રશ કરાવવાનું, તેમની પીઠ પર પ્રેમથી હાથ ફેરવવો, જેથી બીજા દિવસ માટે તે ફરીથી તૈયાર થઈ જાય. ભગવાન તે ઘોડાઓની લગામ પકડે છે, અને સાંજે તેની સેવા પણ કરે છે. આવા સૌભાગ્યશાળી સફેદ રંગના ઘોડાઓ એક બહુ જ મોટા રથમાં જોડાયેલા છે. બહુ જ મોટા એટલે કેટલા મોટા? આપણે થોડો અંદાજ કરીએ! આ મહાન રથ આવ્યો તો ક્યાંથી? આ મહાન રથ - ચાર અશ્વોવાળા રથમાં અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ બેઠેલા છે. તેમણે બંનેએ શંખ વગાડ્યા. આ રથ અગ્નિ દ્વારા અર્જુનને ભેટ આપવામાં આવેલો રથ છે. અર્જુન અને અગ્નિને શું સંબંધ છે? મહાભારતની એક એક વાત ખુબ સુંદર છે! જેમ-જેમ સાંભળો તેમ તેમ સારી લાગે છે. જ્યારે ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોને ખાંડવવન આપવામાં આવ્યું કે આ અડધું રાજ્ય પાંડવોનું છે તેમ કહી ધૃતરાષ્ટ્રએ તે ખાંડવવન પાંડવોને સોંપેલું. ત્યાં નગરી વસાવવી હતી, તો નગરી વસાવવા માટે તે ખાંડવવનને સાફ કરવું ખૂબ જરૂરી હતું અને જંગલને સાફ કરવા માટે અગ્નિ લગાવવી એકદમ સરળ રસ્તો છે કે જેથી બધા જ લાકડાઓ ભડભડ બળી જાય અને જંગલ સપાટ જમીન બની જાય. પણ ખાંડવવનની રક્ષા કરવાનું કામ હંમેશા ઈન્દ્રદેવ કરતા હતા. જ્યારે જ્યારે ખાંડવવનમાં આગ લાગતી ત્યારે ત્યારે ઇન્દ્રદેવ ત્યાં વરસાદ કરી દેતા. જ્યારે અર્જુન ત્યાં તેને સળગાવવા માટે ઉભો રહ્યો ત્યારે સ્વાભાવિક રીતે જ ઇન્દ્રદેવે પોતાનો પ્રભાવ થોડો રોકવો પડ્યો. અને તે ખાંડવવનમાં આગ લગાડવામાં આવી. આ ખાંડવવનને સળગાવવાની અગ્નિદેવની ઘણા વર્ષોથી ઈચ્છા હતી, તેનું કારણ એ હતું કે અસંખ્ય યજ્ઞ થયા અને તે યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવતી, જે ઘી ચઢાવવામાં આવતું કે જેનાથી અગ્નિદેવને અજીર્ણ થઈ ગયું. અગ્નિદેવનું પેટ દુઃખે છે. કેટલાય વર્ષોથી દુઃખે છે. ખાંડવવનમાં અમુક વનસ્પતિઓ એવી છે કે જે ખાવાથી અગ્નિદેવનું આ અપચન દૂર થઈ શકે તેમ છે. અને એટલે જ અગ્નિદેવ વારેવારે એને સળગાવવાનો પ્રયત્ન કરતા પણ ઇન્દ્રદેવ વરસાદ વરસાવી તેમાં નિષ્ફળતા અપાવતા. હવે બન્યું એવું કે જ્યારે અર્જુન ખુદ ત્યાં ઉભો રહ્યો હતો ઈન્દ્રદેવે પોતાનો પ્રભાવ ઓછો કર્યો અને અગ્નિને ઈચ્છા મુજબનું ભોજન પ્રાપ્ત થયું. તે બધી જ વનસ્પતિઓ, દવાઓ, તેના પેટમાં ગઈ અને તેના પેટમાંનું અપચન દૂર થયું અને તેનાથી ખુશ થઈ અગ્નિદેવે અર્જુનને આ રથ ભેટ આપ્યો. આ રથ એટલો મોટો છે કે તેમાં નવ બળદગાડા જેટલા અસ્ત્રો શસ્ત્રો સમાવી શકાય. વિચારો, કેટલો મોટો રથ હશે! એટલે જ તો તેને ચલાવવા માટે ચાર ઘોડાઓની જરૂર છે. જે ચિત્રરથ દ્વારા આપવામાં આવેલા સફેદ રંગના ચાર ઘોડા તેમાં લગાવવામાં આવેલા. અર્જુન અને શ્રીકૃષ્ણ પાસે દિવ્ય શંખ છે. અહીં પ્રશ્ન એ છે કે હકીકતે સેનાનો સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે. અહીં ભગવાને શંખ માટે વગાડ્યો? સેનાપતિ પહેલા શંખ વગાડે છે. શંખ વગાડી યુદ્ધ આરંભનો આદેશ કરે છે. પરંતુ જ્યાં કૃષ્ણ ભગવાન સ્વયં છે, ભલે તેઓ સારથીની ભૂમિકામાં છે, તો પણ બધાના મનમાં તેમના માટે અત્યંત પ્રેમ, સ્નેહનો ભાવ છે. એટલે તેઓ આ બધા વચ્ચે કંઈ પણ કરી શકે છે. દુર્યોધન અને અર્જુન બંને એકસાથે ભગવાન પાસે દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભગવાને કહેલું એક મારી પાસેથી મારી નારાયણી સેના લઈ લો અને એકને હું સ્વયં પોતાની જાતને સોંપીશ પણ હું કોઈ જ હથિયાર ચલાવીશ નહીં. હું નિ:શસ્ત્ર રહીશ. તેઓ શંખ વગાડે છે કારણ કે શંખ શસ્ત્ર નથી. ભગવાન ઈચ્છે તો શંખને પણ શસ્ત્ર તરીકે ઉત્તમ રીતે વાપરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે ગુરુ દ્રોણાચાર્યને માનસિક રીતે પછાડવાના હતા, તે સમયે ભગવાને શંખનો પ્રયોગ કર્યો છે. એ ખૂબ જ અદ્ભુત છે. શું કરેલું? એક અશ્વત્થામા નામના હાથીને મારી નાખવામાં આવ્યો. અશ્વત્થામા એટલે કે ગુરુ દ્રોણાચાર્યના પુત્ર. જ્યારે અશ્વત્થામાને પીવા માટે દૂધ નહોતું ત્યારે બાલ્યાવસ્થાના મિત્ર દ્રુપદ પાસે ગુરુ દ્રોણ ગયેલા. દ્રુપદે અપમાનિત કર્યા. એટલા માટે હસ્તિનાપુર આવ્યા અને સવેતન પોતાની શસ્ત્ર વિદ્યા વેચવાનું સ્વીકાર્યું. અને તેઓએ 105 કૌરવો - પાંડવોને શસ્ત્રવિદ્યા શીખવી. હસ્તિનાપુર આવવા માટે તેમની પાસે એક બીજું કારણ પણ હતું. તે હતું કે જેણે એક ગાય આપવાનો નનૈયો કરી દીધો, તેવા બાળસખા દ્રુપદનું આખું રાજ્ય પોતાને સોંપી દેવા માટે મજબૂર કરવો. અને તેના માટે તે પ્રકારની યોગ્યતાવાળા શિષ્યો, ધનુર્ધરો તૈયાર કરવા હતા. અને જ્યારે કૌરવો પાંડવોની અભ્યાસ પૂરો થયો, ત્યારે ગુરુદક્ષિણાના બદલે રાજા દ્રુપદને બાંધીને લાવવાનો આદેશ તેમણે પોતાના શિષ્યોને કરેલો. કૌરવ, પાંડવોએ તેમના ગુરુજીની ઈચ્છા પૂર્ણ કરી. દ્રુપદને, તેની સેનાને હરાવીને, બાંધીને તેમની સામે રજૂ કર્યા. ત્યારે ગુરુ દ્રોણ કહે છે દ્રુપદ! અડધું રાજ્ય આપવાનું વચન હતું પણ તેં તો એક ગાય પણ ન આપી ત્યારે હું તને કહીને આવ્યો હતો કે તારું આખું રાજ્ય હું છીનવી લઈશ. જો આજે મારા શિષ્યો એ તારું આખું રાજ્ય મારા ચરણોમાં સમર્પિત કર્યું છે. બોલ તારું હવે શું કરું? જો હું ઈચ્છું તો તને અહીં જ મારી શકું છું, હું ઇચ્છું તો તને બંદીવાન બનાવી શકું છું, પણ નહીં! હું તો બચપણની દોસ્તીને યાદ રાખું છું. જા, હું તને મુક્ત કરું છું. તું જ તારા રાજ્ય પર રાજ કર. તેમને અશ્વત્થામા એકદમ પ્રિય હતો. અશ્વત્થામા નામના હાથીને મારી નાખવામાં આવ્યો અને આખા મેદાનમાં વાત ફેલાવી દેવામાં આવી કે અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. આ વાત જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે પહોંચી તો તેઓ વ્યથિત થઈ ગયા. તેઓએ વિચાર્યું કે શું આ વાત સાચી છે? મારો પુત્ર અશ્વત્થામા આમ મરી ન શકે! કેવી રીતે મરી ગયો? આનો જવાબ કોણ આપશે? ગુરુ દ્રોણાચાર્ય યુધિષ્ઠિર કે જેઓ ક્યારેય પણ જુઠ્ઠું બોલ્યા નથી પાસે જાય છે. કૃષ્ણ ભગવાને પહેલેથી જ યોજના બનાવી રાખેલી. યુધિષ્ઠિરને સમજાવી દીધેલું કે તમારે ગુરુ દ્રોણાચાર્ય તમારી પાસે આવશે અને પૂછશે કે શું અશ્વત્થામા મરાયો છે? ત્યારે તરત જ યુધિષ્ઠિર કહે છે હે માધવ, શું તમે મને જૂઠું બોલવા માટે કહો છો? ધર્મરાજ આજ સુધી ક્યારેય જૂઠું બોલ્યા નથી, તો હું જૂઠું કેવી રીતે બોલું? ભગવાન કહે છે કે કોણ તને જૂઠું બોલવાનું કહે છે? હું આવું કંઈ કહેવા આવ્યો નથી. હું બસ એટલું કહેવા આવ્યો છું કે તું આખું સત્ય ન બતાવીશ પણ અર્ધસત્ય કહેજે. ગુરુ દ્રોણાચાર્ય જ્યારે તને પૂછે કે શું અશ્વત્થામા મરાયો છે ? તારે ત્યારે એટલું જ કહેવાનું છે હા,હા, અશ્વત્થામા મરાયો છે પણ હા તેનાથી આગળ અર્ધસત્ય કહેવાનું છે કે નરોવા કુંજરોવા..... નર કે હાથી? તે મને ખ્યાલ નથી. બસ તારી સાચું બોલવાની છે પ્રતિજ્ઞા છે તે પૂર્ણ થશે. મારું પણ કામ થઈ જશે. જુઓ, શસ્ત્ર ચલાવ્યા વિના કૃષ્ણ ભગવાન શું કરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે ! અને ખરેખર એવું જ થયું! જ્યારે દ્રોણાચાર્યને અશ્વત્થામા મરાયાની વાત જાણવા મળી તો તેઓ દોડતાં-દોડતાં ધર્મરાજ યુધિષ્ઠિર પાસે આવીને પૂછવા લાગ્યા. શું મારો પુત્ર ખરેખર મરાયો છે? યુધિષ્ઠિરને પહેલેથી જ સમજાવી દેવામાં આવેલું એ જ રીતે તેઓ બોલ્યા અશ્વત્થામા હતા: । અશ્વત્થામા હણાયો છે. બસ આટલું કહેવાથી જ ગુરુ દ્રોણાચાર્યની સાંભળવાની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ. યુધિષ્ઠિર આગળ તેમને સમજાવ્યા મુજબ ધીમા અવાજે કહ્યું પણ ખરું નરોવા - કુંજરોવા. પણ કૃષ્ણ ભગવાનને તેમના પર પૂરો ભરોસો ન હતો તેથી તેઓએ આ વાક્ય કોઈને સંભળાય નહીં તે રીતે શંખધ્વનિ કરી. આ છે કૃષ્ણનીતિ. દુર્યોધને જ્યારે કહ્યું કે ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના પર્યાપ્ત છે એનું મુખ્ય કારણે એ હતું કે કૃષ્ણ ભગવાન તેમના સાથે ઉભેલા છે. ભીષ્મ દ્વારા રક્ષાયેલી આપણી સેના જીત માટે પર્યાપ્ત નથી કારણકે સામેના પલડામાં ભગવાન શ્રીકૃષ્ણ છે.
પાઞ્ચજન્યં(મ્) હૃષીકેશો, દેવદત્તં(ન્) ધનઞ્જયઃ।
પૌણ્ડ્રં(ન્) દધ્મૌ મહાશઙ્ખં(મ્), ભીમકર્મા વૃકોદરઃ॥૧.૧૫॥
“ઋષિકેશ” એટલે કે અંતરયામી એવા શ્રી ભગવાન કૃષ્ણે પંચજન્ય નામે શંખ ફૂંક્યો. અર્જુને દેવદત્ત નામે શંખ વગાડ્યો અને તેમની પાછળ બાકીના પાંડવોએ પણ યુદ્ધમાં શંખધ્વનિ કરી. તે યુદ્ધભૂમિ પરનો સૌથી મોટો શંખ “પૌન્ડ્ર” ભીમે વગાડ્યો. આમાં કેટલાક શબ્દોની વ્યાખ્યા સમજવી જરૂરી છે. પંચજન્ય શંખ , પંચજન્ય નામના એક દૈત્યને મારીને બનાવવામાં આવેલો. કૃષ્ણએ જ્યારે તે દૈત્યને માર્યો ત્યારે તે દૈત્યે કહ્યું કે આપના હાથેથી મૃત્યુ મળવું એ બહુ ભાગ્યની વાત છે પણ હે કૃષ્ણ, એક વાતનું ધ્યાન રાખજો, મને હંમેશા પોતાની પાસે રાખજો. ભગવાને તેની ઈચ્છા પણ પૂર્ણ કરી. તેને મારીને તેના દેહમાંથી આ શંખ બનાવી હંમેશા પોતા પાસે રાખ્યો. અને આમ તેનું નામ “પંચજન્ય” રાખ્યું. ધનંજય શબ્દ અર્જુન માટે પ્રયોજવામાં આવ્યો છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ માટે અને અર્જુન માટે જે જે શબ્દો સંબોધવામાં આવ્યા છે તે દરેક શબ્દનો ગુઢાર્થ રહેલો છે. જ્યારે પાંડવોને ખાંડવવન આપવામાં આવ્યુ, ત્યારે ત્યાં નગરી બનાવવા માટે - ત્યાં તેઓએ ઇન્દ્રપ્રસ્થ નામે નગરી બનાવી - તેઓને ધનની જરૂર હતી અને તે માટે અર્જુને આસપાસના રાજાઓને હરાવી તેઓનું ધન છીનવી તેમાંથી આ નગરી બનાવેલી અને તેથી તેને ધનંજય, ધન જીતનારો, કહેવાય છે. દેવદત્ત શંખ ક્યાંથી આવેલો ? અર્જુને ઇન્દ્રની મદદ કરેલી. પહેલા તો તેણે ભગવાન શિવ શંકરની ઉપાસના કરી . શિવજીને પ્રાર્થના કરી કે મારે વનવાસમાં બાર વર્ષ રહેવાનું છે તો તેમાંથી એક વર્ષ મને ઇન્દ્રનગરીમાં રહેવા મળે, અને ત્યાં જઈને હું જાત જાતના શસ્ત્રોનો અભ્યાસ કરી શકું. ત્યારે ભગવાન શિવજીએ ઈન્દ્રને કહ્યું કે તમે અર્જુનને તેડી લાવો. ઇન્દ્ર પોતાના રથમાં તેમને સ્વર્ગમાં લઈ આવ્યા. ઇન્દ્રે કહ્યું કે તારે શસ્ત્રવિદ્યા સાથે નૃત્યવિદ્યા પણ શીખવી પડશે. અર્જુન કહે છે કે હું મહારથી, હું પરાક્રમી, વીર. હું નૃત્ય શીખીને શું કરીશ? ઇન્દ્ર કહે, ના એ નહીં ચાલે, દેવોને પણ બધી જ વિદ્યાનો ખ્યાલ હોવો જોઈએ. એટલે તું બધી અપ્સરાઓના નૃત્યને ધ્યાનથી નિહાળ. હવે અર્જુન બધી જ અપ્સરાઓના નૃત્યને ધ્યાનથી જોવા લાગ્યો. તેમાં ઉર્વશી નામે એક નૃત્યાંગના હતી, અર્જુન તો નૃત્ય શીખવાના ઇરાદે તેની સામે બરાબર નિહાળી રહ્યો હતો. અને ઉર્વશી પણ નૃત્ય કરતા કરતાં વચ્ચે-વચ્ચે અર્જુન તરફ જોઈ લેતી અને તેને ખ્યાલ આવ્યો કે અર્જુન તેને બહુ જ રસ પૂર્વક નિહાળી રહ્યો છે. અને ઉર્વશીના મનમાં એવો ભાવ આવ્યો કે અર્જુન તેના પર મોહિત છે. અને આમ અર્જુનના તેના તરફ વારેવારે જોવાથી ઉર્વશી સાંજના સમયે તેની પાસે પહોંચી અને તેમને કહ્યું કે મારો પ્રેમ સ્વીકાર કરો. અર્જુને ખૂબ જ વિનમ્રતા સાથે મનાઈ કરી દીધી. જુઓ તમે મારા પિતા ઈન્દ્રને પ્રેમ કરો છો, એટલે તમે મારા માતા જેવા થયા. તમે આ ખોટી વાત મારી સાથે ન કરો. અપ્સરાઓ માટે કોઈ જ પ્રકારના સંબંધ હોતા નથી. જે પ્રકારના સંબંધ પૃથ્વીલોક પર હોય છે, તેવા પ્રકારના સંબંધ સ્વર્ગલોકમાં હોતા નથી. ઉર્વશીને ખૂબ ખરાબ લાગ્યું, તેને અપમાન જેવું લાગ્યું. અને ઉર્વશીએ તેને શ્રાપ આપી દીધો કે હે અર્જુન, તારા શરીર પર અભિમાન કરવાવાળા અર્જુન, તું નપુંસક બની જઈશ. અર્જુન તો ગભરાઈ ગયો કે આ શું શ્રાપ આપી દીધો. તે તો દોડતો દોડતો ઇન્દ્રદેવ પાસે પહોંચ્યો અને કહ્યું કે મને આવો શ્રાપ મળી ગયો ત્યારે ઇન્દ્રએ કહ્યું ઠીક છે. હું તે થોડોક ઓછો કરી શકું, કારણ તો ઉર્વશીનો પૂરેપૂરો શ્રાપ હું પણ પાછો લઈ ન શકું! તો જિંદગીના એક વર્ષ માટે તારે નપુંસક રહેવું પડશે, તારે સ્ત્રીનો વેશ ધારણ કરવો પડશે, અને તે એક વર્ષ કયું હોય તે તું પોતે નક્કી કરી શકશે. અજ્ઞાતવાસના એક વર્ષ દરમિયાન અર્જુને પોતાને મળેલો એ શ્રાપ પણ પૂરો કરી દીધો. તે બૃહન્નલા નામની નર્તકી બની ગયો અને સ્ત્રી વેશ ધારણ કરીને વિરાટ રાજ્યની રાજકુમારી ઉત્તરાને નૃત્ય શીખવવા માટે તે એક વર્ષનો ઉપયોગ કરી લીધો. હવે જુઓ ક્યાં શીખેલું ક્યાં કામ આવે છે! તેનો અજ્ઞાતવાસ પણ પૂરો થઈ જશે, કોઈ તેને ઓળખી નહી શકે અને શ્રાપ પણ પૂરો થઈ જશે. ઉત્તરાને નૃત્ય પણ શીખવી દીધું. આ બધા સંદર્ભ હું એટલે બતાવું છું કે આગળ જઈને દરેક માટે કંઈકને કંઈક વાત આવવાની છે. રાજા વિરાટના એક સાળા હતા. સાળો એટલે પત્નીનો ભાઈ. અને એ મામલો થોડો નાજુક હોય છે. સાળાએ એક સેના તૈયાર કરી અને તે સેના અનુકિચક નામે જાણીતી હતી. આ કીચક ખૂબ જ આતંકવાદી હતો. કોઈની પણ સાથે લગ્ન કરી લેતો, અરે કંઈ પણ કરી લેતો! અને એવો આતંકી હતો કે તેને કોઈ કશું કહી શકતું નહીં. કારણકે તે વિરાટ નરેશનો સાળો હતો. સંબંધીઓને પારખીને પોતાની સાથે રાખવા જોઈએ નહીં તો પાછળથી તકલીફ ઊભી થઈ જાય. આવી મુસીબત આ કીચકે ઉભી કરી દીધી. તેની નજર એક દિવસ દ્રૌપદી એટલે કે સૈરંધ્રી પર પડી. દ્રૌપદીએ અજ્ઞાતવાસમાં વેશ બદલી નાખેલો અને ઉત્તરા જે વિરાટ રાજાની પુત્રી, રાજકુમારી છે તેના શરીરને સુંદર બનાવવા માટે નોકરી કરતી હતી. અને તે ઉત્તરાના બ્યુટિશિયન તરીકે લાગી ગઈ હતી. બૃહન્નલા ઉત્તરાને નૃત્ય શીખવે, અને સૈરંધ્રી ઉત્તરાને સુંદર બનાવે. ભીમ આચાર્ય, રસોઈયો બન્યો. નકુળ -સહદેવ હાથી અને ઘોડાની શાળાઓ જોવા લાગ્યા. સ્વયંમ રાજા યુધિષ્ઠિર રાજાના દરબારમાં તેમના એક મંત્રી તરીકે, સલાહકાર તરીકે કામ કરવા લાગ્યા. આમ પાંચે પાંડવો અને દ્રૌપદી તેમનો અજ્ઞાતવાસ રાજા વિરાટના રાજ્યમાં પૂરો કરવા આવી ગયેલા. કિચકે એક દિવસ સૈરંધ્રીને જોઈ લીધી અને એને કહી દીધું કે હું તારી સાથે આજે ગંધર્વ વિવાહ કરીશ અને આજે રાત્રે હું તારી રાહ જોઈશ. તું મારા મહેલમાં આવી જજે અને જો નહીં આવે તો ધ્યાન રાખજે. દ્રૌપદી ગભરાઈ અને તેણે જઈને “બલ્વ" એટલે કે ભીમ કે જે રસોઈયાનું કામ કરે છે તેને વાત કરી. ધીમે સહયાદરી એટલે કે દ્રૌપદીને કહ્યું કે તું ચિંતા ન કર, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું જોઈ લઈશ. ભીમ રાત્રે સાડી પહેરીને તેના રંગમહેલમાં ગયો. કિચક ખૂબ ઊંચી મદિરા પીને પોતાના મસલ્સને માલિશ કરીને સૈરંધ્રીની રાહ જોઈ રહ્યો હતો. સાડી પહેરીને ભીમ ત્યાં પહોંચ્યો. સ્ત્રીના અવાજમાં બોલ્યો કે હું આવી ગઈ. કિચક ખૂબ ખુશ થયો. અને કહ્યું આવ. મારી પાસે આવી જા. અને તેને પકડવાનો જ્યારે પ્રયાસ કર્યો ત્યારે ભીમે તે કિચકને એ રીતે માર્યો કે તેનું એક પણ હાડકું આખું રહ્યું નહીં. બધા જ હાડકાનું ચૂરણ કરી નાખ્યું. અરે! આ તો ભીમ છે એની સામે કિચક શું વિસાતમાં? અને બધા અનુકિચકો તેના નેતાનાં આવા નિધનને પણ શહીદીમાં ખપાવવા લાગ્યા. પહેલાના જમાનામાંથી ચાલ્યું આવે છે કોઈ નેતા ભલે ચોરીના કારણે જેલમાં જતો હોય પણ તે પહેલાં મહાત્મા ગાંધીને પ્રણામ કરી પછી જેલમાં જતો. કિચકની રથયાત્રા કાઢવામાં આવી અને અનુકિચકોએ નક્કી કર્યું કે કિચકની અંતિમ ઈચ્છા સૈરંધ્રી હતી તો તેને કીચક સાથે સતી બનાવવામાં આવે. તેઓ એને પકડીને લાવ્યા. અને તે શબયાત્રામાં કિચકની નનામી સાથે એને બાંધવામાં આવી. સ્મશાન સુધી પહોંચતાં પહેલા જ ત્યાં ઉભી રહેલી બૃહન્નલ્લા કે જે હકીકતમાં અર્જુન હતો તેણે બધા જ અનુકિચકોને ત્યાંજ ઢેર કરી નાખ્યા. એક એકલો અર્જુન બધા જ અનુકીચકોને મારી નાખે છે. આ વાત જ્યારે હસ્તિનાપુર પહોંચી કે એક બલ્વ નામના રસોઈયા એ કિચકને મારી નાખ્યો અને એક નારી બૃહન્નલ્લાએ સો અનૂકિચકોને મારી નાખ્યા ત્યારે દુર્યોધન સમજી ગયો કે આ બલ્વના રૂપમાં ભીમ અને બૃહન્નાલાના રૂપમાં જરૂર અર્જુન જ હોવા જોઈએ! ચાલો પકડીએ. આમ જો અજ્ઞાતવાસ પૂર્ણ થયા પહેલા તેઓ પકડાઈ જાય તો તેઓએ ફરીથી 12 વર્ષ વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડશે. વિરાટ નગરીમાં બેઉ તરફથી આક્રમણ કરવામાં આવ્યું. એક તરફથી આખી કૌરવ સેના આવી જેનો સામનો કરવા માટે સ્વયં વિરાટ નરેશ પોતાની સેના લઈને નીકળ્યા. બીજી તરફ સો કૌરવો તથા આચાર્ય દ્રોણ, ભીષ્મ પિતામહ, કર્ણ વગેરેની સેનાએ આક્રમણ કર્યું. તેનો સામનો કરવા કોણ જાય? સ્વભાવિક રીતે જ વિરાટ રાજાનો પુત્ર ઉત્તર. તેના પર બધાની નજર ગઈ. ઉત્તરને કહેવામાં આવ્યું કે તારે જવું પડશે. ઉત્તર તો થોથવાવા લાગ્યો કારણ કે તે ડરપોક હતો. તે કહેવા લાગ્યો કે મારો સારથી પિતાજી લઈ ગયા છે તો હું કઈ રીતે જાઉં? ત્યારે તરત જ સૈરંધ્રીએ તેની બહેન ઉત્તરાને કહ્યું કે તને જે નૃત્ય શીખવે છે તે બૃહન્નલા ખૂબ જ સારું સારથીપણું કરી જાણે છે. બધાએ મળીને ઉત્તરને વિજય તિલક લગાવી દીધું અને બૃહન્નલ્લાને સારથી બનાવી તેની સાથે યુદ્ધભૂમિ તરફ મોકલી દીધો. બૃહન્નલ્લા રથ ચલાવી રહી છે. ગામ પૂરું થતાં જ ઉત્તર કુદકો મારીને જંગલમાં ભાગ્યો. બૃહન્નલ્લાએ જ્યારે જોયું તો તે તરત જ એકદમ ગતિમાં તેની પાછળ દોડી. તેને પકડ્યો. અને સારથીની જગ્યાએ તેને બાંધીને બેસાડી દીધો. કહ્યું કે હવે અહીંથી હલતો નહીં. ઉત્તર તો ધ્રુજી રહ્યો હતો. બૃહન્નલ્લા એક હાથથી લગામ પકડીને રથ ચલાવે છે અને રથ સ્મશાન ભૂમિ લઈ ગઈ. ત્યાં ગયા તો તો ઉત્તર એકદમ ડરવા લાગ્યો અને થર-થર કાંપવા લાગ્યો. પણ બૃહન્નલ્લા ફટ ફટ ફટ એક મોટા વૃક્ષ પર ચડી અને સફેદ કપડામાં વિટાયેલું એક મડદું ઉપાડીને નીચે લાવી. એક સ્ત્રી આટલું ભારેભરખમ મડદું ઉપાડીને નીચે આવે છે તે જોઈ ઉત્તર તો ખૂબ જ ગભરાયો. તેના હોશ ઉડી ગયા. જ્યારે મડદું ખોલ્યું, ત્યારે તેના મોઢાની જગ્યાએ ગદા, છાતીની જગ્યાએ ધનુષ્ય બાણ, પગની જગ્યાએ ભાલા નીકળ્યા. આ બધું જોઈને તે અચંબિત રહી ગયો. ઉત્તરે પૂછ્યું કે તું કોણ છે? આ શસ્ત્રો તો મને અર્જુનના હોય તેવું લાગે છે કારણ કે આટલા સુંદર શસ્ત્રો અર્જુન સિવાય કોઈ પાસે નથી. તું શું અર્જુન છે? ત્યારે તેણે કહ્યું કે હા, હું જ અર્જુન છું પરંતુ કાલ સુધી એકદમ ચુપ રહેજે. કારણ કે કાલે અજ્ઞાતવાસનો અંતિમ દિવસ છે. અને તું ડર નહીં હું એકલો જ આ બધાને સંભાળવા માટે પૂરતો છું. પછી તો ઉત્તરમાં પણ જોશ આવી ગયું તેને બાંધવાની જરૂર પણ ના પડી. આખું યુદ્ધ એકલી બૃહન્નલ્લાએ લડયું અને અર્જુને કૌરવ ઉપર એવી બાણ વર્ષા ચલાવી કે બધા જ કૌરવો , દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ બધા જ મહારથીઓ ઊંડી નીંદરમાં ગરકાવ થઈ ગયા. એવા બાણ ચલાવેલા કે બધાને નીંદર આવી ગઈ. બધા સૂઈ ગયા. જ્યારે બધા સૂઈ ગયા ત્યારે ઉત્તરને કહ્યું કે જા તારી બેન ઉત્તરાની ઢીંગલી માટે સારા સારા વાઘા બનાવીશું તો બધા જ કૌરવના ઉપરના વસ્ત્રો ખેંચીને લઈ આવ! અને ઉપરનું વસ્ત્ર ખેંચી લેવું એટલે કે અર્ધનગ્ન કરીને અપમાનિત કરવા. પણ એક વાત ધ્યાન રાખજે કે જેમાં સફેદ દાઢીવાળા બે પુરુષોના ઉપવસ્ત્રો નહીં લાવતો તેમાં એક ભીષ્મપિતામહ અને એક ગુરુ દ્રોણ હતા. અર્જુનનું સામર્થ્ય જુઓ બધા જ કૌરવને ઊંડી નીંદરમાં ગરકાવ કરી દીધા! આવો અર્જુન રણમેદાનની વચ્ચે મોહિત થઈ જાય એવું નથી. તે ડર્યો નહોતો, ડરવાનું કોઈ કારણ જ નહોતું. વિરાટ નગરીના યુદ્ધમાં બધાને માત્ર નિંદરમાં નાખેલા પણ અહીં મહાભારતના યુદ્ધમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાની હતી. આ તો મરો અથવા મારોની ભૂમિકા નિભાવવાની હતી. અહીં તેમને મોતને ઘાટ ઉતારવા પડશે. એટલે કે હંમેશની ઊંઘમાં નાખવા પડશે આ વાત સમજીને અર્જુન મોહિત થઈને નીચે બેસી જાય છે. આ વાત સમજવી બહુ જરૂરી છે કે અર્જુનનો મોહ કે વિષાદ કયા કારણસર હતો?
આ વૃકોદર શું છે? અને વૃક એટલે અગ્નિનો પ્રકાર. ઉદર એટલે પેટ. ભીમના પેટમાં વૃક નામનો અગ્નિ રહેલો છે જેનાથી તે જે પણ ખાય, જેટલું પણ ખાય, તે બધું જ પાચન થઈ જાય. આપણા બધાના પેટમાં જઠરાગ્નિ હોય છે. આપણે તો થોડું વધારે ખવાય તો પાચનમાં ગરબડ થાય છે, વજન વધે છે. તમારા પરિવારમાં પણ કોઈ એવું હોય તો સમજી લેવું કે તેના પેટમાં વૃક નામનો અગ્નિ છે. તેઓ ગમે તેટલું ખાય તેને કંઈ થતું નથી. કેટલાક લોકો એવા હોય છે કે કેરીના રસની ઋતુમાં 10 - 10 કટોરા રસ પી જાય છે, પણ તેમને કશું થતું નથી. જ્યારે આપણે તો એક કટોરો પણ પૂરો ના પીએ તો પણ વજન વધવા લાગે છે. વૃક નામનો અગ્નિ તેના પેટમાં હતો. આ ભીમ કર્મ કરવાવાળો, મોટા મોટા -ભયંકર રાક્ષસો, ત્રિંબાસુર, બકાસુર, જટાસુર વગેરેને મારવાવાળો ભીમ, કિચક, જરાસંઘ, જેવા બળવાન વીરોને મારવાવાળો ભીમ ભીમકર્મા નામથી પણ ઓળખાય છે અને તેણે અસામાન્ય રૂપથી મોટો એવો પૌંન્ડ્ર શંખ વગાડ્યો.
આ યુદ્ધમાં કેટલા લોકો હતા? તેનો એક હિસાબ આપણે જોઈએ. 18 અઅક્ષૌહિણી સેના કેવી રીતે બને છે તે જોઈએ.
એક હાથી, એક રથ, ત્રણ ઘોડેસવાર અને પાંચ સૈનિકો મળીને તેનો એક પતિ હોય છે.
આમ 10 લોકોની ટીમ થઈ ગઈ. એનું નેતૃત્વ કરે છે તેનું નામ પતિ. આવા ત્રણ પતિ ઉપર એક સેનામુખ હોય છે. તો તેની પાસે 30 લોકો થઈ ગયા. ત્રણ સેનામુખની ઉપર એક ગુલ્મ હોય છે. તો ગુલ્મમાં કેટલા હોય? ત્રણ સેના પ્રમુખ, ૯ હાથી, ૯ રથ, 27 ઘોડેસ્વાર અને 45 સૈનિકો. ત્રણ ગુલ્મમળીને એક ગણ બને છે. જેમાં 27 હાથી, 27 રથ, 81 ઘોડેશ્વાર, 135 સૈનિક. આવા ત્રણ ગણ મળીને એક વાહિની બને છે એક વાહિનીમાં ૮૧ હાથી ૮૧ રથ અને ૨૪૩ ઘોડેસ્વાર અને ૪૦૫ સૈનિક. આવી ત્રણ વાહિની મળીને એક પૃતના બને છે તેમાં ૨૪૩ હાથી ૨૪૩ રથ અને ૭૨૯ ઘોડેસ્વાર અને ૧૨૧૫ સૈનિક. ત્રણ પૃતના મળી ને એક ચમૂ બને છે. એક ચમૂમાં ૭૨૯ હાથી ૭૨૯ રથ અને ૨૧૮૭ ઘોડેસ્વાર અને ૩૬૪૫ સૈનિક. ત્રણ ચમૂ મળીને એક અનીકીની બને છે તેમાં ૨૧૮૭ હાથી, ૨૧૮૭ રથ અને ૬૫૬૧ ઘોડેસ્વાર અને ૧૦૯૩૫ સૈનિક. આવી ૧૦ અનીકીની મળીને ૧ અક્ષૌહિણી બને છે. તો ૧ અક્ષૌહિણીમાં કેટલા થાય? ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસ્વાર અને ૧૦૯૩૫૦ સૈનિક. મહાભારતના યુદ્ધમાં એક તરફ 11 અક્ષૌહિણી સેના અને બીજી તરફ ૭ અક્ષૌહિણી સેના હતી. કુલ અઢાર અક્ષૌહિણી સેના થાય. આ 18 અક્ષૌહિણીનો હિસાબ કરીએ તો ૩,૯૩,૬૬૦ હાથી, એટલા જ ૩,૯૩,૬૬૦ રથ, ૧૧,૮૦,૯૮૦ ઘોડેસ્વર અને ૧૯,૬૮,૩૦૦. એક હાથી પર એક મહાવત, એક રથમાં એક સારથી, બધો હિસાબ કરીએ તો બંને બાજુ થઈને કુલ લોકો ૩૬,૩૬,૬૦૦ થાય. આમ એકંદરે ૪૦ લાખ લોકો યુદ્ધ માટે એકત્રિત થયા છે.
અનન્તવિજયં(મ્) રાજા, કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ।
નકુલઃ(સ્) સહદેવશ્ચ, સુઘોષમણિપુષ્પકૌ॥૧.૧૬॥
કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામે શંખ વગાડ્યો. નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પ નામના શંખ વગાડ્યા. કેટલા સુંદર નામ છે! સંજય અહીં યુધિષ્ઠિરને રાજા બતાવે છે. ધૃતરાષ્ટ્રને કેવું લાગ્યું હશે? શત્રુસેનાની મુખ્ય વ્યક્તિને રાજા બતાવે છે. રાજા તો હું છું અથવા તો દુર્યોધન છે. આતો યુધિષ્ઠિરને રાજા કહે છે. મારા રાજ્યમાં બેસીને મારો જ મંત્રી યુધિષ્ઠિરને રાજા કહી રહ્યો છે પણ તે સાંભળી જ રહ્યો નહોતો. તેને કંઈ જ લેવાદેવા નહોતી. જે ખોવાઈ ગયો હતો. સુઈ ગયો હતો. ઊંડી નિંદરમાં હતો. આખી ભગવદ્ગીતામાં સંજય ધર્મ પક્ષે થોડો ઝુકેલો જ નજર આવે છે.
કાશ્યશ્ચ પરમેષ્વાસઃ(શ્), શિખણ્ડી ચ મહારથઃ।
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ, સાત્યકિશ્ચાપરાજિતઃ॥૧.૧૭॥
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ, સર્વશઃ(ફ્) પૃથિવીપતે।
સૌભદ્રશ્ચ મહાબાહુઃ(શ્), શઙ્ખાન્દધ્મુઃ(ફ્) પૃથક્ પૃથક્॥૧.૧૮॥
૧.૧૭ અને ૧.૧૮
હે રાજા! શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ કે જેમની પાસે સૌથી મોટું ધનુષ્ય છે. મહારથી શિખંડી, (ભીષ્મ પિતામહે કાશી નરેશ પર આક્રમણ કરી તેની ત્રણ કન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કર્યું. આમાંથી અંબાએ તો ત્યાં જ કહી દીધું કે તમે મને શા માટે લઈ જાઓ છો? મેં તો પહેલેથી જ બીજા કોઈને મારું દિલ આપી દીધું છે. હું તમારા પુત્રો માટે કોઈ રીતે યોગ્ય નથી. ભીષ્મે કહ્યું ઠીક છે, તું ચાલી જા. તે બોલી, નહીં! હવે હું તમારી સાથે લગ્ન કરીશ. તેઓ તો પ્રતિજ્ઞાથી બદ્ધ છે કે હું લગ્ન નહીં કરું. જુઓ પ્રતિજ્ઞા લેતી વખતે તમે લોકો થોડું ધ્યાન રાખજો. જો કે આપણી પ્રતિજ્ઞા તો કેવી હોય છે આજે લીધી આવતીકાલે રદ. પહેલી જાન્યુઆરીએ કેટલી બધી પ્રતિજ્ઞાઓ કરીએ છીએ પણ બીજી જાન્યુઆરીએ બધી પ્રતિજ્ઞાઓ ખતમ થઈ જાય છે. પણ આ તો ભીષ્મ પ્રતિજ્ઞા હતી. તેણે કહ્યું કે ના હું લગ્ન કરી શકું નહીં. અંબાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું જુઓ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં હું તમારા મૃત્યુનું કારણ બનીશ અને બીજા જન્મમાં અંબા સ્ત્રીના રૂપે દ્રુપદના ઘરે જન્મ લે છે. દ્રૌપદીની બહેન. પણ યુદ્ધશાસ્ત્રનો નિયમ છે કે રણાંગણમાં મહિલા જઈ શકે નહીં. તેથી તેને રણાંગણમાં જવાની છૂટ નહોતી. એને યુદ્ધ વિદ્યા શીખવી હતી તેથી તેણે બહુ તપશ્ચર્યા કરી અને વરદાન પ્રાપ્ત કરીને પુરુષ બની ગઈ અને જ્યારે ભીષ્મ પિતામહને મારવાનો સમય આવ્યો ત્યારે શિખંડીને અર્જુનની આગળ લાવીને ઉભો કરી દીધો. જે સમયે ભીષ્મે પોતાનું ધનુષ્ય નીચે કરી લીધું. અર્જુન તરફથી બાણોનો વરસાદ થયો અને ભીષ્મ પિતામહને બાણશૈયા પર સુવડાવી દીધા. ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ, અજેય સાત્યકી, રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચેય પુત્રો, લાંબા લાંબા હાથવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ એ પોતપોતાનાં શંખ વગાડ્યા. ત્યાં આગળ ભયંકર પ્રકારનો નાદ ઉત્પન્ન થયો. ઘણા બધા મહારથીઓના નામ લીધા. હકીકતમાં જોઈએ તો સંજયએ પાંડવોના ઘણા બધા મહારથીઓ ગણાવ્યા જયારે કૌરવોના મહારથી ગણાવ્યા નહીં. એ લોકો વિષે કંઈ પણ વિશેષ બતાવ્યું નહીં. આનાથી પણ એ સ્પષ્ટ થાય છે કે સંજયનો ઝુકાવ ધર્મ પક્ષે હતો. આ આખા અવાજથી આખું ભૂમિ મંડળ ભયકમ્પિત થઈ ગયું.
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં(મ્), હૃદયાનિ વ્યદારયત્।
નભશ્ચ પૃથિવીં(ઞ્) ચૈવ, તુમુલો વ્યનુનાદયન્॥૧.૧૯॥
બધા શંખોના ધ્વનિથી આકાશ અને પૃથ્વી બંને ગુંજવા લાગ્યા અને ધૃષ્ટતા સાથે રાષ્ટ્રને હડપ કરવાવાળા, (ધ્રુતરાષ્ટ્ર શબ્દના બે અર્થ થઈ શકે. અહીં તેનો અર્થ બને છે ધ્રુષ્ટતા સાથે રાષ્ટ્ર હડપ કરવાવાળા) કૌરવોનું હૃદય વિછીન્ન થઈ ગયું. આ વાત સંજય ધૃતરાષ્ટ્રને કહે છે. સંજય અદ્ભુત છે. તેનો અર્થ એવો છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો સાથે આવું થયું. બંને અર્થમાં સંજય સાચા છે અને અદ્ભુત પણ છે. આ રીતે 11 અક્ષૌહિણી સેના જે કૌરવ પક્ષે હતી તેમાં પણ બે અક્ષૌહિણીમાં તો ગરબડ છે. એક શ્રીકૃષ્ણ ભગવાનની નારાયણી સેના અને બીજી એક અક્ષૌહિણી સેના જે નકુળ સહદેવની માતા માદ્રીના ભાઈ, એટલે કે નકુળ- સહદેવના મામાની જેનું નામ “શલ્ય” હતું તેમની છે. તેમને મદિરા પીવાની ટેવ હતી. તેઓ ધૃતરાષ્ટ્ર સાથે બેસીને પીતા રહે છે. ધૃતરાષ્ટ્ર અને શૈલ્યને સારું બનતું. એક વખત રાત્રે બંને સાથે બેસીને મદિરા પાન કરતા હતા. ત્યારે ખૂબ પીધા પછી ધૃતરાષ્ટ્રે એ તેને પૂછ્યું કે તું મારા માટે લડશે ને? ત્યારે શલ્ય મદિરાના નશામાં કહે છે, અરે યાર, તું તો મારો મિત્ર છે. હું તારા માટે નહીં લડું તો હું કોના માટે લડીશ? આ બે અક્ષૌહિણી સેના જો પાંડવોના પક્ષે આવે તો બંને પક્ષે 9 - 9 અક્ષૌહિણી સેના રહે. આ બંને સેનાઓનું એવું જ છે, કયારે કઈ તરફ ઝૂકે? આ રીતે બંને બાજુની સેનાનું બળાબળ થોડું ભિન્ન. આપણા દેશમાં પણ આજકાલ એવું જ ચાલી રહ્યું છે. બધું જ સારું થશે. એવી ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ અને વધુ ચર્ચા આપણે આવતા સપ્તાહે કરીશું.
આ સાથે જ આ સુંદર વિવેચનસત્રની સમાપ્તિ થઈ. પછી પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું.
પ્રશ્નોત્તરી
સવાલ : ૧. બજરંગભૈયા
પાંડવોના ગુપ્તવેશના છેલ્લે દિવસે અર્જુને કૌરવો સામે યુદ્ધ કરી એકલા હાથે કૌરવોને પરાજિત કર્યા ત્યારે દુર્યોધને કહ્યું કે અજ્ઞાતવાસ દરમ્યાન અર્જુનને હું ઓળખી ગયો હતો એટલે એ લોકોએ પાછું વનમાં જવું જોઈએ તો કેમ ન ગયા?
જવાબ :
હા, એવું બન્યું હતું ખરું પરંતુ દુર્યોધને સાંજે સૂર્યાસ્ત પછી કહ્યું અને સૂર્યાસ્ત પછી દિવસ પૂરો થયેલો ગણાય. ભલે એ જ દિવસ હતો પરંતુ નિર્ણય પાંડવોના પક્ષમાં ગયો કે એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું કારણ કે સૂર્યાસ્ત થઈ ગયો હતો.
સવાલ : ૨. પદ્મિનીદીદી
મહાભારત તો વ્યાસજીએ એ બધું બન્યું એ પહેલા લખ્યું હતું તો શું ગીતાનો ઉપદેશ પણ એમને પહેલેથી લખી દીધો હતો?
જવાબ :
આના વિશે સ્પષ્ટ રીતે લખ્યું છે,
“व्यासेन लीखिता पुराण मुनिनां मध्ये महाभारतम् ।”
મહાભારત યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે લખાયું છે, પહેલેથી લખેલું હતું તે સાચું નથી કારણ કે અહીં લખ્યું છે કે મહાભારતની વચ્ચે એ લખાયું.
સવાલ :
વ્યાસજી તો ત્યાં નહોતા તો શું એમણે દિવ્યદ્રષ્ટિથી જોયું?
જવાબ :
વ્યાસ એ કોઈ એક વ્યક્તિ નથી એ એક પીઠ છે, પરંપરા છે, વ્યાસપીઠ છે. દરેક સમયે નવા-નવા વ્યાસજી એ ગાદી ઉપર આવતા રહ્યા અને લખતા રહ્યા પરંતુ પરાશર વ્યાસ જે છે એ મહા ઋષિ વેદવ્યાસજી તરીકે જાણીતા છે જે અત્યંત પ્રતિભાશાળી અને અદ્ભુત વ્યક્તિત્વ છે. એ સત્યવતીના પુત્ર છે અને પાંડુના અને ધૃતરાષ્ટ્રના પિતા પણ છે એ આપણે સમજવું જોઈએ.
સવાલ :
યુદ્ધના કેટલામાં દિવસે આ લખાયું?
જવાબ :
યુદ્ધ 18 દિવસ ચાલ્યું, પહેલે દિવસે જ ગીતાજીનું પ્રાગટ્ય થયું.
સવાલ : ૩. ગોપાલભૈયા
પહેલા અધ્યાયમાં દુર્યોધન પણ દ્રોણાચાર્યને કહે છે તો "દુર્યોધન ઉવાચ" એમ કેમ નથી લખાયું?
જવાબ :
કોઈપણ કથા લખાય છે ત્યારે સંવાદ એ રીતે લખાય છે કે આણે કહ્યું, તેણે કહ્યું. એને લીધે વાર્તામાં રસ ઉત્પન્ન થાય છે, રોચકતા આવે છે. ભગવાન પણ અર્જુનનો રથ બે સોનાના વચ્ચે લઈ જઈને અર્જુનને કહે છે કે, "જો." આ પણ એ રીતે જ સંજય ધૃતરાષ્ટ્રને કહે છે ભગવાને કહ્યું એમ નથી આવ્યું. સંજય ધૃતરાષ્ટ્રને કહ્યું, "પછી ભગવાન બોલ્યા." આમ કરવાથી વાર્તા કહેવામાં અને સાંભળવામાં આનંદ આવે છે. આપણા ગ્રંથો રામાયણ, મહાભારત, ઉપનિષદો, ભગવદ્ગીતા બધા રોચક છે. નાના બાળકથી માંડીને મોટી ઉંમરનાને પણ એમાં રસ પડે છે કારણ કે વાર્તાનું એવું સામર્થ્ય છે. એટલે એવી વ્યવસ્થા કરવી તે નિયમ છે કે જ્યારે આપણે સારી રીતે કાંઈ પ્રસ્તુત કરવું હોય તો આણે આમ કહ્યું, તેણે આમ કહ્યું એમ લખવાથી વાર્તા રોચક બની જાય છે.
સવાલ : ૪ હનુમાન પ્રસાદ ભૈયા
જે રીતે પાંડવોના શંખોના નામ છે તે રીતે કૌરવોના શંખોના નામ પણ છે?
જવાબ :
તમે મહાભારત વાંચજો, શંખોના નામ મળી જશે. બધા ધનુષ્યોના, બધા બાણોના, બધા શંખોના, બધા સર્પોના બહુ બધા નામ મહાભારતમાં છે. ૧૦૦ કૌરવોના નામ પણ મળી જાય છે. એ રીતે આટલા મોટા મહાભારત ગ્રંથમાં ૧૦૦ શંખોના નામ પણ મળી જશે. મેં આખું મહાભારત નથી વાંચ્યું એટલે મને ખબર નથી.
સવાલ : ૫. અનિતાદીદી
ઘણા બધા પાઠ છે જેમ કે દુર્ગા શપ્તશતિ, રામરક્ષા સ્તોત્ર તો એ પથારીમાં સુતાં-સુતાં કરી શકાય?
જવાબ :
ન કરી શકાય. ઘણા એવા પાઠ છે જે નાહી ધોઈને સ્વચ્છ થઈને આસન પર બેસીને કરવા જોઈએ. ભગવદ્ગીતા તમે બોલી શકો છો કારણ કે સ્વયંમ ભગવાનના મુખેથી બોલાયેલી છે એટલે એને અશુદ્ધિ સ્પર્શી શકતી નથી પરંતુ બીજા અન્ય દેવતાના પાઠ સ્વચ્છ થઈને આસન પર બેસીને જ કરવા જોઈએ જેથી આપણને સંપૂર્ણ લાભ મળે. તમે માંદા હો તો બરાબર છે પણ બ્રહ્મમુરતમાં ઉઠવાનો કંટાળો આવે અને તમે પથારીમાં કરો તે બરાબર નથી. મનમાં કરો તો કંઈ વાંધો નથી પણ પ્રત્યક્ષ પાઠ બેસીને જ કરવો જોઈએ.
સવાલ : ૬. મંજુદીદી
નવમા અધ્યાયના 32 મા શ્લોકનો અર્થ સમજાવો.
"માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઽપિ સ્યુ: પાપયોનય:
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેઽપિ યાન્તિ પરાં ગતિમ્ ॥"
જવાબ :
ભગવાન કહે છે, હે પૃથાનંદન! જે પાપ યોનીવાળા તથા વૈશ્ય, સ્ત્રી, શૂદ્ર હોય તેમને માટે આપણે ત્યાં મગજમાં કચરો ભરવામાં આવ્યો છે કે સ્ત્રીને, શૂદ્રને, વૈશ્યને અમુક અધિકારો નથી પણ ભગવદ્ગીતા અહીંયા સ્પષ્ટ રૂપથી કહે છે,
" चातुर्य वर्णम् "
જેના જે પ્રમાણેના કર્મ હોય છે, જેના જે પ્રમાણેના ગુણ હોય છે તે પ્રમાણે એ લોકોને ચાર વર્ણમાં વિભાજીત કર્યા છે. મારા કર્મથી હું જો સેવાભાવી હોઉં, સુશ્રુષા કરતો હોઉં, મને કોઈની મદદ કરવી ગમતી હોય તો હું શુદ્ર છું. તો શું મને આધ્યાત્મક કે ભક્તિનો અધિકાર નથી? ભગવાને અહીં બધાનો સંશય દૂર કરી દીધો કે એ બધા આ પરાગતિને નિ:સંદેહ પ્રાપ્ત કરી શકે છે. લોકો આનો ઊંધો અર્થ કાઢે છે. સ્ત્રીઓને પણ શૂદ્ર સાથે જોડી દીધી છે! કેટલો ભેદભાવ કરે છે! પણ એવું નથી. આજ સુધી એમ કહેવામાં આવતું હતું કે સ્ત્રીઓને આ અધિકાર નથી પણ એ બધાને પણ ભક્તિનો અધિકાર છે. જે પાપ યોનીવાળા છે, સ્ત્રી છે, વૈશ્ય છે કે શૂદ્ર છે તે પણ મારે શરણે આવીને નિ:સંદેહ પરમગતિને પ્રાપ્ત કરે છે. આપણામાં તો કહેવત છે,
" યત્ર નારી પૂજન્તે, તત્ર રમન્તિ દેવતા:"
જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ ભગવાન આવે છે, જ્યાં નારીને પ્રતાડિત કરવામાં આવે છે ત્યાં ભગવાન આવતા નથી.
સવાલ : ૭. જયશ્રીદીદી
વર્ણ એટલે શું, કુળ એટલે શું? બંનેમાં શું તફાવત છે?
જવાબ :
વર્ણ ચાર છે પણ કુળ અનેક છે. ચાર વર્ણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર એ ભગવાન કહે છે મેં નિર્માણ કર્યા છે. એ ગુણ અને કર્મને જોઈને નિર્માણ કર્યા છે. વર્ણ આપણા કર્મ પર નિર્ભર કરે છે. કર્મ જે પ્રકારનું હોય તે જોઈને વર્ણ નિશ્ચિત થશે. કુળ આપણને જન્મથી પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે આપણે આપણા ગોત્રથી ઓળખાઈએ છીએ. ગોત્રને આપણે ઋષિઓના નામ આપ્યા છે એટલે આપણું કુલ ઋષિઓથી ઓળખાય છે. કુળદેવી એ એક કુળની એક જ હોય છે પણ એક કુળમાં વર્ણ જુદા-જુદા હોઈ શકે છે. કુળમાં કોઈ ડોક્ટર તો કોઈ પોલીસ એમ હોઈ શકે છે. એક કુળમાં લગ્ન પણ નથી કરાતા કારણકે બંનેના ડીએનએ સરખા હોય તો સંતાનમાં દોષ ઉત્પન્ન થાય છે. એ રીતે વર્ણશંકરમાં પણ અંદર-અંદર લગ્ન કરવાથી મુશ્કેલી થાય છે. એક ક્ષેત્રમાં કામ કરતા હોય, એક સરખું કામ હોય તે વર્ણશંકર ન કહેવાય. એમાં અંદર-અંદર લગ્ન કરી શકાય. જો આપણો ધર્મ એક ન હોય, સંસ્કાર જુદા હોય, શોખ જુદા હોય, રીતરિવાજ જુદા હોય તો છોકરીને લગ્ન પછી એડજસ્ટ થવામાં તકલીફ પડે છે એટલે સમાન વર્ણમાં વિવાહ કરવાનું કહેવામાં આવે છે.
સવાલ : ૮ દેવેન્દ્રભૈયા
આ અધ્યાયના દસમાં શ્લોકમાં કહ્યું છે કે ભીષ્મ દ્વારા રક્ષિત સેના અપર્યાપ્ત છે. આપણી પાસે જે અર્થ આવે છે તેમાં તેનો અર્થ ઊલટો આપવામાં આવે છે એમ કેમ?
જવાબ :
એક શ્લોકના ઘણા પ્રકારના અર્થ થાય છે. ભગવદ્ગીતા દરેકને પોતાની નજરથી, પોતાના ચશ્માથી, પોતાની રીતે દેખાય છે એટલે એના અર્થ જુદા-જુદા કરે છે. રામસુખદાસજી એનો અર્થ કરે છે કે અમારી જે સેના છે તે પાંડવોની સેના પર વિજય પ્રાપ્ત કરવા માટે અપર્યાપ્ત છે, અસમર્થ છે કારણ કે એના સંરક્ષક ઉભય પક્ષપાતી ભીષ્મ છે. આ રામસુખદાસજી સાધક સંજીવનીમાં કહે છે. બીજા લોકોએ જ્યારે ભગવદ્ગીતાની વ્યાખ્યા કરી, અર્થ કર્યા તો જુદા પ્રકારે કર્યા છે. એમાં અપર્યાપ્તાનો અર્થ જ જુદો કરી નાખ્યો, એકદમ ઉલટો અર્થ કરી નાખ્યો. વાસ્તવમાં આપણે આપણા વિવેકથી વિચારવું જોઈએ કે એનો અર્થ શું હોઈ શકે!
સવાલ :
તમે વિવેચનમાં દ્રુપદની વાત કહી કે એમની પાસે દ્રોણાચાર્ય એક ગાય માંગે છે જે આપવાની દ્રુપદ ના પાડે છે તો દ્રોણાચાર્ય એમની સામે લડવા પાંડવો, કૌરવોને તૈયાર કરે છે પણ એ પોતે પણ દ્રુપદ સામે લડવા માટે સક્ષમ હતા તો એમણે બીજાને કેમ તૈયાર કર્યા?
જવાબ :
દ્રોણાચાર્યે ફક્ત દ્રુપદ સામે નહોતું લડવાનું, એમની આખી સેના સામે લડવાનું હતું. એકલો માણસ સંખ્યાબળ વગર આખી સેના સામે લડી ન શકે એટલા માટે એમણે પાંડવો તથા કૌરવોને દ્રુપદ સામે લડવા માટે તૈયાર કર્યા.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી આ સુંદર અધ્યાયના વિવેચનની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥