विवेचन सारांश
અર્જુનનો વિષાદ અને શ્રીકૃષ્ણનો ઉપદેશ
ગીતા પરિવારની પરંપરા મુજબ સત્રની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદનાથી કરવામાં આવી હતી.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु: गुरुर्देवो महेश्वर:।
गुरु: साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नम:||
कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।
प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः ।।
नमामि सद्गुरुं शान्तं सच्चिदानंद विग्रहम् ।
पूर्णब्रह्मपरानन्दमीशं आळन्दिवल्लभम्॥
रत्नाकरा धौतपदां हिमालय किरीटिनीम्।
ब्रह्मराजर्षि रत्नाढ्यां वन्दे भारत-मातरम्।।
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं |
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं
अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं ||
नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।
येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः।।
શરૂઆતમાં પરમ પૂજ્ય સ્વામીજી ગોવિંદદેવગિરિજી મહારાજને વંદન કરવામાં આવ્યા અને તમામ ગીતાપ્રેમીઓને શુભેચ્છાઓ આપવામાં આવી.
જે અધ્યાયથી ભગવદ્ગીતા શરૂ થાય છે તે "અર્જુનવિષાદયોગ" છે. આ અધ્યાયમાં શ્રીમદ્ભગવદ્ગીતાની પાર્શ્વભૂમિ, એ સમયની પરિસ્થિતિ અને અર્જુનની મન:સ્થિતિનું વર્ણન કર્યું છે.
વાસ્તવમાં ભગવાનનો ઉપદેશ તો બીજા અધ્યાયના શ્લોક ૧૧થી ચાલુ થાય છે.
"अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे । गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥”
પરંતુ તે પહેલાં ગીતાનું વર્ણન ક્યારે કરવામાં આવ્યું હતું અને અર્જુનની માનસિક સ્થિતિ કેવી હતી અને તે કેવી રીતે બદલાઈ અને ભગવાન અર્જુનને ઉપદેશ આપવા માટે બાધ્ય બની ગયા તે પરિસ્થિતિ જાણવા માટે આ પ્રકરણ શીખવું મહત્વપૂર્ણ છે.
ભગવાન કોઈના બંધનમાં નથી પણ અર્જુને એવો જાદુ કર્યો છે ભગવાન પણ અર્જુનને પ્રેમથી ઉપદેશ આપવા બાધ્ય બની ગયા. ધૃતરાષ્ટ્ર અને સંજય રાજમહેલમાં બેઠા છે. સદ્ગુરુ વેદવ્યાસના આશીર્વાદથી, સંજયને યુદ્ધના મેદાનમાં શું ચાલી રહ્યું છે તે સાંભળવાની અને જોવાની દિવ્ય દ્રષ્ટિ મળી હતી. તેમની નિમણૂંક ત્યાંની ઘટનાઓ ધૃતરાષ્ટ્રને સંભળાવવા માટે કરવામાં આવી હતી. તો સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધના મેદાનમાં શું થઈ રહ્યું છે તેનું વર્ણન કરી રહ્યા છે.
ધૃતરાષ્ટ્ર એ જાણવા માંગે છે કે જ્યારે બે સેનાઓ યુદ્ધના મેદાનમાં સામસામે હોય ત્યારે શું ચાલી રહ્યું છે. મારા પુત્રો અને પાંડુના પુત્રો વચ્ચેનો સંબંધ તેના મનમાં ભરાયેલો છે તે પ્રથમ જ શ્લોકમાં પ્રબળ રીતે અનુભવાય છે, અહીંથી જ ભગવદ્ગીતાનો પ્રારંભ થયો. મારા પરાયાનો ભાવ ધૃતરાષ્ટ્રના મનમાં પ્રબળ છે એટલે મહાભારતના યુદ્ધનું કારણ પણ ધૃતરાષ્ટ્ર જ છે!
ધૃતરાષ્ટ્રે તેને પૂછ્યું કે ત્યાં યુદ્ધભૂમિ પર મારા અને પાંડુના પુત્રો વચ્ચે શું થયું? તે મને તું કહે. ત્યારે સંજયએ યુદ્ધભૂમિની પરિસ્થિતિનું વર્ણન કરવાનું શરૂ કર્યું કે કઈ રીતે બંને સેનાઓ ઉભી હતી, કઈ રીતે દુર્યોધનનો આચાર્ય દ્રોણ સાથે સંવાદ થયો. કૌરવોની સેનામાં કોણ-કોણ છે અને પાંડવોની સેનામાં કોણ-કોણ પ્રમુખ સેનાનીઓ છે. કઈ રીતે પિતામહભીષ્મે શંખનાદ કર્યો અને ત્યારબાદ ઘણા બધા રણવાદ્યો વાગવા લાગ્યા. યુદ્ધ ભૂમિનું સ્વરૂપ જ આખું બદલાઈ ગયું. આપણે ગયા વખતે અહીં સુધી જોયું હતું.
ततः(श्) शङ्खाश्च भेर्यश्च, पणवानकगोमुखाः।सहसैवाभ्यहन्यन्त, स शब्दस्तुमुलोऽभवत्।।1.13।।
તે પછી પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો. શંખનાદનો અર્થ કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ. સૌથી વૃદ્ધ ભીષ્મે સિંહનાદ કર્યો અને શંખ વગાડતાની સાથે જ અચાનક બંને બાજુ યુદ્ધના રણવાદ્યો વાગવા લાગ્યા. લાખોની સેનાએ હજારો રણવાદ્યોનો નાદ કર્યો. વાદ્યો પણ સામાન્ય નથી. પણવ, અનક, ગોમુખ વગેરે, જેમના અવાજો નબળા યોદ્ધાઓને પણ ખૂબ જ હૃદયદ્રાવક અનુભૂતિ કરાવતા હતા. જ્યારે આ વાદ્યો વાગવા લાગ્યા હશે ત્યારે તે અવાજ કેવો હશે? માનસિક રીતે તે અવાજની મધ્યમાં પહોંચો. એક જોરદાર અવાજ આવે છે અને આ અવાજમાં, શ્રીમદ્ભગવદ્ગીતાના આપણા બંને નાયકો - ભગવાન કૃષ્ણ અને અર્જુન યુદ્ધભૂમિમાં પ્રવેશ કરે છે.
1.14
તતઃ(શ્) શ્વેતૈર્હયૈર્યુક્તે, મહતિ સ્યન્દને સ્થિતૌ।
માધવઃ(ફ્) પાણ્ડવશ્ચૈવ, દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ॥૧.૧૪॥
સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, મહારાજ! એના પછી શ્વેત એટલે કે સફેદ અને હય એટલે કે અશ્વ/ઘોડો, શ્વેત અશ્વોથી યુક્ત મહાન રથ. અર્જુનનો રથ સામાન્ય નથી! અહીં રથને મહતિ એટલે કે મહાન કહેવામાં આવ્યો છે. એ રથ પર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન છે અને આ મહાન રથ અગ્નિદેવ દ્વારા અર્જુનને આપવામાં આવ્યો છે.
અર્જુને અગ્નિદેવ પાસેથી રથ તથા ગાંડીવ ધનુષ બન્ને મેળવ્યા છે. અર્જુને દિવસ-રાત પરિશ્રમ કરીને, એટલે કે ઘોર તપશ્ચર્યા કરીને આ અસ્ત્ર-શસ્ત્રો પ્રાપ્ત કર્યા છે. શ્રીમદ્ભગવદગીતા વાંચીને આપણે અર્જુન જેવા બનવાનો પ્રયાસ કરવો જોઈએ. અર્જુન સામાન્ય યોદ્ધા નથી એટલે તેઓ સામાન્ય રથ પર બેસીને પણ આવ્યા નથી.
અહીં બેસવા માટે સ્થિતૌ શબ્દનો પ્રયોગ થયો છે. આપણે હિન્દી, મરાઠી, અંગ્રેજી જેવી ભાષાઓમાં એકવચન અને બહુવચન જોતા હોઈએ છીએ, પરંતુ સંસ્કૃતમાં એકવચન, દ્વિવચન અને બહુવચન હોય છે. સ્થિતૌનો અર્થ થયો – જ્યાં બે લોકો બેઠા છે – માધવ એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને પંડુપુત્ર અર્જુન. તેમણે પણ પોતાના-પોતાના શંખ વગાડ્યા.અહીં અર્જુનની મનોભાવના સમજવી પડશે. તે મહાન રથમાં બેસીને અર્જુન, શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ ભૂમિમાં આવ્યા છે અને પિતામહ ભીષ્મ દ્વારા કરવામાં આવેલા શંખનાદને સાંભળી અર્જુને પણ શંખનાદ કર્યો. તેનો અર્થ થયો કે “હું પણ યુદ્ધ માટે તૈયાર છું.” બે દૈવીય શંખ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને વગાડ્યા.
પાઞ્ચજન્યં(મ્) હૃષીકેશો, દેવદત્તં(ન્) ધનઞ્જયઃ।
પૌણ્ડ્રં(ન્) દધ્મૌ મહાશઙ્ખં(મ્), ભીમકર્મા વૃકોદરઃ॥૧.૧૫॥
શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌણ્ડ્ર નામનો મહાશંખ વગાડ્યો.
સંજયે એમના શંખોના નામ કહેવાનું શરુ કર્યું.
શ્રીકૃષ્ણે પંચજન્ય નામનો મોટો શંખ વગાડ્યો, અર્જુને દેવદત્ત વગાડ્યો. ભગવાન માટે અહીં હૃષીકેશ આ સંબોધન આવી ગયું છે.
હૃષિક એટલે ઇન્દ્રિયો, ઇશ તે સ્વામી છે. હૃષીકેશ - જે પોતાની ઇન્દ્રિયોનો માલિક છે, જેની ઇન્દ્રિયો તેના નિયંત્રણમાં છે.
અર્જુન માટે ધનંજય આ સંબોધન એટલા માટે વપરાય છે કારણ કે તેમણે ઘણા યુદ્ધો જીત્યા હતા અને ઘણી સંપત્તિ મેળવી હતી. ભગવાને પંચજન્ય અને અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો.
ભીમ જેણે મહાન કાર્યો ખૂબ જ સરળતાથી કર્યા હતા, ભીમના પેટની આગ ખૂબ જ તીવ્ર હતી (વૃકોદર) તેણે પૌન્ડ્ર નામનો મહાન શંખ વગાડ્યો. ભીમને કસરતનો બહુ શોખ હતો, જેટલી કસરત કરતાં એટલું જ વધુ ખાતાં અને પચાવતાં એટલે મોટા-મોટા કાર્યો પણ સરળતાથી કરી શકતાં! એમનો શંખ પણ મોટો હતો!
અનન્તવિજયં(મ્) રાજા, કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ।
નકુલઃ(સ્) સહદેવશ્ચ, સુઘોષમણિપુષ્પકૌ॥૧.૧૬॥
સંજય કહે છે, કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનન્તવિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા.
યુધિષ્ઠિર પાસે રાજ્ય ન હોવા છતાં તે પણ ધૃતરાષ્ટ્ર જેવો રાજા છે. તે રાજ્ય વિનાનો રાજા હતો. યુધિષ્ઠિર પણ એક રાજા છે એવું પોતાના રાજાને કહેવાની સંજયમાં હિંમત હતી.
સંજય કહે છે કે યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ વગાડ્યો. નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક એમ બે શંખ વગાડ્યા.
આ બધાનું વર્ણન કરવાનો આશય છે કે એ વખતની યુદ્ધની પરિસ્થિતિ કેવી છે, વાતાવરણ કેવું છે તે સમજી શકાય.
આ રીતે યુદ્ધના મેદાનમાં મદદ કરવા આવેલા પાંચેય પાંડવો અને ભગવાન હૃષિકેશે તેમના શંખ વગાડ્યા. આ સિવાય યુદ્ધના મેદાનમાં હાજર અન્ય ઘણા રાજાઓએ પણ પોતપોતાના શંખ વગાડ્યા હતા. બધા હવે યુદ્ધ માટે તૈયાર હતા એવો સંકેત હતો.
કાશ્યશ્ચ પરમેષ્વાસઃ(શ્), શિખણ્ડી ચ મહારથઃ।
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ, સાત્યકિશ્ચાપરાજિતઃ॥૧.૧૭॥
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ, સર્વશઃ(ફ્) પૃથિવીપતે।
સૌભદ્રશ્ચ મહાબાહુઃ(શ્), શઙ્ખાન્દધ્મુઃ(ફ્) પૃથક્ પૃથક્॥૧.૧૮॥
મહાન ધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, રાજા દ્રુપદના પુત્ર અને દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ જેમના રાજ્યમાં અજ્ઞાતવાસ વખતે પાંડવોએ આશ્રય લીધો હતો, જેમનો ક્યારેય પરાભવ નથી થયો એવા અર્જુનના શિષ્ય અજેય સાત્યકિ, આ બધા યોદ્ધાઓએ પોતપોતાના શંખ વગાડ્યા.
પૃથિવીપતે એ સંબોધન છે. સંજય રાજા ધૃતરાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે કે હે પૃથિવીપતે! પૃથ્વીના રાજા! રાજા દ્રુપદ, દ્રૌપદીના પાંચેય પુત્રો, મહાબાહુ સુભદ્રાપુત્ર અભિમન્યુ જે બળવાન છે, તેણે પણ પોતપોતાના શંખો વગાડ્યા. હે રાજા! ચારે બાજુથી બધાએ જુદા-જુદા શંખ ફુંક્યા.
આમ પાંડવો અને તેમની સેનાના તમામ અગ્રણી યોદ્ધાઓ યુદ્ધ માટે તૈયાર હતા. બધાના શંખોનો ધ્વનિ ભયાનક હતો!
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં(મ્), હૃદયાનિ વ્યદારયત્।
નભશ્ચ પૃથિવીં(ઞ્) ચૈવ, તુમુલો વ્યનુનાદયન્॥૧.૧૯॥
એટલો ભયંકર અવાજ હતો કે પૃથ્વી અને આકાશ એ અવાજથી ભરાઈ ગયા. સંજય હિંમતભેર તેના રાજાને કહે છે કે યોદ્ધાઓના અવાજથી આકાશ અને ધરતી ગાજી ગઈ છે અને તમારા પુત્રોના હૃદય તે અવાજથી ભયભીત થઈ ગયા છે.
સંજય પત્રકાર છે. એક પણત્રકારમાં ક્યા ગુણો હોવા જોઈએ તે સંજય પાસેથી શીખવાનું છે! રાજાને પણ જો કોઈ વાત કહેવી હોય તો એને સારું લાગે માટે ખોટી વાત નથી કરવાની! જે સાચું હોય તે જ કહેવાનું હોય એ સંજય પાસેથી શીખવાનું છે. પ્રત્યક્ષ રાજાને પણ કંઈ કહેવું હોય તો ખચકાટ ન થવો જોઈએ! જે સાચું હોય તે જ કહેવાનું હોય છે.
સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારા પુત્રો ડરેલા છે.
જ્યારે યુદ્ધમાં શંખોનો નાદ થાય છે ત્યારે કેટલાક લોકો લડવા માટે ઉત્સાહિત થઈ જાય છે. જે સત્યની પડખે છે તેમના મનમાં ઉત્સાહ વ્યાપી જાય છે અને અસત્યના પક્ષે ઉભેલાઓમાં સર્વદા ભય હોય છે. આવો ઉત્સાહ વધારનારો નાદ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રો ડરેલા દેખાય છે.
સામાન્ય રીતે આપણે જોયું છે કે રાજા અથવા સરકારને કંઈ કહેવાનું હોય છે ત્યારે પત્રકારો એમને સારું લાગે તેવું લખે છે! પત્રકાર નિષ્પક્ષ હોવો જોઇએ.
પત્રકાર સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે તમારા પુત્રો ડરી ગયા છે! આવું કહેવા માટે ધૈર્ય જોઈએ, સાહસ જોઈએ. સંજયનું મન સ્વચ્છ છે અને ગીતાના છેલ્લા શ્લોકમાં સંજય એમ પણ કહે છે કે વિજય કોને પ્રાપ્ત થશે!
આખું આકાશ અને પૃથ્વી એ અવાજથી ભરાઈ ગયા! કલ્પના કરો આપણે એ યુદ્ધભૂમિમાં ઉભા છીએ! પછી શું થયું?
અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા, ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ।
પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે, ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ॥૧.૨૦॥
"અથ:" પ્રારંભ બનાવનારો શબ્દ છે. કોઈપણ અધ્યાયની શરુઆત અથ: થી થાય છે. હવે આગળ શું થયું છે તે કહું છું.
સંજય અહીંથી આગળની વાર્તા વર્ણવે છે. તે કહે છે, “ધૃતરાષ્ટ્રના પુત્રો યુદ્ધ માટે અહીં આવ્યા છે, હનુમાનજી અર્જુનના રથના ધ્વજ પર અંકિત છે અથવા બેઠેલા છે. કલ્પના કરો કે અર્જુનનો રથ કેટલો દિવ્ય હશે! શ્રીહરિ રથ ચલાવવા માટે બેઠા છે અને હર, એટલે કે રુદ્રજી પોતે રથના ધ્વજ પર બેઠેલા છે. હનુમાનજી રુદ્રના અવતાર છે. તો શ્રીહરિ અને શ્રીહર બંને દ્વારા સંચાલિત રથ કેટલો દિવ્ય હશે!
અહીં અર્જુનને કપિધ્વજ કહેવામાં આવ્યો છે, જેના રથ પર કપિ એટલે કે હનુમાનજી અંકિત છે. અર્જુન વિચારે છે, હવે શસ્ત્ર ચલાવવાનો સમય આવી ગયો છે, શંખનાદ પણ થઈ ગયો છે, રણવાદ્યો પણ વાગી ગયા છે! અર્જુને ધનુષ્ય ઊંચું કર્યું અને કહ્યું- “હે હૃષિકેશ! હે રાજાઓના રાજા! હવે શસ્ત્રનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, હવે રોકાવાનો કોઈ અર્થ નથી.”
હૃષીકેશં(ન્) તદા વાક્યમ્, ઇદમાહ મહીપતે।
અર્જુન ઉવાચ
સેનયોરુભયોર્મધ્યે, રથં(મ્) સ્થાપય મેઽચ્યુત॥૧.૨૧॥
મહિપતે પૃથ્વીપતિ એટલે રાજા.
ગીતામાં અર્જુન દ્વારા ઉચ્ચારવામાં આવેલા પ્રથમ શબ્દો આ શ્લોકથી શરૂ થાય છે. અર્જુન જાણતો હતો કે શંખના અવાજ પછી યુદ્ધ શરૂ થશે. અર્જુને શસ્ત્ર ચલાવવા માટે ધનુષ્ય ઉઠાવ્યું અને ભગવાનને કહ્યું, હે અચ્યુત! અજેય (પોતાના પદથી વિચલિત ન થનાર, અડગ રહેનાર) મારા રથને બે સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો. અર્જુન, એક શ્રેષ્ઠ યોદ્ધા છે એ આનાથી સમજી શકાય છે. જે નબળો હોય તે યુદ્ધમાં પાછળ-પાછળ રહેવાનો પ્રયત્ન કરે છે, જે વીર યોદ્ધા હોય તે છાતી કાઢીને આગળ રહે છે અને યુદ્ધનો સામનો કરે છે.
યાવદેતાન્નિરીક્ષેઽહં(ય્ઁ), યોદ્ધુકામાનવસ્થિતાન્।
કૈર્મયા સહ યોદ્ધવ્યમ્, અસ્મિન્ રણસમુદ્યમે॥૧.૨૨॥
જ્યાં સુધી હું શત્રુની સેનામાં કોની-કોની સામે યુદ્ધ કરવાનું છે તે જોઈ ન લઉં ત્યાં સુધી મારો રથ બે સેનાની વચ્ચે ઉભો રાખો.
તુલ્યબળ હોય તેની સામે જ યુદ્ધ થઈ શકે છે, રથી સામે રથી, મહારથી સામે મહારથી લડે તે અપેક્ષિત છે. યુદ્ધમાં આગળ અધર્મ પણ આચરવામાં આવ્યો છે જ્યારે અભિમન્યુને માર્યો! એક સામે એક લડે તે નિયમ છે પણ યુદ્ધમાં નિયમો તોડવામાં પણ આવે છે! અર્જુન નિયમાનુસાર યુદ્ધ કરવા માંગે છે એટલે જોવા ઈચ્છે છે કે સામે કોણ-કોણ યોગ્ય છે!
ભગવાન અર્જુનનો રથ ચલાવી રહ્યા હતા તેથી અર્જુને તેમને રથને બંને સેના વચ્ચે ખસેડવાનો આદેશ આપ્યો.
યોત્સ્યમાનાનવેક્ષેઽહં(ય્ઁ), ય એતેઽત્ર સમાગતાઃ।
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેઃ(ર્), યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ॥૧.૨૩॥
જેઓ આ યુદ્ધમાં જોડાયા છે તેઓને, દુષ્ટ મનના ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનના વિજયની ઈચ્છા રાખનારા જે-જે અહીં આવ્યા છે તેમને હું જોવા ઈચ્છું છું.
ગયા વખતે આપણે જોયું હતું કે દુર્યોધનનું હિત ઈચ્છનારા ઘણાં છે. એણે મોટું ગઠબંધન બનાવી લીધું છે! જ્યારે લોકો સ્વાર્થ પ્રેરિત હોય છે તેમને ભેગા કરવામાં મુશ્કેલી નથી આવતી! દુર્યોધનની સેના અગિયાર અક્ષૌહિણી જેટલી મોટી છે. દુર્યોધનમાં ઘણા દુર્ગુણો હોવા છતાં, તેણે લોકોને કંઈક આપીને, તેમની તરફેણ કરીને ઝડપથી તેમની સાથે મિત્રતા કરી. દરેક પોતપોતાનો સ્વાર્થ સાધવા દુર્યોધન તરફથી લડવા માટે આવ્યા છે.
ગુરુ દ્રોણાચાર્ય પણ પોતાના સ્વાર્થને લીધે આવ્યા છે. "अर्थस्य पुरुषों दास्यह:" હું હસ્તિનાપુરની નોકરી કરું છું, નહીં લડું તો મારી નોકરી જશે! એમ વિચારીને આવ્યા છે.
પિતામહ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞાના અહંકારને લીધે કૌરવો તરફથી લડવા આવ્યા છે. તેની પાસે આવા લોકોની મોટી ફોજ હતી.
અર્જુન ભગવાનને આજ્ઞા જ કરી રહ્યા છે કે મારા રથને બે સેનાઓ વચ્ચે સ્થાપિત કરો!
પછી શું થયું તે સંજય કહી રહ્યો છે.
સઞ્જય ઉવાચ
એવમુક્તો હૃષીકેશો, ગુડાકેશેન ભારત।
સેનયોરુભયોર્મધ્યે, સ્થાપયિત્વા રથોત્તમમ્॥૧.૨૪॥
ગુડાકેશ અર્જુનને આપેલું વિશેષણ છે.
ગુડાક એટલે કે ઊંઘ, ઇશ - માલિક
ગુડાકેશ એટલે કે જેણે પોતાની ઊંઘ પર નિયંત્રણ મેળવ્યું છે. એ ઈચ્છે ત્યારે સૂઈ-જાગી શકે છે! જેમ ઈન્દ્રિયો પર નિયંત્રણ આવશ્યક છે તેમ નિદ્રા પર પણ નિયંત્રણ મહત્વપૂર્ણ છે. અર્જુન શ્રેષ્ઠ તીરંદાજ હતો. ધનુર્વિદ્યા શીખવા માટે અર્જુને અભ્યાસપૂર્વક તેની ઊંઘ પર નિયંત્રણ રાખ્યું હતું. જો જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવું હોય તો વ્યક્તિએ ઊંઘ પર નિયંત્રણ રાખવું પડશે. નિદ્રાનો સ્વામી ઈન્દ્રિયોના સ્વામીને કહી રહ્યો છે.
શ્રીકૃષ્ણે પોતાનો રથ બંને સેનાઓની મધ્યમાં સ્થાપિત કર્યો અને કહ્યું.
ભીષ્મદ્રોણપ્રમુખતઃ(સ્), સર્વેષાં(ઞ્) ચ મહીક્ષિતામ્।
ઉવાચ પાર્થ પશ્યૈતાન્, સમવેતાન્કુરૂનિતિ॥૧.૨૫॥
ભગવાને એ મહાન રથને પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણની સામે, બીજા બધા રાજાઓ સામે લઈ જઈને મૂક્યો.
બે સેનાની મધ્યમાં રથને ગોઠવ્યા પછી ભગવાને અર્જુનને કહ્યું કે, હે પાર્થ! જો તમારે જોવાની ઈચ્છા હોય કે કોની સામે યુદ્ધ કરવું છે તો યુદ્ધના મેદાનમાં હાજર આ કૌરવોને જુઓ. ભગવાને આ કહ્યું ત્યારે અર્જુને શું જોયું?
તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ(ફ્), પિતૄનથ પિતામહાન્।
આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્, પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા॥૧.૨૬॥
પછી કુંતીના પુત્ર અર્જુને તે બે સેનાઓમાં હાજર રહેલા કાકાઓ, દાદા-પિતા, ગુરુ, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સાસરિયાઓ અને શુભેચ્છકોને જોયા.
તત્ર એટલે ત્યાં, સંજય મહારાજ ધૃતરાષ્ટ્રને કહે છે કે (કુંતીનું નામ પૃથા છે, પૃથાનો પુત્ર, તેથી અર્જુનનું નામ પાર્થ છે.) અર્જુને પિતામહ એટલે કે દાદા, કાકાઓ, કોઈ કોઈના પિતા, કોઈ કોઈનો પુત્ર, કોઈ કોઈનો ભાઈ, કોઈ કોઈનો કાકા, કોઈ કોઈનો પૌત્ર છે તેમને જોયાં.
સગાસંબંધીઓ, શિક્ષકો અને એકબીજાના મિત્ર છે તે બધા યુદ્ધભૂમિમાં સામસામે ઉભા છે. બંને સૈન્યમાં, કોઈ કોઈના સસરા, કોઈ કોઈના જમાઈ, કોઈ મિત્ર તેમજ શુભેચ્છક છે, હિતચિંતક છે તે બધાને અર્જુને જોયાં.અત્યાર સુધી આપણે અર્જુનની માનસિક સ્થિતિ જોઈ છે. અર્જુને શંખ વગાડીને યુદ્ધ માટે તૈયાર હોવાની જાહેરાત કરી છે. અર્જુને એમ પણ કહ્યું છે કે "મારો રથ લઈ જાઓ અને તેને બંને સૈન્યોની વચ્ચે મૂકો, હું જોવા માંગુ છું કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે". આ જાહેરાત પણ અર્જુને કરી છે. અને તેણે પોતાનું ધનુષ્ય પણ ઉપાડ્યું છે. અર્જુનમાં અચાનક શું પરિવર્તન આવ્યું?
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ, સેનયોરુભયોરપિ।
તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ(સ્), સર્વાન્બન્ધૂનવસ્થિતાન્॥૧.૨૭॥
તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુન્તીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતાં આ વચનો બોલ્યા. અર્જુને યુદ્ધના મેદાનમાં હાજર વડીલો તરફ જોયું. ભીષ્મ, પિતામહ જેઓ તેમને ખૂબ પ્રેમ કરતા હતા, તેમને ધનુર્વિદ્યા શીખવનાર આચાર્ય દ્રોણ, તેમને જ્ઞાન આપનાર આચાર્ય, કાકાઓ, મામાઓ, ઋષિઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરા, સુહૃદ, જેઓ બંને સેનાઓમાં હાજર હતા, તે બધાને જોયા. અર્જુનમાં શું પરિવર્તન આવ્યું?
કૃપયા પરયાવિષ્ટો, વિષીદન્નિદમબ્રવીત્।
અર્જુન ઉવાચ
દૃષ્ટ્વેમં(મ્) સ્વજનં(ઙ્) કૃષ્ણ, યુયુત્સું(મ્) સમુપસ્થિતમ્॥૧.૨૮॥
બધા સગા સંબંધીઓ, ભાઈઓ, મિત્રો, સ્વજનોને જોઈ, તેમની સમીક્ષા કરી, અર્જુનનું મન આત્યંતિક કરુણાથી ભરાઈ ગયું, તેના મનમાં અત્યંત કરુણા ઉત્પન્ન થઈ ગઈ અને તે દ્રવિત થઈ ગયો, પીઘળી ગયો.
જુદી-જુદી સ્થિતિ હોય છે. દુ:ખ થાય છે, શોક થાય છે, વિષાદ થાય છે આ દુ:ખની જુદી-જુદી અવસ્થા માટેના શબ્દ છે.
કોઈપણ દુ:ખદ ઘટના જોઈ- સાંભળીને આપણને દુ:ખ થાય છે. જો ઘટના આપણાં આપ્તજનની હોય તો મનુષ્યને વધારે દુ:ખ એટલે કે શોક થાય છે અને જ્યારે આત્યંતિક શોક થાય છે અને મનુષ્ય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે કે શું કરું સમજાતું નથી ત્યારે એને વિષાદ કહે છે. આ અધ્યાયનું નામ છે "અર્જુનવિષાદયોગ". અર્જુનને થયેલો વિષાદ જ એના યોગનું કારણ બની ગયો! એટલો વધારે વિષાદ થઈ ગયો કે અર્જુન પોતાનું કર્તવ્ય ભૂલી ગયો.
એવા આત્યંતિક દુ:ખમાં મનુષ્ય ભગવાનને જ યાદ કરે છે! આત્યંતિક દુ:ખ જ અર્જુનને ભગવાનની નજીક જવાનું કારણ બની ગયું! એટલે આ અધ્યાયનું નામ "અર્જુન વિષાદયોગ" છે.
સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે અર્જુનનું મન એકદમ બદલાઈ ગયું છે અને તે અત્યંત દુ:ખી દેખાઈ રહ્યો છે, વિષાદ કરતાં અર્જુન ભગવાનને આ વચન કહે છે.
સીદન્તિ મમ ગાત્રાણિ, મુખં(ઞ્) ચ પરિશુષ્યતિ।
વેપથુશ્ચ શરીરે મે, રોમહર્ષશ્ચ જાયતે॥૧.૨૯॥
અહીં અર્જુન કહે છે, હે કૃષ્ણ! યુદ્ધ ક્ષેત્રમાં રહેલા યુદ્ધ કરવા માટે ઉત્સુક આ સ્વજનોને જોઈને મને શું થાય છે તે સમજાતું નથી. મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, પૂર્ણ મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. અહીં અર્જુન તેની ભાવના વ્યક્ત કરે છે. એક પળમાં અર્જુનના મનનું પરિવર્તન થઈ ગયું. જ્યારે મનુષ્ય ભયભીત થઈ જાય છે ખૂબ દુઃખી થઈ જાય છે, તો તેના હાથ પગ ઢીલા પડી જાય છે. અર્જુન પોતાની અવસ્થાનું વર્ણન કરી રહ્યો છે.
અર્જુન કહે છે, મારું શરીર હવે ધ્રુજવા લાગ્યું છે, મારાં રુંવાડા ઉભા થઈ ગયા છે. ભયમાં કે દુ:ખમાં રૂવાંડા ઉભા થઇ જાય છે. આ બધું પરિવર્તન અર્જુનમાં એક પળમાં થઈ ગયું.
એકવાર ભગવાન શિવજીએ અર્જુનની પરીક્ષા લેવા માટે એની સાથે યુદ્ધ કર્યું હતું અને એમાં અર્જુન જીતી ગયો હતો એવો અર્જુન છે અને એની આવી અવસ્થા થઈ ગઈ?
જ્ઞાનેશ્વર મહારાજ અર્જુનની આવી અવસ્થા કેમ થઈ તેનું વર્ણન કરે છે.
ज्या उत्तम कुळातिल असती आणि लावण्य गुणवतीत्या इतर स्त्रियास न सहती तेजस्वी पणे|
मनी गजबज झाली आणि आपो आप कृपा आली
त्या अपमानाने सोडून गेली वीर वृत्ति|
જ્ઞાનેશ્વર મહારાજ તેના માટે ઉદાહરણ આપે છે. એક કુલીન ઘરની સ્ત્રી છે, ગુણવાન છે. આ સ્ત્રીનો પતિ જો કોઈ બીજી સ્ત્રીને ઘરમાં લાવે, તો આ સ્ત્રી તે સહન કરી શકતી નથી. જે તુરંત જ તે ઘર છોડી દેશે. આમ કુલીન ઘરની સ્ત્રી તેના પતિ દ્વારા લાવવામાં આવેલી શોક્યને સહન નથી કરી શકતી અને તે ઘરનો ત્યાગ કરી દેશે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે આ એવી જ વાત છે. અર્જુન વીરવૃત્તિની પ્રકૃતિ ધરાવે છે અર્જુનના વિવાહ વીરવૃત્તિ સાથે થયેલા છે, હવે તે કરુણાને તે ઘરમાં લાવ્યો. આ બંને સ્ત્રી વાચક નામ છે ને? એટલે જ્ઞાનેશ્વર મહારાજે તેની ઉપમા આપી છે. અર્જુન કરુણાને ઘરમાં લાવ્યો એટલે વીરવૃત્તિ કહે કે હું તો ચાલી! હું હવે અહીં નહીં રહું. અને અર્જુનની બધી વીરવૃતિ ચાલી ગઈ અને કરુણા ભરાઈ ગઈ. તો આમાં કંઈ ખોટું છે? આપણે પોતાની અર્જુનના સ્થાને કલ્પના કરવાની છે.
ગાણ્ડીવં(મ્) સ્રંસતે હસ્તાત્, ત્વક્ચૈવ પરિદહ્યતે।
ન ચ શક્નોમ્યવસ્થાતું(મ્), ભ્રમતીવ ચ મે મનઃ॥૧.૩૦॥
અર્જુનનું પ્રિય ધનુષ્ય ગાંડીવ, એક સર્વશ્રેષ્ઠ ધનુર્ધારીનું સર્વશ્રેષ્ઠ ધનુષ્ય , જેને હાથમાં લઈને જ તેણે શરૂઆતમાં કહેલું કે મારી સાથે યુદ્ધ કરવા માટે કોણ યોગ્ય છે તે મારે જોવું છે, હવે અર્જુન કહે છે કે આ ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરકી રહ્યું છે, હું તેને પકડી શકતો પણ નથી. અરે! જો ધનુષ્યને જ પકડી ના શકે તો પ્રત્યંચા ખેંચીને બાણ કઈ રીતે ચલાવે? આવી સ્થિતિ થઈ ગઈ. મારું ધનુષ્ય મારા હાથમાંથી પડી રહ્યું છે હું તેને બરાબર રીતે પકડી પણ શકતો નથી. મારી ત્વચામાં બળતરા થઈ રહી છે. રુંવાડા ઊભા થઈ ગયા છે, મારા અવયવો, ગાત્રો ઢીલા પડી રહ્યા છે. હું મારું ધનુષ્ય પણ પકડી શકતો નથી, હું ઉભો પણ રહી શકતો નથી. મારું મન ભ્રમિત થઈ ગયું છે. મને કંઈ સમજાતું નથી. આમ અચાનક પરિવર્તન આવી ગયું. આટલા શ્રેષ્ઠ યોદ્ધાનું આટલું પરિવર્તન કઈ રીતે થઈ ગયું? અર્જુનની આવી સ્થિતિ કઈ રીતે થઈ ગઈ?
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
जेणे संग्रामी हरू जिंतिला । निवातकवचांचा ठावो फेडिला ।
तो अर्जुन मोहें कवळिला । क्षणामाजेणेजि ॥ २००
યુદ્ધમાં હરિ (ભગવાન શિવ) ને પણ હરાવનાર, નિવાત, કવચ નામના રાક્ષસોનો નાશ કરનાર અર્જુન એક ક્ષણમાં આસક્તિમાં ડૂબી ગયો. મારા પોતાના લોકો, મારા સગાંઓ આ આસક્તિમાં ડૂબી ગયો. આ આસક્તિને કારણે અર્જુન પોતાની મૂળભૂત વૃત્તિ, મૂળભૂત સ્વભાવ ભૂલી ગયો. બધા જ સગા સંબંધીઓ, સ્વજનો યુદ્ધ કરવા માટે આવેલા છે તેમના પર બાણ ચલાવવાના છે, પ્રહાર કરવાનો છે એ ખ્યાલ હોવા છતાં પણ અર્જુન વિચલિત થઈ ગયો!મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરી લે પણ જ્યારે પરિસ્થિતિ સામે આવે અત્યારે ડગમગી જવાય છે. અર્જુન જેવો યોદ્ધા પણ અહીં ડગમગી જાય છે!
સંત જ્ઞાનેશ્વર મહારાજ અહીં એક વાક્ય આપે છે, તે અજોડ છે.
जैसा भ्रमर भेदी कोडें । भलतैसें काष्ठ कोरडें ।
परि कळिकेमाजीं सापडें । कोवळियें ॥ २०१ ॥
એક સુકાયેલી લાકડીને ભમરો કોતરી-કોતરીને તેમાં કાણું પાડી દેશે પણ તે જ ભમરો કમળના ફૂલમાં પરાગકણો ખાવા જાય છે, ખાવામાં મગ્ન થઈ જાય છે. પ્રફુલ્લિત કમળ સૂર્યાસ્ત થવા પર બંધ થઈ જાય છે ત્યારે તે કમળ પુષ્પની અંદર ભમરો રહી જાય છે પણ અને તે જ ભમરો કે જે સૂકા લાકડાની પટ્ટીમાં કાણું પાડી શકે છે તે કમળ પુષ્પની કોમળ એવી પાંખડીઓમાં કાણું પાડી શકતો નથી કારણકે ત્યાં તેની ભાવના જુદી છે.
तेथे प्राणा सहित मुकेल पण चिरणार नाहीं ते कमल दल| ।
પરાગકણનો મોહ ભ્રમરને ભ્રમિત કરી દે છે અને તે ભમરો કમળના પુષ્પમાં બંધ થઈને મૃત્યુ પણ પામે છે. આ જે બંધન છે, પ્રેમનો જે ભાવ છે, તેને તોડવો મુશ્કેલ હોય છે. સગા સંબંધીઓનો મોહ, પ્રેમ તોડવો મુશ્કેલ છે. દુષ્ટના રાજ્યને અને દુષ્ટને નષ્ટ કરવા સહેલા છે. પણ આ પ્રેમનું બંધન તોડવું મુશ્કેલ છે. અર્જુન વીર છે પણ દુષ્ટ નથી. તેના મનમાં બધા માટે પ્રેમ ભાવ છે. અને તે પ્રેમ ભાવ અચાનક ઉપર આવી ગયો, અને તેનું સ્થાન કરુણાએ લઈ લીધું. અર્જુન અચાનક જ હતાશ, નિરાશ થઈ ગયો. હવે તે ઉભો પણ રહી શકતો નથી, હાથ-પગ ઢીલા પડી રહ્યા છે અને પોતાનું પ્રિય ધનુષ્ય ગાંડીવ ધનુષ્ય ઉંચકી શકતો નથી, આવી તેની સ્થિતિ થઈ ગઈ. શરીર ધ્રુજવા લાગ્યું છે. અર્જુન હવે શું કરે છે? ભગવાનને શું કહે છે તે આપણે આવતા વખતે જોઈશું.
અર્જુનમાં આ કેવું પરિવર્તન આવ્યું? અર્જુનની મન:સ્થિતિને સમજો કે એ કેવી રીતે રણમેદાનમાં આવ્યો હતો અને કેવો થઈ ગયો એ આપણે જોયું. અર્જુન ભગવાનને જે કહે છે તે પણ આપણે સમજવાનું છે.
આ સાથે જ વિવેચન સત્રની સમાપ્તિ થઈ. વિવેચન શ્રીકૃષ્ણને ચરણે અર્પણ કરતાં પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું.
સવાલ : ૧ આદર્શ ભૈયા
પ્રશ્ન: જ્યારે શ્રીમદ્ ભગવદ્ગીતાનું લેખન થયું, ત્યારે તેમાં આવેલા શ્લોકો પરથી શું એવું કહી શકાય કે શ્રીભગવાને અર્જુન સમક્ષ ગીતાનું પ્રાકટ્ય ક્યારે થયું, ભૂતકાળમાં થયું કે વર્તમાનકાળમાં?
જવાબ:
धृतराष्ट्र उवाच |
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः |
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय |
શ્રીમદ્ભગવદ્ગીતામાં ધૃતરાષ્ટ્ર દ્વારા ઉચ્ચારિત આ શ્લોકમાં તેમણે સંજયને પૂછેલો પ્રશ્ન વ્યાકરણની દ્રષ્ટિએ ભૂતકાળમાં છે પરંતુ આ માત્ર બોલચાલની ભાષા જેવી શૈલી છે. વાસ્તવમાં ગીતાનો ઉપદેશ શ્રીભગવાને વર્તમાનકાળમાં જ આપ્યો એમ માનવું જોઈએ કારણ કે અઢારમા અધ્યાયમાં સંજય દ્વારા ઉચ્ચારિત નીચેનો શ્લોક ગીતાનું પ્રાકટ્ય તથા ધૃતરાષ્ટ્ર-સંજયના સંવાદને વર્તમાનકાળમાં સ્પષ્ટ કરે છે.
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥
સવાલ :
શ્રીમદ્ભગવદ્ગીતાના શ્લોક 23 મા “ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે” કોને કહેવાયું છે?
જવાબ:
ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનને અહીં “ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે” એટલે કે દુર્મતિ તરીકે સંબોધવામાં આવ્યો છે, જે રીતે વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણને “વાસુદેવ” કહેવામાં આવે છે તે રીતે એને ધાર્તરાષ્ટ્રયે કહ્યું.
સવાલ :
શ્રીમદ્ભગવદ્ગીતાના અધ્યાય એકના શ્લોક ક્રમાંક 28મા અર્જુન પોતાનો જે શોક દર્શાવે છે, તે ભયને કારણે છે કે અન્ય કોઈ કારણસર?
જવાબ:
अर्जुन उवाच |
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ||
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति |।
સવાલ : ૨ દિપક ભૈયા
આ અધ્યાયના શ્લોક ક્રમાંક 1 થી 21 સુધી સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ મળે છે, ત્યારબાદ શ્લોક ક્રમાંક 22 થી અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ જોવા મળે છે તો શું આ સમયે અર્જુન અને સંજય વચ્ચે પણ કોઈ સંવાદ થયો છે?
જવાબ:
ના, શ્રીમદ્ભગવદ્ગીતામાં ક્યાંય પણ અર્જુન અને સંજયનો સીધો સંવાદ નથી. સંજય-ધૃતરાષ્ટ્ર તથા અર્જુન-શ્રીકૃષ્ણના યુદ્ધસંબંધિત સંવાદો અલગ-અલગ સ્થળોએ થાય છે.
સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ ધૃતરાષ્ટ્રના મહેલમાં થાય છે. સંજયને મહર્ષિ વ્યાસ દ્વારા દિવ્યદૃષ્ટિ મળેલી હોવાથી તેઓ ત્યાં બેઠાં-બેઠાં યુદ્ધનું દર્શન કરી તેનું વિસ્તારપૂર્વક વર્ણન ધૃતરાષ્ટ્રને કરે છે.
જ્યારે અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધ માટે તૈયાર થઈને કુરુક્ષેત્રના મેદાનમાં શત્રુસેના નિરીક્ષણ કરતી વખતે સંવાદ કરે છે.
જ્યારે અર્જુન સમકક્ષ યોદ્ધાઓને જોવાની વિનંતિ ભગવાન શ્રીકૃષ્ણને કરે છે અથવા પોતાની અશક્ત અવસ્થાનું વર્ણન કરે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે ઊભો કરીને “પશ્ય” કહે છે।
આ સંવાદોને સંજય ધૃતરાષ્ટ્રને “અર્જુને એવું કહ્યું” અથવા “ભગવાને અર્જુનને એવું કહ્યું” એવા રીતે વર્ણવે છે.
સવાલ : ભગવદ્ગીતા ભૂતકાળમાં લખાઈ છે કે વર્તમાનકાળમાં?
જવાબ:
પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક “ધૃતરાષ્ટ્ર ઉવાચ” ભૂતકાળનો છે
પણ સંજય જે પ્રસંગ વર્ણવે છે તે વર્તમાનકાળનો છે.
ઘટના ભૂતકાળમાં બની છે પરંતુ તેનું વર્ણન વર્તમાનકાળમાં થાય છે.
જેમ આપણે કોઈ ઘટના વિશે પૂછીએ ત્યારે “શું થયું?” એવું ભૂતકાળમાં પૂછીએ છીએ, પણ જવાબ આપનાર વર્તમાનકાળમાં કહેશે.
કથાનકમાં અનેકવાર ભૂતકાળનો ઉપયોગ થતો રહે છે.
સવાલ : ૩ સોહનભૈયા
મહાભારત યુદ્ધમાં “જે જીત્યો તે જ સિકંદર” એવો ન્યાય કેમ નથી?
જવાબ:
મહાભારત યુદ્ધ ધાર્મિક યુદ્ધ છે।
પાંડવોનો સેના-પતિ ધૃષ્ટદ્યુમ્ન છે, પણ યુદ્ધ જીતી ગયા પછી રાજપદનું માન યુધિષ્ઠિરને જ મળશે કારણ કે તે જ્યેષ્ઠ છે.
અન્ય સેનાઓ પણ આ હેતુથી જ સહાય માટે આવી છે.
સવાલ : સંજય ધૃતરાષ્ટ્ર સમક્ષ દુર્યોધનને “દુર્બુદ્ધે” કહેવાની હિંમત કેવી રીતે કરી શક્યો?
જવાબ:
સંજય નીતિમાન છે. તેને દિવ્યદૃષ્ટિ મળેલ હોવાથી યુદ્ધભૂમિની ઘટનાઓનું તટસ્થ રીતે વર્ણન કરવાની તેની નિમણૂક કરાઈ છે. તે પોતાનું કાર્ય નિર્ભીકપણે કરે છે।
અર્જુનએ જ દુર્યોધન માટે “દુર્બુદ્ધિ" શબ્દ વાપર્યો છે અને સંજય તે અર્જુનના શબ્દો જ યથાર્થ રીતે ધૃતરાષ્ટ્રને સંભળાવે છે।
સાચો પત્રકાર સંજય જેવો જ નિર્ભીક હોવો જોઈએ।
આજે અનેક પત્રકારો પોતાની પ્રમાણિકતા છોડી દેતા દેખાય છે, પરંતુ જો તેઓ સંજયનો આદર્શ માને તો દેશ વધુ પ્રગતિ પામશે।
સવાલ : ૪ વિદ્યાસાગર ભૈયા
અર્જુનને કોના પાસેથી અસ્ત્ર-શસ્ત્ર મળ્યાં?
જવાબ:
અર્જુને કઠિન પરિશ્રમ, મહેનત અને રાતદિવસની તપશ્ચર્યા કરીને વિવિધ દેવતાઓ પાસેથી અસ્ત્ર-શસ્ત્ર પ્રાપ્ત કર્યા હતા.
અર્જુને ઇન્દ્રદેવ, અગ્નિદેવ અને ભગવાન શંકર પાસેથી અનેક દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત કર્યા હતા. કઠોર મહેનત કરવાની પ્રેરણા વિદ્યાર્થીઓએ અર્જુન પાસેથી લેવી જોઈએ. "તપશ્ચર્યા" શબ્દનો અર્થ અહીં અભ્યાસ છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ જ તપશ્ચર્યા છે.
સવાલ : ૫ પ્રિયંકા દીદી
સત્યની તરફેણ કરવી જરૂરી છે કે નહીં?
જવાબ:
સત્યની તરફેણ હંમેશાં કરવી જોઈએ. સનાતન ધર્મ કહે છે – “સત્યમ્ બ્રુયાત્, પ્રિયમ્ બ્રુયાત્” એટલે કે સત્ય બોલો પણ મીઠું બોલો, કોઈને ખુશ કરવા માટે ખોટું બોલવું નહિ।
ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે છત્રપતિ શિવાજી મહારાજે અનેક પ્રસંગોમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો.
જેમ કે અફઝલખાનની મુલાકાત વખતે, તેમણે પોતાની વાતોને એવું રજૂ કર્યું કે સામેની વ્યક્તિને મીઠી લાગે, પરંતુ તે ખરેખર સત્ય ન હતું!આને પ્રસંગાવધાન અથવા વિવેક બુદ્ધિ કહેવામાં આવે છે.
ભગવાને ભગવદ્ગીતાના ઉપદેશ દ્વારા અર્જુનની વિવેક બુદ્ધિ જાગૃત કરી.
સવાલ : ૬ આનંદ ભૈયા
યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે ચાલેલો સંવાદ ત્યાં હાજર સૌએ સાંભળ્યો હતો?
જવાબ:
યુદ્ધભૂમિ પર શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ માત્ર તેમની વચ્ચે જ થયો હતો. રણવાદ્યોના અવાજો અને યુદ્ધના વાતાવરણને કારણે બીજાઓ તે સાંભળી શક્યા નહોતા. માત્ર સંજયને દિવ્યદૃષ્ટિના કારણે આ સંવાદ સાંભળવાનો અને દ્રશ્યો જોવાનો અવસર મળ્યો હતો.
તેમના સંવાદમાં અધ્યાય એક-બે એમ ભાગો નહોતા, મહર્ષિ વ્યાસજીએ આ સંવાદોને શ્લોકબદ્ધ કરીને 18 સર્ગોમાં વિભાજિત કર્યા.
સવાલ : ૭ પ્રકાશ ભૈયા
ભગવદ્ગીતા અર્જુનને જ શા માટે કહેવામાં આવી? યુધિષ્ઠિર ધર્માત્મા હતો, તેને શા માટે ન કહી?
જવાબ:
અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંબંધ વિશિષ્ટ હતો! તેઓ એકબીજાના સખા અને સગા પણ હતા. શ્રીકૃષ્ણ અર્જુનને “અનઘ” એટલે કે પાપરહિત કહી સંબોધતા. તેથી પાંડવોમાં શ્રીકૃષ્ણની વિશેષ કૃપા અર્જુન પર હતી. આપણે પણ આપણા મનની વાત આપણી નજીકની વ્યક્તિને જ કહીએ છીએ. જો આપણું અંતઃકરણ શુદ્ધ અને સ્વચ્છ હોય તો ભગવદ્ગીતા આપણને પણ માર્ગદર્શન આપશે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥