विवेचन सारांश
અધ્યાય 16 - દૈવાસુરસંપદ્વિભાગ યોગની મહત્તા

ID: 898
गुजराती - ગુજરાતી
શનિવાર, 21 મે 2022
પ્રકરણ 16: દૈવાસુર-સમ્પદ વિભાગ યોગ
1/2 (શ્લોક 1-12)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


સુ.શ્રી દીદી વિધાત્રી ફોન્ડેકરે શ્રી વિજય બાડેને આરંભિક પ્રાર્થના કરવાની વિનંતી કરી, ત્યાર પછી ભોપાલ સ્થિત સુશ્રી અચલ ભોજવાણી દ્વારા દીપ પ્રજ્જ્વલન કરવામાં આવ્યું. તેના અંતે દીદીએ ડૉ. શ્રી સંજય માલપાણીનો પરિચય આપીને તેમને સોળમા અધ્યાયના પૂર્વાર્ધનું વિવેચન પ્રસ્તુત કરવાની વિનંતી કરી.

શ્રી સંજય ભૈયાએ ગુરુ વંદનાથી વિવેચન સત્રનો પ્રારંભ કર્યો.

તેમણે સોળ મા અધ્યાયનું વિવેચન કરવાની તક ને તથા લાભને પૂર્વ જન્મના સત્કર્મોનું ફળ તથા ગુરુના આશીર્વાદનું ભગવદ્‍ કૃપાનું ફળ જણાવ્યું. કારણ કે સોળમો અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગ તરીકે ઓળખાય છે. આમાં દૈવી સંપદાઓનું અને આસુરી સંપદાઓનું વર્ણન છે.

જે રીતે સૂર્યોદય પૂર્વે લાલિમા છવાઈ જાય છે, આપણે રંગબેરંગી આકાશ જોવા ઇચ્છીએ છીએ, તે જ રીતે મનમાં ભક્તિના ઉદય પહેલાં બધી દૈવી ગુણ સંપદાઓ આપમેળે પ્રગટ થવા માંડે છે. એ બધી દૈવી સંપદાઓનું વર્ણન ભગવાન આરંભમાં કરે છે અને તે પછી આસુરી સંપદાઓનું વર્ણન પણ કરે છે.

આ આપણા માટે એક સ્વ પરીક્ષા છે. આપણે પોતાને પૂછતા રહેવાનું કે આમાંથી મારામાં કયા ગુણો છે? મારામાં  દૈવી સંપદાઓ છે કે આસુરી સંપદાઓ છે? ભગવાન પહેલાં દૈવી સંપદાઓ બતાવે છે.


16.1

શ્રીભગવાનુવાચ
અભયં(મ્) સત્ત્વસંશુદ્ધિઃ(ર્), જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ।
દાનં(ન્) દમશ્ચ યજ્ઞશ્ચ, સ્વાધ્યાયસ્તપ આર્જવમ્॥૧૬.૧॥

શ્રીભગવાન બોલ્યા : ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અન્તઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્ત્વજ્ઞાનને અર્થે ધ્યાનયોગમાં નિરંતર દૃઢ સ્થિતિ હોવી, સાત્ત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ-શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનનાં નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ-પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયોસહિત અન્તઃકરણમાં ઋજુભાવ હોવો .

અભયમ્ - સૌ પ્રથમ ગુણ, એનો અર્થ છે નીડર હોવું. નીડર જ લીડર હોય. નીડરતા વિના લીડરશિપ આવી ન શકે. સત્ત્વ સંશુદ્ધિ - આમાં ભગવાન સમ્યક્‍‍‍ શુદ્ધિની વાત કરે છે તેનો અર્થ છે આંતરબાહ્ય શુદ્ધતા. ચોવીસ કલાક શુદ્ધતા. મારા મનમાં, મારી વાચામાં, મારા શરીરમાં સાત્વિકતા ભળી જાય, શુદ્ધતા આવે, તે છે સત્ત્વસંશુદ્ધિ. પછી જ્ઞાન યોગ વ્યવસ્થિતિ - એ શું છે? જ્ઞાન માટે જે આવશ્યક વ્યવસ્થા છે. સ્થિર રહેવાની જે વાત છે, તે સ્થિતિમાં રહેવું.. . તેથી જો મારે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને જ્ઞાન માર્ગે ચાલવું હોય તો મારે એ સ્થિતિમાં રહેવું પડે છે. યોગાસન સવારે માત્ર એક કલાક કરી લેવું પૂરતું નથી. એ તો માત્ર શરૂઆત છે. દિવસની, અષ્ટાંંગ યોગની ત્રીજી સીડી છે યોગાસન. પણ તેની સાથે મન અને બુદ્ધિનું જોડાણ જરૂરી છે. આ જોડાણ જ તો યોગ કહેવાય છે. મન, બુદ્ધિ અને શરીરનું જોડાણ જ યોગ છે. જેમ 2+2=4 એટલે કે સરવાળો, 2માં 2નો ઉમેરો. તો યોગમાં શાનો ઉમેરો છે? મન, બુદ્ધિ અને શરીરનો. આ ત્રણેય જોડાય છે, એકસાથે જોડાઈને આગળ વધે છે. તેથી જેણે યોગમાર્ગે આગળ વધવું હોય તેણે એ સ્થિતિ ધારણ કરવી પડે છે. જેનો આરંભ સવારના યોગાસનથી થાય છે - યોગાસનમાં  શરીરને સીધું કરવાની સાથે સાથે શરીરને સમત્વમાં લાવવાનું હોય છે, કારણ કે સમત્વ જ તો યોગ છે! બીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે સમત્વ જ યોગ છે. ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, સમત્વમ્ યોગો ઉચ્યતે ... સમત્વનું બીજું નામ જ યોગ છે. આ જે સમત્વ છે તે સૌથી પહેલાં આપણા શરીરમાં આવે છે. ભગવાન કેવી રીતે બેસવું તે પણ સમજાવે છે. 

જેમ જેમ આગળ વધીશું તેમ તેમ બધું સમજાશે. આપણા શરીરનું સમત્વ સીધા બેસીને સિદ્ધ થાય છે. ધારણા કરીને બેસવાનું, સહેજ પણ હલનચલન નહીં કરવાનું, સ્થિર બેસવાનું ... આ થયું શરીરનું સમત્વ. અલગ અલગ યોગાસનથી જ્યારે શરીરનું  સમત્વ જળવાય છે ત્યારે તેની સાથે સાથે આપણું મન અને બુદ્ધિ પણ જોડાય છે અને તેનાથી જ આપણે સમત્વની દિશામાં આગળ વધીએ છીએ. યોગાસનથી શરીર અને પ્રાણાયામથી મન સ્થિર થાય. સવારે આ બે કર્યા પછી બાકીના 23 કલાક આપ યોગ સ્થિતિમાં રહો, વિવેક જાગૃત રહે, મન સૂઈ ન જાય પણ જાગૃત રહે, આપણું અચેતન મન પણ ચેતન રહે, ક્યારેય બેશુદ્ધ ન બને, એટલે કે વ્યવસ્થિતિ સ્થપાય તે જરૂરી. 

ઘર પણ સાફ અને વ્યવસ્થિત રાખવું જરૂરી. સત્ત્વ સંશુદ્ધિ અને વ્યવસ્થિતિ આપણી આસપાસ રહે. ભગવાન ક્યાં બેસવાનું કહે છે? ભગવાન પણ સાફ સ્થાન પર બેસવાનું કહે છે.ત્યાર પછી દાન, દમન, યજ્ઞ – યજ્ઞનો અર્થ માત્ર અગ્નિ પ્રજ્જ્વલિત કરીને હવન દ્વારા કરવામાં આવે તે જ નથી. એ તો એક જ પ્રકારનો યજ્ઞ છે. અનેક પ્રકારના યજ્ઞ છે. કોઈ ઉત્તમ કાર્ય માટે દ્રવ્ય આપવું, તપ કરવું - એ કાર્ય માટે પોતાના પ્રયાસો વધારવા તે પણ યજ્ઞ છે. સ્વાધ્યાય યજ્ઞ - સ્વયંનું અધ્યયન એ પણ યજ્ઞ... કેટલાક ઉદાહરણો છે. પછી આવે છે, આર્જવ – મીઠું/મધુર બોલવું. ફક્ત બોલવું એટલું જ નહીં, મુખ મેં રામ બગલ મેં છૂરી ન હોવું જોઈએ. મધુર વાણી સાથે એ પ્રકારનું આચરણ આર્જવ કહેવાય છે. મધુર વાણી સાથે મધુર આચાર. (16.1) 

16.2

અહિંસા સત્યમક્રોધઃ(સ્), ત્યાગઃ(શ્) શાન્તિરપૈશુનમ્।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં(મ્), માર્દવં(મ્) હ્રીરચાપલમ્॥૧૬.૨॥

મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈનેય કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અન્તઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાંય નિંદા આદિ ન કરવાં, સર્વ ભૂત-પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી.

અહિંસા – બહોળો અર્થ. કાયિક, વાચિક, માનસિક હિંસાનો અભાવ હોવો.
મારા મનથી, મારી વાણીથી, મારા શરીરથી કોઈની હિંસા ન થાય એ છે અહિંસા. વાણીથી પણ હિંસા ન થાય તે જરૂરી. સત્ય બોલવું જરૂરી, પણ સત્ય કેવું હોવું જોઈએ? સત્યમ્ બ્રુયાત્ પ્રિયમ્ બ્રુયાત્ - મધુર સત્ય બોલવું. કડવી વાણીથી સત્ય ન કહેવું. અક્રોધ – ક્રોધ પ્રકટ ન થાય એ તો અલગ વાત છે, પણ મનમાં પણ ક્રોધ ન આવવો જોઈએ. તે અક્રોધ કહેવાય છે.
ત્યાગ, શાંતિ, અપૈશુ. અપૈશુ એટલે શું? પીઠ પાછળ કોઈ ની પણ નિંદા ન કરવી તે અપૈશુ કહેવાય છે – ભૈયાજીએ સાસુ વહુના સંવાદના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. આ દૈવી ગુણ કહેવાય છે એમ ભગવાન કહે છે. આપણે કેટલી સહજતા થી કોઈ ની બુરાઈ કરીએ છીએ! મારા માં કયા દૈવી ગુણો છે કે મારે ક્યાં સુધારણા કરવી જરૂરી છે તેના માટે આત્મ ચિંતન કરવા  માટે આ ત્રણ શ્લોકો બહુ મહત્ત્વપૂર્ણ છે.

ત્યાર બાદ ભગવાન દયાનું મહત્ત્વ સમજાવે છે. બધાં જીવો માટે દયા. માત્ર મનુષ્ય માટે દયા એમ નહીં, નાનાં પતંગિયાં માટે પણ દયા રાખવી. ચાલતાં ચાલતાં પાન તોડવું...શા માટે? તેથી મારો વ્યવહાર કેવો હોય કે જેથી બધાં ભૂતો માટે મારા મનમાં દયા રહે તે જાણવું.અલોલુપ્ત્વમ – કોઈ બાબતમાં, વિષયમાં મન લિપ્ત રહેવું એ લોલુપ્ત્વમ્, તેમાંથી મન કાઢી લેવું એ અલોલુપ્ત્વમ્. બધી બાબતોમાં અલિપ્ત થવું. મારું મન કોઈ બાબતમાં અટકી ના જાય; હું સહજ રૂપથી  તેમાંથી બહાર નીકળી શકું. માર્દવમ્ - ઋજુતા. અહિંસકતાનો ભાગ. આ બધાં દૈવી ગુણો સત્ય અને અહિંસામાં સમાઈ જાય છે.

હ્રીર - એટલે કે લજ્જા – ખરાબ કર્મ માટે લજ્જા થવી એ પણ દૈવી ગુણ છે. તે ઘરેણું બની જાય છે. અચાપલમ્ – ચંચળતાનો અભાવ. મારા મનમાંની ચંચળતા જતી રહે તે અચાપલમ્. (16.2) 


16.3

તેજઃ ક્ષમા ધૃતિઃ(શ્) શૌચમ્, અદ્રોહો નાતિમાનિતા।
ભવન્તિ સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતસ્ય ભારત॥૧૬.૩॥

તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું - આ સઘળાં હે ભારત! દૈવી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

તેજ, ક્ષમા, ધૃતિ, શુચિ - શૌચનો અર્થ માત્ર સ્વચ્છતા નથી, એમાં શુદ્ધતા પણ સમાયેલી છે. આપણે સેનિટાઇઝરથી હાથ સાફ કરીએ તો પણ પાણીથી તો હાથ ધોવા જ રહ્યાં, કારણ કે સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરવાથી તેમાંનું રસાયણ મારા મોંમાં તો જવાનું જ. એ સ્વચ્છતા તો થઈ, જંતુઓ તો ગયાં, પણ પાણીથી હાથ ધોવા થી શૌચ આવે છે, જે મહત્ત્વપૂર્ણ છે.
અદ્રોહ – અર્થાત્ કોઈના પણ પ્રતિ દ્રોહ, વેરની ભાવના ન રાખવી. અને પછી આવે છે નાતિમાનિતા - એટલે કે અહંકારથી મુક્ત થઈ જવું. અહંકાર ન રાખવો. વિનમ્રતા રાખવી.
આ બધી 26 દૈવી ગુણ સંપદાઓ છે તે સેના છે, આસુરી સંપદાઓ સાથે લડવા માટે, જેનું નેતૃત્વ આપવામાં આવ્યું અભયને, નીડરતાને. અભય સૌ પ્રથમ ગુણ છે જે સેનાપતિ છે... બાકીની સંપદાઓની સેના સત્ય અને અહિંસામાં વહેંચાઈ ગઈ છે. મહત્તમ દૈવી ગુણ સંપદાઓ સત્ય સાથે સંબંધિત છે. તેજ સત્યથી જ આવે, અસત્યથી તેજ ન આવે. અસત્યના માર્ગે  જવાથી ચહેરા પરનું તેજ જતું રહે છે અને આપની શુદ્ધતા પણ જતી રહે છે. ધૈર્ય પણ જતું રહેશે, કારણ કે અસત્ય સાથે ભય આવે છે. તેથી અહિંસા અને સત્યમાં આ બધા ગુણો સમાઈ જાય છે.
સૌથી પહેલો ગુણ અભય...પણ રક્ષા કરવા માટે સૌથી છેલ્લો ગુણ પણ મહત્ત્વનો છે, જે છે નાતિમાનિતા - અર્થાત્ વિનમ્રતા. કારણ કે સૌથી પાછળથી આવીને તમારા પર આક્રમણ કરનાર ગુણ છે અહંકાર. વિનમ્રતાથી અહંકાર દબાઈ જાય છે.
ભગવાને આ બધાં ગુણોને દૈવી સંપદાઓ કહ્યા છે. પોતાનું પરીક્ષણ કરવું કે હું શું શું કરી શકું? આમાંથી કયા ગુણો મારામાં નથી? તે ગુણો લાવવા મારે શું કરવું પડશે? ભાઈશ્રીએ સાધુ અને ગૃહિણીના સંવાદનું ઉદાહરણ આપ્યું. ગૃહિણીના ઘરમાં કંકાસ રહેતો. વૈરાગી સાધુ ભિક્ષા  માંગી.  બાઈ એ  તેમને કંકાસનું  કારણ અને તેનો ઇલાજ પૂછ્યો. સાધુએ ઈલાજ જણાવવાને બદલે ભિક્ષા/ભોજન માંગ્યું. સ્ત્રીએ છંછેડાઈને કહ્યું કે; જ્ઞાન આપતાં નથી અને મફતમાં ભિક્ષા માગો છો? તેની વાણીમાં  ક્રોધ આવી ગયો. સન્યાસીએ હસીને કહ્યું, તમારી જિહ્વાથી પ્રકટ થતા શબ્દો જ તમારી અશાંતિનું, ક્રોધનું કારણ છે. જ્યારે તમે તમારી જીભ પર સંયમ લાવશો, ત્યારે તમારા ઝઘડા આપમેળે બંધ થઈ જશે. મારે આ જ કહેવું હતું. હવે ભિક્ષા આપો.
આપણે પોતાનું અવલોકન નથી કરતાં. આપણે બીજા લોકો પર દોષારોપણ કરીએ છીએ. પોતાના અવલોકન માટે છવીસ માપદંડ આપ્યા છે, કે એ જોઈને હું પોતાનું અવલોકન કરું, પોતાને જોઉં અને પોતાનામાં સુધારણા કરું. આ વાત ભગવાને કહી છે. લોખંડની શ્રુંખલા તૂટી શકે છે, પણ મોહની શ્રુંખલા તોડવી બહુ મુશ્કેલ હોય છે. લોઢું તૂટી શકે છે, પણ પોતાની અંદર રહેલો અહંકાર તૂટવો બહુ મુશ્કેલ છે. તેથી છે નાતિમાનિતા - તેના પર કામ કરવું પડે, તપ કરવું પડે, તેના માટે સજગતાની આવશ્યકતા હોય છે. વૈરાગ્યને જાગૃત કરવો પડે છે.
જ્યાં સુધી આપણે આ ન કરી શકીએ, ત્યાં સુધી આપણે આગળ ન વધી શકીએ. આટલું કહીને ભગવાને આસુરી સંપદાઓ વિશે કહેવાનું શરૂ કર્યું. (16.3)


16.4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥

હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન - આ સઘળાં આસુરી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

દૈવી ગુણો માટે ત્રણ શ્લોક અને આસુરી ગુણો માટે માત્ર એક જ શ્લોક! દૈવી સંપદાઓ છવીસ બતાવી પણ આસુરી માત્ર છ! આટલી ઓછી!
કદાચ આટલી ઓછી હોવાને કારણે તેના પર વિજય પ્રાપ્ત કરવો સરળ હશે. પણ સત્ય એ છે કે એ છવીસ દૈવી ગુણો પ્રાપ્ત કરવા સરળ છે, પણ આ છ આસુરી ગુણો પર વિજય મેળવવો બહુ જ મુશ્કેલ છે. આ છ ગુણો કયા છે?
દંભ, દર્પ, ઘમંડ/અભિમાન,ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન. આ છ તમને આસુરી સંપદામાં લઈ જાય છે.
છ શા માટે બતાવ્યા? આટલા ઓછા? કારણ કે - નાગનું નાનું બચ્ચું પણ જો મનુષ્યને કરડે, તો તેનું ઝેર શરીરમાં ફેલાઈને મૃત્યુ નિપજાવી શકે. દૈવી ગુણો પ્રાપ્ત કરવા સરળ છે, પણ એક આસુરી ગુણના મૂળ ઉખાડી ફેંકવા અને તેમાંથી મુક્તિ મેળવવી અત્યંત મુશ્કેલ છે. આ મૂળ આવ્યા ક્યાંથી? એ આવ્યા પ્રકૃતિમાંથી. બધું પ્રકૃતિનું આપેલું છે, જેમાં રાગ-દ્વેષ વગેરે તમોગુણ તો આવશે જ, સ્વાભાવિક રૂપે આવશે, તેના મૂળિયાં બહુ મજબૂત છે. જ્ઞાનેશ્વરે આપેલા જ્ઞાનનું ઉદાહરણ આપતાં ભાઈશ્રીએ  કહ્યું – બકરીને નાનકડો વીંછી કરડે, તો ઝેર ફેલાઈ જાય અને મૃત્યુસમ યાતના થાય. મોક્ષ-માર્ગના પ્રવાસમાં ભવસાગરમાં આપણી નૈયાને આ છ આસુરી ગુણોનો સમૂહ ખીલીની જેમ ડૂબાડે છે.
રાવણ આનું મૂર્તિમંત ઉદાહરણ છે. તે સંસ્કૃતનો મહા પંડિત હતો, શિવ તાંડવસ્તોત્રનો રચયિતા, મહા પરાક્રમી કુબેરનું પુષ્પક વિમાન લઈ આવ્યો હતો. સંગીતનો જ્ઞાતા હતો, રુદ્ર વીણા વગાડતો, અત્યંત માતૃ ભક્ત. મહા તપસ્વી રાવણને શિવે ચંદ્રહાસ નામનું ખડ્ગ ભેટમાં આપ્યું. આમાં કયા ગુણની ખોટ આવી? તેની નૈયામાં કાણું પાડનાર પ્રથમ આસુરી ગુણ અહંકાર અને ત્યાર પછી લોલુપતા (સીતાજી માટે). સીતાજી માટે તેના મનમાં લોલુપતા આવી તેથી તેમને ઊઠાવીને લઈ આવ્યો. તેથી શ્રી રામે તેના પર આક્રમણ કર્યું અને તેને નેસ્તનાબૂદ કરી દીધો. આ વાર્તાનું મહત્ત્વ એ પણ છે કે એ દિવસ પછી આજ સુધી કોઈએ પોતાના પુત્રનું નામ રાવણ નથી રાખ્યું. (16.4)


16.5

દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાઈ છે; તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાર્થ! તું શોક કર મા.

ભગવાન કહે છે, દૈવી ગુણ સંપદા મુક્તિકારી છે અને આસુરી ગુણો બંધનમાં બાંધે છે. અતઃ હે અર્જુન, તારે શોક કરવાની જરૂર નથી...કારણ કે તું દૈવી સંપતિથી યુક્ત છે.
સમગ્ર ગીતાનું તાત્પર્ય કાઢવામાં આવે કે, ગીતા શા માટે કહેવામાં આવી, તો તેનો જવાબ છે - ગીતા અર્જુનનો વિશ્વાસ પાછો લાવવા કહેવામાં આવી, તેને વિજયી બનાવવા કહેવામાં આવી. ભગવદ્ગીતા ભાંગી પડેલા મનવાળા અર્જુનનું ગાંડિવ ફરી તેના હાથમાં આવે અને તેને વિજય પ્રાપ્ત થાય તેના માટે ભગવાને કહી. ભગવાન ઇચ્છે છે કે અર્જુન યુદ્ધ કરે, અર્જુનને યુદ્ધ માટે પ્રવૃત્ત કરવા માટે ભગવદ્ગીતા કહેવામાં આવી.
જો હિંસા કરવા માટે ભગવદ્ગીતા કહેવામાં આવી, તો દૈવી ગુણોમાં જે અહિંસાનો ઉલ્લેખ કર્યો તે ગુણનું શું? આપણા વિવેકને ભગવદ્ગીતા જગાડે છે. નાના ધર્મ અને મોટા ધર્મ વચ્ચે અંતર કરવાનું શીખવે છે ભગવદ્ગીતા.
મૃત્યુદંડની સજા કરવી તે ન્યાયાધીશનું કાર્ય છે તેથી તેમને હિંસાનો દોષ ન લાગે. ન્યાયાધીશનો ગુનેગાર સાથે કોઈ સંબંધ નથી હોતો, કોઈ વેર નથી હોતું. અનેક લોકોની હત્યા થતી રોકવા એક આતંકવાદી વ્યક્તિને ફાંસીની સજા કરવી, તે રીતે તેની હિંસા કરવી એ પણ અહિંસા છે.
દુરાચારીને સજા કરવી તે ક્ષત્રિયનો ધર્મ છે. અર્જુન ક્ષત્રિય છે. દુર્યોધન અને દુઃશાસન દુરાચારી છે. તેમણે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું! એના રાજ્યની કોઈ પણ સ્ત્રી પર હાથ ઊઠે તો તેનો હાથ કાપી નખાવો જોઈએ, તેની ગરદન કાપી નાખવી જોઈએ... આ ક્ષત્રિયત્વ અર્જુનમાં જાગૃત રહેવું જોઈએ. આ હિંસા આગળ જતાં અહિંસા બની જાય છે.
તેથી અર્જુન, જાગ ! તારી અંદરની સત્ત્વશીલતાને જગાડ! તારી અંદર રહેલા સાત્ત્વિક ગુણોને જગાડ! તારી અંદરની દૈવી ગુણ સંપદાઓને જગાડ અને યુદ્ધ કર. ભગવાન કહે છે કે જ્યારે શત્રુતાની  ભાવનાથી નહીં, પણ કર્તવ્યની ભાવનાથી તું મારીશ, ત્યારે તને પાપ નહીં લાગે. તારે સત્ય અને કર્તવ્યના માર્ગે ચાલવાનું છે. એ લોકો અસત્યના માર્ગે ચાલ્યા છે, એમનો શિરચ્છેદ કરવાનો છે. એમને દેહદંડ આપવાનો છે. એમને મૃત્યુદંડ આપવો તે તારું કર્તવ્ય છે. આ રીતે ભગવાન અર્જુનનો આત્મવિશ્વાસ જગાડી રહ્યા છે.
ગુણો માત્ર જાણીને અટકી નથી જવાનું, ગીતા જીવનમાં ઉતારવાની છે. શાળામાં બાળકનું અપેક્ષિત પરિણામ ન આવે ત્યારે તેનો ઉત્સાહ જળવાય તે રીતે સ્નેહપૂર્વક વર્તન કરવું, નહિ કે કઠોર શબ્દોથી આક્રમણ કરવું.
ભગવદ્ગીતા આત્મવિશ્વાસ વધારવાનું કહે છે, આપણી આજુબાજુના લોકોનો વિશ્વાસ વધારો. ક્યારેક ભૂલ થઈ જાય,પણ એમ થાય તો સમજાવીને આગળ વધો. બાળકોને ગીતાનું જ્ઞાન આપતાં પહેલાં આપણે તેને જીવનમાં ઉતારવી જરૂરી છે. બાળક નિષ્ફળ થાય ત્યારે તેને આપણા કોમળ શબ્દોનો મલમ નહીં લગાડીએ તો બાળકોની સ્થિતિ અર્જુન જેવી થઈ જશે. અર્જુન તો સન્યાસ લેવાનો વિચાર કરે છે. આજકાલ ઘણાં બાળકો આત્મહત્યા સુદ્ધાં કરી લે છે. આ પરિસ્થિતિમાં આપણે તેમને સંભાળી લેવાના છે. (16.5) 


16.6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥

હે પાર્થ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે : એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો; એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિષે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્યસમુદાય વિષે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ.

બે પ્રકારના લોકો સંસાર માં હોય છે – દૈવી અને આસુરી. ભગવાને 13મા અધ્યાયમાં દૈવી ગુણો વિશે ઘણું કહ્યું છે, તેથી તેઓ કહે છે કે અર્જુન, આજે હું તને આસુરી ગુણ સંપદા વિશે કહેવાનો છું. સાંભળ. તું જો કે એ કઈ રીતે વધે છે, શું થાય છે.
વાદ્ય વિના નાદ નહિ, પુષ્પ વિના સુગંધ નહીં, ઘર્ષણ વિના અગ્નિ નહિ, તે જ રીતે મનુષ્ય જન્મ મળતાંની સાથે આસુરી ગુણો આપમેળે જ આવે છે કારણ કે તે પ્રકૃતિથી પ્રાપ્ત થાય છે. માનવજીવનનું પુષ્પ મળ્યું છે તો તેમાં આસુરી સંપદ પણ છલોછલ આવશે, કારણ કે સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણો આપણને પરંપરાથી, વારસામાં મળ્યા છે. તમારા માતા-પિતાના કેટલાક ગુણો તમારામાં આવી ગયા. કેટલાકના ચહેરા તેમના જેવા થઈ ગયા. માતા-પિતા જેવા ગુણો બાળકમાં હુબહુ આવે છે. આને આપણે Trans-generational transmission વારસાગત લક્ષણો અને પરંપરા કહીએ છીએ. પેઢી દર પેઢી DNA ટ્રાન્સ્મિટ થાય છે, વારસામાં આવે છે. થોડા સારા, થોડા ખરાબ ગુણો બીજી પેઢીમાં આવે છે.
તો પ્રકૃતિના તો ત્રણ ગુણો છે - સત્ત્વ, રજ અને તમ. આ ત્રિગુણ અને પ્રકૃતિ આપણી માતા છે. એમાંથી આપણા માં આ ગુણો આવે છે. તેમને સમજવા જરૂરી છે. તેથી ભગવાન કહે છે: (16.6)


16.7

પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥

આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ - આ બેયને નથી જાણતા; માટે એમનામાં નથી તો બાહ્ય-આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્યભાષણ પણ હોતું.

પુણ્યની દિશામાં પ્રવૃત્ત થવું, પાપકર્મોથી નિવૃત્ત થવું. દૈવી ગુણ સંપદા તરફ પ્રવૃત્ત થવું, આસુરી ગુણ સંપદાથી નિવૃત્ત થવું.
આસુરી ગુણોવાળી વ્યક્તિનો ન શૌચ ન આચાર – ન સ્વચ્છતા હોય, ન સદાચાર હોય. આ આસુરી ગુણસંપદાનો પહેલો માપદંડ છે. જેને નહાવાની પણ ઇચ્છા ન થાય, આળસ આવે તેણે માનવું કે આસુરી ગુણો વધી રહ્યા છે. રેશમના કીડા પોતાના જ મળમૂત્રમાં રહેવાનું પસંદ કરે છે, તેની આજુબાજુ કોશેટો બનાવી લે છે.
અસ્વચ્છ રહેતા લોકો ... માત્ર શરીરની નહીં પણ મનની સ્વચ્છતા પણ જરૂરી. આચારહીન - એટલે કે સદાચારહીન. જેમના જીવનમાં સદાચાર નથી, જેઓ સ્વચ્છંદ છે, પોતાની મરજીના માલિક આમાં આવે. રખડતી બકરીની જેમ જે આવે તે ખાઈ લે.
નિગ્રહી વ્યક્તિ પોતાના આહાર વિશે પણ આચારશીલ હોય છે. ભાઈશ્રીએ સ્વામી રામદાસે છત્રપતિ શિવાજી મહારાજ વિશે તેમના પુત્ર શંભાજી મહારાજને લખેલો પત્ર કે એક રાજા કેવો હોવો જોઈએ તેનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે રાજામાં સર્વ રીતે સુશીલ હોવાના ગુણો હોવા જરૂરી. નહિતર એક મોટો ફુગ્ગો એક નાના આસુરી ગુણથી ફૂટી જાય છે.
જેનામાં શૌચ નથી, સદાચાર નથી, જે અસત્યના માર્ગે ચાલે છે, સહજ અસત્ય બોલે છે, તેઓ આસુરી સંપદાના ધની હોય છે. આસુરી લોકોનું તત્ત્વજ્ઞાન પણ હોય છે, તેઓ નાનામાં નાની વાતમાં પોતાની વકીલાત પણ સરસ રીતે કરી જાણે છે. અસત્ય પણ સરળતાથી બોલે છે. અશૌચ અને અસત્ય માટે તેમની પાસે કારણો હોય જ છે. બધું ભગવાન પર ઢોળે છે, કે આવી મતિ તો ભગવાને આપી. તેમના પોતાના તર્ક હોય છે. (16.7)

16.8

અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥

આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત્ આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે; એ કામ સિવાય બીજું શું છે .

તેવા લોકો કહે છે કે ઈશ્વર જેવું કશું નથી. વિશ્વ માત્ર સ્ત્રી અને પુરુષના સંયોગથી બન્યું છે. કામનાઓની પૂર્તિના માટે જ તમે આ વિસ્તાર જોઈ રહ્યા છો. કામ જ વિશ્વ નિર્માણનું એકમાત્ર કારણ છે. આ તેમની દલીલ હોય છે, તેથી કામનાઓની પૂર્તિમાં રચ્યાપચ્યા રહો. આ તેમનો તર્ક હોય છે, જાણે કે વિષયભોગ લેવા માટે જ તેમનો જન્મ થયો હોય. તેમના મતે મુહૂર્ત જેવું પણ કશું નથી હોતું. જાનવરોના તે કોઈ લગ્ન થાય છે? છતાંય તેમના બચ્ચાં થાય છે જ ને !
તેમનો તર્ક બહુ ગજબનો હોય છે. આવું જ તેઓ અન્ય પશુ-પક્ષી વગેરે માટે પણ માનતાં હોય છે. પાપીઓને કીડાઓની યોનિ મળી છે, છતાં તેઓ આરામથી જીવી જ રહ્યાં છે ને! કીડાનો પોતાનો આનંદ છે. તમને શી સમસ્યા છે એમાં? શું નર્ક અને શું સ્વર્ગ? બધું અહીં જ છે. સ્વર્ગ પણ અહીં છે, મજા કરી લો, આ એમની દલીલ હોય છે.
આસુરી ગુણો ધરાવતા લોકો અનેક વાહિયાત તર્કો કરે છે. તેથી આવા લોકોથી થોડા દૂર રહેવું. તેમને જે કહેવું હોય તે કહ્યા કરે પણ આપણે તેમનાથી અંતર રાખવું. આવા લોકો દંભી હોય છે. આ આસુરી પ્રવૃત્તિ લોક-વિરોધી છે. આ પ્રવૃત્તિ લોકોને કુઆચરણ કરવા માટે, અનાચાર કરવા માટે,
પ્રેરિત કરે છે, બાધ્ય કરે છે. ભગવાન કહે છે: (16.8)

16.9

એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥

આ મિથ્યા દૃષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદબુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે.

આ રીતે જૂઠાણાં ચલાવતા મંદબુદ્ધિ લોકો સ્વયંનો અને પોતાના સાથીઓનો પણ નાશ કરે છે. આવા લોકો થી બચીને રહેવું. ભગવાને સ્પષ્ટ કહ્યું કે એ નાશ કરનારા લોકો હોય છે. આ રીતે જે લોકો પોતાના અભિમાન થી તર્ક-વિતર્ક કરે છે, ઢસરડા કરે છે તેમના થી દૂર રહેવું, કારણ કે આ લોકો માત્ર પોતાની જ નહીં, પણ પોતાના સંસર્ગ થી પોતાના સહકાર્યકરો ની પણ હાનિ કરી રહ્યાં છે.
જગતોઽહિતાઃ - જગત નું અહિત કરે છે, સાથીઓનો નાશ કરે છે. આવા જૂઠ્ઠા, પાખંડી લોકો આવા કાર્યો બહુ સરળતાથી કરી લે છે. આ બધાં આસુરી સંપત્તિના ધની છે. ભગવાન કહે છે:
(16.9)


16.10

કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥

દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે.

આવા આસુરી પ્રવૃત્તિ ના લોકો દંભ, અભિમાન તથા અહંકાર થી યુક્ત હોય છે, કામના ઓ થી યુક્ત હોય છે, કામના ઓ માં આશ્રય લેતાં હોય છે. તેઓ પોતાના ખોટા સિદ્ધાંતોનો આશ્રય લે છે અને સર્વદા ભ્રષ્ટ આચરણ માં રત હોય છે. જેમને આહાર શુદ્ધિ સારી ન લાગતી હોય, બહાર ના આહાર માં આનંદ આવતો હોય, તેઓ વાહિયાત તર્ક પણ કરે છે. એમના થી બચીને રહેવું.
Kam karo
આહાર-શુદ્ધિ, આચાર-શુદ્ધિ બધું મહત્ત્વનું હોય છે, પણ આ લોકો ના મન માં કાયમ કામનાઓ જ ચાલતી રહે છે કે હું આ કરી નાખું, હું પેલું કરી નાખું... હું આ ખાઉં, હું તે ખાઉં વગેરે... માત્ર વિષયો નું ચિંતન કરતાં હોય છે.
(16.10)

16.11

ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥

તથા તેઓ મૃત્યુપર્યન્ત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને 'આટલું જ સુખ છે' એમ માનનારા હોય છે.

કામનાઓ નો ઉપભોગ જ સર્વોપરિ, એમ તેઓ માનતાં હોય છે, આ વાત તેઓ નિશ્ચિત રૂપે કહેતાં હોય છે. કામનાઓની પૂર્તિ માટે મંડેલા રહેતાં હોય છે.
ક્યારે મૃત્યુ આવશે, ક્યારે પ્રલય થશે એની ખબર નથી, આજે મજા કરી લો. એકવાર ભસ્મ થઈ ગયા પછી પાછું આવવાનું છે કે નહીં એની જાણ નથી. આજે તો મજા જ કરી લઈએ.

આનંદ/મજાની વ્યાખ્યા સમજવી બહુ જરૂરી છે. બાળકોને શીખવજો કે સાચો આનંદ શું છે. જેને આપ સુખ સમજો છો તેનો અંતિમ છેડો દુઃખ છે તે યાદ રાખજો. અંદરથી આવે તે આનંદ, બહારના વિષયો પર આધાર રાખનારને જ્યારે તેનો અતિરેક થઈ જાય તો તેનું અંતિમ પરિણામ દુઃખ જ મળે છે, કારણ કે સુખનો અંતિમ છેડો દુઃખ હોય છે.
સુખનો વિરોધી શબ્દ છે દુઃખ, પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. આનંદ તો પરમાનંદ તરફ જ વધે છે.
સુખ હોય તે દુઃખ તરફ વધે છે. તેથી, બાળકોને આ બધું સમજાવવું જરૂરી છે કે જે અંદરથી આવે તે જ આનંદ અને તેની પાછળ જ પડ્યા રહેવું. જો બાહ્ય આનંદ તરફ મચેલા રહેશો તો દુઃખનો સામનો કરતા રહેવું પડશે. (16.11)


16.12

આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥

આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ-ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે.

સુખીને સેંકડો આશાઓના પાશ જકડ્યા કરે છે, બાંધીને રાખે છે. માત્ર કામ-
ક્રોધમાં પરાયણ, કામનાઓના ભોગ પ્રાપ્ત કરવા માટે અર્થ સંચયમાં કાર્યરત લોકો આસુરી સંપત્તિના ધની કહેવાય છે. નાની-નાની વાતોમાં ક્રોધ આવે, તો સમજવું કે આસુરી ગુણ તરફ જઈ રહ્યા છો.

ભાઈશ્રીએ કહ્યું કે આ આસુરી સંપદાઓનું ચિંતન આગળ વધારીશું, પણ ક્રોધ વિશે આપણે એક સપ્તાહ કાર્ય કરીશું. ગૃહકાર્ય સોંપું છું એક સપ્તાહ માટે, કારણ કે ગીતા જીવનમાં આવવી જોઈએ.

ક્રોધ તમારા મનની સુપ્તાવસ્થા છે. જ્યારે તમારું અવચેતન કાર્ય કરતું હોય વિવેક જતો રહ્યો હોય, ત્યારે તમને ક્રોધ આવે છે. તમે ગમે તે બોલી દો છો. જ્યારે ક્રોધ આવે ત્યારે નોંધ કરો. આખા દિવસની નોંધ કરો કે આજે કેટલી વાર ક્રોધ આવ્યો. ક્રોધ ઓછો આવે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરજો. ગણિત કરજો, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર વગેરે. જેવું મન કાર્ય કરવા માંડશે એટલે ક્રોધ શમશે.

ભગવાને સૂચવેલો માર્ગ છે પ્રાણાપાનનો સહારો લેવો. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગીતાના માર્ગે આવ્યા. સતત અભ્યાસ કરતા રહેવાનો છે. માત્ર સાંભળતા નથી રહેવાનું, પણ સાંભળીને આચરણમાં લાવવાનું છે. (16.12)