विवेचन सारांश
યુદ્ધ ની પૃષ્ઠભૂમિ અને સેનાનું વર્ણન

ID: 1061
गुजराती - ગુજરાતી
રવિવાર, 26 જૂન 2022
પ્રકરણ 1: અર્જુનવિષાદયોગ
1/3 (શ્લોક 1-10)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


રચના ટંડનદીદીએ બધાનું સ્વાગત કર્યું , પ્રાર્થના રેણુકા દીદી એ કરી અને દીપ પ્રજ્વલન રંજનાદીદીએ કર્યું. વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું. ગીતા વિશારદ્ ડો. સંજયભાઈ માલપાનીજીએ ગુરુ વંદના સાથે વિવેચનની શરૂઆત કરી.

 આ અધ્યાયમાં ભગવાને કહેલો એક પણ શ્લોક નથી. અધ્યાયની શરૂઆત ધૃતરાષ્ટ્રની જીજ્ઞાસા સાથે થાય છે. કોઈપણ પ્રકારની કથા સાંભળવી હોય, સત્ય કે કાલ્પનિક કથા, એની શરૂઆત જીજ્ઞાસાથી થાય છે. આ અધ્યાય ની વિશેષતા એ છે કે ધૃતરાષ્ટ્રના મુખેથી જે શ્લોક બોલાયો છે તે ૭૦૦ શ્લોકોમાંનો પહેલો અને એકમાત્ર શ્લોક છે.ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા છે અને જન્માંધ છે. ગીતાની શરૂઆત એક નેત્રહીનવ્યક્તિની જીજ્ઞાસાથી થાય છે, અંધારાથી પ્રકાશ સુધીની યાત્રાનો પ્રારંભ થાય છે. આંધળીવ્યક્તિ હંમેશા અંધારામાં જ રહે છે. પણ એમના મનમાં જિજ્ઞાસા છે કે રણક્ષેત્રમાં શું થઈ રહ્યું છે? બીજી વિશેષતા એ છે કે એની શરૂઆત ધર્મક્ષેત્રથી થાય છે, ધર્મ શબ્દથી અને ધ અક્ષરથી થાય છે. એના અંતિમ શ્લોક નો અંતિમ શબ્દ દિવ્ય દ્રષ્ટિ ધરાવનારા સંજયના મોઢેથી બોલાયો છે.એનો અંતિમ શબ્દ છે મમ્. જેણે ગીતાના ૭૦૦ શ્લોકો સમજી લીધા એ બધાને અંધત્વથી દિવ્ય દ્રષ્ટિ તરફ લઈ જાય છે.ગીતાની શરુઆત ધ થી અને અંત મ થી થાય છે.ધર્મની વ્યાખ્યા એ આખી ભગવદ્ ગીતાની વિશેષતા છે. એ ધર્મને પ્રતિષ્ઠિત કરનારો , આપણા મનની દરેક શંકા દૂર કરનારો, વ્યવસ્થાપનશાસ્ત્ર નો ગ્રંથ છે. જ્યારે આપણે પોતાની જ નજરમાંથી ઉતરી જઈએ છીએ ત્યારે કઈ રીતે  પોતાની નજરમાં ઉપર ઊઠીએ એ એની જાણકારી આપે છે. સર્વોત્તમ સમુપદેશનો ગ્રંથ જેમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે અર્જુનનું કાઉન્સેલિંગ કરે છે , અર્જુન સાથે વાતચીત કરે છે, અર્જુનનું મન ઢીલું પડી ગયું છે, નિર્બળ થઇ ગયું છે. આજના યુગમાં સૌથી વધુ જરૂર  મનોચિકિત્સકની જ છે. તમે શંકા કરશો અત્યારે તો વધુ જરૂર હ્રદયના ડોક્ટરની,  કે બ્લડપ્રેશર ડાયાબિટીસ વધી જાય એના ડોક્ટરની છે. પરંતુ આડકતરી રીતના આ બધા રોગો મનની સ્થિતિ સાથે સંકળાયેલા છે. ક્રોધ બધાનું મૂળ કારણ છે. વારસાગત રોગ હોઈ શકે પરંતુ વધારે લોકોને ડાયાબિટીસ અને બ્લડપ્રેશર પોતાના સ્વભાવથી આવે છે. આત્મસંયમનથી આ રોગો કાબૂમાં લાવી શકાય છે. મન:સ્થિતિને સરખી કરવાથી પરિસ્થિતિને સરખી કરી શકાય છે. આનો એક જ ઉપાય છે ભગવદ્ગીતાનો નિત્ય અભ્યાસ.જેણે એને સમજી લીધી છે , આ ૭૦૦ શ્લોક જીવન પરિવર્તન કરી શકે છે. મન પર સંયમ કરી શકે છે. અત્યંત વૈજ્ઞાનિક રીતે આ થાય છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં  બાળકોની  મન:સ્થિતિ બગડે પછી એને કઈ રીતે સુધારી શકાય એના પર સંશોધનો થાય છે, પરંતુ ભારતમાં મનોવૈજ્ઞાનિકો  બાળકોમાં વિકાર થાય જ નહીં એ માટેના પ્રયત્નો કરે છે અને એ માટેના બધા સુત્રો ગીતાજીમાં મળી જાય છે. સમુપદેશનશાસ્ત્રનો પહેલો અને મહત્વપૂર્ણ નિયમ છે કે જે મનોચિકિત્સક છે, જેણે  નિરાશ થયેલી વ્યક્તિનું મનોબળ વધારવાનું છે તેણે  શરૂઆતમાં સામેની વ્યક્તિને સાંભળવી જોઈએ, સીધો ઉપદેશ ન અપાય. ભગવાન પહેલા અધ્યાયમાં બહુ બધું શીખવાડે છે. જો આ સમજાઇ જાય  તો આપણે આપણાં પરિવારજનોનું પહેલાં સાંભળવાનો પ્રયત્ન કરીશું અને પછી કાંઈ સલાહ આપીશું. ભગવાને જીભ એક આપી છે  અને કાન બે છે.  પ્રકૃતિ સંદેશો આપે છે કે જેટલું બોલો તેનાથી બમણું સાંભળો પરંતુ આપણે બમણું બોલીએ છીએ અને અડધું સાંભળીએ છીએ,  કદાચ અડધું પણ નથી સાંભળતા. જ્યારે શાળામાં જ્યાં બાળકને  પૂછવામાં આવ્યું કે દિવસમાં સૌથી વધુ કયો સમય તમને ગમે છે? આશ્ચર્યજનક જવાબ મળ્યા, શાળામાંથી જ્યારે બસમાં ઘરે જઈએ છીએ એ સમય અમને સૌથી વધારે ગમે છે કારણ કે એ સમયે તેઓ પોતાના વિચારોને છૂટથી અભિવ્યક્ત કરી શકે છે. આ બહુ જરૂરી છે.

 પહેલા અધ્યાયમાં ભગવાન એક શબ્દ પણ નથી બોલતા , અર્જુનને જ પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની તક આપે છે . બીજાનું સાંભળવા તરફ પ્રેરિત કરનારો  આ અધ્યાય છે. ગીતાના અધ્યાય શીખતાં પહેલા ગીતાનું મહત્વ જાણવું બહુ જરૂરી છે તે જણાવતો આ સર્વોત્તમ શ્લોક છે :

" સર્વોપનિષદો ગાવો, દુગ્ધા ગોપાલનંદન
   પાર્થો વત્સસ્ સુધીર્ભોક્તા, દુગ્ધા ગીતામૃતમ મહત્ "

આ ગીતાનું સર્વશ્રેષ્ઠ અમૃત છે. ભગવાન કહે છે, બધા ઉપનિષદોની ગાયને દોહીને ભગવાન શ્રીકૃષ્ણ આપણને દૂધ પીરસે છે. ગીતામાં ભગવાન જુદા-જુદા નામોથી ઓળખાય છે. નામો પણ બહુ સાર્થક, અલંકૃત છે. બધા નામોનું વિશેષ મહાત્મ્ય પણ  એ જ શ્લોકમાં હોય છે. 

અહીં ભગવાનને ગોપાલનંદન કહે છે કારણકે અહીં ભગવાનને ઉપનિષદની ગાયનું દોહનકરનાર ગોવાળની ઉપમા આપી છે, અર્જુનને ગાયના વાછરડાની ઉપમા આપી છે. પાર્થ અમૃતનું પાન કરી રહ્યો છે . કેટલી સુંદર ઉપમા છે ! આપણે બહુ ભાગ્યશાળી છીએ કારણ કે વાછરડું દૂધ પીએ પછી ગાયના આંચળમાં જે દૂધ વધે છે એ આપણને મળે છે , એ જ રીતે પાર્થને ગીતાનું અમૃતપાન કરાવીને ભગવાન આપણને પણ અમૃતપાન કરાવે છે. 

ગીતા કયા કારણને લીધે કહેવાઈ એ જાણવા થોડું પાછળ જવું પડશે. હસ્તિનાપુરના રાજ્યના અધિપતિ છે શંતનુ અને એમના પુત્ર છે ભીષ્મ. પરિસ્થિતિ એવી સર્જાઈ કે સત્યવતી સાથે શંતનુને  પ્રેમ થઈ ગયો. સત્યવતીએ શરત મૂકી કે જો મારો પુત્ર રાજા બને તો જ હું તમારી સાથે વિવાહ કરીશ. ભિષ્મને જ્યારે ખબર પડી ત્યારે એમણે શંતનુને કહ્યું ચિંતા ના કરો, તમે વિવાહ કરી લો. ન તો હું રાજા બનીશ કે ના તો હું લગ્ન કરીશ કે મારો પુત્ર રાજા બનવા માંગે, હું ફક્ત હસ્તિનાપુરની સેવા કરીશ , સિંહાસનની  રક્ષા કરીશ આ મારી ભીષ્મપ્રતિજ્ઞા છે. એટલે જ બહુ મોટી પ્રતિજ્ઞા ને ભીષ્મપ્રતિજ્ઞા કહેવાય છે. પછી સત્યવતિ અને શંતનુનો વિવાહ થયો. એમને બે પુત્રો થયા, એમાંથી એકે લગ્ન ન કર્યા અને બીજો રાજા બન્યો. એ નિઃસંતાન રહ્યો . હવે સિંહાસન પર બેસવા માટે કોઈ વારસદાર ન રહ્યો. ભીષ્મ પોતે તો  પ્રતિજ્ઞા ને લીધે સિંહાસન પર બેસી શકે એમ નહોતા એટલે એમણે એક યુક્તિ કરી. મહર્ષિ વેદવ્યાસને બોલાવાયા, મહર્ષિ વેદવ્યાસ સત્યવતિ ના વિવાહ પહેલાંનાં પુત્ર હતા.એમનું નામ પરાશર હતું. એમને કહ્યું કે તમારા તપોબળથી વિચિત્રવિર્ય ની બે પત્નીઓને ગર્ભ ધારણ કરાવો. અંબા તથા અંબાલિકાને પુત્ર થવા આવશ્યક છે, યોગ બળથી ગર્ભ ધારણ કરાવીને બે પુત્રો થયા. ઋષિના તેજને બંને રાણીઓ સહન ન કરી શકી.એકે આંખ બંધ કરી દીધી એ સમય ગર્ભધારણથી પુત્ર થયો તે ધૃતરાષ્ટ્ર તે નાનો પુત્ર અને જન્માંધ થયો જ્યારે બીજી રાણીએ તેજ જોયું ત્યારે ડરીને ફીકી પડી ગઈ તેનો પુત્ર તે પાંડુ જે પહેલેથી જ નિસ્તેજ અને નબળા હતા.અલ્પાયુષી હોવા છતાં મોટા હતા. ફરીથી સમસ્યા થઈ કે બીમારને કઈ રીતે રાજા બનાવાય?ભીષ્મે એટલે ધૃતરાષ્ટ્રને રાજા બનાવ્યા.ગાંધારીને એનાથી સો પુત્ર પ્રાપ્ત થયા. પાંડુને બે રાણીઓ હતી મોટી રાણીથી ધર્મરાજા યુધિષ્ઠિર થયા. તેનો રાજા બનવાનો હક્ક હતો પણ ધૃતરાષ્ટ્રે ના કહી અને એમને ભાગે રણ જેવો ઉજ્જડ ભાગ આવ્યો.    અર્જુને પરાક્રમ કરીને આજુબાજુના રાજાઓને જીતીને ઘણું બધું ધન ભેગું કર્યું અને સુંદર રાજ્ય બનાવી દીધું.  યુધિષ્ઠિર રાજ્ય કરવા લાગ્યા, ત્યાં રાજધાની બનાવી તે જોઈ ધૃતરાષ્ટ્રના સૌથી મોટા પુત્ર દુર્યોધનને અસૂયા થઈ. પોતાની કુટિલતા માટે જાણીતા શકુની મામા સાથે મળીને જુગાર રમવાનું નક્કી કર્યું જેમાં પાંડવો બધું જ હારી ગયા, છેવટે પરિસ્થિતિ એવી થઈ કે દ્રૌપદી ને દાવ પર લગાડી અને હારી ગયા. પછી દ્રૌપદી નું ચીરહરણ થયું. હારી જવાથી પાંડવોને ૧૨ વર્ષનો વનવાસ તથા એક વર્ષનો અજ્ઞાતવાસ થયો. એ ભોગવીને આવ્યા પછી પણ દુર્યોધને રાજ્ય પાછું આપવાની ના કહી.ભગવાન  શ્રીકૃષ્ણ પ્રસ્તાવ લઈને ગયા કે ફક્ત પાંચ ગામો આપો પરંતુ કહ્યું કે સોયની અણી જેટલી જમીન પણ નહીં આપું એમ કરીને પ્રસ્તાવને ઠોકર  મારી દીધી. યુદ્ધ કરવાનું નક્કી જ થઈ ગયું . દુર્યોધન તથા અર્જુન ભારતવર્ષમાં ફરીને રાજાઓને  પોતાના પક્ષમાં કરવા લાગ્યા. પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના તથા કૌરવો પાસે ૧૧ અઅક્ષૌહિણી સેના આવી. બે સેના જે પાંડવોને મળી શકે એમાં એક નારાયણી સેના જે ભગવાન કૃષ્ણની હતી કે  કૌરવો તરફ જતી રહી કારણ કે પાંડવોએ  તેના બદલે શ્રીકૃષ્ણને પોતાના પક્ષમાં માંગ્યા. બીજી સેના નકુલ તથા સહદેવના મામાની સેના. માદ્રીના ભાઈને યય દારૂની ટેવને લીધે દારૂ પીવડાવીને દુર્યોધનને વચન લઈ લીધું કે શલ્ય કૌરવો તરફથી લડશે.  એમ બે અક્ષૌહિણી સેનાઓ કૌરવોમાં  જતી રહી. ક્ષમતા ઓછી હોવા છતાં પાંડવો જીત્યા  કારણ છે ભગવદ્ગીતા.  ક્ષમતા ઓછી હોય તો પણ જીતી  શકાય એનું સુંદર ઉદાહરણ ગીતા છે . યુદ્ધ નો આરંભ થયો , બંને તરફથી શંખધ્વનિ થયો એ વસ્તુ આંધળો રાજા ધૃતરાષ્ટ્ર પોતાના ઘરમાં બેસીને જાણવા માગે છે કે શું થઈ રહ્યુંછે . સંજય જે બહુ જ્ઞાની છે , સજ્જન છે અને ધૃતરાષ્ટ્રના  મંત્રી છે, મહર્ષિ વેદવ્યાસે એમને દિવ્યદૃષ્ટિ આપી છે એટલે દૂર બેઠાબેઠા કુરુક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એનું વિવરણ પોતાના રાજા ધૃતરાષ્ટ્રને સંભળાવે છે.



1.1

ધૃતરાષ્ટ્ર ઉવાચ
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, સમવેતા યુયુત્સવઃ।
મામકાઃ(ફ્) પાણ્ડવાશ્ચૈવ, કિમકુર્વત સઞ્જય॥૧.૧॥

ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા, યુદ્ધના ઇચ્છુક, મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું?

ધૃતરાષ્ટ્ર પૂછે છે , સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત થયેલા મારા પુત્રો  અને પાંડુના પુત્રો વચ્ચે શું થઈ રહ્યું છે તે મને જણાવ.  ધૃતરાષ્ટ્ર અહીં પોતાના તથા પોતાના ભાઇ પાંડુના પુત્રમાં  ભેદભાવ કરે છે. અહીં જ ખબર પડી જાય છે કે ધૃતરાષ્ટ્રને  લીધે જ પરિવાર વિખેરાઈ ગયો . જો ધૃતરાષ્ટ્રમાં બધાને પોતાના ગણવાની દીર્ધદ્રષ્ટિ હોત  તો આ યુદ્ધ જ ન થાય. એ મોહગ્રસ્ત હતા, સ્વાર્થી હતા, પુત્રમોહમાં ડૂબેલા હતા એટલે આવું પૂછે છે.જ્યારે પરિવારના મોભીને મનમાં આવો ભેદભાવ આવે છે ત્યારે પરિવાર તૂટી જાય છે. પરિવારના બધા ભાઈઓના બાળકો પોતાના જ છે એમ માને ત્યારે પરિસ્થિતિ કંઈ જુદી જ હોય છે. એ પરિવાર સાથે રહી શકે છે. અહીં પરિસ્થિતિ જુદી હતી. આ ક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે કારણકે  અહીં બે ધર્મો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે . અર્જુનના  મનમાં જે યુદ્ધ થયું તેમાં પરિવાર ધર્મ , ક્ષાત્ર ધર્મનું તેમાં પ્રબળ થયું. એક જમાનામાં ક્ષત્રિયો જ્યાં પોતાના ધર્મ અને અધિકારો માટે લડતા એ  ધર્મભૂમિ કહેવાઈ છે.ભગવાન શ્રી કૃષ્ણ શસ્ત્ર લીધા વગર ફક્ત અર્જુનના સારથિ બની ને રહ્યા છે.


1.2

સઞ્જય ઉવાચ
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં(વ્ઁ), વ્યૂઢં(ન્) દુર્યોધનસ્તદા।
આચાર્યમુપસઙ્ગમ્ય, રાજા વચનમબ્રવીત્॥૧.૨॥

સંજય બોલ્યા : તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું.

સંજય કહે છે, એ વખતે દુર્યોધન બંને સેનાઓનું અવલોકન કરીને દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે. આ વાર્તાલાપને સમજવા આગળના શ્લોક જોવાનું મહત્વનું છે કે દુર્યોધન કેમ ત્યાં ગયો? 


1.3

પશ્યૈતાં(મ્) પાણ્ડુપુત્રાણામ્, આચાર્ય મહતીં(ઞ્) ચમૂમ્।
વ્યૂઢાં(ન્) દ્રુપદપુત્રેણ, તવ શિષ્યેણ ધીમતા॥૧.૩॥

હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ.

સંજય આગળ કહે છે - દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે જુઓ ! આપનો બુદ્ધિમાન શિષ્ય અર્જુન સામે ઊભો છે.દ્રુપદના પુત્ર દ્રૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યુહાકારે ઉભી  કરાયેલી પાંડુપુત્રોની આ મોટી સૈન્ય ની વ્યવસ્થા જુઓ. દુર્યોધન શા કારણે આવું કહે છે ? દુર્યોધન બહુ ચાલાક છે એને ખબર છે કે અર્જુન એમનો પ્રિય શિષ્ય છે. એને વિરોધમાં ઉભો રહેલો જોઈને ગુરુને ગુસ્સો આવવો જોઈએ પ્રેમ નહીં. એને આશંકા છે કે જો ગુરુને પ્રેમ ઉત્પન્ન થશે તો એ અર્જુનને નહીં મારી શકે.

ગીતાજીમાં ભગવાનના મુખથી ગીતાનો ઉપદેશ બીજા અધ્યાયમાં ચાલુ થાય છે પણ પૂર્વભૂમિકા આ અધ્યાયમાં બંધાય છે. એક એક વ્યક્તિનો સ્વભાવ પણ આ અધ્યાયમાં ખબર પડે છે . આ શ્લોકમાં દુર્યોધનનો  સ્વભાવ સમજાય છે , જે એના દ્વારા કહેવાયું  છે એ એનો સાશંક  અને અવિશ્વાસુ સ્વભાવ દર્શાવે છે.એને પોતાના ગુરુ પર પણ વિશ્વાસ નથી . આચાર્ય દ્રોણ સવૈતનિક કામ કરે છે. ભારતની પરંપરા હતી કે કોઈ પણ જ્ઞાન કે વિદ્યા પૈસા આપીને લેવાતા નહોતા.  ભણાવ્યા પછી શિષ્યો પોતાની મેળે ગુરુદક્ષિણા આપતા હતા . ગુરુ માંગતા નહોતા પરંતુ દ્રોણાચાર્ય ની પરિસ્થિતિ એવી હતી કે ઘરમાં બાળકને દૂધ પીવડાવવાના પણ પૈસા નહોતા એટલે એમણે કૌરવોને શીખવા માટે પૈસા લઈને ગુરુપદ સ્વીકાર્યું હતું. એટલે એમણે કૌરવો સાથે મન ન હોવા છતાં પણ રહેવું પડ્યું હતું . મનથીતો એ કદાચ અર્જુન સાથે થઈ જાય એમ વિચારીને દુર્યોધન આચાર્યને આ કહેછે કે કદાચ આ સાંભળીને એમના મનમાં હલચલ થાય , ગુસ્સો આવે  અને આ લોકોને એ મારી શકે.એ ગુરુ હતા અને એમના બાણોમાં શિષ્યોને મારવાની તાકાત હતી પણ ગુસ્સાનો અભાવ હતો. દુર્યોધનને લાગ્યું કે કદાચ મારા વાગ્બાણને લીધે ગુરુજીને ગુસ્સો આવે અને એ પાંડવોને મારવા તૈયાર થઈ જાય. 
અર્જુનનો સ્વભાવ પણ આ અધ્યાયમાં ખબર પડે છે. 

પાંડવોની સેના નાની છે પરંતુ જીતે છે કારણ કે એક બાજુ કૃષ્ણ ભગવાન  એમની પડખે છે, તેમને માર્ગદર્શન આપે છે જ્યારે બીજી બાજુ દુર્યોધનને પોતાની સેના પર જ ભરોસો નથી. એનો ભીષ્માચાર્ય તથા આચાર્ય દ્રોણ પર પણ વિશ્વાસ નથી. 


1.4

અત્ર શૂરા મહેષ્વાસા, ભીમાર્જુનસમા યુધિ।
યુયુધાનો વિરાટશ્ચ, દ્રુપદશ્ચ મહારથઃ॥૧.૪॥

અહીં (પાંડવો ની સેના માં) મોટા મોટા શૂરવીર છે.( જેમના) ખૂબ જ મોટા મોટા ધનુષ્યો છે. તથા( જે) યુદ્ધ માં ભીમ અને અર્જુન ની સમકક્ષ છે. ( જેમાં) યુયુધાન ( સાત્યકિ) , રાજા વિરાટ અને મહારથી દ્રુપદ ( પણ) છે.

આગળ સંજય કહે છે કે દુર્યોધન આચાર્ય ને શું કહે છે કે સાંભળો. આ પાંડવોની સેનામાં કોણ કોણ છે તેની સુચી છે. અહીં શૌર્યવાન અને મોટા ધનુર્ધારીઓ છે છે તેમના નામ સાંભળો. સાત્યકી એટલે કે યુયુધાન, એ એક યાદવ છે. એનું મૃત્યુ મહાભારત ના યુદ્ધના ૧૮ વર્ષ પછી થાય છે, એ અર્જુનનો શિષ્ય છે. એનો શિષ્ય તો એની પાસે આવી ગયો પરંતુ તમારો શિષ્ય તમારી પાસે ન આવ્યો?આડકતરી રીતે કહેવા માગે છે કે તમારો શિષ્ય તો તમને મારવા તમારી સામે ઉભો છે.એ દ્રોણાચાર્ય ને ઉશ્કેરવા માટે આમ કહે છે.કહે છે કાંઈ પણ એની પાછળ નો ભાવાર્થ કંઈ જુદો છે.પછી રાજા વિરાટનું નામ લે છે જેની નગરીમાં પાંડવો અઅજ્ઞાતવાસ દરમ્યાન રહ્યા હતાં.રાજા વિરાટ ની પુત્રી ઉત્તરાના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે થયા હતાં. દ્રૌપદી ના પિતા દ્રુપદ પણ સામે ઉભા છે.

1.5

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ(ખ્), કાશિરાજશ્ચ વીર્યવાન્।
પુરુજિત્કુન્તિભોજશ્ચ, શૈબ્યશ્ચ નરપુઙ્ગવઃ॥૧.૫॥

ધૃષ્ટકેતુ ચેકિતાન તથા પરાક્રમી કાશિરાજ ( પણ છે ). પુરુજિત્ અને કુંતિભોજ ( એ બન્ને ભાઈ) તથા મનુષ્યો માં શ્રેષ્ઠ શૈબ્ય ( પણ છે).

ધૃષ્ટકેતુ એ શિશુપાલનો પુત્ર છે. શિશુપાલ બહુ દુષ્ટ છે પરંતુ એનો પુત્ર પાંડવોની પક્ષમાં છે. દુર્યોધન જણાવે છે કે આપણા મિત્રનો પુત્ર પણ દુશ્મન પક્ષમાં છે.માનસશાસ્ત્રના જ્ઞાતા એ જાણે છે કે જ્યારે બીજાના આત્મસન્માનને ઠેસ  પહોંચે છે ત્યારે એ ટોણાં પણ મારે છે. દુર્યોધન ટોણાં મારીને દ્રોણાચાર્યના આત્મસન્માનને ઠેસ પહોંચાડી રહ્યો છે. ચેકિતાન પણ યાદવ છે એ પોતાના મનથી પાંડવો સાથે છે.કાશીરાજ સ્વતંત્ર રાજા છે.પુરૂજીત અને કુન્તિભોજ કુંતિના ભાઈઓ છે. શૈબ્યએ શિબિર દેશના રાજા છે અને યુધિષ્ઠિરના સસરા છે. આગળ ધૃષ્ટકેતુ, પુરૂજીત અને કુન્તિભોજને દ્રોણાચાર્ય જ મારે છે કારણકે એ માટે દુર્યોધને ખાસ એને માટે એમને કહ્યું હતું.

1.6

યુધામન્યુશ્ચ વિક્રાન્ત, ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્।
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ, સર્વ એવ મહારથાઃ॥૧.૬॥

પરાક્રમી યુધામન્યુ અને પરાક્રમી ઉત્તમૌજા ( પણ છે). સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદી ના પાંચેય પુત્રો (પણ છે). (એ) દરેકે દરેક મહારથી છે.

બધા મહારથીઓ છે.દુર્યોધન દ્રોણાચાર્ય ને ઉશ્કેરે છે કે બધાં કેવા વીર્યવાન છે. યુધામન્યુ બહુ પરાક્રમી છે, ઉત્તમોજા મહા પરાક્રમી શૌર્યવાન છે, એ બંન્ને પાંચાલ દેશના યોદ્ધાઓ છે.સુભદ્રાનો પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પાંચ પુત્રો, યુધિષ્ઠિરનો પુત્ર પ્રતિવિંધ જે વિંધ્યાચલ પર્વત જેવો અત્યંત અડગ છે, ભીમનો પુત્ર સુતસોમ છે, છે. અર્જુનનો પુત્ર શ્રૃતકર્મા છે જે વેદો અનુસાર કામ કરનારો છે.નકુલપુત્ર શતાનિક છે જે ૧૦૦ યોદ્ધાઓ સાથે એકલો લડી શકે છે તથા સહદેવ પુત્ર શ્રુતસેન છે.આ પાંચે દ્રૌપદી પુત્રો મહારથીઓ છે.આ બધું કહેવાનો આશય હતો કે ગુરુદેવ ! તમે આ બધાંને મારો જેથી એમનાં મૃત્યુથી વ્યથિત થઈને પાંડવો હારી જશે.મહારથી એટલે જે શસ્ત્ર અને શાસ્ત્રમાં પ્રવીણ છે અને એકી સાથે દસ હજાર ધનુર્ધારીઓનું એકલા હાથે નેતૃત્વ કરી શકે છે એવા મહારથીઓ સામે ઉભા છે.

1.7

અસ્માકં(ન્) તુ વિશિષ્ટા યે, તાન્નિબોધ દ્વિજોત્તમ।
નાયકા મમ સૈન્યસ્ય, સઞ્જ્ઞાર્થં(ન્) તાન્બ્રવીમિ તે॥૧.૭॥

હે દ્વિજશ્રેષ્ઠ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો; આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે, તેમને કહું છું.

દુર્યોધન કહે છે  હે દ્વિજોત્તમ !  જેનો બે વાર જન્મ થયો છે તેને દ્વિજોત્તમ  કહેવાય છે . પક્ષીને પણ દ્વિજોત્તમ કહેવાય છે કારણકે  જ્યારે ઈંડુ હોય ત્યારનો એક જન્મ અને ઈંડુ ફૂટીને બચ્ચું બહાર નીકળે છે તે તેનો બીજો જન્મ. બ્રાહ્મણને પણ દ્વિજ કહેવાય છે, એક જન્મે ત્યારે અને  બીજો જ્યારે પોતે યજ્ઞોપવીત ધારણ કરે છે ત્યારે. એટલે એ દ્રોણાચાર્ય ની સ્તુતિ કરતાં કહે છે હે દ્વિજોત્તમ. 
 રાજા તો ધૃતરાષ્ટ્ર છે પરંતુ દુર્યોધન આ મારી સેના છે એમ અહંકારથી કહે છે.આ મમત્વ, આ અહંકાર જ એને ડુબાડે છે. હે દ્વિજોત્તમ ! આપણી સેનામાં પણ જે યોદ્ધાઓ મુખ્ય છે તે હું તમને કહું છું. વાસ્તવમાં દ્રોણાચાર્ય બધું જ જાણે છે પરંતુ પાંડવોની સેના વિશે જણાવવા છતાં કોઈ પ્રતિક્રિયા નથી આપતા એટલે પોતાની સેનાના યોદ્ધાના ગણાવે છે અને ગુરુજી ને ખુશ કરવા પ્રયત્ન કરે છે. એને એમ લાગે છે કે ગુરુદેવને ખરાબ તો નથી લાગ્યુ ને ? એટલે પોતાના યોદ્ધાઓ જણાવી એમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કરે છે.


1.8

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ, કૃપશ્ચ સમિતિઞ્જયઃ।
અશ્વત્થામા વિકર્ણશ્ચ, સૌમદત્તિસ્તથૈવ ચ॥૧.૮॥

આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા –

આપણી સેનામાં પણ મહા પરાક્રમી યોદ્ધાઓ છે , એમાં સ્વયં તમે છો. તમે છો તો મને શું ચિંતા છે ? એમ જણાવવા માંગે છે. ભીષ્મપિતામહ પણ મહા પરાક્રમી છે. કર્ણ છે,  કૃપાચાર્ય છે, સમિતિંજય છે, અશ્વત્થામા છે , વિકર્ણ છે, સોમદત્તનો  પુત્ર ભૂરિશ્રવા પણ છે. તમારા અથવા ભીષ્મપિતામહ માંથી કોઈ એક પણ પોતાની પૂરી તાકાતથી લડશે તો એ લોકોને સહેલાઈથી પરાજિત કરી શકાશે. આ જેટલા નામ ગણાવ્યા એ કઈ રીતે મર્યા તે સમજવું પણ જરૂરી છે. દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્નને હાથે મરાયા છે, ભીષ્મપિતામહ અર્જુનને હાથે મરાયા છે, કર્ણ અર્જુનને હાથે મરાયા છે. કૃપાચાર્ય ચિરંજીવી છે  અને દ્રોણાચાર્યના બનેવી છે. અશ્વત્થામા પણ ચિરંજીવી છે. 
    જ્યારે અશ્વત્થામા મરાયો છે એવી અફવા ફેલાઈ ત્યારે દ્રોણાચાર્ય ને ફક્ત યુધિષ્ઠિર પર જ વિશ્વાસ હતો કારણકે એ હંમેશા સત્ય જ બોલતા. દ્રોણાચાર્ય યુધિષ્ઠિરને પૂછવા જાય છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ પહેલેથી જ યુધિષ્ઠિરને દીધું હતું કે તમારે ખોટું નથી બોલવાનું , પરંતુ અડધો જવાબ ધીરેથી બોલજો. જ્યારે એમણે પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું , "અશ્વત્થામા હતહ્  , નરો વા કુંજરો વા" , અશ્વત્થામા મરાયો છે પણ હાથી કે મનુષ્ય ખબર નથી. અશ્વત્થામા મરાયો છે એટલું બોલ્યા પછી શ્રીકૃષ્ણે પંચજન્ય શંખ જોરથી વગાડ્યો એટલે બાકીના યુધિષ્ઠિર ના શબ્દો એમને ન સંભળાયા. 

યુદ્ધમાં શસ્ત્ર ધારણ કરવા જ મહત્વપૂર્ણ નથી હોતા , યુદ્ધમાં એક યોજના બનાવીને એ પ્રમાણે લડવું પડે છે. અહીં ભગવાને એવી યોજના બનાવી કે દ્રોણાચાર્યને અડધું જ વાક્ય , “અશ્વત્થામા મરાયો” સંભળાયું અને "નરો વા કુંજરો વા "એ શંખના અવાજ માં ન સંભળાયું.  ક્રોધમાં આવીને દ્રોણાચાર્યે ભીષણ યુદ્ધ કર્યું અને એમાં ઘણી ભૂલો કરી અને પછી પોતે ધૃષ્ટદ્યુમ્નના હાથે મરાયા. ક્રોધમાં કોઈપણ વસ્તુ કરો એ અસફળ થાય છે. અશ્વત્થામા અમર થઈ ગયો.

વિકર્ણ કૌરવોના ભાઈ છે પરંતુ ધર્માત્મા છે . ચીરહરણ વખતે પણ તેમણે વિરોધ કર્યો હતો , રોકવાનો પ્રયત્ન કર્યો હતો. સોમદત્ત એ ભૂરીશ્રવા એટલે કે શંતનુના ભાઈ બારીકના ના પૌત્ર છે. વાસ્તવમાં હસ્તિનાપુર નું  સિંહાસન એમને મળવું જોઈતું કારણ કે એ ધર્માત્મા છે. આ બધાના નામ ગણાવીને દુર્યોધન કહેવા માગે છે કે આપણી સેનામાં પણ ધર્માત્માઓ છે, બે ચિરંજીવ છે જ્યારે પાંડવોની સેનામાં એક પણ ચિરંજીવ નથી.


1.9

અન્યે ચ બહવઃ(શ્) શૂરા, મદર્થે ત્યક્તજીવિતાઃ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ(સ્), સર્વે યુદ્ધવિશારદાઃ॥૧.૯॥

આ સિવાય બીજા પણ મારા માટે જીવ ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્ર થી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે.

 એમના સિવાય પણ ઘણાં શૂરવિરો છે જે મારે માટે પોતાનું જીવન ત્યાગ કરવા તૈયાર છે. એ લોકો અને પ્રકારનાં અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં નિપુણ છે અને બધી યુદ્ધકળાઓમાં વિશારદ છે. શસ્ત્ર એ છે કે હાથમાં રાખીને સામેવાળાને મારવામાં આવે છે જેમ કે તલવાર, ભાલો વગેરે. જ્યારે અસ્ત્ર ફેંકીને સામેવાળાને મારવામાં આવે છે જેમ કે તીર.
દુર્યોધન જ્યારે એમ કહે છે કે આ બધાં મારા માટે મરવા તૈયાર છે ક્યારે એના સ્વભાવની ખબર પડે છે.અહીં એનું ચરિત્ર સમજાય છે. આ જે સમજી લેશે તે ગીતાનો મર્મ પણ સમજી જશે.

1.10

અપર્યાપ્તં(ન્) તદસ્માકં(મ્), બલં(મ્) ભીષ્માભિરક્ષિતમ્।
પર્યાપ્તં(ન્) ત્વિદમેતેષાં(મ્), બલં(મ્) ભીમાભિરક્ષિતમ્॥૧.૧૦॥

ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે.

આ શ્લોક આપણને વિચારવા માટે વિવશ કરે છે. હજી દ્રોણાચાર્યને ચૂપ જોઈને  દુર્યોધનને મનમાં ભય છે કે દ્રોણાચાર્યનું શરીર તો અહીં છે પણ મન પાંડવો સાથે છે , એ પક્ષપાતી છે એ ભય છે એટલે કહે છે કે આપણી સેના પાંડવોની સેના પર વિજય પ્રાપ્ત કરવા માટે અપર્યાપ્ત છે , અસમર્થ છે. પોતાની પાસે અગિયાર અક્ષૌહિણી સેના છે તો પણ આવું કહે છે . પાંડવોની સેના આપણી પર વિજય પ્રાપ્ત કરવા માટે સમર્થ છે કારણ કે એના રક્ષક ભીમ છે.આડકતરી રીતે કહેવા માગે છે કે આપણી સેનામાંથી કેટલાક લોકોનું મન હજી પાંડવો સાથે છે , તમે અને ભીષ્મ બંને પાંડવો તરફ ઢળેલા છો માટે જીતવું અઘરું છે.
      સૈન્યની સામે આવતા જ અર્જુન ધનુષ્ય ઉઠાવે છે , આ એવું દર્શાવે છે કે અત્યાર સુધી અર્જુન યુદ્ધ કરવા તૈયાર છે ,જ્યારે  દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જાય છે એનો અર્થ એ કે એના મનમાં ભય છે. આ જ બતાવે છે કે કૌરવોની સેના અપર્યાપ્ત છે . દુર્યોધનને ભય એટલે છે કે અર્જુનના સારથિ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણછે.
આ કહેવા છતાં દ્રોણના  મોઢા ના ભાવ બદલાતા નથી એ જોઈને દુર્યોધન વધારે ગૂંચવાય છે . એને ખબર નથી પડતી કે દ્રોણાચાર્ય કોની તરફથી લડવાનાછે ? એટલે હવે એ ભીષ્મ પિતામહ પાસે જવાની તૈયારી કરે છે , કારણ કે એના માટે પણ એને શંકા છે કે કોની તરફનું એમનું વલણ છે? એ આપણે આવતા સત્રમાં જોઈશું. પ્રાર્થના સાથે સત્રનું સમાપન થયું
ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ