विवेचन सारांश
ભગવાનનું અદ્ભુત સ્વરૂપ

ID: 2425
गुजराती - ગુજરાતી
રવિવાર, 12 ફેબ્રુઆરી 2023
પ્રકરણ 11: વિશ્વરૂપ- દર્શન યોગ
1/4 (શ્લોક 1-14)
વિવેચન: ગીતા વિશારદ ડૉ. આશુ ગોયલજી


           પ્રાર્થના અને સનાતન ધર્મની પરંપરા મુજબ દીપ પ્રજ્વલન પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. ગુરુ ચરણોમાં વંદન પછી વિવેચનની શરુઆત થઈ. ભગવાનની અતિશય કૃપા આપણી ઉપર વરસી રહી છે. આપણે જાણતા નથી કે વર્તમાન જીવનનું કે પૂર્વજન્મના કોઈ પુણ્યકર્મ કે પૂર્વજોના આશીર્વાદ કે કોઈ સાધુ-સંત-મહાત્માની આપણી ઉપર કૃપાદ્રષ્ટિથી આપણો ભાગ્યોદય થયો છે. તેથી આપણા જીવનને સાર્થક અને સફળ બનાવવા માટે આપણે ભગવદ્ગીતાના અભ્યાસ તથા ચિંતનમાં લાગી ગયા છીએ.
    સંત મહાપુરુષોએ વારંવાર એક જ વાત કરી છે કે આ લોક તથા પરલોકના કલ્યાણ માટે ગીતા જેવો બીજો કોઈ કલ્યાણકારી ગ્રંથ મનુષ્ય માટે સુલભ નથી. ૧૦મા અધ્યાયમાં ભગવાન પોતાની ૮૨ વિભૂતિઓ વિષે કહે છે. 
  ૧૧મો અધ્યાય અદ્ભુત છે. બાકી બીજા બધા અધ્યાયોમાં ભગવાને બધી વાતો સંભળાવી એટલે ઓડિયો વાળા અધ્યાયો છે, ત્યારે ૧૧મો અધ્યાય વિડીયો અધ્યાય છે, એમાં ભગવાને પોતાની જાતને બતાવી છે, અર્જુનને પોતાના દર્શન કરાવ્યા છે. ૨જા અધ્યાયના સાતમા શ્લોકમાં જ્યારે અર્જુનને ભગવાનને કહ્યું કે,
   " शिष्यस्तेડहे शाधि मां त्वां प्रपन्नम्”
અર્જુને ભગવાનમાં એ દિવ્ય જ્યોતિનો કશેક અનુભવ કર્યો હશે, એટલે અર્જુન શિષ્યરુપમાં પ્રણીપાત થઈ ગયા અને કહ્યું જે એકદમ નિશ્ચિત, કલ્યાણકારી વાત છે તે મને કહી દો. એમ પ્રાર્થના કરી અને ભગવાને ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકથી ૧૦મા શ્લોક સુધી પોતાના નિરાકાર દર્શન કરાવ્યા, પોતાનો બાયોડેટા અર્પિત કર્યો. આ નિત્ય પઠનીય પાંચ શ્લોકો છે. ૬ઠ્ઠા અધ્યાય સુધી પહોંચતા પહોંચતા ભગવાને ધ્યાન યોગથી નિરાકાર ભગવાનનો અનુભવ કરવાની વિધિ બતાવી. સાતમા અધ્યાયમાં જ્ઞાનને વિજ્ઞાન સાથે જોડી દીધું. જે ધ્યાન અર્જુન કરવા માંગતો હતો, એને વ્યષ્ટિથી સમષ્ટિ સુધી પહોંચાડી દીધું. આઠમા અધ્યાયમાં બ્રહ્મ શું છે? જીવ શું છે? અધ્યાત્મ શું છે? એનો વિસ્તાર કર્યો. નવમા અધ્યાયમાં ભગવાને પોતાના સગુણ આકારના પૂજનનું મહત્વ કહ્યું. 
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
અર્જુને પૂછ્યું કે તમે આટલા મહાન છો, સૂર્યથી પણ આદિ છો તો તમે પત્ર પુષ્પોથી ખુશ થઈ જાવ? ભગવાને કહ્યું, બિલકુલ! જો પ્રીતિપૂર્વક મારો ભક્ત એક ફળ અથવા તો એક પાંદડું કે જળ પણ અર્પણ કરે છે, તો પ્રગટ થઈને હું એ સ્વીકારું છું. ભગવાન અહીં સાકાર રૂપની મહિમાની વાત કરે છે. વિગ્રહમાં( મૂર્તિમાં )હું સાકાર રૂપમાં રહું છું. દસમાં અધ્યાયમાં એનો પણ વિસ્તાર કર્યો. વિગ્રહમાં તો હું છું જ પરંતુ બીજે બધે પણ હું છું. ભગવાને પોતાની ૮૨ વિભૂતિઓ ગણાવી દીધી એ પણ મુખ્ય મુખ્ય ૮૨ વિભૂતિઓ અર્જુનને કહી, બાકી બધે જ હું છું. 
      અર્જુન કહે છે, તમે કહો છો કે હાથીઓમાં હું ઐરાવત છું તો બાકી બધા હાથીઓમાં તમે નથી? ભગવાન કહે છે, અર્જુન તું બહુ ઉતાવળ કરે છે, પૂરી વાત તો સાંભળ! જેમ જેમ જ્ઞાન વધતું જશે એમ એમ તારી દ્રષ્ટિ બદલાશે, ભગવાનનું સ્વરૂપ પણ બદલાશે. 
   "જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ"
૧૧ મા અધ્યાયમાં ભગવાન અર્જુનને એ વિભૂતિઓથી પણ મુક્ત કરે છે. તું ત્યાં સુધી જ નહીં અટક, હું હજી સૂક્ષ્મ છું. મેક્રોથી માઈક્રો કરતાં કરતાં ભગવાન સંપૂર્ણ બ્રહ્માંડમાં પોતાનું સ્વરૂપ અર્જુનને દ્રષ્ટિગોચર કરાવે છે. દસમા અધ્યાયમાં ભગવાન કહે છે, અને ૧૧મા અધ્યાયમાં ભગવાન પોતાનું સ્વરૂપ બતાવી પણ દે છે. સાધકનો આરંભ એક દર્શિય પ્રભુથી થાય છે, અને અંત વિરાટ સ્વરૂપના ભગવાનથી થાય છે. દસમાં અધ્યાયમાં અર્જુને ભગવાનની સ્તુતિ કરી, વિભૂતિઓ કહેવાની પ્રાર્થના કરી તો ભગવાને વિભૂતિઓ કહી પણ દીધી.
     પંચતત્ત્વોમાં આકાશ તત્ત્વ પહેલું છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ પંચતત્ત્વો છે. બધા તત્ત્વોમાં આકાશ છે. આકાશથી વાયુની ઉત્પત્તિ થઈ. આકાશ અને વાયુ મળીને અગ્નિની ઉત્પત્તિ થઈ. આકાશ, વાયુ અને અગ્નિ મળીને જળની ઉત્પત્તિ થઈ. આકાશ, વાયુ, અગ્નિ અને જળ મળીને પૃથ્વીની ઉત્પત્તિ થઈ. બાકી કોઈ તત્ત્વમાં કંઈ છે અને કંઈ નથી પરંતુ આકાશ બધા તત્ત્વોમાં છે. એટલે શબ્દની ધારણા બધામાં છે. આકાશમાં શબ્દ છે, વાયુમાં પણ છે અગ્નિમાં પણ છે, જળમાં પણ છે અને પૃથ્વીમાં પણ છે. પવન જોરથી વાય છે એનો અવાજ સંભળાય છે. અગ્નિનો પણ અવાજ સંભળાય છે, પૃથ્વીને તો ઠોકીને અવાજ સાંભળી શકાય છે અને "કલ કલ છલ છલ બહતી, ક્યા કહેતી ગંગાધારા" આમ જળમાં તો અવાજ છે જ. શબ્દ બધામાં છે અને શબ્દને બ્રહ્મ કહ્યો છે. "શબ્દ બ્રહ્મોસ્મિ".
આકાશનો ગુણ છે શબ્દ, એને તન્માત્રા કહેવાય અને એની ઇન્દ્રિય છે કાન. આપણામાં સામાન્ય ધારણા છે કે સૌથી શક્તિશાળી ઇન્દ્રિય આંખ છે, પરંતુ આપણે આખા જીવનમાં બાકીની ઇન્દ્રિયોથી જેટલું શીખીએ છીએ એનાથી પણ વધુ કર્ણેન્દ્રિયથી શીખીએ છીએ. બાકીની ઇન્દ્રિયોને બંધ કરી શકાય છે, પરંતુ કાનને ભગવાને કોઈ પડદો નથી આપ્યો. કંઈ જોવું હોય તો આપણે પ્રયત્ન કરવો પડે છે, પરંતુ સાંભળવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, સંભળાઈ જાય છે. રાત્રે સુઈ જઈએ તો બધી ઇન્દ્રિયો નિષ્તેજ થઈ જાય છે. જગાડવા માટે બૂમ મારવી પડે છે, કારણ કે કર્ણેન્દ્રિય ત્યારે પણ કાર્યરત હોય છે. આપણને સૂતી વખતે કંઈ દેખાતું નથી, કંઈ ખાઈ શકાતું નથી પરંતુ કોઈ અવાજ હોય તો તે સંભળાઈ જાય છે, કારણ કે એ સૌથી શક્તિશાળી ઇન્દ્રિય છે. શબ્દને પરબ્રહ્મ કહ્યો છે. વર્ડથી વર્લ્ડ શબ્દ બન્યો. બાઇબલમાં પણ શબ્દને બ્રહ્મ માન્યો છે. શરૂઆતમાં શબ્દ જ હતો અને એ પરમાત્માની સૌથી પાસે હતો. બાકી બધી ઇન્દ્રિયો મસ્તકથી દૂર છે, કાન સૌથી નજીક છે માટે જ અંતઃકાળે પણ વ્યક્તિને ગીતાજી કે ભજન સંભળાવવામાં આવે છે. કર્ણેન્દ્રિય સૌથી છેલ્લે સુધી જીવિત રહે છે. ધનંજય પ્રાણ સંભાળવાનું કાર્ય કરે છે, માટે એ સૌથી છેલ્લે જાય છે. શરીર જ્યારે જીવિત નથી રહેતું, ત્યારે એને ભગવાનનું નામ સંભળાવવામાં આવે છે કે કદાચ એ સાંભળી શકે. અર્જુનને શું થયું કે એને ભગવાનને જોવાની ઈચ્છા થઈ? જ્યારે ભગવાને પોતાની ૮૨ વિભૂતિઓ કહી ત્યારે અર્જુનને આશા થઈ કે હું એને જોઈ લઉં. આપણી સાથે પણ આવું જ થાય છે. કોઈ મિત્ર કે પાડોશી કોઈ જગ્યાએ જઈ આવે, કોઈ વ્યક્તિને મળી આવે તો આપણને પણ ત્યાં જવાની કે એ વ્યક્તિને મળવાની ઈચ્છા થાય છે. સાંભળવાથી બાકીની ઇન્દ્રિય મા ઈચ્છા  ઉત્પન્ન થાય છે. સીધે સીધી કોઈ ઇન્દ્રિયોને ઈચ્છા ઉત્પન્ન નથી થતી, પરંતુ શ્રવણ કરવાથી બીજી ઇન્દ્રિયો ઉત્તેજીત થાય છે.
જ્યારે ૧૦મા અધ્યાયમાં ભગવાને બધી વિભૂતિઓ કહી તો ૧૧મા અધ્યાયમાં અર્જુનને એ બધું જોવાની ઈચ્છા થઈ. આટલું સંભળાવો છો તો બતાવી પણ દો ને! અર્જુનને અહીં પ્રાર્થના કરી.


11.1

અર્જુન ઉવાચ
મદનુગ્રહાય પરમં(ઙ્), ગુહ્યમધ્યાત્મસઞ્જ્ઞિતમ્।
યત્ત્વયોક્તં(વ્ઁ) વચસ્તેન, મોહોઽયં(વ્ઁ) વિગતો મમ॥૧૧.૧॥

અર્જુન બોલ્યામાત્ર મારા પર અનુકંપા કરવા માટે કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મવિષયક વચન કહ્યાં, એનાથી મારો આ મોહ નષ્ટ થઈ ગયો છે.

આ પ્રકારે ભગવાનના વચનો સાંભળી અર્જુનને ભગવાનની કૃપાની અનુભૂતિ થઈ. ભગવાન મારી પર બહુ પ્રસન્ન છે, એટલે તો આવી કૃપા કરી છે, અને એ પોતાની જાતને અનુગ્રહિત અનુભવે છે. તમે જે અનુગ્રહ કરવા અત્યંત ગોપનીય વાત કરી છે તેને માટે તમે મને કૃપાપાત્ર સમજ્યો છે. તમે પરમાત્મા થઈને મારા રથની લગામ તમારા હાથમાં રાખી છે? ખરેખર તમે મારા પર બહુ જ પ્રસન્ન છો. 
  જે બહુ કીંમતી વસ્તુ હોય તે ગોપનીય હોય છે. શાકવાળો બધા શાક સામે લારીમાં રાખે છે, પરંતુ મોંઘી વસ્તુ બાંકડા પર નહીં દુકાનમાં વહેંચાય છે, અને જો સોનાની વસ્તુ હોય તો દુકાનમાં બંધુકધારી વોચમેન પણ હોય છે. તમને સોનાની વસ્તુઓ એક સાથે નથી બતાવતા એક એક કરીને બતાવે છે. સામાન્ય ઘરેણું તો તમને બતાવે છે પરંતુ અત્યંત મોંઘી વસ્તુ જેમ કે પાંચ કેરેટનો હીરો તમારી પાત્રતા જાણ્યા વગર નથી બતાવતા, જ્યારે વિશ્વાસ આવે કે તમે ખરીદી કરવાની સમજશો ત્યારે જ એ બહુ કાળજીથી તમને વસ્તુ બતાવે છે વસ્તુ જેટલી મૂલ્યવાન હોય એટલી એની સુરક્ષા વધુ હોય છે.
અર્જુન જાણે છે કે જે જ્ઞાન ભગવાન આપી રહ્યા છે તે અત્યંત ગોપનીય છે. અર્જુને કહ્યું તમે મારા પર ઉપકાર કરવા માટે અત્યંત ગોપનીય જ્ઞાન તમારા આત્મસ્વરૂપ વિશે જે કહ્યું તેને લીધે મારો મોહ જતો રહ્યો છે અજ્ઞાન દૂર થયું છે.
   જ્યારે અર્જુને કહી દીધું કે મારું અજ્ઞાન દૂર થઈ ગયું છે મારો મોહ જતો રહ્યો છે તો ગીતા કહેવાની શું જરૂર હતી? કહેવું હતું કે તું તારું કર્તવ્ય કર્યા કર. પરંતુ ભગવાન જાણે છે કે અર્જુનને એમ  લાગે છે કે મને જ્ઞાન થઈ ગયું છે, મોહ દૂર થઈ ગયો છે પરંતુ હજી સો ટકા એવું નથી થયું. જેમ ડોક્ટર પેશન્ટને સારું લાગવા પછી પણ દવાનો કોર્સ પૂરો કરવાનું કહે છે તેમ ભગવાન જાણે છે કે હજી અર્જુનને જ્ઞાનની જરૂર છે.

11.2

ભવાપ્યયૌ હિ ભૂતાનાં(મ્), શ્રુતૌ વિસ્તરશો મયા।
ત્વત્તઃ(ખ્) કમલપત્રાક્ષ, માહાત્મ્યમપિ ચાવ્યયમ્॥૧૧.૨॥

કેમકે હે કમલનયન ! મેં આપની પાસેથી સમસ્ત ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યાં તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો.

આ શ્લોક બહુ જ સુંદર છે. કમળપત્ર જેવી અત્યંત સુંદર આંખ વાળા એવા તમે મને ભૂતોની નિર્માણ, વિલય સ્થિતિનું વિસ્તારથી વર્ણન કર્યું, તે મેં સાંભળ્યું અને મેં તમારી અવિનાશી મહિમા પણ સાંભળી. તમારી મહિમા અભૂતપૂર્વ છે. 

11.3

એવમેતદ્યથાત્થ ત્વમ્, આત્માનં(મ્) પરમેશ્વર।
દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ્, ઐશ્વરં(મ્) પુરુષોત્તમ॥૧૧.૩॥

હે પરમેશ્વર ! આપ પોતાને જેવા કહો છો, એ ખરેખર એમજ છે, છતાં પણ હે પુરુષોત્તમ ! આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ , વીર્ય અને તેજ થી યુક્ત ઈશ્વરીય રૂપ ને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું.

 હે પરમેશ્વર! તમે તમારું જે વર્ણન કર્યું એ બરોબર છે, (અર્જુન અનુગ્રહિત થઈને આમ કહે છે)મને તમારી મહિમા સમજાઈ ગઈ છે. તમે તમારી આટલી બધી વિભૂતિઓ કહી છે, તો મને તમારું ઐશ્વર્ય જોવાનું મન થયું છે. હું તમારું જ્ઞાન, બળ, તેજ, વીર્ય, શક્તિથી યુક્ત ઐશ્વર્ય પ્રત્યક્ષ જોવા માંગું છું. જુઓ! શબ્દનો પ્રભાવ કેટલો છે! જ્યાં સુધી અર્જુને સાંભળ્યું નહોતું ત્યાં સુધી ઈચ્છા નહોતી થઈ પણ એકવાર સાંભળ્યા પછી જોવાની ઈચ્છા થઈ.
શબ્દ બાકીના વિષયોનું આકર્ષણ ઉત્પન્ન કરે છે.
હું તમારું એ પરમ ઐશ્વર્ય જોવા માંગુ છું. મને વિશ્વરૂપના દિવ્ય દર્શન કરાવો.  ગોસ્વામીજી કહે છે, જીવનો સ્વભાવ જ એવો છે, જેટલું મળે છે તેનાથી સંતોષ નથી થતો, લોભ વધે છે. 


11.4

મન્યસે યદિ તચ્છક્યં(મ્), મયા દ્રષ્ટુમિતિ પ્રભો।
યોગેશ્વર તતો મે ત્વં(ન્), દર્શયાત્માનમવ્યયમ્॥૧૧.૪॥

હે પ્રભો ! જો મારા વડે આપનું એ ઐશ્વર રૂપ જોવાનું શક્ય છે - એમ આપ માનતા હો, તો હે યોગેશ્વર ! આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો.

અર્જુનના ભાવ કેટલા સુંદર છે! અર્જુન કહે છે કે જો તમે માનતા હો કે મારી યોગ્યતા છે, અને મારા માટે શક્ય હોય તો હે યોગેશ્વર! આપ આપના આ અવિનાશી રૂપના મને દર્શન કરાવો.
    એકવાર ઋષિકેશમાં પરમ શ્રદ્ધેય રામસુખદાસજી મહારાજને કોઈએ પ્રશ્ન કર્યો કે આ આંખોથી ભગવાનના દર્શન કરવા સંભવ છે? પ્રવચન પછી સ્વામીજી પ્રશ્નોત્તરી કરતા. એમણે કહ્યું; ના ન થઈ શકે. સ્વામીજીને ટેવ હતી કે બોલ્યા પછી એ થોડીવાર ચૂપ થઈ જતા. સતત બહુ લાંબુ નહોતા બોલતા, કોઈ વાર તો એમ લાગતું કે એ સમાધિગ્રસ્ત થઈ ગયા. ત્યારે આખા પ્રાંગણમાં શાંતિ છવાઈ જતી. પક્ષીઓના કલબલાટ સિવાય કાંઈ અવાજ નહોતો સંભળાતો કારણકે હવે સ્વામીજી કયો શબ્દ બોલશે તે લોકો ધ્યાનથી સાંભળવા માંગતા. લોકો તન્મયતાથી એમને સાંભળતા. ઘણીવાર એવું થતું કે ચૂપ થયા પછી સ્વામીજી જે બોલતા તે વિલક્ષણ રહેતું. જ્યારે કોઈએ પૂછ્યું કે આ આંખથી ભગવાનના દર્શન શક્ય છે? ત્યારે ના કહીને સ્વામીજી ચુપ થઈ ગયા પણ થોડીવાર પછી બોલ્યા કે જો પરમાત્મા ઈચ્છે તો કરાવી શકે છે, કારણ કે ભગવાન તો કરવા યોગ્ય કામ પણ કરી શકે છે, ન કરવા યોગ્ય કામ પણ કરી શકે છે, અને બંનેમાં જેની વ્યાખ્યા નથી આવતી તેવા કામ પણ કરી શ કે છે. આપણને તો દર્શન ના થાય પણ જો એ ચાહે તો દર્શન કરાવી શકે છે. અર્જુન પણ આ જ ભાવથી ભગવાનને પૂજે છે. 
એક સુંદર ભજન છે. અર્જુન કહે છે કે મને ખબર પડી ગઈ કે તમે જે કરો છો તે સત્ય છે. મેં માની લીધું છે કે તમે પરબ્રહ્મ પરમેશ્વર છો, માથું તમારે ત્યાં જ ઝૂકાવવાનું છે.  
https://drive.google.com/file/d/1Nj3A0-FLlGV3QxhUwH0Z4UqAVhxTQGvK/view?usp=sharing

11.5

શ્રીભગવાનુવાચ
પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ।
નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ॥૧૧.૫॥

શ્રીભગવાન બોલ્યા : હે પાર્થ! હવે મારાં વિવિધ પ્રકારના અને અનેક વર્ણો ( રંગો) તથા આકૃતિઓ વાળા સેંકડો - હજારો અલૌકિક રૂપો ને ( તું) જો.

ભગવાનને અર્જુન બહુ પ્રિય છે. તું ભક્ત અને સખા બંને છે, તો હું તને બધું કહીશ. ભગવાન અત્યંત પ્રસન્નતાથી, ઉદાર ભાવથી જે અર્જુન ઈચ્છે છે, તેનાથી પણ વધુ કહે છે. એકવાર પણ અર્જુનને ના નથી કહેતા. સીધું કહે છે કે હે! પાર્થ, હવે તું મારા સેંકડો, હજારો એવા નાના પ્રકારના, નાના આકૃતિવાળા, વિવિધ રંગ તથા અલૌકિક રૂપને જો.
    ૯૦% સંસારના જીવો બધી સૃષ્ટિને ફક્ત કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે, ફક્ત મનુષ્ય પાસે વિવિધ રંગ જોવાની ક્ષમતા છે. જે તેં પૃથ્વી પર કે સ્વર્ગમાં પણ નથી જોયા એવી દિવ્ય, અલૌકિક આકૃતિઓ હું તને બતાવીશ તેને જો. દસમા અધ્યાયમાં ભગવાનની જે બધી વિભૂતિઓ કહી છે તે બધી  વિભૂતિઓ અર્જુને સૌપ્રથમ જોઈ.

11.6

પશ્યાદિત્યાન્વસૂન્રુદ્રાન્, અશ્વિનૌ મરુતસ્તથા।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ, પશ્યાશ્ચર્યાણિ ભારત॥૧૧.૬॥

હે ભરતવંશી ! અર્જુન મારામાં અદિતિના બાર પુત્રોને, આઠ વસુઓને, અગિયાર રુદ્રોને, બે અશ્વિનીકુમારોને અને ઓગણપચાસ મરુદ્ગણોને જો તથા બીજાં પણ ઘણાંબધાં આ પહેલાં ન જોયેલાં આશ્ચર્યમય રૂપોને જો.

ભગવાન કહે છે, હે! ભરતવંશી અર્જુન, મારામાં અદિતિના બાર પુત્રો, ૮ વસુઓ, ૧૧ રૂદ્રો અને બે અશ્વિનીકુમાર તથા ૪૯ મરુતગણ અને પહેલાં ન જોયેલા આશ્ચર્યચકિત રૂપોને જો.

11.7

ઇહૈકસ્થં(ઞ્) જગત્કૃત્સ્નં(મ્), પશ્યાદ્ય સચરાચરમ્।
મમ દેહે ગુડાકેશ, યચ્ચાન્યદ્દ્રષ્ટુમિચ્છસિ॥૧૧.૭॥

હે નિદ્રાને જીતનાર અર્જુન ! (નિદ્રાને જીતનાર હોવાથી અર્જુનનું નામ ગુડાકેશ પડ્યું હતું) આ મારા શરીરમાં એક સ્થળે રહેલા, ચર અને અચર સહિત સંપૂર્ણ જગત ને હમણાં જ જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો.

અર્જુન, આ મારા દેહમાં એક જ જગ્યાએ સ્થિત ચર અને અચર સંપૂર્ણ વિશ્વને જો. જે જોવાની ઈચ્છા હોય તે જોઈ લે. તારે આગળ, પાછળ, ઉપર, નીચે ક્યાંય જોવાની જરૂર નથી, જે જોવું હોય તે મારામાં જો. અર્જુનને ચર્મ ચક્ષુને કારણે કંઈ દેખાતું નથી. ભગવાન કહે છે મનને ધ્યાનસ્થ કરીને એક જ જગ્યાએ જોવાથી બધું એક જ જગ્યાએ દેખાશે. (જેમ મોબાઇલમાં ઝૂમ કરીને નાની નાની વસ્તુઓ પણ જોઈ શકાય છે તે રીતે) અર્જુનને કાંઈ દેખાતું નથી, ભગવાનને ખબર છે કે અર્જુનને કાંઈ નથી દેખાતું.

11.8

ન તુ માં(મ્) શક્યસે દ્રષ્ટુમ્, અનેનૈવ સ્વચક્ષુષા।
દિવ્યં(ન્) દદામિ તે ચક્ષુઃ(ફ્), પશ્ય મે યોગમૈશ્વરમ્॥૧૧.૮॥

પરંતુ મને તું આ પોતાનાં ચર્મ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી; માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારા ઈશ્વરીય સામર્થ્ય ને જો.

ભગવાન કહે છે, હું જાણું છું કે હું તને અહીં જો, ત્યાં જો એમ કહું છું પણ તને કંઈ દેખાતું નથી. તું તારા ચર્મચક્ષુથી આ બધું નહીં જોઈ શકે. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, અલૌકિક દ્રષ્ટિ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય શક્તિઓને જોઈ શકશે. દિવ્ય દ્રષ્ટિ એટલે વસ્તુ તો ત્યાં જ છે, પરંતુ દેખાતી નથી ભગવાન તો એ જ છે અને ત્યાં જ છે પરંતુ દેખાતા નથી. જ્યાં સુધી ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન ન કરી ત્યાં સુધી એ કાંઈ જોઈ ન શક્યા.
સંત કબીરદાસ ને કોઈએ પૂછ્યું કે આમ કેમ થયું? ભગવાન ત્યાં હતા તો પણ કેમ ના દેખાયા કબીરજી જરા કઠોર જવાબ આપે છે,
કબીરા કહે યહ જગ અંધા .
અરે આંધળા! તને કઈ રીતે સમજાવું?
કોઈએ તુલસીદાસને પૂછ્યું: તેમણે જરા સારી ભાષામાં કહ્યું,
घट में है सुजे नहीं लानत ऐसी जिंद ।
तुलसी या संसारको भया मोतियाबिंद ॥

તુલસીદાસ કહે છે કે ભગવાન પાસે છે પણ દેખાતા નથી તો એ જિંદગી શું કામની છે? જેમ આંખે મોતિયો આવે અને પાસેનું પણ ન દેખાય એવી સ્થિતિ છે.
ગુરુ નાનકને કોઈએ પૂછ્યું તેમણે કહ્યું; કે એમ થોડા દેખાય?
       गियान अंजनु गुरि दिआ, अगिआन अंधेर बिनासु ।
       हरी किरपा ते संत भेटिया, नानक मन परगासू ।।

નાનકજી કહે છે જ્યાં સુધી સદ્ગુરુ જ્ઞાનનું કાજળ આંખમાં નથી લગાડતા ત્યાં સુધી બધું હોવા છતાં પણ કશું દેખાતું નથી, સમજાતું નથી. 
ગોસ્વામીજી તુલસીદાસે બાલકાંડમાં પાંચમા દોહાથી કહ્યું છે,
    बंदऊं गुरू पद कंज कृपा सिंधु नररूप हरि ।
    महामोह तम पुंज जासु बचन रबि कर निकर ॥

હું ગુરુના ચરણની વંદના કરું છું જે કૃપાના રૂપમાં હરી જ છે, જેમના જ્ઞાનરુપી પ્રકાશથી ગાઢ અંધકારનો નાશ થાય છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે, તેમ જ્ઞાનરૂપી પ્રકાશથી અજ્ઞાનનો નાશ થાય છે.
પછી તુલસીદાસજી ગુરુજીની સ્તુતિ કરે છે,
       बंदऊं गुरु पद पदुम परागा । सुरुचि सुबास सरस अनुरागा ॥
      अमिअ मूरिमय चूरन चारू । समन सकल भव रूज परिवारू ॥

 હું ગુરુ ચરણની ધૂળને વંદન કરું છું જેમાં સુંદર સ્વાદ, સુગંધ અને પ્રેમરૂપી રસ છે. એ એવી સંજીવની છે જેને લીધે બધા રોગોનું નિવારણ થાય છે.ઉત્તમ ભક્ત પોતાના ગુરુના ચરણકમળની રજ પોતાના મસ્તક પર ચઢાવે છે, સ્ત્રીઓ તો પોતાનો સેંથો રજથી પૂરે છે, રજને મંદિરમાં રાખે છે. પ્રસાદમાં ગુરુચરણની રાજનો એક કણ લે છે. 
      सुकृति संभु तन बिमल बिभूति । मंजुल मंगल मोद प्रसूति ॥
    जन मन मंजु मुकुर मल हरनी । किएं  तिलक गुन गन बस करनी

  આ ધૂળ શિવજીના શરીર પર રહેલી ભસ્મ છે અને ભક્તોના મનની મલિનતા દૂર કરે છે, અને એના કપાળ પર ગુણ રુપી તિલકની જેમ શોભે છે. રજની પૂજા કરવી જોઇએ. 
    श्री गुर पद नख मनि गन जोती। सुमिरत दिब्य दृष्टि हियँ होती॥
    दलन मोह तम सो सप्रकासू। बड़े भाग उर आवइ जासू॥

ચરણની રજને પણ આપણે યોગ્ય નથી, એમના ચરણોંના નખની એક ધૂળનું કણ પણ મળી જાય તો પણ બસ છે. એ આપણા માટે મણિ સમાન છે. એનું સ્મરણ કરતાં જ હૃદયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે. આ જેને પ્રાપ્ત થાય છે તે બહુ ભાગ્યશાળી છે.
       उधरहिं बिमल बिलोचन ही के ।
       मिटहिं दोष दुःख भव रजनी के ॥
       सूझ हिं राम चरित मनि मानिक ।
       गुपुत प्रगट जहं जो जेहि खानिक ॥
  એના હૃદયમાં આવવાથી હૃદયના નિર્મળ નેત્ર ખુલી જાય છે અને સંસાર રૂપી રાત્રીના દોષ, દુ:ખ મટી જાય છે. રામચરિત માનસ રૂપી મણિથી ગુપ્ત વસ્તુ પ્રગટ થાય છે. જેમ કૃપા થાય છે તેમ સંસારમાં બધું પ્રગટ થઈ જાય છે.
   પહેલાના જમાનામાં  જે સિદ્ધ ઋષિ કે સાધુ રહેતા તે રાજાને સોનાની ખાણ, હીરાની ખાણ, પાણીના સ્ત્રોત્ર બધું જમીનની અંદર ક્યાં છે તે દિવ્ય ચક્ષુથી જોઈને જણાવતા. આપણી ઇન્દ્રિયોની સિમિતતા છે. આપણે જે જોઈએ છે એ જ દ્રશ્ય આસપાસ નથી. ઘણી બધી વસ્તુઓ આપણે આંખથી જોઈ નથી શકતાં. સાંભળવાની પણ એક મર્યાદા હોય છે. અંતરીક્ષમાં એટલા પ્રકારની ધ્વનિ છે કે જો એ આપણે સાંભળી શકીએ તો બહેરા થઈ જઈએ. 
   આપણને ભગવાને ધ્વનિની જે ફ્રીક્વન્સી આપી છે તે જ રેન્જમાં આપણે સાંભળી શકીએ છીએ. દ્રષ્ટિમાં પણ આવું જ છે. બીજા પ્રાણીઓ પણ આપણો અવાજ સાંભળી નથી શકતા. બધાની જોવાની, સાંભળવાની એક ક્ષમતા હોય છે. પરંતુ દિવ્યચક્ષુ બધું જોઈ શકે છે. ભગવાન કહે છે કે લે હું તને દિવ્યચક્ષુ આપું છું જેને લઈને તું મારા ઈશ્વરીય સ્વરૂપને જોઈ શકીશ. 
આજકાલ 3D, 5D સિનેમા હોય છે જેમાં અમુક પ્રકારના ચશ્મા પહેરવા પડે છે. જો એ ચશ્મા ન પહેરીએ તો દ્રશ્ય બરાબર દેખાતું નથી. ચશ્મા પહેરવાથી બધું સ્પષ્ટ દેખાય છે. આપણે માનીએ છીએ કે ઘુવડને ઓછું દેખાય છે પણ એવું નથી. એની દ્રષ્ટિ બહુ તેજ હોય છે. આપણે દિવસે જેટલું ચોખ્ખું જોઈએ છે તે ઘુવડ રાત્રે સ્પષ્ટ જોઈ શકે છે. એની દ્રષ્ટિ ખૂબ જ તેજ હોવાને લીધે સૂર્યપ્રકાશ એનાથી સહન નથી થતો. આમ ભગવાનની કૃપા વગર દિવ્યચક્ષુ મળી જાય તો પણ શું ? એને સહન કરવાની શક્તિ પણ જોઈએ, યોગ્યતા જોઈએ. 
  ભગવાને દસ અધ્યાય સુધી અર્જુનને તૈયાર કર્યો પછી દિવ્યચક્ષુ આપ્યા. પહેલા અધ્યાયમાં જ ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ આપી શક્યા હોત પણ એ વખતે અર્જુનની એટલી પાત્રતા જ નહોતી એટલે ભગવાને દસ અધ્યાય સુધી એને તૈયાર કર્યો અને પછી એને દિવ્યચક્ષુ આપ્યા. ગુરુ આમ જ કરે છે. ભગવાને અર્જુનને પહેલાં પાત્રતા આપી પછી દિવ્યચક્ષુ આપ્યા. 

11.9

સઞ્જય ઉવાચ
એવમુક્ત્વા તતો રાજન્, મહાયોગેશ્વરો હરિઃ।
દર્શયામાસ પાર્થાય, પરમં(મ્) રૂપમૈશ્વરમ્॥૧૧.૯॥

સંજય બોલ્યાહે રાજન્ ! આવું કહીને પછી મહાયોગેશ્વર શ્રી હરિએ પરમ ઐશ્વર્યયુક્ત દિવ્યસ્વરૂપ દેખાડ્યું.

સંજય ગદ્ગદ્ થઈ ને બોલે છે કારણ કે એમની પાસે પણ દિવ્યદ્રષ્ટિ છે સંજય કહે છે હે રાજન, બધા પાપોનો નાશ કરનાર ભગવાને આમ કહીને પોતાનું પરમ ઐશ્વર્યયુક્ત રૂપ અર્જુનને બતાવ્યું. જ્યારે વેદવ્યાસજી ભગવાન ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા ત્યારે પિતૃભાવથી એમણે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હું તને  દિવ્યચક્ષુ આપું છું, તું લઈ લે. એમણે ના પાડી. આખું જીવન કાંઈ જોયું નથી હવે અંતમાં આ યુદ્ધ નથી જોવું. તમે સંજયને દિવ્યદ્રષ્ટિ આપો. સંજયે એ ગુરુકૃપાનો પ્રસાદ માનીને તરત દિવ્યદ્રષ્ટિ લઈ લીધી. 
ગોસ્વામી તુલસીદાસ કહે છે,
    सकल पदारथ है जग माही ।
    कर्म हीन नर पावत नाहीं ॥
 ધૃતરાષ્ટ્ર એટલા કર્મહીન હતા કે ભગવાન વેદવ્યાસજી સ્વયં એમને દિવ્યદ્રષ્ટિ આપવા માટે આવ્યા હતા, એમણે ના પાડી દીધી અને દિવ્યદ્રષ્ટિ સંજયને આપી દીધી. ગુરુકૃપાથી સંજયે દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત કરી લીધી અને એવા રૂપના દર્શન કર્યા કે જે ભગવાને અર્જુન સિવાય બીજા કોઈને બતાવ્યું પણ નહોતું અને કોઈને બતાવશે પણ નહીં. 

11.10

અનેકવક્ત્રનયનમ્, અનેકાદ્ભુતદર્શનમ્।
અનેકદિવ્યાભરણં(ન્), દિવ્યાનેકોદ્યતાયુધમ્॥૧૧.૧૦॥

જેમના અનેક મુખ અને નેત્રો છે, અનેક પ્રકારના અદ્ભુત દર્શન છે, અનેક દિવ્ય આભૂષણો છે, હાથો માં ઉગામેલા અનેક દિવ્ય આયુધો છે.

સંજય અહીંયા પોતાની દિવ્યદ્રષ્ટિથી જોયેલા ભગવાનના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરે છે. જેને અનેક મુખ છે, અનેક નેત્ર છે, અનેક અદ્ભુત રૂપથી યુક્ત, દિવ્ય આભૂષણો ધારણ કર્યા છે, અનેક દિવ્ય શસ્ત્ર ધારણ કરેલ છે, દિવ્ય વસ્તુ ધારણ કરેલ છે, દિવ્ય પુષ્પોની માળાઓ જે અમે ક્યારેય નથી જોઈ એવી માળાઓ ધારણ કરી છે, દિવ્યગંધોનું લેપન કર્યું છે અને બધી બાજુ જેમનું મુખ છે એવા વિશ્વરૂપના અર્જુને દર્શન કર્યા. અર્જુન અચંબિત થઈ ગયો અને ભગવાનને હાથ જોડીને આશ્રિત થઈ ગયો, ભગવાનને શરણાગત થઈ ગયો.
     અર્જુનને તો ભગવાને લાયક બનાવ્યો હતો, દિવ્ય રૂપના દર્શન કરવા માટે પણ સંજયને કેવી રીતના એના દર્શન થઈ ગયા? એ કેમ એટલો સદ્ભાગી થઈ ગયો? ગુરુકૃપા વગર આ સંભવ નથી. સંજય વેદવ્યાસજીના શિષ્ય છે, અને ગડવલક નામના સારથીના પુત્ર છે, પરંતુ નાનપણથી જ ધર્મશાસ્ત્રોમાં એમને બહુ રુચિ હતી. નાની આયુમાં એમણે ઘણા બધા શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હતું. શાસ્ત્રો વાંચીને એ ભગવાન વેદવ્યાસજી પાસે ગયા, અને એમની પાસે એ શાસ્ત્રો ભણવાની ઈચ્છા પ્રગટ કરી. વેદવ્યાસજીએ એમની રુચિ જોઈ, એમનું અધ્યયન જોયું.  થોડા દિવસ એમની પરીક્ષા પણ કરી અને એમની કુશાગ્રતા પણ જોઈ પછી પ્રસન્ન થઈને એમણે સંજયને બ્રાહ્મણ હોવાનું વરદાન આપી દીધું. જન્મ્યા સુતના ઘરે, સારથિના ઘરે પરંતુ વેદવ્યાસજીની કૃપાથી એમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું. 
આમ કર્મોથી વર્ણ પરીવર્તન થયું. 
પછી એમને વેદવ્યાસજી પાસે શિક્ષા પ્રાપ્ત કરી. એમનાથી વેદવ્યાસજી એટલા ખુશ થઈ ગયા કે એ પોતે સ્વયં એમને ધૃતરાષ્ટ્ર પાસે લઈ આવ્યા અને પોતાનો સારથી તથા મંત્રી બનાવવાનું કહ્યું અને એમ કહ્યું કે એને તારી પાસે જ રાખજે અને એ જે કહે તે બધું માનજે. 
આમ સંજય વેદવ્યાસજીના માનીતા શિષ્ય હતા, અને જ્યારે અવસર આવ્યો ત્યારે એમણે  એની ઉપર ગુરુકૃપા કરી અને દિવ્યદ્રષ્ટિ આપી.
એક સુફી સંતને કોઈએ પૂછ્યું કે કઈ રીતે સંજયને દિવ્યદ્રષ્ટિ મળી ત્યારે એણે કહ્યું,
राहे सुलूक में रियाजत नही जरूर, मुर्शिद की एक नजर
सौ सौ मुकाम एक नजर में, नजर बदली तो नजारे बदल गये ।
પોતાના પ્રયત્નોથી કાંઈ જ નથી થતું પરંતુ ગુરુની એક કૃપાદ્રષ્ટિ થઈ ગઈ તો બધું બદલાઈ ગયું, સો સો પડાવો એક ક્ષણમાં પસાર થઈ ગયા અને ધ્યેય સુધી પહોંચી ગયા. ગુરુકૃપાથી આમ થયું. 
 नज़रें बदली तो नज़ारे बदल गये
जैसी द्रष्टि वैसी सृष्टि 
   
એક ડોશીને બહુ વખતથી બે આંખોથી ઝાંખુ દેખાતું હતું. ૨૦ વરસ પછી એને એવી ટેવ જ પડી ગઈ કે સાચી દ્રષ્ટિ કેવી હોય એ ભૂલી ગઈ. અચાનક એક દિવસ ગામમાં એનો ઓળખીતો ડોક્ટર આવ્યો અને એણે એને ચશ્મા પહેરાવ્યા. ચશ્માથી દ્રશ્ય બદલાઈ ગયું, આમ એક ક્ષણમાં  બધું એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યું. એની દુનિયા જ બદલાઈ ગઈ. આવી જ રીતે દિવ્ય દ્રષ્ટિ અર્જુનને પ્રાપ્ત થઈને એને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. 

 

11.11

દિવ્યમાલ્યામ્બરધરં(ન્), દિવ્યગન્ધાનુલેપનમ્।
સર્વાશ્ચર્યમયં(ન્) દેવમ્, અનન્તં(વ્ઁ) વિશ્વતોમુખમ્॥૧૧.૧૧॥

તથા જેમના ગળા માં દિવ્ય માળાઓ છે, અને જે અલૌકિક વસ્ત્ર ને ધારણ કરેલા છે તથા જેમના લલાટ અને શ્રી વિગ્રહ પર દિવ્ય ચંદન, કુંકુમ વગેરે લગાડેલું છે. બધી જ જાત ના ઐશ્વર્યો થી યુક્ત, અનંત રૂપોવાળા અને સર્વ તરફ મુખોવાળા દેવ ( પોતાના દિવ્ય સ્વરૂપને) ને ( ભગવાને દેખાડ્યું).

11.11 writeup

11.12

દિવિસૂર્યસહસ્રસ્ય, ભવેદ્યુગપદુત્થિતા।
યદિ ભાઃ(સ્) સદૃશી સા સ્યાદ્, ભાસસ્તસ્ય મહાત્મનઃ॥૧૧.૧૨॥

જો આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઊપજે, તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ થાય, અથવા થઈ શકે નહીં.

  આ શ્લોક બહુ વિચિત્ર છે. 
આમાં પરમાત્માના દિવ્ય તેજનું વર્ણન કર્યું છે. હજારો સૂર્ય એકદમ ઉગે ત્યારે જે પ્રકાશ પડશે એ પણ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશની સામે ફિક્કો છે.
ડો. જે. રોબર્ટ ઓપનહાઈમર નામના વૈજ્ઞાનિક ગીતાજીના મોટા પ્રેમી હતા. એમણે કહ્યું કે એણે જ્યારે અમેરિકામાં અણુબોમ્બના આવિષ્કાર પહેલા અણુબોમ્બનું પરિક્ષણ કર્યું હતું, અને પરિક્ષણ દરમ્યાન એમણે જે પ્રકાશ જોયો ત્યારે એમના મોઢામાંથી આ શ્લોક બહાર નીકળી ગયો એમ એમણે કહ્યું, 
   दिव्य सूर्य सहस्रस्य ….।
એકસાથે સેંકડો સૂર્ય આકાશમાં આવી જાય એટલો પ્રકાશ થઈ ગયો. 
 સંજય કહે છે, હે રાજન, આકાશમાં એકસાથે હજારો સૂર્ય આવી જાય તેટલો કે એનાથી પણ વધુ પ્રકાશ કૃષ્ણપરમાત્માનો હતો. 
આજ પ્રકાશને ઇસ્લામમાં "નૂરે ઈલાહી", બાઇબલમાં "ડિવાઇન લાઇટ" અને વેદોમાં "ભૃગો જ્યોતિ" અને પુરાણોમાં "તેજસ" એમ કહ્યું છે. 
સંત તુલસીદાસ રામચરિત માનસમાં કહે છે,
      परम प्रकाश रूप दिन राती ।
      नाच ही दिया ना धृत बाती ॥

 સૂર્યદેવ રાત દિવસ પોતે જ પ્રકાશિત હોય છે એને માટે એને દીવો કે વાટ કે ઘી કશાની જરૂર પડતી નથી.
ગુરુ નાનકજી કહે છે,
     “ जे सौ चंदा उगवे, सूरज चढ़े हज़ार ।
       एते चानन होन्दिया, गुरू बिन घोर अंधकार ॥”

સેંકડો ચંદ્ર અથવા હજારો સૂર્ય પણ જો ઉગે પણ ગુરુ ન હોય તો બધે ઘોર અંધકાર જ હોય છે.
ભગવદ્ગીતાના ૧૫મા અધ્યાયમાં પણ કહ્યું છે,
  न तद्भासयते सूर्यो न शशांको न पावकः ।
  यद्गत्वा न निवर्तंते तद्धाम परमं मम ॥”
અર્થાત, પરમાત્માનું ધામ સ્વયં પ્રકાશિછે. ત્યાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. 
  

11.13

તત્રૈકસ્થં(ઞ્) જગત્કૃત્સ્નં(મ્), પ્રવિભક્તમનેકધા।
અપશ્યદ્દેવદેવસ્ય, શરીરે પાણ્ડવસ્તદા॥૧૧.૧૩॥

એ વખતે પાંડુપુત્ર અર્જુને દેવો ના દેવ ભગવાનના તે શરીરમાં એક જગ્યાએ સ્થિત અનેક પ્રકારે વિભાગોમાં વિભાજીત સંપૂર્ણ જગત ને જોયું.

અર્જુનને અનેક જુદાજુદા દેવતાઓ, આખી સૃષ્ટિના ચરાચરના જે દેવ છે, દેવોના દેવ છે, એક જગ્યાએ દેખાઈ રહ્યા છે. પરપોટા જેવા અનેક બ્રહ્માંડો અર્જુનને  દેખાઈ રહ્યા છે. એક પરમાત્માના કણમાં એને સંપૂર્ણ બ્રહ્માંડ દેખાય છે. એ જોતો જાય છે અને દિવ્યચક્ષુ એવા છે કે એને બધું બતાવતા જાય છે. એક જ સ્થાન ઉપર એ આ બધું જોઈ શકે છે. ૪ પ્રકારના જીવો છે. જરાયજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજ. સ્થાવર, જંગમ, નભચર, જલચર, થલચર એવી ૮૪ લાખ યોનીઓ, ૧૪ ભુવનો એણે ભગવાનના મુખમાં જતાં જોયા. આ બધું એક જ જગ્યાએ જોયું.

11.14

તતઃ(સ્) સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ।
પ્રણમ્ય શિરસા દેવં(ઙ્), કૃતાઞ્જલિરભાષત॥૧૧.૧૪॥

ભગવાન ના વિશ્વરૂપ ને જોઈને તે ધનંજય આશ્ચર્ય માં ડૂબેલા હર્ષ પુલકિત થવાથી તેમનું શરીર રોમાંચિત થઈ ગયું.તે હાથ જોડી ને વિશ્વરૂપ ને મસ્તક થી પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા.

 અર્જુન અત્યંત વિસ્મયચકિત થઈ ગયા. રોમાંચિત, પુલકિત થયેલા અર્જુનના હાથ જોડાઈ ગયા. નતમસ્તક થઈ ગયા. એમનું રોમે રોમ હર્ષિત થઈ ગયું. એમની આંખમાં આનંદના અશ્રુ આવી ગયા . કૃતજ્ઞતાથી એમનું મન ભરાઈ ગયું. એમનું માનીને ભગવાને એમના વિશ્વરૂપના દર્શન કરાવ્યા, એને માટે દિવ્ય ચક્ષુ આપ્યા, પાત્રતા વધારી માટે અર્જુન કૃતજ્ઞ થઈ ગયા. 
   એ પછી હરિ શરણંની ધૂન સાથે વિવેચનનું સમાપન થયું. એ પછી પ્રશ્નોત્તરી શરુ થઈ.
સવાલ :૧ શિવાની દીદી
 તમે નાનપણથી સત્સંગ સાંભળો છો ને તમારી પર ગુરુ કૃપા પણ છે તો  તમારા જીવનમાં ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય એવો કોઈ પ્રસંગ હોય તો તમને યોગ્ય લાગે તો કહો.
 જવાબ : આવા અનુભવ માટે તો મારી પાત્રતા નથી. હું બહુ સાધારણ છું પણ મને ક્ષણે ક્ષણ ભગવાન મારી સાથે છે એની અનુભૂતિ થતી રહે છે. ભગવાનની મારી પર બહુ કૃપા છે એ આખા દિવસમાં મને ઘણીવાર અનુભવાય છે. 
 સવાલ : ૨  ગાયત્રીદીદી
   નામ જાપ અને સાધનામાં શું ફરક છે?
 જવાબ : ૨
 કોઈપણ સાધનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. નામ જાપ સૌથી સરળ છે. ગુરુ મંત્રનો જાપ બેસીને કરવો જોઈએ. નામ જાપ કશે પણ ચાલતાં ફરતાં પણ કરી શકાય છે. 
 સવાલ : ૩. સંતોષ દીદી
 સૂતકમાં ભગવાનની પૂજા કેમ ન કરવી જોઈએ?
 જવાબ : ૩
  જન્મ કે મૃત્યુ વખતે આપણે શુદ્ધ નથી હોતા ત્યારે મંદિરમાં પૂજા ન કરવી જોઈએ. પરંપરા છે કે સુતકમાં પૂજન પાઠ ન કરવા જોઈએ. ભગવાનનું સ્મરણ કરી શકાય છે
  સવાલ : ૪ રાણાભૈયા
  મહાભારતનો ગ્રંથ ઘરે રાખવો જોઈએ કે નહીં? 
  જવાબ : ૪
મહાભારતનો ગ્રંથ ઘરમાં રાખવો જ જોઈએ અને નિત્ય એનું અધ્યયન પણ કરવું જોઈએ.
  આ સાથે જ પ્રશ્નોત્તરી સમાપ્ત થઈ. અંતિમ પ્રાર્થના સાથે વિવેચન સત્રનું સમાપન થયું. 
   ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ