विवेचन सारांश
આસુરી સંપત્તિ ની ઓળખ અને તેનો ત્યાગ
આ સંસારમાં માત્ર બે પ્રકારનાં લોકો હોય છે. દૈવી અને આસુરી, દૈવી સંપત્તિ ધારણ કરવાવાળા લોકોનું વર્ણન ભગવાને અનેક સ્થાન પર ભગવદ્ગીતામાં કરેલું છે. પરંતુ આસુરી સંપત્તિ ધારણ કરવાવાળા લોકોનું વર્ણન ભગવાને અહીં વિશેષ રૂપથી કરેલ છે.
મનુષ્યે શું ગ્રહણ કરવું? કયા સદ્ગુણોની સાધના કરવી? એ બધું તો મનુષ્યની સમજમાં આવી ગયું, પરંતુ સાથે સાથે મનુષ્યે કયા ત્યાગ કરવાના છે, તેની પણ જાણકારી હોવી જોઈએ. માટે ભગવાને અહીં વિસ્તારથી આસુરી ગુણોનું વર્ણન કરે છે.
કાલે હોલિકાદહનનો પર્વ છે. બધા જ દુર્ગુણોને હોળીમાં હોમી દેવામાં આવે છે. હોળીમાં મનુષ્યે કયા દુર્ગુણોને હોમી તેનાથી મુક્ત થવું છે, તે જાણવા માટે મનુષ્યે પોતાના દુર્ગુણોની યાદી જોઈ લેવી જોઈએ, અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે તેના બધા જ દુર્ગુણો હોળીમાં ભસ્મ થઇ જાય.
મનુષ્યે આ અધ્યાયના પહેલા વિવેચનમાં જાણ્યું કે આસુરી પ્રવૃત્તિના લોકો એ સમજી નથી શકતા કે કયા કાર્ય કરવા પ્રવૃત્ત રહેવું જોઈએ, અને કયા કાર્યોથી નિવૃત્ત થવું જોઈએ. આસુરી પ્રવૃત્તિના લોકોમા શુદ્ધતા કે પવિત્રતા નથી.
આ જગત પ્રભુના આશ્રયથી નહીં પરંતુ એની જાતે જ ચાલી રહ્યું છે, એવી ધારણા બાંધી રાખે છે. આખા વિશ્વને ધારણ કરવાવાળા પરમાત્મા ની શક્તિને તેઓ માનતા નથી. આ જીવન કેવળ કામનાપૂર્તિ માટે જ છે એવું વિચારીને તેઓ જીવે છે. એવા લોકો માટે આપણે જાણ્યું છે કે તેમનામાં દંભ પણ ખૂબ જ હોય છે. મનોરંજન જ તેમના જીવનનો ઉદ્દેશ્ય છે, એટલે કામ જ તેમનો આશ્રય છે. કામના એ એક એવી વાત છે જે કદી સમાપ્ત થતી નથી, એક પૂર્ણ થાય તો બીજી નિર્માણ થાય છે. આવા લોકો માટે ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે.
16.10
કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥
ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥
જીવન માત્ર વિષયોને ભોગવવા માટે જ છે તેવી તેમની દ્રઢ માન્યતા છે. એટલે તે કેવળ પદાર્થોના સંગ્રહ અને તેના ઉપભોગ કરવામાં જ વ્યસ્ત હોય છે. તેઓ વિષયોની ચિંતા અને તેના આશ્રયમાં જ રહેતા હોય છે. તેમની ચિંતાઓ અનંત હોય છે અને તે મૃત્યુ પર્યંત સમાપ્ત થતી નથી.
આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥
સજ્જન લોકો ગીતાને સમર્પિત હોય છે, હરિભક્તિમાં સમર્પિત હોય છે, પરંતુ આ લોકો કામ-ભોગ પરાયણ હોય છે. ઈચ્છાઓ પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. તેઓ પૈસા મેળવવા માટે ખોટો રસ્તો પસંદ કરે છે. ખોટા માર્ગે ધન અર્જિત કરે છે. જીવન કેવળ ભોગ માટે જ છે સમજી કામનપૂર્તી માટે ભ્રષ્ટ આચરણથી ધન કમાય છે. ખોટી રીતે ધન કમાઈએ તો શું ફરક પડી જવાનો છે, એવા વિચારો તેમના હોય છે.
આશાઓના પાશમાં બંધાયેલા એ લોકો કર્મ તો કરે જ છે, આશા માટે સંસ્કૃત માં એક સુંદર સુભાષિત છે.
आशा नाम मनुष्याणां काश्चिदाश्चर्यशृङ्खला |
यया बद्धा: प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत ||
આશા એ એક આશ્ચર્યકારક શૃંખલા છે. કોઈ એક ચીજ મળી જાય તો બીજાની આશા વધતી જાય છે. જેમ ઘરમાં મર્સિડીઝ કાર આવી જાય, તો મોટા બંગલા ની આશા વધે છે. આશાની શૃંખલામાં જે બંધાઈ જાય છે એવી વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી કામ કરે છે, અને જે આશાથી મુક્ત થઈ જાય છે. અને આશા છોડી દે છે એવી વ્યક્તિ કાંઈ જ કરી શકતી નથી. જાણે કે પાંગળો થઈને બેસી રહે. તેમને કોઈ આશા ના હોય.
આશા કેવી હોવી જોઈએ તેના માટે પણ વિવેક હોવો જરૂરી છે, ધ્યેયપૂર્તિ માટે આકાંક્ષા હોવી જરૂરી છે. ધ્યેયપૂર્તિ માટે સુખનો ત્યાગ કરવો પડે તો પણ કાર્યરત રહેવું જોઈએ. ધ્યેયપૂર્તિની આશામાં બંધાઈયે તે તો ઠીક છે, પરંતુ કામપૂર્તિ માટે આશાના બંધન ન હોવા જોઈએ.
કાર્ય કરતા પહેલાં મનુષ્યનું ધ્યાન પોતાની અંદર હોવું જોઈએ. એ જોવા માટે કે ધ્યેયપૂર્તિ કરવા માટે ઈચ્છા થઈ રહી છે કે પછી કામનાપૂર્તી માટે કાર્ય કરવાની ઈચ્છા થઈ રહી છે. માટે મનુષ્યના વિચાર કેવા હોવા જોઈએ તે ભગવાન આગળ જણાવે છે.
ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥
મનુષ્યની આકાંક્ષાઓ માત્ર ધન વિષયમાં જ નહીં, પરંતુ પદની લાલસા માટે, કીર્તિ માટે, પ્રતિષ્ઠા માટે પણ એવી જ આકાંક્ષાઓ - મનોરથો હોય છે.
અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥
આ વિચાર નું સૌથી ઉત્તમ ઉદાહરણ રાવણ છે.
મહાન બનવું તે ખૂબ જ સારી વાત છે, પરંતુ મહાન બનાવવું તે ખૂબ જ સારી વાત છે, બહુ જ મોટી વાત છે.
મનુષ્યે મહાન બનવું જોઈએ, પરંતુ મહાન બનીને મહાનતાને ભૂલી જવી જોઈએ નહિ, પરંતુ આસુરી લોકો સ્વયં ને જ શ્રેષ્ઠ માને છે.
આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥
ઈશ્વરની કૃપા માનીને જે લોકો ઈશ્વરને અર્પણ કરે છે તે લોકો ક્યારેય ઈશ્વરથી દૂર નથી હોતા અને તે બધાના હૃદયમાં વસે છે. પરંતુ આસુરી વૃત્તિના લોકો ઈશ્વરને માનતા જ નથી.
જ્યારે આસુરી સંપત્તિ વધતી જાય છે, ત્યારે તે ભૂલી જાય છે કે પૃથ્વીને કોણે ધારણ કરેલી છે અને સૂર્યમંડળ કોના નિયંત્રણમાં છે. આખી સૃષ્ટિનું નિર્માણ અને સંચાલન કોણ કરી રહ્યું છે, તે ભૂલી જાય છે. બધું હું જ ૩ચલાવી શકું છું તેવી અજ્ઞાનતામાં ડૂબેલા રહે છે
અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥
સંસારમાં ત્રણ પ્રકારના લોકો હોય છે
(૧) અસક્ત (૨) આસક્ત અને (૩) પ્રસક્ત
અસક્ત એટલે જેમને કામનાઓની આસક્તિ નથી, જે વ્યક્તિગત સ્વાર્થથી દૂર રહીને ધ્યેયપૂર્તિ માટે કર્તવ્ય કરે છે.
આસક્ત એટલે જે કામનાઓમાં લિપ્ત રહે છે. અને
પ્રસ્કત એટલે આત્યંતિક આસક્તિ.
प्रकर्षेन असक्त: प्रसक्ताः આ કોઈ બીજી વ્યક્તિનું વર્ણન નથી, પરંતુ મનુષ્યની ભીતરની આસુરી વૃત્તિનું વર્ણન છે. આસુરી એ વૃતિ છે, તે આસુરી દુર્ગુણોને ઓળખવા જોઈએ. કોઈ નવી વસ્તુ જોઈને મનુષ્યને એવું લાગે કે આ વસ્તુ પણ મારી પાસે હોવી જોઈએ, તો તે આસક્તિ છે.
આસક્તિ ધીરેધીરે પ્રસક્તિમાં બદલાઈ જાય છે અને પછી મનુષ્ય તેની મોહજાળમાં ફસાઈ જાય છે. જે અત્યાર સુધી પ્રાપ્ત નથી થયું તેના માટે મનુષ્ય તરફડે છે. એવા મનુષ્ય અપવિત્ર અને ભયંકર નરકમાં જઈને પડે છે. જે પણ આપણે પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત ન કરવુ એવું નથી, પરંતુ પ્રાપ્ત કરી એને ભૂલી જવું જોઈએ. મહાન હોવું જોઈએ, પરંતુ એટલા પણ નહીં કે આપણી મહાનતાને જ બોજ બનાવી દઈએ.
આ ઉપર જ્ઞાનેેશ્વર મહારાજે સુંદર ઓવી કહી છે.
व्युत्पत्ती अवघी विसरिजे | थोर पण पर्हा सांडीजे |
जे जगा धाकुटे होई जे तै जवळीक माझे ||
ભગવાન કહે છે કે જે મનુષ્ય મહાન તો છે, પરંતુ મહાનતા ભૂલીને નાનો બનીને રહે છે તે મને અત્યંત પ્રિય છે.
આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥
અર્જુને એક પ્રતિજ્ઞા કરી હતી કે જે મારા ગાંડીવ ધનુષ્યની અવહેલના કરશે, અપમાન કરશે, તેને હું સમાપ્ત કરી દઈશ કાંતો હું આત્મહત્યા કરીશ.
મહાભારતનો એક પ્રસંગ છે, જેમાં યુધિષ્ઠિર બેચેનીથી છટપટાઈને અર્જુન પાસે આવે છે અને તેના ગાંડીવ ધનુષ્યને ધિકારે છે. ત્યારે અર્જુનને તેમની સામે પોતાની પ્રતિજ્ઞાને લીધે મોટું સંકટ ઊભું થયું છે. કાં તો અર્જુન યુધિષ્ઠિર નો વધ કરશે કાં તો તે સ્વયં આત્મહત્યા કરી લેશે. યુધિષ્ઠિરનો વધ કરવો ઉચિત નથી એટલે હું પોતે જ આત્મહત્યા કરી લઈશ એવો વિચાર અર્જુનના મનમાં આવે છે.
ભગવાનને જ્યારે અર્જુનના આવા વિચારોને જાણ થઈ, ત્યારે ભગવાને અર્જુનને પોતાની પ્રશંસા કરવાની સલાહ આપી. કારણ કે પોતાની પ્રશંસા કરવી એ આત્મહત્યા સમાન છે. અહીં એ બતાવવામાં આવ્યું છે કે હંમેશા ભગવાનની સાથે રહેવું અને શ્રીમદ્ભગવદ્ગીતાનું હંમેશા સ્મરણ કરવું કેટલું મહત્ત્વપૂર્ણ છે.
આસુરી સંપત્તિવાળા લોકો ખૂબજ અભિમાની હોય છે. થોડુંક ધન પ્રાપ્ત થઈ જાય અને માન મળી જાય તો તેમને અહંકાર આવી જાય છે. તેમના દ્વારા કરવામાં આવેલા યજ્ઞ કેવળ દેખાવ માટે જ હોય છે. તેઓ શાસ્ત્રોમાં બતાવ્યા અનુસાર યજ્ઞ કરવાના બદલે દંભ અને દેખાડો કરે છે. શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવાના બદલે દેખાડો કરવા અને નામ માટે જ યજ્ઞ કરે છે.
આજકાલ લગ્નપ્રસંગમાં પણ યજ્ઞવિધિ વગેરે પદ્ધતિનું મહત્ત્વ રહ્યું નથી. વિધિ તો નામ માત્ર હોય છે, બધું જ ધ્યાન ફોટોગ્રાફ સારા આવવા જોઈએ તેમાં જ હોય છે. મોટા મોટા કોન્ફરન્સ યોજાય છે, તેમાં પણ માત્ર દેખાડો જ હોય છે. તેમાં જ્ઞાનયજ્ઞ હોય છે કે નહીં તે ખબર નથી, પરંતુ પ્રસિદ્ધિ જરૂર હોય છે.
અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥
અહંકાર અત્યંત સૂક્ષ્મ છે, તે જલ્દી છૂટતો નથી. માટે જ આસુરી સંપત્તિમાં તેના તરફ ખૂબ ધ્યાન આપવું જોઈએ. અહંકાર અને અભિમાનવાળા લોકો બળપૂર્વક કહે છે કે હું જેવું કહું છું તેવું જ થવું જોઈએ. કામ અને ક્રોધ તેઓ કયારેય છોડતા નથી. કામ અને ક્રોધના કારણે આસુરી સંપત્તિ વધતી જાય છે.
ઈચ્છા મનુષ્યને શાંત બેસવા દેતી નથી. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ આવે છે. એક ઈચ્છા પૂર્ણ થાય તો નવી ઈચ્છા જન્મ લે છે, કામ અને ક્રોધ બંને સાથે ને સાથે ચાલે છે,
જ્યારે અર્જુને ભગવાનને પૂછ્યું - મનુષ્યો પાપ કેમ કરે છે?
ત્યારે ભગવાને કહ્યું - કામ અને ક્રોધ રજોગુણથી ઉત્પન્ન થાય છે. માટે કામ અને ક્રોધને આપણા શત્રુ સમજવા જોઈએ. આપણને ચાર પુરુષાર્થ કહેવામાં આવ્યા છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કામને શત્રુ પણ માનવો અને કામને પુરુષાર્થ પણ માનવો, આ એક વિરોધાભાસ છે.
ભગવાને સ્વયં દસમા અધ્યાયમાં આ વાત સમજાવી છે.ભગવાન કહે છે ધર્મ વિરુદ્ધ ન જવાવાળા કામ, ધર્મ પ્રમાણે કામ એ મારું જ સ્વરૂપ છે, અને ધર્મની વિરુદ્ધનું કામ એ આસુરી ગુણધર્મ છે.
ચારેય પુરુષાર્થોમાં સૌથી પહેલો પુરુષાર્થ ધર્મ છે. મનુષ્યે કર્તવ્યનું પાલન કરવું આ પહેલો પુરુષાર્થ છે. ધર્મથી પ્રાપ્ત થનાર અર્થ અને અર્થથી નીતિ નિયમપૂર્વક થવાવાળી ઈચ્છાપૂર્તતા એ પુરુષાર્થ છે. એટલા માટે
મનુષ્યનું ધ્યાન ધર્મ, કર્તવ્ય અને નીતિ-નિયમો તરફ હોવું જોઈએ, અંતિમ ધ્યેય મોક્ષની પ્રાપ્તિ હોવું જોઈએ. મોક્ષની પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને મનુષ્યનો ધર્મ, અર્થ, કામ માટેનો પુરુષાર્થ આપોઆપ જ સિદ્ધિ થઈ જાય છે.
પરંતુ જ્યારે અર્થ અને કામને પ્રાધાન્ય આપીએ તો ધર્મ વિરુદ્ધ કામનાની પૂર્તિ થાય છે, ત્યારે તે આસુરી સંપત્તિ થઈ જાય છે. કામ અને ક્રોધ નો આશ્રય લેવાવાળા મનુષ્ય પોતાના શરીરમાં અને બીજાના શરીરમાં રહેવાવાળા ઈશ્વરનો દ્વેષ કરે છે.
તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥
અર્જુન પૂછે છે - દ્વેષ કરવાવાળા મનુષ્યનું શું થાય છે? ભગવાન અહીં સમજાવે છે કે આસુરી વૃત્તિને પકડીને રાખવાવાળા, ક્રૂર સ્વભાવવાળા મહા નીચ મનુષ્ય, વારંવાર આસુરી યોનિમાં જન્મ લે છે, અને નીચલી યોનિ મા નીચે પડતા જાય છે.
છઠઠા અધ્યાયમાં ભગવાને મનુષ્યને સાવધ કર્યા છે કે મનુષ્યે સ્વયંનો ઉદ્ધાર કરવાનો છે. મનુષ્યે અધોગતિની તરફ જવાનું નથી, પરંતુ આ વાતોનો અનાદર કરીને અને તેનો દ્વેષ કરતા પાપાચરણ કરવાવાળાને ભગવાન આસુરી યોનિમાં નાખી દે છે. વાસ્તવમાં, આવા મનુષ્યો પોતે જ પોતાના કાર્યોથી શૈતાની દુનિયામાં પડી જાય છે. ઉદાહરણ તરીકે,
જેમ ન્યાયાધીશ અપરાધીઓને મૃત્યુદંડ આપે છે, ત્યારે અપરાધી સ્વયં પોતાના અપરાધોને કારણે મૃત્યુદંડને પામે છે, ન્યાયાધીશ તો ફક્ત પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે છે.
આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥
મનુષ્યે આ જોવું મહત્વપૂર્ણ છે કે શું તે સ્વયં પ્રગતિ કરી રહ્યો છે? કે અધોગતિની તરફ જઈ રહ્યો છે? શું મનુષ્ય સ્વયંનો ઉદ્ધાર કરી રહ્યો છે? કે આસુરી વૃત્તિમાં જીવન જીવી રહ્યો છે? શું મનુષ્ય કામ અને ક્રોધના આશ્રય માં જ જીવી રહ્યો છે? શું મનુષ્યનો ક્રોધ છૂટી શકે છે?
જ્યારે કામનાઓ ઉપર વિજય પ્રાપ્ત થશે ત્યારે ક્રોધ જતો રહેશે. કામના સારી હોવી જોઈએ, પરંતુ સ્વાર્થ પ્રેરિત કામના પર મનુષ્ય વિજય પ્રાપ્ત કરશે તો તે ક્રોધથી મુક્ત થઈ શકશે.
કામનાઓ મોટી હોવી જોઈએ, વિસ્તૃત હોવી જોઈએ, સંકુચિત ન હોવી જોઈએ. કામનાઓ સમાપ્ત કરવી છે તો તેના માટેનો વિસ્તાર હોવો જોઈએ. પોતાના સુધી જ સીમિત નહીં પરંતુ વિશ્વના કલ્યાણ માટેની કામનાઓ હોય તો તે સારી કામના છે.
કામના જ્યારે વિશાળ થઈ જાય છે તો તે ધ્યેય કહેવાય છે. ધ્યેય અને કામના વચ્ચેના અંતરને સમજવું અત્યંત આવશ્યક છે. સ્વાર્થ પ્રેરિત કામનાઓનો ત્યાગ જો મનુષ્ય નહીં કરે તો તે ક્યારેય પણ આસુરીયોનિથી ઉપર ઉઠી શકશે નહિ.
ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥
કામનો અર્થ અમર્યાદિત વિષયોને ભોગવવાની ઈચ્છા છે. ક્રોધ એ ચિત્તની ઉગ્રતા છે. જેમ જેમ મનુષ્યની કામનાઓ વધતી જાય છે, તેમ તેમ તેનું ચિત્ત ઉગ્ર સ્વરૂપ થતું જાય છે. આમ ત્રણ દ્વાર થી મનુષ્યે દૂર રહેવું જોઈએ. મનુષ્યે વિનાશ કરવા વાળા આ ત્રણ અવગુણોનો ત્યાગ કરવો જોઈએ.
એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥
યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥
જે વ્યક્તિ શાસ્ત્રવિધિને છોડીને આચરણ કરે છે, વેદ શાસ્ત્રોનું આચરણ કરતા નથી, અને પોતાની કામનાપૂર્તિ માટે મનસ્વી રીતે આચરણ કરે છે, તેને સફળતા મળતી નથી. તેને સંસારમાં પણ સુખ પ્રાપ્ત થતું નથી, અને તે પરમ ગતિને પણ પ્રાપ્ત થઈ શકતો નથી.
તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥
ભગવાન અંતિમ શ્લોકમાં આ બધા પ્રશ્નોના જવાબો સમજાવે છે. ભગવાન કહે છે - શાસ્ત્રોને પુરાવા તરીકે સ્વીકારવા જોઈએ. શાસ્ત્રોમાં જેમ કહ્યું હોય તે રીતે કરવું જોઈએ.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે
शास्त्र म्हणे ते टाकावे |
ते राज्य ही तृणवत मानावे |
न म्हणे तरी घ्यावे विष हि |
તેઓ કહે છે, શાસ્ત્રોએ રાજ્ય છોડવાનું કહ્યું છે તો રાજ્ય પણ છોડવું જોઈએ. શાસ્ત્રે કહ્યું કે ઝેર તમારા માટે ઠીક છે તો તમારે તે પણ લેવું જોઈએ.
શું કરવા યોગ્ય છે? અર્થાત શું કર્તવ્ય છે અને શું કરવા યોગ્ય નથી? તેના માટે શાસ્ત્રોને જ પુરાવા તરીકે સ્વીકારવા જોઈએ. એટલા માટે મનુષ્યે શાસ્ત્રોના નિયમો જાણીને કર્મ કરવા જોઈએ. હવે અર્જુનના મનમાં પ્રશ્ન થાય છે કે શાસ્ત્રો પર શ્રદ્ધા તો છે, પણ શાસ્ત્રોને જાણવાની યોગ્યતા નથી, અને સમય પણ નથી, તો શું માત્ર શ્રદ્ધાથી કોઈ કાર્ય કરવામાં આવે તો તેને શું કહેવાય? તે કાર્ય કહેવાય કે તેને અકાર્ય કહેવાય?
આ પ્રશ્ન અર્જુન સત્તર માં અધ્યાયમાં પૂછે છે જેનું વિવેચન આપણે આગળ જોઈશું. જે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વિશે કહે છે, તેણે શું ગ્રહણ કરવું જોઈએ, અને કોનો ત્યાગ કરવો જોઈએ? આ હોળીમાં કયા દુર્ગુણોને સળગાવવા પડશે? આ બધી વાતો દ્વારા આ અધ્યાય અહીં સમાપ્ત થાય છે. આ વિવેચન ના સમાપન પશ્ચાત પ્રશ્નોત્તરી સત્રનો આરંભ થયો.
પ્રશ્નોત્તરીપ્રશ્નકર્તા: ઉર્મિલાજી
સવાલ: 16 માં શ્લોકની પહેલી લાઈન નો અર્થ સમજાવો?
જવાબ: આસુરી વૃત્તિને કારણે મનમાં અનેક પ્રકારના ભ્રમ ઉત્પન્ન થાય છે. તેઓ અજ્ઞાનતાના જાળમાં ફસાયેલા રહે છે, તેથી તેઓને લાગે છે કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે.
પ્રશ્નકર્તા: રેણુજી
સવાલ: 21 માં શ્લોકમાં કહેવાયું છે કે નરક તરફ લઈ જતા ત્રણ દરવાજા આત્માનો નાશ કરે છે, પરંતુ આત્મા અવિનાશી છે. તે વિશે સમજાવશો?
જવાબ: આત્માનો ક્યારેય નાશ થઈ શકતો નથી, આ વાત સાચી છે, પરંતુ આ શબ્દ આત્મા અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ સાથે આવે છે.
आत्मना: नाश એટલે સ્વનો વિનાશ. આત્મ શબ્દ સ્વ ને લાગુ પડે છે. એવું કહેવામાં આવ્યું છે કે સ્વ સ્વનો મિત્ર છે અને સ્વ સ્વનો દુશ્મન છે. આત્મા શબ્દ વ્યક્તિત્વના રૂપમાં આવ્યો છે.
પ્રશ્નકર્તા: અભિષેકભાઈ
સવાલ: એવું કહેવાય છે કે કામના એ નરકનો દરવાજો છે પણ આપણે જે પણ કામ કરીએ તેમાં કામના હોય છે?
જવાબ: જે કામ કર્તવ્યની વિરુદ્ધ નથી, તે ભગવાનનું સ્વરૂપ છે. તે એક શુભકામના છે, અને તે મનુષ્યનો ઉત્કર્ષ કરે છે.
ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥