विवेचन सारांश
મહાભારતના પાત્રોને સાંકળતી વાર્તાઓ

ID: 3036
गुजराती - ગુજરાતી
શનિવાર, 03 જૂન 2023
પ્રકરણ 1: અર્જુનવિષાદયોગ
2/4 (શ્લોક 2-9)
વિવેચન: ગીતા પ્રવીણ રૂપલ જી શુક્લા


ઈશ્વર પ્રાર્થના અને ગુરુવંદના પછી આજના ગીતા વિવેચન સત્રનો આરંભ થયો.

ગીતાજી આપણે ભણીએ છીએ, તે આપણા સ્વભાવમાં પણ આવવી જોઈએ એવું આપણને પણ લાગે છે; આ પણ ભગવાનની સાક્ષાત્ કૃપાનું જ પરિણામ છે. ખબર નહિ ભગવાનની આપણી ઉપર કઈ કૃપા થઈ ગઈ, શા માટે થઈ ગઈ, કયા આપણા પૂર્વ જન્મના પુણ્ય ફલિત થઈ ગયા! કોઈ જન્મમાં કોઈ સંત મહાત્માની દ્રષ્ટિ આપણી પર પડી ગઈ હશે; કે તેના ફળ સ્વરૂપ આ જન્મમાં આપણને ગીતાજી પ્રાપ્ત થયા છે, જેના કારણે આપણે આપણું ભાગ્યોદય કરવા માટે આ રસ્તે આગળ વધી રહ્યા છીએ.

ગત સપ્તાહ આપણે ભગવદ્ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક જોયો. ગુરુકૃપાને કારણે સારું થયું કે, આપણે બારમા અધ્યાયથી આ ગીતાજીનું ચિંતન આરંભ કર્યું. જો પહેલા અધ્યાયથી આપણે આરંભ કર્યું હોત, તો અર્જુનનો આ વિષાદ સાંભળી કદાચ આપણા ગીતાજી ચિંતનનું કાર્ય અધૂરું જ રહી ગયું હોત. ગત સપ્તાહ આપણે કુરુ વંશને સમજ્યા, મહાભારત શા માટે રચાયું તેના ઉપર વિસ્તૃત ચર્ચા કરી. આજે આપણે ગીતાજીના મહાત્મ્યને સમજશું. મહાત્મ્યને સમજવો જરૂરી છે કારણ કે, જ્યારે આપણે પૂર્ણ ભગવદ્ગીતાનું ચિંતન કરવા માટે બેસીએ છીએ, ત્યારે સૌ પ્રથમ ગીતા મહાત્મ્યથી જ આપણે ગીતાજીનો આરંભ કરીએ છીએ.

તો ચાલો આપણે આ મહાત્મયને થોડો જાણીએ. 

ગીતાશાસ્ત્રમિદં(મ્) પુણ્યં(ય્ઁ) યઃ(ફ્) પઠેત્પ્રયતઃ(ફ્) પુમાન્।
વિષ્ણોઃ(ફ્) પદમવાપ્નોતિ ભયશોકાદિવર્જિતઃ॥1॥

આ પુણ્ય પવિત્ર ગીતા શાસ્ત્ર પ્રયત્ન પૂર્વક જે ભણે છે, સમજવાનો પ્રયાસ કરે છે, તેને વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે, ભગવાનના ચરણોની પ્રાપ્તિ થઈ જશે. ભગવાનના પદને પામવાથી બધા ભય અને શોક નષ્ટ થઈ જાય છે.

ગીતાધ્યયનશીલસ્ય પ્રાણાયામપરસ્ય ચ।
નૈવ સન્તિ હિ પાપાનિ પૂર્વજન્મકૃતાનિ ચ॥2॥

જે મનુષ્ય સદા ગીતાજીના પાઠ કરનાર છે તથા પ્રાણાયામમાં તત્પર રહે છે, તેના આ જન્મના અને પૂર્વ જન્મના કરેલા બધા જ પાપો નિસંદેહ નષ્ટ થઈ જાય છે.

મલનિર્મોચનં(મ્) પુંસાં(ઞ્) જલસ્નાનં(ન્) દિને દિને।
સકૃદ્ગીતામ્ભસિ સ્નાનં(મ્) સંસારમલનાશનમ્॥3

જેવી રીતે શરીરની ઉપર મેલ બેસે છે, તેવી જ રીતે શરીરની (મનની) અંદર દિન-પ્રતિદિન મેલ બેસે છે. આ મનનાં મેલ કોણ સાફ કરશે? જો ગીતા રૂપી અમૃત જળનું આપણે રોજ સ્નાન કરીશું તો જ આ અંતરંગમાં બેઠેલા સંસારના મેલનો નાશ થશે.

ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈઃ(શ્) શાસ્ત્રવિસ્તરૈઃ।
યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ્વિનિઃસૃતા॥4॥

જેની નાભિમાંથી કમળ ખીલ્યું છે, તેના મુખ-કમળમાંથી નીકળેલી ગીતાને આચરણમાં લાવવી એ આપણું કર્તવ્ય છે. આ રીતે જેણે જીવનમાં ગીતાજી ઉતાર્યા તેને બીજા કોઈ શાસ્ત્રોનાં અધ્યયનની જરૂર રહેતી નથી.

ભારતામૃતસર્વસ્વં(વ્ઁ) વિષ્ણોર્વક્ત્રાદ્વિનિ:સૃતમ્।
ગીતાગઙ્ગોદકં(મ્) પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે॥5॥

પુનર્જન્મ ન વિદ્યતે અર્થ એવો થાય કે, મનુષ્ય જ્યારે સ્વયંને જાણશે કે, તે કોણ છે. ત્યારે તેને સમજાશે કે, તે આ દેહ નથી. “આ દેહમાં હુંં રહુંં છુંં પરંતુ હુંં આ દેહ નથી, દેહ ભલે નષ્ટ થઈ જાય પરંતુ હુંં નષ્ટ થવાનો નથી. ” જ્યારે આત્મસવરૂપ સાથે આપણો પરિચય થઈ જાય છે ત્યારે આપણને સમજાય છે કે, મારો પુનર્જન્મ થવાનો કોઈ પ્રશ્ન જ નથી, ભલે શરીર રહે કે ન રહે હુંં તો રહેવાનો જ છુંં; ન મારો જન્મ થાય છે, ન મારુ મૃત્યુ થાય છે. ”

સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દનઃ।
પાર્થો વત્સઃ(સ્) સુધીર્ભોક્તા દુગ્ધં(ઙ્) ગીતામૃતં(મ્) મહત્॥6॥

એવી ધારણા કરો કે, બધા ઉપનિષદો ગાય છે. એ ગાયોનું ગોપાલન કરનારા ભગવાન શ્રીકૃષ્ણ છે. તેઓ ગોપાલન કરે છે એટલે ગાયોનું દોહન પણ કરે છે. એ બધા ઉપનિષદોના સારનું દોહન કરી ગીતા રૂપી દૂધ પૃથાના પુત્રને પીવડાવે છે. આ ગીતા રૂપી દૂધ માત્ર પાર્થે જ પીધું નથી; પાર્થને નિમિત્ત બનાવી આ ગીતારૂપી દુગ્ધામૃત ભગવાને આપણને સૌને આપ્યું છે.

એકં(મ્) શાસ્ત્રં(ન્) દેવકીપુત્રગીતમેકો દેવો દેવકીપુત્ર એવ।
એકો મન્ત્રસ્તસ્ય નામાનિ યાનિ કર્માપ્યેકં(ન્) તસ્ય દેવસ્ય સેવા॥7॥

એક જ દેવ કે, જેની શરણમાં આપણે જઈએ, એક જ દેવના નામનું આપણે સ્મરણ કરીએ અને તેને કહેલાં માર્ગ અનુરૂપ આપણે આપણું કર્તવ્ય કરીએ. આ રીતે કર્મ કરી તે કર્મ પુષ્પ ઈશ્વરને ચડાવવું, એ જ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા છે.

૧.૨ શ્લોકનું થોડું ચિંતન

જેઓએ મૂળ મહાભારત વાંચ્યું નથી અને ટીવી પર આવેલી મહાભારત કથાને જ જોઈ છે તેઓ માટે કર્ણ તથા ધૃતરાષ્ટ્ર શ્રેષ્ઠ હશે, તે વાતમાં શંકાને સ્થાન નથી. પરંતુ જ્યારે મૂળ મહાભારત વાંચવામાં આવે છે અથવા તો ગીતાજીનું ચિંતન કરવામાં આવે છે ત્યારે જ આપણે સમજી શકીએ છીએ કે, આ ટીવી સિરિયલોમાં સારા દેખાયેલા પાત્રો કેટલી હલકી વૃત્તિના હતા. જ્યારે કોઈ સાહિત્યકાર અથવા તો ટીવી સીરીયલ બનાવનારાઓ કોઈ ખરાબ પ્રાત્રને જો સારો દેખાડે છે તો લોકોને એ સીરીયલ જોવાની વધુ ઈચ્છા થાય છે કારણ કે, ખરાબ પાત્ર જ્યારે સારો દેખાડવામાં આવે તે કુતુહલવશ લોકો એમ વિચારે પણ છે કે, શું આ જ વાત સાચી છે? અને ધીરે ધીરે જો શાસ્ત્રોનું એટલું ચિંતન ન હોય તો ખોટી વાત આપણા મનમાં ઘર કરી જાય છે.

આપણે ગીતાજીના પહેલા શ્લોકમાં જોઈ લીધું કે, જ્યારે ધૃતરાષ્ટ્રે "મામકાઃ(ફ્) પાણ્ડવાશ્ચૈવ" મારા અને પાંડુના પુત્રો આવો ભેદ કરીને બોલે છે ત્યારે ધૃતરાષ્ટ્રની મન:સ્થિતિની આપણને ખબર પડી જાય છે. જ્યારે મોટાભાઈનું મૃત્યુ થઈ જાય તો તેના પુત્રો પણ મારા જ પુત્રો છે, એવી ભાવના આપણને બધી જ જગ્યાએ જોવા મળે છે પરંતુ ધૃતરાષ્ટ્રમાં એ ભાવના ન હતી. બધા જ પાંડવો ધૃતરાષ્ટ્રને પોતાના પિતા માનતા હતા પરંતુ ધૃતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માની શક્યા જ ન હતા.


લક્ષાગૃહની વાર્તા:
જ્યારે લાક્ષાગૃહની વાત આવી અને દુર્યોધનને પ્રસ્તાવ મૂક્યો કે, બધા જ પાંડવોને લાક્ષાગૃહમાં મોકલી અને તેમનું જીવન સમાપ્ત કરી દેવામાં આવશે, ત્યારે ધૃતરાષ્ટ્રને આ કાર્ય કરવાની દુર્યોધનને ના ન પાડી. પાંડવોને લાક્ષાગૃહ જવા માટે જે આગ્રહ હતો તે, ધૃતરાષ્ટ્રે જ આજ્ઞાના રૂપમાં કર્યો હતો.

વિદુરજીની સહાયતા:
લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાના છે, એ વાતની ઉડતી ઉડતી ખબર વિદુરજીના કાનમાં પડી. વિદુરજી યુધિષ્ઠિરને આ યોજના વિશે માહિતી આપી સાવચેત કરે છે. વિદુરજીએ યુધિષ્ઠિરને ત્યાં ન જવાની સલાહ પણ આપી અને કહ્યું કે, "જ્યારે મહારાજ તમને ત્યાં જવા માટે આજ્ઞા કરે તો આપ ત્યાં જવાની તૈયારી કરતા નહીં." પરંતુ યુધિષ્ઠિર ધર્મશીલ હતા, યુધિષ્ઠિરના વિચારે "જો અમારો નાશ પણ થઈ જાય તો પણ અમારે ત્યાં જવું જોઈએ કારણ કે, ધૃતરાષ્ટ્ર અમારા પિતા છે અને પિતાની આજ્ઞાનું પાલન કરવું એ અમારું કર્તવ્ય છે."

દ્યુત ક્રિડાનું આમંત્રણ:
આવી બીજી પણ એક જગ્યાએ દ્યુત ક્રીડાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રને પિતા છે એ દ્રષ્ટિએથી જ જોઈને તેમના જીવનમાં કાર્ય કર્યા હતા, અને પછી બધા જ ખરાબ પરિણામોને જીવનમાં સહન કર્યા હતા. દ્યુત ક્રિડામાં યુધિષ્ઠિર જાણતા હતા કે, અહીં હુંં હારી જવાનો છુંં તો પણ તે તેમના માનેલા પિતા ધૃતરાષ્ટ્રની આજ્ઞાનો ઉલ્લંઘન કરવા તૈયાર થયા ન હતા.

ધૃતરાષ્ટ્રની આ પોતાના અને પારકા પુત્રોની વાત સાંભળી સંજય થોડા ખિન્ન થઈ જાય છે અને પછી તે જે ધૃતરાષ્ટ્રને પ્રત્યુતર આપે છે, એ આપણે ખાસ જોવો જોઈએ.

1.2

સઞ્જય ઉવાચ
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં(વ્ઁ), વ્યૂઢં(ન્) દુર્યોધનસ્તદા।
આચાર્યમુપસઙ્ગમ્ય, રાજા વચનમબ્રવીત્॥૧.૨॥

સંજય બોલ્યા : તે વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું.

મહારથી સંજય આ શ્લોકમાં મર્યાદામાં રહીને ધૃતરાષ્ટ્રને ઠપકો આપે છે. આપણાથી મોટા હોય પરંતુ તેમના દ્વારા ધર્મ વિરુદ્ધ થતા આચરણ તરફ તેનું દિશાનિર્દેશ કરવા માટે, જે રીતે વાર્તાલાપ થવો જોઈએ તેનું આ શ્લોક શ્રેષ્ઠ ઉદાહરણ છે.

દુર્યોધન હજી સુધી રાજકુમાર છે, રાજા નથી પરંતુ અહીં સંજય દુર્યોધનને રાજા કહ્યો છે. સંજય ધૃતરાષ્ટ્રને માનપૂર્વક ઠપકો આપતા કહેવા માંગે છે કે, "આપ નામના જ રાજા છો, આપ એ જ કરો છો, જે દુર્યોધન આપની પાસે કરાવવા માંગે છે." સંજય ધૃતરાષ્ટ્રને સુચવવા માંગતા હતા કે, આપ જે કરી રહ્યા છો એ ઉચિત નથી.

1.3

પશ્યૈતાં(મ્) પાણ્ડુપુત્રાણામ્, આચાર્ય મહતીં(ઞ્) ચમૂમ્।
વ્યૂઢાં(ન્) દ્રુપદપુત્રેણ, તવ શિષ્યેણ ધીમતા॥૧.૩॥

હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ.

અહીંથી આગળના ત્રણ શ્લોકોમાં દુર્યોધન પાંડવોની સેનાઓમાં ઉપસ્થિત યોદ્ધાઓ અને પાંડવોની રચના તેમના આચાર્ય દ્રોણાચાર્યને દેખાડે છે. દુર્યોધન એવું ઈચ્છે છે કે મારા આચાર્ય તથા ભીષ્મ પિતામહ મને એવું કહે કે, આ યુદ્ધ આપણે જ જીતીશું પરંતુ તેઓનું મૌન દુર્યોધનને અકળાવી રહ્યું હતું. એટલે જ તે દ્રોણાચાર્ય પાસે જઈને ઉપરના વચનો કહે છે.

વ્યૂઢાં(ન્) દ્રુપદપુત્રેણ, તવ શિષ્યેણ ધીમતા” દુર્યોધનના આ વાક્યનો પ્રયોગ ખૂબ જ સૂચક છે. આ દ્રુપદ પુત્ર તમારો શિષ્ય છે એમ ભારપૂર્વક દુર્યોધન દ્રોણાચાર્યને રીસ ચડે, તે માટે કહે છે. આ પાછળ એક જાણીતી વાર્તા છે.

દ્રુપદ અને દ્રોણની મિત્રતા:
ધૃષ્ટદ્યુમ્ન એ દ્રુપદ રાજાના પુત્ર છે. રાજા દ્રુપદ અને દ્રોણાચાર્ય નાનપણના મિત્રો હતા. તેઓની મિત્રતા ખૂબ જ ઘનિષ્ઠ હતી. બાલ્યકાળમાં ગુરુકુળમાં જે કંઈ રાજ દરબારમાંથી દ્રુપદ માટે આવતું હતું તે બધું દ્રુપદ, દ્રોણ સાથે વહેંચતા રહેતા. ધીરે ધીરે અભ્યાસ પૂર્ણ થયા બાદ દ્રુપદ, રાજા બન્યા અને દ્રોણ પોતાની આજીવિકા જંગલમાં રહી ચલાવી રહ્યા હતા.

દ્રોણજીની સ્વાભિમાનીતા:
દ્રોણાચાર્ય વિદ્વાન હતા, બાળકોને શિક્ષા પણ આપતા હતા પણ તેઓ કોઈની પાસે કશું માંગતા જ નહીં. તેમનો નિયમ હતો કે, વિદ્યાનું મૂલ્ય ન લેવું. જીવન જીવવા માટે થોડા ધનની તો આવશ્યકતા રહે જ છે પણ જીવન નિર્વાહ માટે પણ તેઓ કોઈ પાસે ધન લેવા ઇચ્છતા ન હતા. દ્રોણાચાર્યના વિવાહ કૃપિ (જે હસ્તિનાપુરના આચાર્ય કૃપાચાર્યની બહેન હતી) સાથે થયા. તેઓને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો જેનું નામ અશ્વત્થામા હતું. અત્યંત ગરીબીને કારણે કૃપિ અશ્વત્થામાને દૂધની જગ્યાએ લોટને પાણીમાં ઘોળી પીવડાવતી રહેતી. વર્ષો સુધી આ પ્રમાણે જ અશ્વત્થામાએ લોટનું દૂધ પીધું. એકવાર બાળકો રમતા હતા, ત્યારે વાત વાતમાં એક મિત્રએ અશ્વત્થામાને કહ્યું કે, "તું અમારી સાથે શું વાત કરી રહ્યો છે, વાસ્તવિક્તામાં તો તે સાચું દૂધ પણ પીધું નથી. " આ સાંભળી અશ્વત્થામા રડવા લાગ્યો. તેની મા પાસે જઈ તેણે સાચું દૂધ પીવાની જીદ કરી. કૃપિ ઘણીવાર દ્રોણાચાર્ય સાથે ગરીબી દૂર થાય તેને માટે સલાહ આપતી અને ઘણી વખત તો ઝગડો પણ કરતી. પરંતુ આજે પોતાના પુત્રને આ રીતે રડતો જોઈએ કૃપિએ ખૂબ મોટો ઝગડો કર્યો. દ્રોણાચાર્યને વારંવાર હસ્તિનાપુરના ગુરુ બનવાની વિનંતી તેણે કરી હતી પણ તે ન માનતા આજે તેને રાજા દ્રુપદ જે દ્રોણાચાર્યના મિત્ર છે તેમની સહાય લેવા માટેની માંગણી કરી. વાત વધુ ન બગડે તે ઉદ્દેશ્યથી સ્વાભિમાની દ્રોણાચાર્ય તેમના મિત્ર પાસે સહાય માગવાના આશયથી ગયા.

પાંચાલ રાજ દ્વારા દ્રોણનુ અપમાન:
પાંચાલ રાજ્યમાં સ્થિત રાજા દ્રુપદના રાજ મહેલ પહોંચી દ્રોણાચાર્યે દ્વારપાળ સાથે સંદેશો મોકલાવ્યો કે, "રાજાને કહો કે તમારો મિત્ર દ્રોણાચાર્ય તમને મળવા આવ્યો છે." દ્વારપાળ દ્રુપદ પાસે જઈ કહે છે કે, "ખૂબ જ ગરીબ બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે, જે કહે છે કે એ આપનો મિત્ર છે." રાજા દ્રુપદ બીજા રાજા મિત્રો સાથે બેઠા હતા. રાજાના કહેવાથી દ્વારપાળે દ્રોણાચાર્યને રાજાના કક્ષમાં મોકલ્યા. દ્રોણાચાર્ય અત્યંત પ્રસન્ન હતા પરંતુ આ બાજુ રાજા દ્રુપદને દ્રોણાચાર્યને મળવાની કોઈ ઈચ્છા જ ન હતી. દ્રોણાચાર્યના આલિંગનનો પણ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. આ જોઈ દ્રોણાચાર્યને આશ્ચર્ય થયું. તે છતાં દ્રોણાચાર્યે રાજા દ્રુપદ સાથે અનોપચારિક બાળપણની વાતચીત ચાલુ કરી, તેમાં પણ દ્રૂપદનો શુષ્ક પ્રતિસાદ મળ્યો. થોડા ચિડાયેલા દ્રુપદે દ્રોણાચાર્યની વાત કાપતા કહ્યું કે, "આ બધી બાળપણની વાત છે, હવે આપણી કોઈ બરાબરી નથી. હુંં રાજા છુંં અને તું ગરીબ બ્રાહ્મણ છે. બ્રાહ્મણના રૂપે જો તને કઈ જોઇતું હોય તો હુંં આપવા તૈયાર છુંં, પરંતુ મિત્રના રૂપમાં મારી પાસે કોઈ અપેક્ષા રાખતો નહી કારણ કે, બરાબરીમાં જ મિત્રતા થઈ શકે છે. " દ્રોણાચાર્યનુ હૃદય કોઈએ ચિરી નાખ્યું હોય તેવો તેને અનુભવ થયો. તેઓએ એટલો બધો ખેદ અનુભવ્યો કે કંઈપણ બોલ્યા વિના ચાલ્યા ગયા.


દ્રોણાચાર્યનું હસ્તિનાપુર તરફ પ્રયાણ:
દ્રોણાચાર્ય એટલા બધા હતાશ થઈ ગયા હતા કે, તેઓ પોતાના ઘરે ન ગયા પરંતુ હસ્તિનાપુરના રસ્તા તરફ તેમણે પ્રયાણ કર્યું. એ રસ્તામાં ભ્રમણ કરતા તેમને ત્યાં પાંચ બાળકો મળ્યા. આ પાંચ બાળકો પાંડવો હતા. પાંડવોનો દડો એક કૂવામાં પડી ગયો હતો, એ પાંચેય ભાઈઓ કૂવામાંથી દડો લેવા માટે અધિરા બની ગયા હતા પરંતુ તેમને કોઈ રસ્તો જડતો ન હતો. દ્રોણાચાર્ય એ બાળકો પાસે ગયા. તેઓ મોટા વિદ્વાન ધનુર્ધર હતા, તેમણે આજુબાજુથી લાકડીઓ ભેગી કરી. પહેલી લાકડીને એ દડા ઉપર મારી તેના પછી બીજી લાકડીને પહેલી લાકડીના અંતિમ ભાગ પર મારી, એક લાકડી બીજી લાકડીથી આ રીતે જોડાવા લાગી. આમ એક પછી એક બધી લાકડીઓ એક સાથે જોડાઈ ગઈ. જેણે દોરીનું કાર્ય કર્યું, જેથી દડો ખૂબ જ સરળતાથી ઉપર આવી ગયો. આ જોઈ નાના પાંડવો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અર્જુને આ ક્રિયામાં વિશેષ રુચિ દાખવી. પાંડવોએ દ્રોણાચાર્યને પ્રણામ કર્યા અને અર્જુનને તો પૂછી જ લીધું કે, આપ આ કાર્ય કઈ રીતે કરી શક્યા? પોતાના જવાબમાં દ્રોણાચાર્ય માત્ર હસ્યા. અર્જુનની કુતૂહલતા સમાપ્ત નહોતી થઈ એટલે તે દોડીને ભીષ્મ પિતામહ પાસે ગયો. સફેદ વસ્ત્ર ધારી ભીષ્મ પિતામહને ભેટી અર્જુને પૂર્ણ ઘટનાક્રમ કહ્યો. ભીષ્મ પિતામહ કૌરવો અને પાંડવો માટે આચાર્યની શોધખોળમાં જ હતા. ભીષ્મ પિતામહની તો અત્યંત તીવ્ર ઈચ્છા હતી કે કુરુ વંશના બાળકો દ્રોણાચાર્ય પાસે જ વિદ્યા ગ્રહણ કરે. અર્જુનની વાત સાંભળી ભીષ્મ પિતામહને વિશ્વાસ થઈ ગયો કે આવી વિદ્યાનો ઉપયોગ કરનાર, દ્રોણાચાર્ય સિવાય બીજું કોઈ ન હોઈ શકે.

દ્રોણાચાર્ય બન્યા કૌરવો અને પાંડવોના ગુરુ:
પાંડવોને સાથે લઈ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય જ્યાં બેઠા હતા ત્યાં જઈ પહોંચ્યા. ભીષ્મ પિતામહએ આચાર્ય દ્રોણને નિવેદન કર્યું કે, "આપ અમારા કુરુ વંશના બાળકોને વિદ્યા આપો." દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, તેઓ ક્ષત્રિય બાળકોને શિક્ષણ આપે એ જ તેનો મુખ્ય ધર્મ હતો. દ્રોણાચાર્યની અત્યારની પરિસ્થિતિ પણ એવી હતી કે તેમને આ કાર્ય સ્વીકારવાની અત્યંત જરૂર હતી. પરંતુ દ્રોણાચાર્યએ થોડી શરત રાખી.
૧) હુંં જે રીતે બાળકોને શીખડાવો તેમાં કોઈએ હસ્તક્ષેપ કરવો નહીં.
૨) હુંં ઉચિત સમયે દક્ષિણા લઈશ, હુંં હમણાં દક્ષિણા લઈશ નહીં. આવી બીજી પણ બધી શરતોને પિતામહ ભીષ્મએ સ્વીકાર કરી. ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા અને શસ્ત્રોની વિદ્યામાં પારંગત થતા ગયા.

દ્રોણાચાર્યની ગુરુ દક્ષિણા:
જ્યારે બધા જ કુરુ વંશના યુવકોની શસ્ત્ર વિદ્યા પૂર્ણ થઈ, ત્યારે દ્રોણાચાર્ય કુરુ પુત્રો પાસે પોતાની દક્ષિણા માંગે છે. બધા જ પાંડવો અને કૌરવો ગુરુ દ્રોણાચાર્ય સમક્ષ ઉપસ્થિત થયા. દ્રોણાચાર્યએ પોતાની જીવન કથા આ કુરુ પુત્રોને કહી, અને જણાવ્યું કે પાંચાલ પ્રદેશના રાજા સાથે તમારે યુદ્ધ કરવાનું છે, રાજાને મારવાના નથી, માત્ર તેમને બંધી બનાવી મારી પાસે લઈ આવવાના છે.

રાજા દ્રુપદ બન્યા બંધી:
દુર્યોધન આ કાર્ય કરવા માટે અતિ ઉત્સાહિત હતો કોઈપણ વધુ વિચાર ન કરતા પોતાની ટુકડી લઈ દુર્યોધન રાજા દ્રુપદ સાથે યુદ્ધ કરવા માટે ગયો. આટલી નાની ટુકડી અને ઉંમરમાં નાના બાળકોને જોઈને રાજાને થયું કે, આ લોકો સાથે મારે શું યુદ્ધ કરવું? પરંતુ દુર્યોધન તરફથી આવેલી લલકારને રાજાએ સ્વીકારી અને તેની સામે યુદ્ધ કર્યું. ખૂબ જ ઓછા સમયમાં રાજાએ એવું યુદ્ધ કર્યું કે, કૌરવો ત્યાંથી ભાગીને દ્રોણાચાર્ય પાસે આવી ગયા. પાંડવોએ આ જોઈને નક્કી કર્યું કે હવે આપણે યુદ્ધ કરવા માટે જવું જોઈએ. પરંતુ અર્જુન એટલો સાહસિક હતો અને એટલો બધો ઉત્સાહી હતો કે, તેણે પોતે એકલા જવાનો નિશ્ચય કર્યો. પાંચાલ પ્રદેશમાં પહોંચી અર્જુનને પણ જ્યારે રાજાને લલકાર્યા ત્યારે રાજા દ્રુપદ અર્જુન સાથે યુદ્ધ કરવા આવ્યા. અર્જુનને જોઈને જ રાજા દ્રુપદ સંમોહિત થઈ ગયા હતા. અર્જુન સાથે યુદ્ધ ન કરવાની રાજાની તૈયારી હતી તેને અર્જુનને સમજાવ્યો પરંતુ અંજુને કહ્યું કે, "મેં તમને લલકાર આપી છે, એટલે તમારે તો મારી સાથે યુદ્ધ કરવું જ જોઈએ આ ક્ષત્રિય ધર્મ છે." બંનેનું યુદ્ધ થયું અને અર્જુનને યુદ્ધમાં રાજા દ્રુપદને પરાસ્ત કર્યા. દ્રુપદને બંધી બનાવી અર્જુન દ્રોણાચાર્ય પાસે લઈ આવ્યો. દ્રુપદને બંધી બનાવીને અર્જુન જ્યારે લઈને આવ્યો, એ જોઈ દ્રોણાચાર્ય અત્યંત હર્ષિત થઈ ગયા.

રાજા દ્રુપદને દ્રોણાચાર્યે આપ્યું અડધું રાજ્ય:
દ્રોણાચાર્યે કહ્યુ, "હે દ્રુપદ! તું બંધી હતો પણ મેં તને છોડી દીધો છે હવે તું અને હુંં બંને બરાબર થયા છીએ, એટલે આવ હવે મારા ગળે લાગ." ત્યારે પણ દ્રુપદ કહે છે કે, "હજી આપણે બરાબર નથી હુંં બંધી છુંં અને મારું રાજ્ય હુંં હરી ગયો એટલે તમે ત્યાંના રાજા છો." દ્રોણાચાર્યએ કહ્યું, "હુંં જાણતો જ હતો કે, " તું આ જ કહીશ માટે, પાંચાલ રાજ્યનું અડધું રાજ હુંં મારા પુત્ર અશ્વસ્થામાને સોંપું છુંં અને અડધું રાજ્ય હુંં તને પરત કરું છુંં." આ પછી દ્રુપદ અને દ્રોણાચાર્ય એકબીજાને ભેટે છે.

રાજા દ્રુપદે બદલો લેવા પુત્રેષ્ટિયજ્ઞ કર્યો:
અર્જુનના આ પરાક્રમને જોઈને રાજા દ્રુપદના મનમાં એવી ઈચ્છા જાગે છે કે, મારી જો કોઈ પુત્રી હોત તો હુંં તેના લગ્ન આ અર્જુન સાથે કરી દઉં. એની જ સાથે દ્રોણાચાર્યના કોઈ શિષ્ય મને પરાસ્ત કર્યો છે એની અગ્નિમાં પણ રાજા દ્રુપદ અંદરથી બળવા લાગ્યા. અત્યાર સુધી રાજા દ્રુપદને કોઈ પુત્ર ન હતો પરંતુ હવે તે એવો પુત્રેષ્ટિયજ્ઞ કરવા ઈચ્છે છે કે, જેના કારણે એને એવો પુત્ર પ્રાપ્ત થાય કે, જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. રાજા દ્રુપદ તેમના કુળ ગુરુ યાજ પાસે પહોંચે છે, તેમને નિવેદન કરે છે કે, મને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવો છે. કુળગુરુ યાજ જ્યારે આ વાત સાંભળે છે ત્યારે રાજા દ્રુપદને કહે છે કે, "આ તામસી યજ્ઞ છે એટલે હુંં નહીં કરી શકું પરંતુ મારો નાનો ભાઈ ઉપયાજ તને આ યજ્ઞ કરી આપશે. " લાંબા સમય સુધી ચાલનારા યજ્ઞના ફળ સ્વરૂપ, આજ રાજા દ્રુપદને એક પુત્રી આપે છે. દ્રુપદની પુત્રી હોવાને કારણે તેનું નામ દ્રોપદી કે પાંચાલ રાજની કન્યા હોવાને કારણે તેનું નામ પાંચાલી પડ્યું. રાજા દ્રુપદે કહ્યું કે મને પુત્રી નહીં પુત્ર જોઈએ છે કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. તેમની માંગને ઉપયાજે પૂર્ણ કરી અને એક પુત્ર રત્ન તેમને આપ્યો, જેનું નામ ધૃષ્ટદ્યુમ્ન હતું.

ધૃષ્ટદ્યુમ્નના ગુરુ બન્યા દ્રોણાચાર્ય:
બાળકો મોટા થયા ત્યારે રાજા દ્રુપદને એ ચિંતા પણ સતાવતી હતી કે, મારા બાળકને શિક્ષા કોણ આપશે! ખૂબ બધી તપાસ કર્યા બાદ છેલ્લે દ્રોણાચાર્યને મારવા માટે સક્ષમ એવા ગુરુ માત્ર દ્રોણાચાર્ય જ છે તેવી તેમને પ્રતીતિ થઈ. આ જાણી રાજા દ્રુપદ દ્રોણાચાર્ય પાસે તેના પુત્ર લઈને આવી પહોંચ્યા. દ્રોણાચાર્ય પણ જાણતા હતા કે, જે પુત્રને દ્રુપદ મારી પાસે લઈ આવી રહ્યા છે, તે મારો વધ કરવાનો છે પરંતુ પોતાના ધર્મને કાજે એ બાળકને શિક્ષા આપવી જ જોઈએ, એવું તે માનતા હતા. આચાર્ય દ્રોણે ધૃષ્ટદ્યુમ્નને પુરી શિક્ષા આપી. એવી શિક્ષા આપી કે મહાભારતના યુદ્ધમાં એ શિષ્ય પાંડવોનો સેનાપતિ બન્યો.

ધૃષ્ટદ્યુમ્નને અહીં ધીમતા કહ્યો છે. આપણી બુદ્ધિની પાંચ ગતિ હોય છે.

બુદ્ધિ - બુદ્ધિ સૌથી નાનું રૂપ માનવામાં આવે છે.
વિવેક - બુદ્ધિથી મોટું રૂપ વિવેકનું માનવામાં આવે છે.
મેધા - વિવેકથી ઉપર મેઘાને માનવામાં આવે છે.
ધી - મેધાથી ઉપર ઘી માનવામાં આવે છે
પ્રજ્ઞા - ધીથી ઉપરના સ્થાનને પ્રજ્ઞા કહેવામાં આવે છે.

એટલે અહીં જે ધીમતા શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે, એ ધૃષ્ટદ્યુમ્ન બુદ્ધિના ચોથા ઉચ્ચ પ્રકારમાં સ્થિત છે; દ્રોણાચાર્યએ જ આવો યોદ્ધા તૈયાર કર્યો છે, એ આપણે સમજવું જોઈએ.

દુર્યોધને આ વાતનો લાભ ઉઠાવ્યો. દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામહ બંનેને પાંડવો પ્રત્યે અત્યંત પ્રેમ હતો. તેઓ પાંડવો સમક્ષ યુદ્ધ નહીં કરી શકે એવો દુર્યોધનને ભય હતો. માટે કોઈપણ રીતે આ બંનેમાં પાંડવો અને પાંડવોની સેના પ્રત્યે વેર ઉત્પન્ન થાય એવું કંઈક કરવું જોઈએ, એ હેતુથી દુર્યોધન ઉપર કહેલા વચનો કહ્યા. "આ જે પાંડવોની સેના આપની સામે ઉભી છે, તે સેનાની વ્યુહરચના તમારા મિત્ર દ્રુપદના પુત્ર અને તમારા શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા કરવામાં આવી છે."

1.4

અત્ર શૂરા મહેષ્વાસા, ભીમાર્જુનસમા યુધિ।
યુયુધાનો વિરાટશ્ચ, દ્રુપદશ્ચ મહારથઃ॥૧.૪॥

અહીં (પાંડવો ની સેના માં) મોટા મોટા શૂરવીર છે.( જેમના) ખૂબ જ મોટા મોટા ધનુષ્યો છે. તથા( જે) યુદ્ધ માં ભીમ અને અર્જુન ની સમકક્ષ છે. ( જેમાં) યુયુધાન ( સાત્યકિ) , રાજા વિરાટ અને મહારથી દ્રુપદ ( પણ) છે.

1.4 writeup

1.5

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ(ખ્), કાશિરાજશ્ચ વીર્યવાન્।
પુરુજિત્કુન્તિભોજશ્ચ, શૈબ્યશ્ચ નરપુઙ્ગવઃ॥૧.૫॥

ધૃષ્ટકેતુ ચેકિતાન તથા પરાક્રમી કાશિરાજ ( પણ છે ). પુરુજિત્ અને કુંતિભોજ ( એ બન્ને ભાઈ) તથા મનુષ્યો માં શ્રેષ્ઠ શૈબ્ય ( પણ છે).

1.5 writeup

1.6

યુધામન્યુશ્ચ વિક્રાન્ત, ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્।
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ, સર્વ એવ મહારથાઃ॥૧.૬॥

પરાક્રમી યુધામન્યુ અને પરાક્રમી ઉત્તમૌજા ( પણ છે). સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદી ના પાંચેય પુત્રો (પણ છે). (એ) દરેકે દરેક મહારથી છે.

બધા જ શૂરવીર યોદ્ધાઓના નામ દુર્યોધને એક એક કરીને આ ત્રણ શ્લોકોમાં કહી દીધા. દુર્યોધન એવા મુખ્ય મુખ્ય નામો લેતો હતો કે, જેને કારણે દ્રોણાચાર્યને ક્રોધ આવે. આ યુદ્ધમાં એવા શૂરવીરો છે જેમના શાસ્ત્રો ભીમ અને અર્જુનના સક્ષમ છે. આ યુદ્ધમાં યુયુધાન, સાત્યકિ, વિરાટ, દૃષ્ટકેતુ, ચેકિતાન, કાશી રાજ, પુરૂજીત, કુંતીભોજ, શૈબ્ય, યુધામન્યુ અને ઉત્તમૌજા તેમ જ અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો; આ બધા પાંડવ પક્ષના મહારથીઓ હતા.

શૈબ્ય એ યુધિષ્ઠિરના સસરા હતા. યુધિષ્ઠિરની જે બીજી પત્ની હતી તેના પિતા શૈબ્ય છે.
યુધામન્યુ અને ઉત્તમૌજા પાંચાલ સેના યોદ્ધાઓ છે. તેઓને અર્જુનનોના રથના પૈડા સાચવવાની જવાબદારી આપવામાં આવી હતી.
સાત્યકિ એ અર્જુનના શિષ્ય છે અને નારાયણી સેનાના(ભગવાન શ્રીકૃષ્ણની સેના) સેનાપતિ છે. નારાયણી સેના ખરેખર તો દુર્યોધનના પક્ષથી યુદ્ધ કરવાની હતી. પરંતુ સાત્યકિ ભગવાનના સામે પક્ષે રહીને યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા તેમજ અર્જુન તેમના ગૃહ હોવાથી તે ગુરુના સામે યુદ્ધ કરવા ઈચ્છતા ન હતા. તેથી તેમને સેનાની નાની ટુકડીને લઈને તે પાંડવ પક્ષમાં આવી ગયા. એટલે અહીં કટાક્ષમાં દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે, નારાયણી સેના તો આપણા પક્ષમાં છે પરંતુ તેનો સેનાપતિ સામેના પક્ષે જઈ યુદ્ધ કરે છે.
ચેકિતાન પણ નારાયણી સેનાનો જ એક યોદ્ધા છે.
પૂરુજીત અને કુંતીભોજ કુંતીના ભાઈઓ છે, દુર્યોધને તેને પોતાના પક્ષમાં આવી જાય તેને ખૂબ કોશિશ કરી હતી પરંતુ તે પાંડવોના પક્ષમાં જઈ લડ્યા.
રાજા વિરાટ પણ પાંડવોના પક્ષમાં છે. આ વિરાટ પણ એ જ રાજા છે કે જેની સાથે કૌરવોએ યુદ્ધ કર્યું અને યુદ્ધમાં તેઓ અર્જુન દ્વારા ખૂબ ખરાબ રીતે પરાજિત થયા હતા.

વિરાટ નગરના યુદ્ધની વાર્તા:
વિરાટ નગરમાં જ્યારે અર્જુનને યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં અર્જુને સંમોહન‌ શસ્ત્ર ચલાવી બધાને સુવડાવી દીધા. જ્યારે અર્જુન બૃહન્નલાના રૂપમાં યુદ્ધ માટે રાજકુમાર ઉત્તર સાથે નીકળ્યા ત્યારે રાજા વિરાટની પુત્રી ઉત્તરાએ (જે અર્જુનના શિષ્યા પણ હતા. અર્જુને બૃહન્નલાના રૂપમાં તેને એક વર્ષ નૃત્ય શિખડાવ્યું હતું. પછી એ જ ઉત્તરાના વિવાહ તેમાં પુત્ર અભિમન્યુ સાથે પાછળથી અર્જુને કરાવ્યા હતા.) અર્જુનને કહ્યું, ”અરે બૃહન્નલા! મારો ભાઈ જ્યારે યુદ્ધ કરતો હોય અને યુદ્ધ જીતી જાય તો કૌરવોના વસ્ત્રો મારી ઢીંગલીઓ માટે લેતા આવજો. અર્જુને સંમોહન બાણ ચલાવી બધાને મૂર્છિત કરી દીધા અને બધા કૌરવો પાસેથી તેઓના ઉપવસ્ત્રો લઈ લીધા.

શિશુપાલની વાર્તા:
દૃષ્ટકેતુ એ શિશુપાલના પુત્ર છે. આપણે શિશુપાલની વાર્તા જાણીએ જ છીએ કે, તેને સો ભૂલ કરવાની છૂટ હતી તેનાથી વધારે ભૂલ કરશે તો તે શ્રીકૃષ્ણ દ્વારા મૃત્યુને પામશે. જ્યારે રાજસૂય યજ્ઞ થતો હતો તે સમયે, શ્રી કૃષ્ણને સર્વોચ્ચ પદે પ્રતિષ્ઠિત કરતા સમયે તેણે ભગવાન શ્રીકૃષ્ણને 100 વખત અપશબ્દો કહ્યા હતા. એટલે 100 વખત અપરાધ થયા પછી ભગવાને એ શિશુપાલનો શિરચ્છેદ કર્યો હતો. એવા શિશુપાલનો દીકરો કૃષ્ણના પક્ષમાં જઈને લડે છે એ વાત દુર્યોધનને ગમતી નથી.

અહીં ઉપર દર્શાવેલા બધા જ પાંડવ સેનાના યોદ્ધાઓને મહારથી કહેવામાં આવ્યા છે. મહારથી એ મોટી શ્રેણી છે કોઈને એમને મહારથી કહેવામાં આવતા ન હતા. કર્ણને ક્યારેય પણ મહારથી કહેવામાં આવ્યો ન હતો, તેને અતિરથી જ કહેવામાં આવતો હતો. મહારથી તેને કહેવાય છે કે જે 10, 000 ધનુર્ધારી યોદ્ધાઓનું સંચાલન કરી શકે.

એટલા બધા વખાણ પાંડવ સેનાના કર્યા પછી, દુર્યોધનને એમ થયું કે જો હુંં આ જ લોકોના ગુણગાન ગાયા કરીશ તો કદાચ એવું બની શકે કે દ્રોણાચાર્ય મને સંધિ કરવાનો જ પ્રસ્તાવ કહે. એટલે આના પછીના શ્લોકથી દુર્યોધને પોતાની સેનાના વખાણ કરવાના ચાલુ કર્યા.

1.7

અસ્માકં(ન્) તુ વિશિષ્ટા યે, તાન્નિબોધ દ્વિજોત્તમ।
નાયકા મમ સૈન્યસ્ય, સઞ્જ્ઞાર્થં(ન્) તાન્બ્રવીમિ તે॥૧.૭॥

હે દ્વિજશ્રેષ્ઠ! હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો; આપની જાણ ખાતર મારી સેનાના જે જે સેનાપતિઓ છે, તેમને કહું છું.

હવે દુર્યોધન પોતાના સેનામાં કોણ કોણ યોદ્ધાઓ છે તેની વાત દ્રોણાચાર્ય સમક્ષ કરે છે. સેનાના મુખ્ય વ્યક્તિઓ તો જાણતા જ હોય છે પોતાની સેનામાં કોણ કોણ હોય છે પરંતુ દુર્યોધન દ્વારા પાંડવોના વધુ પડતા વખાણ થઈ ગયો હોવાથી એ ક્ષોભ અનુભવી રહ્યો હતો એટલે પોતાના સૈન્યની પ્રશંસા કરી પોતાને તેમ જ બીજા બધા કૌરવોને હર્ષિત કરવા ઈચ્છતો હતો.

અહીં દ્રોણાચાર્ય માટે દ્વિજ-ઉત્તમ શબ્દો વાપરવામાં આવ્યો છે. દ્વિજ એટલે કે જેના બે જન્મ થયા છે. એક જન્મ એટલે કે જે રીતે મનુષ્યનો જન્મ થાય છે એ જન્મ. અને પહેલા એવી વ્યવસ્થા હતી કે માત્ર ભ્રમણ જ શિક્ષા ગ્રહણ કરતા હતા એટલે જ્યારે પૂર્ણ શિક્ષા બ્રાહ્મણ પ્રાપ્ત કરી લે ત્યારે માનવામાં આવતું હતું કે, એ બ્રાહ્મણે બીજો જન્મ પ્રાપ્ત કર્યો છે.

બ્રાહ્મણોમાં આપ ઉત્તમ છો એ કહેવાનો દુર્યોધનનો તાત્પર્ય એ હતો કે બ્રાહ્મણોમાં થોડા ગુણ વિશેષ હોય છે જેવા કે દયા, કરુણા, શાંતિ પ્રિયતા વગેરે. આ શબ્દ કહી દુર્યોધન એમ કહેવાય ઈચ્છે છે કે આપને પાંડવો પ્રત્યે કરુણા હોઈ શકે, પરંતુ હવે આપણે યુદ્ધ કરવા આવ્યા છીએ તો આપનામાં જો મૂળભૂત બ્રાહ્મણોના જે ગુણ છે તેને હવે દૂર કરી દો.

1.8

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ, કૃપશ્ચ સમિતિઞ્જયઃ।
અશ્વત્થામા વિકર્ણશ્ચ, સૌમદત્તિસ્તથૈવ ચ॥૧.૮॥

આપ સ્વયં, પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા –

દુર્યોધન હવે પોતાની સેનામાં રહેલા દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મુખ્ય યોદ્ધાઓના નામ દ્રોણાચાર્ય સમક્ષ બોલે છે.

દુર્યોધન માટે કર્ણ એક એવો યોદ્ધા છે કે, જે બધા પાંડવોને સમાપ્ત કરી દેશે પણ એવું હતું નહીં. અર્જુન પોતાના જીવનમાં કોઈપણ યુદ્ધ હાર્યા ન હતા ત્યારે બીજી બાજુ કર્ણ કેટલાય યુદ્ધ હારી ચૂક્યો હતો. ગંધર્વ સાથે થયેલા યુદ્ધમાં કર્ણ હારી જાય છે એ સમયે બધા જ કૌરવોને ગંધર્વએ બંધી બનાવી દીધા હોય છે. આ બધા જ કૌરવોને અર્જુન યુદ્ધ કરી છોડાવે છે. અર્જુનની ગંધર્વો સાથે મિત્રતા હતી તો પણ પોતાના ભાઈઓના કાજે તેને ગંધર્વો સાથે પણ યુદ્ધ કર્યું. અહીં દુર્યોધન એ બધું જ ભૂલી જાય છે અને કર્ણને એટલા શ્રેષ્ઠ માને છે કે દ્રોણાચાર્ય પછી ભીષ્મ પિતામહ અને પછી તે કર્ણનું નામ લ્યે છે.

વિકર્ણ અને ભૂરિશ્રવા બંને અત્યંત ધર્મશીલ છે. જ્યારે તેર વર્ષના વનવાસમાં પાંડવો જંગલોમાં વિચારતા હતા, તે સમયથી દુર્યોધને એક રણનીતિ બનાવી હતી. દુર્યોધન યુદ્ધના પક્ષમાં પહેલેથી જ હતો એટલે આ 13 વર્ષમાં તેને એટલા બધા રાજાઓને સહાય પહોંચાડી હતી કે એ સહાયના જોર દ્વારા દુર્યોધને તેઓને પરાણે પોતાના યુદ્ધમાં સાથી પક્ષ તરીકે જોડ્યા હતા. અહીં આ બે નામ લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુર્યોધનનો એ હતો કે તે કહેવા માંગતો હતો કે બધા જ ધર્મશીલ પાંડવો તરફ નથી આપણી પાસે પણ એવા ધર્મશીલ યોદ્ધાઓ છે.

પાંડવોની સેના સાત અક્ષૌહિણીની હતી અને કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણીની હતી. તેમાંથી ત્રણ યોદ્ધાઓ એવા હતા કે જે મૃત્યુ પામી શકે નહીં એવા વરદાન સાથે આ યુદ્ધમાં આવ્યા હતા. ૧) કૃપાચાર્ય, ૨) અશ્વત્થામા અને ૩) ભીષ્મ (જેઓને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું.), તે છતાં દુર્યોધનને હારનો ભય સતાવે છે.

1.9

અન્યે ચ બહવઃ(શ્) શૂરા, મદર્થે ત્યક્તજીવિતાઃ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ(સ્), સર્વે યુદ્ધવિશારદાઃ॥૧.૯॥

આ સિવાય બીજા પણ મારા માટે જીવ ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારનાં શસ્ત્રાસ્ત્ર થી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે.

આ શ્લોકમાં દુર્યોધનનો ભય છતો થાય છે. દુર્યોધન કહે છે કે, અન્ય એવા યોદ્ધાઓ પણ છે જે મારા માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરવા આવ્યા છે. અન્યાયથી જીવતા વ્યક્તિઓ અંદરથી જાણતા જ હોય છે કે તે ખોટા છે પરંતુ અભિમાનને વશ થઈ તેઓ પોતે શ્રેષ્ઠ છે, તે પુરવાર કરવા માટે મથે છે, અન્યાયથી જીવનારા લોકોના મનમાં પાપ હોવાને કારણે તેઓ સદૈવ ભયભીત રહેતા હોય છે. અર્જુન ન્યાયની સાથે જીવે છે એટલે જ્યારે યુદ્ધમાં શંખનાદ થઈ જાય છે, પછી અર્જુન બંને સેનાની વચ્ચે તેમના સારથી શ્રીકૃષ્ણને લઈ જવા કહે છે. અહીં દુર્યોધન પોતાની સેનાની વાત કે સત્ય વાત કરતો નથી પરંતુ એ ડરના કારણે ખોટી બડ બડ કરે છે.

આધ્યાયને આજે અહીં જ વિરામ આપી હવે પ્રશ્નોત્તરી સત્રનો આરંભ કરીએ.

પ્રશ્નોતરી
ગીતા દીદી ખરબંદા
પ્રશ્ન: અક્ષૌહિણી એટલે કેટલા યોદ્ધાઓ?
ઉત્તર: અક્ષૌહિણી એક સંખ્યા છે. કોઇપણ અક્ષૌહિણી સેનામાં ગજ (હાથી સવાર), રથ (રથી), ઘોડા(ઘોડેસવાર), સૈનિક (પાયદળ) અને તેના દરેક વિભાગના સંખ્યાનાં અંકોનો કુલ સરવાળો ૧૮ થાય છે.

આ પ્રકારે એક અક્ષૌહિણી સેનામાં હાથી, રથ, ઘોડેસવારો, તથા સિપાહીઓની સેના લગભગ નીચે પ્રમાણે રહેતી હતી.
ગજ = ૨૧૮૭૦
રથ = ૨૧૮૭૦
ઘોડેસવાર = ૬૫૬૧૦
પાયદળ = ૧૦૯૩૫૦

અનિલભાઈ દ્વિવેદી
પ્રશ્ન: સાત્યકિ વિશે થોડી જાણકારી આપો.
ઉત્તર: સાત્યકિ ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય છે. એક વખત સાત્યકિએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે મને આપ શસ્ત્ર ચલાવવાની વિદ્યા આપો. પરંતુ ભગવાને કહ્યું કે હુંં ઘણો જ વ્યસ્ત છુંં એટલે હુંં તને આ શિક્ષા આપી શકીશ નહીં પરંતુ મારો મિત્ર અર્જુન તને શસ્ત્ર વિદ્યા શીખડાવશે.

દિવ્યા દીદી
પ્રશ્ન: મારો પ્રશ્ન સત્તરમા અધ્યાયથી જોડાયેલો છે, જેમાં સાત્ત્વિક ભોજનની વાત કહેવામાં આવી છે. હુંં અમેરિકામાં રહુંં છુંં, મારા બાળકો સ્કૂલમાં જાય છે તેઓને હુંં કઈ રીતે શાકાહારી રાખી શકુ?
ઉત્તર: અમેરિકામાં તો ભારત કરતાં શાકાહાર વિશે સમજાવવું સહેલું છે, અમેરિકામાં ઘણા લોકો વેગન છે, આપણે દૂધ અને મધનું સેવન કરીએ છીએ પરંતુ તેઓ તો એ પણ લેતા જ નથી.

શાસ્ત્રોમાં જે વિજ્ઞાન કહેવામાં આવ્યું છે તે થોડું સમજી લઈએ. આ બધી જ પ્રકૃતિ પંચકોષીય છે.

એક કોષીય જીવને અન્નમય કોષ કહે છે.
બે કોષીય જીવને પ્રણામય કોષ કહે છે.,
મનોમય કોષના જીવો ત્રણ કોષીય હોય છે,
ચાર કોષ ધરવતા જીવોને વિજ્ઞાનમય કોષ કહે છે અને
પાંચમો છે આનંદમય કોષ.

જેટલી પણ સંપૂર્ણ બ્રહ્માંડની સૃષ્ટિ છે એ આ પાંચ કોષમાં જ વહેંચાયેલી છે. જેટલી પણ નદીઓ છે પહાડ છે તે શ્વસન કરતા નથી, તેને આપણે અન્નમય કોષ કહીએ છીએ; તેને આપણે ખાઈ શકીએ છીએ. બીજું છે પ્રાણમય કોષ જે શ્વસન કરે છે, જે વધે છે. વનસ્પતિ આ વિભાગમાં આવે છે, તેઓ શ્વસન કરે છે અને વધે પણ છે. એટલે તેને પ્રાણમય કોષ કહેવામાં આવે છે. ત્રીજી કક્ષામાં મનોમય કોષ આવે છે. આ એવા જીવો છે કે જેનામાં મન તો છે પણ બુદ્ધિ નથી. આપણે ટીવીમાં મોટી માછલીઓને જોઈ હશે કે, જે મોઢું ખોલે છે તો કેટલી બધી નાની માછલીઓ તે તરફ ચાલી જાય છે. એ માછલીઓ બચી શકતી હતી પરંતુ તેઓને બુદ્ધિ ન હોવાને કારણે તે મોટી માછલીના આહારનો શિકાર બની જાય છે. માછલીઓને મન છે, ગતિ છે એટલે તે અહીં તહીં જઈ શકે છે પરંતુ એક ઝાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી. અહીં માત્ર માછલીની વાત નથી તેના જેવા જેટલા પણ જીવ છે જેઓને મન છે પણ બુદ્ધિ નથી તેની વાત કરવામાં આવી છે. ડોલ્ફિન આ જાતિથી બહારની કહેવાય છે. મનોમય કોષના જીવો પરિવાર બનાવી શકતા નથી. વિજ્ઞાન મય કોષ એટલે કે એવા જીવો છે બાળકો પેદા કરવા, પરિવાર બનાવવો અને તેઓને સાથે રાખવા આ બધું જ વિજ્ઞાનમય કોષ અંતર્ગત આવતા જીવોની વાત છે. પાંચમું છે આનંદમય કોષ. 84 લાખ યોનીઓમાં 83,99,999 યોનીઓ પાસે આ આનંદ નથી. માત્ર મનુષ્ય જ આનંદમય કોષની શ્રેણીમાં આવે છે. બેસીને આંખ બંધ કરી સાધના કરી આનંદ મેળવવાનું સૌભાગ્ય માત્ર મનુષ્યને મળ્યું છે. કોઈપણ બીજો જીવ ભક્તિ કરીને આનંદિત થઈ શકતો નથી, ધ્યાન કરીને આનંદીત થઈ શકતો નથી. માત્ર મનુષ્ય જ એવો જીવ છે કે જે આનંદિત થઈ શકે છે, આનંદમાં રહી શકે છે. આ જ એવી સ્થિતિ છે, જેમાં મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે.

એમાં જે પહેલા બે કોષની પ્રકૃતિ છે, તેને આપણે આહારમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. મનોમય કોષને આપણે ત્યાં શાકાહારમાં માનવામાં આવતો નથી. ભારતમાં ઘણી જગ્યાએ બંગાળ, ગોવા જેવા સમુદ્રના પ્રદેશોમાં રહેતા લોકો મનોમય કોષને પણ શાકાહાર સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિથી અન્નમય કોષ અને પ્રાણમય કોષ આ બે પ્રકારના જ જીવોને આપણે ખાઈ શકીએ છીએ.

લતા દીદી
પ્રશ્ન: આપણે આપણું કામ પૂરી સત્યતાથી કરીએ છીએ પણ સામેની વ્યક્તિ રાજનીતિ રમે છે. તેઓને તેમના કર્મોનું ફળ કેમ નથી મળતું?
ઉત્તર: આપણે સારા છીએ એટલે લોકો આપણને મૂર્ખ બનાવે છે અથવા આપણો ફાયદો ઉઠાવીને આપણાથી આગળ જાય છે. સારા થયા પછી આપણે પાછળ રહી જઈએ છીએ, આ વાત સામાન્ય રીતે લોકોના મગજમાં રહે છે. હું સારો છું કે નહિ? હું સાચો છું કે નહિ? તેને આગળ વધવા, ઉંચા ચઢવા સાથે કોઈ લેવાદેવા નથી.

સરસ બનવું એ એક વસ્તુ છે. સાવચેત રહેવું એ એક બાબત છે. સ્વામીજી મહારાજ હંમેશા કહે છે કે એક સારો વ્યક્તિ અને સત્યવાદી વ્યક્તિ તેની સત્યતાથી હારતો નથી, તે તેની બેદરકારીને કારણે ગુમાવે છે. આપણે સારા છીએ, આપણે સત્યવાદી છીએ, એટલે જ આપણને કોઈપણ પ્રયાસ વિના બધું જ મળી જશે, એવું થતું નથી. અસત્ય અને દુષ્ટતા, સત્ય અને સદ્ગુણ, વિજય અને હારના કારણોમાં નથી. કોઈ પણ પ્રકારે મેળવેલ વિજય કેટલા સમય સુધી કોઈની સાથે રહેશે? તે તેના સારા-ખરાબ પર નિર્ભર કરે છે. દુર્યોધને રાજ્ય તો મેળવી લીધું હતું પણ તે કેટલું લાંબું ચાલ્યું? પાંડવો હાર્યા નહિ કારણ કે, તેઓ સારા હતા. યુધિષ્ઠિરની બેદરકારીને કારણે તેઓનો પરાજય થયો, તેમના કાકાની વાતનું ઉલંઘન નહીં કરે અને તે કારણે તે જુગાર રમ્યા. આ જુગારમાં હાર યુધિષ્ઠિરની બેદરકારી હતી કે દુર્યોધનની વિશેષતા? સમજવું પડશે. સત્યવાદીનો વિજય લાંબો સમય ચાલે છે. કપટી દુનિયા ક્ષણિક છે. બધી વસ્તુઓ આ જન્મના કર્મોથી પ્રાપ્ત થતી નથી, તે પૂર્વ જન્મોના પ્રણેતાઓ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. ભલાઈ તમારો સ્વભાવ છે, પરંતુ તેના કારણે આપણને દરેક ક્ષેત્રમાં વિજય મળશે, આ વિચાર ભ્રામક છે.