विवेचन सारांश
અનુભૂતિ સાથે જ્ઞાનનો માર્ગ

ID: 3142
गुजराती - ગુજરાતી
રવિવાર, 18 જૂન 2023
પ્રકરણ 7: જ્ઞાન-વિજ્ઞાન યોગ
1/2 (શ્લોક 1-12)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


   ગીતા પરિવારની પરંપરા મુજબ સુમધુર પ્રાર્થના અને મંગલદીપ પ્રજ્વલન પછી વિવેચનની શરૂઆત થઈ. મા સરસ્વતીને પ્રાર્થના, ભગવાન વેદવ્યાસજીને પ્રણામ, જ્ઞાનેશ્વર મહારાજને પ્રણામ, ગીતા માતાને પ્રણામ અને સદ્ગુરુ ગોવિંદદેવગીરિજી મહારાજના ચરણોમાં શત્ શત્ વંદન પછી વિવેચનની શરૂઆત થઈ.
    ગીતાજીનો એક એક અધ્યાય એક એક અનમોલ રત્ન છે. જેમ આપણે સમુદ્રની અંદર ઊંડા ઉતરતા જઈએ તો રત્ન પ્રાપ્ત થાય તેમ પરમાત્માના અંતરંગના ઊંડાણમાં આપણે જેમ જેમ પ્રવેશ કરીએ છીએ તેમ તેમ આપણને રત્નો પ્રાપ્ત થતા જાય છે. અર્જુનના માધ્યમથી ભગવાન આ સમગ્ર જ્ઞાન આપણી સામે ખોલીને મૂકી દે છે. તો ચાલો જઈએ આ જ્ઞાનના ઊંડાણમાં! ગીતાજીનો પ્રેમ આપણા હૃદયમાં પ્રવાહિત થઈ રહ્યો છે અને એક સુંદર અનુપ્રમેય અધ્યાયનું ચિંતન આપણે કરી રહ્યા છીએ.
   આ અધ્યાય આપણને જ્યાં લઈ જવા માંગે છે તે ઊંડાણમાં જવાનો આપણે પ્રયત્ન કરીશું. આપણે જોયું કે સમરાંગણમાં પ્રત્યક્ષ ભગવાને ગીત ગાયું છે અને એના માધ્યમથી જ્ઞાનના માર્ગ ખુલે છે. ખોલતાં ખોલતાં છઠ્ઠા અધ્યાયમાં ભગવાને યોગીની વ્યાખ્યા કહી. ગયા વખતે કોઈએ પૂછ્યું હતું કે તમે learn geeta.com માં જે બોધ વાક્ય છે,
" તસ્માદ્યોગી ભવાર્જુન" એ વાત જ ન કરી. આપણે છઠ્ઠા અધ્યાયના અંતિમ બે શ્લોકો જોયા જેમાં યોગીની વ્યાખ્યા આવી પરંતુ યોગી બનવું એટલે શું એ આપણા અંતરંગમાં પૂરી રીતે પ્રસ્ફૂટિત નહીં થાય તો આપણે એને સમજી નહિ શકીએ. આપણે સમજીએ છે કે યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રત્યાહાર વગેરે. આ યોગના કેટલાક અંગો છે. ભગવાન આપણને પરિપૂર્ણ યોગ તરફ લઈ જવા માંગે છે. આપણે જ્ઞાનયોગ, ભક્તિયોગ કે કર્મયોગ કરીએ, કંઈ પણ કરીએ પણ આપણું અંતરંગ ક્યાં છે? અંતરંગથી આપણે એ પરમાત્માની સાથે એકાકાર છીએ કે નહીં? માટે સર્વોત્તમ યોગી કોણ છે તે ભગવાને કહી દીધું.
  ગુરુ દેવે તો આપણને "હર ઘર ગીતા, હર કર ગીતા" અને "ગીતા પઢો, પઢાવો, જીવન મેં લાઓ" એ બોધ વાક્યો આપ્યા છે. 
  "તસ્માદ્યોગી ભવાર્જુન" કહીને ભગવાન અર્જુનને કયો બોધ આપવા માંગે છે? સમરાગણમાં એવો કયો યોગ હોઈ શકે? જીવનની ઘટમાળમાં કર્તવ્ય કર્મ કરતાં દેહ કર્મમાં રહે પણ મન પરમાત્મામાં એકાકાર રહે એવો આ સર્વોપરી યોગ છે એટલે છઠ્ઠા અધ્યાયના અંતિમ બે શ્લોકો આ અધ્યાયના બીજ રૂપ છે. 
  અંતિમ બે શ્લોકોમાં ભગવાન કહે છે કે યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી પણ શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી પણ યોગી શ્રેષ્ઠ છે; માટે હે અર્જુન! તું યોગી થા. 
  બધા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અન્તરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે.
  ભગવાન સાથે એનું અનુસંધાન ખંડિત જ નથી થતું. એ બુદ્ધિથી જ્ઞાનયોગ કરતો હોય કે દેહથી કર્મયોગ કરતો હોય આ સૃષ્ટિનું કોઈ પણ કાર્ય કરતો હોય પણ મન એનું ક્યાં છે તે ભગવાન કહે છે. મનથી એ કોની સાથે જોડાયેલો છે  તે ભગવાન કહે છે. તન અને મન એકાકાર કરીએ તે આસન છે, શ્વાસ સાથે મન એકાકાર કરીએ તે પ્રાણાયામ છે, એ જ રીતે પરમાત્મા સાથે નિરંતર ચોટેલો જે છે તે દેહથી કોઈ પણ કામ કરતો હોય પણ મનથી પરમાત્મા સાથે જોડાયેલો છે એ યોગીને ભગવાન યુક્તતમ કહે છે. ભગવાન આ યુક્તતમ યોગી તરફ અર્જુનની દ્રષ્ટિ લઈ જઈને કહે છે " તસ્માદ્યોગી ભવાર્જુન" કારણ કે ભગવાન યુદ્ધ ભૂમિમાં અર્જુનને આસન, પ્રાણાયામ કરવાનું તો ન જ કહે! એ કરવાનો પણ એક સમય હોય છે, પણ દરેક સમયે દરેક ક્રિયા મનથી, દેહથી, બુદ્ધિથી કરતાં કરતાં પરમાત્મા સાથે અંતરંગથી જે એકાકાર છે એ યુક્તતમ યોગી છે. 
   જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, પરમાત્મા જો દેહ હોય તો એ યુક્તતમ યોગી એનો આત્મા છે. 
 " तया एक वटलिया प्रेमा, पाडे पाहि जे जरी उपमा
   मी देह तो आत्मा हे चे होय ॥”

ભગવાન અહીં સાતમા અધ્યાયનું બી વાવે છે. આ યોગ કેવો છે તે બતાવતા ભગવાન આગળ વધે છે અને અર્જુનને જ્ઞાન-વિજ્ઞાનયોગ વિશે કહે છે. આની પહેલા ભગવાને અર્જુનવિષાદયોગ, સાંખ્યયોગ, કર્મયોગ, જ્ઞાનકર્મસંન્યાસયોગ, કર્મસંન્યાસયોગ અને આત્મસંયમયોગ કહ્યા છે. આ યોગમાં ભગવાન વિજ્ઞાન શબ્દ જોડે છે.
 આ જ્ઞાન શું છે? વિજ્ઞાન શું છે? તે જ્ઞાનેશ્વરમહારાજ આપણી સામે સમગ્રતાથી લાવે છે અને એક બીજો શબ્દ લાવે છે "અજ્ઞાન." ગુરુદેવ આ અધ્યાય વિશે શું કહે છે તે પણ હું તમને કહીશ. 
  અર્જુન પૂછતો નથી, ભગવાન પોતાના તરફથી બોલવાનું ચાલુ કરે છે. ભગવાન દરેક જીવને આ કહે છે જે ભગવદ્ગીતા દ્વારા ભગવાન સાથે જોડાવા માંગે છે. 


7.1

શ્રીભગવાનુવાચ
મય્યાસક્તમનાઃ(ફ્) પાર્થ, યોગં(ય્ઁ) યુઞ્જન્મદાશ્રયઃ।
અસંશયં(મ્) સમગ્રં(મ્) માં(ય્ઁ), યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ॥૭.૧॥

શ્રીભગવાન બોલ્યા: હે પાર્થ! અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે મારા સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સંપૂર્ણરૂપને વિના સંશયે જાણીશ, તેને (તે જ પ્રકારે) સાંભળ.

  આ અત્યંત સુંદર, મહત્વપૂર્ણ શ્લોક છે.
  ભગવાન કહે છે, હે પાર્થ!  અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંશયે જાણીશ, એને સાંભળ.
 આપણે પરમાત્માની ભક્તિ કરીએ છીએ એટલે ભગવદ્ગીતા આપણા હાથમાં આવી છે, પણ એમ કરતાં કરતાં ઘણી વાર સગુણ સાકાર, નિરાકારરૂપ કયું સાચું છે તે માટે આપણે શંકામાં પડી જઈએ છીએ. ભગવાન કહે છે નિઃસંદેહ તું આ જાણી જઈશ. પરમાત્મા પ્રત્યે કોઈ જાતનો સંશય નહીં રહે. આ પંક્તિ અત્યંત મહત્વપૂર્ણ પંક્તિ છે. 
  ગુરુદેવ કહે છે મને આ પંક્તિ એટલી ગમે છે કે એમાં બધું આવી ગયું. બાકી ગીતા ભણીએ કે નહીં પણ આ એક પંક્તિ સમજીને એનું ચિંતન કરીએ, એને જ પોતાના જીવનમાં સાકાર કરીએ તો સમગ્ર ગીતાને જાણી શકીશું, પરમાત્માને પણ જાણી શકીશું. 
 પહેલી પંક્તિમાં સેવક કઈ રીતે સેવા કરશે તે આવ્યું અને બીજી પંક્તિમાં માલિક શું આપશે, શું ફળ આપશે તે આવે છે. પહેલી પંક્તિમાં ભગવાન યોગની વ્યાખ્યા, કઈ રીતે કરવું તે બતાવે છે. જે છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે તે યોગ શું છે? પરમાત્મામાં નિરંતર આસક્તિ રાખીને ભક્તિ કરીએ તે યોગ છે.
 ભગવાન અહીં ભક્તિનો એક ઓરડો ખોલે છે. આપણી ભક્તિ કયા પ્રકારની છે એ પણ ભગવાન કહે છે એટલે આપણે જાણી શકીએ કે આપણી ભક્તિ કઈ શ્રેણીમાં આવે છે. ભગવાન કોઈ પણ ભક્તને નકારતા નથી. 
 ભક્તિનો અર્થ રામદાસજી સ્વામીએ કર્યો,
"સ્વરૂપી આસક્તિ હ્યા નાવ ભક્તિ"
 એનો અર્થ અરીસામાં આપણું જે રૂપ દેખાય તે છે તે નહીં, મારું મૂળ સ્વરૂપ, જે ચૈતન્યરૂપ છે, એક જડ છે તો બીજું ચેતન છે, એક દેહ છે તો બીજો દેહી છે. બંનેના સહયોગથી સૃષ્ટિનું પણ કાર્ય ચાલે છે અને મારા દેહનું પણ કાર્ય ચાલે છે. એ ચૈતન્ય જે મારું મૂળ સ્વરૂપ છે, સ્વયંમને જાણવું, પોતાનું મૂળ સ્વરૂપ જાણવું અને જે રીતે જીવ, જગત અને જગદીશ્વર આ ત્રણેયનો પરસ્પર સંબંધ જાણવો તે ભગવદ્ગીતા છે. આસક્તિ થવી, ભક્તિ થવી. ભક્તિ એટલે "વિભક્ત નવે તો ભક્ત." આ બીજી વ્યાખ્યા છે. ભક્તિ એટલે એ નિષ્કામ, પરમ પ્રેમ. એ પરમાત્મા સાથે કે સ્વરૂપ સાથે જે આત્મસ્વરૂપમાં સ્થિત છે તેની સાથે નિરંતર પ્રેમનો પ્રવાહ વહેતો રહે તે છે ભક્તિ.
  જે રીતે આપણે આપણા માતા-પિતા, બાળકો, ગુરુને પ્રેમ કરીએ છીએ તે જ પ્રમાણે પ્રેમનો પ્રવાહ અખંડિત ધારા સાથે પરમાત્મા તરફ વહેવા લાગે તો તેને ભક્તિ કહીએ છીએ. આ આપણા સંતમહાત્માના જીવનમાં, આપણા ગુરુદેવના જીવનમાં દેખાય છે, એમના મુખારવિંદથી પ્રવાહીત થાય છે. 
  આસક્તિ એટલે એટેચમેન્ટ. સંસાર સાથે પ્રેમ ન કરો એ નકારાત્મક લાગણી છે. જો પરમાત્મા સાથે નિરંતર મન લાગી જશે તો સંસારમાંથી મન કાઢવું નહીં પડે. જો પરમાત્મા સાથેની આસક્તિ પૂરેપૂરી અંતરંગમાં જાગૃત થઈ જશે તો સંસાર સાથે નિરાસક્તિ નહીં કરવી પડે. માટે ભગવાન કહે છે કૃષ્ણ સાથે એકાકારીતા,  કૃષ્ણની નિરંતર ભક્તિ. ચાહે સગુણ ચાહે નિર્ગુણ, પણ એ પરમાત્મા સાથે નિરંતર એકાકારિતા, નિરંતર આસક્તિ એ ભક્તિ છે.
  ભગવાન કહે છે જેનું મન મારી સાથે એકાકાર છે, આસક્તિમાં ડૂબી ગયો, પરમાત્મા સાથે નિરંતર પ્રેમનો પ્રવાહ વહેવા લાગ્યો તો એ પ્રેમનો પ્રવાહ ખંડિત નથી થતો પછી ભલે સંસાર સાથે કોઈપણ વ્યવહાર ચાલતો રહે. કોઈ અધ્યાપક છે, કોઈ સૈનિક છે, ડોક્ટર છે, એન્જિનિયર છે એ પોતાનું કાર્ય કરતો રહે પણ પ્રેમ કોની સાથે છે, મન કોની સાથે એકાકાર છે એ વાત અગત્યની છે. આ પ્રકારના યોગમાં જો તું લાગી ગયો તો એ પરમાત્માના આશ્રયથી જ થશે. શરીર ભલે ગમે તે કાર્ય કરતું હોય પણ મન નિરંતર ભગવાનમાં લાગેલું રહે છે, આ પરમાત્માના આશ્રયથી જ સાધ્ય થશે. કરવું પણ એને માટે જ છે અને પ્રેમ પણ પરમાત્મા માટે જ છે. આ પંક્તિમાં શું કરવાનું છે તે આખું સાધન આવી ગયું. એ કરશે તો સમગ્રતાથી તું એ પરમાત્માને જાણી શકીશ. આપણે કોને વધુ જાણી શકીએ? જેની સાથે આપણે રહીએ છીએ તેને.
ઇંગ્લિશમાં કહેવાય છે.
 " I know you in and out.”
 હું તને અંદર બહાર બધી રીતે બરાબર ઓળખું છું. કોઈને પૂરા જાણવા માટે એની સાથે રહેવું પડશે, સમય વિતાવવો પડશે. એનું સમગ્રતાથી અંતરંગ જાણવું હશે તો એની સાથે સમય વિતાવો પડશે એનો સ્વભાવ જાણવા માટે, એમનું અંતર ખોલવા માટે એને જ વિનવવો પડશે. એ જ્યારે જાણશે કે હું એને ખૂબ જ પ્રેમ કરું છું ત્યારે એ એનું અંતરંગ ખોલશે.
આપણે પરમાત્માને પૂરી રીતે નથી જાણતા. એક હાથી અને ચાર આંધળાઓની વાર્તા છે. ચાર આંધળાઓ હાથીને જાણવા માગતા હતા. એ લોકો સ્પર્શ કરીને જાણવા માગતા હતા કે હાથીનું સ્વરૂપ કેવું છે. એકના હાથમાં હાથીના કાન આવ્યા તો એણે કહ્યું કે હાથી સૂપડા જેવા આકારનો છે. બીજાના હાથમાં એના પગ આવ્યા તેણે કહ્યું ના-ના,  હાથી તો થાંભલા જેવો છે. ત્રીજાના હાથમાં એની પૂંછડી આવી તો એણે કહ્યું હાથી સાપ જેવો છે અને ચોથાના હાથમાં હાથીનું પેટ આવ્યું તો એણે કહ્યું કે હાથી નગારા જેવો છે. એક વ્યક્તિ ત્યાં ઉભો હતો એ સમગ્રતાથી હાથીને જોઈ શકતો હતો એટલે એણે કહ્યું કે તમે જે કહી રહ્યા છો તે હાથીના શરીરના વિવિધ અંગો છે. અંગો સાથે હાથી સમગ્રતાથી બને છે. ભગવાન કહે છે, આ રીતે સમગ્રતાથી મને કઈ રીતે જાણી શકાય તે જ્ઞાન હું તને આપીશ જેનાથી તારા બધા સંશયો જતા રહેશે. જ્ઞાન-વિજ્ઞાન બંને કહીશ. જ્ઞાન એટલે સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન એટલે અનુભૂતિનું જ્ઞાન. થિયરી પણ કહીશ અને એ જ્ઞાનની અનુભૂતિ કઈ રીતે કરવી તે પણ કહીશ. જ્ઞાન એટલે આત્મજ્ઞાન અને વિજ્ઞાન એટલે સૃષ્ટિનું જ્ઞાન. ભગવાન કહે છે હું તને આ જ્ઞાન કઈ રીતે કહીશ તે પણ જાણી લે.

7.2

જ્ઞાનં(ન્) તેઽહં(મ્) સવિજ્ઞાનમ્, ઇદં(વ્ઁ) વક્ષ્યામ્યશેષતઃ।
યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્, જ્ઞાતવ્યમવશિષ્યતે॥૭.૨॥

હું તારે માટે આ વિજ્ઞાનસહિત તત્ત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેશે નહીં.

  આ ભગવાનની આસક્તિ છે,ભગવાનનો પરમ પ્રેમ છે. કોઈને ભગવાનના રૂપમાં આસક્તિ થાય છે, કોઈને નામમાં, કોઈને ગુણમાં, કોઈને લીલામાં, કોઈને ધામમાં તો કોઈને નિરાકારમાં આસક્તિ હોય છે. ભગવાનમાં આસક્તિ જ્યારે જાગશે ત્યારે પોતાની મેળે સંસાર સાથે નિરાસક્તિ થશે. ભગવાન કહે છે આ જ્ઞાન હું તને કહું છું પણ તારે મન સાથે યોગ કરવો પડશે. ગુરુદેવે એક બહુ સુંદર વાત કરી છે. કશે પણ રહો પણ ઈશ્વરને મનથી નિરંતર યાદ કરો. આ મનથી થનારો સર્વોચ્ચ પુરુષાર્થ છે. આ સહેલું નથી. સંસારની સાથે વ્યવહાર ચાલતો રહે અને મન નિરંતર પરમાત્મામાં એકાકાર રહે એ બહુ અઘરું છે. ગુરુદેવ કહે છે કે આ સર્વોચ્ચ પુરુષાર્થ થશે અને એને માટે ભગવાનનો જ આશ્રય લેવો પડશે. ઠાકુર રામકૃષ્ણદેવ જગદંબા માતાના પરમ ભક્ત હતા, આશ્રય પણ એમને પરમાત્માનો જ હતો. પરમાત્માએ જ એમને વેદાંત ભણાવવા માટે તોતાપુરી મહારાજને છેક હિમાલયથી ઠાકુર પાસે મોકલ્યા હતા. પરમાત્માનો આશ્રય લઈને જ જો આપણે સાધન કરીએ તો આપણા સાધનમાં આવનારી ત્રુટીઓ છે, સંસારની બાધાઓ છે તે પરમાત્મા જ દૂર કરી દેશે.
   દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ છે. જ્યારે દુ:શાસન દ્રૌપદીની સાડી ખેંચે છે ત્યારે એણે સાડી પોતાના દાંતમાં દબાવી દીધી અને આશ્રય માટે એ ભીષ્મપિતામહ તરફ દોડી, દ્રોણાચાર્યના ચરણોમાં પડી ગઈ, પાંડવો સામે જોયું, ધૃતરાષ્ટ્ર સામે જોયું પણ એક સમયે એવો આવ્યો ત્યારે સંસારનો આશ્રય ત્યાગી દીધો. એ સમજી ગઈ કે આ આશ્રય  કોઈ કામનો નથી ભગવાને કહ્યું કે પરમાત્માને જાણવું હશે તો એનો જ આશ્રય લેવો પડશે. જેવા દ્રૌપદીએ પોતાના બંને હાથ ઊંચા કરી લીધા અને કહ્યું કે કેશવ, મારી લાજ બચાવ.  દ્રૌપદીનો પોકાર સાંભળીને શ્રીકૃષ્ણે વસ્ત્રાઅવતાર લીધો અને દુ:શાસન થાકીને જમીન પર ન પડ્યો ત્યાં સુધી દ્રૌપદીના શરીર પરથી ચીર દૂર ન કરી શક્યો. અન્યાશ્રય દ્રૌપદીએ ત્યાગ્યો ત્યારે ભગવાને એનો ઉદ્ધાર કર્યો એટલે ભગવાને શબ્દ પ્રયોગ કર્યો છે, "મદાશ્રયા."
 સાધન માટે આશ્રય પણ પરમાત્માનો જ હોવો જોઈએ ત્યારે જ એમની કૃપાનું દ્વાર ખુલે છે. ગોપીઓ પણ આખા સંસારનું કાર્ય કરે છે પણ ચિત્ત, મન કૃષ્ણને આપી દીધું છે. ભગવાન કહે છે કે તને પૂરેપૂરું (જ્ઞાન) સમગ્રતાથી સૃષ્ટિનું પણ થશે અને (વિજ્ઞાન) એની અનુભૂતિ પણ થશે. હું જ તને કહીશ અર્જુન! વિજ્ઞાન સહિત જ્ઞાન કહીશ. સંપૂર્ણ જ્ઞાન આપીશ પછી કઈ શેષ નહીં રહે, પરમાત્મા માટે તારા મનમાં કોઈ સંશય નહીં રહે. સૃષ્ટિ માટે સૃષ્ટિકર્તા માટે અને એનો અને તારો શું સંબંધ છે એ વિશે તને કોઈ શંકા નહીં રહે. અને આ તને જ્યારે કહીશ પછી શું થશે? એ જાણ્યા પછી આ સંસારમાં ફરીથી બીજું કંઈ જાણવા જેવું બચશે નહીં. સામાન્ય જ્ઞાન છે તે જ્ઞાન છે અને અનુભૂતિ સાથેનું જ્ઞાન છે તે વિજ્ઞાન છે.
  ગુરુજી કહે છે કે દરેક અધ્યાયના અંતમાં જે પુષ્પીકા આવે છે  "બ્રહ્મવિદ્યાયાઁ યોગશાસ્ત્રે" એટલે આપણે બ્રહ્મા વિદ્યા ભણી રહ્યા છીએ અને યોગશાસ્ત્રથી એની અનુભૂતિ લેવા માંગીએ છીએ. જ્ઞાન બ્રહ્મા વિદ્યા છે અને વિજ્ઞાન યોગશાસ્ત્ર છે એ અનુભૂતિ છે એટલું સમગ્ર જ્ઞાન ભગવાન અર્જુનના માધ્યમથી દરેક જીવને ખોલીને બતાવે છે. પરમાત્મામાં આસક્તિ, નિરાકારમાં આસક્તિ કઈ રીતે લાવવી તે પણ જણાવે છે. ( નામ, રૂપ, લીલા, ગુણ, ધામ વગેરે.) સંપૂર્ણતય પરમાત્માને જાણવા, સગુણ કે નિર્ગુણ પરમાત્મા કેવા છે તે જાણવું.   નામદેવ મહારાજ પરમાત્માના અત્યંત પરમ ભક્ત હતા. તે પરમાત્માને કેવળ સગુણ જ માનતા. પરમાત્મા એમની પાસેથી નાનપણથી જ ભોગ ગ્રહણ કરતા. નામદેવ મહારાજ વિઠ્ઠલની મૂર્તિમાં આસક્ત હતા એટલે એમને જ્ઞાનેશ્વર મહારાજની બહેન મુક્તાબાઈએ કાચું માટલું કહ્યું હતું કારણકે એમને નિરાકારનું જ્ઞાન નહોતું, એમને ફક્ત સગુણમાં જ આસક્તિ હતી. જે પરમાત્માને સમગ્રતાથી જાણે છે તે જાણે છે કે સગુણ અને નિર્ગુણ બંને પરમાત્માના જ રૂપ છે. 
   એકવાર ઠાકુર રામકૃષ્ણદેવના બે ભક્તો વચ્ચે શ્રેષ્ઠ પરમાત્મા સગુણ છે કે નિર્ગુણ એ વિશે દલીલો થઈ. એક ભક્ત વિવેકાનંદ હતા જે નિર્ગુણ નિરાકારમાં માનતા હતા અને બીજા ભક્ત સગુણ સાકારમાં માનતા હતા. જ્યારે બંને જણ એમની દલીલો લઈને ઠાકુર પાસે ગયા. ઠાકુર ભણ્યા નહોતા પણ જગદંબાની કૃપાથી એમને પરમાત્માનું સમગ્રતાથી જ્ઞાન હતું. ઠાકુરે વિવેકાનંદને કહ્યું કે તારો નિર્ગુણ નિરાકાર પરમાત્મા એટલો તો શક્તિશાળી છે ને કે સગુણ સાકારનું રૂપ લઈ શકે? બીજાને કહ્યું કે તારો સગુણ સાકાર એટલો શક્તિશાળી છે ને કે નિર્ગુણ નિરાકારનું રૂપ લઈ શકે? બંને હા કહ્યું અને એમના મનનું સમાધાન થઈ ગયું. 
 ભક્તની ભાવના માટે ભગવાન સગુણથી નિર્ગુણ અથવા નિર્ગુણથી સગુણ રૂપમાં આવી જાય છે. જ્યારે કણ કણમાં ભગવાન છે ત્યારે એને સગુણ સાકાર રૂપમાં, મૂર્તિમાં જોવામાં પણ વાંધો ન હોવો જોઈએ.
  રામદાસ સ્વામી કહે છે,
  "सगुणी भजे लेश नाही भ्रमाचा ।
   जगी धन्य तो दास सर्वोत्तमा चा ॥”
પરમાત્માનો એ દાસ સર્વશ્રેષ્ઠ છે જે સગુણની આરાધના કરે છે અને લેશમાત્ર ભ્રમમાં નથી કે એ નિર્ગુણ નિરાકારનું મારી પાસે આવેલું એક નાનકડું પ્રતીક છે.
   આજે આઇઆઇટી એન્ટ્રન્સ, મેડિકલ એન્ટ્રન્સમાં એડમિશન મેળવવા માટે ઘણા બધા ક્લાસ ચલાવે છે. અમારા ક્લાસ ભરો તો તમને અમે જ્ઞાન આપીશું તો ચોક્કસ તમે એંન્ટ્રન્સમાં સારા ટકા સાથે પાસ થઈ જશો. ભગવાનને ક્લાસ ચાલુ કરી દીધા છે કે છે હું તમને સમગ્રતાથી જ્ઞાન આપીશ પણ એટલા નથી આવતા, કોઈ એકાદ જણ આવે છે.

7.3

મનુષ્યાણાં(મ્) સહસ્રેષુ, કશ્ચિદ્યતતિ સિદ્ધયે।
યતતામપિ સિદ્ધાનાં(ઙ્), કશ્ચિન્માં(વ્ઁ) વેત્તિ તત્ત્વતઃ॥૭.૩॥

હજારો માણસોમાંથી કોઈ એક સિદ્ધિ (કલ્યાણ) માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર સિદ્ધોમાં (મુક્ત-પુરુષોમાં) થી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્ત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે.

  ભગવાન કહે છે સહસ્ર મનુષ્યમાંથી કોઈ એકાદ જ પરમાત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા જે યોગી આવે છે તેમાં એકાદ જ મને યથાર્થ કે તત્ત્વતહ જાણે છે, સમગ્રતામાં જાણે છે. 
 ભગવાન જ્ઞાન વિજ્ઞાન કહી રહ્યા છે જ્ઞાનેશ્વરમહારાજ તેની સાથે અજ્ઞાન શબ્દ જોડે છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
 "अर्जुन तया नांव ज्ञान । येर प्रपंचु हें विज्ञान ।
  तेथ सत्यबुद्धि तें अज्ञान । हेंही जाण ॥”

ભગવત ગીતાને અંબ કહે છે. અંબ એટલે માતા. જેમ આપણી જાનમાં આપનારી માતા છે એ આપણા દેહને એક નામ આપે છે આ અડધી ઓળખાણ છે આત્મતત્ત્વની ઓળખાણ ગીતા કરાવે છે એટલે એને માતા કહે છે. 
  " अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं
    अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं ॥”

   આચાર્ય વિનોબાજી ભાવે કહે છે, ગીતા મારી માતા છે જે મારી સાચી ઓળખ કરાવે છે.
    " गीताई माउली माझी तिचा मी बाल नेणता ।
       पडतां रडतां घेई उचलूनि कडेवरी ॥”

   જ્ઞાનેશ્વર મહારાજ કહે છે સ્વયંની ઓળખાણ આત્મજ્ઞાન છે પણ વિજ્ઞાન શું છે? પ્રપંચનું જ્ઞાન, સૃષ્ટિનું જ્ઞાન તે વિજ્ઞાન છે, એને જાણવું પણ બહુ જરૂરી છે. પ્રપંચનું જે જ્ઞાન છે તે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, કાયદાનું જ્ઞાન, મેડિસિન, સંગીતનું જ્ઞાન હોઈ શકે જે આજીવિકા માટે જરૂરી છે. આ બધું વિજ્ઞાનમાં આવી ગયું. 
 જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
  " एथ विज्ञानें काय करावें । ऐसें घेसी जरी मनोभावें ।
    तरी पैं आधीं जाणावें । तेंचि लागे ॥”

 જીવનનું કેટલું સુંદર, સટીક વિવેચન જ્ઞાનેશ્વર મહારાજ પોતાના ૧૬મા વર્ષે કરી દે છે. એ કહે છે કે જો આપણને આત્મજ્ઞાનની ઈચ્છા થઈ ગઈ તો વિજ્ઞાન છોડી દેવું એવું નથી. પહેલાં અભ્યુદય પ્રાપ્ત કરો કારણ કે ઉપજીવિકાનું જ્ઞાન અભ્યુદય કરાવે છે. ભૌતિક પ્રગતિ પણ થશે. ભગવાન અર્જુનને એટલે જ યુદ્ધ છોડવા નથી દેતા. ભૌતિક પ્રગતિ સાથે નિશ્રેયસની પણ પ્રાપ્તિ થવી જોઈએ. અંતિમ કલ્યાણ આત્મજ્ઞાન પણ થવું જોઈએ. નિશ્રેયસ અને અભ્યુદય એ ધર્મના બે પાયા છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

જ્ઞાનેશ્વર મહારાજનો આશ્રય લીધા વગર આ સુંદર અધ્યાયનું વિવેચન જ ન થઈ શકે. એમણે કહ્યું કે એ ભૂલી જવું કે મારું જીવન ક્યાંક સમાપ્ત થવાનું છે, આ દેહ મને મારા સ્વરૂપ માટે, જ્ઞાન માટે પ્રાપ્ત થયો છે તે ભૂલી જઈને ફક્ત પ્રપંચ જ સત્ય છે એમ માનીને એની પાછળ દોડવું એ અજ્ઞાન છે. સત્ય તો આત્મજ્ઞાન છે એટલે જ ભગવાન કહે છે કે મને સમગ્રતાથી જાણવા કોઈ એકાદો જ આવે છે, એકાદ જ મને તત્ત્વજ્ઞાનથી, યથાર્થતાથી જાણે છે. ભગવાન હવે પ્રકૃતિ અને પુરુષ આત્મતત્ત્વ અને ચૈતન્ય વિશે જણાવે છે. જડ એટલે જેને પોતાનું પણ જ્ઞાન નથી અને બીજાનું પણ જ્ઞાન નથી. દેહ, પથ્થર, લેપટોપ વગેરે બધા જડ છે પણ લેપટોપની અંદરની વીજળી ચૈતન્ય છે. પ્રકૃતિ જડ અને એમાં વહેનારો સૂક્ષ્મ પ્રવાહ ચૈતન્ય છે. ચૈતન્ય એટલે જેને પોતાનું પણ જ્ઞાન છે અને અન્યનું પણ જ્ઞાન છે. જેના માધ્યમથી આપણને હું આ દેહ છું એનો બોધ થાય છે. જે તત્ત્વ નીકળી ગયા પછી દેહને પણ કોઈ જ્ઞાન નથી રહેતું. આપણે જન્મ્યા, યુવાન થયા, વૃદ્ધ થયા એ બધી ક્રિયાઓ કોણ તટસ્થતાથી જુએ છે? એ આપણું અસલી સ્વરૂપ ચૈતન્ય છે. જડ અને ચેતન બંનેના સંયોગથી કાર્ય ચાલે છે એટલે ભગવાન અહીં સાંખ્ય ફિલોસોફીનો આશ્રય લે છે જેમાં પ્રકૃતિ અને પુરુષ બંનેના સહયોગથી કાર્ય ચાલે છે.
સાંખ્યદર્શન શાસ્ત્ર છે એ પ્રમાણે આપણા બીજા છ દર્શનશાસ્ત્રો છે. 
  ૧.  ન્યાય
   ૨. વૈશેષિક
   ૩. યોગ
   ૪.સાંખ્ય
   ૫. મીમાંસા
   ૬. વેદાંત. 
  વેદાંત એટલે વેદનું રહસ્ય ભગવાન વેદાંત ભણાવે છે પણ એ સાંખ્ય ફિલોસોફી લીધી છે. એમાં છે પ્રકૃતિ અને પુરુષ. કપિલમુનિ એના પ્રણેતા છે. ભગવાન અહીં પ્રકૃતિનું વિશ્લેષણ આપણી સામે મૂકે છે. પ્રકૃતિ અષ્ટધા છે. ભગવાનની બે પ્રકૃતિઓ છે જે જડ છે તે અપરા પ્રકૃતિ છે અને ચૈતન્ય એ પરા પ્રકૃતિ છે. દરેક વનસ્પતિમાં પણ ચૈતન્ય છે. એક પથ્થરમાં પણ અન્નમય કોષ હોય છે.

7.4

ભૂમિરાપોઽનલો વાયુઃ(ખ્), ખં(મ્) મનો બુદ્ધિરેવ ચ।
અહઙ્કાર ઇતીયં(મ્) મે, ભિન્ના પ્રકૃતિરષ્ટધા॥૭.૪॥

પૃથ્વી, જળ,અગ્નિ, વાયુ, આકાશ, (આ પંચમહાભૂત) તથા મન, બુદ્ધિ અને અહંકાર - આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી અપરા પ્રકૃતિ છે.

  

7.5

અપરેયમિતસ્ત્વન્યાં(મ્), પ્રકૃતિં(વ્ઁ) વિદ્ધિ મે પરામ્।
જીવભૂતાં(મ્) મહાબાહો, યયેદં(ન્) ધાર્યતે જગત્॥૭.૫॥

આ આઠ પ્રકારના ભેદવાળી મારી આ અપરા પ્રકૃતિ છે. અને હે મહાબાહો! આ અપરા પ્રકૃતિથી ભિન્ન જીવરૂપે બનેલી મારી પરા પ્રકૃતિને જાણ જેના દ્વારા આ જગત ધારણ કરવામાં આવે છે.

બહુ સુંદર અધ્યાય છે ભગવાન સ્થૂળથી સૂક્ષ્મ તરફ આવે છે.ભગવાન કહે છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારની વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ આઠ પ્રકારના ભેદની મારી જડ પ્રકૃતિ(અપરા) છે અને હે મહાબાહો! આના સિવાયની જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ તરીકે તું ઓળખ.   આપણું શરીર પણ પંચમહાભૂતમાંથી બન્યું છે, પછી મન, બુદ્ધિ અને અહંકાર એ આપણી અષ્ટધા પ્રકૃતિ છે.ભગવાન સ્થૂળથી સૂક્ષ્મ તરફ આવી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજીએ કેટલી સુંદર રીતે શ્લોકમાં પરોવ્યું છે. ભૂમિથી સૂક્ષ્મ જળ, એનાથી સૂક્ષ્મ અગ્નિ, એનાથી સૂક્ષ્મ વાયુ, એનાથી સૂક્ષ્મ આકાશ, એનાથી સૂક્ષ્મ છે મન, મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ અને એનાથી સૂક્ષ્મ છે અહંકાર. ભગવાન કહે છે હે મહાબાહો! આ જડ પ્રકૃતિ જેનાથી ધારણ કરાય છે તે પરા પ્રકૃતિ છે. ચેતનાને લીધે એને શક્તિ મળે છે. ગુરુદેવ કહે છે, અપરા પ્રકૃતિનું વર્ણન ભગવાને અહીં કર્યું એમાં આખું વિજ્ઞાન આવી ગયું.  
પૃથ્વી- જડ પ્રકૃતિ એમાં ફિઝિક્સ અથવા પદાર્થ વિજ્ઞાન 
પાણી- રસાયણશાસ્ત્ર  
અગ્નિ- વિદ્યુત વિભાગ  
વાયુ- કળાઓ જેવી કે નૃત્ય, સંગીત, ચિત્રકળા 
ખમ- ખગોળશાસ્ત્ર, ઈંટરનેટના તરંગો 
મન- સાહિત્ય, ભાષા
બુદ્ધિ- ગણિત, લોજીક, કોમર્સ 
અહંકાર- સમાજશાસ્ત્ર, રાજકારણ, મનોવિજ્ઞાન જે પ્રપંચનું વિજ્ઞાન છે તે આખું આમાં આવી ગયું.
આપણે ફક્ત ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીને જ વિજ્ઞાન કહીએ છીએ પણ ભગવાને પ્રપંચના આખા જ્ઞાનને સમાવી લીધું. ચૈતન્યનું જ્ઞાન છે પરા પ્રકૃતિ. બંનેને ભગવાન કઈ રીતે ધારણ કરે છે અને કાર્ય કેવી રીતે થાય છે તે માટે ભગવાન હવે કહે છે.      

7.6

એતદ્યોનીનિ ભૂતાનિ, સર્વાણીત્યુપધારય।
અહં(ઙ્) કૃત્સ્નસ્ય જગતઃ(ફ્), પ્રભવઃ(ફ્) પ્રલયસ્તથા॥૭.૬॥

હે અર્જુન! તું એમ સમજ કે સઘળા જીવો આ બંને (પરા અને અપરા) પ્રકૃતિઓનાં સંયોગથી ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું.

  સર્વ ભૂતમાત્ર આ બંને પ્રકારની પ્રકૃતિના સહયોગથી આ યોનીમાં જન્મ લે છે અને આ બંનેના સંયોગથી કાર્ય ચાલે છે. આપણે જોયું સ્થૂળ અને સૂક્ષ્મ, જડ અને ચેતનનું પણ સમીકરણ જોયું. મેટર અને એનર્જીનો શું સંબંધ છે તે આઈન્સ્ટાઈને આપણને બતાવી દીધું.
E= MC2
 વેદાંતી પહેલા ચેતન અને પછી એમાંથી કઈ રીતે જડની નિર્મિતિ થાય છે તે કહે છે. આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ અને વિલય પરમાત્મા છે. "હું" જે કહે છે તે ફક્ત રામરૂપ, કૃષ્ણરૂપ, નિરાકાર કે સાકાર નથી પણ સમગ્ર જે પરમાત્મા પરબ્રહ્મ છે એની સાથે યોગ કરીને ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ગીતા કહી છે. યોગેશ્વર કહેવાયા એ પરમાત્મા કહે છે કે હું આની ઉત્પત્તિ અને વિલયનું કારણ છું. કોઈએ આપણને ધારણ કર્યા છે. ભગવાન કહે છે, મેં ધારણ કર્યા છે. આપણને પૃથ્વીએ ધારણ કર્યા છે, પૃથ્વીને સૂર્યે ધારણ કરી છે, પૃથ્વી બીજા ગ્રહો સાથે સૂર્યની પરિક્રમા કરે છે. સૂર્ય ભગવાન પણ કોઈ કેન્દ્રની પરિક્રમા કરે છે. આપણું બ્રહ્માંડ છે એવા અનંત કોટી બ્રહ્માંડો છે, કોઈએ સૃષ્ટિને ધારણ કર્યા છે. 
  " क्या धरा हमने बनाई? या बुना हमने गगन?
    क्या हमारी ही वजह से बह रहा सुरमित पवन?
    या अगन के हम हैं स्वामी? नियंता जलधार के?
    या जगत की सूत्रधारक नियामक संसार के?”

  આ બધાનો કોઈ નિયામક છે ભગવાન એનો જ પરિચય કરાવે છે.

7.7

મત્તઃ(ફ્) પરતરં(ન્) નાન્યત્, કિઞ્ચિદસ્તિ ધનઞ્જય।
મયિ સર્વમિદં(મ્) પ્રોતં(મ્), સૂત્રે મણિગણા ઇવ॥૭.૭॥

હે ધનંજય! મારા સિવાય બીજું કોઈપણ પરમ કારણ નથી; આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિઓની જેમ મારામાં જ ગૂંથાયેલું છે.

  હે ધનંજય! મારા સિવાય આ સૃષ્ટિની ધારણા માટે બીજું કોઈ પરમ કારણ નથી. જેમ સૂત્રમાં કોઈ માળાના મણી, રત્ન કે મોતી પરોવાય છે અને એ માળા બને છે એ મેં અંદરથી બધાને પરોવ્યા છે. અંદરથી આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આ ભગવાનનો પરમ યોગ છે. ભગવાન સૂત્રધાર છે, સૂત્ર જેમ માળાને પરોવે છે તેમ આ આખી સૃષ્ટિને ભગવાનને પરોવી છે. 
  જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
 " सुवर्णा चे मणी केले । ते सोनियाचे सुती वोविले ।
   तैसे म्यां जग धरिलें । सबाह्याभ्यंतरीं ॥”
  ઘણીવાર માળા પર આપણું ધ્યાન જાય છે પણ એના મણિઓને જે દોરામાં પરોવાયા છે તે દેખાતો નથી. એ જ રીતે સંસારમાં વિચરણ કરતાં કરતાં આપણે નામરૂપાત્મક મણિઓને જોઈએ છીએ પણ જેણે એને પરોવ્યા છે તે ચેતનતત્ત્વને નથી જોતા.

7.8

રસોઽહમપ્સુ કૌન્તેય, પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ।
પ્રણવઃ(સ્) સર્વવેદેષુ, શબ્દઃ(ખ્) ખે પૌરુષં(ન્) નૃષુ॥૭.૮॥

હે કૌન્તેય! હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં ઓંકાર છું, આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષાર્થ હું છું.

  

7.9

પુણ્યો ગન્ધઃ(ફ્) પૃથિવ્યાં(ઞ્) ચ, તેજશ્ચાસ્મિ વિભાવસૌ।
જીવનં(મ્) સર્વભૂતેષુ, તપશ્ચાસ્મિ તપસ્વિષુ॥૭.૯॥

હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું.

7.9 writeup

7.10

બીજં(મ્) માં(મ્) સર્વભૂતાનાં(વ્ઁ) વિદ્ધિ પાર્થ સનાતનમ્।
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ, તેજસ્તેજસ્વિનામહમ્॥૭.૧૦॥

હે પાર્થ! તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ; હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ છું.

ભગવાન અહીંયા થોડો વિભૂતિયોગ કહે છે. ભગવાન કહે છે હું કઈ રીતે સૃષ્ટિમાં છું? જે વિશેષતા એ વસ્તુની હશે તેના રૂપમાં હું હોઈશ. જે  મહત્તિ એ વસ્તુની હશે તે મહત્તિના રૂપમાં હું હોઈશ. પાણીમાં રસ હું છું, ચંદ્રમાં જે આહલાદક જ્યોત્સના છે તે હું છું, સૂર્યની પ્રભા કે તેજ જેનાથી આખી સૃષ્ટિ પ્રકાશિત થાય છે તે હું છું. વેદોનો સાર પ્રણવ મંત્ર ઓમકાર જે એકાક્ષરી ભગવાનનું નામ છે તે હું છું. ઓમ ત્રણ અક્ષરથી બંને છે. અ, ઉ અને મ. 
અ - બ્રહ્મા - જાગૃતિ અવસ્થા 
ઉ - વિષ્ણુ - સ્વપ્ન અવસ્થા 
મ - મહેશ - સુષુપ્તિ અવસ્થા ઉપર જે ચંદ્રબિંદુ છેતે તુરિયાવસ્થા છે. 
આ બધી અવસ્થાઓનું વર્ણન કરનાર એકાક્ષરી મંત્ર ૐ હું જ છું.   ૐ એ ભગવાનનું નામ છે. આકાશનો વિષય શબ્દ છે. આ બધા તરંગો (સાઉન્ડ વેવ્સ) આકાશમાં સમાહિત છે.,કોઈપણ ગ્રહણ કરી શકે છે. શબ્દ આકાશમાં જ રહી જાય છે. નરનું પૌરુષત્ત્વ પરમાત્મા છે. કોઈપણ વસ્તુની મહાનતા, વિશેષતા જે હોય તે પરમાત્મા છે. પૃથ્વી એટલે જડ વસ્તુમાં એની ગંધ હોય છે. પોલીસના કુતરાઓ ૨૫થી ૩૦હજાર જાતની ગંધ પારખી શકે છે. પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું. અગ્નિમાં તેનું તેજ હું છું. બધા ભૂતમાત્રામાં જે જીવ છે જેના લીધે હલનચલન થાય છે તે હું છું. ૧૦ મા અધ્યાયમાં ભગવાન કહે છે, 
" વેદાનાં સામવેદોડસ્મિ દેવાનામસ્મિ વાસવ: ।   
ઈન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥"
દેહમાં જે ચેતન છે તે હું છું, જે નીકળી ગયા પછી તે અગ્નિને સમર્પિત કરો કે જળને, દેહને કોઈ ફેર કોઈ ફરક નથી પડતો પણ જ્યાં સુધી ચેતનતત્ત્વ દેહમાં હોય તો જરાક દીવાની જ્યોત અડકી જાય તો પણ દાઝી જવાય છે. તપસ્વીઓનું તેજ, તપ હું છું. સર્વ જીવોનું સનાતન બીજરૂપ હું છું.    
" बीज जी झाले तरु । अथवा भंगारची अलंकारु ।     
तैसे मज एकाचा विस्तारू । ते हे जगत ॥”
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, બીજમાંથી જ્યારે તરુ બને છે ત્યારે બીજનો લોપ થઈ જાય છે. અલંકાર બને છે ત્યારે સુવર્ણનો લોપ થઈ જાય છે. એ જ પ્રમાણે જ્યારે સંસાર દેખાય છે તો એમાં જે સૂક્ષ્મ તત્ત્વ હોય છે એનો લોપ થઈ જાય છે અથવા દેખાતું નથી.  બુદ્ધિમાન લોકોની બુદ્ધિ તથા તેજસ્વીઓનું તેજ હું છું. 

7.11

બલં(મ્) બલવતાં(ઞ્) ચાહં(ઙ્), કામરાગવિવર્જિતમ્।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ, કામોઽસ્મિ ભરતર્ષભ॥૭.૧૧॥

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ! હું બળવાનોમાં આસક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું.

 ભગવાન કહે છે, હે ભરતશ્રેષ્ઠ અર્જુન! જે બળવાન છે એનું બળ હું છું. બીજાને પીડા કે તકલીફ આપનારું બળ નહીં પણ આસક્તિ અને કામના રહિત બળ હું છું. હનુમાનજી બળવાન, વિદ્યાવાન, ગુણી અને ચતુર છે પણ પોતાની ક્ષમતાનો ઉપયોગ પરમાત્માના કામ માટે કરે છે. હનુમાનજીને પણ એમના બળની યાદ અપાવી પડે છે ત્યારે એ કામ કરે છે. ભગવાન કહે છે, ધર્મને અનુકૂળ કામના પણ હું છું. કામના ન હોય તો જીવન કઈ રીતે જીવાય? કર્તવ્યપૂર્તિની કામનાઓ હોવી જ જોઈએ. તાણ કે ઈચ્છા વગર પણ પ્રગતિ નથી થતી.
     ઈચ્છા હોવી જોઈએ પણ એ ધર્મને, શાસ્ત્રને અનુકૂળ હોવી જોઈએ. મારી કર્તવ્યપૂર્તિ માટેની ઈચ્છા ખરાબ નથી. મારી દીકરીના લગ્ન થઈ જાય કે મારા ઘરમાં કોઈ માંદું હોય તો એના સાજા થવાની કામના ખરાબ નથી. આ કામનાઓ માયાનું જ રૂપ છે. અહીં ધર્મનો અર્થ છે "જે કરવું જોઈએ તે કર્તવ્ય." કામનાઓને ગળણી લગાવી દીધી. કામનાઓ જો ધર્મસંગત હોય તો એને માટે કાર્ય કરો કારણકે એ પરમાત્માનું જ રૂપ છે. ભગવાન કહે છે સાત્ત્વિક, રાજસિક અને તામસિક ભાવ મારાથી ઉત્પન્ન થાય છે પરંતુ હું એ ભાવમાં નથી કે એ ભાવો મારામાં નથી કારણ કે એ મારાથી ઉત્પન્ન થાય છે એટલે મને પ્રભાવિત નથી કરતા. 

7.12

યે ચૈવ સાત્ત્વિકા ભાવા, રાજસાસ્તામસાશ્ચ યે।
મત્ત એવેતિ તાન્વિદ્ધિ, ન ત્વહં(ન્) તેષુ તે મયિ॥૭.૧૨॥

અને વળી, જે સત્ત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ તેમને સમજ; એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી.

સત્ત્વ, રજ અને તમગુણો પ્રકૃતિના ગુણો છે. ગુણ એ રસ્સી છે.  ગુણનો એક અર્થ રસ છે અને બીજો અર્થ ગુણધર્મ છે, બંને અર્થ સાચા છે. અહીં ગુણનો અર્થ રસ્સી છે જે આપણને બાંધે છે. ત્રણે નથી આપણે બંધિત છીએ. સત્ત્વ એટલે જ્ઞાનનો પ્રકાશ, રજ એટલે ક્રિયાશીલતા અને તમ એટલે ક્રિયાશૂન્યતા, જડતા. ત્રણેય ગુણો કાર્ય કરવા માટે આવશ્યક છે. રજોગુણને કારણે કાર્ય થાય છે, તમાકુને કારણે કાર્ય બંધ થાય છે. એક ગાડીમાં તમોગુણ બ્રેકનું કામ કરે છે, રજોગુણ પેટ્રોલનું કામ કરે છે. સ્ટીયરીંગ સત્ત્વગુણનું હોવું જોઈએ એટલે ગાડી કઈ દિશામાં લઈ જવી, રજોગુણ ક્યાં લઈ જશે, શું કામ કરાવશે એ જ્ઞાનના પ્રકાશમાં ખબર પડશે. આ ત્રણેય ગુણ મારાથી જ ઉત્પન્ન થાય છે પણ હું એમનામાં નથી કે એ મારામાં નથી કારણ કે ભગવાનને એ ગુણો પ્રભાવિત નથી કરતા, ગુણોનું બંધન તો જીવાત્માને છે કારણ કે એ સ્વયંને દેહ માને છે. 
      અત્યારે આપણે વિવેચન સાંભળીએ છીએ ત્યારે સત્ત્વગુણમાં છીએ પરંતુ વચ્ચે કંઈ કામ યાદ આવી જતા ઉભા થઈશું ત્યારે રજોગુણમાં આવી જઈશું. રજોગુણ જ્ઞાનના પ્રકાશમાં બેસવા નથી દેતો રજોગુણ હાવી થઈ જાય છે. પ્રવચન સાંભળીને કોઈને ઊંઘ આવી ગઈ તો તમોગુણ હાવી થઈ ગયો. આ માનસિક બંધનો છે. ત્રણેય ગુણો આપણી અંદર જ છે.
    જે રીતે સાગરમાં લહેર નિર્માણ થાય છે, સાગરમાં જ વિલીન થઈ જાય છે પણ એ લહેરમાં આખો સાગર નથી હોતો એ જ પ્રમાણે પરમાત્માથી જે સૃષ્ટિનું નિર્માણ થાય છે પરમાત્મા એમાં છુપાઈ જાય છે. જે વસ્તુનું નિર્માણ થાય છે તે મૂળ વસ્તુને ઢાંકી દે છે. આપણે આગળ બી અને અલંકારના ઉદાહરણો જોયા. ચણાના લોટમાંથી લાડુ, ભજીયા વગેરે બને છે પણ પછી લોટ નથી દેખાતો એમ મૂળ વસ્તુ ઢંકાઈ જાય છે, એનો લોપ થઈ જાય છે. 
     ઠાકુર રામકૃષ્ણદેવ કહે છે, આપણે જો કોઈ સુંદર બગીચામાં જઈએ તો એની સુંદરતામાં ખોવાઈ જઈએ છીએ, એ જ પ્રમાણે મનુષ્ય સંસારમાં ખોવાઈ ગયો છે. આ ગુણમયી માયા આપણને આકર્ષિત કરે છે અને જેનાથી ગુણ નિર્માણ પામ્યા છે તેનો લોપ થઈ જાય છે. સુંદર બગીચાના માળીને કોઈ શોધવા નથી જતું. 
    “तपस्वियों सी है अटल ये पर्वतों की चोटियाँ    
     ये सर्प सी घुमेरदार घेरदार घाटियाँ   
     ध्वजा से ये खड़े हुए हैं वृक्ष देवदार के
     गलीचे ये गुलाब के बगीचे ये बहार के
    ये किस कवि की कल्पना का चमत्कार है
    ये कौन चित्रकार हैं ये कौन चित्रकार !”  
   આ કોણ ચિત્રકાર છે જેને સૃષ્ટિનું નિર્માણ કર્યું? જેની સૃષ્ટિમાં હું આવ્યો? એ મારી પાસેથી શું ઈચ્છે છે? આ વાતનું જ્ઞાન આપનારી ભગવદ્ગીતા અને એનો આ સુંદર અધ્યાય છે. ભગવાન હવે માયા તરફ આવશે.  એ અવ્યય પરમાત્મા છે. એ બગીચાના માળીને, એ ચિત્રકારને આપણે જાણતા નથી કારણકે એ આપણને જાણવા દેતો નથી. એણે આપણને એ માયામાં બાંધી દીધા છે. કોણ છોડાવશે? એ જ છોડાવશે. 
 આ સાથે જ જ્ઞાનેશ્વર મહારાજને અને સદ્ગુરુગોવિંદદેવગીરિજી મહારાજને પ્રણામ સાથે વિવેચનની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું. 
  પ્રશ્નોત્તરી :
સવાલ : ૧ અગ્રવાલભૈયા
 છઠ્ઠા અધ્યાયના ૩૫મા શ્લોકમાં મન પર કાબુ રાખવાનું કહ્યું છે તો એને માટે શું કરવું જોઈએ?
જવાબ :

  ભગવાન કહે છે કે આપણું મન ચંચળ છે. મન જ્યાં રહેશે ત્યાં તેનો યોગ કરશે.  જો પરમાત્માને હંમેશા યાદ રાખીએ તો એ ઉત્તમ યોગ છે. વારંવાર એ જ વસ્તુ કરવી, મન ભગવાનમાંથી સંસારમાં જાય તો પાછું મનને વાળો અને નામજાપ, રૂપને યાદ કરીને પાછું પરમાત્મામાં લગાડવું. અનુચિતતામાંથી ઉચિતતામાં મન લગાડવું, જે વારંવાર કરવું તે છે અભ્યાસ. જ્યારે લક્ષ મોટું હોય ત્યારે ગુરુજી કહે છે કે મન પોતાની મેળે જ ભગવાન તરફ જાય છે. ખોટી વસ્તુમાંથી સારી વસ્તુમાં મન લગાડીએ. જેમ પક્ષીને ઉડવા માટે બે પાંખ જોઈએ તેમ વૈરાગ્ય અને અભ્યાસથી મનને વશ કરી શકાય છે. 
 સવાલ : ૨ આશાદીદી જોશી
  નિર્ગુણ ભક્તિ અને સગુણ ભક્તિ શું છે?
જવાબ:
 સગુણ ભક્તિ એટલે પરમાત્માના ગુણો સાથે. ભગવાનની લીલા સાંભળીએ, ભક્તિ કરીએ કે નામજાપ, સ્વરૂપનું ચિંતન કરીએ તે સગુણ ભક્તિ છે. એમ કરવાથી પરમાત્મા અવતરીત થાય છે. વિઠ્ઠલ ભગવાન જેમ પંઢરપુરમાં અને જ્ઞાનેશ્વર જેમ આળંદીમાં સગુણરૂપે છે. ભગવાને આ ભક્તિનું બારમા અધ્યાયમાં નિરૂપણ કર્યું છે. આપણે દેહરૂપમાં છીએ એટલે આપણને સગુણની ભક્તિ ફાવે છે.
  સવાલ : ૩. સીતાદેવી
પારિવારિક તકલીફોને લીધે જ્યારે ભક્તિ કરવા બેસું છે ત્યારે તકલીફો જ યાદ આવે છે,ધ્યાન નથી લાગતું તો શું કરું કે મન ધ્યાનમાં લાગે?
 જવાબ :
આ તમારા એકલાની સ્થિતિ નથી. મોટા મોટા સંત મહાત્માઓને પણ આ સહન કરવું પડે છે. સૌથી સારો રસ્તો એ જ છે કે તમે ભગવાનનું શરણ લો અને એને જ કહો કે મને આવું થાય છે તો આમાંથી રસ્તો કાઢ. નવ પરિણીત કન્યાને ભગવાન શિવની પૂજા કરવાનું કહેવામાં આવે છે કારણ કે જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે તે હળહળ વિષ નીકળ્યું હતું તે ભગવાન શિવે પીધું હતું અને એને પોતાના કંઠમાં રોકી દીધું હતું. એમ જીવનમાં જો કોઈ તકલીફ આવે તો એનો હિંમતથી સામનો કરવાનો છે. ભગવાનનું શરણ લઈને જ પ્રાર્થના કરવાની છે કે આમાંથી મને બહાર કાઢ. 
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ. 
      ॥  ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ