विवेचन सारांश
સાકાર સગુણ ભક્તિ શ્રેષ્ઠ કે નિરાકાર નિર્ગુણ ભક્તિ?

ID: 3703
गुजराती - ગુજરાતી
શનિવાર, 23 સપ્ટેમ્બર 2023
પ્રકરણ 12: ભક્તિ યોગ
1/2 (શ્લોક 1-9)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


જય શ્રીકૃષ્ણ! પરમ પૂજ્ય સ્વામી મહારાજને આજના સત્રમાં આમંત્રણ આપું છું અને સૌથી પહેલાં ગુરુને વંદન કરીએ.
गुरुर् ब्रह्मा गुरर्विष्णु गुरुर्देवो महेश्वर:
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः।
આજે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આપ સૌ ગીતા પ્રેમી સાધકોની સામે ૧૨મા અધ્યાય ભક્તિયોગનું વિવેચન કરવા માટે આપની સામે ઉપસ્થિત છું. ગીતા પરિવાર દરેક વ્યક્તિને સાધક સમજે છે પછી ભલે કોઈ પહેલા પગથીયા ઉપર હોય, કોઈ બીજા કે કોઈ ત્રીજા. હું પણ એક સાધક જ છું અને પ્રતિદિન ગીતાના અર્થને સમજવાનો તથા તેને વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરતો રહું છું. જીવનનાં ૪૮મા વર્ષે ભગવદ્ગીતાને કંઠસ્થ કરવાનો આદેશ પરમ પૂજ્ય ગોવિંદ દેવગિરિજી મહારાજ પાસેથી મળ્યો અને પછી મેં ધીરે ધીરે પ્રયત્ન ચાલુ કર્યો, તો બે વર્ષે આખી ગીતા કંઠસ્થ કરી શક્યો. એ વખતે ન તો આવા ઓનલાઇન વર્ગો ચાલતા કે કોઈ માર્ગદર્શન કરવાવાળું પણ નહોતું અને સંસ્કૃત મારો વિષય પણ નહોતો પરંતુ સંસ્કૃતના અનુસ્વારનો ઉચ્ચાર, તેના આઘાતનો ઉચ્ચાર આદરણીય સુવર્ણા કાકી જેવા સંસ્કૃતના વિદ્વાન પાસેથી શીખ્યો. અભ્યાસ કરતાં કરતાં ગીતા કંઠસ્થ થઈ ગઈ અને ૫૦મા વર્ષે પાંચ વિવેચનો કર્યા. એના પહેલાં ભગવદ્ગીતાનું મનન, ચિંતન કરવાનો અવસર કે સૌભાગ્ય પ્રાપ્ત થયું નહોતું. ગીતા પરિવારથી તો ઘણા વર્ષોથી પરિચિત હતો પરંતુ ગીતા પરિવારે બાળકો સુધી ગીતાને પહોંચાડવાનું કાર્ય હાથમાં લીધું હતું. સ્વામીજી જે કહેતા તે કામ અમે કરી લેતા, પરંતુ બારમા અને પંદરમાં અધ્યાય સિવાય ગીતાનું કોઈ જ્ઞાન નહોતું. ૫૦ વર્ષ સુધી વ્યવસ્થાપન અને સંચાલનનો અનુભવ હતો પરંતુ પછી મને ખબર પડી કે આજ સુધી જે કંઈ વ્યવસ્થાપન અને સંચાલન શીખ્યો તેનો સાર ભગવદ્ગીતામાં છે. વિદ્યાલયનું સંચાલન કરતાં કરતાં બાલ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણમાં ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી. એ વખતે ઘણું વાંચ્યું, ઘણું શીખ્યો પરંતુ પછી ખબર પડી કે બાળકોની સાથે વિચારવિમર્શ કરવાનો શ્રેષ્ઠ માર્ગ ભગવદ્ગીતામાં છે. પાશ્ચાત્ય દેશોનાં મનોવૈજ્ઞાનિક અભ્યાસના બધાં પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે આ બધાં પુસ્તકો નૈરાશ્યમાંથી બહાર નીકળવા માટેનું જ્ઞાન આપે છે પરંતુ ગીતા જેવા શાસ્ત્રો નિરાશા આવે જ નહીં એવું જ્ઞાન આપે છે. જે રીતે આપણે સમય સમય પર ગાડીને સર્વિસ કરાવીએ છીએ જેથી માર્ગમાં ગાડી ન બગડે એ જ પ્રમાણે ભગવદ્ગીતા આપણાં જેવાં સાધકોનું મનોવિશ્લેષણ કરે છે જેથી નૈરાશ્ય જેવું બ્રેક ડાઉન થાય જ નહીં. અર્જુનની જેમ આપણે નિરાશાની ગર્તામાં ધકેલાઈ ન જઈએ તેથી ભગવાન કૃષ્ણ એમને કર્તવ્યવિમૂઢતામાંથી બહાર લાવે છે અને આપણે નિરાશામાં જઈએ જ નહીં એના માટે ગીતાનું જ્ઞાન આપે છે. સંચાલનના એટલાં બધાં પુસ્તકો વાંચ્યા પછી ખબર પડી કે સ્વ ને સંચાલિત રાખવા માટે ભગવદ્ગીતા જેવું કોઈ શાસ્ત્ર નથી. આજે પણ જ્યારે જ્યારે ગીતાજી વાંચું છું, કંઈક નવું શીખવા મળે છે. તેથી જ પોતાને ખૂબ ભાગ્યશાળી સમજુ છું જ્યારે  વિવેચન કરવાનો એક વધુ અવસર મળે છે. હજુ પણ મારી યાત્રા ચાલુ જ છે કારણ કે હું અલ્પમતિ છું. એવી કોઈ બુદ્ધિ મારામાં છે નહીં, છતાં પણ ઈશ્વરે ગીતાને કંઠસ્થ કરવાનો, વિવેચન કરવાનો અવસર આપ્યો. ભગવદ્ગીતામાં દરેક પ્રકારના સાધક માટે માર્ગ બતાવવામાં આવ્યો છે, પછી તે બુદ્ધિશાળી હોય કે અબુધ, સજ્જન હોય કે દુર્જન. ભગવદ્ગીતા આપણને સાંખ્ય યોગ કે જેને આપણે જ્ઞાનયોગ કહીએ છીએ તે શીખવે છે. જેમની પાસે જ્ઞાન નથી, એમને કર્મયોગ શીખવે છે, અને જેમને કર્મ પણ નથી કરવું તેમને ભક્તિમાર્ગ પણ શીખવે છે. આ બધા રસ્તાઓ છેવટે ઈશ્વરપ્રાપ્તિનાં શિખર પર જઈને મળે છે. કોઈ આમથી આવે કે બીજી બાજુથી, પૂર્વથી આવે કે પશ્ચિમથી, તમે ક્યાં ઉભા છો, તમારું સ્થાન ક્યાં છે, એના ઉપર તમારી દિશાનો આધાર છે. કોઈ તમને પૂછે કે ગંગા પાર કરવા માટે હું કઈ હોડીમાં બેસું? તો તમે કહેશો કે તમારો પ્રશ્ન અધૂરો છે. પહેલાં તો તમે એ કહો કે તમે ક્યાં ઉભા છો? તમારું સ્થાન ખબર પડે પછી જ તમને આગળનો રસ્તો કહી શકાય. તે જ પ્રમાણે સાધક કઈ સ્થિતિમાં છે તેના ઉપરથી તેનો આગળનો માર્ગ નક્કી થઈ શકે.
જ્યારે આપણે ભક્તિયોગનું ચિંતન કરીએ છીએ, ત્યારે લાગે છે કે ભક્તિ યોગ જ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. અર્જુને જ્યારે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે, સગુણ સાકાર ભક્તિ કરનાર વ્યક્તિ પરમપદને પામે છે કે જ્ઞાનયોગી નિરાકાર સ્વરૂપને જલ્દી પ્રાપ્ત કરે છે? ભગવાન શ્રીકૃષ્ણ તરત જ જવાબ આપે છે જે ભક્તિયોગને જ શ્રેષ્ઠ ગણાવે છે. સૌથી પહેલાં આપણે અર્જુનને ધન્યવાદ આપવા જોઈએ, કારણ કે આપણા મનમાં ઉઠતાં પ્રશ્નને અર્જુને ભગવાનની સમક્ષ રજૂ કર્યો છે. ગીતાકાર ભગવાન વેદવ્યાસે ગીતાના આરંભમાં જ ગીતાનું મહાત્મ્ય વર્ણવતાં કહ્યું કે, અર્જુન તો વાછરડું છે. ઉપનિષદ એ ગાય છે, જેનાં જ્ઞાનરૂપી દૂધનું દોહન કરીને શ્રીકૃષ્ણ રુપી ગોપાલ અર્જુનરૂપી વાછરડાંને દુગ્ધ પાન કરાવે છે.
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः।
पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत।।
  



12.1

અર્જુન ઉવાચ
એવં(મ્) સતતયુક્તા યે, ભક્તાસ્ત્વાં(મ્) પર્યુપાસતે।
યેચાપ્યક્ષરમવ્યક્તં(ન્), તેષાં(ઙ્) કે યોગવિત્તમાઃ॥૧૨.૧॥

જે અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપનાં ભજન-ધ્યાનમાં રચ્યા- પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો, જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે- એ બન્ને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે ?

૧૧મા અધ્યાયના અનુસંધાનમાં અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે અને તે પરમાત્માને પૂછે છે,
હે કૃષ્ણ! જે ભક્તો નિરંતર આપના સગુણ સાકાર સ્વરૂપનું ચિંતન કરીને આપની ઉપાસના કરે છે અને જે આપનાં અક્ષર અવિનાશી નિર્ગુણ નિરાકાર અવ્યકત સ્વરૂપની ઉપાસના કરે છે તે બંનેમાં ઉત્તમ એટલે કે યોગને જાણવાવાળો કોણ છે?
આ તો એવું થયું કે એક માતાને પૂછીએ કે તમને નાનો દીકરો પ્રિય છે કે મોટો? માતા શું જવાબ આપે? માતા માટે તો બંને દીકરાઓ બંને આંખ જેવા સમાન હોય છે. હવે પૂછનાર જો આગ્રહ કરે કે બેમાંથી એક દીકરાને તો મારે સાથે લઈ જવો પડશે. જ્યારે અનિવાર્ય થઈ જાય ત્યારે માતા સ્વભાવિક રીતે કહેશે કે નાના દીકરાને મારી પાસે રાખો અને મોટા દીકરાને તમે લઈ જઈ શકો છો કારણ કે નાના દીકરાને મારી વધારે જરૂર છે. મોટો તો એની મેળે ખાઈ શકે છે, માંગી પણ શકે છે, થોડો સમય એકલો રહી શકે છે પણ નાનો દીકરો મારા વિના રડે છે. એની તકલીફ માત્ર હું જ સમજી શકું છું. એ સંપૂર્ણ રીતે મારી ઉપર નિર્ભર છે. મોટાને થોડીવાર માટે તમે લઈ જઈ શકો છો, પણ જલ્દી પાછો લઇ આવજો હોં! એના વિના પણ હું વધુ સમય નહીં રહી શકું.

12.2

શ્રીભગવાનુવાચ
મય્યાવેશ્ય મનો યે માં(ન્), નિત્યયુક્તા ઉપાસતે।
શ્રદ્ધયા પરયોપેતાઃ(સ્), તે મે યુક્તતમા મતાઃ॥૧૨.૨॥

મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન- ધ્યાનમાં રચ્યા- પચ્યા રહેનાર જે ભકતજનો, અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને, મુજ સગુણસ્વરૂપને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૂપે માન્ય છે.

આ સાંભળીને ભગવાને સસ્મિત કહ્યું, જેનું મન મારામાં જ યુક્ત છે, જોડાઈ ગયું છે અને જે નિરંતર પરમ શ્રદ્ધાથી યુક્ત થઈને મને ભજે છે, મારી ઉપાસના કરે છે, તેવા ભક્તો મને સૌથી વધુ પ્રિય છે. ઉપાસના શબ્દ પણ સમજવા જેવો છે. ઉપ એટલે બાજુમાં કે સાથે અને આસના એટલે આસન ઉપર બેસવું. જે નિરંતર મારી પાસે કે મારી સાથે છે, એટલે કે જેનું મન મારા વિના બીજે ક્યાંય જતું નથી એવા ભક્તો જ્યારે મને શ્રદ્ધાથી પૂજે છે, ભજે છે, તેવા ભક્તો મને સૌથી વધુ પ્રિય છે. મારું મંતવ્ય છે કે તેઓ સર્વ શ્રેષ્ઠ યોગી છે. અહીં સમજવાનું એ છે કે, ભક્તને ઈશ્વર સિવાય બીજું કશું ખબર નથી. એનું ખાવું, પીવું, સૂવું, રમવું બધું જ ઈશ્વરની સાથે હોય છે.
શબરીની વાર્તા સાંભળવા જેવી છે. શબરી ભીલ રાજાની પુત્રી છે અને તેનું લગ્ન થવાનું છે. શબરીને ખબર પડે છે કે લગ્નનાં ભોજનમાં બકરીના બચ્ચાઓનો વધ કરીને તેનું ભોજન પીરસાવાનું છે. શબરીને આ વાત સાંભળીને બહુ જ દુઃખ થયું. આપણી ખુશી માટે મૂંગા જીવોનો વધ કરવાનો? એ નાની છોકરીથી બીજું તો કશું થાય એમ હતું નહીં એટલે રાત્રે ચૂપચાપ ઘરમાંથી ભાગી ગઈ અને જંગલની તરફ દોડવા લાગી. તેના પિતાને આ વાતની ખબર પડી એટલે એમણે શબરીની પાછળ સૈનિકો દોડાવ્યા. શબરી સૈનિકોથી બચવા ઝાડ પર ચડી ગઈ અને આખી રાત ઝાડ પર બેસી રહી. જેવો દિવસ ઉગે ફરી પાછું દોડવાનું શરૂ કરે એમ કરતાં કરતાં એક દિવસ માતંગઋષિના આશ્રમમાં પહોંચી ગઈ. અને પછી ત્યાં જ આશ્રમમાં સેવા કરવા માંડી. વૃધ્ધ માતંગઋષિએ શબરીને પ્રેમથી સ્વીકારીને ત્યાં જ રહેવા દીધી. એક દિવસ ઋષિએ બધાં આશ્રમવાસીઓને બોલાવીને કહ્યું કે, હવે મારો જવાનો દિવસ આવી ગયો છે. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. નાનકડી શબરીને ખબર ન પડી કે ગુરુજી ક્યાં જઈ રહ્યા છે? પાછા આવશે કે નહીં? એણે તો એના મનમાં આવેલો પ્રશ્ન પૂછ્યો કે મને બીજી કાંઈ ખબર પડતી નથી, પરંતુ મને એટલું કહો કે મને ભગવાન મળશે કે નહીં અને ક્યારે મળશે? ઋષિએ કહ્યું કે તું અહીં જ આશ્રમમાં રાહ જોજે એક દિવસ ભગવાન રામ તને જરૂર મળવા આવશે. ત્યારથી દરરોજ શબરી આંગણું વાળી નાખે, આંગણામાં પાણી છાંટે, નદીમાંથી ઠંડુ પાણી ભરી આવે, રોજ ભગવાન માટે જંગલમાંથી બોર વીણી આવે અને ચાખી ચાખીને મીઠાં બોર ભગવાન માટે બાજુમાં રાખી મૂકે. એ રોજ આતુરતાથી રામની રાહ જોતી હતી. શબરી પોતાનું અસ્તિત્ત્વ જ ભૂલી ગઈ હતી, જાણે રામમય થઈ ગઈ હતી! આ રીતે વર્ષો સુધી પ્રતિક્ષા કરી કરીને વૃદ્ધ થઈ ગઈ પણ એનો વિશ્વાસ અડગ હતો. "नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास" પૂરી શ્રદ્ધાથી શબરી રામની રાહ જોતી. એક દિવસ ખરેખર જ માતંગ ઋષિના આશીર્વાદથી ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ શબરીની ઝુંપડીમાં આવ્યા. રામને સાક્ષાત આવેલાં જોઈને શબરીની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. એનાં અશ્રુથી જ ભગવાનનું પાદ પ્રક્ષાલન થઈ ગયું. તેણે ભગવાનને ચાખી-ચાખીને આપેલા બોર રામે એટલાં જ પ્રેમથી ખાધા અને એના ભવનો ઉદ્ધાર થઈ ગયો. શબરી ભક્તિની ચરમ સીમા છે. શબરી અને કેવટ બંનેની ભક્તિ ધન્ય છે! કેવટ પણ અત્યંત ચતુરાઈથી ભગવાનના પગ પખાલીને ચરણ રજ લે છે. ઘસી ઘસીને પગ ધોય છે,  લક્ષ્મણ અને સીતા માતાને પણ આશ્ચર્ય થયું હતું કે જે રામે વિવાહ સમયે જનક રાજાને પણ પદ પ્રક્ષાલન કરવા દીધું નહોતું તે જ રામ આજે કેવટ પર અતિ પ્રસન્ન થઈને ચરણરજ લેવા દે છે!
नकोस नौके परत फिरूं ग नकोस गंगे ऊर भरूं
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
ही दैवाची उलटी रेघ
माथ्यावरचा ढळवूं मेघ
भाग्य आपुलें अपुल्या हातें अपुल्यापासुन दूर करूं
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
श्री विष्णूचा हा अवतार
भव-सिंधूच्या करतो पा
तारक त्याला तारुन नेऊं पदस्पर्शाने सर्व तरु
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
जिकडे जातो राम नरेश
सुभग सुभग तो दक्षिण देश
ऐल अयोध्या पडे अहल्या पैल उगवतिल कल्पतरू
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
कर्तव्याची धरुनी कांस
राम स्वीकरी हा वनवास
दासच त्याचे आपण कां मग कर्तव्यासी परत सरूं
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
अतिथि असो वा असोत राम
पैल लाविणे अपुलें काम
भलेंबुरें तें राम जाणता आपण अपुलें काम करूं
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
गंगे तुज हा मंगल योग
भगिरथ आणि तुझा जलौघ
त्याचा वंशज नेसी तूंही-दक्षिण देशा अमर करूं
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
पावन गंगा पावन राम
श्रीरामांचें पावन नाम
त्रिदोषनाशी प्रवास हा प्रभु नाविक आम्ही नित्य स्मरूं
श्रीरामांचे नाम गात या श्रीरामाला पार करूं
जय गंगे जय भागिरथी
जय जय राम दाशरथी
-- गीतरामायण - ग. दि. माडगुळकर
અદ્ભૂત ભક્તિ છે. આજ તો સાચા યોગી છે. ગંગા પાર કરીને જ્યારે કેવટે ભગવાન રામને સામે પાર ઉતાર્યા છે, ત્યારે રામ તેને કંઈક મહેનતાણું આપવા ઈચ્છે છે. પરંતુ વનવાસી વેશમાં તેમની પાસે શું હોય? સીતામાતા તેમની ઈચ્છા સમજી જાય છે અને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને આપે છે પરંતુ કેવટ લેવાની ના પાડે છે. તે કહે છે કે સમવ્યવસાયિક લોકોએ એકબીજા પાસેથી મહેનતાણું લેવાનું ન હોય. હું લોકોને ગંગા પાર કરાવું છું, અને આપ લોકોને ભવસાગર પાર ઉતારો છો અને રામે કેવટને ખરેખર ભવસાગર પાર કરાવી દીધો! આવી ભક્તિ ઈશ્વરને પ્રિય છે. આવા લોકોને યોગવેત્તા કહી શકાય.

12.3

યે ત્વક્ષરમનિર્દેશ્યમ્, અવ્યક્તં(મ્) પર્યુપાસતે।
સર્વત્રગમચિન્ત્યં(ઞ્) ચ, કૂટસ્થમચલં(ન્) ધ્રુવમ્॥૧૨.૩॥

પરંતુ જે ભક્તો અક્ષર, અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વગત, અચિન્ત્ય, કૂટસ્થ, અચલ, અને ધ્રુવ ની ઉપાસના કરે છે.અનિર્દેશ્ય - જેનો નિર્દેશ ન થઈ શકે.અવ્યક્ત - જેનું વર્ણન ન કરી શકાય.કૂટસ્થ - નિર્વિકાર બ્રહ્મ.


આ શ્લોક સાંભળીને શરીર રોમાંચિત થઈ જાય છે. શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. રોમ રોમ ગદ્ ગદ્ થઈ જાય છે. તેથી જ नित्ययुक्ता उपासते। દરરોજ ગીતાનો અભ્યાસ કરવો જોઈએ. ગીતામાતાની નિત્ય સેવાથી લોકોને આશ્ચર્યચકિત કરી દે તેવા અનુભવો થયેલાં છે. હવે ભગવાન કહે છે, એમ તો નિરાકારની ઉપાસના પણ સર્વશ્રેષ્ઠ છે કારણ કે મારું મૂળ સ્વરૂપ નિરાકાર જ છે. શરીરની ઈન્દ્રિયોને સંયમિત કરીને, યમ-નિયમનું પાલન કરીને અને અષ્ટાંગ યોગ અપનાવીને જે લોકો જે કોઈના જોવામાં નથી આવતો, કોઈના ચિંતનમાં નથી આવતો, પરંતુ બધે જ વ્યાપ્ત છે, પરિપૂર્ણ છે, એવા અક્ષર અને ધ્રુવ જેવા અચલ એવા નિર્વિકાર પરમાત્મતત્ત્વનું ચિંતન કરે છે, તેવા યોગીજનો મને પ્રાપ્ત કરે છે.

12.4

સન્નિયમ્યેન્દ્રિયગ્રામં(મ્), સર્વત્ર સમબુદ્ધયઃ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ, સર્વભૂતહિતે રતાઃ॥૧૨.૪॥

ઇન્દ્રિયો ના સમુદાય ને સારી રીતે વશમાં કરી ને સૌ માં સમાન ભાવ રાખનારા તથા સઘળાં ભુતોના હિતમાં રત રહેનારા ભક્ત મને જ પામે છે.

 આ શરીર જે પ્રાણીમાત્રનું હિત ઈચ્છે છે કે કરે છે, અને જીવમાત્રને સમાન ભાવથી જુએ છે તેવા લોકો મને મેળવે છે. સર્વ ભૂતહિતે રતા:। સંસ્કૃતમાં ભૂતનો અર્થ ભૂત પ્રેત નહીં, પરંતુ જીવમાત્ર એવો થાય છે. એટલે જ તો આપણા શાસ્ત્રમાં સાપ, બળદ વગેરે પ્રાણીઓની પૂજા કરવાનું કહ્યું છે. વસુબારસના દિવસે ગાયની વાછરડા સાથે પૂજા કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, વૃક્ષોમાં પણ જીવ છે તેથી આમળા નવમીના દિવસે આમળાના વૃક્ષનું પૂજન અને વટસાવિત્રી વ્રતના દિવસે વડની પૂજા કરવાનું કહેવાયું છે. એટલું જ નહીં કૃષ્ણાવતારમાં ગોવર્ધન પર્વતની પૂજા પણ કરી છે. ગંગાનદીનું પૂજન, રક્ષાબંધનના દિવસે સાગરનું પૂજન એમ પંચમહાભૂતોનું પૂજન કરીએ છીએ. રથ સપ્તમીના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવા તેમને અર્ઘ્ય આપવામાં આવે છે. આમ શાસ્ત્રમાં જડ-ચેતન દરેક વસ્તુમાં ઈશ્વરનાં દર્શન કરીને તેની પૂજા કરવાનું શીખવવામાં આવ્યું છે. જેણે ચરાચર સૃષ્ટિમાં ઈશ્વરનો આવિર્ભાવ જોઈ લીધો છે, તેઓ સર્વત્ર સમબુધ્ધયા એટલે કે તેમની બુદ્ધિ સમ થઈ જાય છે. બધાંને સમાન ભાવથી જુએ છે. એમના માટે કોઈ મોટું નથી કોઈ નાનું નથી. કીડીને કણ અને હાથીને મણ આપે છે. કૂતરાને રોટલી અને કાગડાને ભાત આપે છે. જીવ માત્રને સમાન માનવાવાળા આવા લોકો મને જ પ્રાપ્ત કરે છે.

12.5

ક્લેશોऽધિકતરસ્તેષામ્, અવ્યક્તાસક્તચેતસામ્।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં(ન્), દેહવદ્ભિરવાપ્યતે॥૧૨.૫॥

પણ સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે; કારણકે દેહાભિમાનીઓ વડે અવ્યક્તવિષયક ગતિ ઘણું દુ:ખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે.

આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે જેણે મને વ્યક્ત સ્વરૂપમાં જોયો છે, તેને માટે મને અવ્યક્ત કે નિર્ગુણ રૂપમાં જોવો મુશ્કેલ છે કારણ કે નાનપણથી આપણને વ્યક્તના સંસ્કાર જ મળ્યા છે. આપણી માતા, આપણા પિતા, આપણી સામે વ્યક્ત સ્વરૂપમાં હોય છે. આ જગત બધું વ્યક્ત સ્વરૂપમાં છે. હું રડું તો મારી મા મને ઇંચથી લે છે, ભૂખ લાગે તો દૂધ પીવડાવે છે. આજ સુધી બધું વ્યકત સ્વરુપે જોયા પછી અચાનક હું અવ્યકત કેવી રીતે જોઈ શકું? મેં સગુણ અને સાકાર રૂપને જ જોયું છે. તો નિર્ગુણ અને નિરાકાર સ્વરૂપ મારી સમજમાં કેવી રીતે આવે? અને તેથી મને સમજવામાં મુશ્કેલી થાય છે. અવ્યકતની ઉપાસના કરતાં કરતાં ઘણી મુશ્કેલીઓ આવશે. તેથી આ રસ્તો થોડો મુશ્કેલ છે. એવી હોડીમાં બેસી જા જેનો નાવિક તારો ઓળખીતો છે, જેને તું જાણે છે. જેને તે જોયો છે એને તારું જીવન સમર્પિત કરી દે.
अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में,
है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में
मेरा निश्चय है बस एक यही,
एक बार तुम्हे पा जाऊं मैं,
अर्पण करदूँ दुनिया भर का,
सब प्यार तुम्हारे हाथों में…
जो जग में रहूँ तो ऐसे रहूँ,
जैसे जल में कमल का फूल रहे,
मेरे सब गुण दोष समर्पित हों,
करतार तुम्हारे हाथों में…

यदि मानव का मुझे जन्म मिले,
तो तेरे चरणों का पुजारी बनूँ,
इस पूजा की एक एक रग का,
हो तार तुम्हारे हाथों में…

जब जब संसार का कैदी बनू,
निष्काम भाव से कऱम करूँ,
फिर अंत समय में प्राण तजूं,
निराकार तुम्हारे हाथों में…

मुझ में तुझ में बस भेद यही,
मैं नर हूँ तुम नारायण हो,
मैं हूँ संसार के हाथों में,
संसार तुम्हारे हाथों में…

अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में,
है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में…


 ઈશ્વરને કહી દો કે તમારે જે કરવું હોય એ કરો, મેં બધું તમને સોંપી દીધું છે. આવું એકવાર કહયા પછી હોડી ચલાવવાની જવાબદારી તમારી નથી. ઈશ્વર બધું સંભાળી લે છે. સમર્પણ સૌથી મહત્ત્વની વાત છે. ભગવાને પણ અર્જુનના સમર્પણ પછી જ ગીતાનો ઉપદેશ કહયો છે. બીજા અધ્યાયમાં આપ જોશો કે જ્યારે અર્જુને કહ્યું કે, " હું તમારા શિષ્ય તરીકે સંપૂર્ણ સમર્પણ કરું છું, મને કશું જ સમજાતું નથી. મારા માટે શું શ્રેયસ્કર છે. તમે કહેશો તેમ હું કરીશ" ત્યારે જ ભગવાને ગીતાનો ઉપદેશ કહયો છે. મેં ફક્ત મારા રથના ઘોડાની લગામ તમને નથી સોંપી, મેં તો મારા જીવન રથની લગામ આપના હાથમાં સોંપી દીધી છે. જ્યારે તમે મારી સાથે છો, ત્યારે મારી ચિંતા કરવાની જરૂર નથી. આટલો વિશ્વાસ જ્યારે ઈશ્વર પર થઈ જાય ત્યારે ઈશ્વર જ બધું સંભાળી લે છે. આથી જ તો અર્જુને કૃષ્ણની નારાયણી સેના પણ કૌરવોને આપી દીધી હતી. મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણ એ શરત મૂકેલી કે એક પક્ષમાં હું નિઃશસ્ત્ર રહીશ તો બીજા પક્ષે મારી ઔક્ષહિણી નારાયણી સેના લડશે. બોલ અર્જુન તારે શું જોઇએ? કૃ‌ષ્ણ એ પહેલી પસંદગી અર્જુનને આપી છે કારણ કે અર્જુન કૃષ્ણનાં પગ પાસે બેઠો છે. નિદ્રામાંથી જાગેલા કૃષ્ણની નજર સૌથી પહેલાં અર્જુન પર પડે છે. જે શ્રદ્ધાથી અને વિનમ્રતાથી નતમસ્તક થઈને બેઠો છે, તેને કૃષ્ણ પ્રેમ કરે છે. દુર્યોધન પહેલાં આવ્યો છે, પરંતુ અહંકારને કારણે કૃષ્ણના માથા પાસે બેઠો છે, તેથી કૃષ્ણને દેખાતો નથી. અર્જુને કૃષ્ણને પસંદ કર્યા કારણ કે તેને વિશ્વાસ હતો કે સમગ્ર સૃષ્ટિના નાથ એવા કૃષ્ણ સાથે હોય પછી જીત નિશ્ચિત છે. એટલું જ નહીં જયારે યુધ્ધ શરૂ થવાનું છે, બંને સેનાઓ સામે સામે લડવા માટે તૈયાર ઉભી છે, શંખધ્વનિ થઈ રહ્યો છે, ત્યારે પાંડવ સેનાના સેનાપતિ યુધિષ્ઠિર મહારાજ ઉઘાડા પગે રથમાંથી નીચે ઉતરે છે અને સામેના પક્ષે ઉભેલા ભીષ્મપિતામહના રથ પાસે જઈને તેમને પ્રણામ કરે છે, કારણકે તેઓ કુળના જ્યેષ્ઠ વડીલ છે અને તેમને પ્રણામ કરીને આશીર્વાદ લેવા એ કુળની પરંપરા છે. ભીષ્મપિતામહના મનમાં એ વખતે કેવી દ્વિધા ઉત્પન્ન થઈ હશે! કુળનાં જ્યેષ્ઠ વડીલ તરીકે જીતનાં આશીર્વાદ ન આપે તો કુળની પરંપરાનો ભંગ થાય અને આશીર્વાદ આપે તો પોતાનો જ પરાજય નિશ્ચિત થઈ જાય. પોતાનો પૌત્ર જેને તેમણે નાનપણમાં રમાડ્યો છે તેને આશીર્વાદ કેવી રીતે ન આપે? ભીષ્મ પિતામહે હાથ ઉંચો કરીને આશીર્વાદ આપ્યો કે વિજયી ભવ અને એ જ વખતે પાંડવોનો વિજય નિશ્ચિત થઈ ગયો. એક વિલક્ષણ દ્રશ્ય છે. કૌરવોની સેનાનો સેનાપતિ પાંડવોનાં સેનાપતિને વિજયી ભવનો આશીર્વાદ આપી રહ્યો હતો. નમ્રતામાં આ તાકત રહેલી છે. અને એટલે જ ઘરમાંથી બહાર નીકળતી વખતે ઘરના વડીલોને પ્રણામ કરીને નીકળવું જોઈએ. આ દરેક કુટુંબની પ્રથા હોવી જોઈએ. નમવાથી બધા ક્લેશનો નાશ થઈ જાય છે.

12.6

યે તુ સર્વાણિ કર્માણિ, મયિ સન્ન્યસ્ય મત્પરાઃ।
અનન્યેનૈવ યોગેન, માં(ન્) ધ્યાયન્ત ઉપાસતે॥૧૨.૬॥

પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો, સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને, મુજ સગુણસ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતાં ભજે છે.

જે લોકો પોતાના દરેક કર્મ મને અર્પણ કરે છે, એ મારું ધ્યાન કરવા લાગે છે, અને મારો અનન્ય યોગી કે ભક્ત બની જાય છે તેનું ધ્યાન હું રાખું છું. હે અર્જુન! તારું મન મારામાં લગાવીને તારા બધા કર્મો મને અર્પણ કરી દઈશ તો હું તારું બધું ધ્યાન રાખીશ.

ભગવાન અદ્ભૂત વાત કરે છે.

तू ही है सर्वत्र व्याप्त हरि ! तुझमें यह सारा संसार । 

इसी भावना से अंतर भर, मिलूँ सभी से तुझे निहार ।। 

ઘરની ગૃહિણી જો ઈશ્વરને ધરાવવા માટે પ્રસાદ બનાવી રહી છે એવી ભાવનાથી રસોઈ બનાવે તો એની રસોઈ અમૃત બની જાય. ભાવ ખૂબ મહત્ત્વનો છે. સ્વાર્થની ભાવનાથી કરેલું કર્મ ક્યારેય સંતોષ આપતું નથી. દુકાનદાર પોતાના દરેક ગ્રાહકમાં ઈશ્વરને જુએ તો એનો વ્યાપાર પણ સેવા બની જાય, ભક્તિ બની જાય છે. આથી સંકલ્પ કરો કે આજથી હું દરેક વ્યક્તિમાં ઈશ્વરને જ જોઈશ.

आत्मा त्वं गिरिजा मति: सहचरा: प्राणाः शरीरं गृहं

पूजा ते विषयोपभोग रचना निद्रा समाधिस्थिति: ।
संचारः पदयोः प्रदक्षिण विधिः स्तोत्राणि सर्वा गिरा
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनाम ।।

મારું શરીર અને આત્મા હંમેશા તમારી સાથે રહે, મારા વિષયોનાં ભોગ તારી પૂજા બની જાય, મારી નિદ્રા સમાધિ થઈ જાય, મારું ચાલવું તારી પ્રદક્ષિણા થઈ જાય, અને હું જે કંઈ બોલું તે સ્તોત્ર થઈ જાય, મારું દરેક કાર્ય તારા માટે જ હોય. આવી તારી આરાધના થઈ જાય તો હે શંભુ મારાથી કોઈ અનુચિત કાર્ય થઈ જ ન શકે.

આવો ભાવ એકવાર આવી જાય તો પછી કૃષ્ણ કહે છે તે હવેના શ્લોકમાં આવશે. 


12.7

તેષામહં(મ્) સમુદ્ધર્તા, મૃત્યુસંસારસાગરાત્।
ભવામિ નચિરાત્પાર્થ, મય્યાવેશિતચેતસામ્॥૧૨.૭॥

મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોનો હે પાર્થ! હું સત્વરે મૃત્યુરૂપી સંસાર-સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું.

હે પાર્થ! આવા લોકોનો અતિ શીઘ્રતાથી હું આ ભવસાગરમાંથી સમ્યક ઉધ્ધાર કરું છું. ગમે તેટલી મુશ્કેલીઓ આવે તારી નૈયાને હું ભવસાગર પાર કરાવી દઈશ. આ વાત સ્વયં ભગવાન પોતાના મુખેથી કહે છે પણ એના માટે એક શરત ભગવાન મૂકે છે.

12.8

મય્યેવ મન આધત્સ્વ, મયિ બુદ્ધિં(ન્) નિવેશય।
નિવસિષ્યસિ મય્યેવ, અત ઊર્ધ્વં(ન્) ન સંશયઃ॥૧૨.૮॥

મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ; એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.

તારું મન મારામાં પરોવીને, મને તારું મન અર્પણ કરીને, તારી બુદ્ધિ મારામાં સ્થિર કરીને, તારી બુદ્ધિ મને સોંપીશ તો તું મારામાં નિવાસ કરીશ એની હું ખાતરી આપું છું. મન અને બુદ્ધિ સંપૂર્ણ ઈશ્વરને સોંપવાની વાત છે. આપણે ગણેશોત્સવ શું કામ મનાવીએ છીએ? આગલા દિવસે મૂર્તિ એટલે કે અચેતન મૂર્ત સ્વરૂપને લાવીને એમાં ભાવ ઉત્પન્ન કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એમાં મન અને બુદ્ધિનો નિવેશ કરવાનો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. પૂર્ણ શ્રદ્ધાથી જો મન અને બુદ્ધિને સોંપી દઈને તારું બધું જ મને અર્પણ કર.
શરણાનંદજી મહારાજ પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ હતા. દેખાતું નહોતું પરંતુ તેમના અંતરચક્ષુ સક્રિય હતા. રોજ સાંજે પોતાના ચાર પાંચ શિષ્યોને સાથે લઈને ચાલવા નીકળતાં. એક દિવસે એક ઝાડ નીચે જઈને તેમણે એક પથ્થર ઉઠાવ્યો. અને તેની સાથે વાતો કરવા લાગ્યા. થોડીવાર પછી પથ્થરને કહ્યું કે હવે હું કાલે આવીશ. લોકો એમને ગાંડા સમજતા કે પથ્થર સાથે વાતો કરે છે! શિષ્યને પણ નવાઈ લાગી. બીજે દિવસે પણ શરણાનંદ મહારાજ શિષ્યોની સાથે પહોંચ્યા. અને બરાબર કાલે જે પથ્થર લીધેલો તેને હાથમાં લઈને તેની સાથે ફરીથી વાતો કરવા લાગ્યા. પથ્થરને કહ્યું, મેં તને કહ્યું હતું ને કે કાલે આવીશ! જો આવી ગયો! ત્યાં બેઠેલા લોકોમાંથી એકને શંકા થઈ. એની બુદ્ધિ માની નહીં. એને લાગ્યું કે ગુરુદેવ ચોક્કસ પગલાં ગણીને અહીં પહોંચી ગયા છે. બાકી એ જ પથ્થર કેવી રીતે ઉઠાવી લીધો? તેથી એણે એ પથ્થર ઉઠાવીને ૫૦ ડગલાં દૂર આગળના ઝાડ નીચે મૂકી દીધો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે જોઉં છું ગુરુજી કેવી રીતે પથ્થરને શોધે છે! બીજે દિવસે રોજના નિત્યક્રમ પ્રમાણે ગુરુજી શિષ્યો સાથે ચાલવા નીકળ્યા અને બરાબર એ જ પથ્થર હાથમાં લઇને એને પૂછવા લાગ્યા. અરે! તું અહીં કેવી રીતે આવ્યો? ચાલીને આવ્યો કે શું? આ જોઈને પેલી વ્યક્તિ એકદમ શરમાઇ ગઈ અને ગુરુજીના પગમાં પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ગુરુજીની માફી માંગતા કહ્યું મને ક્ષમા કરો, મેં તમારી યોગ્યતા ઉપર શંકા કરી છે. મેં તમારી પરીક્ષા લેવા માટે પથ્થરને ત્યાંથી ઉઠાવીને બીજી જગ્યાએ ફેંકી દીધો હતો. કૃપા કરીને મને કહો કે આ કેવી રીતે શક્ય બન્યું? મહારાજે કહ્યું બેટા! દરેક વસ્તુમાત્રમાં જીવ હોય છે. પથ્થરમાં પણ ઈશ્વરનો વાસ હોય છે, ચેતના હોય છે. તમે એને બોલાવો તો એમાં ચેતન પ્રગટ થાય છે. તેથી જ તો ભક્તોની ચેતનાથી મૂર્તિમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અમારે ત્યાં પંઢરપુરમાં વિઠોબાની વારીમાં કેટલાય કિલોમીટર ચાલીને લોકો ઉઘાડાં પગે પંઢરપુર મંદિરમાં પહોંચીને દર્શન કરે છે. વિઠોબાની મૂર્તિમાં ભક્તોની આ ચેતનાનું તેજ દેખાય છે. મનની બુદ્ધિને અર્પણ કરીને શ્રદ્ધાનું જાગરણ કરવાનું છે, અને બહિરંગમાંથી અંતરંગ થવાનું છે.

12.9

અથ ચિત્તં(મ્) સમાધાતું(ન્), ન શક્નોષિ મયિ સ્થિરમ્।
અભ્યાસયોગેન તતો, મામિચ્છાપ્તું(ન્) ધનઞ્જય॥૧૨.૯॥

જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય, તો હે ધનંજય! અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર.

ભગવાન કહે છે કે મન અને બુદ્ધિ સોંપવાનું જો તને અઘરું લાગતું હોય તો એક સહેલો ઉપાય તને બતાવું છું. થોડો થોડો અભ્યાસ કર. અભ્યાસ કરવાથી તને આવડી જશે. અભ્યાસનો અર્થ અહીંયા વાંચવું એવો નથી. સ્વામીજી કહે છે, ગીતા ભણો, ભણાવો અને જીવનમાં ઉતારો. જ્યાં સુધી વ્યવહારમાં નહીં લાવો કે જીવનમાં નહીં ઉતારો ત્યાં સુધી નહીં આવડે. તેથી મન અને બુદ્ધિ સોંપવાનો અભ્યાસ કરવો પડશે. વ્યવહારમાં લાવવું પડશે. જો આમ કરવું પણ તને અઘરું લાગતું હોય તો હજુ એક રસ્તો તને બતાવું છું.
સ્વાધ્યાય એટલે ભણવું અને અભ્યાસ એટલે કરવું. રોજ થોડો થોડો અભ્યાસ કરવાથી ધીરે ધીરે આવડી જશે. મોબાઈલને બાજુમાં રાખીને પહેલા પાંચ મિનિટ પછી દસ મિનિટ એમ ફકત અને ફક્ત ઈશ્વર સાથે જ રહેવાનું છે. પહેલાં હું અને તું, પછી ધીરે ધીરે હું મટતો જશે અને ફક્ત તું જ રહેશે. એના માટે ઈશ્વરનો આભાર માનીને નિશ્ચયપૂર્વક પ્રયત્ન કરવો અનિવાર્ય છે. પરમાત્મા સાથે વાત કરતાં આંખમાં આંસું આવવા જોઈએ. હે પ્રભુ! આજે તમે મને યાદ કરાવી દીધું. તમારો કેટલો ઉપકાર! તમે કયા ફૂલ ચડાવ્યા અને શેનો ભોગ ધરાવ્યો એ વસ્તુનું મહત્ત્વ નથી. તમે કેટલા ભાવથી અને કેટલી અનન્યતાથી એ કરો છો તે મહત્ત્વનું છે. ભગવાન ભાવનો ભૂખ્યો છે અને એટલે જ મનથી અને નિશ્ચય બુદ્ધિથી યોગ કરવાનો છે. મનથી સમર્પણ કરવાનું છે. જ્યારે પણ મારી યાદ આવે ત્યારે ભાવવિભોર થઈ જવાનું છે. અને કોઈપણ શંકા વગર મારું થઈ જવાનું છે. હું તારો જ છું. જ્યારે તારો ભાવ નિશ્ચિત થઈ જશે ત્યારે તું મારામાં જ સમર્પિત થઈ જઈશ. ત્યારે ફક્ત હું જ રહીશ,અને દ્વૈતમાંથી અદ્વૈત થઈ જઈશું. અભ્યાસની સાથે વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક આગળ વધતો રહે અને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. તો હે ધનંજય ! હું તને પ્રાપ્ત થઈ જઈશ.
 ગૌતમ બુદ્ધના શિષ્યે એક વાર બુદ્ધને પૂછ્યું, હે પ્રભુ! બધાંને મોક્ષની પ્રાપ્તિ કેમ નથી થતી? ભગવાને જવાબમાં કહ્યું કે, આજે ૧૦ ઘરમાંથી ભિક્ષા માગી લાવો અને દરેકને પૂછો કે તમારે શું જોઈએ છે?તમારી ઈચ્છા શું છે? શિષ્યએ દરેક ઘરમાં જઈને પૂછ્યું, તમારી શું ઈચ્છા છે? કોઈએ કહ્યું, મારે પુત્ર જોઈએ છે, કોઈએ કહ્યું, મને રોગમાંથી મુક્તિ જોઈએ છે, કોઈએ કહ્યું મારે ધનની પ્રાપ્તિ કરવી છે. કોઈએ કહ્યું મારે નોકરી જોઇએ છે. દરેકે કોઈને કોઈ સંસારિક વસ્તુઓની ઈચ્છા દર્શાવી. શિષ્ય પાછો આવ્યો ત્યારે બુદ્ધે હસીને પૂછ્યું, શું થયું? શિષ્યએ કહ્યું, દસમાંથી એક પણ વ્યક્તિએ મોક્ષની ઈચ્છા નથી કરી. ત્યારે બુદ્ધે કહયું કે જ્યાં ઈચ્છા જ નથી તો પ્રાપ્તિ ક્યાંથી થાય? સૌથી પહેલાં તો મનમાં ઈચ્છા હોવી જોઈએ અને પછી તેનો દૃઢ સંકલ્પ હોવો જોઈએ. ભગવાન કહે છે તું મારી ઈચ્છા તો કરી જો! ઈચ્છા કરીશ, પ્રયત્ન કરીશ અને અભ્યાસ કરીશ તો બધું જ મળશે.
આ પણ નહીં કરી શકે? કોઈ વાંધો નહીં. આનાથી પણ સહેલો રસ્તો બતાવું છું. આવતા વિવેચનમાં આગળના શ્લોકમાં આનો અભ્યાસ કરીશું. અત્યારે પ્રશ્નોત્તરી લઈએ. જય શ્રી કૃષ્ણ!

 પ્રશ્નોત્તરી :
 સવાલ : ૧ બજરંગભૈયા
 આપે સગુણ અને નિર્ગુણ વિશે જણાવ્યું તેમ જ સાકાર અને નિરાકાર વિશે પણ જણાવ્યું તે વિશે પ્રશ્ન છે કે મુસ્લિમ લોકો ઉપરની તરફ જ જુએ છે તો તે કોણ છે?
 જવાબ :
 એ નિરાકારની જ ઉપાસના છે. નિરાકારની ઉપાસના પણ શ્રદ્ધા વગર થઈ શકે જ નહીં. આપણે તેને કોઈપણ નામ આપીએ. આપણે જે સગુણની ઉપાસના કરીએ છીએ તે પણ નિર્ગુણ તરફ જ આગળ વધે છે અને નિર્ગુણ છે તે સગુણ તરફ. દાખલા તરીકે ગણપતિ અત્યારે દસ દિવસ આપણા ઘરે બિરાજયા છે. આપણે શું કરીએ છીએ?દરરોજ તેની પૂજા કરી ભોગ ધરાવીએ છીએ, શૃંગાર કરીએ છીએ પછી શું કરીશું? દસ દિવસ પછી આપણે તેને નદીમાં પધરાવી દઈશું એટલે કે વિસર્જન કરીશું. આ વિસર્જનનો અર્થ શું? વિસર્જન એટલે વિસ્તારમાં સૃજન. એનો અર્થ એ કે આજ સુધી આપણે ગણપતિની આરાધના કરી તે પાણીમાં ભળી જશે, તે પાણી ગણેશમય બની જશે. પછી એ પાણી ખેતરમાં જશે ખેતરમાં અનાજ ઉગે છે એટલે અનાજ પણ ગણપતિ બની જશે અને તે અનાજ જેના પણ પેટમાં જશે એ સર્વે ગણેશમય બની જશે. એટલો વિસ્તાર ગણેશજીનો થશે. આમ આપણા મનને વિસ્તારિત કરવાનો ભાવ તે ગણેશ વિસર્જન. આમ ઉપાસનાની પદ્ધતિ જુદી જુદી હોઈ શકે છે પણ જેમ ગીતામાં કહ્યું છે કે " સર્વ ધર્માન્ પરીત્યજ્ય, મામેકં શરણમ્ વ્રજ" એટલે કે બધું છોડીને મારી એકની શરણમાં આવી જા. આમ સર્વ ઉપાસના એક જ છે. જેમ બધી નદીઓનું જળ સાગરમાં ભળી જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર કેશવ તરફ જ જાય છે. તેના પર ભરોસો રાખો.
 સવાલ : ૨. વિધ્યતા મહેતા
આજના જમાનામાં ભણતર વૈજ્ઞાનિક રીતે ભણવામાં આવે છે, જેમાં દરેક વાતમાં શંકા કરવી અને તેનો ઉકેલ મેળવવાનું શીખવાડવામાં આવે છે એટલે કે દરેક થીયરી હોય તેનું પ્રૂફ જોઈએ તો હવે મને પ્રશ્ન થાય છે કે આવું સંશયયુક્ત મન હોય તો મારામાં ભક્તિ આવશે? હું સમર્પણ કરી શકીશ?
જવાબ :
 " અભ્યાસેપ્ય સમર્થોડસિ મત્કર્મો પરમોભવ." આગળના સત્રમાં એની ઉપર જ વધારે ભાર રહેશે. અભ્યાસ કરવામાં અસમર્થ છીએ તેનું કારણ કોઈ પણ હોય પરંતુ એટલું તો કરી શકીએ કે જે કોઈ કામ છે તે પોતાનું જ કામ છે એમ સમજીને કરીએ. બસ, એટલો જ ભાવ આવી જાય તો પણ બસ છે. ભગવાન આવવા માંગે છે તમે દરવાજો તો ખોલો! તમે દરવાજો જ બંધ કરીને બેઠા છો તો ભગવાન આવે કઈ રીતે? એટલે પહેલી શરત છે કે શ્રદ્ધા વિના કંઈ પણ ન થઈ શકે તો મનને સમજાવી લઈએ કે આ પૂર્વ શરત છે. જેમ ભૌતિકશાસ્ત્ર કે ગણિતમાં કેટલીક પૂર્વ શરતો હોય છે એમ આ પૂર્વ શરત છે. જ્યાં સુધી ગીતા શીખી રહ્યા છો ત્યાં સુધી વિશ્વાસ રાખો કે તમે હોડીમાં બેઠા છો અને એ તમને પ્રભુ તરફ લઈ જાય છે. જેમ તમે જન્મદાતા પિતા માટે માતાએ જે કહ્યું તેના પર ભરોસો રાખ્યો હતો. એમાં કોઈ ડીએનએ ટેસ્ટ કરાવતા નથી અને માની લીધું કે આજ મારા પિતાજી છે તો અહીં તો ભગવાન સ્વયં કહી રહ્યા છે તો તેનો વિશ્વાસ કરો, થોડા દિવસ તેમની સાથે ચાલો. આવી કેટલીય ઘટનાઓ ત્યારે અમારા ધ્યાનમાં આવે છે જ્યારે સાધકો અમને જણાવે છે. હમણાં એક કલાક પહેલા જ વિવેચનમાં એક મહિલાએ કહ્યું કે તેમને સ્ટીરોઈડની દવા લેવી પડતી હતી, તેમના ફેફસાં કામ કરતા ન હતા અને તેમને અસ્થમા હતો પણ જ્યારથી તેમણે ભગવદ્ગીતા વાંચવાની શરૂ કરી છે, તેમનો રોગ ગાયબ થઈ ગયો છે. એમણે કહ્યું કે હમણાં જ હું પર્વત ચડીને આવી છું. આપણે તો ફક્ત સાંભળ્યું હતું કે, "મુકમ્ કરોતિ વાચાલમ્, પંગુમ્ લંઘયતે ગિરિમ્." આમ કેટલાય લોકોને લાભ મળ્યો છે તો શ્રદ્ધા રાખી આવશ્યક છે.
સવાલ : ૩ કૈલાશકુમાર ખરે 
 ભગવાને કહ્યું છે કે મન અને બુદ્ધિ મારામાં લગાવો તો તેના માટે સરળ ઉપાય કયો હોઈ શકે છે? આપે નિર્ગુણની ઉપાસના અંગે જણાવ્યું તો તેના માટે વધુ સરળ ઉપાય શું છે?
જવાબ:
નિર્ગુણની ઉપાસનાનો અલગ અધ્યાય છે જે આવશે ત્યારે વધારે વિસ્તારથી જાણીશું. પરંતુ પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપું છું. આપણે કોઈ પણ યશસ્વિતાવું કાર્ય કરવું હોય તો તેમાં મન અને બુદ્ધિની સમન્વયતાની જરૂર પડશે. પરીક્ષામાં સારા ગુણ લાવવા હોય તો વર્ગમાં જયારે શિક્ષક ભણાવે ત્યારે મન અને બુદ્ધિને જોડીને એટલે કે ધ્યાનથી ભણો તો જ સારું પરિણામ મળે. મન અને બુદ્ધિને જોડીને જે પણ કામ કરશો તેમાં યશસ્વિતા આપણી પાછળ દોડતી આવશે તે નક્કીજ છે. હવે આ નથી થતું તો શું કરવું જોઈએ? તેના માટે ભગવદ્ગીતામાં બહુજ સરળ ઉપાય બતાવેલ છે. છઠઠા અધ્યાયમાં ઉપાસના વિષે ભગવાને કહ્યું છે કે પહેલાં તમે સીધા બેસો, તમારું શરીર ટટ્ટાર રહેવું જોઈએ. આસનની શરૂઆત માથાથી (શિરથી) થાય છે. આપણી ગરદન અને મસ્તકને શરીર સાથે સ્થિર રાખીને નાસિકાના અગ્ર ભાગને જુઓ. તેમાં ભગવાને આગળ એ પણ બતાવ્યું છે કે "પ્રાણાપાનો સમાયુકતા " એટલે કે પ્રાણ અને અપાનને સમાન કરવા,  એટલે કે આવતા અને જતા શ્વાસને સમાન કરવા. આ એકદમ સામાન્ય ક્રિયા છે મન અને બુદ્ધિને જોડવાની. આમાં શ્વાસને રોકવાની ક્રિયા કરવાની નથી ફક્ત એકસરખા સમય માટે શ્વાસ લેવો અને છોડવો . તો આજથી જ પ્રાર્થનામાં તેનો પ્રારંભ કરી દો .હવે પ્રશ્નકર્તા પૂછે છે કે આ માટે કોઈ નિશ્ચિત સમય છે? એક કલાક કે કોઈ પણ? તેના જવાબ માં જણાવ્યું કે દિવસમાં પાંચ દસ વખત કરો તો પણ ઘણું જ છે. દસ વખતમાંજ આ પ્રક્રિયા થઇ જાય છે. જે બાળકોને પરીક્ષાનો ભય હોય તેમણે પરીક્ષા આપતા પહેલાં આ ક્રિયા કરાવવી જોઈએ. જેમને મહત્વની મીટિંગ્સમાં યશ પ્રાપ્ત કરવો હોય તેમણે પણ આ કરવું જોઈએ. જ્યારે તમારે તમારી વાતથી સામેવાળાની સહમતિ લેવાની હોય ત્યારે આ કરશો તો તમે તમારી વાત સામેવાળાને પૂરી ક્ષમતાથી કહી શકશો. મન ત્યારેજ શાંત અને એકાગ્ર થશે જ્યારે જ્યારે શ્વાસોશ્વાસનું  નિયમન થશે. શ્વાસોશ્વાસના નિયમનની પૂર્વશરત એ છે કે શરીર ટટ્ટાર જોઈએ અને શરીર ટટ્ટાર હશે ત્યારેજ આપણી છાતી ખૂલશે અને ત્યારે જ આપણા ફેફસા પૂરા ખુલ્લા થશે. ત્યારે શ્વાસ લેશો તો તમારા શરીરમાં પ્રાણવાયુની માત્રા વધશે અને તે મસ્તિષ્ક તરફ જશે. તેનાથી તમારી બુદ્ધિક્ષમતા વધે છે. યોગાસન/પ્રાણાયામનો એકજ સરળ સિધ્દ્ધાંત છે શરીરમાં પ્રાણવાયુનું સ્તર વધારવું અને તે વધશે તો મસ્તિષ્કમાં તેનો પ્રવાહ વધુ જશે અને તે તમારી મનોવૃત્તિને આગળ ઉપર લઇ જઈ શકશે તે નિ:શંક છે.

 સવાલ :  ૪  ઉમેશકુમાર ધૂતભૈયા
 ગીતાજી જેટલીવાર વાંચીએ છીએ તેટલીવાર તેનું નવુંજ રૂપ સામે આવે છે. આજે આપશ્રીએ અદ્ભૂત રીતે સમજાવ્યું અને તેનું એક નવું જ રૂપ જાણવા મળ્યું છે. અને મારે એ જાણવું છે કે જેટલીવાર ગીતાને સમજવાનો પ્રયત્ન કર્યો છે તે દરેક વખતે તેનું અલગ જ રૂપ કેમ લાગે છે?

જવાબ: અર્જુન હતાશામાં હતો, તે નીચે બેસી ગયો હતો, તેની વિચારવાની ક્ષમતા પૂરી થઇ ગઈ હતી, તેનું મન ભમી રહ્યું હતું. તેવા સમયે ભગવાને તેના હાથમાં અર્જુન પોતાની મરજીથી (કોઈ જબરદસ્તીથી નહિ) ગાંડીવ ધનુષ્ય ફરીથી ઉપાડે તે માટે શ્રીમદ્દભગવદગીતાનો બોધ આપ્યો છે કે જેથી અર્જુન પરાક્રમ કરે, વિજય પ્રાપ્ત કરે એટલે ભગવદ ગીતા કહી. આપણું મન પણ ક્યારેક અર્જુન બને જાય છે. કારણ કોઈ પણ હોય. ગીતા આપણી આત્મસ્થિતિને સુધારે છે. આત્મસ્થિતિથી મન:સ્થિતિ અને મન:સ્થિતિથી પરિસ્થિતિ સુધી પહોંચે છે. એટલે કે ભગવદ્ગીતા શું કરે છે? જયારે આપણે તેનો અભ્યાસ કરીએ એટલે તે આપણી મન:સ્થિતિ સુધી પહોંચી જાય છે. ભગવદ્ગીતા એવું શાસ્ત્ર છે તે અભ્યાસ કરતી વખતે આપણી મન:સ્થિતિના મૂળ સુધી પહોંચી જાય છે અને આપણને સમાધાન સાંપડે છે. એટલેજ તો અમે રેકોર્ડેડ સેશન નથી ચલાવી શકતા. સ્વામીજીએ બિલકુલ ના કહી છે. મેં ૧૨મો અધ્યાય ૫૦ વખત કરેલો છે છતાં દરેક વખતે કરું છું તો મને મારી મન:સ્થિતિ મુજબ દરેક વખતે કોઈ નવો અર્થ મળે જ છે. આ આપણે માટે નથી કરતો મારા માટે કરું છું. હું ફરીથી ચિંતન કરીશ તો મને નવો અર્થ મળશે. તેથી જ  સ્વામીજી કહે છે તમારે જાતે જ કરવાનું છે. તમે નહિ કરો તો કોઈ બીજું કરશે પણ રેકોર્ડેડ સેશન તો નહીં જ. મને આ સેવા મળી તો હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. હરિ અનંત હરિકથા અનંત. આ સ્વરૂપ ભગવદ્ગીતાનું છે. જેનો કોઈ અંતિમ છેડો નથી મળતો. જેનો કોઈ અંતિમ છેડો નથી તે આનંદ છે અને અંતિમ છેડો તો પરમાનંદ છે. સુખ અને દુ:ખમાં સુખ મળે તો દુ:ખ ભોગવવુંજ પડે છે. જેમકે ગળ્યું ખાવું છે તે સુખ છે તો શરીરનું વજન વધવું એ દુ:ખ છે વગેરે. પરંતુ જયારે સુખની ઉપર જઈએ ત્યારે આનંદ મળે છે. અને આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. તેની ઉપર તો પરમાનંદ જ છે. આમ ભગવદ્ગીતા પરમાનંદ છે.
  આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર પૂરું થયું અને અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
        ॥  ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥