विवेचन सारांश
દૈવી-આસુરી ગુણો

ID: 3982
गुजराती - ગુજરાતી
શનિવાર, 11 નવેમ્બર 2023
પ્રકરણ 16: દૈવાસુર-સમ્પદ વિભાગ યોગ
2/2 (શ્લોક 2-24)
વિવેચન: ગીતા પ્રવીણ કવિતા જી વર્મા


કવિતા દીદીની પ્રાર્થનાથી વિવેચનની શરૂઆત થઈ. આજે આશુભૈયા ઉપસ્થિત રહી શકતા નથી તેથી જવાબદારી મને સોંપવામાં આવી છે. હું મને પોતાને બહુ ભાગ્યશાળી સમજું છું. જે કંઈ પૂજ્ય આશુભૈયા, તેમનાં પૂજ્ય પિતાશ્રી અને પરમ પૂજ્ય ગુરુજી પાસેથી શીખવા મળ્યું છે તેને મારી બુદ્ધિ અનુસાર કહેવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલાં તો આપણે ૧૬મા અધ્યાય "દૈવાસુરસંપદ્વિભાગયોગ"નું નામ સમજવાનો પ્રયત્ન કરીએ. ૧૫મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે,
 "इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।
  एतद् बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत ॥”

ગુરુજીના કહેવા પ્રમાણે ૧૫ મો અધ્યાય એ ગીતાજીના સારરુપ છે કારણકે ‘ઈતિ’ શબ્દથી કોઈ પણ વસ્તુનો અંત થાય છે, વિષય સમાપ્ત થાય છે. એટલે કે ગીતાનો મુખ્ય સાર ૧૫મા અધ્યાયમાં આવી ગયો છે. ૧૬મો, ૧૭મો અને ૧૮મો અધ્યાય એ ગીતાજીના પરિશિષ્ટ છે. ૧૮મો અધ્યાય ગીતાજીની પૂર્ણાહુતિ છે. ૧૫મા અધ્યાયમાં જ્ઞાનયોગ વિશે સમજાવ્યું છે. આ સંસારને એક ઉર્ધ્વમૂલ્ એટલે કે મૂળ ઉપર અને શાખા નીચે એવા ઝાડ સાથે સરખાવવામાં આવ્યો છે. સંસારનું કારણ પરમાત્મા છે, જે તેનું મૂળ છે અને તેની શાખા એટલે ડાળીઓ અધોગતિ એટલે કે નીચેની તરફ લઈ જાય છે.
સોળમા અધ્યાયમાં દૈવી અને આસુરી એમ બંને ગુણો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. ભગવાને ગીતામાં જે કંઈ જ્ઞાન આપ્યું તે જ્ઞાન સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ, તેના માટે આપણી અંદર કયા ગુણો હોવા જોઈએ અને કયા ગુણો ન હોવા જોઈએ તે વિશે ૧૬મા અધ્યાયમાં સમજાવ્યું છે. એવી કઈ આવશ્યક વાતો છે જેને આપણે જીવનમાં લાવીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ? આજે દીપોત્સવનો સુંદર તહેવાર છે. એ તહેવાર નિમિત્તે આપને એક પ્રાર્થના જરૂર કરીશ કે આપ સૌ "ગિફ્ટ ગીતા ક્લાસ" કોઈને જરૂરથી ભેટમાં આપશો અને તેમને ભગવદ્ગીતાના ક્લાસમાં જોડાવશો. 
પહેલા ત્રણ શ્લોકમાં ભગવાન દૈવી સંપદા અને દૈવી ગુણો વિશે વાત કરે છે, અને પછી આખા અધ્યાયમાં અંત સુધી આસુરી ગુણો વિશે ચર્ચા કરે છે. ગયા અઠવાડિયે આપણે પહેલો શ્લોક જોયેલો, જેમાં દૈવી ગુણો વિશે વાત કરી હતી. કુલ ૨૬ દૈવી ગુણો વિશે ભગવાન વાત કરે છે અને છેવટે અર્જુનને કહે પણ છે કે તારામાં આ બધા ૨૬ ગુણો પહેલેથી જ છે એટલે કે આ ગુણોની ચર્ચા અર્જુનને નિમિત્ત બનાવીને આપણા માટે કરી છે.

16.2

અહિંસા સત્યમક્રોધઃ(સ્), ત્યાગઃ(શ્) શાન્તિરપૈશુનમ્।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં(મ્), માર્દવં(મ્) હ્રીરચાપલમ્॥૧૬.૨॥

મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈનેય કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અન્તઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાંય નિંદા આદિ ન કરવાં, સર્વ ભૂત-પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી.

અહિંસા એટલે શું? કોઈને મારવું અથવા હાની પહોંચાડવી એટલે હિંસા એવું આપણે માનીએ છીએ અને આવું ન કરવું એટલે અહિંસા. પરંતુ અહિંસાનો આટલો મર્યાદિત અર્થ નથી. આપણને એમ પણ થાય કે એક તરફ ભગવાન અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરી રહ્યા છે અને એક તરફ અહિંસાની વાતો કરે છે! જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરવા માટે કોઈને મારે છે અથવા હિંસા કરે છે તો એ અહિંસા જ છે. એને હિંસા કહી શકાય નહીં. જ્યારે આપણાં દેશનાં જવાનો દેશની રક્ષા માટે દુશ્મનોનો ખાતમો બોલાવે છે ત્યારે એ પણ અહિંસા જ છે કારણ કે પોતાના ધર્મની, દેશની રક્ષા કરવા માટે હિંસા કરે છે, સ્વધર્મનું પાલન કરે છે. ભગવદ્ગીતામાં અહિંસાનો વિસ્તૃત અર્થ લેવામાં આવ્યો છે.
મન, વચન અને કર્મથી કોઈનું પણ ખરાબ ન કરવું, અહિત ન કરવું તેનું નામ અહિંસા. અહીં ફક્ત હાથેથી મારવું કે મુખમાંથી અપશબ્દો કાઢવા એટલું જ નથી પરંતુ મનમાં પણ કોઈના વિશે હીન ભાવના ન લાવવી. જીવમાત્રમાં કોઈને પણ દુઃખ થાય અથવા હાની થાય એવું વિચારવું તેનું નામ અહિંસા.
સ્વધર્મનું રક્ષણ કરવા માટે કરેલી હિંસા પણ અહિંસા છે.
પછીનો ગુણ છે સત્ય. સત્ય એટલે જે વાત જેવી છે તેવી માનવી અને કહેવી. આપણે કોઈ વાતને થોડી પણ બદલી નાખીએ તો તેનો અર્થ બદલાઈ જાય. આશય બદલાઈ જાય કે તેનું સ્વરૂપ બદલાઈ જાય તો એ અસત્ય જ છે.
પછીનો ગુણ છે અક્રોધ. ક્રોધ એ બહુ જ ભયંકર દુર્ગુણ છે. એની વિશેષતા એ છે કે આપણને દુષ્પરિણામની ખબર હોવા છતાં આપણે એનાથી બચી શકતા નથી. ક્રોધથી મોહ અને મોહથી સ્મૃતિભંશ અને સ્મૃતિભંશથી મનુષ્યનો વિનાશ થાય છે. આમ ક્રોધ વિનાશનું કારણ છે, આથી ક્રોધથી હંમેશા બચવું તેનું નામ અક્રોધ. ક્રોધની પરિભાષા આટલી મર્યાદિત નથી કોઈ વ્યક્તિ આપણા વિશે કાંઈ ખોટું બોલે અથવા પ્રતિકૂળ બોલે અને આપણાં મનમાં ક્ષોભ કે ગ્લાનિ થાય તે પણ એક પ્રકારનો ક્રોધ છે. મનમાં ખેદ કે શોક પણ ઉત્પન્ન થવો ન જોઈએ તેનું નામ અક્રોધ. ગમે તેવી પરિસ્થિતિમાં આપણા મનની સ્થિતિમાં ફેર ન પડવો જોઈએ. જેમ જેમ આપણે સત્ત્વગુણ તરફ આગળ વધીશું તેમ આપણા તમોગુણ અને રજોગુણ ઓછા થતા જશે.
આના પછીનો ગુણ છે ત્યાગ. ત્યાગનો અર્થ બધા વિષયોનો ત્યાગ એટલે કે સાંસારિક સુખનો ત્યાગ કરવાનો છે. હવે સંસારિક સુખનો ત્યાગ પણ આપણે પૂર્ણપણે કરી શકતા નથી. ભૂખ લાગે એટલે ખાવા જોઈએ. ઊંઘ આવે એટલે સુવા જોઈએ. આ બધું કરવું જ પડે. ધર્મની મર્યાદામાં રહીને, શાસ્ત્રોનાં વચન પ્રમાણે વિષયોનો ભોગ કરવાનો છે, પરંતુ તેમાં આસક્તિ રાખવાની નથી. વિષયોની ઈચ્છાઓનો ત્યાગ કરવાનો છે. મળે તો રોજ સુકા મેવા ખાઓ પરંતુ ક્યારેક ન મળે તો ભૂખ્યા પણ રહેવું પડે. એનું દુઃખ ન થવું જોઈએ. જે પરિસ્થિતિમાં ઈશ્વર રાખે તેમાં સમભાવથી રહેવું તેનું નામ ત્યાગ. કર્મફળની ઇચ્છાનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. ગીતા પરિવારના હજારો ગીતા સેવીઓ કોઈપણ પ્રકારના બદલાની અપેક્ષા વિના સતત કાર્ય કરે છે, તે ત્યાગનું ઉત્તમ ઉદાહરણ છે.
ત્યાગ પછીનો ગુણ છે શાંતિ. શાંતિ એટલે મનમાં કોઈ પણ પ્રકારની હલચલ કે ઉથલપાથલ ન થવી. જ્યારે આપણા મનમાં લોભ કે ક્રોધ ઉત્પન્ન થાય છે, ત્યારે આપણું મન સતત તેનું ચિંતન કર્યા કરે છે અને તે જ વિષયના મનમાં હજારો વિચાર આવ્યા કરે છે. આપણી એક વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપણું મન બીજે ક્યાંય લાગતું નથી. સતત તે જ વસ્તુના કે વ્યક્તિનાં વિચારો આવ્યા કરે છે, અને મન અશાંત થઈ જાય છે. પૈસાના લોભથી આપણે સતત કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા રહીએ છીએ, તેનાથી વધુ લોભ ઉત્પન્ન થાય છે અને શાંતિનો ભંગ થાય છે. અશાંત વ્યક્તિને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. વિષયોની ઈચ્છા એ જ અશાંતિનું મૂળ કારણ છે. સંતુષ્ટિ શાંતિ પ્રદાન કરે છે.
અપૈશૂનમ એટલે બીજાની નીંદા ન કરવી. પૈશૂનમ્ એટલે ચુગલી કરવી. ઘણા લોકોની જિંદગીનો મહત્તમ સમય લોકોની નિંદા કરવામાં કે આની વાત બીજાને અને બીજાની વાત આને કરવામાં જતી હોય છે. સાંભળવામાં સાધારણ લાગે પરંતુ આનાથી તેઓ પોતાના જીવનમાં અને બીજાનાં જીવનમાં ઘણી અશાંતિ ફેલાવતા હોય છે.
જીવમાત્ર પ્રત્યે દયા એ પણ એક દૈવી ગુણ છે. કીડીથી માંડીને દરેક જીવમાં ઈશ્વરના દર્શન કરીને તેની પર કરુણા, દયા અને સહાનુભૂતિ રાખવી એ પણ એક દૈવી ગુણ છે.
અલોલુપ્ત્વમનો અર્થ છે કોઈપણ આસક્તિનો ત્યાગ. કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યામાં આસક્તિ ન રાખવી એ પણ દૈવી ગુણ છે.
માર્દવ એટલે સરળતા કોમલતા અથવા સહજતા. આપણા વાણી, વર્તન અને વ્યવહારમાં સરળતા હોવી જોઈએ. આપણે જેવા છીએ તેવા જ દેખાવું જોઈએ. દંભ કરવાની જરૂર નથી. આપણે અંદરથી કંઈક છીએ અને બહાર કંઈક જુદું જ બતાવીએ, આવું વર્તન ગીતામાં માન્ય નથી. હ્રીર એટલે લજજા. આપણને કોઈ પણ ખોટું કામ કરતાં લજજા આવવી જોઈએ. એટલે ખોટું કામ કરતા પહેલાં આપણે વિચાર કરીશું. દુર્યોધનની જેમ આપણને પણ ખબર છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં પરંતુ ઘણી વખત આપણે અંદરના અવાજને સાંભળતા નથી. આપણને ખોટું કામ કરતી વખતે શરમ આવતી નથી. માની લો કે આપણા હાથે ખોટુ કામ થઈ ગયું તો એના માટે આપણને ગ્લાનિ થવી જોઈએ. લજ્જા આવવી જોઈએ અથવા પશ્ચાતાપ થવો જોઈએ.
ચાપલમ એટલે અસ્થિરતા. ઘણા લોકોનું મન એટલું અસ્થિર હોય છે કે એક જગ્યાએ ટકતું નથી. આવું અસ્થિર મન ક્યારેય શાંતિ આપતું નથી. કોઈ પણ કાર્યની સફળતા માટે મનમાં સ્થિરતા હોવી બહુ જરૂરી છે. અચાપલમ્ એટલે કે ચંચલતાનો અભાવ પણ એક દૈવી ગુણ જ છે. પૂજા કરવા બેઠા હોઈએ અને ધ્યાન રસોડામાં જ હોય અથવા તો મન બીજે ક્યાંય ભટકતું હોય તો ચાપલમ્ કહેવાય.

16.3

તેજઃ ક્ષમા ધૃતિઃ(શ્) શૌચમ્, અદ્રોહો નાતિમાનિતા।
ભવન્તિ સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતસ્ય ભારત॥૧૬.૩॥

તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું - આ સઘળાં હે ભારત! દૈવી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

તેજનો અર્થ છે તેજસ્વીતા. ઘણા લોકોના ચહેરા પર, કોઈની વાણીમાં, કોઈની નજરમાં તેજ હોય છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ગયા ત્યારે ભાષણમાં તેમણે ફક્ત ચાર શબ્દો કહ્યા, મારા પ્રિય અમેરિકન ભાઈઓ તથા બહેનો! પણ આ ચાર શબ્દોની જાદુઈ અસર થઈ તેનું કારણ છે તેમની તેજસ્વી વાણી. આપણાં બોલવાથી આવો પ્રભાવ નહિ પડે. શંકરાચાર્યજી તેજનું અર્થઘટન કરતા કહે છે કે આપણે બીજી વ્યક્તિને આપણી સારી વાત સમજાવવી હોય કે તેમની પાસેથી સંમતિ મેળવવી હોય તો એના માટે આવી તેજસ્વી વાણી જરૂરી છે. મહાપુરુષોની વાણીમાં આવું તેજ હોય છે. આ તેજ લાવવા માટે તપ કરવું પડે છે. આથી જ આપણા ગુરુજીએ गीता पढ़े और पढ़ाए એવો મંત્ર આપ્યો છે. કારણ કે પોતે શીખ્યા વિના બીજાને શીખવવા જઈએ તો આપણાં કહેવાનો કોઈ પ્રભાવ પડશે નહીં. કોઈ આપણી પાસેથી શીખશે નહીં. સ્વામીજી જેવી વર્ષોથી ગીતાનો અભ્યાસ કરનારી વ્યક્તિ જ્યારે ગીતા વિશે બોલે ત્યારે લાખો લોકો સાંભળવા માટે આતુર હોય છે. આ સ્વામીજીના તેજનો પ્રભાવ છે.
ક્ષમા એટલે માફ કરવાની ભાવના. કોઈએ આપણું નુકસાન કર્યું હોય કે આપણી લાગણી દુભાવી હોય તો એને પણ માફ કરવાની તૈયારી હોવી જોઈએ. આ પણ એક પ્રકારનું તપ જ છે, જે આપણને તેજસ્વી બનાવે છે. ક્ષમા બે પ્રકારની હોય છે. કોઈ બળવાન વ્યક્તિ તમારી સામે આવી જાય અને તમે તેને છોડી દો અને કહો કે મેં ક્ષમા કરી દીધી તો એ સાચી ક્ષમા નથી કારણકે ક્ષમતાના અભાવે તમે એને છોડી દીધો છે. સમર્થ હોવા છતાં પણ આપણે સામેવાળાને જવા દઈએ, માફ કરીએ તો એ ક્ષમા કહેવાય. બદલો લેવાની શક્તિ હોવા છતાં સામેવાળાને હૃદયથી માફ કરી દઈએ એને ક્ષમા આપી કહેવાય.
પછીનો દૈવી ગુણ છે ધૃતિ એટલે ધૈર્ય અથવા ધીરજ. ૧૮મા અધ્યાયમાં ભગવાન સત્ત્વ, રજ અને તમ ત્રણેય ગુણો વિશે વિસ્તારપૂર્વક વાત કરશે. ધૈર્ય એ સત્ત્વગુણનું લક્ષણ છે.
શૌચમ્ એટલે આંતરિક તથા બાહ્ય શુદ્ધિ. આપણે બધા બાહ્ય શુધ્ધિ માટે જેટલા સજાગ હોઈએ છીએ તેટલા આંતરિક શુધ્ધિ માટે નથી હોતા. બાહ્ય શુદ્ધિમાં સ્નાન, શૌચ, હાથ-પગ ધોવા, બધી વસ્તુઓ અને આજુબાજુના પરિસરને સાફ રાખવું વગેરેનો સમાવેશ થાય છે. કાર્ય કરતી વખતે પણ સ્વચ્છતાનું પાલન કરવાનું હોય છે. આંતરિક શુચિતા એટલે આપણું હૃદય સાફ રાખવું. કોઈના વિશે દ્વેષ, મત્સર, ઈર્ષ્યા કે દુશ્મનીનો ભાવ ન રાખવો. આપણો વ્યવહાર શુધ્ધ રાખવો. આંતરિક અને બાહ્ય બંને શુચિતા એટલી જ જરૂરી છે.
અદ્રોહ– કોઈનો પણ દ્રોહ ન કરવો. અર્જુનની ગડમથલ આપણે જાણીએ છીએ. તે કહે છે ધૃતરાષ્ટ્રના પુત્રો મારાં બાંધવો છે તેમને હું કઈ રીતે મારી શકું? દુર્યોધને પાંડવો સાથે આટલો દુર્વ્યવહાર કર્યો છતાં પણ અર્જુનના મનમાં કૌરવો વિશે દ્રોહ નથી. તે તેમને સ્વજન માને છે. ભીમને કેટલીય વાર મારવાનો પ્રયત્ન કર્યો, પાંડવોને વનવાસ આપી દીધો, તેમનું રાજ્ય આપવાની ના પાડી દીધી અને દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કર્યું છતાં પણ અર્જુન કહે છે કે આ અદ્રોહ છે.
 ન અતિમાનિતા એટલે આપણી ઉપર બહુ અભિમાન ન કરવું. હું બહુ જ શક્તિશાળી છું, બુદ્ધિશાળી છું, ધનવાન છું, રૂપવાન છું એવું કોઈ પણ પ્રકારનું અભિમાન મનમાં આવવું ન જોઈએ. હું જેવો પણ છું અથવા મને જે કાંઈ મળ્યું છે તે ઈશ્વરની કૃપા છે તેવો ભાવ હંમેશા રહેવો જોઈએ. આપણામાં કોઈ વિશેષતા હોય તો એના માટે પોતાને બહુ મહાન ન સમજવું. કારણ કે ઈશ્વર આપણને જેટલા ઉપર ઉઠાવી શકે છે તેટલા જ નીચે એક મિનિટમાં પાડી પણ શકે છે. હે અર્જુન! આ બધી દૈવી સંપદા એટલે કે ગુણો છે. હવે હું તને આસુરી ગુણો કે જે વ્યક્તિને સંસારમાં બાંધે છે અને તેનું પતન કરે છે તેના વિશે કહું છું તે તું સાંભળ.

16.4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥

હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન - આ સઘળાં આસુરી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

શ્લોકથી ભગવાન આસુરી સંપદા એટલે કે અસુરોના ગુણો કે લક્ષણોનું વર્ણન કરે છે. પહેલો આસુરી ગુણ છે દંભ. શંકરાચાર્ય આને સમજાવતા કહે છે કે આપણે ધર્મની ધજા હાથમાં લઈને અધર્મનું આચરણ કરીએ તેને કહેવાય દંભ. જે વ્યક્તિ પોતાને સારાં બતાવવા માટે દાન કરે, તિલક લગાવે તેને કહેવાય દંભ, પ્રતિષ્ઠા મેળવવા માટે તે સારો દેખાવાનો પ્રયત્ન કરે છે, ખરેખર તે સારો નથી.
દર્પ એટલે અભિમાન. આપણી પાસેની વસ્તુઓનો ઘમંડ હોવો. આપણી ક્ષમતા, શક્તિ, ધન, બુદ્ધિ કે સૌંદર્યનું અભિમાન કરવું એટલે દર્પ. રાવણનો વિનાશ તેના અભિમાનના લીધે જ થયો હતો. અહંકાર એ પણ આસુરી ગુણ છે. અહમ્ અને મમત્ત્વ એ અભિમાનના કારણો છે. હું પણું એટલે અભિમાન. હું મામલતદાર છું, હું બુદ્ધિમાન છું, આમ સમજવું એ અભિમાનનું લક્ષણ છે. અક્રોધ એટલે કે ક્રોધ ન કરવો એ દૈવી ગુણ છે, તો ક્રોધ કરવો, ગુસ્સો કરવો એ આસુરી ગુણ છે. આપણામાં આસુરી ગુણ વધારવા એટલે કે તમોગુણ વધારવા એ આપણને પાપ તરફ દોરી જાય છે.
અજ્ઞાનતા એ પણ આસુરી ગુણ છે. સત્ય વસ્તુનું જ્ઞાન ન હોય તેનું નામ અજ્ઞાનતા. જેમકે આ શરીર હું નથી છતાં પણ શરીરને જ સર્વસ્વ માનવું તેનું નામ અજ્ઞાનતા. અજ્ઞાનના કારણે આપણને યોગ્ય અયોગ્યનું ભાન રહેતું નથી અને આસુરી ગુણ વધતાં જાય છે. દૈવી સંપદા પ્રાપ્ત કરવાવાળાને મોક્ષ એટલે કે મુક્તિ મળી જાય છે પરંતુ આસુરી ગુણવાળા બંધાઈ જાય છે. તેમની અધોગતિ થાય છે. તેમને મુક્તિ મળતી નથી.

16.5

દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાઈ છે; તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાર્થ! તું શોક કર મા.

હે અર્જુન! આ બધી દૈવી સંપદા એટલે કે ગુણો છે. હવે હું તને આસુરી ગુણો કે જે વ્યક્તિને સંસારમાં બાંધે છે અને તેનું પતન કરે છે તેના વિશે કહું છું તે તું સાંભળ. દૈવી સંપદા પ્રાપ્ત કરવાવાળાને મોક્ષ એટલે કે મુક્તિ મળી જાય છે પરંતુ આસુરી ગુણવાળા બંધાઈ જાય છે. તેમની અધોગતિ થાય છે. તેમને મુક્તિ મળતી નથી.

16.6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥

હે પાર્થ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે : એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો; એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિષે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્યસમુદાય વિષે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ.

હે પાર્થ! આ દુનિયામાં જેટલાં પણ જીવાત્મા છે તેઓ કા તો દૈવી પ્રકૃતિના અને કાં તો આસુરી પ્રકૃતિના એમ બે ભાગમાં વહેંચાયેલા છે. દૈવી ગુણો વિશે મેં તને વિસ્તારથી કહ્યું. હવે આસુરી વૃત્તિના મનુષ્યો વિશે વિસ્તારથી સાંભળ.

16.7

પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥

આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ - આ બેયને નથી જાણતા; માટે એમનામાં નથી તો બાહ્ય-આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્યભાષણ પણ હોતું.

આગળ ભગવાન કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની આસુરી વ્યક્તિને ખબર પડતી નથી. ન કરવાનું કરી બેસે છે અને જે કરવું જોઈએ એ કરતા નથી. તેઓ નથી બહારથી પવિત્ર, નથી અંદરથી. તેમના આચાર અને વિચાર પણ અનુકૂળ નથી તેથી છેવટે આવા લોકો અધોગતિને પામે છે.

16.8

અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥

આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત્ આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે; એ કામ સિવાય બીજું શું છે .

અહીં ભગવાન ચાર્વાકના સિદ્ધાંતનો ઉલ્લેખ કરે છે. મનુષ્યનો જન્મ માતા પિતાના સંયોગથી થાય છે, તેમાં ઈશ્વરનું કોઈ પ્રયોજન નથી. આવી અપ્રતિષ્ઠિત વાતને આસુરી લોકો માને છે. તેમને લાગે છે કે જગતમાં ઈશ્વર જેવું કશું નથી. આ સૃષ્ટિનાં ઉત્પત્તિકર્તા, પાલનહાર કે વિનાશકર્તા પરમાત્મા છે, એ વાતને તેઓ અસત્ય સમજે છે. પ્રકૃતિનો કોઈ આધાર છે તેવું માનવા તેઓ તૈયાર નથી. તેઓ કહે છે, સંસારની ઉત્પત્તિનું શું પ્રયોજન હોઈ શકે? તેથી ભગવાન કહે છે કે આસુરી વૃત્તિવાળા લોકો જગતને અનિશ્વર માને છે. તેઓ ઈશ્વરનું અસ્તિત્ત્વ જ સ્વીકારતા નથી. જેમ હિરણ્યકશ્યપુને ઈશ્વર કણકણમાં છે એ પ્રહલાદની વાત સાચી નહોતી લાગતી તેથી તેણે પૂછ્યું કે શું તારો નારાયણ આ થાંભલામાં છે? ત્યારે પ્રહલાદે કહ્યું કે, હા! મારો નારાયણ બધે જ છે. થાંભલામાં પણ છે, અને ભગવાન વિષ્ણુ નૃસિંહઅવતારમાં પ્રગટ થયા.

16.9

એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥

આ મિથ્યા દૃષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદબુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે.

આવી વિચારસરણીવાળા લોકોનો આત્મા નષ્ટ થતો જાય છે, અજ્ઞાન વધતું જાય છે. છેવટે જીવાત્મા કષ્ટ પ્રાપ્ત કરે છે. કોઈપણ કાર્ય કારણ વિના સંભવ નથી, પરંતુ અલ્પ બુદ્ધિ વ્યક્તિ વિચારે છે કે આટલું મોટું જગત તેનાં કારણે જ ઉત્પન્ન થયું છે. વિષયો અને ભોગોની પ્રાપ્તિમાં તેઓ એટલા બધા રચ્યાં પચ્યા છે કે તેમને આ બાબત વિચારવાનો પણ સમય નથી.
અલ્પ બુદ્ધિવાળા જડમતી લોકો વિચારે છે કે જગત આમ જ ઉત્પન્ન થઈ ગયું અને તેઓ મહાન કાર્ય કરવા માટે આ દુનિયામાં આવ્યા છે. તેઓના બધાં જ કાર્યો બીજાનાં હિતનો ક્ષય એટલે કે નાશ કરવા માટે જ હોય છે. વિશ્વયુદ્ધમાં કેટલાય લોકો પોતાની બુદ્ધિ વાપરીને ભયાનક શસ્ત્ર બનાવે છે. કેટલી મહેનત કરે છે પરંતુ તેમનું જ્ઞાન, બુદ્ધિ અને મહેનત લોકોના જીવ લેવાનું કામ કરે છે. રોજનાં હજારો લોકો અણુશસ્ત્રોથી નાશ પામે છે. તેમના મોટાં કાર્યો વધુ નુકસાન કરે છે.

16.10

કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥

દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે.

અહીં ભગવાન કહે છે આવા લોકોની ઈચ્છાઓ કે કામનાઓ ક્યારેય પૂરી ન થવાવાળી હોય છે. કારણ કે એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઊભી જ હોય છે, કારણ કે વાસનાઓ અગ્નિ સમાન છે. આહુતિ આપવાથી પ્રજવલિત થાય છે, શમતી નથી. આ ઈચ્છાઓ, દંભ, માન અને મદ એટલે કે અભિમાનથી ભરેલી હોય છે. તેમની બુદ્ધિ ખોટાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ જાય છે કારણ કે તે મોહથી ગ્રસિત થયેલી હોય છે.

16.11

ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥

તથા તેઓ મૃત્યુપર્યન્ત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને 'આટલું જ સુખ છે' એમ માનનારા હોય છે.

આસુરી વૃત્તિવાળા લોકો પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે સતત પ્રવૃત્તિ કરતા રહે છે અને તેથી કદી ન મટવાવાળી ચિંતામાં રહે છે. જેટલી કામના વધુ તેટલી પ્રવૃત્તિ વધુ અને તેથી અસંખ્ય ચિંતાઓ રહ્યા કરે છે. અને આ ચિંતાઓ મૃત્યુ પર્યંત તેમનો પીછો છોડતી નથી.
શ્લોક ૧૨માં આવા લોકોનો ઉદ્દેશ્ય કામનાઓની પૂર્તિ અને વિષયોનો ઉપભોગ કરવો એ જ હોય છે. આપણાં જીવનનો ઉદ્દેશ્ય કે ધ્યેય પરમાર્થ હોવો જોઈએ. સ્વામીજી કહે છે કે મનુષ્યજન્મ લઈને ગીતાનું પઠન ન કર્યું, કોઈની સેવા ન કરી કે પરમાર્થ ન કર્યો તો આપણું જીવન વ્યર્થ છે. પરંતુ આ લોકો આવું વિચારતા નથી. કામ અને વિષયોની પૂર્તિ એ જ આ લોકોનો ઉદ્દેશ્ય હોય છે.

16.12

આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥

આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ-ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે.

સેંકડો આશાઓની દોરીથી બંધાયેલા અને કામક્રોધને વશ થયેલા આ લોકો અન્યાયથી અને અધર્મથી ધનનો સંચય કરે છે. ઈચ્છાઓની પૂર્તિ અને ભોગ ભોગવવા માટે આવા લોકો ગમે તે રીતે ભ્રષ્ટાચાર કરીને, લાંચ લઈને ધન એકઠું કરે છે. કારણ કે ઈચ્છાઓ અનંત છે તેથી તેમને ક્યારેય સંતુષ્ટિ થતી નથી. તેઓ જાણતા નથી કે આવી રીતે મેળવેલા ધનથી કોઈ લાભ થતો નથી. તેનો અંત દુઃખદ જ હોય છે.

16.13

ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥

તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે.

અહીં ભગવાન આસુરી લોકોની મન:સ્થિતિ વિષે કહે છે. આજે અને અત્યારે તો મેં ધન પ્રાપ્ત કરી લીધું, આવતીકાલે પણ આ ધન મારી પાસે જ રહેશે અને પછીના જન્મમાં પણ હું ધનનો સંચય કરીશ આવી માનસિકતા આસુરી વ્યક્તિની હોય છે.

16.14

અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥

પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ, હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું.

ઉપર આપણે જોયું કે ધનની બાબતમાં આસુરી વૃત્તિવાળી વ્યક્તિ શું વિચારે છે! હવે જોઈએ, વ્યક્તિ વિશે તેઓ શું વિચારે છે. મારા શત્રુને તો મેં હણી નાખ્યો છે. બીજા શત્રુઓને પણ હું મારી નાખીશ. હવે હું જ સર્વોપરી ઈશ્વર છું, હું જ ભોગી છું, હું જ સિદ્ધ છું, હું જ બળવાન છું અને હું જ સુખી છું આવી ગેરસમજમાં તે લોકો મૃત્યુ પર્યંત રહે છે. ધનની પ્રાપ્તિ અને કામનાઓની પૂર્તિ થવાથી તેઓ પોતાને સર્વશ્રેષ્ઠ અને સુખી માનવા લાગે છે. તેમને ખબર નથી પડતી કે કામના ક્યારેય સુખ આપી શકતી નથી. ન તો પૂરી થયા પહેલાં કે ન પૂરી થયા પછી. પોતાને ઈશ્વર, સર્વોપરી, સુખી કે શક્તિશાળી ભલે માનતો હોય પણ તે હોતો નથી. આટલી બધી ઈચ્છા રાખવાવાળો બળવાન હોઈ જ ન શકે, કારણ કે તેને સતત ભય અને ચિંતા સતાવ્યા કરે છે.

16.15

આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥

હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ-મજા કરીશ – આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમજ વિષયભોગોમાં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરકમાં પડે છે.

હજુ પણ તેની બુદ્ધિ વિચારે છે કે મારી પાસે ધન આવશે તો હું ઘણું બધું દાન કરીને પુણ્ય કમાઈ લઈશ. મારા જેવું પુણ્યશાળી બીજું કોણ હશે! એની બુદ્ધિમાં ભ્રમ ઉત્પન થાય છે કે હું જ મોટો છું. મારાં જેવું બીજું કોઈ નથી. ઘણા લોકોને એમ લાગે છે કે તેમના વિચાર, તેમનું કાર્ય કે તેમનું જીવન શ્રેષ્ઠ છે. પરંતુ આમ વિચારવું તદ્દન ખોટું છે કારણ કે ઈશ્વરે આટલી મોટી સૃષ્ટિમાં દરેકને કાંઈક વિશેષતા આપી છે, આથી કોઈ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ ન હોઈ શકે.

16.16

અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥

અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળ થી વીંટળાયેલા, તેમજ વિષયભોગો માં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરક માં પડે છે.

 ભગવાન કહે છે આવા લોકોનું ચિત્ત અનેક ભ્રાંતિઓથી ભરેલું હોય છે, મોહરૂપી જાળમાં લપેટાયેલું હોય છે. તેમની બુદ્ધિ મોહથી ઢંકાયેલી હોવાથી જ્ઞાનનો પ્રકાશ પડતો નથી. તેમની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે અને ફક્ત અધર્મના માર્ગનું આચરણ કરવાથી કામભોગમાં રચ્યાંપચ્યા રહેવાથી અંતે ભયાનક નર્કમાં તેમની ગતિ થાય છે. પતન થાય છે અને સર્વનાશ થાય છે. બધા જ વિપરીત કર્મ કરવાથી પાપ ભેગા કરીને છેવટે ભયંકર નર્કની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં આઠ પ્રકારના નર્ક વિશે ચર્ચા કરી છે.

16.17

આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥

એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામમાત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે.

ધનની પ્રાપ્તિ કરી હોવાથી આવા લોકો યજ્ઞ, દાન વગેરે કરીને પોતાને પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઓળખાવે છે. બાકી યજ્ઞ, દાન કે તપ જેવી સાત્ત્વિક પ્રવૃત્તિમાં તેમને જરા પણ રસ હોતો નથી. નામ અને પ્રતિષ્ઠા મેળવવા માટે જ તેઓ અવિધીપૂર્વક દંભ કરે છે, દેખાડો કરે છે. શાસ્ત્રવિધિનું પાલન કરતાં નથી.

16.18

અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥

અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યાપચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અન્તર્યામીનો જ દ્વેષ કરે છે.

ભગવાન આગળ કહે છે કે આવા આસુરીવૃત્તિવાળા લોકો હંમેશા અહંકાર, બળ, દ્વેષ અને દંભ અને સંશયથી ગ્રસિત રહે છે. બીજાં લોકોનો હંમેશા દ્વેષ કરે છે, પરંતુ તેમને ખબર નથી કે આમ કરવાથી તેઓ મારો દ્વેષ કરે છે કારણ કે હું તો જડ ચેતન બધામાં વિદ્યામાન છું. અન્ય વ્યક્તિઓમાં રહેલો આત્મા એ મારો જ અંશ છે. જ્યારે પણ આપણે બીજાનો દ્વેષ કરીએ છીએ ત્યારે યાદ રાખવું કે આપણે તેનામાં રહેલા પરમાત્માનો જ દ્વેષ કરીએ છીએ.

16.19

તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥

એ દ્વેષ કરનારા, પાપાચારીઓ અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું.

આ શ્લોકમાં ભગવાને આસુરી વ્યક્તિની શું દશા થાય છે, તેને કેવી ગતિ મળે છે એ વિશે કહ્યું છે. ભગવાન કહે છે, આવા ક્રૂર, દ્વેષ કરવાવાળા લોકોને હું ફરી-ફરી સંસારચક્રમાં ફેંકું છું, એટલે કે અશુભ લોકમાં, ભોગયોનીમાં મોકલું છું. ક્યારેક કીડા, મંકોડા કે જાનવર બનાવીને સંસારમાં મોકલું છું, જ્યાં તેમને અનેક પ્રકારના દુઃખ સહન કરવા પડે છે. આ તેમના જ દુષ્કર્મોનું પરિણામ છે, બાકી ઈશ્વર તો ન્યાયી છે. તેને કોઈ વહાલું નથી કે કોઈ દવલું નથી. તેની દ્રષ્ટિમાં દૈવી અને આસુરી વૃત્તિવાળા લોકો સમાન છે. મનુષ્ય પોતાના કર્મ અનુસાર જન્મ પ્રાપ્ત કરે છે.

16.20

આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥

હે કૌન્તેય! એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકોમાં પડે છે.

જે લોકો આવી આસુરી યોનીમાં આવીને પડ્યા છે, જન્મો જન્મ તેઓ કુતરા અને ગધેડાનો જન્મ ધારણ કરે છે. તેમને કોઈ સ્વતંત્રતા હોતી નથી. તેઓ મને તો પ્રાપ્ત કરી શકતા નથી પરંતુ અધમ ગતિને જરુર પ્રાપ્ત કરે છે. આશુભૈયા કાયમ વિવેચનની શરૂઆતમાં એક વાત કહે છે કે આપણા પૂર્વ જન્મના સુકૃત કે સંતોના આશીર્વાદ રૂપે આપણને ભગવદ્ગીતાને સમજવાનો લાભ મળ્યો છે. આસુરી વૃત્તિવાળી વ્યક્તિને આવો લાભ મળતો નથી. મળે તો પણ એ લોકો લેશે નહીં. આપણે સૌ આવાં સારાં કાર્યમાં લાગ્યા છીએ એનો અર્થ એ છે કે આપણને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ છે. પોતાની ભાગ્યશાળી સમજીને ગીતા પરિવાર સાથે જોડાયેલા રહીને બને તેટલી સેવા કરીએ.

16.21

ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥

કામ, ક્રોધ તથા લોભ - આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર આત્માનો નાશ કરનારાં એટલે કે એને અધોગતિએ લઈ જનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી દેવાં જોઈએ.

આગળ ભગવાન કહે છે, કામ ક્રોધ અને લોભ આ ત્રણેય નરકના દ્વાર છે. કામ એટલે સંસારિક ભોગોની ઈચ્છા કે લાલસા. ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે. જો ઈચ્છા પૂરી થાય તો વધુ ઈચ્છાઓનો મોહ થાય. આમ કામ, ક્રોધ અને મોહમાં ફસાયા તો આપણી ગતિ સીધી નર્કમાં જ છે. આથી આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.

16.22

એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥

હે કુન્તીપુત્ર! આ ત્રણેય નરકનાં દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે આ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે.

જે લોકો આ ત્રણેય દુર્ગુણોનો ત્યાગ કરી ચૂક્યા છે તેમનું આચરણ શ્રેયસ્કર એટલે કે કલ્યાણકારી થઈ ગયું છે તેથી તેઓ પરમગતિને પ્રાપ્ત કરે છે અને તેમને ઉર્ધ્વલોક એટલે કે બ્રહ્મલોક કે દેવલોક વગેરેની પ્રાપ્તિ થાય છે.

16.23

યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને.

જે લોકો શાસ્ત્રની વિધિનો ત્યાગ કરીને પોતાની મરજી પ્રમાણે વર્તે છે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એવા કર્મો કરે છે જેનો શાસ્ત્રોમાં નિષેધ છે, આવા લોકોને ન તો સિધ્ધિ પ્રાપ્ત થાય છે, ન સુખ પ્રાપ્ત થાય છે. પરમ ગતિ તો ક્યારેય નહીં. ન સંસારમાં સુખ મળે છે કે  ન મૃત્યુ પછી સારી ગતિ મળે છે.

16.24

તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥

આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે.

સોળમા અધ્યાયનો નિષ્કર્ષ આપતા ભગવાન કહે છે, શાસ્ત્રને પ્રમાણ માનીને કાર્ય કે અકાર્ય વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. કાર્ય એટલે શું કરવું જોઈએ અને અકાર્ય એટલે શું ન કરવું જોઈએ! શાસ્ત્રોમાં બતાવેલી વિધિ અને નિષેધ પ્રમાણે કરવું જોઈએ કારણ કે શાસ્ત્રો એ ઈશ્વરનું પ્રમાણ છે. જો આપણને શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો શાસ્ત્રોના જ્ઞાતા, ગુરુ કે આચાર્યને પૂછીને સંદેહ કર્યા વિના તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
શાસ્ત્રોને પ્રમાણ માનીને શાસ્ત્રોમાં બતાવેલા કર્મો કરવા જોઈએ. આપણી વૈદિક સંસ્કૃતિમાં શાસ્ત્રોનું ખૂબ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં લખેલી કોઈ પણ વાત આપણને સાચી ન લાગે તો પણ આપણે તેનું પાલન શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. કારણ કે આપણી બુદ્ધિ સીમિત છે જ્યારે શાસ્ત્રો ઈશ્વરની રચના હોવાથી અસીમિત છે. આપણી સીમિત બુદ્ધિને જે નથી સમજાતું તે શાસ્ત્રો સમજાવે છે, એમાં બતાવેલા દૈવી ગુણોને આપણે ધારણ કરવા જોઈએ અને આસુરી ગુણોથી બચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ દૈવી કે પૂર્ણ આસુરી વૃત્તિની હોતી નથી. જે ગુણોની પ્રધાનતા હોય તે પ્રમાણે તે વ્યક્તિની વૃત્તિ કહી શકાય. સમય, વ્યક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે વૃત્તિ બદલાતી પણ હોય છે. આપણે દૈવી ગુણોને વધારતા જઈએ અને આસુરી ગુણોને પ્રયત્નપૂર્વક ત્યજીને પરમ સુખ, પરમ શાંતિ અને પરમ ગતિને પ્રાપ્ત કરીએ. ગીતા પરિવારથી જોડાયેલા રહીશું તો ચોક્કસ દૈવી ગુણો વધતાં જશે અને આસુરી ગુણો છૂટતાં જશે. 
 આ સાથે જ વિવેચનની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરીનું સત્ર ચાલુ થયું.

 ઘનશ્યામ ભાઈ:
 પ્રશ્ન: ધૃતિ, મમત્મપર્દેષુ, ક્ષિપમ્યજશ્રમશુભન શું છે?
 જવાબ:- ધૃતિ - ધીરજ, ધારણા જેમ કે સત્ત્વ ધારણ, રજસ ધારણ
 મમત્મપદેહેષુ - આપણા શરીરમાં અને અન્યના શરીરમાં સ્થિત છે
 ક્ષિપમ્યજસ્રામશુભન - મેં તેમને વારંવાર રાક્ષસી યોનિમાં મૂક્યા
 પ્રશ્ન: ઈશ્વરની ઈચ્છા વિના કંઈ થતું નથી...
 આને શાબ્દિક રીતે ન લેવું જોઈએ. ઈશ્વરની શક્તિ વિના કંઈ થતું નથી. જો અમે બાળકોને ખર્ચ માટે પૈસા આપીએ છીએ, તો અમે ઇચ્છીએ છીએ કે તેઓ તેનો ઉપયોગ કરે. અમે તેનો દુરુપયોગ કરવા માંગતા નથી. પરંતુ જ્યારે આપણે પૈસા આપીએ છીએ, ત્યારે આપણે તેમને સ્વતંત્રતા પણ આપીએ છીએ. જો તેઓ ગેરવર્તણૂક કરે છે, તો લોકો અમને દોષી ઠેરવી શકે છે, કહે છે કે તે અમારી ભૂલ છે. કારણ કે અમે તેના માટે ચૂકવણી કરી હતી. તેમજ ભગવાને દરેકને સારા કાર્યો કરવાની સ્વતંત્રતા આપી છે. પણ આપણે રાજસિક, તામસિક અને સાત્ત્વિક ક્રિયાઓ તરફ વળીએ છીએ. તેને સજા થશે તે જાણતા હોવા છતાં અમે તે કરીએ છીએ. જો ભગવાન આપણને ખોટું ન કરવા દે તો આપણે યાંત્રિક જીવન જીવીશું. પછી જીવવાનો આનંદ નહીં રહે.
કમલેશ બેન:
 પ્રશ્ન: ગુણાકાર કરવાનો અર્થ શું છે?
જવાબ:- સદાચારી માણસ પ્રતિબંધિત કાર્યોનો ત્યાગ કરે છે. જ્યારે તે સાત્ત્વિક કર્મ કરે છે, ત્યારે તે વિચારતો નથી કે હું કર્તા છું અને કોઈ પરિણામની અપેક્ષા રાખતો નથી. સત્ત્વ, રજ, તમ, જે કર્મ બની જશે, કારણ કે હું માનું છું કે હું ન તો કર્તા છું કે ન તો તેનો ભોગ ધરાવનાર, તે કર્મો નિષ્કામ કર્મો બની જાય છે. આવી સ્થિતિને ગુણવત્તા કહેવાય છે.
 પ્ર: શું અહંકાર ખરાબ છે?
 કોઈ વિકાર ખરાબ નથી. બધું તેમના જથ્થા અને તીવ્રતા પર આધાર રાખે છે. જીવન જીવવા માટે તમામ વિકારો જરૂરી છે. પરંતુ જો તેઓ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય અને નિયંત્રણમાંથી બહાર નીકળી જાય તો તેઓ અભિશાપ બની જાય છે. અહંકારની પણ શ્રેણીઓ હોય છે. આપણે આપણી જાતને શેના પર ગર્વ કરીએ છીએ તે મહત્વનું છે. મહાપુરુષોના સંગમાં જે અહંકાર છે તે સત્વ અને રજોગુણનો અહંકાર છે. દાદોની સંગતમાં રહેવાનો અહંકાર એ તામસિક અહંકાર છે.
નાગેશ્વરી બેન
 પ્રશ્ન: ત્રિવિધમ્ નરકસ્યેદ શું છે?
 જવાબ:-નરકના ત્રણ પ્રકાર છે - કામ, ક્રોધ અને લોભ. જો તેઓ નિયંત્રિત ન થાય, તો માણસ નરકમાં જાય છે. જેની વાસના, ક્રોધ અને લોભ ક્યારેય શમતા નથી તે આ જીવનમાં પણ નરક સ્થિતિમાં રહે છે. તેના જીવનમાં સુખ કે શાંતિ નથી. 
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચન સત્રની સમાપ્તિ થઈ.
    ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “દૈવાસુરસમ્પદ્વિભાગયોગ" નામનો સોળમો અધ્યાય પૂરો થયો. ॥૧૬॥