विवेचन सारांश
દૈવી અને આસુરી સંપદા

ID: 4521
गुजराती - ગુજરાતી
રવિવાર, 10 માર્ચ 2024
પ્રકરણ 16: દૈવાસુર-સમ્પદ વિભાગ યોગ
2/2 (શ્લોક 2-24)
વિવેચન: ગીતા વિશારદ ડૉ. આશુ ગોયલજી


ગીતા પરિવારની પરંપરા મુજબ પ્રારંભિક પ્રાર્થના અને મનમોહક દીપ પ્રજ્વલન પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. આપણું પરમ સૌભાગ્ય છે કે પછી આપણા પૂર્વ જન્મના સંસ્કાર લીધે કે પછી સંતોની કૃપાથી શ્રીમદ્ભગવદ્ગીતાના અધ્યયન, ચિંતન, શ્રવણ અને મનનમાં પ્રવૃત્ત થયા છીએ. ગયા સત્રમાં આપણે ૨૬ ગુણોમાંથી નવ ગુણો અભય, સત્ત્વ, સંશુદ્ધિ, તત્વજ્ઞાન, દાન, દમયજ્ઞ, સ્વાધ્યાય, તપ અને અંતઃકરણની સરળતાના વિષયમાં સાંભળ્યું અને સમજ્યા. શબરીની કથાનું પણ શ્રવણ કર્યું, ગીતાના કૃષ્ણ એકદમ તાર્કિક અને વૈજ્ઞાનિક છે. તે કહે છે કે તમે કેવા છો તે ચકાસો, સ્વયંનું મૂલ્યાંકન કરો, આપણો આલેખન બનાવો. બીજાના વિચાર કરવા માટે નહીં પરંતુ પોતાના મૂલ્યાંકન માટે કરો. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે સામેવાળા વ્યક્તિની અંદર આસુરી ગુણ વિદ્યમાન છે તો આપણે શું કરવું જોઈએ? તેનો અર્થ છે કે તે પોતાને દૈવી ગુણોથી સંપન્ન છે તેવું પ્રમાણ આપે છે. પોતાનું મૂલ્યાંકન કર્યા વગર જ સામેવાળાના દુર્ગુણોને જોય છે કારણકે હું તેને પસંદ નથી કરતો માત્ર આ જ કારણથી તે આસુરી પ્રવૃત્તિવાળો નથી થઈ જતો. એટલે ભગવાને આપણી જાતને ઓળખવા માટેના લક્ષણ સમજાવ્યા. 
૧- અધ્યાય ૨માં સ્થિતપ્રજ્ઞના લક્ષણ
૨- અધ્યાય ૧૨માં ભક્તના લક્ષણ
૩- અધ્યાય ૧૪માં ગુણાતીતના લક્ષણ
૪- અધ્યાય ૧૬માં દૈવી અને આસુરી પ્રકૃતિના લક્ષણ

ભગવાન કહે છે કે આનાથી આપણે ક્યાં સ્થિત છીએ તેનું મૂલ્યાંકન કરી શકીએ. આ અધ્યાયના પહેલા શ્લોકમાં જે નવ ગુણની ચર્ચા કરી તે બધા ગુણો પ્રત્યેક મનુષ્યની અંદર વિદ્યમાન હોય છે, પરંતુ તેની માત્રા અલગ-અલગ હોય છે, કોઈની અંદર ન તો શૂન્ય હોય છે કે ન તો શત પ્રતિશત હોય છે. મારામાં કયા ગુણ ઓછા છે અને તેને વધારવાના છે તેવો વિચાર કરો. આપણે બધાએ કંઈક ને કંઈક દાન આપ્યું છે, કોઈના કહેવાથી કે કોઈના દબાવને લઈને આપણે દાન આપ્યું હશે, હવે આપણે સ્વેચ્છાએ, ઉપકારની ભાવના રાખ્યા વગર દાન આપવાની પ્રવૃત્તિને વધારવી જોઈએ, આ પ્રકારે ધીમે-ધીમે બધા ૨૬ ગુણોને આપણામાં વધારવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ.

16.2

અહિંસા સત્યમક્રોધઃ(સ્), ત્યાગઃ(શ્) શાન્તિરપૈશુનમ્।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં(મ્), માર્દવં(મ્) હ્રીરચાપલમ્॥૧૬.૨॥

મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈનેય કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અન્તઃકરણની ઉપરતિ એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાંય નિંદા આદિ ન કરવાં, સર્વ ભૂત-પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી.

આપણને આપણા અધિકારોનો કોઈ વિચાર નથી અને બીજાના
અધિકારોને પોતાના માની લઈએ છીએ, જે નથી મળતું તેની પાછળ પડ્યા રહીએ છીએ, અહિંસા અને સત્યનું પાલન તથા ક્રોધનો ત્યાગ કરવાથી તરત જ શાંતિ મળે છે. પહેલા ૫૦થી ૬૦ વર્ષના આયુવાળાને શાંતિ હતી. અત્યારે whatsappના આવવાથી બાળકો અને વૃદ્ધ સુધીના બધા જ તેમાં લાગેલા હોય છે, અને શાંતિને ભુલાવી દીધી છે, થોડીક ક્ષણ પોતાના માટે વિચારશો અને સમજશો તો શેના કારણે મને આટલું બધું મળ્યું છે, કોના પ્રત્યે કૃતજ્ઞતા અર્પિત કરવી છે, આ બધું સ્વભાવમાં આવવું જોઈએ. જીવનમાં થોડીક ક્ષણ એવી હોવી જોઈએ કે જેના દ્વારા હું પોતાની જાતને શોધી લઉ.
“અપૈશુનમ્” એટલે કોઈની નિંદા, કુથલી કરવી નહીં, જેવી રીતે એક ઘાને ખોતરવાથી તે પાક ઉત્પન્ન કરે છે, તેમ નિંદા પણ એવી જ છે. આપણને ખબર જ છે કે કોઈ વાત ખુલશે તો એકબીજા પ્રત્યે દુઃખ થશે અને ક્રોધ આવશે તેમ છતાં પણ આપણે તેવું કરતા રહીએ છીએ.
ભગવાનને અર્જુનના બે ગુણ ખૂબ જ પ્રિય છે.
૧-અનઘ: અર્જુન પાપ રહિત છે.
૨-અનસુય: બીજાની નિંદા ન કરવી.

બીજાના દોષ ખબર પડે તો તેને પ્રગટ ન કરવા જોઈએ, જ્યાં સુધી આવશ્યક ન હોય અને આવશ્યક હોય તો પણ પ્રિય યુક્ત થઈને કહેવું જોઈએ, ભગવાન કહે છે દરેક પ્રાણી પ્રત્યે દયાનો ભાવ હોવો જોઈએ. બીજાના કાર્યો કરો પણ ઉપકારની ઈચ્છા ન રાખો. દયાના સમયે ઉપદેશ પણ ન આપવો જોઈએ, કારણકે તે વખતે ઉપદેશ એક ‘ઘા પર મીઠું’ નાખવાનું કામ કરે છે. કોઈ તકલીફમાં હોય તો તેને ઉપદેશ ન આપવા જોઈએ, તેનાથી અદયા થઈ જાય છે, મનુષ્યને જ નહિ પરંતુ પ્રાણીઓ પ્રત્યે પણ દયા હોવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં પહેલી રોટલી ગાયની, અંતિમ રોટલી કૂતરાને, ગળપણવાળી વસ્તુ નીચે ઢળી જાય તો તે કીડીને, પક્ષીને દાણા નાખવા વગેરેનું ચલણ છે, દયા માટે અમીરી-ગરીબી ન હોવી જોઈએ, દયા એક સ્વભાવગત ગુણ છે. આપણે એવા પણ લોકોને જોયા હશે કે ખાવાનું બનાવીને ગાડીમાં મૂકી મજૂરોમાં આપતા હોય છે.
અલોલુપ્તમ” એટલે લાલચ ન હોવી જોઈએ કોઈ વસ્તુના પ્રતિ લાળ ન ટપકે તેને લોલુપ્તમ કહેવાય છે.
આપણે કોઈના ઘરે ગયા હોઈએ અને તેના પડદા જોયા હોય અને તેના પડદા ખૂબ જ સરસ હોય તો આપણે પડદાના વિષયમાં ચર્ચા કરવા લાગીએ છીએ અને પોતાના પડદા બદલવાનો વિચારમાં લાગી જઈએ છીએ. લોલુપતા આંખોમાં દેખાઈ જાય છે.
માર્દવમ્” એટલે કોમળતા. રામજી કેટલા શક્તિશાળી છે, કૃષ્ણજી કેટલા બળવાન છે પરંતુ તેમની અંદર કોમળતા છે. ઘણા લોકોને જોઈશું તો અકડથી ચાલતા હશે, ચહેરા પર ક્રોધનો ભાવ હશે. આ બધા અદૈવીય ગુણ છે, ભગવાન કહે છે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવા પર લજ્જાનો ભાવ હોવો જોઈએ. ઘણા લોકો અશાસ્ત્રીય કાર્ય કરે છે તો પણ તેને સાચું સિદ્ધ કરવાની કોશિશ કરે છે. તે જ સમયે આસુરી પ્રવૃત્તિ થઈ જાય છે.
“અચાપલમ્” એટલે વ્યર્થ ચેષ્ટાનો અભાવ
રાજસ્થાનમાં એક ક્ષમારામ શાસ્ત્રી સંત છે જે છ કલાક એક જ આસનમાં બેસીને જરા પણ હાલ્યા-ડોલ્યા વગર રામાયણના પાઠ કરે છે. એકવાર પણ નજર ઉંચી કરીને કોઈની તરફ જોતા પણ નથી, એક સમાન વાણી અવિરત બોલે છે, અને આપણને એક કલાક પણ એક આસન પર બેસવાનું મુશ્કેલ થઈ જાય છે.


16.3

તેજઃ ક્ષમા ધૃતિઃ(શ્) શૌચમ્, અદ્રોહો નાતિમાનિતા।
ભવન્તિ સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતસ્ય ભારત॥૧૬.૩॥

તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું - આ સઘળાં હે ભારત! દૈવી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.

 ભગવાન કહે છે, હે અર્જુન! જીવનમાં તેજસ્વીતા હોવી જોઈએ. આપણે જે ભોજન કરીએ છીએ તેમાંથી સપ્ત ધાતુ એટલે પહેલા રસ તેમાંથી રક્ત, રક્તમાંથી માંસ, માંસમાથી મજજા, મજજામાંથી અસ્થિઓ, અસ્થિઓમાંથી વીર્ય, વીર્યમાંથી ઓજ અને ઓજમાંથી તેજ બને છે. તેજસ્વી લોકોને એકવાર કહેવા માત્રથી તે પાલન કરે છે. ક્ષમા ગુણને જોવો આસાન છે, પરંતુ તેનું પાલન કરવું મુશ્કેલ છે. ક્ષમા કોઈ આપતા નથી, પણ ક્ષમા માંગતા અપેક્ષાનો ભાવ જરૂર લાગે છે. બીજાના માટે વકીલ અને પોતાના માટે જજની ભૂમિકામાં આવી જાય છે, બીજાની ભુલને નાની અને પોતાની ત્રુટીને મોટી સમજીએ તો સુધાર જરૂર થશે.
અંગ્રેજીમાં કહેવત છે forgive and forget
સાચી ક્ષમા એ છે કે આપણને યાદ પણ નથી હોતું કે મેં ભૂતકાળમાં એને ક્ષમા કર્યા હતા. 
ધૃતિ”નો અર્થ છે ધૈર્ય આજના સમયમાં આની ખૂબ જ આવશ્યકતા છે.
જીવનમાં કેટલીક વાતો સમયની સાથે આવે છે. ગરબડ ૧૦૦ દિવસ કરી પરંતુ એક દિવસ સારો ગયો તો ધૈર્ય ખોઈ દઈએ છીએ. જીવનમાં કોઈ (શોર્ટકટ) ટૂંકો રસ્તો ન હોવો જોઈએ, ઉતાવળ પણ ન હોવી જોઈએ.
ધૈર્યથી કામ કરવું જોઈએ.

धीरे-धीरे रे मना धीरे सब कुछ होय|
माली सींचे सौ घड़ा ऋतु आये फल होय||


ધારણા” અર્થાત સારી વાતને ધારણ કરવી.
શૌચ”એટલે સુચિતા, પવિત્રતા. કોઈ મને પૂછે કે ઊઠવામાં મોડું થઈ જાય છે તો શું હું નહાયા વગર ભગવાનને ભોગ લગાવી દઉં? આ વર્જિત છે. બહાર અને અંદર બંનેની પવિત્રતા હોવી જોઈએ. પૂજનના નિયમ અનુસાર પહેલા આપણે પોતાને તિલક લગાવીએ છીએ, ત્યારબાદ ભગવાનને તિલક લગાવીએ છીએ, તેનો અર્થ એ થાય પહેલા આપણે પોતાની જાતને પવિત્ર કરો, ત્યારબાદ ઉપાસના કરો. ભગવાન કહે છે કે જીવનમાં કોઈના પ્રતિ દ્રોહ ન કરવો જોઈએ, કોઈએ મારા ઉપર અપકાર કર્યો હોય તો પણ તેના પ્રતિ મંગળની કામના હોવી જોઈએ.
નાતિમાનીતા:” પોતાનામાં પૂજ્યતાનો અભિમાનનો અભાવ હોવો જોઈએ. અંતમાં ભગવાન કહે છે હે અર્જુન! આ બધા ગુણ દૈવીય સંપદાને લઈને ઉત્પન્ન થયેલા પુરુષના લક્ષણ છે. પોતે પોતાના ગુણોના આધાર પર પૂજનીય બનવું જોઈએ, વસ્ત્ર વગેરે દ્વારા નહીં.

16.4

દમ્ભો દર્પોઽભિમાનશ્ચ, ક્રોધઃ(ફ્) પારુષ્યમેવ ચ।
અજ્ઞાનં(ઞ્) ચાભિજાતસ્ય, પાર્થ સમ્પદમાસુરીમ્॥૧૬.૪॥

હે પાર્થ! દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન - આ સઘળાં આસુરી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે.


ભગવાન કહે છે કે જે પોતાના વિષયમાં જ વાત કરે છે, જેમ કે હું સ્વસ્થ છું, હું સુંદર છું વગેરે. એ અભિમાનની શ્રેણીમાં આવે છે. જે મારી પાસે છે તેના વિષયમાં વાત કર્યા કરે છે તેને દર્પ કહેવાય છે, જેમ કે મારો પુત્ર સુંદર છે, મારો મોબાઇલ કિંમતી છે, મારી પત્ની ગુણવાન છે, વગેરે. ત્રીજા નંબરે આવે છે, જેની પાસે કાંઈ નથી છતાં પણ તેનો દેખાડો કરે છે તેને દંભ કહે છે, જેમ કે મહેમાનને દેખીને વધુ સમય પૂજા કરે છે, જોર જોરથી અવાજ કરતા સાથે પૂજા કરે છે અથવા મોલમાં ગયા હોય અને કોઈ શો રૂમમાં કારની સાથે ફોટો પડાવે છે, જેનાથી લોકોને ખબર પડે કે કાર મેં લીધી છે, આ બધું દંભ કહેવાય છે,ક્રોધ કરવો અને કઠોરતાનો ભાવ રાખો. મને ખબર નથી તથા જુઠું બોલવું અને જ્ઞાન હોવાનું વિશ્વાસ અપાવવો આ બધું આસુરી સંપદાને લઈને ઉત્પન્ન થયેલ પુરુષના લક્ષણ છે.

16.5

દૈવી સમ્પદ્વિમોક્ષાય, નિબન્ધાયાસુરી મતા।
મા શુચઃ(સ્) સમ્પદં(ન્) દૈવીમ્, અભિજાતોऽસિ પાણ્ડવ॥૧૬.૫॥

દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાઈ છે; તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાર્થ! તું શોક કર મા.

હે અર્જુન! દૈવી સંપદામાં જે ૨૬ ગુણોનું વર્ણન કરેલું છે તે બધું મનુષ્યને મુક્તિ પ્રદાન કરવાવાળું છે અને આસુરી સંપદા બંધનકારી છે, તેથી તું શોક ન કર, કારણ કે તું દૈવી સંપદાને લઈને ઉત્પન્ન થયેલો છે.








16.6

દ્વૌ ભૂતસર્ગૌ લોકેऽસ્મિન્, દૈવ આસુર એવ ચ।
દૈવો વિસ્તરશઃ(ફ્) પ્રોક્ત, આસુરં(મ્) પાર્થ મે શૃણુ॥૧૬.૬॥

હે પાર્થ! આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્યસમુદાય બે જ પ્રકારનો છે : એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો; એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિષે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્યસમુદાય વિષે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ.

આગળ ભગવાન નકારાત્મકતાવાળા ગુણોની વાત કરે છે. ભગવાન કહે છે હે અર્જુન! આલોકમાં મનુષ્યની બે પ્રકારની પ્રકૃતિ હોય છે
૧) દૈવી પ્રકૃતિવાળા અને
૨) આસુરી પ્રકૃતિવાળા
આ બંનેમાં દૈવી ગુણોવાળા મનુષ્યના વિષયમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું છે, હવે તું મને આસુરી ગુણોવાળા મનુષ્યના વિષયમાં વિસ્તારથી સાંભળ.

16.7

પ્રવૃત્તિં(ઞ્) ચ નિવૃત્તિં(ઞ્) ચ, જના ન વિદુરાસુરાઃ।
ન શૌચં(ન્) નાપિ ચાચારો, ન સત્યં(ન્) તેષુ વિદ્યતે॥૧૬.૭॥

આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ - આ બેયને નથી જાણતા; માટે એમનામાં નથી તો બાહ્ય-આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્યભાષણ પણ હોતું.

હે અર્જુન! આસુરી પ્રવૃત્તિવાળા મનુષ્ય કરવા યોગ્ય કાર્યને ટાળે છે અને ન કરવા યોગ્ય કાર્ય કરે છે, આવા લોકો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બંનેને જાણતા નથી તેમનામાં બહાર અને અંદરની પવિત્રતા હોતી નથી અને શ્રેષ્ઠ આચરણ અને સત્ય ભાષણ પણ નથી જાણતા.

16.8

અસત્યમપ્રતિષ્ઠં(ન્) તે, જગદાહુરનીશ્વરમ્।
અપરસ્પરસમ્ભૂતં(ઙ્), કિમન્યત્કામહૈતુકમ્॥૧૬.૮॥

આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત્ આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી-પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે; એ કામ સિવાય બીજું શું છે .

આસુરી સ્વભાવવાળા મનુષ્ય ભગવાનને માનતા નથી અને તે કહે છે કે આ સંપૂર્ણ જગત આશ્રય રહિત સર્વથા અસત્ય અને તે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા છે, માત્ર કામ જ તેનું કારણ છે તેના સિવાય બીજું કંઈ જ નથી.

16.9

એતાં(ન્) દૃષ્ટિમવષ્ટભ્ય, નષ્ટાત્માનોऽલ્પબુદ્ધયઃ।
પ્રભવન્ત્યુગ્રકર્માણઃ, ક્ષયાય જગતોऽહિતાઃ॥૧૬.૯॥

આ મિથ્યા દૃષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદબુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂરકર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે.

હે અર્જુન! એવા પુરુષ મિથ્યા જ્ઞાનનો સહારો લઈને, જેની બુદ્ધિ અલ્પ છે, તથા સ્વભાવ નષ્ટ થઈ ગયો છે, દરેકના પ્રત્યે અહિતની વાત વિચારે છે, એવા ક્રૂર કર્મ કરવાવાળા લોકો જગતના નાશ માટે ઉત્પન્ન થયા છે.

16.10

કામમાશ્રિત્ય દુષ્પૂરં(ન્), દમ્ભમાનમદાન્વિતાઃ।
મોહાદ્ ગૃહીત્વાસદ્ગ્રાહાન્, પ્રવર્તન્તેऽશુચિવ્રતાઃ॥૧૬.૧૦॥

દંભ, માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે.

 હે અર્જુન! એવા આસુરી સ્વભાવવાળા લોકો દંભ, માન અને મદમાં મોટી-મોટી કામનાઓનો આશ્રય લે છે જે ક્યારેય પૂર્ણ થવાની નથી, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોના સહારા લઈને ભ્રષ્ટ આચરણોને ધારણ કરીને વિચરતા રહે છે.

16.11

ચિન્તામપરિમેયાં(ઞ્) ચ, પ્રલયાન્તામુપાશ્રિતાઃ।
કામોપભોગપરમા, એતાવદિતિ નિશ્ચિતાઃ॥૧૬.૧૧॥

તથા તેઓ મૃત્યુપર્યન્ત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને 'આટલું જ સુખ છે' એમ માનનારા હોય છે.

આસુરી સ્વભાવવાળા લોકો મૃત્યુ પર્યંત રહેવાવાળી અસંખ્ય ચિંતાઓના આશ્રય લેવાવાળા, વિષય ભોગોને ભોગવામાં તત્પર રહેવાવાળા અને આટલું જ સુખ છે અર્થાત લગ્ન કરી લો, સંતતિ વધારો, તેને ભણાવો ગણાવો વગેરે પોતાનું ઉદ્દેશ્ય માનવાવાળા હોય છે, તેનાથી વધારે કશું જ હોતું નથી. તેને સમાજની સાથે કઈ લેવા દેવા નથી.

16.12

આશાપાશશતૈર્બદ્ધાઃ(ખ્), કામક્રોધપરાયણાઃ।
ઈહન્તે કામભોગાર્થમ્, અન્યાયેનાર્થસઞ્ચયાન્॥૧૬.૧૨॥

આશાના સેંકડો ફંદાઓથી બંધાયેલા એ માણસો કામ-ક્રોધને પરાયણ થઈને વિષયભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે.

એક મહત્વપૂર્ણ શ્લોક છે, ભગવાન કહે છે કે આશાને લીધે મનુષ્યો સેંકડો ફાંસોમાં બંધાયેલા છે અને કામ, ક્રોધને વશીભૂત થઈને વિષય ભોગોના માટે અન્યાયથી ધન આદિ પદાર્થોનું સંગ્રહ કરવાની ચેષ્ટામાં લાગેલા રહે છે.
  આપણે બધા જ્યારે નાના હતા ત્યારે કહેતા હતા કે બસ આ મળી ગયું હવે આગળ કઈ જોઈતું નથી, પરંતુ તેની પૂર્તિ થઈ ગયા બાદ બીજી માંગ માની પાસે કર્યા કરતા હતા, આમ આ પ્રકાર તે કદી પૂર્ણ થતી જ ન હતી. આજે પણ મોટા થઈને તે જ આશા આપણે તેનું રક્ષણ કરીએ છીએ,જે કદી તૃપ્ત થતી નથી, ભગવાન કહે છે, એ જુઠ્ઠા! મને ખબર છે.
એક પ્રસિદ્ધ રુસી લેખક લિયો સાઇબેરીયાની વાર્તા છે કે એક ખેડૂતની પાસે વધુ કઈ સમૃદ્ધિ ન હતી તેને કોઈકે કહ્યું કે સાઇબેરિયા એરિયામાં જતા રહો ત્યાં જમીન બહુ ખાલી પડી છે અને મફતમાં પણ મળી રહી છે તે ખેડૂત ત્યાં ગયો અને મુખીયાને મળ્યો. મુખિયા એ કહ્યું સવારે ઊઠીને ચાલજે અને સાંજ સુધી જેટલું તમે ચાલો અને જેટલો ઘેરાવો બનાવી લો તેટલી જમીન તમને મફતમાં મળશે, ખેડૂતે વિચાર્યું રાત્રે જ ખાવાનું પણ બનાવી લઉં છું અને પાણી પણ સાથે લઈ લઉં છું, સવારે વહેલા મારે ચાલી નીકળાય, રાતમાં આજ વિચારમાં ઊંઘ્યો પણ નહીં સવારે ચાલવાનું શરૂ કર્યું અને વિચાર્યું કે બપોર સુધી જેટલું ક્ષેત્ર ચલાય એટલું હું ચાલી લઈશ અને બપોર પછી બીજી બાજુ હું ચાલવાનું શરૂ કરી દઈશ સાંજ સુધીમાં પહોંચી જઈશ આગળ ગયો તો એક મોટુ તળાવ દેખાયું તેણે તેની પણ ગોળ ફરતા તેને ચાલવાનું શરૂ કર્યું ખાવા પીવાનું ફેંકી દીધું અને ખૂબ જ તેજ (ઝડપથી) દોડવાનું શરૂ કર્યું એટલમાં બપોરના બે વાગી ગયા અને થાકી ગયો પરંતુ ઈચ્છા ખૂબ જ બળવાન થતી જઈ રહી હતી. હાથ અને પગ બંનેથી પડતા અથડાતાં ચાલવા લાગ્યો. એટલો થાકી ગયો કે ત્યાં એક જગ્યા ઉપર બેસી ગયો. હવે તેનાથી બિલકુલ ચલાતું ન હતું, અંતમાં હૃદયની ગતિ રોકાઈ ગઈ અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો. આવી જ સ્થિતિ આપણા બધાની છે. પરિવાર માટે પોતાના સ્વાસ્થ્યને, પોતાની નિંદરને દાવ પર લગાવી દઈએ છીએ અને ભોગવવાના બધા જ સંસાધન હોવા છતાં આપણે ભોગવી શકતા નથી. આમ તે ખેડૂત જેવી સ્થિતિ આપણી પણ થતી જાય છે.



16.13

ઇદમદ્ય મયા લબ્ધમ્, ઇમં(મ્) પ્રાપ્સ્યે મનોરથમ્।
ઇદમસ્તીદમપિ મે, ભવિષ્યતિ પુનર્ધનમ્॥૧૬.૧૩॥

તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું અને હવે આ મનોરથને પાર પાડીશ, મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે.

આસુરી સ્વભાવવાળા પુરુષ અનુચિંતન, શ્રવણ, વિચારમાં પડ્યા રહે છે કે મેં આજે આટલું પ્રાપ્ત કરી લીધું. હવે આ મનોકામનાની પૂર્તિ કરી લઈશ, મારી પાસે આટલું ધન આવી ગયું છે અને વધુ ભવિષ્યમાં પણ પ્રાપ્ત કરી લઈશ. એવું આ લોકો વિચારતા હોય છે.

16.14

અસૌ મયા હતઃ(શ્) શત્રુ:(ર્), હનિષ્યે ચાપરાનપિ।
ઈશ્વરોऽહમહં(મ્) ભોગી, સિદ્ધોऽહં(મ્) બલવાન્સુખી॥૧૬.૧૪॥

પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણી નાખીશ, હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું, હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું.

હે અર્જુન! આસુરી સ્વભાવવાળા મનુષ્ય વિચારે છે કે તે શત્રુ મારા દ્વારા માર્યો ગયો છે અને બીજા શત્રુઓને પણ હું મારી નાખીશ. તે માને છે કે હું જ ઈશ્વર છું બધા જ સુખ સુવિધાઓને ભોગવવાવાળો હું જ છું.
મને બધી સિદ્ધિઓ પ્રાપ્ત છે તથા હું જ બળવાન અને સુખી છું. 

16.15

આઢ્યોऽભિજનવાનસ્મિ, કોऽન્યોऽસ્તિ સદૃશો મયા।
યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય, ઇત્યજ્ઞાનવિમોહિતાઃ॥૧૬.૧૫॥

હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ-મજા કરીશ – આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા, તેમજ વિષયભોગોમાં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરકમાં પડે છે.

આસુરી સ્વભાવવાળા લોકો એવું વિચારે છે કે હું ખૂબ ધનવાન છું અને મેં મોટા કુટુંબવાળાના ઘરમાં જન્મ લીધો છે, અને આ પ્રકારે મારા બરોબરીમાં બીજું કોઈ આવી જ ન શકે. હું મારી ઈચ્છા અનુસાર યજ્ઞ કરીશ, દાન પણ આપીશ અને આનંદ પ્રમોદ પણ કરીશ અને આ પ્રકારની અજ્ઞાનથી વિમોહિત થવાવાળા લોકો હોય છે.


16.16

અનેકચિત્તવિભ્રાન્તા, મોહજાલસમાવૃતાઃ।
પ્રસક્તાઃ(ખ્) કામભોગેષુ, પતન્તિ નરકેऽશુચૌ॥૧૬.૧૬॥

અનેક રીતે ભ્રમિતચિત્ત તથા મોહરૂપી જાળ થી વીંટળાયેલા, તેમજ વિષયભોગો માં રચ્યાપચ્યા રહેનારા આસુરી જનો મહાન અપવિત્ર નરક માં પડે છે.

આવા આસુરી સ્વભાવના લોકો અનેક પ્રકારથી ભ્રમિતચિત્તવાળા હોય છે અને મોહરૂપી જાળમાં ફસાયેલા હોય છે, સાંસારિક વિષય ભોગોમાં અત્યંત લિપ્ત રહીને અપવિત્ર નરકમાં પડે છે.


16.17

આત્મસમ્ભાવિતાઃ(સ્) સ્તબ્ધા, ધનમાનમદાન્વિતાઃ।
યજન્તે નામયજ્ઞૈસ્તે, દમ્ભેનાવિધિપૂર્વકમ્॥૧૬.૧૭॥

એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામમાત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે.

આવા આસુરી પ્રવૃત્તિવાળા પુરુષ પોતાને જ શ્રેષ્ઠ માનવાવાળા, અભિમાની પુરુષ ધન અને માનના મદ્થી યુક્ત થઈને માત્ર નામના યજ્ઞો દ્વારા પાખંડથી શાસ્ત્ર વિધિરહિત યજ્ઞ કરે છે, જેમ આજકાલ આપણે જોઈએ છીએ કે ગણેશ પૂજા, દુર્ગા પૂજા વગેરેમાં ભગવાનના ઉત્સવના નામ પર ફિલ્મી ગીતો પર ડાન્સ નૃત્ય થાય છે, જ્યાં શ્રદ્ધા લેશમાત્ર દેખાતી નથી.


16.18

અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(ઞ્) ચ સંશ્રિતાઃ।
મામાત્મપરદેહેષુ, પ્રદ્વિષન્તોऽભ્યસૂયકા:॥૧૬.૧૮॥

અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યાપચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અન્તર્યામીનો જ દ્વેષ કરે છે.

ભગવાન કહે છે કે હે અર્જુન! એવા આસુરી પ્રવૃત્તિવાળા લોકો અહંકાર, બળ, ઘમંડ, અભિમાન, કામના અને ક્રોધ વગેરેનો સહારો લઈને બીજાની નિંદા કરવાવાળા પુરુષ પોતાનું અને બીજાના શરીરમાં સ્થિત મુજ અંતર્યામી પરમાત્મા સાથે એક પ્રકારનો દ્વેષ કરવાવાળા હોય છે.


16.19

તાનહં(ન્) દ્વિષતઃ(ખ્) ક્રૂરાન્, સંસારેષુ નરાધમાન્।
ક્ષિપામ્યજસ્રમશુભાન્, આસુરીષ્વેવ યોનિષુ॥૧૬.૧૯॥

એ દ્વેષ કરનારા, પાપાચારીઓ અને ક્રૂરકર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું.

હે અર્જુન! એવા આસુરી સ્વભાવવાળા દ્વેષ કરવાવાળા, પાપાચરણનો વ્યવહાર કરવાવાળા અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોની અર્થાત નિમ્ન યોનીઓમાં જેમ કે ગટરના કીડા, કીટકો, પતંગ આદિમાં નાખું છું.








16.20

આસુરીં(ય્ઁ) યોનિમાપન્ના, મૂઢા જન્મનિ જન્મનિ।
મામપ્રાપ્યૈવ કૌન્તેય, તતો યાન્ત્યધમાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૦॥

હે કૌન્તેય! એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે, પછી એનાથીય ઘણી નીચ ગતિને પામે છે એટલે કે ઘોર નરકોમાં પડે છે.

ભગવાન કહે છે હે અર્જુન! આવા આસુરી પ્રવૃત્તિવાળા મૂઢ લોકો મને પ્રાપ્ત ન કરીને જન્મોજન્મ આસુરી યોનીઓને પ્રાપ્ત કરે છે અને પછી તેનાથી પણ અતિ નીચ ગતિને પ્રાપ્ત થાય છે, ઘોર નર્કમાં જાય છે.




16.21

ત્રિવિધં(ન્) નરકસ્યેદં(ન્), દ્વારં(ન્) નાશનમાત્મનઃ।
કામઃ(ખ્) ક્રોધસ્તથા લોભ:(સ્), તસ્માદેતત્ત્રયં(ન્) ત્યજેત્॥૧૬.૨૧॥

કામ, ક્રોધ તથા લોભ - આ ત્રણ જાતનાં નરકનાં દ્વાર આત્માનો નાશ કરનારાં એટલે કે એને અધોગતિએ લઈ જનારાં છે, માટે આ ત્રણેયને ત્યજી દેવાં જોઈએ.

કામ, ક્રોધ, લોભ આ બધું તો થોડી-થોડી માત્રામાં દરેકના પાયામાં હોય છે જ પરંતુ તેનાથી વેગ ખૂબ જ ખતરનાક છે, આ ત્રણેય નરકના દ્વાર આત્માનો નાશ કરવાવાળા હોય છે, અને તે અધોગતિ તરફ લઈ જાય છે, તેથી આ ત્રણેયનો ત્યાગ કરવો જ શ્રેયકર છે.






16.22

એતૈર્વિમુક્તઃ(ખ્) કૌન્તેય, તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ।
આચરત્યાત્મનઃ(શ્) શ્રેયઃ(સ્), તતો યાતિ પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૨॥

હે કુન્તીપુત્ર! આ ત્રણેય નરકનાં દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે આ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે.

ભગવાન આશ્વાસન આપે છે કે હે અર્જુન! આ ત્રણે નરકના દ્વારોથી મુક્ત પુરુષ પોતાના કલ્યાણ હેતુ આચરણ કરે છે, જેનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે એટલે તે મને જ પ્રાપ્ત કરે છે.




16.23

યઃ(શ્) શાસ્ત્રવિધિમુત્સૃજ્ય, વર્તતે કામકારતઃ।
ન સ સિદ્ધિમવાપ્નોતિ, ન સુખં(ન્) ન પરાં(ઙ્) ગતિમ્॥૧૬.૨૩॥

જે માણસ શાસ્ત્રવિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને.

આજકાલ તમને એવા લોકો પણ મળશે જે કહે છે કે હું કોઈ શાસ્ત્ર વિધિથી કામ નહીં કરું. પરંતુ કોઈ અનાથ આશ્રમમાં ભોજન કરાવી દઈશ, કોઈ સંસ્થામાં દ્રવ્યદાન કરાવી દઈશ, પરંતુ ભગવાન કહે છે કે જે પુરુષ શાસ્ત્રમાં બતાવ્યા અનુસાર વિધિનો ત્યાગ કરી પોતાની ઈચ્છાથી પોતાની રીતે આચરણ કરે છે તે ન તો કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે, ન તો પરમગતિને અને આ લોકમાં સુખને પણ પ્રાપ્ત કરી શકતો નથી.


16.24

તસ્માચ્છાસ્ત્રં(મ્) પ્રમાણં(ન્) તે, કાર્યાકાર્યવ્યવસ્થિતૌ।
જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તં(ઙ્), કર્મ કર્તુમિહાર્હસિ॥૧૬.૨૪॥

આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે.


ભગવાન કહે છે હે અર્જુન! કર્તવ્ય અને અકર્તવ્યની વચ્ચે શાસ્ત્ર જ પ્રમાણ સ્વરૂપ છે અને તદાનુસાર આચરણ કરવું જોઈએ. હવે કોઈ કહે કે મને શાસ્ત્રનું જ્ઞાન નથી, હું કેવી રીતે તેનું આચરણ કરું? તેના માટે મનુષ્યએ નિમ્નનો આશ્રય લઈને કર્મ કરવું જોઈએ.
૧) મહાપુરુષ ના વચન
૨) ગુરુથી પ્રાપ્ત નિર્દેશ
૩) સત્સંગ
આ સાથે જ વિવેચનસત્ર સમાપ્ત થયું અને પ્રશ્નોત્તરીનું સત્ર શરું થયું. 

              પ્રશ્નોત્તરી

પ્રશ્ન:. રેખાજી
ભૈયા હું ભગવાનને દરરોજ ભોગ ધરાવું છું તો તેમાં ડુંગળી અને લસણ ચાલી શકે?
જવાબ :
જેટલું થાય તે સારી વાત છે, જુઓ લસણ અને ડુંગળી તામસી છે, તે સારી વાત નથી. જો આપણે સાધનામાં જોડાઈએ તો તામસી પદાર્થનો ત્યાગ કરવો જોઈએ.ભગવાને ૧૭મા અધ્યાયમાં બતાવ્યું છે કે જે પદાર્થથી દુર્ગંધ આવે તે પદાર્થ તામસી છે અને તેનાથી દૂર રહેવું જોઈએ.

પ્રશ્ન: શિવરાજજી
આ પ્રશ્ન બધાને લાગુ પડે છે જેમ આપણે ભક્તિમાં લાગેલા છીએ અને ઊંઘમાં જો ભગવાનનું સ્મરણ કરીએ અને સૂઈ જઈએ તો ઊંઘ આવે છે અને સ્વપ્ન પણ આવે છે તો સ્વપ્ન કોઈને કહેવા જોઈએ કે નહીં?
જવાબ:
તમે કહો કે ના કહો તેની કોઈ કિંમત નથી. કહેવાથી આત્મભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી અહમ વધે છે. કહેવાથી આ એક નુકસાન છે.

પ્રશ્ન:
મને એમ થાય છે કે કહેવાથી સામેવાળાને પણ સારું લાગશે.
જવાબ :
જો આ ભાવનાથી બતાવો તો તેમાં કોઈ આપત્તિ નથી અને તે સારી વાત છે.
પ્રશ્ન: ગૌરીજી
મારો પ્રશ્ન છે કે અંતઃકરણમાં મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત શું છે, એમાંથી ચિત્ત શું છે?
જવાબ :
ચિત્ત ધારણા કરે છે. મન સંકલ્પ-વિકલ્પ કરે છે અને જે નિર્ણય કરે તેને બુદ્ધિ કહેવાય છે. જ્યારે ધારણા કરે જેમ કે હું સ્ત્રી છું, હું પુરુષ છું, તેને ચિત્ત કહેવાય છે. જ્યારે સ્વયંની અનુભૂતિ કરે છે જેમ કે હું સારી રીતે સુઈ ગયો છું કે જાગી રહ્યો છું ત્યારે અંદર અહમ ભાવની પ્રતીતિ થઈ જાય તેને અહમ કહેવાય છે. આ ચાર અવસ્થા અલગ-અલગ નથી. જેની જેવી એક્શન હોય તેની તેવી સ્થિતિ હોય છે.
આ સાથે પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.

                         ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે દૈવાસુરસમ્પદ્વિભાગયોગો નામ ષોડશોઽધ્યાયઃ॥૧૬॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “દૈવાસુરસમ્પદ્વિભાગયોગ" નામનો સોળમો અધ્યાય પૂરો થયો. ॥૧૬॥