विवेचन सारांश
જીવ ભગવાનનો અંશ

ID: 4865
Gujarati - ગુજરાતી
શનિવાર, 18 મે 2024
પ્રકરણ 15: પુરુષોત્તમ યોગ
2/2 (શ્લોક 6-20)
વિવેચન: ગીતા પ્રવીણ રૂપલ જી શુક્લા


શ્રીકૃષ્ણની પ્રાર્થના સાથે શરૂઆત થઇ. ભગવાનના સુંદર વિગ્રહ સામે દીપ પ્રજવલન થયું. ગુરુ પરંપરા મુજબ ગુરુવંદન અને પ્રાર્થના કરી વિવેચનની શરૂઆત કરી. ભગવાનની અત્યંત મંગલમય કૃપા છે કે આપણે સૌ આપણા જીવનને સાર્થક બનાવવા માટે આ કલ્યાણના માર્ગ પર, ગીતાજીના માર્ગ પર, ગીતાજીને સમજવા માટે, ગીતાજીને જાણવા માટે, ગીતાજીના સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારવા માટે, ગીતાના મનનના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. આપણે ગીતાજી વાંચીએ છીએ તો આપણા સ્વભાવમાં પણ કંઈક બદલાવ આવવો જોઈએ એવું આપણને સૌને લાગે છે. એટલા માટે આપણે સૌ નિત્ય નિરંતર તેના માટે પ્રયત્નશીલ છીએ. એ ખ્યાલ નથી કે ભગવાનની આ કૃપા આપણા ઉપર કેવી રીતે થઈ ગઈ? શા માટે થઈ ગઈ? આપણા આ જન્મના સત્કર્મો કે પછી પૂર્વ જન્મનાં સત્કર્મો જાગૃત થઈ ગયા કે કોઈ સંત મહાત્માની નજર આપણા પર પડી ગઈ. આપણને ગીતાજી મળી ગયા. આપણો ભાગ્યોદય થઈ ગયો કે જેથી આપણે ગીતાજીના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. ગીતાજી વાંચવા, ગીતાજી સમજવા, ગીતાજી જાણવા જેવો સરળ અને સુગમ માર્ગ મનુષ્યના કલ્યાણ માટે બીજો કોઈ જ નથી આવું આચાર્યોએ વારંવાર કહ્યું છે. આપણે બધા ગીતાજીના માર્ગ પર જે પ્રયત્ન પૂર્વક આગળ વધી રહ્યા છીએ તે આપણા પ્રયાસો કે આપણી ઈચ્છાથી કરીએ છીએ તેમ સમજવું એક ભૂલ છે. આ તો માત્ર અને માત્ર પરમાત્માની સાક્ષાત કૃપાના કારણે જ આ શક્ય બને છે.
  ૧૨મા અધ્યાય ભક્તિયોગથી આપણે પરિચિત છીએ. નાનપણથી જ આપણે ઘરમાં આપણી માતાને પૂજા કરતાં, ભક્તિ કરતાં જોઈ છે. ભગવાને એમાં આપણને ભક્તના 39 લક્ષણો કહી દીધા. કયા લોકો ભગવાનને પ્રિય છે તે ભગવાનને પોતે જ કહી દીધું. ભગવાનને ગીતામાં શું કરવું અને શું ન કરવું એ નથી કહ્યું પણ આપણને એક ચેકલીસ્ટ આપી દીધું છે. ધ્યાન કરવું છે? તો આમ કરો. ભક્તિ કરવી છે? તો આ રીતે કરો, જ્ઞાન પ્રાપ્ત કરવું છે? તો આમ કરો. અર્જુનની કેવી ભક્તિની પ્રગાઢતા છે કે કહે છે, હે કૃષ્ણ! તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. આ પરથી ખબર પડે છે કે અર્જુન કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે! એમનો સખાભાવ પણ છે, ભક્તભાવ પણ છે. અર્જુનનું કર્તવ્ય શું છે? એ શું કહે છે? એ કહે છે, હું તમારો શિષ્ય છું, મારે માટે જે નિશ્ચિત કલ્યાણકારક હોય તે તમે મને કહો.
જ્યારે અર્જુને પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દીધી ત્યારે ભગવાને બોલવાનું શરૂ કર્યું. ભગવાનને અર્જુનને બહુ કડક શબ્દોમાં ફટકાર્યા છે, ન કહેવાના શબ્દો પણ કહ્યા છે. જ્યારે આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે આપણે માટે જે કલ્યાણકારક છે તે ભગવાન કરે છે. ભગવાનને આપણે પ્રિય છીએ. જ્યાં સુધી આપણે ભગવાનની શરણાગતિ નહીં સ્વીકારીને આપણી ઈચ્છાઓ કરતા રહીશું, ભગવાન એની પૂર્તિ કરતા રહેશે. એક માતા પોતાના બાળકને ત્યાં સુધી રમકડાં આપતી રહેશે જ્યાં સુધી એ શાંત બેસીને રમકડાંથી રમશે પણ જેવું બાળક રમકડાં છોડીને માતા માટે જ રડશે માતા બધા કામ પડતા મૂકીને બાળકને ઊંચકી લેશે, ખોળામાં બેસાડશે. જો આપણે પણ ભગવાનના ખોળામાં બેસવા માંગતા હોઈએ, ભગવાનનું સાનિધ્ય ઇચ્છતા હોઈએ તો આપણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી પડશે. જ્યારે ભગવાન પોતાના લાગે છે ત્યારે આપણે એમની પાસેથી દુન્યવી વસ્તુઓ માંગીએ છીએ, પરંતુ એક ભાવ નિશ્ચિત રાખો કે હું માંગુ છું તો ખરો પરંતુ મારે માટે જે કલ્યાણકારક હશે તે જ ભગવાન કરશે. ભક્તિયોગમાં આપણે પૂરેપૂરું સમર્પણ જોયું. કઈ રીતે પોતાની જાતને સમર્પિત કરવી, કઈ રીતે ભગવાનનું ધ્યાન કરવું, સ્મરણ કરવું, ભક્તિ કરવી!
હવે ભગવાન શ્રેષ્ઠતમ જ્ઞાનયોગનો પરિચય કરાવે છે. આગળના શ્લોકોમાં આપણે જોયું કે ભગવાને સંસાર વૃક્ષ વિશે કહ્યું. ત્રીજા શ્લોકમાં ભગવાને ચોખ્ખું કહી દીધું કે મેં વર્ણન કર્યું છે એવું વૃક્ષ સાચેસાચું નથી, જેવું મેં કહ્યું તેવું એનું સ્વરૂપ નથી. આ ભાગ ભગવાને આપણી સીમિત બુદ્ધિ હોવાને કારણે સમજવા માટે એક રૂપક આપ્યું. આપણને દાખલો આપીને સમજાવ્યા વગર કંઈ સમજાતું નથી, કોઈ અઘરી વસ્તુ પણ દાખલો આપીને સમજાવવામાં આવે તો તરત સમજાઈ જાય છે. ભગવાને દાખલો આપીને સમજાવ્યું કે વૃક્ષમાં જે મૂળ છે તે પરમાત્મા છે, થડ છે તે બ્રહ્મ છે, જે આપણા ઈષ્ટ છે, ડાળીઓ છે તે યોનીઓ છે, જે નીચેની અધમ શાખાઓ છે તે મનુષ્યયોનીની નીચેની યોનીઓ છે, મધ્યની ડાળીઓ મનુષ્યયોની છે અને ઉપરની ડાળીઓ છે તે મનુષ્ય ઉપરની એટલે કે દેવયોની, ગંધર્વયોની, યક્ષયોની વગેરે યોની છે. આપણે કઈ યોનીમાં જઈશું તે આપણા કર્મ પર આધાર રાખે છે. સારા કર્મ કર્યા હશે તો આપણે મનુષ્ય યોનીમાં જઈશું. બહુ સારા કર્મ કર્યા હશે, બહુ પુણ્ય ભેગું કર્યું હશે તો આપણે દેવ, ગંધર્વ અથવા યક્ષયોનીમાં જઈશું, શક્તિ વધારે મળશે. જો કર્મ સારા નહીં હોય તો મનુષ્યથી નીચેની યોની એટલે કે અધમયોની મળશે.
એ જ રીતે આપણે 14 લોક પણ જોયા. સત્યલોક, જનલોક, તપલોક, મહરલોક, ભૂલો વગેરે. આ 14 લોકમાં એક મનુષ્યલોક છે. જ્યારે આપણે સારા કર્મો કરીએ છીએ ત્યારે મનુષ્યલોકથી ઉપરના લોકમાં જન્મ મળે છે, સારા કર્મો ન કરીએ તો મનુષ્યલોકથી નીચેના લોકમાં જન્મ મળે છે. આવા સંસાર વૃક્ષના પાંદડાની સંખ્યાની ગણતરી નથી થઈ શકતી, તે અનંત હોય છે. પાંદડાને વેદો કહ્યા છે કારણ કે વેદોમાં જ્ઞાન અનંત છે. આપણા જ્ઞાનનો મૂળ સ્તોત્ર વેદ છે. સંખ્યાની ગણના નથી કરી શકાતી એટલે પાંદડા વેદો છે. આપણી ઇન્દ્રિયોના વિષયો છે તે પ્રવાલ છે. પ્રવાલ એટલે કોરલ, મજબૂત, શક્તિશાળી. આ વૃક્ષનું વર્ણન કરતી વખતે ભગવાનને કશે ફૂલ અથવા તો ફળનો ઉલ્લેખ નથી કર્યો કે વર્ણન નથી કર્યું. આનો સ્વામી રામસુખદાસજી બહુ સુંદર જવાબ આપે છે, આ સંસાર વૃક્ષનું વર્ણન ભગવાન કરે છે. ફુલ અને ફળ પ્રસન્નતાનું પ્રતીક છે, એનાથી આપણને કંઈક મળે છે. ફળ મળે તો તે ખાઈને આપણને સ્વાદ મળે છે, પ્રસન્નતા થાય છે, ફૂલની સુવાસથી આપણને પ્રસન્નતા મળે છે. સંસાર વૃક્ષની વાત જ્યારે ભગવાન કરે છે ત્યારે એમાં સુખ લેશમાત્ર નથી એટલે એમાં ફુલ ફળનું વર્ણન નથી. સંસાર પૂર્ણરૂપથી દુઃખ છે, એમાં એક ટકો પણ સુખ નથી મળતું. આ સમજાવવા માટે સંસાર વૃક્ષમાં ફળ કે ફૂલનો ઉલ્લેખ નથી. સંસાર વૃક્ષથી મુક્તિ કઈ રીતે મેળવવી? 
असङ्गशस्त्रेण दृढे़न छित्त्वा' ।
એવું નથી કે આપણે સંસારમાં ફસાયેલા જ રહીશું,
पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्।
મુક્તિ મેળવી શકાય છે, અસંગરૂપી શસ્ત્રથી દ્રઢતાથી સંસાર વૃક્ષના મૂળને કાપી નાખો. આપણે સુંદર ભજન જોયું હતું. 
"મેં નહીં, મેરા નહીં, યહ સબ કિસીકા હૈ દિયા" 
જ્યારે આપણે માનવા લાગીશું કે હું પણ કોઈનો આપેલો છું, મારી સંપત્તિ, મારો પરિવાર પણ કોઈએ આપેલો છે, જેને આપણે મારું કહીએ છીએ તે બધી વસ્તુઓ આપણને કોઈએ આપેલી છે. જ્યારે માની લઈએ કે આ મારું છે જ નહીં તો એમાં મમત્ત્વ, વાસના નહીં રહે. આ બહુ સહેલું નથી પરંતુ અઘરું પણ નથી.
 “Impossible always says, I m possible.”
 અસંગ શસ્ત્રથી આ સંભવ છે એમ ભગવાન કહે છે. તરત નહીં થાય, બધાને જુદો-જુદો સમય લાગશે પરંતુ શરૂઆત કરી દીધી તો ક્યારેક ને ક્યારેક ધ્યેય સુધી પહોંચી જવાશે. સૌથી અઘરું કામ શરૂઆત કરવાનું છે. રેસની લાઇનમાં ઊભું રહેવું મહત્વનું છે, ક્યારેક ને ક્યારેક તો છેલ્લા પડાવ પર પહોંચી જ જઈશું.
આમાં મહત્વપૂર્ણ બે વસ્તુઓ છે, આપણી ગતિ શું છે અને આપણે સાચી દિશામાં જઈએ છે કે નહીં ? આમાં કોઈ હરીફાઈ નથી, બધા પોતપોતાની રીતે સાધના કરી રહ્યા છે. કોઈની ઝડપ વધુ હશે તો જલદી પહોંચશે અને કોઈ મોડેથી પહોંચશે. આપણે એક સાગરનું ટીપું છીએ જેને સાગરમાં સમાવવાનું છે, સમાઈ ગયા પછી કોણ ક્યારે સાગરને મળ્યું, વહેલું કે મોડું તે મહત્વનું નથી.
ફક્ત ડિટેચમેંટ કે અનાસક્તિ નથી કેળવવાની પરંતુ તે દ્રઢતાથી કરવાનું છે. ક્યા લોકો આ કરી શકશે?
 निर्मानमोहा जितसङ्गदोषा, अध्यात्मनित्या विनिवृत्तकामाः।
 द्वन्द्वैर्विमुक्ताः(स्) सुखदुःखसञ्ज्ञै:(र्),
 गच्छन्त्यमूढाः(फ्) पदमव्ययं(न्) तत् ॥
આમાં ભગવાન કહે છે કે તમે માન અને મોહ છોડી દો, આપણે "હું તથા મારું" એ ભાવ છોડીને, બીજાની અપેક્ષા છોડીને, આસક્તિ છોડીને સતત અધ્યાત્મના માર્ગ પર ચાલવું પડશે. આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને, સુખ દુઃખમાં સમ રહેવાનો પ્રયત્ન કરીને જ ઈશ્વર પ્રાપ્તિના લક્ષ્યને પ્રાપ્ત કરી શકાશે.
અધ્યાત્મનિત્યા -
આપણે કોઈપણ કાર્ય કરીએ ભગવાન તારું જ કામ કરી રહ્યો છું એ ભાવના હંમેશા મનમાં રહેવી જોઈએ. આપણે બારમાં અધ્યાયમાં પણ જોયું કે એ ભક્ત સતત યુક્ત એટલે કે નિરંતર ભગવાનના ચિંતનમાં જ રહે છે, ભગવાન સાથે સતત જોડાયેલો જ રહે છે. 
 “ अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ।”
અનન્ય ભાવથી ભગવાનનું જ સ્મરણ કરે છે. સામાન્ય રીતે બીજી જગ્યાએ ધ્યાન લગાવવા માટે એક જગ્યાએથી ધ્યાન હટાવવું પડે છે પરંતુ જો સતત આપણું ધ્યાન ભગવાનમાં લાગેલું રહે તો આપણું ધ્યાન બીજે કશે લાગે જ નહીં! ભગવાન આપણને આસક્તિ રહીત બનવાનું કહે છે. ભગવાને આપણને જે કાંઈ આપ્યું છે એમાં સંતોષ માનવો જોઈએ. ભગવાન કહે છે, “ संतोषं परमं सुखम् ।” સતત જો મન કહેશે મને આ જોઈએ, તે જોઈએ, મન અસંતોષી રહેશે તો આપણને સુખ ક્યાંથી મળી શકે? કોઈ પાસેથી અપેક્ષા હોય અને તેનાથી ઓછું મળે તો આપણને અસંતોષ થાય છે એટલે જે મળે એનાથી સંતોષ માનવો. 
આપણને લાગે કે આ બહુ ખરાબ માણસ છે પરંતુ એ બહુ સુખી છે, ભગવાન એને કાંઈ નહિ કરતો હોય? પરંતુ એવું છે કે સારા માણસ હોય છે તે ભગવાનને પ્રિય હોય છે. ભગવાન એને માટે સારું વિચારીને એના પાપો જલ્દી પૂરા કરવા માટે એને પહેલા દુઃખ આપે છે અને પુણ્ય બચાવી રાખે છે જેથી અંતમાં એનું જીવન સુખમય રીતે પસાર થાય અને જે લોકો પાપ કરે છે એ લોકોએ પાછળથી દુઃખ સહન કરવાનું આવે છે. આપણા કર્મ અનુસાર આપણે સુખ અને દુઃખ ભોગવવા જ પડે છે, આ કર્મનો સિદ્ધાંત છે. આપણા કર્મો જ આપણા પાપ અને પુણ્ય નિર્ધારિત કરે છે, ભગવાન કાંઈ નથી કરતા, ભગવાનની શક્તિથી આ બધું ચાલી રહ્યું છે. ભગવાને ક્યારેય કર્મથી ચ્યૂત થવાની વાત નથી કરી. અર્જુન જ્યારે કહે છે કે મારે યુદ્ધ નથી કરવું ત્યારે ભગવાન સંન્યાસ લેવાનું નથી કહેતા, એને યુદ્ધ કરવાનું કહે છે, વારંવાર યુદ્ધભૂમિમાં જવાનું કહે છે. આપણા માટે યુદ્ધભૂમિ શું છે? આપણું જીવન છે. જ્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે ત્યારે ભગવાનના વચનો, " उत्तिष्ठोतिष्ठ भारत ।" ને યાદ કરવાના, ઉભા થઈને યુદ્ધ કરવાનું. આપણું જીવન યુદ્ધ મેદાન છે એવું જ્યારે આપણને સમજાય છે ત્યારે જીવનનો આનંદ આવે છે. 
 જીવન કેવી રીતે જીવવું તે ભગવદ્ગીતા શીખવે છે. એકાદું યંત્ર કઈ રીતે વાપરવું એ સમજાવવા માટે એની સૂચના પુસ્તિકા હોય છે, એમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એનું લિસ્ટ આપેલું હોય છે. ભગવદ્ગીતા જીવન કઈ રીતે જીવવું એ શીખવે છે. સુખ-દુઃખ, જય-પરાજય, લાભ-હાની આ બધા દ્વંદ્વોમાંથી મુક્ત થઈને સમદ્રષ્ટિ રાખીને જીવન જીવીશું તો ભગવાનના પરમપદને પ્રાપ્ત કરી શકીશું.
હવે આ પરમપદ શું છે તે ભગવાન હવેના શ્લોકમાં કહે છે, પોતાના ધામનું વર્ણન કરે છે. 
 

15.6

ન તદ્ભાસયતે સૂર્યો, ન શશાઙ્કો ન પાવકઃ।
યદ્ગત્વા ન નિવર્તન્તે, તદ્ધામ પરમં(મ્) મમ॥૧૫.૬॥

જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયંપ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાળી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ; એ જ મારું પરમધામ છે.

ભગવાન કહે છે મારું ધામ ન તો સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે, ન તો ચંદ્ર દ્વારા કે ના તો અગ્નિ દ્વારા પ્રકાશિત થાય છે. સંસારમાં પ્રકાશના મુખ્ય ત્રણ સ્ત્રોત છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. ભગવાન અહીં ત્રણેયનું ખંડન કરે છે. જે પરમાત્માનું સ્વરૂપ છે તે અદ્વૈત વેદાંતમાં "સ્વ પ્રકાશત્વ" એટલે કે સ્વપ્રકાશિત છે, એને કોઈની જરૂર નથી એ પોતે જ પ્રકાશસ્વરૂપ ધામ છે જ્યાં જઈને ક્યારેય આપણે પાછું નથી આવવું પડતું. આપણે જોયું કે,
पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम्।
આપણે જન્મ-મૃત્યુના ચક્કરમાં ફસાઈએ છીએ પરંતુ પરમધામને પ્રાપ્ત કર્યા પછી આપણે આ ચક્કરમાંથી છૂટી જઈએ છીએ. આ ધામમાં પ્રસન્નતા, આનંદ છે, પાછું શરીર પ્રાપ્ત કરીને નથી આવવું પડતું. આપણે આપણા શરીરનું બહુ ધ્યાન રાખીએ છીએ, એને સજાવીએ છીએ પરંતુ મૃત્યુ પછી આ શરીરને જલ્દી સ્મશાને પહોંચાડવાનો પ્રયત્ન થાય છે. શરીરથી પ્રેમ નથી હોતો, એમાં રહેલો પ્રાણ મહત્વપૂર્ણ છે. એ નીકળતાં જ, તુલસીદાસ કહે છે,
"क्षिति जल पावक गगन समीरा, पञ्चरतन अति अधम सरीरा'
જે પણ સંબંધ હતો તે જીવાત્મા સાથે હતો, શરીર સાથે નહીં. શરીર સાથે કોઈનો સંબંધ નથી. શરીરનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ એમાં મન ન લાગવું જોઈએ કારણકે શરીર એટલું મહત્ત્વપૂર્ણ નથી, જીવાત્મા મહત્ત્વપૂર્ણ છે, અંત:કરણ મહત્ત્વપૂર્ણ છે એને વિશુદ્ધ રાખવું જોઇએ.  એને વિશુદ્ધ રાખવા માટે ગીતાજીના પાઠ કરવા પડશે, ભગવાનનું પૂજન અર્ચન કરવું પડશે. ભગવાન કહે છે એ પરમધામ જ  મારું ધામ છે અને આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ પરમધામને પ્રાપ્ત કરવા માટે કરી રહ્યા છીએ. 
આને માટે ઉપનિષદમાં પણ શ્લોક આવે છે જેનો અર્થ લગભગ આવો જ થાય છે.
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः    तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति ॥

ન તો ત્યાં સૂર્ય પ્રકાશિત થાય છે અને ન તો ચંદ્રમાં અને તારા પ્રકાશિત થાય છે. ત્યાં વિદ્યુત પણ પ્રકાશિત નથી. આકાશમાં જ રહે વીજળી કડકે છે ત્યારે આકાશ પ્રકાશિત થઈ જાય છે. ગીતામાં ભગવાને ત્રણ સ્ત્રોત લીધા હતા, અહીં વધારે છે. અગ્નિ પણ ક્યાં ત્યાં પ્રકાશિત થાય છે? એને કંઈ પ્રકાશિત નથી કરી શકતું પણ એના જ પ્રકાશથી બધું પ્રકાશિત થાય છે. 


15.7

મમૈવાંશો જીવલોકે, જીવભૂતઃ(સ્) સનાતનઃ।
મનઃ(ષ્) ષષ્ઠાનીન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ કર્ષતિ॥૧૫.૭॥

એ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મનસહિતની પાંચેય ઈન્દ્રિયોને ખેંચે છે.

 ભગવાન કાયદેસર ઘોષણા કરે છે કે આપણે ભગવાનના અંશ છીએ. આ જીવલોકમાં સનાતન જીવ બનીને મારો જ અંશ રહે છે.
બીજા અધ્યાયમાં ભગવાન કહે છે,

वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि |
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही”

ન આત્માને અગ્નિ બાળી શકે છે, ન તલવાર કાપી શકે છે કે ન પાણી ભીંજવી શકે છે. જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ તે જ રીતે જીવાત્મા શરીર બદલે છે. સનાતનનો એ જ અર્થ છે કે એનો કોઈ આરંભ કે અંત નથી. બહુ વર્ષો જૂનું હોય તો એ કહેવાય પુરાતન.  સનાતન એટલે હંમેશાથી છે. જીવ ક્યારે જન્મતો કે મૃત્યુ પામતો નથી, શરીર ધારણ કરે છે. આપણે બધા સનાતન જીવ છીએ, પરમાત્માનો અંશ છીએ. પ્રકૃતિ મન સહિત પાંચે ઇન્દ્રિયોને આકર્ષિત કરે છે અને નવું શરીર ધારણ કરે છે. પૂર્વ જન્મના સંસ્કારો એ નવા શરીરમાં આવે છે. આપણને એક શંકા થાય કે આત્મા તો નિર્વિકાર છે, એની સાથે આ બધું કઈ રીતે થઈ શકે? પણ આ બધું એની સાથે ચોંટીને નથી જતું. જીવાત્મા ફક્ત એ સંસ્કારોને સાથે લઈ જાય છે. એ જીવાત્માના સંસ્કાર નથી. પાણીના એક ગ્લાસ પાસે મીઠું મૂકીએ અને બીજા ગ્લાસમાં મીઠું નાખીએ તેમાં ફેર છે. સંસ્કાર જીવાત્મામાં નથી, અંતઃકરણમાં છે જીવાત્માની સાથે છે, સૂક્ષ્મ રૂપમાં છે. અંતઃકરણમાં પૂર્વ જન્મના બધા સંસ્કારો સુરક્ષિત રહે છે. જે પાપ-પુણ્ય આપણે ભોગવીએ છીએ તે તેમાંથી ઓછા થતા જાય છે અને આ જન્મના પાપ-પુણ્ય ઉમેરાતા જાય છે. આપણા પાપ હજી પુરા નથી થયા એટલે આપણે પુણ્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. પાપનું ફળ ભોગવીને પછી પુણ્ય ભોગવો. એ પોતાની મેળે જ પુરા થઈ જશે. 
એક બીજો પણ મત છે,
ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः।
જ્ઞાનની અગ્નિમાં બધાં કર્મો ભસ્મ થઈ જાય છે, પ્રારબ્ધ કર્મોનો નાશ થઈ જાય છે. જેવું આપણું અંક:કરણ શુદ્ધ થઈ જાય છે, આપણને બ્રહ્મજ્ઞાન થઈ જાય છે, આપણને પોતાના સ્વરૂપના દર્શન થઈ જાય છે એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આપણે આનંદ સ્વરૂપ છીએ તેનો અનુભવ પ્રાપ્ત થાય છે.

15.8

શરીરં(ય્ઁ) યદવાપ્નોતિ, યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ, વાયુર્ગન્ધાનિવાશયાત્॥૧૫.૮॥

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે, એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને, પછી જે શરીરને પામે છે, એમાં જાય છે.

ભગવાન જણાવે છે કે કેવી રીતે જીવાત્મા એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રયાણ કરે છે. જેમ વાયુ ગંધને ગ્રહણ કરીને લઈ જાય છે એ જ રીતે જીવાત્મા જે શરીરને છોડે છે તેમાંથી મન સહિત ઇન્દ્રિયોને ગ્રહણ કરીને નવા શરીરમાં પ્રવેશ કરે છે. જીવાત્મા બધા સંસ્કારો લઈને, ઇન્દ્રિયોને લઈને જાય છે અને જે શરીરને ધારણ કરે છે તેમાં આ બધા સંસ્કાર આવે છે.
જે રીતે પવન વહેતો હોય અને એ બગીચા પરથી પસાર થાય અને હું થોડી દુર હોઉં તો પણ મને સુગંધ આવે છે. આજુબાજુમાં ફુલનો બગીચો છે તે ખબર પડી જાય છે. એ વાયુમાં એ સુગંધ રહેશે જ એવું નથી. થોડે દુર સુધી એ સુગંધ વાયુ સાથે રહેશે પછી છૂટી જશે, આ એનો સ્વભાવ છે. એ જ રીતે જીવાત્મા પણ બધા સંસ્કારો લઈ જાય છે પછી છૂટી જાય છે. આપણા ખરાબ સંસ્કાર હશે તો ઇન્દ્રિયોના વિષયોના સૂક્ષ્મ રૂપમાં જીવાત્મા સાથે ખરાબ સંસ્કાર જશે અને સારા સંસ્કારો હશે તો સારા સંસ્કાર જશે.

15.9

શ્રોત્રં(ઞ્) ચક્ષુઃ(સ્) સ્પર્શનં(ઞ્) ચ, રસનં(ઙ્) ઘ્રાણમેવ ચ।
અધિષ્ઠાય મનશ્ચાયં(વ્ઁ) વિષયાનુપસેવતે॥૧૫.૯॥

આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસ, ધ્રાણ અને મનને આશ્રયે એટલે કે એની સહાય લઈને જ વિષયોને સેવે છે.

 જીવાત્મા ભોક્તા કઈ રીતે હોઈ શકે એવો પ્રશ્ન જો આપણા મનમાં આવે તો ભગવાન અહીં ઉત્તર આપે છે. જીવાત્મા જ જઈ રહ્યો છે, જીવાત્મા જ પાપ-પુણ્ય અને ભોગવે છે એવું આપણે સમજતા હોઈએ તો એ ખોટું છે કારણ કે જીવાત્મા નિર્વિકાર છે. જીવાત્મા મનનો આશ્રય લે છે. છેલ્લે બધું જીવાત્માએ જ ભોગવવું પડે છે પરંતુ એ મન દ્વારા થાય છે. મન ઇન્દ્રિયોના વિષયોનું ગ્રહણ કરે છે. મન જડ હોય છે એટલે એ કોઈ પણ વિષયનો સીધો ભોગ નથી કરી શકતું. જીવાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને મન એનો ભોગ કરે છે. મને બહાર ખાવાનું મન છે, મને સિનેમા જોવાનું મન છે, મને મોડે સુધી સૂઈ રહેવાનું મન છે આમ ભોક્તા મન છે. મનને જ્યાં-જ્યાં છોડીએ છીએ ત્યાં ભોગ ઓછા થતા જશે, બુદ્ધિનો સાંભળશો તો બધું બરાબર થઈ જશે. મન ખોટું કામ કરાવે છે. શાસ્ત્રોમાં પરિભાષા કહી છે કે જે સંકલ્પ વિકલ્પ કરે છે તે મન છે અને બુદ્ધિ નિશ્ચયાત્મિકા હોય છે કે મારે આમ જ કરવું છે.

संकल्प विकल्पात्मिको मन: निश्चायत्मिका बुद्धी: ।
મન આપણને વિકલ્પ આપે છે અને એવા વિકલ્પો આપશે જે આપણને ગમે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આ ઇન્દ્રિયવિષય ભોગ ભોગવનાર મન જ હોય છે.

15.10

ઉત્ક્રામન્તં(મ્) સ્થિતં(વ્ઁ) વાપિ, ભુઞ્જાનં(વ્ઁ) વા ગુણાન્વિતમ્।
વિમૂઢા નાનુપશ્યન્તિ, પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ॥૧૫.૧૦॥

શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય, જીવાત્માના યથાર્થ સ્વરૂપને આજ્ઞાની જનો નથી જણતા, કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્ત્વથી જાણે છે.

 જીવાત્મા મનનો આશ્રય લઈને બધા ભોગ ભોગવે છે પણ અજ્ઞાની લોકો આ સમજતા નથી, એને માટે જ્ઞાનચક્ષુની આવશ્યકતા હોય છે. આપણે  આ મારું છે, મારું છે એમ કરતા રહીએ છીએ અને પ્રાપ્ત થનાર બધા ભોગો મારા છે એવું માનીએ છીએ. આપણે આત્મસ્વરૂપ જીવાત્માના સ્વરૂપને ઓળખતા જ નથી. પૈસા મેળવવા માટે આપણે નોકરી કરીએ છીએ, તેનાથી સુખના સાધનો ભેગા કરીએ છીએ. આ બધી દોડાદોડ સુખ માટે જ છે. પૈસા જે મળે છે એમાંથી લોકો મોટી-મોટી ગાડીઓ લે છે એ લોકોને ગાડી ચલાવવામાં સુખ મળે છે. પૈસા મળે તો તેને બેંકમાં જમા કરીએ છીએ, એમાં સુખ નથી હોતું પણ એનાથી જે વસ્તુ લઈએ છે એમાં સુખ હોય છે.
એક શાળામાં ચિન્મય મિશનના સ્વરૂપાનંદજીએ એક સર્વે કરાવ્યો. એમણે પૂછ્યું કે તમે જ્ઞાન મેળવવા માટે ભણો છો કે ડિગ્રી મેળવવા માટે? અડધાથી વધારે છોકરાઓએ કહ્યું, ડિગ્રી માટે ભણી રહ્યા છીએ કોઈએ કહ્યું કે જ્ઞાન માટે ભણીએ છીએ. એમણે કહ્યું કે માની લો કે તમારે ઓડી ગાડી લેવી છે તે તમને મળી ગઈ. તમે ચલાવી ન શકો. તમે એમ નથી કહેતા કે ચલાવવા માટે ઓડી જોઈએ છે. તમને દસ લાખ રૂપિયા જોઈએ છે. તમારા બેંકના ખાતામાં આવી ગયા પણ પડી રહે તેનું સુખ નથી, વાપરવાથી સુખ મળે છે. 
છેવટે બધું જ સુખ માટે જ કરવામાં આવે છે. સુખ માટે જો બધું કરવાનું હોય તો શા માટે સાત્ત્વિક સુખ પ્રાપ્ત ન કરવું? સાત્ત્વિક, રાજસી અને તામસી ત્રણ પ્રકારના સુખ હોય છે. કોઈને સુવામાં સુખ લાગે છે, આ તામસિક સુખ છે. આપણે તામસિક તરફથી રાજસિક સુખ તરફ અને રાજસિક સુખ તરફથી સાત્ત્વિક સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પ્રગાઢ ભક્તિથી સાત્ત્વિક સુખ મળે છે. ભગવાનની પ્રગાઢ ભક્તિથી જ એમની પ્રાપ્તિ થાય છે. 
 જ્ઞાની વ્યક્તિને આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે. એ એની અંદરના જીવાત્માને જાણે છે. સંત મહાત્મા આવા હોય છે. એમની પાસે સજ્જન માણસ આવે કે દુર્જન આવે, તે એમનામાં રહેલા આત્મસ્વરૂપનું જ દર્શન કરે છે.

15.11

યતન્તો યોગિનશ્ચૈનં(મ્), પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્।
યતન્તોઽપ્યકૃતાત્માનો, નૈનં(મ્) પશ્યન્ત્યચેતસઃ॥૧૫.૧૧॥

યત્ન કરનારા યોગી જનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્ત્વથી ઓળખી શકે છે; પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા.

 પ્રયત્ન કરનારા યોગી પરમાત્માનો અનુભવ કરે છે પરંતુ જેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અવિવેકી મનુષ્ય પ્રયત્ન કરવા છતાં પણ પરમતત્ત્વનો અનુભવ નથી કરી શકતા. અમે હંમેશા સાચું જ બોલીએ છીએ એવું કહેનારા એ લોકો સત્ય અપ્રિય હોય તો પણ બોલે છે.
એમ કહેવામાં આવે છે,
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रूयात सत्यम् अप्रियम् ॥
સત્ય પણ પ્રિય હોય એ રીતે બોલવું જોઈએ, અપ્રિય સત્ય બોલવું ન જોઈએ. અપ્રિય સત્ય બોલવાથી માણસનું મન દુભાય છે. કોઈનું મન દુભાવવાથી એનો આખો દિવસ ખરાબ પણ જઈ શકે છે. આનો દોષ જે ખરાબ રીતે બોલ્યું હોય એને લાગે છે.
બે પ્રકારના લોકો હોય છે, એક પ્રયત્ન કરનાર યોગી હોય છે અને બીજા યોગી નથી. જેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, પાપ કર્યે જાય છે, બીજાને કષ્ટ પહોંચાડવામાં એમને સંકોચ નથી થતો એવા મનુષ્યનું મન શુદ્ધ નથી હોતું અને તે લોકો બ્રહ્મસ્વરૂપના દર્શન નથી કરી શકતા. એ લોકો યોગી નથી. 

15.12

યદાદિત્યગતં(ન્) તેજો, જગદ્ભાસયતેઽખિલમ્।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ, તત્તેજો વિદ્ધિ મામકમ્॥૧૫.૧૨॥

સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાળે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે - એને તું મારું જ તેજ જાણ.

 હવે ભગવાન સ્થૂળથી સૂક્ષ્મ તરફ જાય છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ બધાનો પ્રકાશ સ્થૂળ સ્વરૂપમાં હોય છે. ભગવાન કહે છે એમનામાં જે તેજ છે તે મારું જ તેજ છે.
ભગવાન કહે છે કે સૂર્યમાં જે પ્રકાશ છે જેનાથી આખો સંસાર પ્રકાશમાન થાય છે, ચંદ્રમામાં જે પ્રકાશ છે, અગ્નિનો જે પ્રકાશ છે એ બધા પ્રકાશને તું મારો જ પ્રકાશ માન. સૂર્ય, ચંદ્રમા, અગ્નિની વાત બધાથી સ્થૂળ વસ્તુ છે. છઠ્ઠા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે મારા ધામમાં આ ત્રણેય નથી છતાં પણ મારું ધામ પ્રકાશિત રહે છે. અહીંયા ભગવાને કહી દીધું કે હું જ પ્રકાશરૂપ છું. અહીંયા ભગવાન હવે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જઈ રહ્યા છે. 

15.13

ગામાવિશ્ય ચ ભૂતાનિ, ધારયામ્યહમોજસા।
પુષ્ણામિ ચૌષધીઃ(સ્) સર્વાઃ(સ્), સોમો ભૂત્વા રસાત્મકઃ॥૧૫.૧૩॥

તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળાં ભૂતોને ધારણ કરું છું અને રસસ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષણ આપું છું.

 ભગવાન કહે છે કે હું પૃથ્વીમાં પ્રવિષ્ટ થઈને મારી શક્તિથી બધા પ્રાણીઓને ધારણ કરું છું. અહીંયા ભૂતનો અર્થ બધા પ્રાણીઓથી છે જે પંચમહાભૂતોથી બન્યા છે. ભગવાન કહે છે હું જ ચંદ્રમાના પ્રકાશના રૂપમાં બધા ઔષધીઓનું  પોષણ કરું છું. 
હવે ભગવાન સંસારમાં પ્રવેશ કરે છે. સંસારમાં મળતી બધી વનસ્પતિના રૂપમાં હું બધી ઔષધીઓનું પોષણ કરું છું. હવે ભગવાન આ વનસ્પતિઓના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરવાના છે. 

15.14

અહં(વ્ઁ) વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણિનાં(ન્) દેહમાશ્રિતઃ।
પ્રાણાપાનસમાયુક્તઃ(ફ્) પચામ્યન્નં(ઞ્) ચતુર્વિધમ્॥૧૫.૧૪॥

સર્વ પ્રાણીઓનાં શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને ચાર પ્રકારનાં અન્નને પચાવું છું.

 આપણે જેવું અન્ન ખાઈએ છીએ તેવું આપણું મન બને છે. જો રોજ આપણે બહારનું જ ખાઈએ તો મન પણ એવું બની જાય છે. સાત્ત્વિક માણસોના ચહેરા ઉપર તેજ હોય છે, સંતોના ચહેરા પર તેજ હોય છે તે કોઈ સૌંદર્ય પ્રસાધન વાપરતા નથી હોતા પરંતુ સાત્ત્વિક ભોજનને લીધે તેજ આવે છે. આપણે જે ખાઈએ છીએ એને લીધે રસ મળે છે, રસમાંથી લોહી બને છે, લોહીમાંથી માંસ, માંસમાંથી મજ્જા, મજ્જામાંથી અસ્થિ અને અસ્થિમાંથી વીર્ય તૈયાર થાય છે. વીર્યમાંથી ઓજ અને ઓજમાંથી તેજ પ્રાપ્ત થાય છે. આ રીતે અન્નથી મોઢા ઉપર અને વાણીમાં તેજ આવે છે. તેજ મેળવવા માટે સાત્ત્વિક ભોજન જરૂરી છે. કોઈ વાર રાજસી કે તામસી ખાવાનું ખાઈ શકાય પરંતુ રોજ પીઝા, બર્ગર વગેરે તામસી ખાવાનું ન ખાવું જોઈએ, તે શરીર માટે સારું નથી.
 આપણે ભાજીઓ, લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ. આપણે કેટલું પાણી પીએ છીએ, બહુ વાસી તો નથી ખાતા ને! બહુ ટીન પેક્ડ પદાર્થ તો નથી ખાતા ને! એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે પ્રયાસ કરવો જોઈએ કે બને ત્યાં સુધી તાજું જ ભોજન ખાઈએ. અન્નમાંથી રસ બનાવવા માટે આપણે ભોજન ચાવી-ચાવીને ખાવું જોઈએ નહીં તો ભોજન ચાવ્યા વગરનું એવી જ રીતે વિસર્જિત થઈ જશે અને રસ નહીં બની શકે.
પરમ પૂજ્ય સ્વામીજીની થાળીમાં બહુ થોડું ભોજન હોય છે અને એ એને બરાબર ચાવી-ચાવીને ખાય છે. તમે એમની પાસે બેસો તો વિચાર આવે કે એમની થાળીમાં તો બહુ ઓછું ખાવાનું છે તો આટલી બધી વાર કેમ લાગી રહી છે! આપણે સાત્ત્વિક અન્ન ખાધું પણ ચાવી-ચાવીને ન ખાધું તો તેનો પૂર્ણ લાભ નથી મળતો. એમ પણ કહેવામાં આવે છે કે ફક્ત 50% ભોજનથી પેટ ભરવાનું,  25% પાણીથી ભરવાનું અને બીજું 25% હંમેશા ખાલી રાખવું જોઈએ કારણ કે ભોજનને પચાવવા માટે થોડી ખાલી જગ્યા હોવી બહુ જરૂરી છે. અને જ્યારે હોટલમાં જમવા જઈએ છે ત્યારે આપને ખાઈએ છીએ કારણ કે પૈસા આપણા વસૂલ કરવાના હોય છે, જમ્યા પછી ફળનો રસ અથવા તો આઈસ્ક્રીમ ખાઈએ છીએ. આને લીધે પેટ બહુ ભરાઈ જાય છે અને બચવા માટે આવશ્યક જગ્યા મળતી નથી એટલા માટે અન્ન નું વ્યવસ્થિત પાચન થતું નથી. 
ભગવાન કહે છે કે અન્નને પચાવવા માટે જે અગ્નિ પેટમાં હોય છે તે વૈશ્વાનર અગ્નિ હું છું. પ્રાણ અને અપાનથી યુક્ત થઈને ચાર પ્રકારનું અન્ન હું પચાવું છું. ચાર પ્રકારના અન્ન ક્યા છે?
૧. ભોજ્ય - ચાવીને ખાઈ શકાય
૨. પેય - જે ગળી જવાય
૩. ચોષ્ય - જે ચૂસીને ખવાય
૪. લેહ્ય - જે ચાટીને ખવાય
ભગવાન આ ચારે પ્રકારના અન્ન આપણા શરીરમાં વૈશ્વાનર અગ્નિના રૂપમાં પચાવે છે. આપણે હંમેશા વિચારવું જોઈએ કે જ્યારે ભગવાન આપણા શરીરમાં વૈશ્વાનર અગ્નિના રૂપમાં ભોજનને પચાવવા માટે વિરાજમાન છે તો આપણે એમને કેવું ભોજન આપીશું? સારી રીતે ચાવેલું અને સાત્ત્વિક ભોજન આપીશું કે ગમે તેવું તામસી, વાસી, તીખું, તળેલું ભોજન આપીશું?

15.15

સર્વસ્ય ચાહં(મ્) હૃદિ સન્નિવિષ્ટો,
મત્તઃ(સ્) સ્મૃતિર્જ્ઞાનમપોહનં(ઞ્) ચ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો,
વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્॥૧૫.૧૫॥

હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ જ્ઞાન તેમજ અપોહન થાય છે, તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું.

ભગવાને આ અધ્યાયમાં પોતાની પ્રતીતિ ચંદ્રમા, સૂર્યમાં, પૃથ્વીમાં, વનસ્પતિમાં, પછી શરીરમાં જઠર રૂપે બતાવી. હવે ભગવાન કહે છે કે, તેઓ આપણાં હ્રદયમાં બિરાજે છે. શ્રીમદ્ ભાગવતના ૧૧ માં અધ્યાયમાં ભગવાન ધ્યાન યોગની વિધિ બતાવે છે. ભગવાને ભાગવતમાં અને અહિયાં એ જ હ્રદય કમળની વાત કરી છે. ભગવાન કહે છે, માત્ર આપણાં જ નહીં દરેક પ્રાણીના હૃદયમાં ભગવાન વિરાજિત છે. આપણે જેઓની ઘૃણા કરી છીએ તેમના હ્રદયમાં પણ એ જ પરમાત્મા છે તો આપણે તેઓનો વિરોધ પણ કઈ રીતે કરી શકીએ? કદાચ કોઇની સાથે વાત વધારે વણસી ગઈ હોય તો તેની સાથે વાત ન કરવી તે ચાલે પરંતુ આપણાં અણગમતા વ્યક્તિનું ખરાબ જરા પણ ન બોલવું જોઈએ અને ન તો તેના વિષે ખરાબ વિચારવું જોઈએ. ભગવાનને એ જરા પણ નથી ગમતું કે લોકો બીજા વિષે ખરાબ વિચારે. મનસા, વાચા અને કર્મણા થકી આપણે કોઈનું અહિત ન કરીએ. 

ભગવાન આગળ કહે છે, "મારા દ્વારા જ સ્મૃતિ છે, જ્ઞાન છે અને અપોહન છે. અપોહાં એટલે કે ભૂલી જવાની શક્તિ. આ શક્તિ ભગવાને આપણને આપેલી છે. આપણે બધુ જ યાદ રાખી શકતાં નથી. જો બધુ જ યાદ રહેવા લાગે તો આપણે આપણાં પથ પર પણ ન રહી શકીએ. કેટ-કેટલી ઘટનાઓ રોજ બને છે, જો આ બધી ઘટના યાદ રહેવી પડત અને માત્ર આ જ જન્મની નહીં બધા જન્મોની રાખવી પડત. એટલે આપની સાથે કોઈ દુર્વ્યવહાર હરે તો આપણે તેને ક્ષમા કરી ભૂલી જવું જોઈએ. આપણે આ જન્મની પહેલાના જન્મમાં કોઈના પૈસા લીધા હોય અને તે ન ચૂકવાયા હોય તો બની શકે કે તે વ્યક્તિ આ જન્મમાં આપણું સંતાન બનીને આવે. હવે જો આ અપોહન શક્તિ ભગવાને ન આપી હોત તો એ બાળક આપણી સાથે વેર ભાવના બાંધત. 

ભગવાન આગળ કહે છે, હું જ વેદ છું, બધા વેદોમાં જાણવા યોગ્ય હું જ છું અને આ વેદોને કહેનાર પણ હું જ  છું.  

15.16

દ્વાવિમૌ પુરુષૌ લોકે, ક્ષરશ્ચાક્ષર એવ ચ।
ક્ષરઃ(સ્) સર્વાણિ ભૂતાનિ, કૂટસ્થોઽક્ષર ઉચ્યતે॥૧૫.૧૬॥

આ સંસારમાં નાશવંત અને અવિનાશી - એ બે પ્રકારના પુરુષો છે; એમાંથી સઘળા ભૂતપ્રાણીઓનાં શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે.

હવે અહીથી ભગવાનનું પુરુષોત્તમ રૂપ આરંભ થાય છે. ભગવાન કહે છે, આ સંસારમાં ક્ષર અને અક્ષર એમ બે પ્રકારના પુરુષ છે. એમાંથી સઘળા ભૂતપ્રાણીઓનાં શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. ભગવાનની પ્રકૃતિ ક્ષર એટલે નાશવાન છે અને જીવાત્મા અક્ષર એટલે કે અવિનાશી છે.

15.17

ઉત્તમઃ(ફ્) પુરુષસ્ત્વન્યઃ(ફ્), પરમાત્મેત્યુદાહૃતઃ।
યો લોકત્રયમાવિશ્ય, બિભર્ત્યવ્યય ઈશ્વરઃ॥૧૫.૧૭॥

આ બેયથી ઉત્તમપુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ - પોષણ કરે છે અને જેને અવિનાશી, પરમેશ્વર તેમજ પરમાત્મા એવાં નામોથી ઓળખાવ્યો છે.

ભગવાન કહે છે, ઉત્તમ પુરુષ તો અલગ જ છે, તે ન તો ક્ષર છે, ન તો અક્ષર છે, એ તો પરમાત્મા છે. આ પરમાત્મા ક્ષાર અને અક્ષર બંનેથી ભિન્ન છે. અદ્વૈતવાદ અનુસાર ચિદ્રૂપ જણાતી પરમાત્મશક્તિ માયા કહેવાય છે. આ માયા(અવિદ્યા) શક્તિના બે વિભાગ છે. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ.
૧. આવરણ શક્તિ કોઈ વસ્તુને ઢાકવાનું કાર્ય કરે છે. અને 
૨. વિક્ષેપ શક્તિ કઈક નવું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. 

અવિદ્યા શક્તિએ આપણાં મૂળ સ્વરૂપને ઢાંકી દીધું છે, તેના ઉપર આવરણ ચડાવી દીધું છે તેના કારણે આપણે આપણાં મૂળ સ્વરૂપને ઓળખી શકતાં નથી. વિક્ષેપ શક્તિથી આ પૂર્ણ સંસાર ઉત્પન્ન થાય છે. એટલે આ સૃષ્ટિનું મૂળ બ્રહ્મ છે પરંતુ આ સૃષ્ટિ માયા(અવિદ્યા) દ્વારા વ્યાપ્ત છે. આપણે અંધારામાં દોરડાને સાંપ સમજીએ છીએ. આ અજ્ઞાન છે, દોરડા ઉપર અજ્ઞાનનું આવરણ ચાંદી ગયું. પછી આપણને તે દોરડું સાંપ લાગે છે, આ વિક્ષેપ શક્તિને કારણે ઉત્પન્ન થયો. જ્યારે સાચું જ્ઞાન થઈ જાય છે કે આ દોરડું છે તો આપણો ભય પણ તે જ સમયે નષ્ટ પામે છે. 

આમ આ ઉત્તમ પુરુષ ક્ષાર અને ક્ષાર બન્નેથી ભિન્ન છે, તેને જ આપણે પરમાત્મા નામે ઓળખીએ છીએ. એ જ પરમાત્મા ત્રણેય લોકોમાં ભ્રમણ કરી બધાનું ભરણ પોષણ કરે છે. 

15.18

યસ્માત્ક્ષરમતીતોઽહમ્, અક્ષરાદપિ ચોત્તમઃ।
અતોઽસ્મિ લોકે વેદે ચ, પ્રથિતઃ(ફ્) પુરુષોત્તમઃ॥૧૫.૧૮॥

હું નાશવંત જડસમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું.

હું ક્ષરથી અતીત છું અને અક્ષરથી ઉત્તમ છું. અતઃ હું લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. 

15.19

યો મામેવમસમ્મૂઢો, જાનાતિ પુરુષોત્તમમ્।
સ સર્વવિદ્ભજતિ માં(મ્), સર્વભાવેન ભારત॥૧૫.૧૯॥

હે ભરતવંશી! જે જ્ઞાની માણસ મને આ રીતે તત્ત્વથી પુરુષોત્તમસ્વરૂપે જાણેછે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે.

અહી આપણને ત્રણ વાત સ્પષ્ટ થઈ ગઈ હોવી જોઈએ. એક છે પ્રકૃતિ, બીજુ છે જીવાત્મા અને ત્રીજા છે પરમાત્મા. પરમાત્મા જ પુરુષોત્તમ છે. જીવાત્મા એટલે આપણે બધા અને પ્રકૃતિ એટલે આપણું શરીર તથા આપણને દેખાતી બધી સ્થૂળ વસ્તુઓ. અંતે તો બધુ એક જ છે ब्रह्म सत्यं जगत् मिथ्या जीवो ब्रह्मैव नापरः પરંતુ લૌકિક રૂપે આ ત્રણ ભાગ આપણને ખબર હોવી જોઈએ. 

હે અર્જુન! આ પ્રકારે જે મોહ રહિત પુરુષ મને પુરુષોત્તમ રૂપે જાણે છે, એ બધા પ્રકારે મારા જ ભજન કરે છે, તેના હ્રદયમાં હું જ વિરાજિત રહું છું. 

15.20

ઇતિ ગુહ્યતમં(મ્) શાસ્ત્રમ્, ઇદમુક્તં(મ્) મયાઽનઘ।
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્, કૃતકૃત્યશ્ચ ભારત॥૧૫.૨૦॥

હે નિષ્પાપ અર્જુન! આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું, આને તત્ત્વથી જ જાણીને માણસ જ્ઞાની અને કૃતકૃત્ય થઈ જાય છે.

આ આધ્યાયને ભગવાને શાસ્ત્રનું નામ આપ્યું છે. અહી ભગવાન અર્જુનને અનઘ કહે છે. અનઘનો અર્થ થાય પાપ રહિત. ભગવાન કહે છે, "હે નિષ્પાપ અર્જુન! આમ મેં તને આ ગોપનીય શાસ્ત્ર કહ્યું છે, આને તત્ત્વથી જાણનાર મનુષ્ય જ્ઞાની અને કૃતકૃત્ય થઈ જાય છે."

આ જ્ઞાન નિરંતર સાંભળવાથી આપણામાં પણ મનન ચિંતન શરૂ થઈ જાય છે. આપણે રોજ ધ્યાન, પૂજા, મનન કરતાં કરતાં પરમાત્માની પ્રાપ્તિ કરીએ. 
આમ સંકીર્તન કરતાં કરતાં આજનું વિવેચન પૂર્ણ થયું હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. 
પ્રશ્ન અને જવાબ:-

પ્રશ્નકર્તા :- સુનિલ ભૈયા
પ્રશ્ન :- શ્રી ભગવાને આ જ્ઞાનને ગુહ્યતમ કેમ કહ્યું છે ?
જવાબ:- શ્રી ભગવાને જગતને એક વૃક્ષ તરીકે વર્ણવ્યું છે કારણ કે તેઓ પરમાત્મા છે, તેઓ ન તો ક્ષર છે કે ન તો અક્ષર, તેઓ બંનેથી પર છે. શ્રી ભગવાને કહ્યું કે તે જ સૂર્ય અને ચંદ્રને પ્રકાશિત કરે છે, તે જ આ પૃથ્વીને ટકાવી રાખે છે અને તે જ શરીરની પાચક અગ્નિને પચાવનાર છે. એવી ઘણી બાબતો છે જે આશ્ચર્યજનક છે, તેથી જ તેને ગુહ્યતમમ શાસ્ત્ર કહેવામાં આવે છે. આ જ્ઞાન આપણને બીજે ક્યાંય મળતું નથી, તે ફક્ત શાસ્ત્રોમાં જ મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતા વેદ અને ઉપનિષદોનો સાર છે, તેથી તે તેમાં પણ ઉપલબ્ધ છે.

પ્રશ્નકર્તા :- વિક્રાંત ભૈયા
પ્રશ્ન:- મનમન ભવ મદભક્તો મદ્યજી મામ નમસ્કુરુ.
મામેવૈષ્યાસિ યુક્તવૈવમાત્માનં મત્પરાયણઃ..9.34.

જવાબ:- શ્રી ભગવાન કહે છે કે તમે મારા ભક્ત બનો, અહીં મારો મતલબ શ્રી કૃષ્ણ નથી પણ આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરતી સર્વોચ્ચ શક્તિ છે. તમારે મારી ભક્તિ કરવી જોઈએ, મારા ભક્ત બનવું જોઈએ, મારી પૂજા કરવી જોઈએ, ફક્ત મને જ પ્રણામ કરવો જોઈએ. આ રીતે મારામાં આત્માની નિમણૂક કરીને અને મારામાં ભક્ત બનીને તમે જ મને પ્રાપ્ત કરશો, એમ શ્રી ભગવાને આ શ્લોકમાં કહ્યું છે. અઢારમા અધ્યાયનો સાઠમો શ્લોક પણ એ જ છે, અર્થ પણ એ જ છે. શ્રી ગીતા જીમાં શ્લોકો અને અભિવ્યક્તિઓ ઘણી વખત પુનરાવર્તિત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેથી તેનો ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રશ્નકર્તા :- વંદના દીદી
પ્રશ્ન:- શ્રી ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ અર્જુનના ઉદાસ મનને તેના સ્વજનોની વિરુદ્ધ જવા અને યુદ્ધના મેદાનમાં તેમની સામે લડવાની પ્રેરણા આપી હતી. આપણા બધાના જીવનમાં આવી પરિસ્થિતિઓ સર્જાય છે જ્યારે આપણે આપણા મિત્રો અને સંબંધીઓ સામે ઉભા રહેવું પડે છે, પરંતુ આપણે તેઓ આપણા પોતાના છે એમ કહીને તેમને માફ કરી દઈએ છીએ. શું શ્રી ભગવાન આપણને બધાને આ સંદેશ આપી રહ્યા છે કે આપણે પણ અર્જુનની જેમ અન્યાય સામે લડવું જોઈએ?
જવાબ:- શ્રી કૃષ્ણનો આશય અહીં યુદ્ધ લડવાનો નથી પણ પોતાની ફરજ નિભાવવાનો છે. અર્જુન એક ક્ષત્રિય છે, અન્યાય સામે લડવું એ તેની ફરજ છે, પછી ભલે તેની સામે કોણ ઊભું હોય, પરંતુ આપણે આપણા જીવનમાં દુશ્મનાવટને દૂર કરવા માટે જેટલો ઓછો સંઘર્ષ કરીએ તેટલું સારું રહેશે. પ્રેમથી કોઈને પણ જીતી શકાય છે. જો તે હજુ પણ ઉકેલતું નથી, તો તમારે તેને છોડી દેવું જોઈએ.
પ્રશ્ન:- જે વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું છે, તેના મૂળને ભગવાન કૃષ્ણ અને તેના થડનું વર્ણન બ્રહ્મા તરીકે કરવામાં આવ્યું છે. બ્રહ્મા અને ભગવાન વચ્ચે શું તફાવત છે? અર્જુનને પરંતપ કેમ કહેવામાં આવે છે?
જવાબ:- પરબ્રહ્મ અને પરમાત્મા એક જ છે, અહીં તાના બ્રહ્માજીને બ્રહ્માંડના સર્જક કહેવામાં આવે છે. મૂળ પરબ્રહ્મ અથવા પરમાત્મા અથવા વિશ્વ સર્જક અથવા સર્વવ્યાપી છે.
અર્જુને તેના જીવનમાં ઘણી તપસ્યા કરી છે, તેથી તેને પરંતપ કહેવામાં આવે છે. તેની તપસ્યાના બળથી તેણે પશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું, તેને ગુડાકેશ પણ કહેવામાં આવે છે, તેણે નદીની ઉપરના ઝાડ પર બેસીને તપસ્યા કરી અને નિંદ્રા પર કાબુ મેળવ્યો, નહીં તો તે ઝાડ પરથી નદીમાં પડી શક્યો હોત. તે બાર વર્ષ માટે વનવાસમાં ગયો, રાજકુમારને આ સ્વરૂપમાં રહેવું તે ખૂબ જ દયાની વાત છે.
પ્રશ્નકર્તા :- ચિત્રલેખા દીદી
પ્રશ્ન:- જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે અંતે બે વાર શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ શા માટે બોલીએ છીએ?
જવાબ:- એવું નથી કે આપણે આ ફક્ત પ્રાર્થનામાં જ બોલીએ છીએ, જ્યારે આપણે કોઈ પણ અધ્યાયનો પાઠ કરીએ છીએ ત્યારે પણ આપણે છેલ્લો શ્લોક બે વાર બોલીએ છીએ, જ્યારે આપણે ગીતાજીને સમાપ્ત કરીએ છીએ ત્યારે આપણે છેલ્લો શ્લોક ત્રણ વાર બોલીએ છીએ. આ કેટલીક લોકપ્રિય પરંપરાઓ છે જેને આપણે અનુસરીએ છીએ.
પ્રશ્નકર્તા :- પ્રેમનાથ ભૈયા
પ્રશ્ન:- અહમ કૃષ્ણસ્મિ પરથી જાણવા મળે છે કે ભગવાન દરેકમાં વિરાજમાન છે, તો શું આપણે કોઈનો ત્યાગ ન કરવો જોઈએ?
જવાબ:- અમારા બે ખાસ ઊંડા સંબંધો છે, એક અમારા માતા-પિતા, જેમણે અમને જન્મ આપ્યો છે, બીજો તે છે જેમને અમે જન્મ આપ્યો છે. આપણે તેમનો ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે માતા-પિતા આપણી જવાબદારી છે અને બાળકો પણ આપણી જવાબદારી છે, તેમનું પાલન-પોષણ કરવું ખૂબ જ જરૂરી છે. અમે તેમને છોડી શકતા નથી.

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે પુરુષોત્તમયોગો નામ પઞ્ચદશોઽધ્યાયઃ॥૧૫॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “પુરુષોત્તમયોગ" નામનો પંદરમો અધ્યાય પૂરો થયો. ॥૧૫॥