विवेचन सारांश
ભગવાનને પ્રિય ભક્તનાં લક્ષણો

ID: 5043
गुजराती - ગુજરાતી
રવિવાર, 23 જૂન 2024
પ્રકરણ 12: ભક્તિ યોગ
2/2 (શ્લોક 12-20)
વિવેચન: ગીતા પ્રવીણ જ્યોતિ જી શુક્લા.


ગીતા પરિવારની પરંપરા મુજબ સુમધુર પ્રાર્થના, હનુમાન ચાલીસાના પાઠ અને દીપ પ્રજ્વલન સાથે બાળકો માટે આયોજિત કરાયેલા વિશેષ વિવેચન સત્રની શરૂઆત થઈ. ગયા સત્રમાં આપણે જોયું કે અર્જુને ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. એણે પૂછ્યું હતું કે કયા ભક્ત તમને પ્રિય છે? સગુણ ઉપાસક અર્થાત જે મંદિર જાય છે, મૂર્તિની પૂજા કરે છે, પ્રસાદ ચડાવે છે, આરતી કરે છે એ ભક્ત તમને પ્રિય છે કે નિર્ગુણ ઉપાસક કે જે તપસ્યા કરે છે, મનમાં ભગવાનનું ચિંતન કરે છે એ ભક્ત? ભગવાને એનો જવાબ આપ્યો હતો. આજના વિવેચનમાં આપણે જોઇશું કે ભગવાને શ્રેષ્ઠ ભક્તના જે 39 લક્ષણ કહ્યા છે તેમાંથી આપણામાં કયા-કયા લક્ષણો છે!

12.12

શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાજ્, જ્ઞાનાદ્ધ્યાનં(વ્ઁ) વિશિષ્યતે।
ધ્યાનાત્કર્મફલત્યાગઃ(સ્), ત્યાગાચ્છાન્તિરનન્તરમ્॥૧૨.૧૨॥

મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે, જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોનાં ફળનો ત્યાગ ચઢિયાતો છે; કેમકે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે.

૧૨.૧૧ અને ૧૨.૧૨
આ શ્લોકોમાં ભગવાન કહે છે કે અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાનથી પણ શ્રેષ્ઠ કર્મ ફળનો ત્યાગ છે. આપણે સરળ રીતે સમજવું હોય તો સમજી શકાય કે જ્યારે આપણે કંઈ વાંચીએ છે અને એનો અર્થ સમજ્યા વગર એને મોઢે કરીએ છીએ; દાખલા તરીકે રસાયણશાસ્ત્રમાં આપણે સમજવાનો પ્રયત્ન ન કરીએ કે આ એક રસાયણ કે કેમિકલ છે અને એનું રિએક્શન શું હશે? તાર્કીક દ્રષ્ટિથી આપણે સમજવું જોઈએ કે આ ક્રિયા કેવી રીતે થઈ રહી છે. આ પ્રકારના અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. અભ્યાસ કરવો બહુ સારી વાત છે પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવું એનાથી વધારે સારું છે. આપણને જો એક વિષયનું જ્ઞાન થઈ જાય તો એ વધારે સારું છે અને એને લીધે આપણને વસ્તુઓ યાદ પણ રહી જાય છે. 
ભગવાન આગળ કહે છે કે જ્ઞાનથી પણ શ્રેષ્ઠ ધ્યાન છે એટલે જે વસ્તુઓ આપણે ભણ્યા હતા આપણને યાદ છે કે નહીં? જો યાદ છે તો એનો અર્થ એ છે કે આપણે એકચિત્ત થઈને, એકાગ્ર થઈને આ વિષય ભણ્યા હતા. એટલે અહીંયા ધ્યાનથી પણ અધિક શ્રેષ્ઠ ધ્યાન છે. ધ્યાનથી પણ અધિક શ્રેષ્ઠ બધા કર્મફળનો ત્યાગ છે. 
 પરીક્ષા વખતે ભણતી વખતે આપણે એમ લક્ષ્ય રાખીએ કે આ વિષયમાં મારે 90% માર્ક લાવવા છે, બીજામાં 85% અને ત્રીજામાં 80% લાવવા છે, ઊંચુ લક્ષ્ય રાખવું સારી વાત છે પરંતુ કયા વિષયમાં કેટલા ટકા આવશે એને માટે આપણે ચિંતા ન કરવી જોઈએ! આપણે આપણી 100% ની મહેનત કરી લીધી, સારી રીતે ભણી લીધું પછી કેટલા ટકા આવશે એની ચિંતા આપણે ન કરવી જોઈએ! ફળની ચિંતા ન કરવી જોઈએ.
13 મા શ્લોકથી ભગવાન ભક્તના 39 લક્ષણો વિશે કહેવાનું શરૂ કરે છે.

12.13

અદ્વેષ્ટા સર્વભૂતાનાં(મ્), મૈત્રઃ(ખ્) કરુણ એવ ચ।
નિર્મમો નિરહઙ્કારઃ(સ્), સમદુઃખસુખઃ ક્ષમી॥૧૨.૧૩॥

જે સર્વ ભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈપણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ-દુ:ખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન-ઈંદ્રિયોસહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે- એ મારામાં અર્પેલ ન-બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે.

ભગવાન કહે છે કે શ્રેષ્ઠ ભક્તનું સર્વ પ્રથમ લક્ષણ છે એનામાં
૧. દ્વેષભાવ ન હોવો. દ્વેષનો અર્થ છે કે આપણા મનમાં બીજા કોઈ માટે ખરાબ વિચાર ન આવવા જોઈએ. 
૨. બધા સાથે મિત્રતાની ભાવના- અનેક વખત એવું થાય છે કે આપણે વર્ગમાં એક ગ્રુપ બનાવી દઈએ છીએ. પછી આપણે જોઈએ છીએ કે કોણ વધારે શક્તિશાળી છે! એક ગ્રુપના વિદ્યાર્થીઓ બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરે છે અને વાતચીત નથી કરતા. આપણે એવું ન કરવું જોઈએ, આપણે બધા સાથે મિત્રતા રાખવી જોઈએ.
૩. કરુણા અથવા દયાભાવ- આપણે બધા પ્રત્યે દયાની ભાવના રાખવી જોઈએ. એક દાખલાથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણને ખબર પડે કે આ પ્રાણી ભૂખ્યું છે કે એને તરસ લાગી છે તો આપણે એને ખાવાની વસ્તુ અથવા તો પીવાનું પાણી આપવું જોઈએ. કેટલાક છોકરાઓ કુતરાઓને પથ્થર મારતા હોય છે, આપણે કોઈ પશુને હેરાન ન કરવા જોઈએ. કોઈ-કોઈ વાર મોટા ભાઈ બહેન પણ નાના ભાઈ બહેનને ભણાવતી વખતે આવડે નહીં તો મારતા હોય છે, આપણે એવું ન કરવું જોઈએ. 
૪. નિર્મમ હોવું - નિર્મમ એટલે કે "હું" અને "મારાપણાની" ભાવના. જેવી રીતે આ વસ્તુ મારી છે, પેલી વસ્તુ મારી છે. આપણા મનમાં આવી ભાવના ન હોવી જોઈએ. આપણાં કોઈ કપડાં આપણાં ભાઈ બહેનને ને પહેરવાની ઈચ્છા થાય તેને ના ન પાડવી જોઈએ, પ્રેમથી પહેરવા આપવા જોઈએ. કોઈ વખત શાળાના વર્ગમાં જો આપણો મિત્ર પેન્સિલ કે રબર લાવવાનું ભૂલી જાય કે કોઈ વાર એ હાજર ન હોય તો એને એનું કાર્ય પૂરું કરવામાં આપણે એની મદદ કરવી જોઈએ. 
૫. નિરહંકારની ભાવના - એટલે કે અહંકાર ભાવથી રહિત હોવું. કદાચ જો આપણો પરિક્ષામાં પહેલો નંબર આવી ગયો અથવા તો કોઈ હરીફાઈમાં આપણે જીતી ગયા હોઈએ તો આપણને એવું ન થવું જોઈએ કે આપણાથી આગળ કોઈ છે જ નહીં! આપણાથી વધારે જ્ઞાની કોઈ છે જ નહીં! આપણે સૌથી વધુ હોશિયાર છીએ એવી ભાવના આપણી અંદર ન આવવી જોઈએ. 
૬. સુખ દુ:ખમાં સમાન રહેવું - સુખ આવે ત્યારે આપણે બહુ ખુશ થઈ જઈએ છીએ અને દુઃખ આવે ત્યારે બહુ ઉદાસ થઈ જઈએ છીએ. કોઈ કોઈ વાર એવું થઈ જાય છે જે આપણને બહુ ગમ્યું મળી જાય તો આપણે ખુશ તો થઈએ પરંતુ બહુ વધારે પડતાં ખુશ ન થવું જોઈએ અને કોઈ વાર પરીક્ષામાં ઓછા માર્ક આવે કે કોઈ હરીફાઈમાં હારી જઈએ તો બહુ વધારે દુઃખી પણ ન થવું જોઈએ. આપણે વિચારવું જોઈએ કે ભવિષ્યમાં આનાથી વધારે મહેનત કરીને હું આ ચોક્કસ પ્રાપ્ત કરીશ. 
૭. ક્ષમાશીલ હોવું - આપણે હંમેશા ક્ષમાશીલ રહેવું જોઈએ. કોઈ વાર કોઈથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપણે એને માફ કરી દેવા જોઈએ. આપણે એમ ન વિચારવું જોઈએ કે એણે તો મારી પાસે માફી નથી માંગી! એ માફી માંગે કે ન માંગે તો પણ આપણે એને માફ કરી દેવા જોઈએ. ઘણીવાર આપણે પણ કોઈનાથી રિસાઈ જઈએ છીએ અને મોઢું ફુલાવીને બેસી રહીએ છીએ, આપણે પણ એવું ન કરવું જોઈએ ગુસ્સામાં મોઢું ફુલાવીને ન બેસવું જોઈએ. ધ્યાનમાં રાખવા જેવી બાબત બીજી એ પણ છે કે આપણે કોઈને ક્ષમા કરી દીધી હોય તો વારેવારે લોકોને કહેવું ન જોઈએ કે મેં આને માફ કરી દીધો છે! ક્ષમા કરીને ભૂલી જવું જોઈએ, માફ કરીને વારંવાર એને યાદ ન કરાવવું જોઈએ.

12.14

સન્તુષ્ટઃ(સ્) સતતં(ય્ઁ) યોગી, યતાત્મા દૃઢનિશ્ચયઃ।
મય્યર્પિતમનોબુદ્ધિઃ(ર્), યો મદ્ભક્તઃ(સ્) સ મે પ્રિયઃ॥૧૨.૧૪॥

જે સર્વ ભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈપણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ-દુ:ખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન-ઈંદ્રિયોસહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે- એ મારામાં અર્પેલ મન-બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે.

૮. હંમેશાં સંતોષી રહેવું - આપણે દરેક વસ્તુમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ. દાખલા તરીકે આપણી પાસે સારી સ્કૂલબેગ હોય, શાળાનો ડ્રેસ હોય, બુટ હોય બધું હોય પરંતુ નવા વર્ગમાં જવા માટે આપણને બધું નવું જોઈએ છે. જો આપણા માતા પિતાની સામે આપણે એમ કહીએ કે મને નવા વર્ગમાં બધું નવું જોઈએ છે અને આપણાં માતાપિતાની એટલી ત્રેવડ ન હોય તો એમને દુઃખ લાગે છે. આપણે એવું ન કરવું જોઈએ, આપણી પાસે જે વસ્તુઓ હોય એનાથી આપણે સંતોષ માનવો જોઈએ. એક દાખલાથી સમજીએ તમે નોબીતા અને ડોરેમોનનું કાર્ટૂન તો જોયું જ હશે! નોબીતા સૂનિયોની પાસે કોઈ કોઈ ગેજેટ જોય છે અને રડી-રડીને, આંસુઓની નદી વહાવીને ડોરેમોનની પાસે આવે છે. આપણે એવા નથી બનવાનું! આપણને જો કદાચ કંઈ નવું ન મળે તો કોઈ વાંધો નહીં, આપણી પાસે જે છે એમાં આપણે સંતોષ રાખવો જોઈએ. 
 અર્જુને કૌરવોને કહ્યું કે મને આખું હસ્તીનાપુર રાજ્ય નથી જોઈતું, અડધું રાજ્ય આપો. કૌરવો બહુ લાલચુ હતા એટલે લોકો માન્યા નહીં. એમણે કહ્યું કે અડધું રાજ્ય પણ નહીં આપીએ. દુર્યોધને તો એટલો લાલચુ હતો કે એણે કહ્યું કે હું તો તને સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું. આપણે કૌરવો જેવા લાલચું નહીં પરંતુ અર્જુન જેવા સારા અને સંતોષી બનવાનું છે. 
૯. પોતાની જાત પર નિયંત્રણ - શ્રેષ્ઠ ભક્તનું નવમું લક્ષણ છે યતાત્મા, એટલે કે પોતાના ઉપર કાબુ હોવો. કોઈક વાર આપણે ટીવી ઉપર કોઈ પ્રોગ્રામ જોતા હોઈએ એ વખતે આપણા ભાઈ કે બહેનને કોઈ બીજો પ્રોગ્રામ જોવો હોય તો ઝઘડો શરૂ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તો એકબીજાના વાળ પણ ખેંચીએ છીએ, ટીવીનો રીમોટ પડીને તૂટી જાય છે. આપણે એવું વર્તન પણ ન કરવું જોઈએ,  આપણે સ્વયં પરનો કાબૂ ન ગુમાવવો જોઈએ. 
૧૦. દ્રઢનિશ્ચય - શ્રેષ્ઠ ભક્તનું 10મું લક્ષણ છે કે એ દ્રઢનિશ્ચયી હોય છે. કોઈ બાળકો વિચારતા હોય છે કે આપણે આ કરીશું, આ કરીશું, ભણીશું, યોગ કરીશું વગેરે. એને માટે પ્રયાસ પણ કરે છે, પ્રયત્ન પણ કરે છે. શરૂઆતમાં તો બહુ જોરશોરથી ને જોશ સાથે યોગ કરે છે; પછી ધીરે-ધીરે જોશ ઓછું થતું જાય છે અને યોગ શવાસન પર આવીને અટકી જાય છે. આપણે એવું પણ ન કરવું જોઈએ કે બે ત્રણ દિવસ કર્યું અને પછી એને છોડી દીધું! આપણે જે નિશ્ચાય કર્યો હોય તે દ્રઢ હોવો જોઈએ. આપણે જે કંઈ સંકલ્પ કરીએ તો એ પૂરો કરવા માટે આપણે દ્રઢ પ્રયાસ કરવો જોઈએ. 
એક કહેવત છે,
ज़मी टल्लद, ज़माँ टल्लद, मगर बन्दा नहीं टल्लद ।”
કંઈ પણ થઈ જાય પણ એક વાર નિશ્ચય કર્યા પછી એ વ્યક્તિ એમાંથી ડગતી નથી. આપણે કોઈ કાર્ય કાલ પર ન ટાળવું જોઈએ. કાલ એટલે કે અંગ્રેજીમાં જેને "ટુમોરો" કહે છે. આ વિષયમાં એક હાસ્યપૂર્ણ વાત છે. કોઈએ કહ્યું કે ટુમોરો જ્યારે પણ આવે, એના ગાલ પર બે તમાચા મારી દો. જ્યારે પણ ટુમોરો આવે, તમારે શું કરવાનું છે? સામેવાળાના ગાલ પર બે તમાચા મારવાના છે અને પોતાના ગાલ પર પણ! મોટા લોકોને નથી મારવાનું! નાના લોકોને મારવાનું છે. આ રીતે આપણે કોઈપણ કાર્ય કાલ પણ નહીં છોડીએ.
૧૧ અને ૧૨.  ઈશ્વરમાં મન અને બુદ્ધિ સમર્પિત કરવી - તમને લાગશે કે આ તો સમજાયું નહીં કે ઈશ્વરમાં મનને બુદ્ધિ સમર્પિત કરવાનો શું અર્થ છે? ધારો કે આપણે ભણવા બેઠા છીએ. એ સમયે આપણને વિડીયોગેમ રમવાનું પણ મન થાય છે, બહાર મિત્રો સાથે ફરવાનું પણ મન થાય છે. આપણને બધા કાર્ય એ જ સમયે યાદ આવે છે જ્યારે આપણે ભણવા બેસીએ છીએ! એને માટે આપણે ભગવાનની પૂજા કરવી જોઈએ, એમનામાં મન લગાડવું જોઈએ. જ્યારે આપણે આવું કરીએ છીએ તો આપણા મનને ભટકાવનારા નાના-મોટા વિચાર પોતાની મેળે દૂર થઈ જાય છે. કોઈ-કોઈ વાર હનુમાન ચાલીસા સાંભળવા જોઈએ, ક્યારેક-ક્યારેક ભગવાનના ભજન પણ સાંભળવા જોઈએ. જેવી રીતે આપણે ડોરેમોન, નીન્જા હથોડીના કેટલા બધા ગાયનો સાંભળીએ છીએ! એ જ રીતે આપણી બુદ્ધિ અને આપણું મન ભગવાનમાં લગાડવું જોઈએ, એને લીધે આપણો ભગવાનમાં પ્રેમ વધે છે. 

12.15

યસ્માન્નોદ્વિજતે લોકો, લોકાન્નોદ્વિજતે ચ યઃ।
હર્ષામર્ષભયોદ્વેગૈઃ(ર્), મુક્તો યઃ(સ્) સ ચ મે પ્રિયઃ॥૧૨.૧૫॥

જેનાથી કોઈ પણ જીવ ઉદ્ધેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્ધેગ નથી પામતો તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્ધેગ આદિથી રહિત છે- એ ભક્ત મને પ્રિય છે.

તમારે બધાએ પોતપોતાનું વિશ્લેષણ પણ કરતાં જવાનું છે કે આ લક્ષણોમાંથી મારામાં કેટલા લક્ષણો છે? દસમાંથી કેટલા માર્ક મળ્યા? જેવી રીતે નોબીતાની સાથે જે દેકીસુગી હતો એને હંમેશા પુરા જ માર્ક આવતા પરંતુ નોબીતાને 10 કે શૂન્ય જ આવતું. આપણે આજે જોઈશું કે તમે નોબીતા છો કે દેકીસુગી છો!
 હવે ભગવાન 13મું અને 14મું લક્ષણ કહે છે.
૧૩. અને ૧૪ - કોઈને હેરાન ન કરવા અને કોઈથી હેરાન ન થવું.
કોઈ આપણને ચીડવે કે આપણે કોઈને ચીડવીએ, આ સારી વસ્તુ નથી. એનાથી સામેવાળો હેરાન થાય છે. જો કોઈ આપણને ચીડવે તો પણ આપણે હેરાન નથી થવાનું, ચીડાવાનું નથી. 
૧૫. અધિક પ્રસન્ન ન થવું
કોઈ વાત પર આપણે બહુ વધારે પડતા ખુશ પણ ન થવું જોઈએ. એટલા ખુશ થઈ જઈએ કે આપણે નૃત્ય કરવા માંડીએ એટલું ખુશ ન થવું જોઈએ. 
૧૬. ઈર્ષ્યા ન કરવી
ભગવાન ભક્તનું સોળમું લક્ષણ કહે છે કે આપણે કોઈની ઈર્ષ્યા ન કરવી જોઈએ. એનો અર્થ એ કે જો કોઈ બાળક વર્ગમાં પહેલો આવે તો  આપણને જલન કે ઈર્ષ્યા ન થવી જોઈએ પરંતુ આપણે એના વખાણ કરવા જોઈએ.
૧૭. અભયતા
શ્રેષ્ઠ ભક્તનું 17મું લક્ષણ છે કે આપણે કોઈપણ વસ્તુ કે પ્રાણીથી ગભરાવું ન જોઈએ. એનું તાત્પર્ય એ છે કે આપણે કોઈનાથી પણ ગભરાવું ન જોઈએ. માની લો કે તમે ગરોળીથી ગભરાવ છો. હવે તમે કલ્પના કરો કે ગરોળીએ બહુ સુંદર ગુલાબી ટોપી પહેરી છે, કાજલ લગાડ્યું છે, લિપસ્ટિક લગાડી છે, સુંદર નેઈલપોલીશ લગાડી છે, લાલ સ્કર્ટ પહેર્યું છે. હવે તો વિચારો કે આટલી તૈયાર થઈને એ કેટલી સુંદર દેખાય છે! તમને નથી બીક લાગતી બંધ થઈ જશે. મેં પણ આવું જ વિચાર્યું તો મને બીક લાગવાનું બંધ થઈ ગયું. એનો અર્થ એ કે આપણને જે વસ્તુની બીક લાગે એના વિષે સારું-સારું વિચારવું જોઈએ તો આપણને બીક લાગવાનું બંધ થઈ જશે.
૧૮. ઉદ્વેગ ન કરવો
આપણે કોઈપણ પરિસ્થિતિમાં ઉદ્વેગ ન કરવો જોઈએ, ઉદ્વેગ ન થાય એનો પ્રયત્ન કરવો જોઈએ. 

12.16

અનપેક્ષઃ(શ્) શુચિર્દક્ષ, ઉદાસીનો ગતવ્યથઃ।
સર્વારમ્ભપરિત્યાગી, યો મદ્ભક્તઃ(સ્) સ મે પ્રિયઃ॥૧૨.૧૬॥

જે ખેવના વિનાનો, બાહ્ય તેમ જ આંતરિક રીતે શુદ્ધ, નિપુણ, પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે- એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે.

૧૯. વધુ અપેક્ષા ન રાખવી - ભગવાન હવે ભક્તનું 19મું લક્ષણ જણાવે છે. એમાં કહે છે કે શ્રેષ્ઠ ભક્તનું 19મું લક્ષણ છે કે એ બહુ વધારે અપેક્ષા નથી કરતો. આપણે જો વિચાર્યું હોય કે પરીક્ષામાં મને 95% માર્ક આવવા જોઈએ અને મારે પ્રથમ આવવું છે તો એને માટે આપણે પૂરો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ બહુ વધારે હેરાન ન થવું જોઈએ બહુ વધારે અપેક્ષાઓ ન રાખવી જોઈએ. 
૨૦. શુચિતા - બહારથી અને અંદરથી પવિત્રતા જાળવી રાખવી જોઈએ. આપણે જોવાનું છે કે આપણે અંદર અને બહારથી કેટલા પવિત્ર, કેટલા સ્વચ્છ છીએ. મનમાં ખરાબ વિચાર આવે છે તો એનો અર્થ એ છે કે આપણું મન અંદરથી પવિત્ર નથી. એ રીતે બહારની શુદ્ધતા બહારની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. સમજો કે તમે સ્કૂલથી ઘરે આવો છો અને હાથ પગ ધોયા વગર જ જમવા બેસી જાવ, ગંદા હાથથી જો તમે ભોજન કરો તો આપણા પેટમાં જીવડા પડી શકે છે. એની સાથે જ આપણા ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ, રસ્તા ઉપર કચરો ન ફેંકવો જોઈએ, કચરાપેટીનો ઉપયોગ કરવો જોઇએ.
૨૧. ઉદાસીનતા - દરેક સ્થિતિમાં આપણે ઉદાસીન અથવા તો અલિપ્ત રહેવું જોઈએ.
૨૨. દક્ષતા - દક્ષ એટલે કુશળ, હોશિયાર. આપણે આપણું કાર્ય એકદમ કુશળતાથી કરવું જોઈએ. જો વિદ્યાર્થી બહુ સુંદર અક્ષરોમાં લખે તેને વર્ગમાં સ્ટાર મળે છે. કોઈ કોઈ બાળકો બહુ નાનાં અક્ષર લખે છે એટલે શું લખ્યું છે તે વંચાતું જ નથી. એમને કોઈ દિવસ વખાણ સાંભળવા નથી મળતા, પરંતુ નિરંતર અભ્યાસથી એ લોકો પણ સુંદર અક્ષરમાં લખી શકે છે.
 વિવેચક જ્યારે નાની ઉંમરની હતી અને સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે એમના અક્ષરો પણ સારા નહોતા. પરીક્ષામાં બે માર્ક એટલા માટે તેમના કપાઈ ગયા હતા અને શિક્ષકે એમને ઠપકો આપ્યો હતો જે એમને જરાપણ ગમ્યું ન હતું. ત્યાં સુધી એમણે ગીતાજીનો અભ્યાસ પણ શરૂ નહોતો કર્યો. એમણે રોજના બે પાનાં ભરીને લખવાનો અભ્યાસ કર્યો. એમનું લેખન પણ સુધરી ગયું અને એમને સ્ટાર પણ મળવા લાગ્યો તથા એમના વખાણ પણ થવા લાગ્યા.
તમારું પૂજામાં મન ન લાગે, ભણવામાં મન ના લાગે એવું તમને લાગે છે પરંતુ અભ્યાસ કરશો તો ધીરે-ધીરે તમારું મન એમાં લાગવા માંડશે. આપણે દરેક સ્થિતિમાં સમાન રહેવું જોઈએ, ન બહુ ખુશ થવું જોઈએ કે ન વધારે દુઃખી થવું જોઈએ.
૨૩. અને ૨૪. વ્યથા રહિત અને નવા-નવા કામનો આરંભ ન કરનાર
ભગવાન કહે છે કે આપણે વ્યથા રહિત રહેવું જોઈએ. એનો અર્થ એ કે આપણે કોઈ વાત માટે હઠ ન કરવી જોઈએ, જીદ ન કરવી જોઈએ. મને લાલ પેન્સિલ મળી અને બીજાને લીલી પેન્સિલ મળી તો મને લીલી પેન્સિલ જ જોઈએ છે એના માટે આપણે કેટલી વાર કેટલા તોફાન, ઉધામા કરીએ છીએ! કોઈ વાર આપણને બીજું કંઈ ખાવાનું મન થાય પરંતુ ઘરમાં કચોરી બની હોય, આપણે ગુસ્સામાં હોઈએ તો આપણે કચોરી ખાવાની ના પાડી દઈએ છીએ. કચોરી ખાવાની ઈચ્છા હોય છે પરંતુ આપણે ગુસ્સામાં છીએ એટલે આપણે ગુસ્સો કચોરી પર ઉતારીએ છીએ કે મને ભાવતું ખાવાનું કેમ ન બનાવ્યું. આપણે આવું ન કરવું જોઈએ. ધારોકે આપણા ઘરનાં બધા વોટરપાર્ક જતા હોય કે કચોરી ખાતા હોય તો આપણે પણ વોટરપાર્ક જવું જોઈએ કે કચોરી ખાવી જોઈએ પરંતુ મારે વોટરપાર્ક જવું જ છે કે મને કચોરી ખાવી જ છે એવી જીદ આપણા તરફથી ન હોવી જોઈએ. 
 

12.17

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ, ન શોચતિ ન કાઙ્ક્ષતિ।
શુભાશુભપરિત્યાગી, ભક્તિમાન્યઃ(સ્) સ મે પ્રિયઃ॥૧૨.૧૭॥

જે ન તો કદી હર્ષ પામે છે, ન દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કશાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળાં કર્મોનો ત્યાગી છે - એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે.

૨૫. અને ૨૬. હર્ષ તથા દ્વેષ રહિત - ભગવાન કહે છે કે આપણે દરેક પરિસ્થિતિમાં હર્ષ અને દ્વેષથી રહિત રહેવું જોઈએ. કોઈ વસ્તુ કે ઘટનાથી બહુ વધારે પડતા ખુશ પણ ન થવું જોઈએ કે કોઈના પ્રત્યે મનમાં ખરાબ ભાવ પણ ન રાખવો જોઈએ. 
૨૭. અને ૨૮. - અધિક શોક ન કરવો અને કોઈ કામના ન કરવી
27 અને 28મા લક્ષણોમાં ભગવાન કહે છે કે આપણે કોઈ વસ્તુનો વધારે પડતો શોક ન કરવો જોઈએ. આપણા મનમાં કોઈ વસ્તુની બહુ કામના પણ ન હોવી જોઈએ. આજે આપણને ફોન જોઈએ છે, કાલે આપણને સ્કૂટી જોઈએ છે, એવું ન હોવું જોઇએ. આવા બાળકો ભગવાનને પ્રિય નથી હોતા.  આ વસ્તુઓ મળી જાય તો સારી વાત છે પરંતુ ન મળે તો પણ આપણે પ્રસન્ન રહેવું જોઈએ, કોઈ વાતનું દુઃખ ન લગાડવું જોઈએ. 
૨૯. અને ૩૦. શુભ અને અશુભ કર્મોનો ત્યાગ -
આપણે શુભ અને અશુભ કર્મનો ત્યાગ કરવો જોઈએ. શુભ કર્મનો ત્યાગ તો આપણે પહેલાં જ કરી દઈએ છીએ. આપણે એવું ન કરવું જોઈએ. તમને બહુ ગળ્યું ખાવાનું ભાવતું હોય પરંતુ જો તમે બહુ વધારે પ્રમાણમાં ગળ્યું ખાવા લાગશે તો પેટમાં જીવડા થઈ જશે! ગળ્યું ખાવું ખરાબ નથી પરંતુ વધારે પડતું ખાવું સારું પણ નથી એ આપણે સમજવું જોઈએ. આપણે ખરાબ કાર્યો નથી કરવાના. કોઈને હેરાન નથી કરવાના, જૂઠું નથી બોલવાનું, ચોરી નથી કરવાની, પ્રાણીઓને હેરાન નથી કરવાના.  જે બાળકો આ બધું નથી કરતા એ ભગવાનના પ્રિય હોય છે. 

12.18

સમઃ(શ્) શત્રૌ ચ મિત્રે ચ, તથા માનાપમાનયોઃ।
શીતોષ્ણસુખદુઃખેષુ, સમઃ(સ્) સઙ્ગવિવર્જિતઃ॥૧૨.૧૮॥

જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી, ગરમી અને સુખ-દુઃખ આદિ દ્વંદ્વોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે.

૩૧. શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ -
અહીંયા ભગવાન કહે છે કે આપણે શત્રુ તથા મિત્ર પ્રત્યે સમભાવ રાખવો જોઈએ. માનો કે તમારો જન્મદિવસ છે, તમે વિચારો કે આને બોલાવીશું તેને બોલાવીશું.  પછી આપણને યાદ આવે કે આપણા માતા-પિતા પેલા અંકલ આંટીને પણ બોલાવવાના છે જેને તમને જરાપણ પસંદ નથી કારણકે એક હંમેશા તમારા ભણવા વિશે પૂછતા રહેતા હોય છે. પણ આપણે એવું ન કરવું જોઈએ. બધા પ્રત્યે આપણા મનમાં પ્રેમનો ભાવ હોવો જોઈએ. 
૩૨. માન અને અપમાનમાં સમાન ભાવ -
ભગવાન કહે છે કે આપણે માન અને અપમાન બંને સ્થિતિમાં સમાન ભાવ રાખવો જોઈએ.કોઈ વખત આપણા શિક્ષક આપણી પ્રશંસા કરે તો આપણામાં અભિમાન આવે છે પરંતુ જો કોઈ વખત આપણા શિક્ષક આપણને કોઈ વાત પર શિક્ષા કરે, બેંચ ઉપર ઉભા કરી દે ત્યારે આપણને લાગે છે કે આપણું અપમાન થઈ ગયું. આપણે દુઃખી નથી થવાનું. આપણાથી કોઈ ભૂલ થઈ હશે એવું વિચારીને એ શિક્ષાનો સ્વીકાર કરી લેવો જોઈએ.
તમે કહો આપણો મિત્ર કેવો હોવો જોઈએ કૃષ્ણ ભગવાન જેવો કે કર્ણ જેવો! આપણો શ્રેષ્ઠ મિત્ર કૃષ્ણ ભગવાન જેવો હોવો જોઈએ.
૩૩. ગરમી-ઠંડી અને સુખ-દુ:ખમાં સમાન રહેવું
આપણે સુખ અને દુઃખ, ઠંડી અને ગરમીમાં સમાન રહેવું જોઈએ. કોઈ વાર બહુ ગરમી હોય તો આપણે તકલીફમાં આવી જઈએ છીએ અને બહુ ઠંડી હોય તો પણ આપણે હેરાન થઈ જઈએ છીએ. આપણને એવું લાગે છે જાણે આપણને બહુ દુઃખ પડી રહ્યું હોય! જો ૪૦ ડિગ્રી ગરમી હોય તો આપણે વારંવાર એમ જ વિચારીએ છીએ કે બહુ ગરમી છે, બહુ ગરમી છે, આપણને 50 ડિગ્રી જેવું લાગવા માંડે છે. અમારા કેમ્પમાં જ્યારે બાળકોને બહુ ગરમી લાગતી ત્યારે અમે વરસાદ પડતો હોય એવી તાળી વગાડતા હતા અને ખરેખર વરસાદ પડવા લાગતો! એનો અર્થ એ છે કે આપણે બહુ વિચારવું પણ ન જોઈએ કે ગરમી છે કે ઠંડી છે. દરેક સ્થિતિમાં આપણે સમ રહેવાનું છે. એટલે કહ્યું છે કે જો આપણે આપણા દર્દની ભાવનાને નકારી દઈએ તો દુઃખ પણ જતું રહે છે, દુઃખને સ્વીકારીએ નહીં તો દુઃખ પણ જતું રહે છે.
૩૪. આસક્તિ રહીત રહેવું-
ભગવાન કહે છે કે આપણે દરેક વિષયમાં આસક્તિ રહિત હોવું જોઈએ. આસક્તિ એટલે આપણી પ્રિય વસ્તુ પ્રત્યે આકર્ષણ. આપણા કપડાં, આપણી પેન્સિલ, આપણું બોક્સ વગેરે. આપણે કોઈ કારણસર પાર્ટી ન કરી શકીએ તો પણ આપણે નોબીતાની જેમ રડવા લાગીએ છીએ. આપણે રડવાનું નથી.
આ લક્ષણના વિષયમાં તમે દરેક પોતાને માર્ક આપી શકો છો કે આપણી અંદર આ લક્ષણ કેટલા ટકા છે? 

12.19

તુલ્યનિન્દાસ્તુતિર્મૌની, સન્તુષ્ટો યેન કેનચિત્।
અનિકેતઃ(સ્) સ્થિરમતિઃ(ર્), ભક્તિમાન્મે પ્રિયો નરઃ॥૧૨.૧૯॥

જે નિંદા-સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે થતા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે- એ સ્થિરબુધ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે.

૩૫. નિંદા તથા સ્તુતિમાં સમાન -
ભગવાન કહે છે કે આપણે નિંદા અને સ્તુતિમાં સમ રહેવું જોઈએ. કોઈ વખત શિક્ષકે આપણાં વખાણ કરે કે આપણી વાત પર તાળી વગાડે તો કોઈ વાર આપણને શિક્ષા કરવા માટે ઊભા કરી દે છે. આપણા મનમાં શિક્ષક પ્રત્યે સન્માનની ભાવના ઓછી ન થવી જોઈએ.
તમને બધાને એકલવ્યની વાત તો ખબર જ હશે જ ! જ્યારે દ્રોણાચાર્યજીએ કહ્યું કે ગુરુદક્ષિણામાં મને જમણાં હાથનો તારો અંગુઠો આપી દે, ત્યારે એકલવ્યે તત્કાલ પોતાનો અંગૂઠો કાપીને એમને આપી દીધો. એકલવ્ય તો ગુસ્સે થઈ શકત કે નારાજ પણ થઈ શકત કે તમે મારો અંગૂઠો જ માંગી લીધો, હવે તો હું ધનુષ્ય ચલાવી જ નહીં શકું પરંતુ એ નારાજ ન થયો. આપણે પણ એકલવ્ય જેવા બનવું જોઈએ અને બધા પ્રત્યે સન્માનની ભાવના રાખવી જોઈએ. 
૩૬. સારી વાતોનું ચિંતન
ભગવાન કહે છે કે આપણે મનમાં સારી-સારી વાતોનું મનન એટલે કે ચિંતન કરતા રહેવું જોઈએ.
૩૭. સંતોષ રાખવો
ભગવાન કહે છે કે આપણને જે મળ્યું છે એમાં આપણે સંતુષ્ટ રહેવું જોઈએ. રાજેન્દ્ર પ્રસાદજીના ચંપલ જ્યાં સુધી આખા ઘસાઈ ન જતા, ત્યાં સુધી એને બદલતા નહોતા. આપણે પણ એવા જ બનવાનું છે.
૩૮. ઘરનું આકર્ષણ ન હોવું -
ભગવાન 38મું લક્ષણ કહે છે કે જ્યાં આપણે રહીએ છીએ એ સ્થાન પ્રત્યે આકર્ષણ ન હોવું જોઈએ. કોઈ સ્કૂલના બાળકો સ્કૂલ જતી વખતે રડે છે કે મને પેટમાં દુઃખે છે પરંતુ એ જ વખતે જો વાત વોટરપાર્ક જવાનું નક્કી થાય તો તરત તૈયાર થઈ જાય છે! આપણે એવા નથી બનવાનું.
૩૯. સ્થિર બુદ્ધિવાળા રહેવું
ભગવાન કહે છે કે આપણે બુદ્ધિ સ્થિર રાખવી જોઈએ. જો આપણે ભણવા બેઠા હોઈએ તો આપણું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ, કાર્ટૂન જોવામાં આપણું ધ્યાન ન જવું જોઈએ. જો ભણતી વખતે આપણા માતા-પિતા આપણી સામે બેઠા હોય તો આપણે બરાબર ધ્યાનથી વાંચીએ છીએ પરંતુ જેવા એ લોકો ત્યાંથી ખસી જાય છે કે આપણે વિડીયોગેમ રમવાની ચાલુ કરી દઈએ છીએ. આપણી બુદ્ધિ સ્થિર હોવી જોઈએ. ભગવાન કહે છે કે સ્થિર બુદ્ધિવાળા બાળકો મને અત્યંત પ્રિય છે.

12.20

યે તુ ધર્મ્યામૃતમિદં(ય્ઁ), યથોક્તં(મ્) પર્યુપાસતે।
શ્રદ્દધાના મત્પરમા, ભક્તાસ્તેऽતીવ મે પ્રિયાઃ॥૧૨.૨૦॥

પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમભાવે સેવે છે, એ ભક્તો મને સૌથી પ્રિય છે.

ભગવાન કહે છે કે જેવું મેં ઉપર કહ્યું એ રીતે જે ભક્ત કે બાળક આ બધું શ્રદ્ધા સાથે, શંકા વગર માને છે એ જ ભક્ત મને બહુ પ્રિય છે.  જેવી રીતે વર્ગમાં શિક્ષકને એ જ બાળકો વધારે પ્રિય હોય છે જે સારી રીતે ભણે છે, જે એમનું કહ્યું માને છે.

પુષ્પિકા :
પુષ્પિકા અધ્યાયનો ટૂંકમાં પરિચય આપે છે. જો કોઈએ વાર્તા લખી હોય તો આપણે જાણવા માંગીએ છીએ કે કોણે લખી છે? શેને માટે લખી છે? ક્યાં લખી? પુષ્પિકાનું તાત્પર્ય એ અધ્યાયની માહિતી આપવાનું છે. આ અધ્યાયનું નામ "ભક્તિયોગ" છે. એમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. 
 આ વિશેષ વિવેચન સત્ર બાળકો માટે આયોજીત કરવામાં આવ્યું હતું. બાળકોની સાથે નિરંતર વાતચીત કરીને એને અત્યંત રસપ્રદ બનાવ્યું હતું. દરેક લક્ષણ માટે એમણે પોતાની જાતને ૧૦માંથી માર્ક્સ આપવાના હતા. બાળકોના જવાબના આધારે નીચેનું પરિણામ આવ્યું.
૨૯% બાળકોએ પોતાને ૩૯૦ માર્ક્સ આપ્યા.
૫૫% બાળકોએ પોતાને ૩૦૧થી ૩૯૦ વચ્ચે માર્ક્સ આપ્યા.
૯% બાળકોએ પોતાને ૩૦૦ સુધી માર્ક્સ આપ્યા. 
૬% બાળકોએ પોતાને ૨૦૦ માર્ક્સ આપ્યા. 
આની સાથે જ બાળકો માટેના ૧૨મા અધ્યાયના બીજા વિશેષ સત્રના રોચક અને જ્ઞાનવર્ધક વિવેચનની સમાપ્તિ થઈ. પછી પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું. 
                          પ્રશ્નોત્તરી
સવાલ : ૧  પ્રિતેશભૈયા

ભગવાન શ્રીકૃષ્ણે આટલાં ઓછા સમયમાં ભગવદ્ગીતા કેવી રીતે સંભળાવી?
જવાબ :
ભગવાને ૪૫ મિનીટમાં અર્જુનને ભગવદ્ગીતા સંભળાવી. એ સમય એમને માટે ઓછો નહોતો. અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નહોતા એટલે યુદ્ધ પૂર્વે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરવા માટે ભગવાને અર્જુનને ગીતા સંભળાવી. આજે પણ આખી ગીતા કંઠસ્થ કરી લઈએ તો બોલતા 45 મિનિટ જ લાગે છે.
સવાલ : ૨ પરિણીતાદીદી

अनपेक्षित: शुचिर्दक्ष उदासीनो गतव्यथ:

   सर्वारम्भपरित्यागी यो मद्भक्त: स मे प्रिय:।। 

આ શ્લોકનો અર્થ સમજાવો. 

જવાબ :

અનપેક્ષનો અર્થ છે કોઈ વસ્તુની અપેક્ષા ન રાખવી, ઈચ્છા ન રાખવી. શુચિનો અર્થ છે સ્વચ્છતા. આપણી આસપાસની સ્વચ્છતા સાથે આપણી અંદરની સ્વચ્છતા પર પણ ધ્યાન રાખવું જોઈએ. દક્ષ એટલે પોતાના કામમાં કુશળતા. ઉદાસીન એટલે પક્ષપાત રહિત, નિર્લેપ. ગતવ્યથ: એટલે જે દુ:ખોથી દૂર થઈ ગયા છે, જેને હવે દુ:ખ સ્પર્શી નથી શકતાં. ભગવાન કહે છે કે જે ભક્ત ખોઈ નવા કામનો આરંભ નથી કરતાો તે મને પ્રિય છે. 
સવાલ : ૩ રૂપાલીદીદી
નાના બાળકો ગીતા શીખ્યા પછી કઈ રીતે એને જીવનમાં ઉતારશે?
જવાબ :
નાના બાળકોને સમજાય એ રીતે સરળ ભાષામાં ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે. નાનપણથી જ જો થોડો થોડો પ્રયત્ન કરીશું તો ગીતાનું જ્ઞાન એમનામાં પણ ધીરે-ધીરે ઉતરશે. સંતો પોતાની સાધના અનુસાર વિષયને વધુ ઉંડાણપૂર્વક સમજીને જીવનમાં ઉતારે છે. દરેક વ્યક્તિ પોતાની ઉંમર પ્રમાણે આ જ્ઞાન ધીરે-ધીરે ગ્રહણ કરે છે.
સવાલ
ક્રોધને કઈ રીતે આપણે કાબુમાં કરી શકીએ?
જવાબ :
લાંબા-લાંબા શ્વાસ લેવાની સાથે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ગુસ્સો ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. 
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. 

           ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે ભક્તિયોગો નામ દ્વાદશોઽધ્યાયઃ॥૧૨॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “ભક્તિયોગ" નામનો બારમો અધ્યાય પૂરો થયો. ॥૧૨॥