विवेचन सारांश
વિવિધ પ્રકારના યજ્ઞો

ID: 5280
गुजराती - ગુજરાતી
શનિવાર, 03 ઓગસ્ટ 2024
પ્રકરણ 4: જ્ઞાનયોગ
3/3 (શ્લોક 21-42)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


સત્રનો પ્રારંભ દીપ પ્રજવલન અને ગુરુ વંદન સાથે થયો. ચોથા અધ્યાયને જ્ઞાનકર્મસંન્યાસયોગના નામથી જાણવામાં આવે છે. જ્ઞાનયોગ, કર્મયોગ અને સંન્યાસયોગને એકબીજાની અંદર જોવા માટે અત્યંત સુંદર ઉપદેશ યોગેશ્વર શ્રીકૃષ્ણે અર્જુનને આપ્યો, એનાથી આપણી અનેક પ્રકારની ભ્રાંતિઓ નષ્ટ થઈ જાય છે. શ્રીભગવાન મોક્ષ માર્ગ પર અગ્રેસર હોવા છતાં સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરવા પોતાના દૈનિક જીવનમાં તેનો ઉપયોગ કરવાનું સમગ્ર વિવરણ આપણને આ અધ્યાયમાં ઉપલબ્ધ કરાવે છે.
ગયા સત્રમાં આપણે 20 શ્લોકોની ચર્ચા કરી હતી. આજે આપણે 21મા શ્લોકથી આરંભ કરીશું.
શ્રીભગવાન અર્જુનને કહે છે;


4.21

નિરાશીર્યતચિત્તાત્મા, ત્યક્તસર્વપરિગ્રહઃ।
શારીરં(ઙ્) કેવલં(ઙ્) કર્મ, કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્॥૪.૨૧॥

અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો ઈચ્છા રહિત કર્મયોગી કેવળ શરીરસંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો.

શ્રીભગવાન અર્જુનને કહે છે, જેનું શરીર અને અંતઃકરણ સારી રીતે વશમાં કરેલું હોય, જેને દરેક પ્રકારના સંગ્રહનો પરિત્યાગ કરી દીધો હોય એવા આશારહિત કર્મયોગી માત્ર શરીર સંબંધિત કર્મ કરવા છતાં પણ પાપને પ્રાપ્ત નથી થતાં. સંભવ છે આપણા કેટલાક કર્મોમાં પાપ નિહિત છે. આપણા બધાથી જાણે અજાણે પાપ કર્મ થઈ જાય છે. જેમ રસોઈ કરતા સમયે ચુલાની આસપાસ દેખાય નહીં તેવા અનેક નાના જીવાણુઓ અગ્નિની જ્વાળાથી બળીને ભસ્મ થઈ જાય છે. સ્નાન કરતી વખતે પણ આપણે પોતાના શરીરને સ્વચ્છ કરતી વખતે સાબુથી કીટાણુને મારી નાખીએ છીએ. આ પણ એક પ્રકારની હત્યા જ થઈને! આપણે આ કાર્યથી કેટલાક કીટાણુઓના મૃત્યુ પામ્યા! પરંતુ વાસ્તવિકતામાં અજાણતાથી આ પ્રકારના શરીર સંબંધી અનેક કાર્યોથી આપણે પાપના ભાગીદાર નથી થતા કારણકે જેણે પોતાનું શરીર સંયમિત કરી લીધું, તેનાથી પોતાનું અંતઃકરણ વશમાં કરી લીધું, સમસ્ત સંગ્રહનો પરિત્યાગ કરી દીધો તથા જેને કોઈ આશા રહી નથી તેને આપણે સંન્યાસી માની શકીએ છીએ. આપણે સમજીએ છીએ કે સંન્યાસથી તાત્પર્ય અગ્નિક્રિયાનો ત્યાગ અને ભિક્ષા માંગીને જીવન વ્યાપન કરવાનું, સંગ્રહની વૃત્તિનો પરિત્યાગ, ભગવા વસ્ત્ર પહેરી લેવો વગેરે છે.
અંતઃકરણમાં પૂર્ણ સંયમ રાખી, બધા કર્મ ફળોનો ત્યાગ એ જ સંન્યાસ છે. ભગવા વસ્ત્ર પહેર્યા વગર પણ કોઈ વ્યક્તિ સર્વસંગ પરિત્યાગ કરે, બધી ચિંતાઓ, અપેક્ષાઓ, કામનાઓ, ઈચ્છાઓથી મુક્ત થઈ ગઈ હોય એ પણ સંન્યાસી જ કહેવાય છે તેના માટે આપણે યોગમાર્ગનું અનુસરણ કરવું પડે છે. 
કેટલીક વાર આપણે આપણા બાળકોની સાથે વાતચીત કરતા કરતા વચમાં whatsapp જોવા લાગીએ છીએ તેનાથી આપણા બાળકોની સાથે વાત કરવાની તક ખોઈ દઈએ છીએ, પછી અચાનક બાળકો કંઈ કહે તો આપણે ચોંકીને પૂછીએ છીએ, હા, તેં શું કહ્યું?
બહુ-કાર્યણ એટલે મલ્ટીટાસ્કીગ હોવું સારી વાત છે. ઘણી બધી વ્યક્તિ એક સાથે બે કે ત્રણ કાર્ય કરી લે છે પરંતુ વિભાજિત ધ્યાનવાળા હોવું અર્થાત મન અને બુદ્ધિનું એક ન હોવું આપણી એકાગ્રતામાં બાધા ઉત્પન્ન કરે છે અને આ રીતે સમત્ત્વની ભાવનાથી આવતા મન અને બુદ્ધિનું સમત્ત્વ જ યોગ છે.
“मय्यर्पित मनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्॥” કદાચ કોઈ મન અને બુદ્ધિને એક સાથે લગાવીને કોઈ કાર્ય કરે છે તો તે નિઃસંશય શ્રીભગવાનને પ્રાપ્ત થાય છે. એટલે વિજય અને યશ પ્રાપ્ત કરે છે, જે પણ નાના બાળક પોતાના વિદ્યાલયમાં શિક્ષકની વાતો પર મન અને બુદ્ધિની સાથે જોડાય છે તેને યશ મળવો નિશ્ચિત છે, હંમેશા એવું થાય છે કે બુદ્ધિ તો બ્લેકબોર્ડ પર લાગેલી હોય છે અને મન અન્યત્ર ક્યાંક ભટકી રહ્યું હોય છે જેમ કે ઘર પર રસોઈ શું બની હશે? મા શું કરી રહી હશે? મને પણ ક્રિકેટ રમવા જવું છે, વગેરે. તેને વિજય પ્રાપ્ત નથી થતો એટલે મન અને બુદ્ધિનું સમત્ત્વ જ સૌથી અધિક મહત્વપૂર્ણ છે. સમત્ત્વનો અર્થ છે દરેક બંધનથી મુક્તિ. આપણે દરેક નાની વાતમાં બંધનમાં બંધાઈ જઈએ છીએ. શત્રુતાના પણ બંધન છે અને મિત્રતાના પણ બંધન છે. જે પ્રકારે મિત્રની યાદમાં આપણું મન મિત્રની તરફ જતું રહે છે તે જ પ્રકારે શત્રુની યાદમાં પણ આપણું મન શત્રુની તરફ જાય છે. દિવસભર તે ચિંતન જ રહે છે કે હું પોતાના શત્રુને કેવી રીતે પરાસ્ત કરું?
એટલે શ્રીભગવાને કહ્યું છે,
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः।
આપણને કોઈએ માળા પહેરાવી તો આપણે આખો દિવસ તેમાં જ ખોવાયેલા રહીએ છીએ અને કોઈએ આપણને અપશબ્દ કહ્યા તો આખો દિવસ તે વિષયમાં જ વિચારતા રહીએ છીએ. આપણે દરેક વાત સાથે બંધાઈ જઈએ છીએ
शीतोष्णसुखदुःखेषु” અને
तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित्।”
બંધનનો અર્થ છે કે આપણે તે વિષયોને સ્વયંમ જોડીને રાખીએ છીએ. જે વ્યક્તિએ આ બધાથી સ્વયંને અલગ કરી લીધા, જે ઠંડી અને ગરમીમાં સમત્ત્વ ભાવ રાખે છે, જે શત્રુ અને મિત્રની સાથે પણ સમત્ત્વ ભાવ રાખે છે, જે માન-અપમાન, લાભ-હાની, જય-પરાજયમાં પણ સમત્ત્વ રાખે છે તે આ માર્ગ પર આગળ ચાલી શકે છે. એટલે ઘણા બધા વ્યક્તિ એક અતિથી બીજી અતિ તરફ જતા રહે છે. પહેલા ખૂબ ખાય છે અને પોતાનું વજન વધારી દે છે અને પછી વજન ઘટાડવા માટે નેચરોપથી જેવા વિજ્ઞાનનો સહારો લે છે. એટલે આપણે અતિથી બહાર આવીને યોગના માર્ગ પર ચાલવું જોઈએ.

4.22

યદૃચ્છાલાભસન્તુષ્ટો, દ્વન્દ્વાતીતો વિમત્સરઃ।
સમઃ(સ્) સિદ્ધાવસિદ્ધૌ ચ, કૃત્વાપિ ન નિબધ્યતે॥૪.૨૨॥

ઇચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, હરખ-શોક વગેરે દ્વંદ્વોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયો છે - એવો સિદ્ધિ તથા અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતો.

 શ્રીભગવાન કહે છે કે જે કર્મયોગી ફળની ઈચ્છાઓ વગર પોતાની રીતે જે કંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહે છે અને જે ઈર્ષાથી રહિત છે, દ્વંન્દોથી અતીત તથા સિદ્ધિ અને અસિદ્ધિઓમાં સમ રહેવાનું શીખી લે છે તે કર્મ કરવા છતાં પણ તેમાં બંધાતા નથી. સમત્ત્વ એટલે સંતુલન. દરેક પ્રકારની આકાંક્ષા; જેમ કે મેં બાળકોને મોટા કર્યા, બાળક મારા ઘડપણનો સહારો બનશે. એ અપેક્ષાથી બાળકને મોટા કરીએ પરંતુ બાળક મોટા થઈને આવું ન કરે તો અપેક્ષા દુઃખમાં બદલાઈ જાય છે તેનાથી વિપરીત કદાચ બાળકનું પાલનપોષણ કરતા સમયે આપણે વિચારીએ કે બાળક ઈશ્વરની કૃપા છે, મારી પાસે આવ્યો છે હું તેને મોટો કરીશ અને મારું કર્તવ્ય પૂર્ણ કરીશ. હવે તે પોતાનું કર્તવ્ય કરે કે ન કરે તે તેના પર નિર્ભર છે તો અપેક્ષાથી ઉત્પન્ન થનાર કષ્ટ તથા તે પીડા આપણને નહીં થાય અને કદાચ તેમણે થોડી ઘણી સેવા પણ કરી તો આપણે તેનાથી સંતુષ્ટ થઈ જઈશું.
આકાંક્ષાને આપણે આવી રીતે સમજી શકીએ. આકાશ દરેક સ્થાન પર પૃથ્વીને મળે છે એવું લાગે છે પરંતુ આપણને ક્ષિતિજની રેખા દેખાય છે અને જેમ જેમ આપણે ક્ષિતિજની તરફ વધતા રહીએ છીએ, તે રેખાથી દૂર થતાં જઈએ છીએ, તે માત્ર એક આભાસ છે. આપણે એ ભાવ સાથે સ્થિર થઈ જઈએ છીએ કે આકાશ અહીં પણ પૃથ્વીને અડકે છે, મળે છે અને આપણે આ દોડ રોકી દઈએ તથા અંદર ઉતરવાનો આરંભ કરીએ તો અસંતૃષ્ટિ ક્યારેય નથી આવતી. સદૈવ સંતુષ્ટ રહેવાનો અભ્યાસ થઈ જાય તો પ્રસન્નતા વધતી જાય છે.
  “प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते।
  प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते।।

બુદ્ધિને સ્થિર કરવા માટે બીજા અધ્યાયમાં આ મંત્ર આપવામાં આવ્યો છે. આપણું ચિત્ત પ્રસન્ન રહે, તેનાથી સમસ્ત દુઃખોનો નાશ થશે અને મારી પ્રજ્ઞા પણ સ્થિર થશે, સમત્ત્વનો ભાવ આપણા મનમાંથી મત્સર બહાર કાઢી દે છે, દ્વૈતની પાર અધ્વૈત થઈ જાય છે, અહીં ભક્ત અને ભગવાનની વચ્ચેનું દ્વૈત મટી જાય છે પછી સિદ્ધિ મળે કે ન મળે તો તેને કોઈ ફેર નથી પડતો. આપણે સંતુષ્ટ રહેવાનું શીખીએ, સહજ સ્વીકાર કરવાનું શીખીએ, આનંદ પ્રાપ્ત કરવાનું શીખીએ જે આ મોક્ષના મહાદ્વારને ખોલવાની વિદ્યા છે.

4.23

ગતસઙ્ગસ્ય મુક્તસ્ય, જ્ઞાનાવસ્થિતચેતસઃ।
યજ્ઞાયાચરતઃ(ખ્) કર્મ, સમગ્રં(મ્) પ્રવિલીયતે॥૪.૨૩॥

જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે - એવા કેવળ યજ્ઞસંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે.

 જેની આસક્તિ સર્વથા પતી ગઈ છે, જે મુક્ત થઈ ગયો છે, જેની બુદ્ધિ સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે એવા માત્ર યજ્ઞ માટે કર્મ કરવાવાળા મનુષ્યના સંપૂર્ણ કર્મ વિલીન થઈ જાય છે.
યજ્ઞનો અર્થ માત્ર ઈંટોનો અગ્નિકુંડ બનાવી લેવાનો અને તેમાં થોડી સમિધાઓ નાખી દેવાનો નથી, વાસ્તવમાં યજ્ઞનું સ્મરણ રાખવાની આ વિદ્યા છે કે જ્યારે આપણે યજ્ઞમાં સમિધા પધરાવીએ છીએ તો તે નષ્ટ થઈ જાય છે, એ મારી રહેતી નથી, તે મેં અર્પણ કરી દીધી છે. સંન્યાસીના વસ્ત્ર આગની જ્વાળાઓનું સ્મરણ કરાવવા માટે ભગવા બનાવ્યા છે. અગ્નિની જ્વાળા સદૈવ ઉર્ધ્વગામી રહે છે અર્થાત ઉપર જતી હોય છે.
શ્રીભગવાને કહ્યું,
‘अत ऊर्ध्वं न संशयः ॥’
જ્યારે ઈશ્વર સાથે પ્રીતિ થઈ જાય, આપણે ઉર્ધ્વગતિને પ્રાપ્ત થઈએ છીએ પરંતુ તેના માટે આસક્તિનો નાશ કરવો પડે, બધા બંધનોથી મુક્ત થવું પડે.
ઉદાહરણ માટે કોઈ વ્યક્તિનું ઘર સળગતું હોય તો તે જોરથી રડવા લાગે કે મારું ઘર સળગી રહ્યું છે! પણ એ સમયે કોઈ આવીને તેને કહે કે હવે આ ઘર તમારું નથી રહ્યું, પરમ દિવસે જ તો તમે કોઈને વેચી દીધું છે, તેને આ વાત યાદ આવી જાય તો એકદમ રડવાનું બંધ કરી દે છે. ત્યારે જેણે ઘર ખરીદ્યું છે તેનો ફોન આવે કે મેં તમારું સહી સલામત ઘર ખરીદ્યું હતું પરંતુ તમારા ખાલી કર્યા પહેલાં જ આ ઘર સળગી ગયું તો હું તમારા પૈસા તમને પાછા આપી રહ્યો છું. આ સાંભળીને તે ફરીથી રડવાનું શરૂ કરી દે છે. રડવાનું કારણ ‘હું’ નો ભાવ છે ‘હું’ નો ભાવ ચાલી જાય તો રડવાનું બંધ કરી દે. હુંનો ભાવ પાછો આવે તો ફરીથી રડવાનો આરંભ કરી દે. આસક્તિ પણ એક અતિ છે અને અનાસક્તિ પણ એક અતિ છે, આપણે કોઈનામાં પણ લિપ્ત થવાનું નથી. તે કોઈ વ્યક્તિ હોય કે કોઈ સંસાધન, તેનું ઉદાહરણ દીપક છે. જ્યારે દીપક સળગે છે તો તે નથી વિચારતો કે હું મારા પ્રકાશને અહીં સુધી સિમીત કરીશ, આપણે દીપકને જ્યાં પણ મૂકીએ ત્યાંનું વાતાવરણ તે પ્રકાશિત કરે છે. દિપક કોઈ સ્થાનથી સ્વયંમને આસકત નથી કરતો, તે માત્ર આપવાનું કાર્ય કરે છે. યજ્ઞનો અર્થ પણ આ જ છે. યજ્ઞની વિધા જેમાં સમિધા નાખવામાં આવે છે તે તો એક ગાંઠની જેમ છે. જેમ એક મહિલા કોઈ વાત યાદ રાખવા માટે સાડીના પાલવમાં ગાંઠ બાંધી લે છે તે પ્રકારે નિયમિત રૂપથી કરેલો અગ્નિહોત્ર યજ્ઞ માત્ર મને યાદ અપાવવા માટે છે કે મારે અર્પણની આ વિદ્યા કરવાની છે. મારે મારા પોતાના સમસ્ત કર્મ અર્પણ કરવાના છે. આ કર્મોની સાથે પણ હું અનાસકત રહું, જ્ઞાનમાં સ્થિત રહીને જાગ્રત રહું. 
યજ્ઞ ઘણા પ્રકારના હોય છે, અંતિમ યજ્ઞમાં આપણા દેહને અગ્નિમાં અર્પિત કરવામાં આવે છે. એ અંતિમ ઘડીને યાદ રાખી લીધી કે એક દિવસ તો આ દેહને પણ જવાનું છે પછી તે પોતાના હાથમાં પહેરેલી વીંટીઓથી પણ સ્વયં અનાસક્ત થઈ જાય છે. આપણે ગમે તેટલા સોનાના આભૂષણ પહેરેલા હોય, ત્યાં બધા કાઢી નાખે છે. આપણે જ ઘર બનાવ્યું હોય પરંતુ એક વખત પ્રાણ ચાલ્યો જાય તો ક્યારે આ દેહને ઘરમાંથી કાઢવામાં આવે તેની હોડ ચાલે છે. ઘરમાં 24 કલાકથી વધુ મૃતદેહ નથી રાખતા, બધું જ છોડીને એકલા જ તે યાત્રા પર જવાનું છે તે જ અંતિમ યજ્ઞ છે, તેનું સદા ચિંતન રહેવું જોઈએ, ત્યારે પોતાની મેળે જ આસક્તિ આવે છે.
યજ્ઞનો સાચો અર્થ છે પવિત્ર કર્મ, દ્વન્દ્વ સમાપ્ત થતાની સાથે બધા કર્મ અકર્મમાં બદલાઈ જાય છે.
જેમ પ્રથમ શ્લોકમાં જે વાત કહેવામાં આવી છે,
"शारीरं केवलं कर्म”,
તેનું તાત્પર્ય છે કે શરીર માટે આવશ્યક બધા કર્મ કરવા પડે છે. તમે સુઈ જાવ છો તો પણ શ્વાસ લો છો આ પણ એક કર્મ છે, પરંતુ આપણે તેમાં લિપ્ત થવાનું નથી, તેમાંથી બહાર નીકળવાનું છે. જે આમાંથી બહાર આવી જાય છે તેના માટે સંપૂર્ણ સંસાર જ બ્રહ્મ બની જાય છે.

4.24

બ્રહ્માર્પણં(મ્) બ્રહ્મ હવિઃ(ર્), બ્રહ્માગ્નૌ બ્રહ્મણા હુતમ્।
બ્રહ્મૈવ તેન ગન્તવ્યં(મ્), બ્રહ્મકર્મસમાધિના॥૪.૨૪॥

બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે સ્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે, હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે આવા બ્રહ્મકર્મમાં સ્થિત રહેનાર યોગી દ્વારા પ્રાપ્ત થનાર ફળ પણ બ્રહ્મ છે.

 શ્રીભગવાન કહે છે કે જે યજ્ઞમાં અર્પણ પણ બ્રહ્મ છે, બ્રહ્મરૂપ કર્તા દ્વારા
બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ આપવારુપી ક્રિયા પણ બ્રહ્મ છે. એવા યજ્ઞ કરવાવાળા મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ સમાધિ થઈ ગઈ. તેના દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ જ છે.
      "तू ही है सर्वत्र व्याप्त हरि, तुझमें ही सारा संसार"
અર્થાત બધુ જ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, તેમાં નાખીએ છીએ કે સ્રુવા પણ બ્રહ્મ છે, આહુતિ આપનાર કર્તા પણ બ્રહ્મ થઈ જાય છે તથા આ ક્રિયાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.
     “सर्वं कर्माखिलं ब्रह्म"
સમસ્ત કર્મ બ્રહ્મ થઈ જાય છે. 
જે ઘટના બને છે તેની વચ્ચે એક પડદો હોય છે. ક્યારેક-ક્યારેક આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ અને આપણને ત્યાં દરવાજા બંધ મળે છે. આપણે જોયું હશે કે મંદિરને બંધ કરવાની ખૂબ જ સુંદર વિદ્યા છે. આપણે મંદિરમાં પહોંચીએ પરંતુ કેટલો અહંકારનો કચરો લઈને પહોંચીએ છીએ! થોડી વાર રોકાવું પડે છે તે સમયમાં જ આપણે થોડી વાર શ્રીભગવાન સાથે એક થતા જઈએ છીએ. સામાન્ય રીતે આપણે દર્શન કરીએ છીએ એ પણ ઔપચારિકતા થઈ ગઈ છે. આપણે માત્ર ઔપચારિકતા માટે મંદિર જઈએ છીએ, પ્રણામ કરી અને દોડીએ છીએ પોતાના કામની તરફ, આપણા જીવનમાં કેટલી બધી ભાગદોડ હોય છે, તો આપણે થોડા સ્થિર થઈ જઈએ, કદાચ શ્રીભગવાન આપણને ત્યાં ઉભા રાખીને આપણા મનમાં રહેલા કચરાને દૂર કરવાનો સંદેશ આપતા હોય અને ત્યારબાદ દર્શન માટે પટ ખુલી જાય છે! ત્યાં પણ આપણને વિચાર આવે છે કે પંડિતજીને પણ અત્યારે જ પટ બંધ કરવાના હતા? બે મિનિટ રોકાઈ જતા તો શું અંતર પડવાનું હતું! રોકાવાનું અર્થાત અંદર ઉતરવું છે, જીવનની ભાગદોડમાં આપણે અંદર ઉતારવા સમય કાઢી શકતા નથી! ભગવાન અને આપણી વચ્ચે અહંકારના આ પટ જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી આપણે બ્રહ્મની અનુભૂતિ નહીં કરી શકીએ.

4.25

દૈવમેવાપરે યજ્ઞં(ય્ઁ), યોગિનઃ(ફ્) પર્યુપાસતે।
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં(ય્ઁ), યજ્ઞેનૈવોપજુહ્વતિ॥૪.૨૫॥

બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું સમ્યક્ પ્રકારે અનુષ્ઠાન કરે છે, જ્યારે અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મારૂપી અગ્નિમાં અભેદદર્શનરૂપી (વિચારરૂપી) યજ્ઞ દ્વારા જ આત્મારૂપી યજ્ઞનો હોમ કરે છે.

 જુ‌હ્યતિનો અર્થ છે હવન કરવો. શ્રીભગવાન કહે છે કે અન્ય યોગી મનુષ્ય ભગવત્ દર્શન રુપ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે અને મહાયોગી વ્યક્તિ બ્રહ્મરૂપ અગ્નિમાં, વિચારરૂપ યજ્ઞ દ્વારા જ જીવાત્મા રુપ યજ્ઞનો હવન કરે છે. શ્રીભગવાને અનેક પ્રકારના હવન કહ્યા છે. યજ્ઞ પવિત્રતા અને ઉર્ધ્વ ગતિના દ્યોતક છે. જેવી રીતે અગ્નિની જ્વાળા ઉપર જ જાય છે તે પ્રકારે સ્વયંમને ઉપર ઉઠાવવાની વિદ્યાને યજ્ઞ કહે છે. આ સમર્પણ અગ્નિમાં એટલે જ કરવામાં આવે છે કારણ કે બધી અશુદ્ધતાઓને ભસ્મ કરનારી અગ્નિ જ છે. અગ્નિ સુવર્ણની સમસ્ત અશુદ્ધિઓને પણ બાળીને શુદ્ધ કરી દે છે.
આપણે પણ આપણા જીવનની બધી અશુદ્ધિઓને કાઢી નાખવી જોઈએ, એટલે યજ્ઞકર્મ ખૂબ જ આવશ્યક છે. આપણા અહમને બાળવાનો છે. ક્રિયાનો હવન અર્થાત આપણે જે પણ કાર્ય કરી રહ્યા છે શ્રીભગવાનને અર્પણ કરી દો અને ફળની અપેક્ષા ન રાખો.
કોઈ બાળક પોતાના પિતાને કહે કે પરીક્ષામાં મારા 90% માર્ક આવ્યા છે તો શું તમે મને સાયકલ અપાવી દેશો? પિતાજી તેને આશ્વાસન આપે છે કે હા અપાવી દઈશ, હવે તે બાળક જ્યારે પણ ભણવા બેસે છે, ત્યારે તેનું મન સાયકલમાં જ લાગેલું રહે છે. ભણવાનું ફળ એ સાયકલ થઈ ગયું, દિવસ દરમિયાન મનમાં સાયકલ જ રહે છે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ માટે જે ભણવાનું થવું જોઈએ તે બંધ થઈ જાય છે. પરિણામ આવે અને કદાચ તેના 90% માર્ક પ્રાપ્ત ન થયા હોત ત્યારે તેને ખૂબ કષ્ટ થાય છે. કેમેરો આપણી સેલ્ફી ખેંચે છે. કેમેરા શબ્દ કેટલો સુંદર છે શું મારું? મારું કંઈ નથી. તમે શરીરના ફોટો ખેંચી રહ્યા છો તે ફોટો તમારો નથી! તમે તો અંદર બેઠા છો, જ્યારે અંદરનો ચાલ્યો જશે તો? જેને તમે નામથી બોલાવીએ તેનું જ્યારે મૃત્યુ થઈ જાય છે તો તમારી ભાષા તત્કાળ પરિવર્તિત થઈ જાય છે. આપણે નામથી તેને બોલાવતા નથી પરંતુ ‘‘બોડી’ કે ‘શબ‘ કહીને બોલાવીએ છીએ. આ જ્ઞાન આપણા મોક્ષના દ્વારને ખોલાવે છે.

4.26

શ્રોત્રાદીનીન્દ્રિયાણ્યન્યે, સંયમાગ્નિષુ જુહ્વતિ।
શબ્દાદીન્વિષયાનન્ય, ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ॥૪.૨૬॥

અન્ય કેટલાક યોગીઓ શ્રોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હવન કર્યા કરે છે. તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઈન્દ્રિયોરુપી અગ્નિઓમાં હોમતા રહે છે.

 શ્રીભગવાન કહે છે કે વાસ્તવિક યોગી શ્રોત્ર એટલે કાન તથા સમસ્ત ઇન્દ્રિયોના સંયમરુપ અગ્નિમાં હવન કરે છે અને બીજા યોગી શાબ્દિક વિષયોનું ઇન્દ્રિયરુપ અગ્નિમાં હવન કરે છે.
આ શ્લોકની બીજી પંક્તિ ખૂબ જ રહસ્યમય અને અદ્ભુત છે, તેની એક વાત ધ્યાનમાં આવી જાય તો આપણું જીવન પરિવર્તિત થઈ જાય છે. શબ્દ પર એટલે ભાર આપ્યો છે કારણ કે શબ્દ આપણી જિહ્વાથી બહાર આવે છે. બીજાના મનના ફુગ્ગાઓને ફોડનાર જે ખરાબ શબ્દ આપણી જિહ્વાથી બહાર આવે છે, આવા શબ્દો બહાર આવ્યા પહેલા જ તેને જિહ્વા પર જ બાળી દેવા જોઈએ આ યજ્ઞ છે.
આપણા નેત્રોનો વિષય છે જોવું. વારંવાર આપણને મન થાય છે કે ચલો મોબાઈલ જોઈ લઈએ! આંખ, કાન, શબ્દો વગેરેનો ઉપવાસ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી અંદર ઉતરવાની વિદ્યાનો આરંભ નહીં થાય.
આપણે જે શ્રીભગવાન માટે ભોગ લગાવીએ છીએ તે આપણને પ્રિય હોય છે, જે પુષ્પ ચઢાવીએ છીએ તેની સુગંધ આપણને પ્રિય છે, જે આપણને પ્રિય છે તેને શ્રીભગવાનની સમક્ષ મૂકી તેનો ઉપભોગ પણ આપણે જ કરીએ છીએ. તેમને કંઈક ચઢાવવું છે તો વિષયને ચડાવવા પડશે, ત્યારે નિશ્ચિતપણે આપણે અંદર ઉતરવાનો આરંભ કરીએ છીએ.
શ્રી ભગવાન આપણને અનેક સંકેત પણ આપે છે. 40 વર્ષની આયુ પછી આપણી આંખો પર ચશ્મા આવી જાય છે. 60 કે 65 વર્ષની આયુમાં આપણા કાન ક્ષીણ થઈ જાય છે અને આપણે મશીન લગાવીએ છીએ. શ્રીભગવાન કહે છે કે અંદરનું સાંભળવા માટે બહારનું બંધ કરેલું છે, એટલા માટે મને ધન્યવાદ આપો પરંતુ આપણે તેમને કોસીએ છીએ.
એક દીકરાની વહુના પિયરવાળા તેના સાસરે આવવાના હતા. સાસુએ કહ્યું કે વહુ આજે તારા પિયરવાળા આવવાના છે તો આજે ઘરે જ રોકાઈ જા. વહુએ કહ્યું કે સાસુમા, આજે મારી કિટ્ટીપાર્ટી છે મારે તો જવું પડશે, હું તરત જ પાછી આવી જઈશ, ત્યાં સુધી તમે સંભાળી લેજો. સાસુએ કહ્યું કે એક વખત નહીં જાય તો શું થઈ જશે? વહુએ કહ્યું કે ત્યાં જે અનુપસ્થિત રહે છે તેની નિંદા થાય છે અને હું નથી ઇચ્છતી કે મારી ત્યાં નિંદા થાય! બીજાની નિંદાનો આરંભ થઈ જાય પછી હું પાછી આવી જઈશ. આપણને બીજાની નિંદા અને દોષ જોવામાં પણ આનંદ આવે છે. બીજાની નિંદા સાંભળવા માટે આતુર આ કાન સંયમની અગ્નિમાં બાળી દેવા જોઈએ. આત્મ સંયમિત હોવું આપણી એકાગ્રતાને વધારે છે અને એકાગ્રતા આપણને ધ્યાન તથા સમાધિ સુધી પહોંચાડે છે.

4.27

સર્વાણીન્દ્રિયકર્માણિ, પ્રાણકર્માણિ ચાપરે।
આત્મસંયમયોગાગ્નૌ, જુહ્વતિ જ્ઞાનદીપિતે॥૪.૨૭॥

અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમયોગરૂપી અગ્નિમાં હોમી દે છે

શ્રીભગવાન કહે છે કે અન્ય યોગી વ્યક્તિ સંપૂર્ણ ઇન્દ્રિયોનો અને પ્રાણોની ક્રિયાઓનો જ્ઞાનથી પ્રકાશિત આત્મસંયમયોગરૂપી અગ્નિમાં હવન કરે છે. અગ્નિને અર્પણ કરવાની વિદ્યા છે ઘર્ષણ, જેવી રીતે આપણે આપણી હથેળીઓને ઘસીએ છીએ અને તે ગરમ થઈ જાય છે, આપણા શરીરમાં પણ યોગાગ્નિ છે, આ યોગાગ્નિને પ્રજ્વલિત કરવાના અનેક ઉપાય છે.
આપણું શરીર પ્રકૃતિથી બનેલું છે અને પંચમહાભૂત પ્રકૃતિની આપેલી ભેટ છે. આપણા શરીરમાં 70% પાણી તથા શેષ 30% માં થોડો વાયુ, થોડી અગ્નિ, થોડી માટી છે. આ શરીરમાં અગ્નિનું પોતાનું એક વિશેષ સ્થાન છે. માત્ર જઠરાગ્નિ નહીં પરંતુ અનેક પ્રકારની અગ્નિઓ છે. ભોજનને પચાવનાર જઠરાગ્નિ છે.
પ્રથમ અધ્યાયમાં શીખ્યા હતા - ‘भीमकर्मा वृकोदरः' ભીમના ઉદરમાં વૃક નામની અગ્નિ હતી. આપણા વૈવૈજ્ઞાનિકો અનેક પ્રકારની અગ્નિઓની શોધ કરી રહ્યા છે. જ્યારે આપણે શીતળ અગ્નિને પણ શોધી લીધો છે, જેને હાથ લગાવવાથી ઝટકો લાગતો નથી.
આજકાલ વિવાહ સમારંભમાં અગ્નિના ફુવારા ઉડાડવામાં આવે છે, તેને “કોલ્ડ ફાયર” કહે છે આ બધા પહેલાં નહોતા. આપણા પૂર્વજોએ શરીરમાં ઉત્પન્ન અનેક પ્રકારની અગ્નિઓની શોધ કરી રાખી હતી. આ અગ્નિને બાળવાની વિધિ યોગશાસ્ત્ર છે. જ્ઞાનના પ્રકાશથી આપણી અંદર સંયમની અગ્નિને જગાવી રાખવી સમાધિ યોગથી આવે છે. સંયમની અગ્નિ ઇન્દ્રિયો અને પ્રાણોના સમસ્ત કર્મોને બાળી નાખે છે.

4.28

દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા, યોગયજ્ઞાસ્તથાપરે।
સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ, યતયઃ(સ્) સંશિતવ્રતાઃ॥૪.૨૮॥

અન્ય કેટલાક માણસો દ્રવ્યસંબંધી યજ્ઞ કરનારા છે, કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે, બીજા કેટલાક પુરુષો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ તીક્ષ્ણ વ્રતો પાળનારા પ્રયત્નશીલ માણસો સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ કરનારા છે.

 શ્રીભગવાન કહે છે કે બીજા ઘણાંબધા મુશ્કેલ વ્રત કરનાર પ્રયત્નશીલ સાધક દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે. કેટલાક તપોયજ્ઞ કરનારા છે, બીજા કેટલાક યોગયજ્ઞ કરનારા છે, ઘણા બધા સ્વાધ્યાયરુપી જ્ઞાનયજ્ઞ કરનારા છે. દ્રવ્યયજ્ઞનો અર્થ છે ધન રાશિ પ્રદાન કરવી, જ્ઞાન યજ્ઞનો અર્થ છે સારી વાતો સમજાવવા કે કહેવા માટે કોઈપણ પ્રકારના ફળની આશા ન રાખવી.
અનેક વ્યક્તિ ભાગવત કથા કહે છે અને તેની માટે ફી લે છે પછી તે જ્ઞાનયજ્ઞ નથી. આપણી ભાવના એવી હોવી જોઈએ કે જે મળશે તે ચાલશે, પરંતુ મારું કાર્ય કહેવાનું છે, આ ભાવ સાથે આપણે જ્ઞાનને વહેંચવું જોઈએ. અપેક્ષા રહિત થઈને કરનારી ક્રિયાઓ જ સાચો યજ્ઞ છે.
એવા અનેક મહાત્મા થઈ ગયા જેમણે જીવનમાં સ્વયંને અંદરથી સળગાવી દીધા, રાખ બની ગયા. યોગાગ્નિ પ્રગટાવવાનું એવું સામર્થ્ય હતું કે તે સ્વયંમ જ બળી ગયા.
અનેક વ્યક્તિ સ્વાધ્યાયરૂપી યજ્ઞ કરે છે. આપણે સ્વાધ્યાયનો અર્થ સમજીએ છીએ- સ્વ અધ્યયન- સ્વયં પાસેથી શિક્ષણ લેવું. આજની ભાષામાં આને સ્વાધ્યાય કહેવામાં આવે છે. પરંતુ હકીકતમાં સ્વાધ્યાયનો અર્થ છે ચેષ્ટા કરવી તથા સ્વયંમનું અધ્યયન કરવું. સ્વયંમનું અધ્યયન કરવા માટે અંદર ઉતરવું પડશે. આપણે પોતાના પ્રતિનું અધ્યયન બીજાના આપેલા વચનો પર હોય છે, બીજા આપણા વિષયમાં જે બોલે છે આપણે તે ધારણાને પુષ્ટ કર્યા કરીએ છીએ, પરંતુ અંદર ઉતરીશું અને સ્વયંને ઓળખવાનો પ્રયાસ કરીશું તો વિરોધાભાસ દેખાશે કારણ કે આપણે જેવા બહારથી છીએ, અંદરથી એવા નથી. આપણી અંદરને જાણવા માત્ર મોક્ષના દ્વારને ખોલવાનું છે.
એવા અનેક પ્રયોગ થયા છે, એકાંતમાં એક રેકોર્ડર લગાવ્યા પછી અંદર ચાલનાર વિચારોને બોલી દેવામાં આવ્યા. આપણને જ્ઞાત (ભાન) થયું કે આપણી અંદર કેટલી કુરુપતા ભરેલી છે! આપણા બહારના વ્યક્તિત્વના કારણે બધા આપણને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ આપણી અંદર દ્વેષ છે, મત્સર છે, લોભ છે. અંદર ઉતરીને માત્ર સ્વયંને ઓળખવું એ જ સ્વયંમને બદલવાનો પ્રયાસ છે.

4.29

અપાને જુહ્વતિ પ્રાણં(મ્), પ્રાણેઽપાનં(ન્) તથાપરે।
પ્રાણાપાનગતી રુદ્ધ્વા, પ્રાણાયામપરાયણાઃ॥૪.૨૯॥

પ્રાણ અને અપાન ની ગતિ રોકીને પ્રાણાયામમાં પરાયણ યોગીજનો માંથી કેટલાક અપાનવાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ કેટલાક યોગીજનો પ્રાણવાયુમાં અપાનવાયુને હોમે છે.

શ્રીભગવાને કહ્યું કે બીજા ગમે તેટલા પ્રાણાયામને પરાયણ થયેલો યોગી વ્યક્તિ અપાનમાં પ્રાણને પૂરક કરીને, પ્રાણ અને અપાનની ગતિ રોકીને પછી પ્રાણમાં અપાનનો હવન કરે છે, તથા અન્ય ગમે તેટલા નિયમિત આહાર કરનારા પ્રાણોના પ્રાણોમાં હવન કરે છે. આ બધા સાધક યજ્ઞો દ્વારા પાપોના નાશ કરનારા અને યજ્ઞોને જાણનારા છે.
"વિજ્ઞાન-ભૈરવ તંત્ર" નામનું એક પુસ્તક છે. ભગવાન મહાદેવે ભૈરવી એટલે માતા પાર્વતીને 112 સૂત્ર આપ્યા. તેમાં માતા કેટલાક પ્રશ્નો પૂછે છે અને આદિયોગી મહાદેવ તેમને ઉત્તર આપે છે. ઉત્તર આપતી વખતે મહાદેવ વારંવાર કહે છે અંદર જનારા અને બહાર આવતા શ્વાસની મધ્યમાં રોકાઈ જાઓ, ત્યાંથી અનેક વસ્તુનો ઉદ્ગમ થાય છે, એટલે યોગશાસ્ત્રમાં પ્રાણાયામની ખૂબ જ મહત્તા છે. અંદર જનાર અને બહાર આવનાર શ્વાસ પર સંયમન હોવું અનિવાર્ય છે, અંદર જવાની ક્રિયા પુરક, તથા બહાર આવવાની ક્રિયા રેચક તથા તેની મધ્યમાં કુંભક કહેવાય છે, જેણે પ્રાણ અને અપાનને સમાન કરવાની વિદ્યા શીખી લીધી તે પ્રાણાયામમાં પરાયણ થઈ ગયા છે.

4.30

અપરે નિયતાહારાઃ(ફ્), પ્રાણાન્પ્રાણેષુ જુહ્વતિ।
સર્વેઽપ્યેતે યજ્ઞવિદો, યજ્ઞક્ષપિતકલ્મષાઃ॥૪.૩૦॥

બીજા કેટલાય, નિયમિત આહાર કરવા વાળા, પ્રાણોને પ્રાણોમાં હોમે (આહુતિ આપે) છે. આ બધા (સાધક) યજ્ઞ દ્વારા પાપોના નાશ કરવાવાળા અને યજ્ઞોને જાણવાવાળા છે.

 શ્રીભગવાન કહે છે કે બીજા ઘણા બધા પ્રાણાયામમાં પરાયણ થયા, યોગી વ્યક્તિ અપાનમાં પ્રાણને પૂરક કરીને પ્રાણ અને અપાનની ગતિ રોકી પછી પ્રાણમાં અપાનનું હવન કરે છે, તથા અન્ય ઘણા બધા નિયમિત આહાર કરનારા પ્રાણોના પ્રાણોમાં હવન કરે છે. આ બધા સાધક યજ્ઞો દ્વારા પાપોના નાશ કરનારા અને યજ્ઞોને જાણનારા છે.
નિરાહાર રહેવું, મિતાહારી બનવું, ફળાહારી બનવું આ બધી ક્રિયાઓથી શરીરને ગાળી દેવાય છે, જે લાકડી સુકાયેલી હોય છે તે જ સળગે છે, શરીરને સૂકવીને શીઘ્ર યોગાગ્નિ પ્રજવલિત કરવામાં આવે છે એટલે ઉપવાસનું ખૂબ જ મહત્વ સમજાવ્યું છે.

4.31

યજ્ઞશિષ્ટામૃતભુજો,‌ યાન્તિ બ્રહ્મ સનાતનમ્।
નાયં(લ્ઁ) લોકોઽસ્ત્યયજ્ઞસ્ય, કુતોઽન્યઃ(ખ્) કુરુસત્તમ॥૪.૩૧॥

હે કુરુશ્રેષ્ઠ! યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જયારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય-લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય?

શ્રીભગવાને કહ્યું કે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન! યજ્ઞમાં વધેલા અમૃતના અનુભવ કરનારાઓ સનાતન પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. યજ્ઞ ન કરનારા મનુષ્ય માટે આ મનુષ્યલોક પણ સુખદાયક નથી પછી પરલોક કેવી રીતે સુખદાયક હોઈ શકે?
આપણે આપણી અંદર જઈને જોઈએ અને સ્વયંમને પૂછીએ કે ‘શું હું સંતુષ્ટ છું?’ તમે સદા અસંતૃષ્ઠ રહેવાની ટેવ પાડી લીધી છે, હંમેશા પોતાના દુઃખોને રડતાં હોઈએ તો આપણે સમજી લેવાનું કે આપણે ધર્મના માર્ગ પર નથી ચાલી રહ્યા, પરંતુ આપણે પર-ધર્મને અપનાવી લીધો છે. શ્રીભગવાને કહ્યું કે સ્વધર્મનું પાલન કરવું શ્રેયકર છે, તેમાં કદાચ મૃત્યુ પણ થઈ જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી.
શ્રીભગવાને આ અધ્યાયમાં કહ્યું છે કે,
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागश: |”

અર્થાત હું મારા પોતાના ગુણો અને પોતાના કર્મને નથી જાણતો અને બીજાની નકલ કરવાનો પ્રયાસ કરું છું તો હું સદૈવ આ લોકોમાં પણ અને પરલોકમાં પણ અસંતુષ્ટ જ રહીશ, આમ અસંતુષ્ટ રહીએ તો પાછા આવવું પડે છે.
"पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम् ।”
અને વારંવાર જન્મ મરણની યાતનાથી મુક્તિના માર્ગ પર ચાલવું છે તો શું કરવું પડશે?
આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે કે,
भज गोविन्दम् भज गोविन्दम्” गोविन्दम् भज मूढ़मते
सम्प्राप्ते सन्निहिते काले, न हि न हि रक्षति डुकृञ् करणे ॥

બધા જ પાઠ અને વારંવાર પાઠ કરવાથી તું ક્યાંય પહોંચવાનો નથી, હવે તારે ગોવિંદને ભજવાનું ચાલુ કરવું પડશે.

4.32

એવં(મ્) બહુવિધા યજ્ઞા, વિતતા બ્રહ્મણો મુખે।
કર્મજાન્વિદ્ધિ તાન્સર્વાન્, એવં(ઞ્) જ્ઞાત્વા વિમોક્ષ્યસે॥૪.૩૨॥

આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્ત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ.

શ્રીભગવાને કહ્યું કે આ પ્રકારની અને બીજા ઘણી બધી રીતે યજ્ઞ વિષે વેદની વાણીમાં વિસ્તારથી કહેવામાં આવ્યું છે, આ બધા યજ્ઞોને તું કર્મજન્ય માન, પ્રકાર જાણીને યજ્ઞ કરવાથી તું કર્મ બંધનથી મુક્ત થઈ જઈશ.
કર્મ બંધનથી મુક્તિનો માર્ગ છે પવિત્ર કાર્યમાં સ્વયંમને જોડી દેવું. વિકર્મથી કર્મની તરફ અને કર્મથી અકર્મની તરફ આગળ વધવું, અશાંતિ થી શાંતિ તથા શાંતિથી પ્રસન્નતાની તરફ આગળ વધવું, ઈર્ષાથી પ્રેમની અને કામનાથી સંતોષ તરફ વધવું એ જ મુક્તિનો માર્ગ છે.

4.33

શ્રેયાન્દ્રવ્યમયાદ્યજ્ઞાજ્, જ્ઞાનયજ્ઞઃ(ફ્) પરન્તપ।
સર્વં(ઙ્) કર્માખિલં(મ્) પાર્થ, જ્ઞાને પરિસમાપ્યતે॥૪.૩૩॥

હે પરંતપ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે તથા હે પાર્થ! સઘળાં કર્મો અને પદાર્થો જ્ઞાનમાં (તત્ત્વમાં) સમાપ્ત (લીન) થઈ જાય છે.

 શ્રીભગવાન કહે છે હે પરંતપ અર્જુન! દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. સંપૂર્ણ કર્મ અને પદાર્થ જ્ઞાન એટલે તત્ત્વજ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. ધનની ચોરી થઈ જાય છે પરંતુ જ્ઞાનની ચોરી નથી થતી, જ્ઞાન ક્યારેય સમાપ્ત નથી થતું એટલે જ્ઞાન વહેંચવાથી વધતું જ જાય છે.

4.34

તદ્વિદ્ધિ પ્રણિપાતેન, પરિપ્રશ્નેન સેવયા।
ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનં(ઞ્), જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ॥૪.૩૪॥

એ જ્ઞાનને તું તત્ત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે; એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્ત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે.

શ્રીભગવાન કહે છે કે તે તત્ત્વજ્ઞાનને તત્વદર્શી જ્ઞાની મહાપુરુષોની પાસે જઈને સમજ, તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાથી, તેમની સેવા કરવાથી અને સરળતાપૂર્વક પ્રશ્ન કરવાથી તે તત્ત્વદર્શી જ્ઞાની મહાપુરુષ તને તે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. અહીં શ્રીભગવાને ખૂબ જ મોટી વાત કહી દીધી! આપણે ક્યાં ઉભા છીએ? આ જાણવા માટે એક દ્રષ્ટા હોવા જોઈએ તે ગુરુ છે. ગુરુને પાછળના જન્મ, તેમના પાછળના જન્મ, ત્યાંથી આવેલી બધી સમૃદ્ધિ, જ્ઞાનનો અનુભવ ખબર હોય છે, તે જુએ છે કે તમને કયા માર્ગેથી લઈ જવાના છે, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અહંકારની બહાર આવીને પોતાના ગુરૂજનોમાં પોતાની પૂરી શ્રદ્ધા રાખીને જ તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
વારકરી સંપ્રદાયમાં નાના બાળક વીણા વગાડતા હોય અને કોઈ વૃદ્ધ પણ ત્યાં આવી જાય અને વીણા ધારણ કરવા માંગે તો સૌથી પહેલા તે વીણા ધારી બાળકને પ્રણામ કરે છે અને કહે છે ‘રામ કૃષ્ણ હરિ’ પછી તે વીણા હાથમાં લે છે અહીં આયુનો કોઈ પ્રશ્ન જ નથી. વીણા ધારણ કરવી છે તો પ્રણામ કરવા પડશે.

4.35

યજ્જ્ઞાત્વા ન પુનર્મોહમ્, એવં(ય્ઁ) યાસ્યસિ પાણ્ડવ।
યેન ભૂતાન્યશેષેણ, દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયિ॥૪.૩૫॥

જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે, તેમજ હે પાંડુપુત્ર! જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિ:શેષભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જોઈશ.

શ્રીભગવાને કહ્યું કે આ તત્ત્વજ્ઞાનના અનુભવ કર્યા બાદ તું ફરી આ પ્રકારના મોહને પ્રાપ્ત નહીં થાય અને હે અર્જુન! આ તત્ત્વજ્ઞાનથી તું સંપૂર્ણ પ્રાણીઓને નિ:શેષભાવથી પહેલા પોતાનામાં અને ત્યારબાદ મને સચ્ચિદાનંદધન પરમાત્મામાં જોઈશ, માત્ર ભાવ બદલવાના છે.
तू ही है सर्वत्र व्याप्त हरि, तुझमें यह सारा संसार ।”
આ ભાવથી રહીશું તો મોહથી ગ્રસ્ત નહીં થઈએ.
પ્રહલાદ એ પણ એ જ જોયું હતું. દરેક સ્થાન પર શ્રીભગવાન જ તેમને દેખાતા હતા. હિરણ્યકશ્યપે પૂછ્યું કે શું આ થાંભલામાં તારા ભગવાન છે? તેણે કહ્યું, હા, દરેક સ્થાન પર છે. પિતાએ થાંભલા પર લાત મારી થાંભલાના બે ભાગ થઈ ગયા અને તેની વચમાંથી નૃસિંહરુપમાં શ્રીહરિ પ્રગટ થયા. આપણે તેમને કેવી રીતે જોઈએ છીએ તેના પર નિર્ભર કરે છે કે તે ક્યાં છે.
तुम छुपे यहीं यमुना तट पर, मोहन भरते मुरली का स्वर |
दो नवल रस्म जिसको जग से,
अणु अणु आलोकित हो क्षण क्षण
उतरो   उतरो   उतरो”

જ્યારે આપણે આ અહંકારથી નીચે ઉતરી જઈશું ત્યારે પરમાત્મા નીચે ઉતારવાનો આરંભ કરી લે છે.

4.36

અપિ ચેદસિ પાપેભ્યઃ(સ્), સર્વેભ્યઃ(ફ્) પાપકૃત્તમઃ।
સર્વં(ઞ્) જ્ઞાનપ્લવેનૈવ, વૃજિનં(મ્) સન્તરિષ્યસિ॥૪.૩૬॥

જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી નાવકા દ્વારા નિ:સંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ.

  શ્રીભગવાને કહ્યું કે જો તું બધા પાપીઓથી પણ અધિક પાપી હશે છતાં પણ તું જ્ઞાનરૂપી નૌકા દ્વારા નિ:સંદેહ સંપૂર્ણ પાપસમુદ્રને સારી રીતે તરી જઈશ. અંદર ઉતરતાં જ આપણને જ્ઞાત થઈ જાય છે કે આપણે ભયંકર પાપી છીએ, આ જાણી લેવું એ જ ભવસાગરથી મુક્તિનો સૌથી સુંદર માર્ગ છે, એટલે સ્વાધ્યાય યજ્ઞ એટલે સ્વયંમનું અધ્યયન કરી તે જ્ઞાનની પ્રાપ્તિ કરી લેવાનું છે.

4.37

યથૈધાંસિ સમિદ્ધોઽગ્નિઃ(ર્), ભસ્મસાત્કુરુતેઽર્જુન।
જ્ઞાનાગ્નિઃ(સ્) સર્વકર્માણિ, ભસ્મસાત્કુરુતે તથા॥૪.૩૭॥

કેમકે હે અર્જુન! જે રીતે ભડભડતો અગ્નિ ઘણાંબધાં ઇંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે.

શ્રીભગવાન કહે છે હે અર્જુન! જેમ પ્રજ્વલિત અગ્નિ ઇંધણને સર્વથા ભસ્મ કરી દે છે એવી જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સંપૂર્ણ કર્મોને સર્વથા ભસ્મ કરી દે છે. એકવાર જ્ઞાન થઈ ગયું કે મારી અંદરથી ઉદ્ભવેલી લહેરો કેવા પ્રકારની છે તો તે જ્ઞાન પશ્ચાત લહેરોનુ શમન થવા લાગે છે, તે ઊંચી ઉઠેલી લહેરો શાંત થવા લાગે છે.
આ જ્ઞાન ખૂબ મહત્વપૂર્ણ છે. સ્વાધ્યાયથી આ જ્ઞાન પ્રાપ્ત થશે. શ્રીભગવાન કહે છે તેનાથી મોટી કોઈ વસ્તુ નહીં હોય.

4.38

ન હિ જ્ઞાનેન સદૃશં(મ્), પવિત્રમિહ વિદ્યતે।
તત્સ્વયં(ય્ઁ) યોગસંસિદ્ધઃ(ખ્), કાલેનાત્મનિ વિન્દતિ॥૪.૩૮॥

માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમય સુધી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાન્તઃકરણ થયેલો મનુષ્ય આપમેળે જ આત્મામાં પામી લે છે.

શ્રીભગવાન કહે છે કે આ મનુષ્યલોકમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું કોઈ બીજું સાધન નથી, તેની અંદર પ્રવેશ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી લો, જ્ઞાનનો અર્થ નોલેજ નથી, પુસ્તકોને વાંચીને પ્રાપ્ત કરેલી કે પછી કોઈની પાસેથી સાંભળીને પ્રાપ્ત કરેલી તો માત્ર ઉપરછલ્લી જાણકારી જ હશે કે કોઈ સૂચના, જ્ઞાન માત્ર અનુભવથી પ્રાપ્ત થાય છે તેની અંદર પૂર્ણ રૂપથી ઉતરી જવાથી પ્રાપ્ત થાય છે, બહારથી જે પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ તે તો સૂચના છે, સંદેશ છે.
પરંતુ આપણી અંદરથી જે આપણને પ્રાપ્ત થાય છે તે જ્ઞાન છે, તેનું મૂળ અંતર આપણે સમજવું પડશે, એવી જ રીતે જ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે નીકળી જવું પડે છે તેના જેવું કોઈ સાધન નથી, તેના જેવું કોઈ પવિત્ર વસ્તુ નથી, જેમ અગ્નિ બધી અશુદ્ધતાઓને બાળી દે છે, તેવી જ રીતે જ્ઞાનની અગ્નિ મનના બધા પાપોને બાળી દે છે અને મનને પૂર્ણરૂપથી સ્વચ્છ કરી દે છે. જેનો યોગ સારી રીતે સિદ્ધ થયેલો છે એવા કર્મયોગી તે તત્ત્વજ્ઞાનને પોતાની જાતે પ્રાપ્ત કરી લે છે. અંગ્રેજીમાં જ્ઞાન માટે કોઈ ઉપયુક્ત શબ્દ શોધવો ખૂબ જ મુશ્કેલ છે, આ સત્યને સમજવાનો પ્રયત્ન કરો. આ ધારણા પાશ્ચાત્ય દેશોમાં છે જ નહીં. આ પૂર્ણરૂપથી પૂર્વની ધારણા છે કે સ્વયંને પોતાની અંદર જોવાનો છે.
જ્ઞાનની લહેરો ક્યારે ઊઠે છે? આ શ્રદ્ધા વિના ઉઠી શકતી નથી.

4.39

શ્રદ્ધાવાઁલ્લભતે જ્ઞાનં(ન્), તત્પરઃ(સ્) સંયતેન્દ્રિયઃ।
જ્ઞાનં(લ્ઁ) લબ્ધ્વા પરાં(મ્) શાન્તિમ્, અચિરેણાધિગચ્છતિ॥૪.૩૯॥

જિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે.

શ્રીભગવાન કહે છે જે જીતેન્દ્રિય સાધનપારાયણ છે, એવા શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત કરે છે, જ્ઞાનને પ્રાપ્ત થયા બાદ તત્કાળ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે, આ પૂર્ણ રીતે સત્ય છે પરંતુ શ્રીભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. સમજવાની વાત છે કે આપણે કોઈ નૌકામાં બેસીએ છીએ તો નાવિક પર શ્રદ્ધા ભાવ રાખીને બેસીએ છીએ, આપણે ક્યારે તેને તેની નૌકા ચલાવવાનું જ્ઞાન કે પ્રમાણપત્ર પૂછતા નથી કે કોઈ પ્રશ્ન કરતા નથી પરંતુ આપણે તેના પર વિશ્વાસ કરીએ છીએ. આવો વિશ્વાસ શ્રીભગવાન પર કરવો પડશે, પૂર્ણ શ્રદ્ધાથી અને એવી શ્રદ્ધા જે મનમાં જાગૃત થાય છે, ત્યારે આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરીએ છીએ. જો મનમાં અંદેશો લઈને ચાલીશું તેનાથી જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, જે પૂર્ણરૂપથી વિશ્વાસ સાથે ચાલશે, પૂર્ણ શ્રદ્ધાથી ચાલશે તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એવી જ રીતે આપણી ઇન્દ્રિયો સંયમિત થતી જશે, શ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ થશે અને જ્ઞાનથી ઇન્દ્રિયો સંયમિત થતી જશે. જ્ઞાનથી પરમ શાંતિની પ્રાપ્તિ પણ થશે, આ પરમ શાંતિ આપણને અનંત શાંતિની તરફ લઈ જશે જે જ્ઞાની છે તેનું શું થશે? સમજીએ આગળના શ્લોકમાં.

4.40

અજ્ઞશ્ચાશ્રદ્દધાનશ્ચ, સંશયાત્મા વિનશ્યતિ।
નાયં(લ્ઁ) લોકોઽસ્તિ ન પરો, ન સુખં(મ્) સંશયાત્મનઃ॥૪.૪૦॥

પણ વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક (હિતકારક) છે ન તો પરલોક (હિતકારક) છે અને ન તો સુખ પણ છે.

શ્રીભગવાન આગળ કહે છે કે જેણે માત્ર સંદેહ જ કર્યો છે એવા વિવેકહીન અને શ્રદ્ધા રહિત મનુષ્યનું પતન થઈ જાય છે. એવા સમસ્યાત્મક મનુષ્ય માટે ન તો આ લોક છે કે ન તો પરલોક હિતકારક કે સુખકારક છે.

4.41

યોગસન્ન્યસ્તકર્માણં(ઞ્), જ્ઞાનસઞ્છિન્નસંશયમ્।
આત્મવન્તં(ન્) ન કર્માણિ, નિબધ્નન્તિ ધનઞ્જય॥૪.૪૧॥

હે ધનંજય! જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્મામાં અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે એવા વશ કરેલ અન્તઃકરણના પુરુષને કર્મો નથી બાંધતાં.

શ્રીભગવાન ફરીથી કહે છે હે અર્જુન ધન પર તો તે વિજય પ્રાપ્ત કરી લીધો પરંતુ વાસ્તવમાં ધન શું છે? આ જ્ઞાન વાસ્તવમાં ધન છે એટલે હે ધનંજય! હે અર્જુન! યોગ સમતા દ્વારા જેનો સંપૂર્ણ કર્મોથી સંબંધ વિચ્છેદ થઈ ગયો છે, જ્ઞાન દ્વારા જેના સંપૂર્ણ સંદેહોનો વિનાશ થઈ ગયો છે, એવા સ્વરૂપ પરાયણ મનુષ્યને કર્મ બાંધી શકતા નથી.

4.42

તસ્માદજ્ઞાનસમ્ભૂતં(મ્), હૃત્સ્થં(ઞ્) જ્ઞાનાસિનાત્મનઃ।
છિત્ત્વૈનં(મ્) સંશયં(ય્ઁ) યોગમ્, આતિષ્ઠોત્તિષ્ઠ ભારત॥૪.૪૨॥

માટે હે ભરતવંશી! તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મયોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા.

 શ્રીભગવાન કહે છે, અર્જુન! હું તને કહી દઉં છું કે બસ ઊભો થઈ જા, યુદ્ધ માટે ઉભો થઈ જા. હે ભરતવંશી અર્જુન! હૃદયમાં સ્થિત આ અજ્ઞાનથી ઉત્પન્ન પોતાના સંદેહનો જ્ઞાનરૂપી તલવારથી છેદ કરીને યોગમાં એટલે સમતામાં સ્થિત થઈ જા અને યુદ્ધ કરવા માટે ઊભો થઈ જા. 
આવો, આપણે પણ શ્રીભગવાને બતાવેલા આ માર્ગ પર ઊભા થઈ જઈએ આપણી અંદર છુપાયેલી જ્ઞાનની જ્યોતિને પ્રગટાવીએ અને દ્વંદ્વોથી દૂર થઈને અંદર ઉતરવા માટે પ્રતીક્ષા કરીએ, સાધના કરીએ, ધારણા કરીએ. અંદરથી જેમ-જેમ તે જ્ઞાનની ઉત્પત્તિ થવા લાગશે તેમ-તેમ આપણી ઇન્દ્રિયો સંયમિત થવા લાગશે. આપણી અંદર ઉત્પન્ન થનારા તરંગોથી સંયમ પ્રાપ્ત કરી લઈશું, ક્રોધની લહેરો, ધૃણાની હોય કે પછી મત્સર ભાવની લહેર હોય આ બધી લહેરો શાંત થતી જશે, આવી રીતે મોક્ષ માર્ગ પર આપણે આપણી યાત્રા યોગના માર્ગથી આરંભ કરીશું, નિરંતર આ માર્ગ પર ચાલવાનો નિશ્ચય કરીશું. એવા જ દ્રઢ નિશ્ચયી શ્રીભગવાનને પ્રિય છે.
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्।।

આ સાથે ચતુર્થ અધ્યાયનું સમાપન થયું અને પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું
      
                      પ્રશ્નોત્તરી
પ્રશ્ન : ૧ ઉપેન્દ્ર ભૈયા
શરુઆતમાં મેં વિનોબાજીનું પુસ્તક "ગીતા પ્રવચન" વાંચ્યું હતું. એમના પ્રમાણે જો આપણે જીવનું નિર્માણ નથી કરી શકતા તો એને નષ્ટ કરવાનો આપણને અધિકાર નથી. જ્યારે આપણે મચ્છર, ઉધઈને મારીએ છીએ ત્યારે બહુ દુ:ખ થાય છે. તો શું કરવું?
જવાબ :
હંમેશા મચ્છર, માખી, ઢેઢ ગરોળી વગેરેને મારતાં પહેલાં મનમાં આવા પ્રશ્નો આવે છે. આ પ્રશ્ન અર્જુનના મનમાં પણ આવ્યો હતો કે દુર્યોધન, દુ:શાસનને મારવાથી મને પાપ લાગશે અને એટલે જ એણે ગાંડીવ છોડી દીધું હતું. એ સમજાવવા માટે જ ભગવાને સમરાંગણમાં અર્જુનને ભગવદ્ગીતા સંભળાવવી પડી હતી. જે જીવજંતુઓ આપણને હેરાન નથી કરતાં તેમને મારવા ન જોઈએ. પરંતુ જે આપણાં રોજબરોજનાં કાર્યોમાં વચ્ચે આવે છે એમને મારવા એ પાપ નથી. આપણાથી અજાણતામાં આવા કામ થઈ જાય છે એમાં કોઈ દોષ નથી લાગતો.  ભગવદ્ગીતાની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના વિવેક અને સ્વધર્મ અનુસાર વ્યાખ્યા કરે છે. મારા અનુસાર ભગવાને પરાક્રમ કરાવવા માટે, અર્જુનને ગાંડીવ ફરીથી ઉંચકાવવા માટે ભગવદ્ગીતા સંભળાવી. ભગવદ્ગીતા પરાક્રમની ઉદ્ઘોષક છે. જો આપણે કર્તવ્ય ભાવથી આપણા ઘરમાં, મંદિરમાં રહેનારાઓની સુરક્ષા માટે આપણે મચ્છર કે બીજા જંતુને મારીએ તેમાં કોઈ દોષ નથી.
પ્રશ્ન : ૨  તનુશ્રીદીદી
ત્રીજા અધ્યાયના 39 મા શ્લોકનો અર્થ શું છે?
           आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा।
           कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च।।
જવાબ;
ભગવાન કહે છે, અર્જુન! આ અગ્નિની જેમ કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે.
જેવી રીતે અરીસા ઉપર ધૂળ જામી જાય એને લીધે ચહેરો સ્પષ્ટ નથી દેખાતો એ જ રીતે કામના આપણા જ્ઞાન ઉપર છવાઈ જાય છે. જેવી આપણે ઈચ્છારૂપી ધૂળને સાફ કરવામાં સક્ષમ થઈ જઈએ છીએ કે તરત જ જ્ઞાનરૂપી સ્વરૂપ સ્પષ્ટ દેખાવા માંડે છે. 
પ્રશ્ન : ૩ નીતાદીદી
કોઈ કોઈ વાર વિવેચન સાંભળતી વખતે મને ઊંઘ આવી જાય છે તો એ કેવી રીતે દૂર કરી શકાય?
જવાબ :
ઊંઘ આવવાના ઘણા કારણો છે. જો રાત્રે ઊંઘ પૂરી ન થઈ હોય તો દિવસના ભાગમાં ઘણા કાર્યો કરતી વખતે ઊંઘ આવી જાય છે. જે લોકોને કામને સમયે વધારવો છે એમણે પ્રાણાયામ કરવું બહુ આવશ્યક છે. પ્રાણાયામ કરવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને ઊંઘની સમસ્યા ઘટવા માંડે છે. પરંતુ છતાં પણ કોઈ વાર ઊંઘની સમસ્યા ચાલુ રહે તો ખાનપાનમાં કંઈ ગરબડ હોઈ શકે છે. આપણે જે પ્રકારનો આહાર લઈએ છે એ રાજસી અથવા તો તામસી વૃત્તિ વધારનાર હોઈ શકે એટલે આહાર પર પણ સંયમ રાખવો જરૂરી છે. 
                युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु।

युक्तस्वप्नावबोधस्य योगी भवति दु:खहा।।

 પ્રમાણસર આહારવિહારથી પોતાની મેળે જ સુવાનું અને જાગવાનું નિયમિત થઈ જાય છે. અને બીજું કારણ પણ છે, જ્યારે આપણી રુચી કોઈ કાર્યમાં નથી હોતી તો આપણને એ કાર્ય કરતી વખતે ઊંઘ આવી જાય છે. એ વખતે પોતાની રુચિનું કાર્ય શોધીને કરવું જોઈએ, તેનાથી ઊંઘ ઊડી જાય છે.
પ્રશ્ન :
શું ગીતા પણ આપણે ઈશ્વરને સમર્પિત કરીને વાંચવી જોઈએ?
જવાબ :
હા, આ બહુ જરૂરી છે. શ્રીભગવાને સ્વયંમ કહેલી ગીતા જ્યારે આપણે એમને જ સમર્પિત કરીને વાંચીએ છીએ ત્યારે એ બહુ પ્રસન્ન થાય છે અને આપણને પણ આનો વધુ લાભ મળે છે.
પ્રશ્ન :
ઓમનવમા અધ્યાયમાં ભગવાન કહે છે કે પિતૃઓની અને દેવતાઓની જે પૂજા કરે છે એ લોકો પણ મને જ પ્રાપ્ત કરે છે તો પછી પિતૃઓની પૂજા કેમ કરીએ છીએ?
જવાબ :
આપણે જો હંમેશા ભગવાનની પૂજા કરતા હોઈએ તો બે દિવસ પિતૃઓની પૂજા કરવામાં કોઈ વાંધો નથી. આપણે પ્રકૃતિથી આવ્યા છીએ. પ્રકૃતિ આપણી મા છે. એનાથી જ આપણને ત્રણ પ્રકારની ઋતુઓ મળે છે. દરેક ઋતુ અનુસાર ઋતુચર્યા કરવી પડે છે. બીજાં દેવી-દેવતાઓ, પિતૃઓની પૂજા કોઈ ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે કરવી પડે છે પરંતુ આપણું અંતિમ લક્ષ્ય તો ઈશ્વરની પ્રાપ્તિ જ હોવું જોઈએ. જે ભૂત પ્રેતની પૂજામાં જ લાગેલા રહે છે એ એમના જેવા જ બની જાય છે. ભગવદ્ગીતા બધી વૈજ્ઞાનિક વાતો જ કરે છે. પ્રારબ્ધને કારણે કોઈ સમયે બીજાનું પૂજન કરનારાને ધન અને વૈભવ વધારે મળી જાય પરંતુ તેમનું મન શાંત નથી હોતું. જીવન ફક્ત વૃદ્ધિથી નહીં સમૃદ્ધિથી ચાલે છે. વૃદ્ધિ સાથે જો ભગવાન ચરણોની સેવા ન લઈએ તો સમૃદ્ધિ ક્યારેય નથી આવતી એ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. 
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. પછી અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
                     ॥  ૐ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ  ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનકર્મસન્ન્યાસયોગો નામ ચતુર્થોઽધ્યાયઃ ॥૪॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “જ્ઞાનકર્મસંન્યાસયોગ" નામનો ચોથો અધ્યાય પૂરો થયો. ॥૪॥