विवेचन सारांश
જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ
ભગવાનની અત્યંત મંગલમય કૃપાથી આપણા સૌનું એવું સદ્ભાગ્ય જાગૃત થયું કે આપણે સૌ આ મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે, આ માનવ જીવનને એના પરમોચ્ચ સ્થાને પહોંચાડવા માટે આ લોકમાં તથા પરલોકમાં વિજય પ્રાપ્ત કરવા માટે અને આ માનવ જીવનનું પરમ લક્ષ્ય આપણા ધ્યાનમાં આવી શકે એ હેતુથી ભગવદ્ગીતાના ક્લાસમાં એના ઉચ્ચારણને શીખવા માટે, એનો અર્થ જાણવા માટે, એના સૂત્રો સમજવા માટે તથા હવે તો એના સૂત્રોને જીવનમાં ઉતારવામાં પણ લાગી ગયા છીએ. ખબર નથી કે અમારી આ પ્રવૃત્તિ આપણા કોઈ આ જીવનના સત્કાર્યને કારણે હશે કે કોઈ પૂર્વજનમાં સત્કાર્યને કારણે થઈ શકી હોય કે કોઈ સંત પુરુષ કે મહાપુરુષના સત્કાર્યોને કારણે થઈ હોય પણ ભગવાને આપણને ભગવદ્ગીતાના અભ્યાસ કરવા માટે આપણું ચયન કર્યું છે.
અત્યારે નવરાત્રીનો સમય છે આજે કુષ્માંડાદેવીનો ચોથો દિવસ છે. આ નવ દિવસની સાધના ઘણી મહત્વપૂર્ણ છે. વર્ષમાં બે વખત નવરાત્રી આવે છે, બે વખત ગુપ્ત નવરાત્રી આવે છે. પરંતુ મુખ્ય રૂપે ચૈત્ર નવરાત્રી અને આ શારદીય નવરાત્રીનું ઘણું મહત્વ છે. આ નવ દિવસોમાં જે નિયમ પૂર્વક સકામ ભક્તિની સાધના કરે છે, એ સાધના હજાર ગણી તીવ્રતાથી ફલિત થઈ જાય છે. આ કારણે સામાન્ય લોકો તો દેવીજીની પ્રાર્થના વગેરે કરે જ છે, પણ આ દિવસોમાં મોટા-મોટા સંતો મહાત્માઓ પણ નવરાત્રી દરમિયાન વિશેષ અનુષ્ઠાન પણ કરે છે કે જેમને સંસાર પાસેથી કશી જ અપેક્ષા નથી. આ શક્તિની પૂજા કરવાથી આપણી ભક્તિની પણ તીવ્રતા વધી જાય છે.
આજે હું બેઠો હતો, ચર્ચા ચાલતી હતી, ત્યારે આદિ શંકરાચાર્ય ભગવાનની બાબતમાં એક કથાનક આવે છે. એમણે ”ભગવતી અષ્ટકમ્" સ્તોત્ર લખ્યું. એમનાથી કોઈ સ્થાન પર શક્તિનું ખંડન થઈ ગયું. અચાનક એવું થાય છે કે એ એટલા સખત બીમાર પડી ગયા કે ઊઠીને કંઈ કરી શકે એટલી પણ શક્તિ ન રહી. અચાનક ભગવાન શંકરાચાર્યને એક નાની કન્યા ત્યાંથી પસાર થતી દેખાઈ. એમને ખૂબ જ તરસ લાગી હતી. ભગવાન શંકરાચાર્યે એ કન્યાને વિનંતી કરી કે અરે દેવી! મને થોડું પાણી પીવડાવી શકો? કન્યાએ કહ્યું હું શા માટે પીવડાવું? સ્વયં ઉઠીને પી લો. શંકરાચાર્યે કહ્યું કે મારામાં શક્તિ જ નથી રહી કે હું જાતે ઊઠીને પી શકું. એ નાનકડી કન્યાએ હસીને કહ્યું કે આજ સુધી તો આપ શક્તિનું ખંડન કરતા હતા, જ્યારે આજે શક્તિ નથી રહી એનો શોક મનાવો છો? શંકરાચાર્ય ભગવાનને પોતાની ભૂલ સમજાઈ અને એમણે “શ્રીદેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર“ની રચના કરી. તે પછી “ભવાની અષ્ટકમ“ સ્તોત્રની પણ રચના કરી. શક્તિની આવશ્યકતા સાધનામાં કોઈપણ સ્તરે પહોંચ્યા પછી પણ રહે છે. આ જોકે મહાપુરુષો માટે બને છે આપણા જેવા સામાન્ય માણસો માટે નથી હોતી. આપણા જેવા સામાન્ય માણસો માટે દેવી શિક્ષા આપતા નથી. પણ મહાપુરુષના જીવનમાં કોઈ ભૂલ ન રહી જાય એની ચિંતા ભગવાન કરે છે. આજે એ આપણે જોવાના છીએ. ભગવાન જવાબદારી લે છે. દેવીજીએ કૃપાપૂર્વક શંકરાચાર્યની ચિંતા કરી. શંકરાચાર્ય દેવીજીને અત્યંત પ્રિય છે. આ નવરાત્રીમાં ચોક્કસ નિયમ લેવા જોઈએ. આ દિવસોમાં થોડા વધારે જાપ કરવા જોઈએ, થોડા વધુ સ્તોત્ર પાઠ કરવા જોઈએ, થોડાક ગીતાના શ્લોકોના પાઠ કરવા જોઈએ, મૌન રાખવું, ઉપવાસ કરવા. આજુબાજુનાં રજોગુણથી બચવું જોઈએ. આ નવ દિવસોમાં જેટલું સત્ત્વગુણ હું વધારી શકું એનું ઘણું મોટું પરિણામ મારી સાધના વૃત્તિ પર પડી જાય છે. હવે આપણામાંથી કેટલાકને લાગશે કે જો આશુભાઈએ આ વાત આપણને જલ્દી કરી હોત તો અમે શરૂઆતથી જ કરત. ચાર દિવસ તો વીતી પણ ગયા. કંઈ વાંધો નહીં! પતી ગયા તો એની ચિંતા ન કરતા, અત્યારથી જ આરંભ કરી દેવો. દેવી દયાળુ છે તે આપણી પાંચ છ દિવસની પૂજા પણ નવ દિવસમાં સ્વીકારી લેશે અને આવતી નવરાત્રીમાં પૂરી કરી લેજો . પણ કેટલીક નવી આરાધનાઓ નવા સંકલ્પ નવરાત્રીમાં સાધક દ્રષ્ટિથી કરવા જ જોઈએ એ ઘણી મહત્વપૂર્ણ અને આવશ્યક બાબત છે.
અઢારમાં અધ્યાયનું ચિંતન તેનું પણ એક સમાપન સત્ર થયું. કેટલાક સાધકોની તો બેચ પણ પૂરી થશે. ગીતાના વિવેચનનુ આજે અંતિમ સત્ર હશે. તે પછી તેમને ન્યાસનું પણ એક વિવેચન મળશે. કેટલાય લોકો માટે ભાવુક ક્ષણો પણ રહેશે. આજે મારો પણ 18મો અધ્યાય પૂરો થશે પણ મારા માટે આજે ભાવુક કરતાં ચિંતાજનક ક્ષણો વધારે છે. કારણ કે અધ્યાય તો પૂરો કરવાનો છે પણ મારા મનમાં એ પણ ગડમથલ ચાલે છે કે હું આ વાત કરું, તે પણ વાત પણ કરું અને મને કવિતા દીદી એ સંદેશો મોકલ્યો છે કે આજે 8:30 વાગ્યા સુધી પતાવી દેજો. આજે “ આવો ગીતા સેવી બનો" એ સત્ર છે. આજે L4 ના સુંદર સાધકો છે, તે ગીતાસેવી સત્રમાં ન પહોંચે તો એ લોકો સેવામાં કઈ રીતે જોડાશે? હું અત્યારે ધર્મ સંકટમાં છું, કે હું શું કરું? આ કારણે હું બધી વાતો ભગવાન પર છોડું છું કે તેઓ જે રીતે સાચવી લેશે તેવું થશે.
18.51
બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો, ધૃત્યાત્માનં(ન્) નિયમ્ય ચ।
શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા, રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ॥૧૮.૫૧॥
વિવિક્તસેવી લઘ્વાશી, યતવાક્કાયમાનસઃ।
ધ્યાનયોગપરો નિત્યં(વ્ઁ) વૈરાગ્યં(મ્) સમુપાશ્રિતઃ॥૧૮.૫૨॥
અહઙ્કારં(મ્) બલં(ન્) દર્પં(ઙ્), કામં(ઙ્) ક્રોધં(મ્) પરિગ્રહમ્।
વિમુચ્ય નિર્મમઃ(શ્) શાંતો, બ્રહ્મભૂયાય કલ્પતે॥૧૮.૫૩॥
ભગવદ્પ્રાપ્તિ માટે પાત્રતા મેળવવાની વિધિ આ શ્લોકોમાં ભગવાને બતાવી છે. કોણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ ભગવદ્પ્રાપ્તિનો અધિકારી બને છે. એના લક્ષણો શું છે તે ભગવાન બતાવે છે.
આ ત્રણે ઘણા મહત્વપૂર્ણ શ્લોક છે. ભગવાન કહે છે કે વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત, હલકો અને સાત્ત્વિક ભોજન કરનારા, શબ્દ વગેરે વિષયોનો ત્યાગ કરીને એકાંત સેવન કરનારા, સાત્ત્વિક ધારણા કરનારા, અંતઃકરણનું નિયમન કરનારા, મન, વાણી, શરીરને વશમાં લાવનારા, રાગ -દ્વેષને સર્વથા નષ્ટ કરનારા, વૈરાગ્યનો આશરો લેનારા અહંકાર, બળ, અભિમાન, કામ, ક્રોધ, પરિગ્રહનો ત્યાગ કરીને નિત્ય નિરંતર ધ્યાન યોગમાં પરાયણ રહેનારો મમતારહીત એવો પુરુષ ભગવત્પ્રાપ્તિનો અધિકારી બને છે, તે સચ્ચિદાનંદ પ્રાપ્તિનો અધિકારી બને છે.
આટલું સાંભળ્યા પછી તમને ઘણી ખબર પડવા માંડી હશે તો સારી વાત છે, પણ સાધારણ રૂપે માત્ર અર્થ જાણવાથી કંઈ વિશેષ ખબર પડતી નથી. સંતોની દ્રષ્ટિએ આનો વિચાર ન થાય ત્યાં સુધી આને સમજવું અઘરું છે. ભગવાને કહ્યું અર્જુન, જે વિશુદ્ધ બુદ્ધિવાળો વ્યક્તિ છે એના પાંચ લક્ષણો છે.
1. જે કાર્ય તે કરે છે, તે ધર્મયુક્ત છે કે નહીં, મારું કર્તવ્ય છે કે નહીં એ દૃષ્ટિએ તે કરે છે. મારું કર્તવ્ય નથી તો એ પ્રપંચોમાં પોતાની જાતને સમાવતો નથી.
જ્યાં પોતાનું કર્તવ્ય નથી ત્યાં આગળ એ ક્રિયાશીલ બનતો નથી.
2. ધર્મયુક્ત છે , પણ શાસ્ત્ર યુક્ત છે કે નહીં?
મારું કર્તવ્ય જે કરું છું તે શાસ્ત્રીય દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં તે જુએ છે.
3. ત્રીજી વાત જે હું કરી રહ્યો છું તે મારા માટે તથા બીજા માટે શ્રેયસ, કલ્યાણકારી છે કે નહીં?
જે પણ હું કરું છું તે મારા માટે તથા બીજા માટે ફાયદાકારક છે કે નહીં? મારું પણ એમાં કલ્યાણ થાઓ તથા બીજાનું પણ કલ્યાણ થાઓ.
4. ધર્મયુક્ત, શાસ્ત્રયુક્ત, શ્રેયસ પણ હોય પણ
આ સમયે તેને કરવું આવશ્યક છે કે નહીં એ પણ વિચારવું જોઈએ.
5. અને પાંચમો આ કરવાથી
હું જે મારા મૂળ લક્ષ પર ચાલુ છું એનાથી ભટકી તો નહીં જાઉંને?
આ પાંચ બાબતો વિશુદ્ધ બુદ્ધિના પ્રચારક છે અને આ પાંચ બાબતો માટે એને કલાકો સુધીને બેસીને વિચાર નથી કરવો પડતો. એક જ એ પ્રજ્ઞાવાન મહાત્મા આ પાંચે બાબતોનું ચિંતન કરીને પોતાના કર્તવ્યનું નિશ્ચય કરી લે છે આ યુક્ત છે કે નહીં, શાસ્ત્રયુક્ત છે કે નહીં, શ્રેયસ છે કે નહીં, આવશ્યક છે કે નહીં તથા આ મારા ધ્યેય તરફ લઈ જનારું છે કે નહીં? એક જ ક્ષણમાં પાંચે બાબતોનો નિર્ણય જે કરી શકે છે, તેવી બુદ્ધિ વિશુદ્ધ છે. કોઇપણ સ્થિતિમાં હોય ત્યારથી, તે પહેલું ઠીક છે, આ પણ અયોગ્ય છે કે યોગ્ય છે, સાચું છે કે ખોટું છે વગેરેને ભગવાન 15માં અધ્યાયમાં અપોહન કહ્યું.
બધી શંકાઓથી રહિત એવી અપોહન સ્થિતિ.
પછી ભગવાને કહ્યું લઘ્વાશી જેનો અર્થ થાય છે, ઓછું ખાનારો. પણ સંત લોકો કહે છે કે ભગવાન ફક્ત ઓછું ખાવાની વાત નથી કરતા, એ તો સંકેત છે, કારણ ભગવાન જ્યારે ખાવાની વાત કરે ત્યારે આપણા મોઢા વડે ગ્રહણ કરીએ છીએ એટલી જ વાત નથી કરતા, આપણી સમસ્ત ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવાની વાત કરે છે. સંત લોકોએ જ્યારે આનો વિસ્તાર કર્યો તો સંતોએ કહ્યું કે આપણા જીવનમાં આવનારી પ્રત્યેક વસ્તુની માત્રાને સૂક્ષ્મ કરો, ઓછી કરો. એ ફક્ત ખોરાકની બાબતમાં નથી. ખોરાકની માત્રાની બાબતમાં, ખોરાકના જથ્થાની બાબતમાં તથા જે પણ કંઈ આપણી પાસે છે તે બધામાં સૂક્ષ્મતા લાવો. પરમ શ્રદ્ધેય ગોયન્કાજી જીવનભર ભોજનમાં ફક્ત ત્રણ જ પદાર્થો લેતા હતા. ભાઈજીએ વધારીને ચાર પદાર્થો કર્યા હતા. સંપૂર્ણ જીવનભર ચાર પદાર્થોથી વધારે થાળીમાં લીધા નથી અને આપણા જેવા તે ચતુર પણ ન હતા કે ચાર પદાર્થો હમણાં આપો, પછી પાપડ વગેરે પછી ખાઈ લઈશ. ત્રણ જ વસ્તુ શેઠજી ખાતા હતા અને ત્રણ જ જોડી કપડાંથી ચલાવી લેતા હતા. જ્યારે આપણા લોકો પાસે કપડાં, બુટ- ચંપલોની વિવિધતા હોય, ઘડિયાળ, મોબાઇલ પણ ત્રણ ચાર હોય છે. જો સાધનાના માર્ગે આગળ વધવું હોય તો પોતાની આવશ્યકતાઓને ઘટાડી દો, લઘ્વાશી બની જાઓ. આવશ્યક વસ્તુઓથી વધારે આપણી પાસે કંઈ ન હોવું જોઈએ.
शब्दादीं विषयान् त्यक्त्वा એટલે- ભગવાન કહે છે કે તે બધા ભોગો લે છે પણ વિષયોનો ભોગ કરવા છતાં તે વિષયી નથી.
विविक्त़सेवी એટલે- એકાંતમાં રહેવું તેને સારું લાગે છે. આપણે તો એકાંતને ભૂલી ગયા છીએ. આપણે એકાંતનું બીજું નામ રાખેલું છે કંટાળો. જ્યારે કંઈ જ કરવાનું નથી, કોઈ સાથે વાત કરવાની ન હોય તો કહે છે કે કંટાળો આવી ગયો. લાઈટ ચાલુ નથી, ટીવી પણ નથી ચાલતું, ઇન્ટરનેટ પણ નથી ચાલતું તો ફોન, ફેસબુક વગેરે પણ બંધ છે. કોઈ નથી તો વાતો કોની સાથે કરવી? બોર થઈ જવાયું છે! આ કંટાળો અનુભવીએ તો કોઈ ગડબડ છે અને એકાંતનો આનંદ અનુભવી શકીએ તો સાધક દ્રષ્ટિ છે. બધા જ સાથે છે છતાં એ સમયે હું એકલો રહી શકું છું કે નહીં?
अंजुमन में खिलवट, खिलगटमें अंजुमन
धृत्या એટલે ધારણાશક્તિ , સાત્ત્વિકતા
સપ્ત ઋષિ પાર્વતીજીને સમજાવવા આવ્યા કે છોડો આ શિવજીને! હિમાલય પર રહેનારો, ન ઘરનું ઠેકાણું, ન રહેવાની ખબર, ન સુવાની ખબર કે ન પહેરવાની સુધબુધ, ન ખાવાની ખબર, વ્યાઘ્રાંબર પહેરી રાખ્યું છે, ગળામાં સર્પને વીંટાળી રાખ્યો છે, ભૂત, પ્રેત, પિશાચ વગેરેની સાથે ફરે છે. તમને એ શા માટે જોઈએ છે? જો પ્રાપ્ત કરવા હોય તો વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરો! ઓછામાં ઓછો એમના ઠાઠમાઠ તો છે ને? શિવજીને શું કરવા છે?
ધારણા શક્તિ કેવી છે? મારા ગુરુજીએ મને ઉપદેશ આપ્યો છે, નારદ મુનિએ મને કહ્યું છે કે તારો જન્મ શિવજીની પ્રાપ્તિ માટે થયો છે. તમે તો કહો છો કે એ તો તપસ્યામાં બેઠા છે, હજારો વર્ષોથી તપમાં બેઠા છે. તારી સામે તો જોશે પણ નહીં, તો પાર્વતીજી કહે કે ના જોય તો કંઈ નહીં. પાર્વતીજી કહે છે કે હજારો વર્ષો તો શું, એક કરોડ વર્ષ લાગી જાય તો પણ વિવાહ કરીશ તો શિવજીની સાથે જ! નહીં તો કુંવારી જ રહીશ.
આ છે ધારણા શક્તિ અને ગુરુ વચનો પર વિશ્વાસ.
जमीट लग, जमाट लग मगर बन्दा नहिट लग।
મેં જે નક્કી કરી લીધું છે એમાંથી હું મુકરર નથી થવાનો. મેં જો નક્કી કરી લીધું છે કે મારે આટલા પાઠ કરવા છે, તો હું તે નિશ્ચિત જ કરીશ! નવરાત્રીના ઉપવાસ કરવાનું નક્કી કર્યું, ત્રણ દિવસે લાગે છે કે હવે ખાધા વગર રહેવાતું નથી, જવા દો, ત્રણ દિવસનો ઉપવાસ કરી લઉં છું. ત્રીજા ભાગનું પુણ્ય તો લઈ લો. ધારણા શક્તિ મજબૂત હોવી જોઈએ એકવાર નક્કી કર્યા પછી તેમાં અટલ રહેવાનું છે. રોજ-રોજ પોતાને જ વાયદો કરે છે, અને રોજ રોજ તોડી દે છે. આવી વ્યક્તિ કોઈપણ રીતે પ્રગતિ નથી કરી શકતી. વાયદા થોડા કરવા, પણ એને માટે પ્રાણ જાય તો પણ ના તોડવા જોઈએ.
जमीट लग, जमाट लग, मगर बन्दा नहि टलता।
જમીન આકાશ આમતેમ થઈ જાય તો પણ તે બદલાતો નથી, એના ઈરાદા બદલાતા નથી.
आत्मानं नियम्य च એટલે- સ્વનિયંત્રણ- શું જોવું, શું ખાવું, ક્યાં બેસવું? કોની સાથે બેસવું? શું સાંભળવું ? કઈ વાતોમાં આપણો સમય વિતાવવો ? બધી બાબતોમાં મારો અંકુશ છે, કરતા પહેલા જ વિચારીને કરવું, પાછળથી લમણે હાથ દઈને ના વિચારવું કે આ મેં શા માટે કર્યું ?
यतवाक्कायमानसः એટલે મન, વાણી અને શરીર ત્રણે પર નિયંત્રણ કરવું. ખાલી કર્મની વાત નથી કરી, વાણી પર નિયંત્રણ કરો. સૌથી વધારે ગડબડ તો વાણીથી થાય છે વાણીને લીધે થાય છે. શા માટે બોલ્યો? ના બોલ્યો હોત તો સારું હતું .આ બોલવાની નોબત એટલે આવે છે કે બહુ વધારે અંદર વિચાર કરીએ, એટલે ક્યારેક મોમાથી નીકળી જાય, અને વારંવાર મોંમાંથી નીકળે તો હાથ પણ ઉપડે. આમ નકારાત્મકતા મનમાં લાવવા જ ન દઈએ, તો વાણીમાં પણ નહીં આવે, અને કર્મમાં પણ નહીં આવે. ઉલટા વિચારોને મનમાં પણ પ્રવેશવા જ ન દો. મન વાણી અને કર્મ એ ત્રણે પર નિયંત્રણ રાખો.
रागद्वेषौ व्युदस्य च એટલે- રાગદ્વેષ નષ્ટ કરીને વૈરાગ્યવાન બની જાઓ. રાગદ્વેષ નષ્ટ કરવા એ બહુ મુશ્કેલ કામ છે, મારી હામા હા ના મેળવે તો એને પ્રત્યે મારા મનમાં વિરોધ આવે છે. સામાન્ય રીતે તો કોઈ બીજાની પ્રગતિમાં પણ આપણે દ્વેષ કરવા લાગીએ છીએ, કોઈ બીજો વધારે સારો હોય, ક્યારેક તો ગીતાના ક્લાસમાં પણ કોઈ જલ્દી ગીતાપાઠ કરીને ગીતાની પરીક્ષા આપી દે, તો પણ બીજાને એની ઈર્ષ્યા થાય છે , આને કેમ જલ્દી યાદ રહી જાય છે? કોઈને સારા ગુણ મળે, અને મને ન મળે, તો પણ એનો દ્વેષ કરવા લાગીએ છીએ. એની ત્રુટીઓ બીજાને બતાવવા લાગીએ છીએ.
મહાવીર સ્વામી જંગલમાં ઉભા રહીને તપસ્યા કરતા હતા, સમાધિસ્થ હતા. અડધી આંખો ઉઘાડી, અને નાસિકા પર એકાગ્રતા. સમાધિની અવસ્થામાં એકદમ હલનચલન શૂન્ય થઈને તેઓ ઉભા હતા. એ ગોવાળ પોતાના કેટલાક ઢોરોને લઈને ત્યાંથી નીકળ્યો. કેટલાક ઢોરો ત્યાં ઉભા હતા તો એણે મહાવીર સ્વામીને બૂમ પાડીને કહ્યું કે સાંભળો, આ સામે મારા ઢોરો છે તો ધ્યાન આપજો. ત્યાં સુધી હું મારા બીજા ઢોરો લઈ આવું. મહાવીર સ્વામી તો સમાધિમાં હતા. એમને શું ખબર? પાછો આવ્યો, તો તેણે જોયું કે તેની ગાયો તો ત્યાં નથી. એણે આવીને મહાવીર સ્વામીને પૂછ્યું કે અરે! મેં તને કહ્યું હતું ને કે મારી ગાયોને જોજે, ગાયો ક્યાં ગઈ? મહાવીર સ્વામી તો સમાધિમાં હતા. એમને કંઈ જ ખબર ન હતી કે કોણ શું બોલે છે. ફરી ગોવાળે કહ્યું કે કહો તો ખરા કે મારી ગાયો ક્યાં ગઈ? ક્યારનો એક જ જવાબ આપો છો કે, નથી જોઈ. હવે મહાવીર સ્વામી તો સમાધિમાં, એટલે એમની કોઈ પ્રતિક્રિયા હતી નહીં કે કોણ આવ્યું અને કોણ ગયું. હવે ગોવાળિયો થોડો નિરાશ થયો, એક તો આ વ્યક્તિ કંઈ કહેતી નથી, મારી તો ગાય પણ ગઈ ઉપરથી આ વ્યક્તિ અધ ખુલેલી આંખોથી કોઈ જવાબ નથી આપતી! ગોવાળિયાને ખુબ ગુસ્સો આવ્યો. પાસે જ એક લાકડાની સળી પડી હતી, તેને મહાવીર સ્વામીના કાનમાં નાખી. તું બહેરો છે? તને કંઈ જ સાંભળતું નથી? સળી એટલી જોરથી નાખી કે કાનનો પડદો ફાટી ગયો અને લોહી નીકળવા માંડ્યું પણ મહાવીર સ્વામી એટલી ગાઢ સમાધિમાં હતા કે એમને ખબર જ ન પડી. એ તો નિશ્ચેષ્ટ ઊભા રહ્યા. ગોવાળિયાને લાગ્યું કે આ તો ઘણી મૂઢ વ્યક્તિ છે. આટલા જોરથી એના કાનમાં લાકડી નાખી તો પણ તે ખસતો નથી. એને તો મારી જ નાખું , એમ વિચારીને એક મોટો પથ્થર ઉપાડીને એના માથામાં મારવા ગયા, તો સાક્ષાત ઇન્દ્રદેવ પ્રગટ થયા અને ગોવાળિયાનો હાથ પકડ્યો. ગોવાળીયો ગભરાઈ ગયો, તે ધ્રુજવા લાગ્યો. ઇન્દ્રદેવે મહાવીર સ્વામીના કાનમાંથી લોહી નીકળતું જોયું. એમને પીડા થતી હશે એ વિચારે એમના કાનને સ્પર્શ કર્યો. કાનને સ્પર્શે કરવાથી તો તે કાન સારો થઈ ગયો! દેવસ્પર્શ હતો. અને બે વખત જ્યારે કાનને પંપાળ્યો અને બે વખત પર સ્પર્શ કરવાથી તે દેવતા હતા, તો મહાવીર સ્વામીની સમાધિ તૂટી ગઈ! મહાવીર સ્વામી સમાધિમાંથી બહાર આવ્યા. તેમને થયું કે કાનમાં કંઈક લાગ્યું લાગે છે. કાન તો મટી ગયો પણ કંઈક લાગ્યું હતું એવું લાગ્યું. સામે જોયું તો ઈન્દ્રદેવ ઉભા છે અને ગોવાળીયો પણ ઉભો છે . ઈન્દ્રદેવ એ ગોવાળિયા પર ક્રોધ કરી રહ્યા છે. તું ખરેખર મૂઢ છે! આટલા મોટા તપસ્વીને તે કષ્ટ પહોંચાડ્યું? તમે ખબર નથી કે આ તપસ્વીઓની રક્ષા અમે દેવતા કરીએ છીએ? તને એટલી ખબર ન પડી કે આ તારી વાત નથી સાંભળતો, સમાધિમાં છે? ગોવાળ તો બિચારો ધ્રુજવા લાગ્યો. તેને થયું કે મારું તો આવ્યું બન્યું. મહાવીર સ્વામીએ શાંતિથી આંખો ખોલીને તે ગોવાળને જોયો જે રડી રહ્યો હતો. ઈંદ્રે કહ્યું કે તારે દંડ તો ભોગવવો જ પડશે. મહાવીર સ્વામી તરફ જોઈને કહ્યું કે તમે જેવું કહેશો એવી શિક્ષા હું એને કરીશ. એના પ્રાણ લેવાના છે કે બીજી કોઈ શિક્ષા કરવી છે? મહાવીર સ્વામીએ શાંતિથી ગોવાળિયાની સામે જોયું અને કહ્યું કે તું અહીંથી જા, ગોવાળે હાથ છોડાવ્યા અને ભાગ્યો. ઇન્દ્રદેવને લાગ્યું કે ઠીક છે, સંતોનો આવો સ્વભાવ જ હોય છે. મહાવીર સ્વામી તરફ દ્રષ્ટિ કરીને કહ્યું કે હું આપના માટે હું કેટલાક દેવદૂત નિયુક્ત કરી દઉં છું જેથી તમને આ પ્રકારના કષ્ટનો સામનો ન કરવો પડે! મહાવીર સ્વામીએ ઇન્દ્રદેવને કોઈ જવાબ ના આપ્યો અને બીજી તરફ મોં કરીને ચાલવા માંડ્યા .ઇન્દ્રદેવને આશ્ચર્ય થયું કે હું સાક્ષાત દેવ ઉભો છું તો આ મહાવીર સ્વામી બે ચાર ડગલા ચાલીને ઇન્દ્રદેવને કહે છે કે તમે પણ જાઓ. જે ગોવાળિયાએ એમના કાનમાં સળી નાખી અને લોહી વહેવા લાગ્યું એને માટે મહાવીરના મનમાં કોઈ દ્વેષ નથી અને જે ઇન્દ્ર દેવ આવીને કૃપાપૂર્વક એમના પ્રાણ બચાવ્યા છે, એમને માટે દેવદૂત નિયુક્ત કરવા માંગે છે, એમના પ્રત્યે મહાવીરના મનમાં કોઈ અનુરાગ નથી. નથી હિત કરવાવાળા પ્રત્યે રાગ કે નથી અહિત કરવાવાળા પ્રત્યે દ્વેષ.આ પરમોચ્ચ સ્થિતિ કહેવાય.
સામાન્ય સ્થિતિમાં કોઈ પ્રત્યે અત્યંત રાગ હોય છે. આના વગર તો હું જીવી જ ન શકું, એને તાવ આવે તો મને પણ તાવ આવી જાય છે, એ સ્થિતિમાંથી બચવું જોઈએ. કોઈ પ્રત્યે એટલો રાગલોભ ન હોવો જોઈએ. પુત્રને તાવ આવે તો માતાને પણ તાવ આવી જાય, પત્ની કષ્ટમાં હોય તો પતિને એટલો પ્રેમ છે કે તે પણ દુઃખમાં આવી જાય. આટલો રાગ - લોભ કરવાની આવશ્યકતા નથી. કોઈએ મને કટુ વચન કહીને મારું અપમાન કરી દીધું, મને બીજી રીતે નુકસાન કર્યું .એના પ્રત્યે પણ મારા મનમાં જોઈ જ ભાવ નથી. આનો અભ્યાસ પ્રામાણિકપણે કરવો જોઈએ. સાધનાની દ્રષ્ટિએ એ ઘણો મહત્વપૂર્ણ વિષય છે. જ્યાં સુધી રાગ દ્વેષ પર નિયંત્રણ નથી રહેતું ત્યાં સુધી સાધનાની તીવ્રતા ઓછી રહે છે. રાગ -દ્વેષ એ સાધનાના માર્ગમાં બાધા રૂપ છે. ગીતામાં આપણે જોઈએ તો રાગ દ્વેષની ચર્ચા આરંભથી અંત સુધી લગભગ દસ-બાર વખત કરી છે.
૫૩મા શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન, જે પોતાના બળનો, અહંકારનો, અભિમાનનો, પોતાના કામ -ક્રોધ વગેરે વિકારોને ત્યાગ કરે છે તેના મનમાં આ વિકારો રહેતા નથી. પણ હે અર્જુન, આ બધાથી પણ મહત્વપૂર્ણ એક બાબત છે “નિત્યમ”. આપણે બધા અધ્યાત્મ માર્ગ પર થોડા જ જઈએ છીએ, બાકીની વાતો આપણે બધા ક્યારેક-ક્યારેક તો કરી લઈએ છીએ જેમકે ક્યારેક-ક્યારેક આપણે નારાજ થઈએ છીએ, તો ક્યારેક આપણું અપમાન કરવાવાળા પ્રત્યે પણ દ્વેષ નથી કરતા. ક્યારેક વિશુદ્ધ બુદ્ધિવાળા બની જઈએ, તો ક્યારેક લઘ્વાશી બની જઈએ છીએ તો ક્યારેક એકાંત પણ થોડું સારું લાગવા માંડે છે. આપણા બધામાં આ થોડા-થોડા પ્રમાણમાં પ્રગટ થઈ જાય છે
પણ ગડબડ ત્યાં થઈ જાય છે કે આ બધી વાતો આવે તો છે, પણ લાંબુ ટકતી નથી. રાગદ્વેષવાળી સ્થિતિ પણ નિત્ય નથી રહેતી. ક્યારેક-ક્યારેક આપણે ક્ષમા કરીએ છીએ, જ્યારે ક્યારેક-ક્યારેક નથી કરી શકતાં! જ્યારે યોગીની આ સ્થિતિ નિરંતર થઈ જાય છે. આપણે ક્યારેક સાત્ત્વિક, ક્યારેક રાજસી તથા ક્યારેક તામસી બની જઈએ છીએ પણ આપણે નિરંતર એક સ્થિતિમાં નથી રહેતા જેમ કે યોગીઓ રહે છે. ભગવાન કહે છે કે ध्यानयोगपरा नित्यं। હવે તેને નિત્ય ધ્યાન કરવું પડતું નથી. ઉત્તમ મહાત્માઓને સામાન્ય લોકો સાથે વ્યવહાર કરવા માટે પોતાની જાતને પ્રયાસ કરીને નીચે લાવવી પડે છે. બીજાના કલ્યાણ માટે તે પોતાની સ્થિતિને થોડા નીચે લાવીને પછી બીજાની સાથે વાત કરે છે.
નિર્મમ - બધી વાતોમાં મમત્વ રહિત. હવે મારું કંઈ પણ નથી મારી બુદ્ધિ પણ મારી નથી, મારું શરીર પણ મારું નથી, મારી યોગ્યતા પણ મારી નથી, મારી ધારણા પણ મારી નથી, મારું કશું જ નથી. બધી બાબતોમાં મારાપણું જતું રહે છે. આ બને છે ત્યારે એક જુદી જ સ્થિતિ બની જાય છે.
સ્વામીજી અયોધ્યાકાંડના મંગલાચરણમાં કહે છે,
प्रसन्नताम् या नगताभिषेकतस्तथा नमम्ले वनवासदुःखतः|
मुखाम्बुज श्रीरघुनन्दनस्य मेसदास्तुसा मञ्जुलमङ्गलप्रदा|
રામજીના ચહેરા પર જે પ્રસન્નતા છે તે નિત્ય છે. એમને રાજાભિષેકના સમાચાર આપ્યા તો એમનો ચહેરો ખીલી ગયો અને વનવાસના સમાચાર મળ્યા પછી એમનો ચહેરો મલિન થઈ ગયો, એવું કંઈ બન્યું નહીં. બંને વખતે તેઓની સ્થિતિ એક સમાન હતી! અશાંત વ્યક્તિ હંમેશા ફરિયાદ કરે છે કે મને આવી પત્ની કેમ મળી કે આવો પરિવાર ક્યાં મળ્યો? આવા પાડોશી કેમ મળ્યા? આટલી ગરીબી કેમ મળી? મારી સાથે આવું બધું કેમ બન્યું? અને સહયોગથી જ આવી વ્યક્તિ વિકસિત બનીને ઘર છોડીને જતા રહે છે. તેઓ જંગલમાં જઈને પણ તેવા જ અશાંત રહે છે કારણ કે આ આસાન થતા તેની પરિસ્થિતિમાં નથી તેને અંદર છે તેવી વ્યક્તિ જંગલમાં જઈને પણ અશાંત જ રહે છે આવા સાધુ વેશમાં રહેનારા તમને ફરિયાદ જ કરતા મળશે હવે સાધુ બનીને ફરિયાદ કરે છે તો સાધુ શા માટે બન્યા હતા? તેને એમ હતું કે બધું છોડીને હું જંગલમાં જઈને રહીશ તો મને શાંતિ મળશે પણ ખરેખર તો આ અશાંતિ તેના મનમાં જ હતી, જેની સાથે તે જંગલમાં ગયો હતો. તે ક્યાંય જશે તો આ અશાંતિ જ રહેશે. કાલ સુધીનો પરિવાર, બાળકો તેને ખરાબ લાગતા હતાં તો આજે મઠના લોકો તેને ખરાબ લાગવા માંડ્યા. શાંતાતા એ ઘણી આવશ્યક બાબત છે. હું જ્યાં જે પરિસ્થિતિમાં છું તે પરિસ્થિતિમાં હું શાંત રહું છું મને કોઈ ફરિયાદ નથી.
हमारे साथ श्री रघुनाथ, फिर किस बात की चिंता
चरण में रख दिया माथा, फिर किस बात की चिंता
किया करते हो तुम क्युं बिन बात की चिंता
तेरे स्वामी को रहती है, हर बात की चिंता ।
જેને વિશ્વાસ હોય છે કે તેની રામજી ચિંતા કરે છે તેને પોતાની કોઈ ચિંતા નથી રહેતી અને જે પોતાની ચિંતા કરે છે એની ચિંતા રામજી નથી કરતા.
ब्रह्मभूयाय कल्पते। વાસ્તવિકતામાં કોઈ બ્રહ્મને પ્રાપ્ત કરવાના નથી હોતા! ભગવદ્ પ્રાપ્તિ જે શબ્દ છે રામ સુખદેવ મહારાજ કહેતા હતા કે કયા ભગવાનને પ્રાપ્ત કરવા જાઓ છો? કોઈ બીજા છે શું?
एको ब्रह्म, द्वितीयः नास्ति એમ કહો છો તો તમે કોને પ્રાપ્ત કરી શકો છો? બીજું છે શું? તો ભગવદ્ પ્રાપ્તિનો અર્થ શું છે અથવા અહીં બ્રહ્મભૂયાય કલ્પતે કહેવાયું છે તેનો અર્થ શું છે ?
તમારી પાસે સોનાના દાગીના હોય છે, ક્યારેક તે જુના ફેશનના બને છે , તો ક્યારેક ધનની આવશ્યકતા પડે તો આપણે વેચવા માટે ફરી સોની પાસે જઈએ છીએ. સોની અંદાજે પહેલા એની કિંમત બતાવે છે. જો આપણે તનિષ્કમાં જઈએ તો કહે છે કે અમે આની કિંમત તમને બતાવશું જ નહીં, એ અમે તમને ગાળીને જ બતાવીશું. ગાળીને એની અશુદ્ધિ કાઢી નાખીશું અને પછી જે શુદ્ધ સોનું રહેશે તે કેટલા ગ્રામ છે એ ખબર પડ્યા પછી અમે બરાબર એટલા જ પૈસા આપીશું.
આવું શા માટે તે કરે છે? જ્યાં સુધી એમાં ભેળસેળ છે, અશુદ્ધિ છે, અન્ય ધાતુઓ છે ત્યાં સુધી એ સોનું બાકીના શુદ્ધ સોનામાં ભેળવી નથી શકાતું. બાકીના શુદ્ધ સોનામાં ભેળવવા માટે પહેલી આવશ્યકતા એ છે કે જે ઘરેણું પહેલાં આવ્યું છે તેની અશુદ્ધિ કાઢી નાખો. શુદ્ધ સોનું રહે તેને બાકીના સોનામાં ભેળવી દો.
ब्रह्मभूयाय कल्पते। તે બ્રહ્મ જ બની જાય છે તેને પ્રાપ્ત નથી કરવું પડતું.
जनत तुमही, तुमही होइ जानी ।
બ્રહ્મભૂતઃ(ફ્) પ્રસન્નાત્મા, ન શોચતિ ન કાઙ્ક્ષતિ।
સમઃ(સ્) સર્વેષુ ભૂતેષુ, મદ્ભક્તિં(લ્ઁ) લભતે પરામ્॥૧૮.૫૪॥
જ્યારે આ પાત્ર બ્રહ્મની નજીક પહોંચવા લાયક બની ગયું, તો તે વખતે એને કશું ન જોઈએ કે ન એને પ્રાપ્ત વસ્તુ સાચવવાની જરૂર લાગે. યોગ માટે આકાંક્ષા નહિ અને ક્ષેમ માટે શોક નહીં. આપણી પાસેથી કંઈ જતું રહે તો એને કોઈ શોખ નથી, ચિંતા નથી. જ્યાં અંધારું નથી ત્યાં પ્રકાશ એની મેળે જ હોય છે. આકાંક્ષા નથી, ત્યાં પ્રસન્નતા સ્વયં નિર્માણ થાય છે. આપણી નિરંતર ખુશીમાં બાધક છે આપણી આકાંક્ષા. જો અપેક્ષાઓ ન હોય તો આપણે નિત્ય આનંદથી જ રહેવાના. નિત્ય ખુશી માટે કશું જરૂરી નથી. આકાંક્ષાઓને કારણે આપણે અપ્રસન્ન રહીએ છીએ. એકવાર જીવનમાંથી આકાંક્ષાઓ દૂર થાય અને જીવનમાંથી ચિંતા પણ નીકળી જાય તો આપણે પ્રસન્ન જ રહેવાના છીએ. પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કોઈ આવશ્યકતા નથી.
નાનુ બાળક જ્યારે એનું પેટ ભરાયેલું હોય અને એની ઊંઘ પૂરી થઈ ગઈ હોય તો તે સ્વાભાવિક રીતે જ હસતું હોય છે, રમતું હોય છે, લાઇટ તરફ કે પંખાની તરફ જોઈને પણ સ્વાભાવિક રીતે તે હસતું હોય છે, આ સ્વાભાવિક છે આપને સૌ પણ અપેક્ષાઓ ન હોય તો સ્વાભાવિક જ પ્રસન્ન રહીએ છીએ પ્રસન્નતા કોઈ બાબત પર નિર્ભર હોય તો તે સ્વાભાવિક નથી પણ ગમે તે પરિસ્થિતિમાં પણ સુખી રહેવું જોઈએ આકાંક્ષા રહીત રહેવાથી પ્રસન્નતા સ્વયંભૂ બની રહે છે, સમતા યુક્ત બને છે. समत्वं योग उच्यते। એ ભગવાને પહેલાં પણ કહ્યું છે. હવે એના મનમાં કોઈને માટે પણ ભેદભાવ નથી. એ બંને સ્થિતિમાં રહેવાથી પરાભક્તિનો અનુભવ કરે છે. પરાભક્તિથી બ્રહ્મ પ્રાપ્તિ, પરા ભક્તિથી કર્તવ્યપ્રાપ્તિ થાય છે. ભક્તિમાર્ગવાળાને ભક્તિ મળે છે, જ્ઞાનમાર્ગ વાળાને જ્ઞાન મળે છે, સાંખ્યયોગમાં કર્મયોગ અને ભક્તિયોગ પ્રગટ થશે અને ભક્તિયોગમાં તત્વજ્ઞાન પ્રગટ થશે. જેમાં જેની કમી છે તે ભગવાન પૂરી કરશે. ભગવત્પ્રાપ્તિ થવી એ તો એક અંતિમ બાબત છે.
ચાર મિત્રો છે. ઘણા વર્ષ પહેલાં કોલેજમાં સાથે ભણતા હતા. ચારે જણાએ નિર્ણય કર્યો કે આપણે મળીશું .એક અમેરિકા રહેતો હતો , એક મુંબઈ રહેતો હતો, એક દિલ્હીમાં રહેતો હતો અને પૂનામાં રહેતો હતો. ચારે જણાએ નક્કી કર્યું કે આપણે સૌ મુંબઈમાં મળીશું કારણ કે મુંબઈમાં આવવું બધા માટે સરળ હતું. અમેરિકાવાળો વિમાન માર્ગે મુંબઈ આવ્યો. દિલ્હીવાળો રાજધાની એક્સપ્રેસમાં બેસીને મુંબઈ આવ્યો. પુનાવાળો પોતાના ગાડીથી મુંબઈ આવ્યો અને જે મુંબઈ રહેતો હતો તે એક ઓટો રીક્ષા પકડીને જ્યાં ભેગા થવાનું હતું ત્યાં આવ્યો. ચારે જણાએ જુહુચોપાટી પર મળવાનું નક્કી કર્યું. જે ફ્લાઈટમા તે આવ્યો હતો તેણે ફ્લાઇટ છોડીને ટેક્સી કરીને જુહુ ચોપાટી આવ્યો. રાજધાની ટ્રેનથી આવ્યો હતો તેણે ટ્રેન છોડીને સ્ટેશન પરથી ટેક્સી પકડી અને જુહુબીચ પાસે આવીને એણે પણ ટેક્સી છોડી. જે પુનાથી પોતાની ગાડીમાં આવ્યો હતો તેને જુહુબિચ પર પોતાની ગાડી પાર્ક કરી અને જે ઓટો રીક્ષાથી આવ્યો હતો મુંબઈવાળો દોસ્ત તેણે પણ ઓટો રીક્ષા છોડી દીધી. આમ જુહુબીચ પર ચારે જણા પહોંચ્યા. પણ જે સાધનોથી ચારે જણા આવ્યા હતા તે ચારે જણાએ છોડી દીધા અને હવે બીચના દરવાજો હતો જે મિટિંગનું સ્થાન -પોઇન્ટ હતું ત્યાંથી ચારેય જણ બીચ સુધી એક સાથે પહોંચ્યા. ચારેય જણાનું મૂળ સાધન અલગ-અલગ હતું પણ ચારે જણા તે છોડીને હવે પગે ચાલતાં-ચાલતાં આગળ વધ્યા. કોઈ ભક્તિમાર્ગ કરતો હોય, કોઈ જ્ઞાનમાર્ગી હોય, કોઈ કર્મયોગી હોય કે અનેક પ્રકારના હજારો માર્ગીઓ હોય ભગવાનની પ્રાપ્તિ માટે કોઈપણ માર્ગ પકડે પણ ભગવાન પ્રાપ્ત કરવાના થોડા પહેલાં ( પ્રાપ્તિ પછી નહીં પણ પ્રાપ્તિ પહેલા) બધા લોકો એક જ રસ્તા પર એક સાથે મળે છે અને તે પછી તેના જીવનમાં જે ઉણપ હોય તે ભગવાન પૂરી કરે છે.
અદ્વૈત વેદાંતનો પ્રચારક શંકર અચાનક ભક્તિયોગ તરફ વહે છે તો ભક્તિયોગમાં નિરંતર લીન જ્ઞાનેશ્વર જ્ઞાનયોગી બની જાય છે, કર્મયોગમાં ભક્તિયોગ સિદ્ધ થઈ જાય છે, ભક્તિયોગમાં જ્ઞાનયોગ સિદ્ધ થઈ જાય છે, સાંખ્યયોગમાં કર્મયોગ સિદ્ધ થાય છે. આ બધી બાબતો એની મેળે બને છે. સાધનાની અંતિમ અવસ્થામાં જેને જે અપ્રાપ્ય છે તે ભગવાનની કૃપાથી પ્રાપ્ત થઈ જાય છે આ ઘણી મહત્વપૂર્ણ બાબત છે.
ભક્ત્યા મામભિજાનાતિ, યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ।
તતો માં(ન્) તત્ત્વતો જ્ઞાત્વા, વિશતે તદનન્તરમ્॥૧૮.૫૫॥
ભગવાન કહે છે કે ભક્તિ યોગીને તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે .પરાભક્તિ દ્વારા મને - પરમાત્માને હું જે અને જેવો છું તે તત્વત: જાણવા લાગે છે. હવે તત્વથી જાણવું એ જ્ઞાની યોગીના લક્ષણ છે, ભક્તિનું લક્ષણ નથી પણ ભગવાન કહે છે કે ભક્તિની અંતિમ સ્થિતિ પર એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ કર્મયોગી, તે પછી પ્રવેશે છે.
સર્વકર્માણ્યપિ સદા, કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ।
મત્પ્રસાદાદવાપ્નોતિ, શાશ્વતં(મ્) પદમવ્યયમ્॥૧૮.૫૬॥
ભગવાન કહે છે કે કર્મયોગી સંસારમાં રહે છે. બધા કર્મો કરે છે પણ મારી કૃપાથી અવિનાશી પદ પ્રાપ્ત કરે છે. मत्प्रसादात् મહત્વપૂર્ણ શબ્દ છે. વાસ્તવિકતા એ છે કે પ્રસાદ એ શબ્દ પર એક પૂરું વિવેચન થઈ શકે એટલો એ મહત્વપૂર્ણ શબ્દ છે પણ હું અત્યારે ઘડિયાળ જોઉં છું. પ્રસાદ એ શબ્દ એટલો ગુણી છે, સંતોએ એની વ્યાખ્યા કરી છે. પ્રસાદનો સાધારણ અર્થ લોકો સમજે છે કે મંદિરમાં જઈએ ભગવાનના દર્શન કરીએ પંડિત જે એક પેંડો આપ્યો અને આપણે સમજીએ કે આપણને પ્રસાદ મળ્યો. આજનો પ્રસાદ ઘણો સ્વાદિષ્ટ છે. સાધનાથી પ્રસન્ન થઈને ભગવાન કૃપાપૂર્વક જેને જે જોઈએ તે મુક્તિ, ભક્તિ, વિલય, ધામ, નિર્માણ વગેરે આપી દે છે. એ આપણા કર્મોથી પ્રાપ્ત થતું નથી ભગવાન કહે છે કે એ મારી કૃપાથી પ્રાપ્ત થાય છે. હવે પેંડાને કેમ પ્રસાદ કહેવાય એ ક્યારેય વિચાર ન કર્યો! આજ સુધી તો આપણે એ વિચાર ન કર્યો કે પ્રસાદનો અર્થ કોઈ વસ્તુ છે! પંડિતજી લાડુ આપે, પેંડો આપે કે તુલસીનું પાન આપી દે, કંઈ ન હોય તો ફક્ત જવાબ આપી દે તો એને પણ આપણે પ્રસાદ માનીએ છીએ! આમ વસ્તુમાં જ આપણી પ્રસાદની ભાવના છે. કોઈ વ્યક્તિ મંદિરની બહાર સો રૂપિયાનો પ્રસાદ લે છે પણ ડબ્બો એનાથી ત્યાં જ ઢોળાઈ ગયો. હજી ભગવાનને ભોગ તો ધરાવો. બાકી છે તો એ પ્રસાદ, ભગવાન પાસે નહીં લઈ જાય કે ખાશે પણ નહીં, એ કોઈને ગરીબને કે ગાયને આપી દેશે. પણ એકવાર પંડિતજીના હાથમાં ડબ્બો પહોંચી ગયો, પંડિતજીએ ભગવાનની સામે ધરી દીધો અને પછી તમને ડબ્બો પાછો આપતી વખતે એ ડબ્બો એના હાથમાંથી પડી જાય તો હવે તમે શું કરશો? તો એ બધા પેંડા ફરી ડબ્બામાં નાખીને એને પ્રેમથી આરોગશો! પેંડો એ જ છે મંદિરની બહાર પહેલા પડી જાય તો તમે નહીં ખાઓ પણ એકવાર તે પંડિતજીના હાથમાં આવી જાય, ભગવાનને ધરાવ્યો પછી આપણને આપતી વખતે પડી જાય તો આપણે કહીએ છીએ કે આ પ્રસાદ છે એને માથે લગાવીને આપણે પછી ખાઈએ છીએ. આમ પેંડો તો એ જ છે, પદાર્થની દ્રષ્ટિએ તો તે પણ નથી બદલાયો પણ પહેલાં જેને પદાર્થ માનતા હતા તેને હવે પ્રસાદ માનીએ છીએ. પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા! પ્રસાદ એ કોઈ આશીર્વાદ નથી. આપણે મંદિરમાં જઈએ તો ભગવાનને પ્રસન્ન કરવા માટે જઈએ છીએ કે એક વાર ભગવાન પ્રસન્નતાપૂર્વક મારી તરફ જુએ. આપણે તો પ્રસન્નતાપૂર્વક ભગવાને જોઈએ જ છીએ પણ આપણાં દર્શન ભગવાનને આપીએ છીએ કે ભગવાનની દૃષ્ટિ આપણી ઉપર પડી જાય! આપણે જે પદાર્થ ભગવાનની સામે ધરીએ તો ભગવાનની દ્રષ્ટિએ એની પર પડી ગઈ અને ભગવાનની પ્રસન્નતા એમાં આવી ગઈ! આ કારણે અને એ પ્રસન્નતાની સાથે એ પદાર્થો આપણે ગ્રહણ કરીએ છીએ. પ્રસાદનો સીધો અર્થ પ્રસન્નતા, એનો બીજો કોઈ અર્થ નથી.
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
શીખી લીધું એટલે જ અર્જુન કહે છે,
नष्टो मोहः स्मृतिः लब्धा,
त्वत् प्रसादात् मया अच्युत
અને સંજય કહે છે કે
સંતને કોઈએ પૂછ્યું કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કયા સાધનો ઉપયોગ કરવો જોઈએ? સંતે જવાબ આપ્યો કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય તે સાધનનો ઉપયોગ કરવો જોઈએ.આરંભિક ભક્ત હોય છે તે પોતાની પ્રસન્નતા માટે સાધના કરે છે, મને ગીતાજીનું પઠન કરવું સારું લાગે છે, મને પૂજામાં બેસવું ગમે છે, મને ભગવાનની આરતી કરવી ગમે છે, મને જપ કરવા ગમે છે, મને સ્તોત્ર -સ્તુતિનું પઠન કરવું સારું લાગે છે. આ આરંભિક સાધના છે. જ્યારે આ સાધના પ્રૌઢ બને છે ત્યારે તે પોતાની પ્રસન્નતા માટે નથી કરતો, ભગવાનની પ્રસન્નતા માટે કરે છે.
સામાન્ય પ્રેમ હોય છે પ્રેમી -પ્રેમીકાનો તો શરૂઆતમાં તેઓ પોતાની પ્રસન્નતા માટે પ્રેમ કરે છે. મને બહુ સારું લાગે છે તેને મળવું, હું તેની સાથે વિવાહ કરીશ તો બહુ ખુશ રહીશ પણ જ્યારે તેનો પ્રેમ મેચ્યોર (પ્રૌઢ)થઈ જાય ત્યારે તે વિચારે છે કે મારે તેને પ્રસન્ન કરવો છે, મારે તેને ખુશ જોવો છે .અહીં મેળવવાનો ઉદ્દેશ નથી અહીં આપવાનો ઉદ્દેશ છે. જ્યારે ભક્તિ પ્રૌઢ બને છે ત્યારે ભગવાનની પ્રસન્નતા માટે આપણી ભક્તિ હોય છે. આરંભમાં તો આપણી પ્રસન્નતા માટે ભક્તિ હોય છે પણ પછી તેનું રૂપાંતર ભગવાનની પ્રસન્નતા માટે થાય છે.
કલકત્તાના એક શારદાબાઈના મેં દર્શન કર્યા હતાં. એમણે સ્વયંમ 800 પારાયણ ભાગવતના કર્યા હતા. નિત્ય સંપૂર્ણ ભગવતનું પારાયણ કરતા હતા. રાત્રે 03:00 વાગ્યાથી શરૂ કરીને લગભગ આઠ કલાકનો ભાગવત પારાયણ કરતા હતા અને ભગવાનની એમની ભક્તિ અદ્ભુત હતી. ઠાકોરજીની આવી સેવા કરતા હોય એવા મેં તો આજ સુધી કોઈ જોયા નથી! ભગવાન સાથે એમનો પ્રત્યક્ષ વાર્તાલાપ રહેતો હતો. પોતાના ઠાકોરજીનું મોઢું જોઈને ભગવાનનો મૂડ કેવો હશે એને ખબર પડી જતી હતી. ભગવાનને મેં વસ્ત્રો પહેરાવ્યા તે ભગવાનને ગમ્યા કે નહીં તેને તેમની ખબર પડી જતી હતી. એમને ખબર પડી જતી હતી કે મારી આજની ખીર ઠાકોરજીને નથી ભાવી કે આજે વધારે પસંદ પડી. અચાનક બેઠાં-બેઠાં ઊભા થઈ જતા હતા કે આજે ઠાકોરજીને પકોડી ખાવાની ઈચ્છા થઈ છે તો પકોડી બનાવી દેતા હતા. કોઈના મનમાં એવું લાગતું હશે કે એમના મનનો ભાવ હશે, પણ હું સાચું કહું છું કે અમે તેમના દર્શન કર્યા છે, એમની સાથે રહેનારાઓ ને એમની સાથે સંવાદ સાધતા જોયા છે. પોતાના જીવનના અંતિમ વર્ષોમાં તેમને, ભગવાનની પ્રસન્નતા માટે શું કરવું, શું ન કરવું એવું એમને કરતા જોયા. તપોનિષ્ઠ ગૃહસ્થ સ્ત્રી હોવા છતાં શ્રેષ્ઠ સાધ્વી તપસ્વીની હતા. સારા-સારા સંતો એમને પ્રણામ કરતા હતા.
ચેતસા સર્વકર્માણિ, મયિ સન્ન્યસ્ય મત્પરઃ।
બુદ્ધિયોગમુપાશ્રિત્ય, મચ્ચિત્તઃ(સ્) સતતં(મ્) ભવ॥૧૮.૫૭॥
ભગવાને અહીં ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ ત્રણેયનો વિલય કરી દીધો છે. ઘણી વિશિષ્ટ વાત છે! સામાન્ય દ્રષ્ટિએ વાંચીએ તો કંઈ ખબર નથી પડતી પણ સંતોની દ્રષ્ટિથી જોઈએ તો ઘણો આનંદ આવે છે. ભગવાને ત્રણ શબ્દો અહીં આપ્યા છે, संन्यस्य, उपाश्रित्य અને मतच्चितः । સંન્યસ્ય એ કર્મયોગની વાત છે. ઉપાશ્રિત્ય એ જ્ઞાનયોગની વાત છે, મત્ચિત્ત: એ ભક્તિયોગની વાત છે. સંન્યસ્ય અર્પણ કરીને કર્મયોગ બની ગયો. ઊપાશ્રિત્ય અવલંબન કરીને, ધારણા કરીને ધ્યાનયોગ બની ગયો. ત્રણેય યોગને ભગવાને એક જ સ્થાન પર મૂક્યા. ઘણી વિશિષ્ટ વાત છે ત્રણેયનો વિલય કરી દીધો. જે રીતે ચાર દોસ્ત આવ્યા, ચોપાટી પર એક સાથે એક માર્ગ પર આવ્યા , ભગવાને એ રીતે ભક્તિયોગ, કર્મયોગ અને જ્ઞાનયોગ ત્રણેયને એક જ સ્થાન પર લાવીને વિલય કરી દીધા.
મચ્ચિત્તઃ(સ્) સર્વદુર્ગાણિ, મત્પ્રસાદાત્તરિષ્યસિ।
અથ ચેત્ત્વમહઙ્કારાન્, ન શ્રોષ્યસિ વિનઙ્ક્ષ્યસિ॥૧૮.૫૮॥
ભગવાનને એવું લાગે છે કે આટલું બધું કહ્યું તો પણ અર્જુનની પ્રતિક્રિયા જે આવવી જોઈતી હતી તે ન આવી! વાસ્તવિકતામાં અર્જુનના મનની ભાવના યોગ્ય છે પણ અર્જુન થોડા હતપ્રભ બનીને ભગવાનને સાંભળે છે. ક્યારેક શું થાય છે કે આપણે કોઈને કોઈ વાત કરીએ છીએ અને તે કોઈ પ્રતિક્રિયા ન આપે! તેમ ભગવાનને લાગે છે કે અર્જુનને કંઈ ખબર પડી કે નહીં? અહીં ભગવાને અર્જુનને થોડીક ચેતવણી આપી, થોડુંક લડ્યા પણ ખરા. ભગવાને કહ્યું અર્જુન મારામાં ચિત્ત પરોવીને તું બધા સંકટો પાર કરી જઈશ, એ ઠીક છે પરંતુ અહંકારને કારણે મારા વચનો તું ધ્યાનથી ન સાંભળતો હોય તો તારો નાશ થશે, વિનાશ થશે.
યદહઙ્કારમાશ્રિત્ય, ન યોત્સ્ય ઇતિ મન્યસે।
મિથ્યૈષ વ્યવસાયસ્તે, પ્રકૃતિસ્ત્વાં(ન્) નિયોક્ષ્યતિ॥૧૮.૫૯॥
સ્વભાવજેન કૌન્તેય, નિબદ્ધઃ(સ્) સ્વેન કર્મણા।
કર્તું(ન્) નેચ્છસિ યન્મોહાત્, કરિષ્યસ્યવશોઽપિ તત્॥૧૮.૬૦॥
હે કુંતીપુત્ર, જે કર્મોને તું મોહને કારણે નથી કરવા માંગતો એને પોતાના પૂર્વકૃત સ્વાભાવી કર્મોથી બંધાઈને પરવશ બનીને કરશે. તું વિચારે છે કે તું છોડી દઈશ પણ તું નહીં છોડી શકે! મોહને કારણે નથી કરવા માંગતો પણ સ્વભાવને કારણે તું કરીશ જ.
ઈશ્વરઃ(સ્) સર્વભૂતાનાં(મ્), હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ।
ભ્રામયન્સર્વભૂતાનિ, યન્ત્રારૂઢાનિ માયયા॥૧૮.૬૧॥
અરે અર્જુન! તું ફક્ત શરીરરૂપ યંત્ર છે કે જેની સંચાલિકા માયા છે, અને તારું શરીર એની ગાડી છે. માયા શરીરને જેવી રીતે ચલાવે છે તેવી રીતે શરીર ચાલે છે.
રામચરિત માનસમાં ગોસ્વામીજીએ એક સુંદર ચોપાઈ લખી છે.
उमा दारु जोषित की नाईं सबहीं नचावत राम गोसाईं।
આ ચોપાઈનો અર્થ સુંદર છે. કઠપૂતળી જે હાલતી-ચાલતી દેખાય છે પણ તે ચાલતી નથી એને ચલાવનાર એની પાછળ એટલે કે પડદાની પાછળ બેઠો છે. એ જ રીતે આપણે બધા કામ કરતા દેખાઈએ છીએ, પણ પાછળથી આપણને કામ કરાવનાર જે માયા છે તેની આપણને ખબર નથી. ભગવાન કહે છે કે માયા કોઈની સાથે તક જોઈને કર્મ નથી કરાવતી, તે આપણને કર્માનુસાર આપણી પાસે કામ કરાવે છે. જે પૂર્વજન્મમાં આપણે કર્મ કર્યા છે, જે યોનિમાં આપણે જન્મ લીધો હતો, જે સ્થાન પર આપણે ગયા, જે માબાપને મળ્યા, જાતિ- ઉપજાતિ, ભાઈ, મિત્ર, પડોશી એ બધા કોણ મળશે, કઈ રીતે આપણને મળશે, એ માયા આપણા કર્માનુસાર જ નક્કી થાય છે અને જેવા મળ્યા એવો જ આપણે વર્તાવ કરીએ છીએ. સજ્જન માતા-પિતાના ઘરમાં જન્મ લઈએ તો એની મેળે જ સારી ભાષામાં બોલીએ છીએ અને કોઈ ચોર- ડાકુ જેવા કુટુંબમાં જન્મ લીધો હોય તો નાનપણથી જ ગાળો બોલવા લાગીએ છીએ. આવા પરિવારોમાં એને જન્મ પણ પોતાના પૂર્વ જન્મના કર્મો પ્રમાણે મળ્યો. પણ આવા પરિવારમાં જન્મ લેવાને કારણે કોઈની ભાષા ઘણી સુંદર બની ગઈ અને કોઈની દૂષિત બની ગઈ. અર્જુન, પૂર્વ જન્મના કર્મો અનુસાર તને ક્ષત્રિય જન્મ મળ્યો. ક્ષત્રિય કુળની અત્યંત શ્રેષ્ઠતા તેં પ્રાપ્ત કરી છે, દેવતાઓ પાસેથી દિવ્યાસ્ત્ર તેં પ્રાપ્ત કર્યા છે. હવે તું ઈચ્છે તો પણ આમાંથી તારો છુટકારો નથી!
તમેવ શરણં(ઙ્) ગચ્છ, સર્વભાવેન ભારત।
તત્પ્રસાદાત્પરાં(મ્) શાન્તિં(મ્), સ્થાનં(મ્) પ્રાપ્સ્યસિ શાશ્વતમ્॥૧૮.૬૨॥
ભગવાન કહે છે હે ભારત! બધા પ્રકારે એ પરમેશ્વરની પાસે તું જા. એ પરમેશ્વરની કૃપાથી તું પરમ શાંતિ અને પરમ સ્થાન પ્રાપ્ત કરીશ. અહીં બે વાતનો ખ્યાલ આવે છે કે ભગવાને અર્જુનને પોતાનાથી થોડોક અલગ કરી દીધો છે, આનાથી પહેલાં ભગવાન "મમ" એવું બોલતા હતા. પહેલીવાર ભગવાને "તત પ્રસાદાત્પરામ્ શાંતિ" એ પરમેશ્વરની કૃપાથી, મારી કૃપાથી નહીં કારણકે ભગવાનને એવું થાય છે કે મારી વાતનો ભરોસો તને નથી, મને તું ગણકારતો નથી, મને તું પરબ્રહ્મ નથી માનતો, તો તું જેને પરમાત્મા માને છે તે પરમેશ્વરની કૃપાથી તું એને શરણે જા. આમ અર્જુનને થોડો ધક્કો લગાવ્યો, નવી વાત કરી દીધી.
અર્જુન થોડો ગભરાઈ ગયો, અર્જુન ઘણો બુદ્ધિમાન છે. મમ અને તત્ નો અર્થ પણ અર્જુન સમજે છે. ભગવાન મારી ભૂલ થઈ ગઈ કે શું? આપ દયાળુ છો, રૂપાળો છો, દિન વત્સલ છો, અતિ ઉદાર છો, આપ તો ભક્તોના દોષોને મનમાં નથી લાવતા એવું મેં સાંભળ્યું છે. મારી પર કૃપા કરો, દયા કરો, તમે પણ મને છોડીને જશો તો હું ક્યાં જઈશ? ભગવાન આપ મને છોડશો નહીં, મારી નાંવ કોણ પાર કરાવશે?
आजा मेरी नैया में, ले जाऊॅंगा भव से पार,
इस नैया में जो चढ़ जाएँगे,
जनम-जनम के सभी पाप धुल जाएँगे,
कटे चौरासी बन्धन, पड़े न यम की मार,
आजा मेरी नैया में, ले जाऊॅंगा भव के पार |
ઇતિ તે જ્ઞાનમાખ્યાતં(ઙ્), ગુહ્યાદ્ગુહ્યતરં(મ્) મયા।
વિમૃશ્યૈતદશેષેણ, યથેચ્છસિ તથા કુરુ॥૧૮.૬૩॥
સર્વગુહ્યતમં(મ્) ભૂયઃ(શ્), શૃણુ મે પરમં(વ્ઁ) વચઃ।
ઇષ્ટોઽસિ મે દૃઢમિતિ, તતો વક્ષ્યામિ તે હિતમ્॥૧૮.૬૪॥
મન્મના ભવ મદ્ભક્તો, મદ્યાજી માં(ન્) નમસ્કુરુ।
મામેવૈષ્યસિ સત્યં(ન્) તે, પ્રતિજાને પ્રિયોઽસિ મે॥૧૮.૬૫॥
જો તમારો પ્રિય શિવજી છે તો તે શિવ ઉવાચ છે, જો તમારો પ્રિય રામજી છે તો તે રામોવાચ છે, જો તમારો પ્રિય દુર્ગાજી છે તો તે દુર્ગોવાચ છે, જો તમારો પ્રિય નારાયણ છે તો તે નારાયણોવાચ છે અને જો તમારો પ્રિય શ્રીકૃષ્ણ છે તો તે કૃષ્ણ ઉવાચ છે. તેથી જ્યાં પણ મમ દેખાય છે ત્યાં પરબ્રહ્મ પરમાત્મા છે. અહીં તેમના શરણમાં જવાની વાત છે. ભગવાન કેવા મહાન છે! ભગવાન આપણા જેવા પાપીઓ માટે વચન આપી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તું મને ખૂબ જ પ્રિય છે, મને તને ભેટવાનું મન થાય છે. ભગવાને આખી ભગવદ્ગીતાનો સાર આ પંચાવનમા શ્લોકમાં આપ્યો છે. સંતો આ શ્લોક ગાતા રહે છે અને ગાઈને એ સંતોની આંખોમાંથી આંસુ વહે છે.
સર્વધર્માન્પરિત્યજ્ય, મામેકં(મ્) શરણં(વ્ઁ) વ્રજ।
અહં(ન્) ત્વા સર્વપાપેભ્યો, મોક્ષયિષ્યામિ મા શુચઃ॥૧૮.૬૬॥
“અહં ત્વા સર્વપાપેભ્યો, મોક્ષયિષ્યામિ મા શુચઃ॥”
તે માટે ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી આપણને કહે છે, કે “તું ચિંતા ન કર.”
ઇદં(ન્) તે નાતપસ્કાય, નાભક્તાય કદાચન।
ન ચાશુશ્રૂષવે વાચ્યં(ન્), ન ચ માં(ય્ઁ) યોઽભ્યસૂયતિ॥૧૮.૬૭॥
ય ઇમં(મ્) પરમં(ઙ્) ગુહ્યં(મ્), મદ્ભક્તેષ્વભિધાસ્યતિ।
ભક્તિં(મ્) મયિ પરાં(ઙ્) કૃત્વા, મામેવૈષ્યત્યસંશયઃ॥૧૮.૬૮॥
એટલે કે, ભગવાનની આ ગીતાને જે પુરુષ બધા લોકોમાં પ્રચારિત કરશે, જે આ ગીતાનું અધ્યયન કરશે તે ભગવદ્ પ્રાપ્તિ કરી શક્શે, આ વાત જ ભગવાન જોર દઈને કહે છે અને આ વાતમાં ભગવાન કોઈ શરત રાખતા નથી.
આ પછી ભગવાન અતિ પ્રસન્નતાથી જે વાત કહે છે તે બીજા કોઈ શાસ્ત્રોમાં ક્યાંય જોવા મળતી નથી.
ન ચ તસ્માન્મનુષ્યેષુ, કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ।
ભવિતા ન ચ મે તસ્માદ્, અન્યઃ(ફ્) પ્રિયતરો ભુવિ॥૧૮.૬૯॥
અધ્યેષ્યતે ચ ય ઇમં(ન્), ધર્મ્યં(મ્) સંવાદમાવયોઃ।
જ્ઞાનયજ્ઞેન તેનાહમ્, ઇષ્ટઃ(સ્) સ્યામિતિ મે મતિઃ॥૧૮.૭૦॥
શ્રદ્ધાવાનનસૂયશ્ચ, શૃણુયાદપિ યો નરઃ।
સોઽપિ મુક્તઃ(શ્) શુભાઁલ્લોકાન્, પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્॥૧૮.૭૧॥
કચ્ચિદેતચ્છ્રુતં(મ્) પાર્થ, ત્વયૈકાગ્રેણ ચેતસા।
કચ્ચિદજ્ઞાનસમ્મોહઃ(ફ્), પ્રનષ્ટસ્તે ધનઞ્જય॥૧૮.૭૨॥
અર્જુન ઉવાચ
નષ્ટો મોહઃ(સ્) સ્મૃતિર્લબ્ધા, ત્વત્પ્રસાદાન્મયાચ્યુત।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ(ખ્), કરિષ્યે વચનં(ન્) તવ॥૧૮.૭૩॥
સંજય કોણ છે? તે આપણે જાણવું જોઈએ. તે શૂદ્ર જાતિમાં જન્મેલા ગવલ્યગણ નામના સૂતપુત્ર છે, પરંતુ તેમના આગલા જન્મોના પ્રભાવને કારણે તેમને બાળપણથી જ શાસ્ત્રોમાં ખૂબ જ રસ હતો. નવ વર્ષની ઉંમરે તેઓ વેદવ્યાસજી પાસે પહોંચ્યા. શાસ્ત્રોમાં તેમની રુચિ અને વિદ્વતા જોઈને વેદવ્યાસજી પ્રસન્ન થયા અને તેમને બ્રાહ્મણ બનવાના આશીર્વાદ આપ્યા. તેણે કહ્યું, “હે સુતા! હું તને બ્રાહ્મણ બનાવીશ.” તેણે સંજયને પોતાનો શિષ્ય બનાવ્યો અને તેને સંપૂર્ણ જ્ઞાન આપ્યું. જ્યારે સંજય ઉંમરલાયક થયો ત્યારે વેદ વ્યાસજી તેનો હાથ પકડીને ધૃતરાષ્ટ્ર પાસે લઈ આવ્યા. તેણે કહ્યું કે તે સૂતપુત્ર છે, પણ તે ખૂબ સારી રીતે રથ ચલાવે છે તેથી તે તારો રથ પણ ચલાવશે પણ તે બુદ્ધિવાળો બ્રાહ્મણ છે. મેં તેને બ્રાહ્મણ બનાવ્યો છે એટલે તે મંત્રી બનશે અને તને નૈતિકતા પણ શીખવશે.
સઞ્જય ઉવાચ
ઇત્યહં(વ્ઁ) વાસુદેવસ્ય, પાર્થસ્ય ચ મહાત્મનઃ।
સંવાદમિમમશ્રૌષમ્, અદ્ભુતં(મ્) રોમહર્ષણમ્॥૧૮.૭૪॥
વ્યાસપ્રસાદાચ્છ્રુતવાન્, એતદ્ગુહ્યમહં(મ્) પરમ્।
યોગં(ય્ઁ) યોગેશ્વરાત્કૃષ્ણાત્, સાક્ષાત્કથયતઃ(સ્) સ્વયમ્॥૧૮.૭૫॥
જ્યારે બે ખૂબ જ આત્મીય વ્યક્તિ મળે છે ત્યારે તેઓ વચ્ચે થનારી ગોપનીય વાતો આપણે જાણી શકતા નથી. આવી અતિ દુર્લભ વાત સંજય સાંભળી શક્યાં એ કારણસર તે કૃતકૃત્ય છે.
રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય, સંવાદમિમમદ્ભુતમ્।
કેશવાર્જુનયોઃ(ફ્) પુણ્યં(મ્), હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ॥૧૮.૭૬॥
તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય, રૂપમત્યદ્ભુતં(મ્) હરેઃ।
વિસ્મયો મે મહાન્ રાજન્, હૃષ્યામિ ચ પુનઃ(ફ્) પુનઃ॥૧૮.૭૭॥
યત્ર યોગેશ્વરઃ(ખ્) કૃષ્ણો, યત્ર પાર્થો ધનુર્ધરઃ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિઃ(ર્), ધ્રુવા નીતિર્મતિર્મમ॥૧૮.૭૮॥
સાધકો દ્વારા પૂછવામાં આવેલા સવાલો જવાબ
પ્રશ્નકર્તા- કિરણ બેન
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે મોક્ષસન્ન્યાસયોગો નામ અષ્ટાદશોઽધ્યાયઃ॥૧૮॥