विवेचन सारांश
ભગવાનને પ્રિય જ્ઞાની ભક્ત

ID: 6274
Gujarati - ગુજરાતી
શનિવાર, 18 જાન્યુઆરી 2025
પ્રકરણ 7: જ્ઞાન-વિજ્ઞાન યોગ
2/2 (શ્લોક 15-30)
વિવેચન: ગીતા વિશારદ શ્રી શ્રીનિવાસ વર્નેકર જી


  ગીતા પરિવારની પરંપરા મુજબ શરૂઆતની પ્રાર્થના, દીપ પ્રજ્વલન અને ગુરુ વંદના સાથે આજના સત્રની શરૂઆત થઈ. ભગવદ્ કૃપા જ્યાં સુધી પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી આપણે ભગવદ્ગીતાને સ્પર્શ પણ નથી કરી શકતા! ભગવાને આઠ પ્રકારની પ્રકૃતિ બનાવી છે; પૃથ્વી, આગ, જળ, આકાશ, વાયુ, મન, બુદ્ધિ અને અહંકાર એ જ બધું મળીને આખું બ્રહ્માંડ બન્યું છે. પ્રકૃતિ જ છે જે જીવના રૂપમાં છે અને જે આપણને ધારણ કરે છે. પરા અને અપરા પ્રકૃતિ પરમાત્મા એ જ બનાવી છે. પરમાત્માને છોડીને સંસારમાં બીજું કાંઈ છે જ નહીં! જ્યાં કંઈ પણ દિવ્યત્વ દેખાય છે ત્યાં ભગવાનને જોઈ શકાય છે. ત્રિગુણાત્મક પ્રકૃતિને કારણે આ બધા પ્રાણી મોહિત થઈ ગયા છે.
કોઈ જાદુગર જ્યારે જાદુ બતાવે છે ત્યારે આપણને એ જાદુ સાચો લાગે છે, એ જ રીતે દુનિયાના જાદુગર સાક્ષાત પરમાત્મા ની માયાજાળ સામાન્ય નથી એ માયાને પાર કરીને જવું સરળ નથી શ્રી ભગવાન કહે છે કે જે મારી શરણમાં આવશે એ જ એને પ્રાપ્ત કરી શકશે. 

7.15

ન માં(ન્) દુષ્કૃતિનો મૂઢાઃ(ફ્), પ્રપદ્યન્તે નરાધમાઃ।
માયયાપહૃતજ્ઞાના, આસુરં(મ્) ભાવમાશ્રિતાઃ॥૭.૧૫॥

માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર, મનુષ્યો માં અત્યંત અધમ, દૂષિત કર્મ (પાપ) કરનાર મૂઢજનો મને નથી ભજતા.

જે પાપ કર્મ કરનારા અજ્ઞાની છે એ મારી શરણમાં આવતા જ નથી! સોળમાં અધ્યાયમાં ભગવાને પ્રાણીમાત્ર ને બે ભાગમાં વહેંચી આપ્યા છે; દૈવી ગુણ ધરાવનારા અને આસુરીગુણ ધરાવનારા.
જેમનું જ્ઞાન માયાએ ઝૂંટવી લીધું છે, જેમના જ્ઞાનનું અપહરણ થઈ ગયું છે એમને લાગે છે કે પ્રકૃતિ જ સાચી છે પરમાત્મા જેવું કંઈ છે જ નહીં! એવું કહેનારા આસુરી પ્રવૃત્તિવાળા હોય છે.
 વાયુને આપણે સ્પર્શ કરીએ છીએ પરંતુ ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ આપણે જોઈ નથી શકતા! વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે વાયુમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આપણે એ માનીએ છીએ કારણ કે વૈજ્ઞાનિકો કહે છે.
 દંભ, દર્પ અને પોતાના જ અહંકારમાં જીવવાવાળા, પોતાનો જ સ્વાર્થ જોનારા લોકો આસુરી પ્રવૃત્તિના લોકો હોય છે. 
બધા લોકો આસુરી પ્રવૃત્તિના નથી હોતાં! કેટલાક લોકો શ્રીભગવાનનું ભજન કરે છે. એવા લોકો ચાર પ્રકારની ભક્તિ કરે છે, એ લોકો દૈવી પ્રકૃતિના હોય છે.

7.16

ચતુર્વિધા ભજન્તે માં(ઞ્), જનાઃ(સ્) સુકૃતિનોઽર્જુન।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ॥૭.૧૬॥

હે ભરતશ્રેષ્ઠ અર્જુન! ઉત્તમ કાર્ય કરનાર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે અર્થાત્ મારે શરણે આવે છે.

 સારું કાર્ય કરનારા, પુણ્ય કર્મ કરનારા અને ભગવાનની ભક્તિ કરનારા
ભક્તોની શ્રેણીમાં આવે છે. ચાર પ્રકારનાં ભક્ત હોય છે,
 ૧. આર્ત ભક્ત - 
 હવે મને ભગવાન જ બચાવી શકશે એમ ત્યારે થાય છે ત્યારે ભગવાનની શરણમાં આવે છે. જ્યારે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું ત્યારે એમણે પહેલાં પોતે પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કર્યો, સભામાં બધાને વિનંતી કરી પરંતુ જ્યારે એમને થયું કે હવે ફક્ત અને ફક્ત ભગવાન જ મને બચાવી શકશે ત્યારે એમણે ભગવાનનું સ્મરણ કરવાનું શરૂ કર્યું અને પોતાના હાથ ઊંચા કરીને ભગવાનને પ્રાર્થના કરી.
 જ્યારે મનુષ્ય તકલીફમાં આવે છે ત્યારે એને ભગવાન યાદ આવે છે અને એ ભગવાનને બોલાવે છે. 
 ૨. જિજ્ઞાસુ ભક્ત -
 આ ભક્તો ભગવાનને જાણવાની ઈચ્છા રાખે છે, પરમાત્માને જાણતા નથી પરંતુ જાણવાની ઈચ્છા છે, એમને જાણવા માટે એમની શરણમાં આવે છે. શાસ્ત્ર અને ગીતાને શરણે આવે છે. જેના મનમાં ભગવાનને જાણવાની ઈચ્છા છે એ જીજ્ઞાસુ કહેવાય છે. 
 ૩. અર્થાર્થી ભક્ત -
 મને સુખ મળવું જોઈએ, પ્રતિષ્ઠા મળવી જોઈએ આ ભાવનાથી ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની કૃપાથી ધન, સંપત્તિ બધું મળે એટલે એની ભક્તિ કરે છે. 

जो ध्यावे फल पावे, दुःख विनसे मन का।
सुख सम्पत्ति घर आवे, कष्ट मिटे तन का॥
ओम जय जगदीश हरे।
આમ તેમની ભક્તિમાં સ્વાર્થ હોય છે અને ફક્ત સુખ પ્રાપ્તિ માટે તેઓ ભગવાનની ભક્તિ કરે છે. 
असा त्यांच्या भक्तीमागे स्वार्थ भाव असतो तथापि केवळ सुखप्राप्तीसाठी का होईना, ते भगवंताचे स्मरण करतात.
 ૪. જ્ઞાની ભક્ત -
 આ ભક્ત ભગવાનને જાણે છે, એણે ભગવાનને જાણી લીધો છે એટલે ભક્તિ કરે છે. આને જ્ઞાનોત્તર ભક્તિ પણ કહેવાય છે. આ ભક્તિ પરિપૂર્ણ કહેવાય છે કારણ કે પૂર્ણરૂપથી શ્રીભગવાનને જાણે છે છતાં પણ શ્રીભગવાનને અસીમ પ્રેમ કરે છે.
 
મહારાજ તુકારામ સ્વયં પાંડુરંગ સ્વરૂપ થઈ ગયા! પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ પછી પણ પાંડુરંગની ભક્તિ કરી રહ્યા છે! સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ કરવાવાળી ભક્તિ જ્ઞાની જ કરી શકે છે!
आधी होता संतसंग। तुका झाला पांडुरंग ।
त्याचे भजन राहिना । मुळ स्वभाव जाईना ॥
 સંત તુકારામને પાંડુરંગના દર્શન થયા એમ નથી કહેવાતું પણ તુકારામ સ્વયંમ પાંડુરંગ સ્વરૂપ થઈ ગયા એમ કહેવાય છે. 

7.17

તેષાં(ઞ્) જ્ઞાની નિત્યયુક્ત, એકભક્તિર્વિશિષ્યતે।
પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમ્, અહં (મ્) સ ચ મમ પ્રિયઃ॥૭.૧૭॥

તે ચાર ભક્તોમાંથી હંમેશા મારામાં એકાત્મભાવે સ્થિત, અનન્ય પ્રેમભક્તિ રાખનાર જ્ઞાની અર્થાત્ પ્રેમીભક્ત ઘણો શ્રેષ્ઠ છે; કેમ કે (મને તત્ત્વથી ઓળખનાર) જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે.

સર્વશ્રેષ્ઠ ભક્તિ કરનારા જ્ઞાની ભક્તો નિરંતર નિત્ય શ્રીભગવાનની
સાથે જોડાયેલા રહે છે, બીજા ત્રણ પ્રકારના ભક્તો પોતાના કાર્યની સિદ્ધિ માટે જોડાય છે અને એમની આવશ્યકતા પૂરી થઈ ગયા પછી એ ભગવાનને ભૂલી જાય છે !
પતિ પત્ની બંને બેઠા હતાં. પત્નીએ કહ્યું કે આજે સિનેમા જોવા જઈએ. પતિએ કહ્યું કે ત્યાં ગાડી ઉભી રાખવાની જગ્યા નથી મળતી એટલે જવાનું મન નથી પરંતુ પત્નીની બહુ ઈચ્છા છે તો જઈએ. એ ભગવાનને પ્રાર્થના કરે છે કે મને પાર્કિંગની જગ્યા મેળવી આપો. જ્યારે સિનેમા હોલ પર જાય છે, તેમને પાર્કિંગની જગ્યા મળી ગઈ. એ પછી ભગવાનને કહે છે કે મને પાર્કિંગની જગ્યા મળી ગઈ છે હવે તમે ચિંતા નહીં કરતાં! શ્રીભગવાને જ એને પાર્કિંગની જગ્યા આપી એ ભૂલી ગયો. અર્થાર્થીને પૈસા મળી ગયા કે એ ભગવાનને ભૂલી જાય છે પરંતુ જ્ઞાની ભક્તો હંમેશા ભગવાન સાથે જોડાયેલાં રહે છે. એ પરમાત્મા સિવાય કોઈને જાણતાં નથી કારણ કે એને માટે બધું જ પરમાત્મા જ છે! એટલે આ ભક્ત વિશેષ છે. જે જ્ઞાની ભક્ત છે એને હું જાણું છું અને એને અત્યંત પ્રેમ કરું છું. જે જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રીભગવાનની ભક્તિ કરે છે એ જ્ઞાની ભક્તજ શ્રીભગવાનને ચાહે છે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે જેને જ્ઞાન થઈ જાય છે તે જ્ઞાનના પ્રકાશમાં એને અને પરમાત્માને જુદા-જુદા નથી જોતો. એ સમજી જાય છે કે પોતે જ પરબ્રહ્મપરમાત્મા સ્વરૂપ છે!
  त्या ज्ञानाच्या प्रकाशाने । मीच आत्मा हे तो जाणे ।
 आणि मीही त्यास आत्मा बोले । उचंबळोनि ॥
  આદિ શંકરાચાર્ય કહે છે કે બધું જ ભગવાન છે એમના સિવાય બીજું કંઈ છે જ નહીં!
                        मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं
न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे ॥
न च व्योमभूमिर्न तेजो न वायुः
चिदानन्दरुपः शिवोऽहम् शिवोऽहम् ॥

હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, ચિત્ત નથી! હું આંખ, કાન, નાક, જીહ્વા નથી, હું આકાશ કે ભૂમિ નથી, હું તેજ કે વાયુ પણ નથી! હું નિત્ય આનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું! 
જ્ઞાની ભક્ત પરમાત્મામાં જ સ્થિત હોય છે, અંદર-બહાર બધે પરમાત્મા જ છે. 
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે જો સમુદ્રમાં ઘડો ડૂબાડીને તો એમાં પાણી ભરાઈ જાય છે. તો શું સમુદ્રનું પાણી અને ઘડાનું પાણી જુદું-જુદું છે? ના, એક જ હોય છે! આપણી પણ એ જ સ્થિતિ છે! પરમાત્મા સાથે એકરૂપતાની અનુભૂતિ લઈને એ પરમાત્માનો ભક્ત જ રહે છે. 



7.18

ઉદારાઃ(સ્) સર્વ એવૈતે, જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્।
આસ્થિતઃ(સ્) સ હિ યુક્તાત્મા, મામેવાનુત્તમાં(ઙ્) ગતિમ્॥૭.૧૮॥

આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વેમાં જ્ઞાની તો સાક્ષાત્ મારુ સ્વરૂપ જ છે એવો મારો મત છે, કેમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિસ્વરૂપ એવા મારામાં જ સમ્યક્ રીતે સ્થિત છે.

 શ્રીભગવાન કહે છે કે બધા ભક્તો સારા છે પરંતુ જે જ્ઞાની ભક્ત છે એ
સ્વયં પરમાત્માનું જ રૂપ છે, એ મારું જ રૂપ છે, એ મારાથી જુદો નથી. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે પાણીમાં ડૂબાડીએ તો એની અંદર અને બહાર પાણી છે એ જ રીતે જ્ઞાની ભક્ત પણ પરમાત્મા જ બની જાય છે, પરમાત્મા સ્વરૂપ બની જાય છે!
 જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે પોતપોતાના સ્વાર્થ માટે લોકો ભક્તિ કરે છે પરંતુ હું જેની ભક્તિ કરું છું એ જ્ઞાની ભક્ત છે. 

आपापल्या हितासाठी । कोणीही करतो माझी भक्ती ।
परी मी ज्याच्यावर करतो प्रीती । ऐसा एक ज्ञानी ॥

એકવાર નારદ મુનિ ભગવાન પાસે વૈકુંઠમાં ગયા. દરવાજો બંધ હતો એમણે દરવાજો ખખડાવ્યા. લક્ષ્મીજીને પૂછ્યું કે શ્રીભગવાન શું કરી રહ્યા છે? એમણે કહ્યું એ પૂજા કરી રહ્યા છે. નારદજીએ પૂછ્યું છે કે જેની પૂજા આખું વિશ્વ કરે છે એ કોની પૂજા કરે છે? ભગવતીએ કહ્યું, મને નથી ખબર કે એ કોની પૂજા કરી રહ્યા છે! નારદજીએ દરવાજામાં એક નાનું કાણું જોયું. એમણે જોયું કે શ્રીભગવાન પૂજા કરવા બેઠા છે અને અંદર નારદજીની મૂર્તિ છે! જ્ઞાની ભક્તની ભગવાન પણ પૂજા કરે છે! એ જ્ઞાની ભક્ત તો નામ છે પણ એ તો હું જ છું. 

एऱ्हवीं ज्ञानिया जो म्हणिजे।

तो चैतन्यचि केवळ माझें।
हें न म्हणावें परि काय कीजे।
न बोलणें बोलों ॥ 126 ॥
 
ભક્તિ વગરના જ્ઞાનનો કોઈ અર્થ નથી અને જ્ઞાન વગરની ભક્તિ શક્ય નથી.
કર્મનું આચરણ કરતાં-કરતાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. જ્ઞાન પછી ઉપાસના કરાય છે. સાચી ભક્તિ તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી થાય છે. વેદોમાં પણ કર્મકાંડ, ઉપાસના કાંડ આવે છે પણ ભક્તિકાંડ નથી. જ્ઞાનપ્રાપ્તિ થઈ ગયા પછી વ્યક્તિ માટે ફક્ત ભક્તિ જ બચે છે. એવો ભક્ત ક્યાં અને કેવી રીતે મળે? 

7.19

બહૂનાં(ઞ્) જન્મનામન્તે, જ્ઞાનવાન્માં(મ્) પ્રપદ્યતે।
વાસુદેવઃ(સ્) સર્વમિતિ, સ મહાત્મા સુદુર્લભઃ॥૭.૧૯॥

ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્ત્વજ્ઞાન પામેલો માણસ 'સર્વ કાંઈ વાસુદેવ જ છે' એવા ભાવે મને ભજે છે; -શરણે થાય છે, એ મહાત્મા ઘણો દુર્લભ છે.

 બધા જન્મો પછી છેલ્લા જન્મમાં અર્થાત મનુષ્ય જન્મમાં બધું પરમાત્મા જ
છે એ રીતે વિચારીને જે જ્ઞાની મારા શરણમાં આવે છે એ મહાત્મા  અત્યંત દુર્લભ છે. અનેક જન્મોનો કર્મયોગ, આચરણયોગ, જ્ઞાન પ્રાપ્તિનો અભ્યાસ અનેક જન્મો સુધી મનુષ્ય કરે છે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એનો મારી પર દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. બની શકે છે કે એના અનેક જન્મ થઈ ચૂક્યા છે અને આ જન્મમાં જ્ઞાનપ્રાપ્તિ થઈ જાય! આ માર્ગ પર જેટલા આપણે આગળ ચાલીશું, હવે પછીના જન્મમાં એનાથી આગળનો પ્રવાસ હશે. અનેક જન્મ પછી એ જ્ઞાની મારી શરણમાં આવે છે. એ જે ગતિ છે એ સાચી શરણાગતિ છે. 
 આખો સંસાર પરમાત્મા છે એટલે ભક્ત જે કાંઈ જોય છે એમાં એને ભગવાનના દર્શન થાય છે. એકનાથ મહારાજ કાશીથી ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વરમમાં શિવલિંગ પર ચઢાવવા માટે લઈ રહ્યા હતા. રસ્તામાં એમણે તરસથી વ્યાકુળ એક ગધેડાને જોયો. કાશીથી ભગવાનને ચડાવવા માટેનું જળ એમણે ગધેડાને પીવડાવી દીધું. શિષ્યે કહ્યું કે તમે એટલું પવિત્ર જળ એટલે દૂરથી લઈને આવ્યા છો ને તમે ગધેડાને પીવડાવી દીધું? ત્યારે એમણે કહ્યું કે ગધેડો ક્યાં છે? મને તેમાં રામેશ્વર જ દેખાય છે! એમને બધામાં ઈશ્વર જ દેખાય છે. આપણને બધી જગ્યાએ ઈશ્વરને છોડીને બીજું બધું જ દેખાય છે! 
 " વાસુદેવ સર્વમિતિ " એટલે બધું વાસુદેવ જ છે, એમાં કોઈ ભેદ નથી! 
જ્ઞાની ભક્ત બધે ફક્ત ભગવાનને જ જુએ છે પણ આપણે સામાન્ય મનુષ્ય ભગવાનમાં પણ ભેદભાવ કરીએ છીએ. આ રામનો ભક્ત, આ કૃષ્ણનો ભક્ત, આ શિવભક્ત, આ દેવીભક્ત એમ જુદાં-જુદાં સંપ્રદાયો બનાવ્યા છે. આપણે કહીએ છીએ કે,
 " तेरे नाम अनेक तू एक ही है, तेरे रूप अनेक तू एक ही है ।"
 પણ એનો અર્થ આપણે સમજ્યા નથી! 
ભગવાન સુલભ છે પણ જ્ઞાની ભક્ત દુર્લભ છે કારણકે આપણે બધાં પરમાત્માની માયાજાળમાં ફસાયેલાં છીએ. આપણાં અગણિત કામોની યાદી તૈયાર છે તેમાં એકાદ જ ભગવદ્ પ્રાપ્તિની કામના હોય છે! 

7.20

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ(ફ્), પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ।
તં(ન્) તં(ન્) નિયમમાસ્થાય, પ્રકૃત્યા નિયતાઃ(સ્) સ્વયા॥૭.૨૦॥

તે તે ભોગોની કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂકયું છે, એ માણસો પોત-પોતાની પ્રકૃતિ અર્થાત્ સ્વભાવથી પ્રેરાઈને તે તે અર્થાત્ દેવતાઓના તે તે નિયમોને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે શરણ થઈ જાય છે.

 આપણી જે કામના હોય છે એને માટે આપણે જુદાં-જુદાં ભગવાનની ઉપાસના કરીએ છીએ. ઘરમાં જો કોઈ સંકટ આવે તો ગણેશજીની ઉપાસના કરીએ છીએ.
निर्विघ्नं कुरुमे देव सर्वकार्येषु सर्वदा॥
ધ્યાન માટે મા લક્ષ્મીની ઉપાસના કરીએ છીએ, શક્તિ પ્રાપ્ત કરવી હોય તો હનુમાનજીની ઉપાસના કરીએ છીએ, સૂર્યની ઉપાસના કરીએ છીએ, બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સરસ્વતી માતાની ઉપાસના કરીએ છીએ. જે આપણી કામના છે એને માટે જુદાં-જુદાં દેવતાની ઉપાસના કરીએ છીએ. એ દેવતાઓની ઉપાસના કરવા માટે જે નિયમોનું પાલન કરવાનું છે એ નિયમોનું પાલન કરીને કરીએ છીએ. પોતપોતાની પ્રકૃતિ અનુસાર ગણેશજીને દૂર્વા, મોદકની સાથે ચતુર્થીના દિવસે એમની ઉપાસના કરીએ છીએ. વિષ્ણુ ભગવાનને તુલસી ચડાવીએ છીએ. જે દેવતાને જે પ્રસાદ ચડાવાથી આપણું કામ થઈ જાય એમની ઉપાસના એ જ પદ્ધતિથી કરીએ છીએ. 

7.21

યો યો યાં(ય્ઁ) યાં(ન્) તનું(મ્) ભક્તઃ(શ્), શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ।
તસ્ય તસ્યાચલાં(મ્) શ્રદ્ધાં(ન્), તામેવ વિદધામ્યહમ્॥૭.૨૧॥

જે-જે સકામ ભક્ત જે-જે દેવતાના સ્વરૂપને શ્રદ્ધાથી પુજવા ઇચ્છે છે તે-તે ભક્તની શ્રદ્ધાને હું એજ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું.

 ભગવાન કહે છે કે જે-જે ભક્ત જે-જે દેવતાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવા ઈચ્છે છે એ દેવતામાં જ હું એમની શ્રદ્ધાને દ્રઢ કરી દઉં છું. જે વ્યક્તિ જે રૂપમાં શ્રદ્ધા સ્વરૂપ ઈશ્વરની ઉપાસના કરીને જે-જે દેવતાની શ્રદ્ધાપૂર્વ ઉપાસના કરવા ઈચ્છે છે એમને એ દેવતાની પૂજા કરવાની પ્રેરણા હું જ આપું છું! આપણને એ દેવતાની ઉપાસના કરવાની પ્રેરણા પરમાત્મા પાસેથી જ મળે છે અને ઉપાસના પણ પરમાત્માને જ પ્રાપ્ત કરવા માટે થાય છે! 
 હું મારી પ્રોપર્ટીના કંઈ કામ માટે હું સરકાર પાસે ગયો અને પ્લોટનું કામ કર્યું. રાજને અધિકારી, સરકારી કર્મચારી, કલેકટર, પ્રધાનમંત્રી બધું મળીને સરકાર બને છે. રાષ્ટ્રપતિએ બધાંને નિયુક્ત કર્યા છે. પરમાત્માના જુદા-જુદા રૂપોમાં પણ બધા ભગવાન પ્રગટ થયા છે.
સ્વામી વિવેકાનંદજી  પણ જ્યારે શિકાગો ગયા ત્યારે એમણે કહ્યું કે જુદા-જુદા ભગવાનની પૂજા થાય છે પરંતુ પરમાત્મા એક જ છે, એમનું સ્વરૂપ એક જ છે. 

7.22

સ તયા શ્રદ્ધયા યુક્તઃ(સ્), તસ્યારાધનમીહતે।
લભતે ચ તતઃ(ખ્) કામાન્, મયૈવ વિહિતાન્હિ તાન્ ॥૭.૨૨॥

એ માણસ મારા દ્વારા દૃઢ કરાયેલી શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજન કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઇચ્છેલા ભાગોને નિ:સંદેહ પામે છે.

એ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવતાની પૂજા કરે છે. પરમાત્માના વિધાન અનુસાર જુદા-જુદા દેવરૂપ પરમાત્માએ જ આપેલા છે. આ રીતે પરમાત્માએ બધાને જુદા-જુદા વિભાગો વહેંચી દીધા છે.

7.23

અન્તવત્તુ ફલં(ન્) તેષાં(ન્), તદ્ભવત્યલ્પમેધસામ્।
દેવાન્દેવયજો યાન્તિ, મદ્ભક્તા યાન્તિ મામપિ॥૭.૨૩॥

પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે; જ્યારે મારા ભક્તો મને જે રીતે પણ ભજે, છેવટે તેઓ મને જ પામે છે.

પરંતુ એ તુચ્છ બુદ્ધિવાળા મનુષ્યને એ દેવતાઓની આરાધનાનું ફળ નાશવંત જ મળે છે. દેવતાઓનું પૂજન કરનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મારા ભક્ત મને પ્રાપ્ત થાય છે. 
પરમાત્મા દ્વારા જે મળેલું છે એનો અંત થવાનો છે પરંતુ સચ્ચિદાનંદ નથી મળતો. સચ્ચિદાનંદ એટલે એવો આનંદ જેનો આદિ અને અંત નથી. આ પ્રકારની ભક્તિ ફક્ત જ્ઞાની જ કરી શકે છે. એનો ઉદ્દેશ ભગવાનને પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ નથી હોતો!
 
मेरे सर पर रख दे ठाकुर अपने यह दोनों हाथ
देना है तो दीजिए जन्म जन्म का साथ।

ઠાકુર! તમારા બંને હાથ મારા માથા ઉપર રાખી દો અને જો આપવું જ હોય તો મને જન્મ જન્મનો સાથ આપો. આમ એ મને પ્રાપ્ત કરી લે છે. 

7.24

અવ્યક્તં(વ્ઁ) વ્યક્તિમાપન્નં(મ્), મન્યન્તે મામબુદ્ધયઃ।
પરં(મ્) ભાવમજાનન્તો, મમાવ્યયમનુત્તમમ્॥૭.૨૪॥

અજ્ઞાનીઓ મારા સર્વ શ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં જાણનાર હોઈ અવ્યક્ત અર્થાત્ મન-ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદઘન પરમાત્માને મનુષ્ય ની જેમ શરીર ધારણ કરનાર માને છે.

 જે પ્રગટ થાય છે એનું સ્વરૂપ અવ્યક્ત છે અને જ્યારે હું કોઈ રૂપ લઉં છું ત્યારે મને વ્યક્ત કહે છે. રામ, કૃષ્ણ એક મનુષ્ય છે. પ્રભુ શ્રીરામે મર્યાદા પુરુષોત્તમના રૂપમાં જીવન કેવી રીતે જીવાય એ સમજાવ્યું હતું પરંતુ એ સાક્ષાત ભગવાન છે. 
 ભગવાન કહે છે, હે અર્જુન! અજ્ઞાની લોકો મને મનુષ્ય સમજે છે! એ મારા પરમ ભાવને નથી જાણતા. મારા બાહ્ય રૂપને જુએ છે, મારા અંતરંગનો ભાવ નથી જાણતા! બહુ મોટા-મોટા સંત થઈ ગયા છે આપણે એમના ભાવને નથી જાણી શકતા! નિર્ગુણ નિરાકાર, સગુણ સાકારના રૂપમાં પ્રગટ થયા છે આ બધા નથી જાણતા પરંતુ પરબ્રહ્મ હું જ છું. 

7.25

નાહં(મ્) પ્રકાશઃ(સ્) સર્વસ્ય, યોગમાયાસમાવૃતઃ।
મૂઢોઽયં(ન્) નાભિજાનાતિ, લોકો મામજમવ્યયમ્॥૭.૨૫॥

પોતાની યોગમાયાના વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો, માટે આ અજ્ઞાની જનસમુદાય મુજ અજન્મા અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ-મરણશીલ સમજે છે.

 જે મૂઢ મનુષ્ય સમુદાય મને અવિનાશી બરાબર રીતે નથી જાણતો એ બધાની સામે યોગમાયાથી ઢાંકાયેલો હું પ્રગટ નથી થતો.
હું બધા માટે પ્રકાશિત નથી થતો. અહીંયા સ્વયં પરમાત્મા બોલી રહ્યા છે કે હું બધાને નથી દેખાતો. રામ અને કૃષ્ણ માયાનું જ રૂપ છે. જેનો જન્મ નથી થતો એ તો પૂર્ણ વ્યાપ્ત છે. સ્વયં પરમાત્મા ફક્ત ભક્તો માટે જન્મ લે છે. એ આ રૂપમાં ભક્તોને માટે પ્રગટ થાય છે. આપણે રામનવમી અને જન્માષ્ટમી મનાવતા શ્રીભગવાનની પૂજા કરીએ છીએ.
 ભગવાને અર્જુનને અને યશોદા મૈયાને પોતાનું રૂપ બતાવ્યું. યશોદા મૈયાએ કાનાનો હાથ પકડ્યો અને કહ્યું કે મોઢું ખોલ, તેં માટી ખાધી છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એમને પોતાના મોઢામાં આખું બ્રહ્માંડ બતાવ્યું અને પછી માયાનો પડદો નાખીને એમને બધું ભુલાવી દીધું!

7.26

વેદાહં(મ્) સમતીતાનિ, વર્તમાનાનિ ચાર્જુન।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ, માં(ન્) તુ વેદ ન કશ્ચન॥૭.૨૬॥

હે અર્જુન! પૂર્વે થઇ ગયેલા, વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વ ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈપણ શ્રદ્ધા-ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો.

 શ્રીભગવાન કહે છે કે તમારા અતીતને હું જાણું છું, જે થઈ રહ્યું છે એને પણ હું જાણું છું, ભવિષ્યમાં જે થનારું છે એને પણ હું જાણું છું. શ્રીભગવાન કાળ સ્વરૂપ છે. આઈન્સ્ટાઈનો દાખલો આપીને સિદ્ધ કર્યું છે કે જે થવાનું છે એ જાણી શકાય છે.
 એક બહુ લાંબી ટ્રેન હોય અને પ્રકાશની ગતિથી જો પ્રવાસ કરીએ તો ત્યાં સુધી પહોંચીશું. ગાર્ડે લીલી ઝંડી બતાવી તો આપણે આગળ પહોંચી જઈએ છીએ. આ જ રીતે પ્રકાશથી વધુ ગતીથી પ્રવાસ કરવાથી જે થવાનું છે એ ખબર પડી જાય છે!
  આકાશ કેટલું મોટું છે? એ આકાશ જ કહી શકે કે એ કેટલું મોટું છે. એવી રીતે પરમાત્મા શું છે? કોણ છે? કેવા છે? એ પરમાત્મા જ કહી શકે છે. પરમાત્માની ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો પરમાત્મા જ પ્રાપ્ત થઈ જશે. 

7.27

ઇચ્છાદ્વેષસમુત્થેન, દ્વન્દ્વમોહેન ભારત।
સર્વભૂતાનિ સમ્મોહં(મ્), સર્ગે યાન્તિ પરન્તપ॥૭.૨૭॥

હે ભરતવંશી! હે અર્જુન! સંસારમાં ઇચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ- દુ:ખ આદિ દ્વન્દ્વસ્વરૂપ મોહને લીધે સઘળાં પ્રાણીઓ અત્યંત અજ્ઞાનતાને પામી રહ્યા છે.

 આપણી ઈચ્છાઓ, દ્વેષ, દ્વન્દ્વ અને મોહને લીધે આપણા અંતરંગના સુખ-દુઃખ, લાભ-હાનિ, માન-અપમાન વગેરેમાં આપણું મન અટકી જાય છે. એ પછી આપણે સંમોહિત થઈ જઈએ છીએ.
 સિનેમામાં જો દુઃખદ પ્રસંગ હોય તો આપણે રડવા લાગીએ છીએ કારણ કે આપણે એ સિનેમાને જ સાચું માનવા લાગીએ છીએ. એવી જ રીતે સંસારમાં આપણી ઈચ્છાઓથી સંમોહિત થઈ જઈએ છીએ અને આપણને ભગવાન દેખાતા નથી. 

7.28

યેષાં(ન્) ત્વન્તગતં(મ્) પાપં(ઞ્), જનાનાં(મ્) પુણ્યકર્મણામ્।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા, ભજન્તે માં(ન્) દૃઢવ્રતાઃ॥૭.૨૮॥

પરંતુ નિષ્કામભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચુક્યું છે, એ રાગદ્વેષજનિત દ્વન્દ્વસ્વરૂપ મોહથી મુક્ત થયેલા દઢનિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે.

 આપણા સંકલ્પથી જ્યારે એમના પાપ નષ્ટ થવા લાગે છે તો એ બધા જ દ્વંદ્વ અને મોહથી નિર્મુક્ત થઈને ભગવાનને પ્રાપ્ત કરી લે છે . કેટલાક લોકો ગીતા પરિવાર સાથે જોડાઈ જાય છે અને પછી એ માર્ગ પર ચાલવા માંડે છે. જ્યારે આપણા પૂણ્યકર્મનું ફળ મળે છે ત્યારે આપણે ગીતાજીની ભક્તિ કરી શકીએ છીએ! ફક્ત શ્રીભગવાનના નામની હોડીમાં બેસીને આ સંસારરૂપી નદીને પાર કરી શકાય છે.
 ડાકુ રત્નાકરને રામ નામનો મંત્ર આપવામાં આવ્યો હતો કે રામ-રામ બોલશો તો તમારા બધા પાપ જોવાઈ જશે! પરંતુ એને તો રામ-રામને બદલે મરા-મરા બોલવા બોલતા હતાં, ભગવાનનું નામ ઊંધું બોલવા છતાં પણ સાચું થઈ જતું હતું અને એ સંત વાલ્મિકી બની ગયા. 

7.29

જરામરણમોક્ષાય, મામાશ્રિત્ય યતન્તિ યે।
તે બ્રહ્મ તદ્વિદુઃ(ખ્) કૃત્સ્નમ્, અધ્યાત્મં(ઙ્) કર્મ ચાખિલમ્॥૭.૨૯॥

જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને, સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.

 ઘડપણ અને મૃત્યુથી મુક્તિ મેળવવા માટે જે મારો આશરો લેવાનો પ્રયત્ન કરે છે એ એ બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને।અને સંપૂર્ણ કર્મને પણ જાણી લે છે!
વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરેના ચક્રમાંથી મુક્ત થવું હોય તો આપણું આશ્રય સ્થાન કેવળ શ્રીભગવાન જ હોવા જોઈએ. જે આ વિશ્વાસ રાખે છે તે પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. 
      कृष्णम् सम्पूर्णम् ।
 કૃષ્ણ જ બધું છે, હું તમારું નામ સ્મરણ કરી રહ્યો છું, નામ સ્મરણ કરવા માટે પ્રેરણાસ્તોત્ર તમે જ છો એટલે હું તમારું નામ સ્મરણ કરી શકું છું! આ ઈશ્વરની કૃપા છે. એવા જ્ઞાની ભક્તજન પરમાત્માને પરિપૂર્ણ રૂપથી જાણી શકે છે.

7.30

સાધિભૂતાધિદૈવં(મ્) માં(મ્), સાધિયજ્ઞં(ઞ્) ચ યે વિદુઃ।
'પ્રયાણકાલેઽપિ ચ માં(ન્), તે વિદુર્યુક્તચેતસઃ॥૭.૩૦॥

જે માણસો અધિભૂત અને અધિદૈવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્માસ્વરૂપે મને અંતકાળેય ઓળખી લે છે, એ મારામાં ચિત્ત પરોવેલા માણસો મને જ ઓળખી લે છે એટલે કે પામી જાય છે.

 જે જ્ઞાની ભક્ત અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સાથે મને જાણે છે, જેમનું ચિત્ત મારામાં લાગેલું છે એ પોતાના મૃત્યુને સમયે પણ મને જાણે છે એ અંતકાળે મારામાં જ વિલીન થઈ જાય છે. 
    કર્મ શું છે? આધ્યાત્મિકતા શું છે? મોક્ષ શું છે? બ્રહ્મ શું છે? આવા પ્રશ્નો આપણા મનમાં ઊઠે છે, એવા પ્રશ્નો અર્જુનના મનમાં પણ ઉઠ્યા હતા. અર્જુને પૂછ્યું કે આ પ્રશ્નોનો અર્થ બતાવો! ત્યારે એનો ઉત્તર ભગવાન આઠમા અધ્યાયમાં આપે છે. જેને પરમાત્માને જાણવો છે તે એના આશ્રયથી એમનું જ ચિંતન કરતા રહીશું તો આપણું જીવન સચ્ચિદાનંદ થતું જશે અને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું! ભગવદ્ગીતાની કૃપા આપણા પર હંમેશા રહેશે. આજનું ચિંતન ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને વિવેચનસત્રનું સમાપન કર્યું એ પછી પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું. 

                       પ્રશ્નોત્તરી
સવાલ : ૧ રાજેન્દ્ર દૂબે ભૈયા

 કર્મ, યજ્ઞ અને ધર્મમાં ગીતાજી અનુસાર શું તફાવત છે?
જવાબ :
 મૂળ રૂપથી કર્મ તો એક જ છે. પરબ્રહ્મે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એ જ કર્મ છે, બીજું બધું જે સૃષ્ટિમાં થઈ રહ્યું છે એ બધું એ કર્મની પ્રતિક્રિયા જ છે. સાદા અર્થમાં આપણે જે કાર્ય કરીએ છીએ, જે પણ વિચાર કરીએ છીએ એને પણ કર્મ કહેવાય. ભગવાન કહે છે,

अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते ।
भूतभावोद्भवकरो विसर्गः कर्मसञ्ज्ञितः ॥

જો કર્મ કરવા યોગ્ય હોય તો એને કર્તવ્ય  કહે છે. જ્યારે આપણે આ કર્તવ્યકર્મને પરમાત્માને અર્પિત કરીને કરીએ છીએ તો એ યજ્ઞ બની જાય છે. ભોજન કરવું એ પણ એક કર્તવ્ય છે કારણકે કર્તવ્યકર્મ કરવા માટે શક્તિ આવશ્યક છે જે ભોજનથી પ્રાપ્ત થાય છે. સાથે-સાથે ભોજન એક યજ્ઞ પણ છે! 

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम्‌ ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ ४-२४ ॥

કર્તવ્ય કર્મ જે આપણને પરમાત્મા તરફ અગ્રેસર કરે છે એ ધર્મ કહેવાય છે.
સવાલ : ૨ સુમનદીદી
આખું જીવન આપણે આપણા કર્તવ્ય કર્મોનું નિર્વહન કરીએ છીએ તો આપણને પણ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે? 
જવાબ :
 કર્તવ્ય કર્મો કરતાં રહેવાથી આપણું મન શુદ્ધ થતું જાય છે અને આપણને પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. ગૃહસ્થે આ પ્રકારનું ચિંતન કરવું જોઈએ કે મારું જે પણ કર્તવ્ય કર્મ છે એ પરમાત્માએ મને સોંપ્યું છે અને એમના માટે જ હું કરી રહ્યો છું.
           
              येषां तु अंतगतं पापम्॥
             चित्तस्य शुद्धये कर्म॥

જ્યારે આપણે આ રીતે બધા કર્તવ્ય કર્મોનું નિર્વહન શ્રીભગવાનને અર્પણ કરીને કરીએ છીએ તો એ યજ્ઞમાં પરિવર્તિત થઈ જશે. તમે વધારે તીવ્રતાથી પરબ્રહ્મની પ્રાપ્તિ તરફ અગ્રેસર થશો.
સવાલ : ૩ શીલાદીદી
 ૨૭મા શ્લોકમાં इच्छाद्वेषसमुत्थेन એમાં સમુત્થેનનો અર્થ શું છે?
 જવાબ :
 સમુત્થ આ શબ્દનો અર્થ છે કોઈ કારણથી ઉત્પન્ન થયેલું. 
 इच्छाद्वेषसमुत्थेन એટલે ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલું. આ દ્વંદ્વને કારણે એ અર્થમાં વાપરવામાં આવ્યું છે. 
 આખા શ્લોકનો અર્થ છે - ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થનારા દ્વંદ્વના મોહથી બધા સજીવો અત્યંત સંમોહિત અવસ્થામાં જાય છે. 

આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સંપૂર્ણ થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.

                       ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥

ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ॥૭॥