विवेचन सारांश
શ્રદ્ધા ભક્તિ

ID: 6511
गुजराती - ગુજરાતી
શનિવાર, 01 માર્ચ 2025
પ્રકરણ 12: ભક્તિ યોગ
1/2 (શ્લોક 1-10)
વિવેચન: ગીતા વિશારદ ડો. શ્રી સંજય માલપાણી જી


શ્રીકૃષ્ણની પ્રાર્થના સાથે શરૂઆત થઇ. દીપ પ્રજવલન થયું. ગુરુ વંદના સાથે વિવેચનની શરૂઆત કરી.

છેલ્લા 38 વર્ષોથી પરમ પૂજ્ય સ્વામીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે ગીતા પરિવારનું સંચાલન કરીએ છીએ. આવો આપણે તેમની સૂક્ષ્મ ઉપસ્થિતિને અને પૂરેપૂરી ગુરુ પરંપરાને વંદન કરીએ. એ મારું પરમ સૌભાગ્ય છે કે આપ જેવા હજારોની સંખ્યામાં સાધકોની સમક્ષ ગીતાજીના અધ્યાય ૧૨નું વિવેચન કરવાની મને તક મળી છે. આમ તો ઘણી વખત આ પ્રવચન મેં, આશુભૈયાએ અને ઘણા લોકોએ કર્યું છે, પણ રેકોર્ડ કરેલો વિડિયો બતાવવો ગીતા પરિવારમાં પ્રતિબંધિત છે. અમે સ્વામીજી ને કહ્યું કે વારેવારે આ જ વસ્તુ કહેવી તો એના કરતા આપણે રેકોર્ડેડ વીડીયો બતાવી દઈએ, ત્યારે સ્વામીજીએ કહ્યું નહીં, આને તમારે વારંવાર કહેવું જોઈશે કારણ કે જેટલી વાર તમે કહેશો તેટલી વાર લોકોના કાનમાં જશે. તમારા મનમાં પણ જશે. તમારા મનમાં જવું વધુ અગત્યનું છે. કારણકે લોકોએ શું લીધું, શું ન લીધું તેની ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી જ ચિંતા કરવી જોઈએ અને આપણા મનને સમજાવવા માટે આને તમારે વારેવારે કહેવું પડશે. ગીતાજી વાંચો, વંચાવો અને જીવનમાં લાવો. આમ સ્વામીજીએ કહી દીધું કે તમારે વારેવારે તેને કહેવી પડશે. અમે છેલ્લા ચાર પાંચ વર્ષોથી આ વસ્તુ વારંવાર કહેતા આવીએ છીએ. પણ તમને સાચું કહું તો દરેક વખતે કંઈક નવું બહાર આવે છે. અને હકીકતમાં જે વાત સ્વામીજીએ કહી તે વાત સાચી થતી નજર આવે છે કે આપણે પણ કંઈક નવું શીખતા જઈએ છીએ. પરંતુ મારા જેવા ધંધાકીય વ્યક્તિને ભગવદ્ગીતામાં આ રીતે રસ ઉત્પન્ન કરવો અને ભગવદ્ગીતા વાંચવા માટે તૈયાર કરવો અને કંઠસ્થ કરવા માટે તૈયાર કરવો એ સ્વામીજીની કૃપા છે. મેં મારી પચાસ વર્ષની ઉંમરે પુરા ગીતાજી કંઠસ્થ કર્યા. હું જ્યારે તેને કંઠસ્થ કરી રહ્યો હતો ત્યારે અનેક લોકોએ ભગવદ્ગીતા પર લખેલી ટીકાઓ વાંચતો હતો કે આ શ્લોક વિશે આમણે શું લખ્યું છે? તેમણે શું લખ્યું છે? અને હકીકતે લાગ્યું કે જેટલું વ્યવસ્થાપન હું મારા જીવનમાં શીખ્યો જેમ કે અમે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ઉત્પન્ન કરીએ છીએ, થીમ પાર્ક, વોટરપાર્ક, ચલાવીએ છીએ, રીયલ એસ્ટેટમાં કામ કરીએ છીએ, ઘણી બધી સ્કૂલ-કોલેજો ચલાવીએ છીએ, લગભગ બધા જ વ્યવસાયમાં સાડા આઠ હજાર લોકો કામ કરે છે. આ બધા ઉદ્યોગોની વચ્ચે રહેવાવાળા આ ઉદ્યમીને ભગવદ્ગીતા વાંચ્યા પછી ખ્યાલ આવ્યો કે આ તો બધા જ મેનેજમેન્ટ માટે એકદમ ઉત્તમ પુસ્તક છે, ગ્રંથ છે.  સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. આ સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ જગાવવાવાળો ગ્રંથ છે. આ સર્વશ્રેષ્ઠ ભક્તિ જગાવવાવાળો ગ્રંથ છે. આ આપણા અસંયમિત મનને સંયમિત કરીને સમત્વની દિશામાં લઈ જવાવાળો ગ્રંથ છે. આપણા જીવનના દુઃખ, શોકમાં, આનંદનો વરસાદ કરવાવાળો ગ્રંથ છે અને આપણા અંતરમનમાંથી નિરંતર આનંદનો પ્રવાહ વહેતો રહે તેવી વ્યવસ્થા કરવાવાળો ગ્રંથ છે. બસ આપણે એક-એક પંક્તિને ધ્યાનથી વાંચવી જોઈએ અને તેને જીવનમાં લાવવાનો  પ્રયત્ન કરવો જોઈએ. કેવી રીતે બેસવું જોઈએ? કેવી રીતે ઊભા રહેવું જોઈએ? ભગવદ્ગીતામાં આ બધા માટે મંત્ર છે. શ્વાસ કેવી રીતે લેવો જોઈએ? તે પણ ભગવદ્ગીતા શીખવે છે. આપણા મનની સ્થિતિને કેવી રાખવી છે? શું ખાવું છે? શું નથી ખાવું? કેટલી વાર સૂવાનું છે? અને કેટલી વાર નથી સૂવાનું? દરેક વાત ભગવદ્ગીતા શીખવે છે. જીવનનું વ્યવસ્થાપન કરવાની વાત ગીતા શીખવે છે. આજે આપણે જે ૧૨મા અધ્યાયનું વિવેચન કરવાના છીએ. ઘણા પૂછે છે કે સીધું બારમા અધ્યાયથી કેમ શરૂ કર્યું? પહેલા અધ્યાયથી શરૂ કરવું જોઈએ ને! પણ આનું કારણ છે, સૌથી પહેલા તો બારમો અધ્યાય સૌથી નાનો અધ્યાય છે. ફક્ત ૨૦ શ્લોકોનો અધ્યાય. એટલે જેને કંઠસ્થ કરવામાં પણ વધુ સમય નથી લાગતો. બીજી વાત : બોલવામાં આ સૌથી સહેલો અધ્યાય છે. દરેક શબ્દ સૌથી સહેલા છે. આજે આપણે ચિંતન કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ તો રોજબરોજની ભાષામાં વપરાતા શબ્દો છે. પણ જો તે શબ્દોને છોડી-છોડીને વાંચીશું તો તમને તરત જ એનો અર્થ સમજમાં આવી જશે. અને એનાથી પણ મહત્વની વાત : આખી ભગવદ્ગીતાનો જો સાર હોય તો તે આ ૧૨મો અધ્યાય છે. આ “ભક્તિયોગ” સમજમાં આવી જાય તો ભગવદ્ગીતા સમજમાં આવી જાય. એટલે જ આ સૌથી સુંદર અધ્યાય છે. વાંચવો તો સૌથી સરળ, પણ જીવનમાં ઉતારવો તો તેનાથી પણ વધુ સરળ. અને એટલે જ ૧૨મો અધ્યાય સૌથી પહેલા શીખવવામાં આવે છે. પછી શીખવવામાં આવશે ૧૫મો અધ્યાય. આગળના લેવલમાં થોડા અઘરા અધ્યાય શરૂ થશે. પણ એકવાર આપણને સમજમાં આવી જાય કે કઈ રીતે આપણે ભગવદ્ગીતા વાંચવાની છે પછી કોઈ મુશ્કેલી રહેતી નથી. આગળના અધ્યાય પણ બહુ જ સરળતાથી તમે લોકો વાંચવાનું શરૂ કરી શકો છો. આ બારમાં અધ્યાયની શરૂઆત અર્જુને કરી છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો. મારા મનમાં તો ઘણી વખત આવે છે કે હકીકતમાં તો અર્જુનને ધન્યવાદ કહેવું જોઈએ કે તમે અમારા મનના પ્રશ્નો પૂછી લીધા છે અને આપણને સરળ જવાબ સીધા ભગવાન પાસેથી મળી ગયા. કારણકે બાકીના બધા ગ્રંથો ઋષિમુનિઓએ લખ્યા છે. એકમાત્ર આ ગ્રંથ એવો છે કે જે સ્વયમ ભગવાન બોલે છે. બાકીના બધા ગ્રંથ વન, ઉપવન, આશ્રમમાં લખવામાં આવ્યા છે. બધા ઉપનિષદો, બધા પુરાણો, આશ્રમમાં, નદીના કિનારે લખવામાં આવ્યા છે. હિમાલયની વાદીઓમાં લખવામાં આવ્યા છે. પણ ગીતા એકમાત્ર ગ્રંથ એવો છે કે જે યુદ્ધ ભૂમિમાં કહેવામાં આવ્યો છે. આપણા જીવનમાં તો રોજ યુધ્ધ જ છે ને? સવારથી સાંજ સુધી આપણે યુદ્ધ જ કરીએ છીએ. હું વ્યવસાય કરું છું, તમે કંઈ બીજું કામ કરતા હશો, ગૃહિણી હશો તો ઘર ચલાવતી હશે આ બધા યુદ્ધ ચાલી જ રહ્યા છે.

આપણે ત્યાં તુકારામ મહારાજ નામના એક સંત થઈ ગયા તેમણે કહ્યું,

                      रात्रंदिन आम्हा युद्धाचा प्रसंग।
                     अंतर्बाह्य जग आणि मन।।

                     जिवाहि आगोज पडती आघात।
                     येऊनिया नित्य नित्य वारि।।

આપણે ત્યાં રાત દિવસ યુદ્ધનો પ્રસંગ છે. અને ફક્ત બહાર નહીં, અંદર પણ મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. અર્જુનને પણ આમ જ થયું છે. અર્જુનના મનમાં જે યુદ્ધ થયું તે મહાભારતના યુદ્ધ કરતા વધુ મોટું છે. મહાભારતનું યુદ્ધ તો અર્જુન માટે સરળ હતું. એકલા અર્જુને બધા જ કૌરવોનો ઘણી વખત પરાજય કરેલો. જે યક્ષનો પરાજય કૌરવો નહોતા કરી શક્યા, તેવા યક્ષોનો પરાજય અર્જુને કરેલો. ગંધર્વનો પરાજય એકલા અર્જુને કરેલો છે. સો કૌરવો અને એક કર્ણ મળીને પણ જે ગંધર્વને રોકી ન શકેલા અને એ ગંધર્વે પાંડવોના વનવાસ સમયે કૌરવોની બધી પત્નીઓ જે આભૂષણો-અલંકારોથી સુસજ્જિત હતી, આ બધી પત્નીઓને લઈને જ્યારે ગંધર્વ જઇ રહ્યા હતા, તો કેટલાક ગંધર્વોએ કૌરવોને રોકી લીધા. મોટું યુદ્ધ થયું. કૌરવોનો એટલો ખરાબ પરાજય થયો, હાર થઈ કે તેઓને રસી વડે બાંધીને રથની પાછળ બાંધીને રથને દોડાવીને કૌરવોને પરેશાન કરી નાખ્યા. કારણ કે તેઓને તેમની અલંકૃત થયેલી પત્નીઓનું અપહરણ કરવાનું હતું. એમને એટલું બધું સોનું મળવાનું હતું અને આટલી સુંદર મહિલાઓ પણ મળવાની હતી. અને પર્ણકૂટીમાં રહેલા પાંડવોને કોઈએ જણાવ્યું કે ગંધર્વોએ કૌરવો સાથે આવું કર્યું છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે તરત જ ભાઈઓને કહ્યું કે તમે આ બધાને બચાવો. ભીમ કહે છે અરે ભાઈ! તમે આ શું વાત કરો છો? તેઓને ખૂબ ખરાબ રીતે હરાવ્યા છે તો સારું જ છે ને! કાંટાથી કાંટો નીકળી જશે. ધર્મરાજ તો ધર્મરાજ હતા! તેઓએ કહ્યું નહીં, આ ખોટી વાત છે. આપણો જે ઝઘડો છે તે આપણા ઘરની અંદર. પણ કુરુવંશ ઉપર જ્યારે વાત આવે છે ત્યારે આપણે ૧૦૫ હોઈએ છીએ. ફક્ત પાંચ કે સો નહીં. જાઓ અને આપણા ભાઈઓને બચાવો. અર્જુન અને ભીમ ત્યાં પહોંચ્યા અને ભીમે રસ્તો રોકી લીધો. ગંધર્વ સેના રોકાઈ ગઈ. અને અર્જુને શસ્ત્ર વર્ષા શરૂ કરી, બાણ ચલાવવાનું ચાલુ કર્યું. અને એકલા અર્જુને બધા જ ગંધર્વોને પરાજિત કરી પોતાના ભાઈઓ, ભાભીઓને છોડાવ્યા. આ કોઈ એક પ્રસંગ નથી. આવા તો ઘણા પ્રસંગો છે. ક્યારેક બાકીના પ્રસંગો પણ કહીશ. આવા અર્જુનને કંઈ યુદ્ધથી ડર નહોતો લાગતો. અર્જુન તો વીર છે, મહાવીર છે, સર્વ પ્રતાપી છે, રથી છે, મહારથી છે, આવા અર્જુન ફક્ત ૧૧ અક્ષૌહિણી સેના ને જોઈ ને ડરી જાય એવી વાત હતી જ નહીં. કે ૧૧ અક્ષૌહિણી સેના છે, હું કઈ રીતે લડીશ? આવો કોઈ ભાવ ન હતો. ભાવ તો એ હતો કે આ બધા મારા સગા સંબંધીઓ છે. એમને હું કેવી રીતે મારું? આ ભાવ હતો અને એટલે જ સમજવાની વાત એ છે કે આ ગ્રંથની પૂર્વભૂમિકા બે સેનાઓ જ્યારે સામસામે ઉભી છે તેની વચ્ચોવચ અર્જુનના મનમાં જે પ્રશ્નો ઉત્પન્ન થાય છે તેનો જવાબ સ્વયં ભગવાન આપી રહ્યા છે અને અર્જુનના પ્રશ્નો એટલે પણ મહત્વપૂર્ણ છે કે અર્જુન એક તરફ મૃત્યુ અને એક તરફ જીવનની વચ્ચે ઊભેલો છે. અને જ્યારે વ્યક્તિ એક તરફ જીવન અને એક તરફ મૃત્યુની વચ્ચે રહેલ હોય ને ત્યારે મનની અંદર ઉત્પન્ન થતા પ્રશ્નો ખૂબ જ મૂલ્યવાન હોય છે. 

હાલમાં જ એક નર્સ દ્વારા લખાયેલું એક પુસ્તક મારા વાંચવામાં આવ્યું. એ નર્સે ઘણા દર્દીઓની સેવા કરેલી ને મરનારા રોગીઓને તે પ્રશ્નો પૂછતી કે તમારું મંતવ્ય શું છે? તમારી કઈ ઈચ્છા અધૂરી રહી ગઈ? અને લોકોએ જે-જે વાતો બતાવી તે તેણીએ તે પુસ્તકમાં લખી. વાંચીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈશું કે મરતી વખતે લોકોના મનમાં કેવા-કેવા વિચારો આવે છે? તે વિચારો ખૂબ જ મૂલ્યવાન હોય છે. એટલે અર્જુનના પ્રશ્નો ખૂબ જ મૂલ્યવાન છે. અર્જુને બારમા અધ્યાયમાં પહોંચીને પ્રશ્ન કર્યો, ૧૧માં અધ્યાયમાં તેણે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોયું છે. દસમાં અધ્યાયમાં વિભૂતિઓ સાંભળી છે અને વિરાટ રૂપ જોયા પછી અર્જુન આ પ્રશ્ન પૂછી રહ્યો છે.

 



12.1

અર્જુન ઉવાચ
એવં(મ્) સતતયુક્તા યે, ભક્તાસ્ત્વાં(મ્) પર્યુપાસતે।
યેચાપ્યક્ષરમવ્યક્તં(ન્), તેષાં(ઙ્) કે યોગવિત્તમાઃ॥૧૨.૧॥

જે અનન્ય પ્રેમી ભક્તજનો, હમણાં આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપનાં ભજન-ધ્યાનમાં રચ્યા- પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો, જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે- એ બન્ને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ છે ?

 જે સતત તારામાં યુક્ત રહીને, તારી જ આરાધના કરે છે, ઉપાસના કરે છે,ઉપાસના પણ ખૂબ જ સુંદર શબ્દ છે. ઉપાસના શબ્દ જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ છીએ તો “ઉપ” અને “આસન” બે શબ્દ આવે છે. ઉપ એટલે બાજુમાં, આસન એટલે બેસવું. બાજુમાં બેસીને, કોની બાજુમાં? ભગવાનની બાજુમાં બેસીને જે સતત તારી ઉપાસના કરે છે, દિવસ રાત જે પોતાના ઈષ્ટને હૃદયમાં ધારણ કરીને સતત તેની બાજુમાં બેસે છે, ઉપાસના કરે છે, આવા ભક્ત તને પ્રિય છે કે પછી જે અવ્યક્તની ઉપાસના કરે છે, અક્ષરની ઉપાસના કરે છે, “અક્ષર” અને “અવ્યક્ત” આ બે શબ્દો છે. અવ્યક્ત અને અક્ષર શું છે? અક્ષર એટલે જેનો ક્ષય થતો નથી અને અવ્યક્ત એટલે કે જે વ્યક્ત થતો નથી, દેખાતો નથી. જેનું સાકાર સ્વરૂપ આપણે જોઈ શકતા નથી. આવા તે પરમ પિતા અક્ષર પરમ બ્રહ્મને જે માને છે તેનું જ ધ્યાન કરે છે. આ બેમાંથી ઉત્તમ શું છે? શ્રેષ્ઠતમ એવા યોગી કોણ છે? સગુણ સાકારની ઉપાસના કરવાવાળા ભક્ત કે પછી નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવાવાળા ભક્ત બંનેમાંથી સર્વ શ્રેષ્ઠ કોણ છે? કયા ભક્ત તને સૌથી વધારે વહાલા છે? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો છે! જેમ કોઈ “મા”ને કોઈ પ્રશ્ન પૂછી લે કે તને તારો મોટો દીકરો વહાલો છે કે નાનો દીકરો વહાલો છે? તેને તો મોટો દીકરો અને નાનો દીકરો બંને એટલા જ વહાલા છે. પેલો કહે છે, નહિ, તું મને એ બતાવ કે તને વધુ પ્રિય કોણ છે તેને હું તારી પાસે રાખીશ બીજાને હું મારી સાથે લઈ જઈશ! આવી સ્થિતિમાં “મા” શું કહે છે? મા તો એમ જ કહે છે ને કે નાનાને મારી પાસે છોડી દો કારણ કે નાનકાને કંઈ ખબર પડતી નથી. તેને ભૂખ લાગે તો પણ તે રડે છે, મચ્છર કરડે તો પણ તે રડે, તેણે પથારી ભીની કરી નાખી તો પણ તે રડે છે, અને તેના દરેક રડવાનો અવાજ હું સમજુ છું કે હવે મારા બાળકને ભૂખ લાગી છે, તેને દૂધ પીવડાવવાનો સમય થઈ ગયો છે. તે બોલી શકતો નથી. આ મોટો તો બોલી દેશે, તેને ભૂખ લાગે તો કહે છે મને ભૂખ લાગી છે. પણ નાનો સંપૂર્ણ રીતે મારા પર આશ્રિત છે. એટલે નાનકડાને મારી પાસે મૂકીને જાઓ. જેવું “મા”નું હૃદય તેવું જ ભગવાનનું હૃદય અને ભગવાને જે ત્વરિત જવાબ આપ્યો છે તે બીજા શ્લોકમાં ખ્યાલ આવે છે ભગવાને કહેવાનું શરૂ કર્યું.

12.2

શ્રીભગવાનુવાચ
મય્યાવેશ્ય મનો યે માં(ન્), નિત્યયુક્તા ઉપાસતે।
શ્રદ્ધયા પરયોપેતાઃ(સ્), તે મે યુક્તતમા મતાઃ॥૧૨.૨॥

મારામાં મનને પરોવીને નિરંતર મારા ભજન- ધ્યાનમાં રચ્યા- પચ્યા રહેનાર જે ભકતજનો, અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને, મુજ સગુણસ્વરૂપને ભજે છે, તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૂપે માન્ય છે.


 મારી અંદર, દરરોજ, હર ક્ષણ મારામાં જે મનને એકાગ્ર કરે છે, જેના હૃદયમાં હંમેશા ભગવાન વસેલા છે, જે પોતાનું મન જ મારી અંદર નાખી દે છે અને નિરંતર મારા ભજન, મારા ધ્યાનમાં લાગ્યો રહે છે, એમ જ નહીં, પૂરી શ્રદ્ધા સાથે એ ભક્ત મને અતિશય પ્રિય છે. આપણે લોકો ભગવાનને પ્રણામ પણ બીકના માર્યા કરીએ છીએ. હું લોકોને જોઉ છું. મંદિરની બહારથી નીકળે છે, ત્યાંથી નીકળતાં-નીકળતાં ભગવાનના મંદિર તરફ જુએ છે, અને ત્યાંથી જ પ્રણામ કરી લે છે. કેટલાક લોકોને તો મેં ભગવાનને ફ્લાઈંગ કિસ આપતા જોયા છે. ભગવાન, મારો પ્રેમ સ્વીકાર કર. બહારથી જ મોકલી રહ્યો છું. આમ નહીં ચાલે. ભગવાન કહે છે, હંમેશને માટે, દિવસ-રાત, શ્વાસ ચાલે છે તો શ્વાસમાં પણ નામ સ્મરણ થવું જોઈએ. અંદર જતા શ્વાસ સાથે તથા બહાર નીકળતા શ્વાસ સાથે ભગવાનનું નામ આવવું જોઈએ. તેનો દરેક શ્વાસ ભગવાન માટે છે. આ સર્વ શ્રેષ્ઠ શ્રદ્ધા છે. કોઈ ડગાવી ન શકે તેવી શ્રદ્ધા. ભગવાનથી ડર ન હોવો જોઈએ. ભગવાન પાસે એટલો સમય નથી કે તમારું કંઈ ખરાબ કરે. ભગવાન તો માત્ર પ્રેમ વહેંચવા માટે બેઠા છે. ક્યારેક કોઈ વખત તમારી સાથે ખરાબ થાય અને જો તમને એમ લાગે છે કે ભગવાને ખરાબ કર્યું છે, નહીં. કોઈ બનાવ બને છે ત્યારે તમને લાગે છે કે તમારી સાથે ખરાબ થયું છે પણ સમયાંતરે એ પણ સિદ્ધ થઈ જાય છે કે તે વસ્તુ તમારા સારા માટે જ હતી. જે કંઈ થયું તે સારું જ થયું. ભગવાનની જ યોજના હતી અને એટલે જ ભગવાન પરની શ્રદ્ધા ક્યારેય ઓછી થવા દેશો નહીં. મારી સાથે જ આવું કેમ થાય છે? હવે હું ભગવાનને નહીં માનું. અરે શું વાત કરો છો? ભગવાન તો તને ખૂબ જ ખૂબ જ પ્રેમ કરે છે. અને જે ભક્ત ભગવાનને પ્રેમ કરે છે તેની સાથે ભગવાન નિરંતર ચાલતા રહે છે. 

એક ભક્તના સ્વપ્નમાં ભગવાન આવી ગયા અને કહેવા લાગ્યા કે ચાલ હું તને તારો જીવન પ્રવાસ બતાવું છું. ભક્તનો હાથ પકડીને પોતાની સાથે ચલાવ્યો. સમુદ્રની મુલાયમ રેતી પર જ્યારે ભગવાન ચાલી રહ્યા હતા ત્યારે તે ભક્તને પોતાના બે પગલાં અને બાજુમાં બીજા બે પગલાં સાથે જોવા મળ્યા. ભગવાને કહ્યું કે આ બે પગલાં તારા છે. ત્યાંરે ભક્તે પૂછ્યું કે બાજુમાં જે બે પગલાં છે તે શું મારી પત્નીના છે ? ભગવાન કહે અરે પાગલ, તે તારી પત્નીના નથી પણ તે મારા પગલાં છે. હું તારો હાથ પકડીને તને ચલાવી રહ્યો હતો. તે વખતે ભગવાનના ચરણ સ્પર્શ કરી લીધા કે ભગવાન તમારી કેટલી કૃપા છે મારા પર. તમે મારો હાથ પકડીને મને ચલાવી રહ્યા હતા! અને જ્યારે ઢાળ ચડવાનો શરૂ થયો ત્યારે ફક્ત બે જ પગલાં તેને જોવા મળ્યા તો ભક્તે ભગવાનને પૂછ્યું કે આ શું વાત છે? જ્યારે મુલાયમ રેતી હતી ત્યારે તો તમે મને હાથ પકડીને ચલાવતા હતા, પણ જ્યારે ચઢાણ આવ્યું કે જેમાં કાંટા, પથરા પણ છે ત્યારે ફક્ત મારા જ બે પગલાં દેખાય છે! તમે ક્યાં ચાલ્યા ગયા હતા? ત્યારે ભગવાન હસવા લાગ્યા અને તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, અરે પ્યારા, તે બે પગલાં તારા નથી, તે બે પગલાં તો મારા છે. એ સમયે મેં તને મારા હાથોમાં ઉપાડી લીધેલો. તને આ કાંટા, પથ્થરનું કષ્ટ ન પડે, તને ન ખૂંચે, એટલે મેં તને ઉપાડી લીધો હતો.

         योगक्षेमं वहाम्यहम्।।

 ભગવાન હંમેશા આપણાં યોગક્ષેમનું વહન કરે છે. આટલી અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. આ શ્રદ્ધા સાથે મને સગુણ સ્વરૂપે પરમેશ્વર તું માન. અહીં કૃષ્ણ એમ નથી કહેતા કે મને માન. તે સમયે કૃષ્ણ એક માધ્યમ છે. પરમતત્વ ભગવાન શ્રીકૃષ્ણના મુખથી તેમની વાણી સંભળાવી રહ્યા છે. કારણકે યુદ્ધ સમાપ્ત થયા પછી ફરી એકવાર અર્જુને કહેલું ભગવાનને કે એક વખત ફરીથી ગીતાજી સંભળાવો ને! ભગવાને કહ્યું મને ક્યાં યાદ છે કે મેં તને શું સંભળાવેલું! એ સમયે આવી ગયું તે મેં તને બોલી દીધું. પરમતત્વ ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદથી શબ્દો પ્રસ્ફૂટીત થવા લાગ્યા. તેનું નામ છે ભગવદ્ગીતા. ભગવાન કહે છે તું સગુણ સ્વરૂપને માન પછી તે રામ છે કે કૃષ્ણ છે, જે સગુણ સ્વરૂપની આમ ઉપાસના કરે છે, તે યોગીઓમાં સર્વશ્રેષ્ઠ યોગી છે આવો મારો મત છે. અહીં ભગવાને એ સ્પષ્ટ કહી દીધું કે જે સગુણ સ્વરૂપની ઉપાસના કરવાવાળા છે તે મને ખૂબ જ વ્હાલા છે પણ પછી ભગવાને પોતાની વાતને થોડી સંભાળી અને આગળના ત્રીજા  અને ચોથા શ્લોકમાં કહ્યું કે એવી વાત નથી કે નિર્ગુણ નિરાકારની પૂજા કરતા હોય તે મને પ્રિય નથી. તેઓ પણ મારા સુધી પહોંચે જ છે. પણ કંઈક વાત છે જે ભગવાન આગળ સમજાવે છે.


12.3

યે ત્વક્ષરમનિર્દેશ્યમ્, અવ્યક્તં(મ્) પર્યુપાસતે।
સર્વત્રગમચિન્ત્યં(ઞ્) ચ, કૂટસ્થમચલં(ન્) ધ્રુવમ્॥૧૨.૩॥

પરંતુ જે ભક્તો અક્ષર, અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વગત, અચિન્ત્ય, કૂટસ્થ, અચલ, અને ધ્રુવ ની ઉપાસના કરે છે.અનિર્દેશ્ય - જેનો નિર્દેશ ન થઈ શકે.અવ્યક્ત - જેનું વર્ણન ન કરી શકાય.કૂટસ્થ - નિર્વિકાર બ્રહ્મ.

12.3 writeup

12.4

સન્નિયમ્યેન્દ્રિયગ્રામં(મ્), સર્વત્ર સમબુદ્ધયઃ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ, સર્વભૂતહિતે રતાઃ॥૧૨.૪॥

ઇન્દ્રિયો ના સમુદાય ને સારી રીતે વશમાં કરી ને સૌ માં સમાન ભાવ રાખનારા તથા સઘળાં ભુતોના હિતમાં રત રહેનારા ભક્ત મને જ પામે છે.

 જે અક્ષર છે, જેનો ક્યારેય ક્ષય થતો નથી તેવા પરમતત્વ નિર્ગુણ નિરાકાર સ્વરૂપની આરાધના કરે છે, આ શરીર ઇન્દ્રિયોનું ગ્રામ છે. તેમાં કેટલી બધી ઇન્દ્રિયો છે. અષ્ટાંગ યોગમાં યમ સૌ પહેલા છે, પછી નિયમ, પછી આસન-પ્રાણાયામ, પછી પ્રત્યાહાર-ધારણા અને પછી ધ્યાન અને સમાધિ. યમ છે તે પોતાની બધી ઇન્દ્રિયોનું સંયમન કરે છે. જેમાં સ્વરૂપના ચિંતનનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી કારણ કે તે ચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેનો અનુભવ પ્રહલાદને થયો હતો. પ્રહલાદજી કહે છે કે ભગવાન ક્યાં છો તમે? મારા પિતાજી પૂછી રહ્યા છે. હિરણ્યકશિપુએ પૂછ્યું કે પ્રહલાદ, તારા ભગવાન ક્યાં છે? મને બતાવ. પ્રહલાદ જવાબ આપે છે કે તે સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. અહીં પણ છે, ત્યાં પણ છે. શું આ સ્તંભ માં છે? હા, તે દરેક જગ્યાએ છે. હિરણ્યકશીપુએ થાંભલા પર લાત મારી. પણ તે નિરાકારને સમજી શકત નહીં, એટલે નિરાકાર ભગવાને આકાર ધારણ કરવો પડ્યો. પોતાના ભક્તની વાત રાખવા માટે, પ્રહ્લાદની વાત રાખવા માટે તેમણે તે થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. સ્તંભ તૂટી ગયો અને અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. જેનું મુખ સિંહનું છે અને શરીર નરનું છે. આવું કેમ કારણ કે ભગવાન બ્રહ્માએ હિરણ્યકશીપુને આશીર્વાદ આપેલા. ખૂબ ઉગ્ર તપસ્યા કરી હિરણ્યકશીપુએ આશીર્વાદ પ્રાપ્ત કરેલા કે મને અમરત્વ જ જોઈએ. જ્યારે બ્રહ્માજીએ કહ્યું કે એ ન થઈ શકે. કંઈક બીજું માંગી લે. હિરણ્યકશીપુ ખૂબ હોંશિયાર હતો. તેણે માગ્યું : મને ન તો કોઈ માનવ મારી શકે કે ન તો કોઈ દાનવ મારી શકે, ન કોઈ દેવ મારી શકે કે ન કોઈ જાનવર. ન કોઈ મને શસ્ત્રથી મારી શકે કે ન કોઈ મને અસ્ત્રથી મારી શકે, ન કોઈ મને રાત્રે મારી શકે કે ન કોઈ મને દિવસે મારી શકે, ન કોઈ ઘરની અંદર મારી શકે કે ન કોઈ ઘરની બહાર મારી શકે મને આવું જીવન આપો. અમરત્વ પ્રાપ્ત કરવા માટે આટલું માંગી લીધું. ત્યારેભગવાને કહ્યું તથાસ્તુ. અને જ્યારે તેનો સમય આવ્યો ત્યારે ભગવાન વિષ્ણુ નરસિંહ રૂપમાં પ્રગટ થાય છે. અને તે ન તો નર છે, કે ન તો પશુ છે, પોતાના નખ દ્વારા તેનું પેટ ચીરે છે, ન કોઈ અસ્ત્ર છે કે ન કોઈ શસ્ત્ર, સાંજનો સમય છે, ન સવાર છે કે ન રાત્રી છે, ઘરની વચ્ચોવચ ઘરના ઉંબરા ઉપર બેસીને તેને મારે છે. ન તો ઘરની અંદર છે કે ન તો ઘરની બહાર છે. પણ પ્રહલાદની વાત રાખવા માટે જેણે સમત્વ બુદ્ધિથી સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત એવા ભગવાનને પોકાર્યા હતા, એણે સગુણ સ્વરૂપમાં પ્રગટ થવું પડ્યું. હંમેશા એક રસ રહેવાવાળા પ્રહ્લાદની શ્રદ્ધા અચળ છે. તેમની અક્ષર સ્વરૂપમાં, નિરાકાર સ્વરૂપમાં આ પ્રકારની શ્રદ્ધા બધા ભૂતમાત્રના હિતની વાત કરે છે. તેમને ભૂતમાત્રમાં ભગવાનનું સ્વરૂપ દેખાય છે. બધામાં સમાન ભાવથી જ જુએ છે. આગળના શ્લોકમાં ભગવાને વધુ એક વાત કહી દીધી જે સમજવી થોડી અઘરી છે. ભગવાને કહ્યું,

12.5

ક્લેશોऽધિકતરસ્તેષામ્, અવ્યક્તાસક્તચેતસામ્।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં(ન્), દેહવદ્ભિરવાપ્યતે॥૧૨.૫॥

પણ સચ્ચિદાનંદઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે; કારણકે દેહાભિમાનીઓ વડે અવ્યક્તવિષયક ગતિ ઘણું દુ:ખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે.

  નિર્ગુણ નિરાકારમાં ધ્યાન લગાડવામાં ખૂબ વધુ મુશ્કેલી છે.  તેનામાં ધ્યાન લગાવવું અઘરું છે કારણ કે આપણે માનવ દેહમાં છીએ, પ્રકૃતિ તરફથી આપણને જે દેહ મળ્યો છે. એવા બીજા દેહને ભગવદ્ સ્વરૂપમાં જોવું ખૂબ સરળ થઈ જાય છે. જેમ આપણે અરીસામાં જોઈએ છીએ એજ રીતે ભગવાનનું સ્વરૂપ પછી તે રામના રૂપમાં હોય કે શ્રીકૃષ્ણના રૂપમાં હોય, હનુમંત રૂપમાં હોય કે વિષ્ણુ રૂપમાં હોય, ગણેશ રૂપમાં હોય  તેમને પ્રતિમામાં જોવું માનવ માટે થોડું સહેલું છે. પરંતુ તે સચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, હું જે ખુરશીમાં બેઠો છું તેમાં પણ છે, તે બંનેમાં છે ચર અને અચર. નિર્જીવ જેવી દેખાતી વસ્તુઓમાં પણ તે છે. પછી તે આ ટેબલ છે કે કોઈ પુસ્તક છે એ થોડું અઘરું છે. આપણે ત્યાં એક પ્રણાલી હતી, અરે! હજુ પણ છે કે જો ભૂલથી આપણો પગ કોઈ પુસ્તકને અડી જાય તો આપણે તે પુસ્તકને પ્રણામ કરતા કે તારી અંદર ભગવદ્તત્વ છે. અને ભગવદ્ગીતા તો સાક્ષાત કૃષ્ણનું વિગ્રહ રૂપ છે! આને શ્રીકૃષ્ણનું પુસ્તક વિગ્રહ કહે છે. સચરાચર સૃષ્ટિમાં તે વ્યાપ્ત છે પણ આ માનવું થોડું મુશ્કેલ છે અને નવી પેઢી માટે તો વધુ મુશ્કેલ છે. આપણાં ઋષિ કહીને ગયા છે કે દરેક નિર્જીવમાં પણ ભગવાનનો અંશ છે. પથ્થરમાં પણ પરમાત્મા વ્યાપ્ત છે.
મને એક વાર્તા યાદ આવી ગઈ તે હું કહી દઉં છું. સ્વામી શરણાનંદજી હતા. આ સ્વામી જન્મથી જ અંધ હતા. તેમને આંખો નહોતી. પણ તેમને દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત હતી. પરા કોટિના મોટા સંત હતા, તેઓ વૃંદાવનમાં રહેતા હતા. તેમના કેટલાક શિષ્યો તેમની સાથે રહેતા. રોજની માફક એક દિવસ આશ્રમમાંથી નીકળી સાંજના સમયે તેઓ ફરવા માટે ગયા. તેના બે ચાર શિષ્યો સાથે ગયા. અને પછી એક વૃક્ષ નીચે તેઓ બેસી ગયા.  તે વૃક્ષની નીચે એક પથ્થર પડેલો હતો. સ્વામીજી એ તેને ઉપાડી લીધો અને તે પથ્થરને તેઓ પંપાળવા લાગ્યા, તેની સાથે વાતો કરવા લાગ્યા! અને જ્યારે તેઓ નીકળવા લાગ્યા ત્યારે તે પથ્થરને કહ્યું કે કાલે હું ફરીથી આવીશ, મારી રાહ જોજે. આ લોકોને લાગ્યું કે સ્વામીજી ક્યારે શું કરે તે કંઈ નક્કી નહીં. મન મોજીલા છે, કંઈ પણ કરતા રહે છે. બધા પાછા આવી ગયા. બીજા દિવસે એ જ શિષ્યો સાથે હતા. સ્વામી શરણાનંદજી તે જ વૃક્ષની નીચે આવીને રોકાઈ ગયા. તે વૃક્ષની નીચે બેસી ગયા અને તે જ  પથ્થર ઉપાડ્યો કે જેને તેઓ ગઈકાલે પંપાળતા હતા. તેમને દૃષ્ટિ હતી નહીં, કંઈ દેખાતું નહોતું. તેમણે કહ્યું કે જો હું આવી ગયો. કાલે તને વચન આપ્યું હતું ને કે હું ફરીથી આવીશ! ફરી તેને પંપાળવા લાગ્યા. જેમાં સાથે એક તર્ક બુદ્ધિવાળો શિષ્ય હતો તેણે વિચાર્યું કે આ શું? જરૂર સ્વામીજી પગલાં ગણીને ચાલે છે. અમુક પગલાં ચાલ્યા પછી ડાબી તરફ જવાનું અને તે જ વૃક્ષ નીચે  બેસવાનું. આજે પણ નીકળતાં-નીકળતાં સ્વામીજીએ ફરીથી તે પથ્થરને કહ્યું કે કાલે મારી રાહ જોજે હું ફરીથી આવીશ. પ્રેમથી પથ્થરને ત્યાં મૂકી દીધો. પેલા તાર્કિક શિષ્યના મગજમાં આવ્યું કે સ્વામીજીની પરીક્ષા કરવી. સ્વામીજી પર તેને શ્રદ્ધા તો હતી, પરંતુ બુદ્ધિએ મનમાં શંકા ઉત્પન્ન કરી. અને તેણે તે પથ્થરને પોતાની સાથે ઉપાડી લીધો. અડધા રસ્તા પર જઈને તેને ડાબી તરફ ફેંકી દીધો. ત્રીજા દિવસે સ્વામીજી ફરવા માટે નીકળ્યા. આજે પેલો તાર્કિક શિષ્ય આગળ રહ્યો. આજે તો સ્વામીજીની પરીક્ષા થઈને રહેશે. સ્વામીજી ચાલવા લાગ્યા. ચાલતાં-ચાલતાં જે વૃક્ષની નીચે પેલા પથ્થરને ફેંકવામાં આવેલો ત્યાં જ રોકાઈ ગયા અને કહેવા લાગ્યા રે આ શું થયું? શું તને પગ આવી ગયા? તુંઅહીંયા આવીને કેમ રોકાઈ ગયો? તે જ પથ્થર પાસે પહોંચીને, તેને ઉપાડીને પંપાળવા લાગ્યા. હવે આ તાર્કિક શિષ્યે સ્વામીજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું મને માફ કરો. મેં તમારી પરીક્ષા કરી. પણ મને આ વિશ્વાસ નથી આવતો કે તમે પથ્થર સાથે વાત કરો, એ જ પથ્થરને વારેવારે ઉપાડો, આ કઈ રીતે શક્ય છે? તે મને સમજાવો. પથ્થરમાં પણ પેલું ભગવતતત્વ છે ને! પથ્થરમાં પણ તરંગો ઊઠે છે. અને મેં તે તરંગોને જગાડી દીધા. મેં જે પથ્થરથી પ્રેમ કર્યો, સ્નેહ કર્યો, તો એ પથ્થરમાંથી પણ મારા તરફ તરંગો આવવા લાગી અને એટલે જ બીજા દિવસે તે તરંગોએ જ મને તેના તરફ ખેંચ્યો અને ત્રીજા દિવસે તે જ્યાં પથ્થરને ફેંકી દીધેલો, ત્યાંથી તે તરંગોએ મને પોતા તરફ ખેંચ્યો. એટલે હું ત્યાં ચાલ્યો ગયો. બસ પથ્થરમાં પણ જીવ હોય છે, તેને જગાડવો પડે છે. વાસ્તવમાં સચરાચર સૃષ્ટિમાં તે વ્યાપ્ત છે. પણ આપણા જેવા લોકોને તેવામાં ખૂબ તકલીફ છે. જે રસ્તા પર ચાલવામાં પણ બહું જ તકલીફ છે. તેના માટે ખૂબ જ વિશેષ પ્રયત્ન કરવા પડશે. કારણ કે દેહાભિમાની માનવને જેને આ દેહ પ્રાપ્ત થયો છે, તેને નિર્ગુણ અને નિરાકારમાં કે જેને કોઈ આકાર નથી, જે દેખાતું નથી, અથવા જે લેબોરેટરીમાં પારખી શકાતો નથી, ફિઝિક્સની વ્યાખ્યામાં બેસતું નથી, વિજ્ઞાનને સમજમાં નથી આવતું, તે ભગવદ્તત્વને માનવું એ કોઈ સરળ વાત નથી. ભક્તિમાં તો સુખ જ સુખ છે, આનંદ જ આનંદ છે. ભક્તિ જેવો કોઈ રસ્તો નથી. નિર્ગુણ નિરાકારનો મામલો મુશ્કેલ છે. આપણે એમ માનીએ છીએ કે ભગવાન આપણને ભવસાગરમાંથી લઈ જશે અને તેના પર ભરોસો રાખી હોડીમાં  બેસી જઈએ છીએ. બહુ લાંબુ વિચારવાનું રહેતું નથી. કેવટની ભક્તિ પણ બધાને યાદ છે. રામાયણમાં આ વાર્તા આવે છે. જ્યારે વનવાસ માટે રામ, લક્ષ્મણ અને સીતાજી નીકળ્યા, રસ્તામાં ગંગા નદી પાર કરવાની હતી. જ્યારે ભગવાન ગંગાપાર કરવા ગંગા કિનારે કેવટ પાસે પહોંચ્યા અને કેવટને પ્રાર્થના કરી, અમને ગંગા પાર કરાવો ત્યારે કેવટ કહે છે, નહીં, અમે તમને ગંગા પાર નહીં કરાવીએ. ત્યારે ભગવાન કહે છે અરે તું બધાને ગંગાપાર કરાવે છે તો મને કેમ નહીં? ત્યારે કેવટ કહે છે અમે જાણીએ છીએ કે તમે ભગવાન શ્રીરામ છો, તમારા ચરણની રજ અડવાથી એક પથ્થર પણ મહિલા બની ગઈ. જો તમારા પગની રજ મારી નૌકાને અડે તો તેની પણ મહિલા બની જાય તો મારે તો મુશ્કેલી થઈ જાય! મારી રોજી રોટીનું સાધન છે તે જ છીનવાઈ જાય અને એક મહિલામાં પણ હું હેરાન થઈ જઉ છું તો બે મહિલાને કેવી રીતે સાચવું? વાસ્તવમાં વાલ્મીકિ રામાયણમાં પ્રસંગ આવો નથી. ભગવાને તે પત્થરને પગ નહોતો લગાડ્યો અને તે પત્થર હતો પણ નહીં. અહિલ્યા પત્થર જેવી બની ગઈ હતી કારણ કે તે ખૂબ જ તનાવમાં રહેતી, તેના પતિએ તેના પર આરોપ લગાવીને તેનો ત્યાગ કરી દીધેલો. તે ખૂબ જ હતાશામાં હતી. આવા અહિલ્યા માતાના દર્શન જ્યારે વિશ્વામિત્ર ઋષિએ કરાવ્યા, ત્યારે ભગવાન શ્રીરામે પોતાનું મસ્તક તેમના ચરણોમાં રાખેલું અને જે વાતો થઈ તેનાથી જ અહિલ્યા માતાના મન માં ફરીથી વિશ્વાસ જાગ્યો અને તે ઊભા થયા. પણ લોકોમાં એવી વાત પહોંચી કે પથ્થરને ભગવાનના ચરણનો સ્પર્શ થયો, કોઈએ કહ્યું ચરણસ્પર્શ થયો છે, કોઈ એ કહ્યું કે ચરણની ધૂળ લાગી ગઈ, કેવટ કહે છે કે મને ખ્યાલ છે કે તમારા ચરણોની ધૂળ લાગે તો પથ્થર પણ મહિલા બની જાય છે. મારી તો આ નૌકા છે. મારી આજીવિકાનું સાધન છે. તમારા ચરણોની ધૂળ લાગવાથી જો તે મહિલા બની જાય, મારું તો જીવવું મુશ્કેલ થઈ જશે. હું આપને ગંગા મૈયા પાર કરાવી શકીશ નહીં. પણ હા, જો ગંગા મૈયા પાર કરવા જ હોય તો મારી એક શરત છે. હું આપના ચરણો ધોઈશ. નદીમાંથી જળ લાવીશ અને આપના ચરણો હું ધોઈશ. બરાબર ઘસી ઘસીને ધોઈશ, રજકણનો એક પણ દાણો રહેવો ન જોઈએ. ભગવાને કહ્યું બીજો કોઈ ઈલાજ નથી. જે તારી ઈચ્છા છે તે કર. કેવટે પોતાની પત્ની, બાળકો બધાને બોલાવી લીધા, ભગવાન પધાર્યા છે બધાએ સાથે મળીને ભગવાનના પગ ધોયા, ઘસી-ઘસીને પગ ધોયા, ગાગર ભરી-ભરીને પાણી લાવ્યા, લક્ષ્મણ અને માતા સીતા બંને જોતા જ રહી ગયા કે આ શું થઈ ગયું? આજ સુધી પ્રભુએ તે બંનેમાંથી કોઈને ચરણોની સેવા કરવા દીધી નથી. અરે લગ્નમાં પણ વરપુજન સમયે સ્વસુરજીને પગ ધોવાની મંજૂરી આપી નથી. આજે કેવટ જુઓ ઘસી ઘસીને ભગવાનના પગ ધોઈ રહ્યો છે! અને તે પાણી પી પણ રહ્યો છે, પોતાના ઘરમાં છંટકાવ પણ કરી લાવ્યો છે, પોતે સ્નાન પણ તે પાણીથી કરી લીધું, બાળકોને પણ પીવડાવ્યું, નૌકામાં પણ પાણી છાંટી દીધું, આજે આ ભાગ્ય મળ્યું છે. ત્યારબાદ ભગવાને નૌકામાં પ્રવેશ કર્યો. નૌકા ચાલવા લાગી. નૌકા જ્યારે ચાલવા લાગી, ત્યારે ગંગા મૈયા પણ ઉછળવા લાગ્યા. કારણ કે ગંગા મૈયાને પણ ભગવાનના ચરણોમાં આવવું હતું. ચરણ સ્પર્શ કરવો હતો. નૌકા પાછળ જવા લાગી કારણ કે ગંગાનો પ્રવાહ વધી ગયો. કેવટ ગીત ગાવા લાગ્યો અને ગંગા મૈયાને સમજાવવા લાગ્યો કે ગંગાજી રોકાઈ જાઓ. માં, થોડી ધીરજ રાખો. અમારા મહારાષ્ટ્રમાં એક ગીત-રામાયણ લખવામાં આવ્યું છે. તેમાં આ પ્રસંગ પર ખૂબ પ્યારું ગીત લખવામાં આવ્યું છે.

नकोस नौके परत फिरू ग नकोस गंगे ऊर भरू
श्रीरामाचे नाम गात या श्रीरामाला पार करू…
 श्रीरामचाजय गंङ्गे।

ભગવાન રામની પણ જય હો, ગંગા માતાની પણ જય હો, હે ગંગાજી, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. આજે હું ભગવાનને ગંગા પાર કરાવવા લાવ્યો છું. ઉછળો નહીં. નૌકા તો પાર થઈ ગઈ. ભગવાન નીચે ઉતર્યા, માતા સીતા, લક્ષ્મણજી બધા નીચે ઉતર્યા. ભગવાને સીતાજી સામે જોયું પણ સીતાજીએ તો બધા જ ઘરેણાઓ નીકળતાં પહેલાં ત્યાં મૂકી દીધેલા. કેવટે ગંગા પાર કરાવી તો તેને કંઈ પારિશ્રમિક, મહેનતાણું તો આપવું જોઈએ ને! અને સીતા માતાના ધ્યાનમાં આવ્યું કે ભગવાન કેવટને કંઈક આપવા ઈચ્છે છે. સીતા માતાએ પોતાની વીંટી ઉતારી અને ભગવાન શ્રીરામના હાથમાં મૂકી કહ્યું કે લો, કેવટને આપી દો. ભગવાન કેવટને વીંટી આપવા લાગ્યા. કહે, આ તારા મહેનતાણાની રકમ છે. તું તે રાખી લે. કેવટ તો રડવા લાગ્યો અને કહે છે અરે આ શું કહો છો આપ? આ બની શકે નહીં. હું તે રાખીશ નહીં.  ખૂબ જ સદ્ભાગ્યથી તમે મારી નૌકામાં બેઠા હતા. તેનાથી વધુ મારે શું જોઈએ? ભગવાન કહે છે અરે નહીં કેવટ આ તારો ધંધો છે, તું રાખી લે. કેવટ કહે છે ના, હું નહીં રાખું. કેવટ રડી રહ્યો છે. બંને આંખોમાંથી ગંગા અને જમુના વહી રહી છે. ભગવાન એકદમ આગ્રહ કરવા લાગ્યા. નહિ કેવટ, રાખવું તો પડશે, મારો આગ્રહ છે, મારો આદેશ સમજી લે. તારે આ રાખવી પડશે. ના હું નહીં રાખું , હાથ જોડી દીધા. ભગવાને તેના હાથમાં વીંટી આપી દીધી. અને તે એકદમ ઊભો થઈ ગયો કે નહીં ભગવાન મારાથી આ પાપ નહીં થાય. એક જ વ્યવસાય કરવાવાળા વ્યક્તિ ઓ જો એકબીજાની મદદ કરી દે તો તેનું મહેનતાણું લેવાનું ન હોય. ભગવાન શ્રીરામને નવું લાગ્યું. એક જ વ્યવસાય? તું આ શું વાત કરે છે કેવટ! હું ક્ષત્રિય છું અને  યુદ્ધ કરવું મારું કર્તવ્ય છે. જ્યારે તું કેવટ છે. તો આપણા બંનેનો વ્યવસાય એક કેવી રીતે થયો? કેવટ કહે છે અરે ભગવાન! ભોળા ન બનો. આજે આપ મારા નૌકામાં ગંગાપાર કરવા આવેલા, એક દિવસ એવો પણ આવશે કે હું આપના દ્વાર પર આવીશ ત્યારે આપ મારી નૌકાને ભવ સાગર પાર કરાવી દેજો. ત્યારે મારી પાસે કશું માંગતા નહીં. આને ઉધાર રહેવા દો. હું જરૂરથી આવીશ. બસ મને ભવ સાગર પાર કરાવી દેજો. તમારી આ મૂર્તિ તો મારી આંખોમાં હંમેશા માટે સમાયેલી રહેશે. એ મારું ભાગ્ય છે કે આજે તમને ગંગાપાર કરાવવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયું. ભગવાન હું આ રાખી શકું નહીં. ભગવાનની આંખોમાં પણ આંસુ આવી ગયા તે કેવટની ભક્તિ જોઈને! સગુણ સાકારની ભક્તિ ખૂબ જ સહેલી છે. પણ નિર્ગુણ નિરાકારનું આ રીતે ચિંતન કરવું ખુબ મુશ્કેલ છે. ભગવાન કહે છે કે તારી આ વાત તો એકદમ સાચી છે તેમાં કોઈ શંકા નથી. પણ તે લોકો પણ મને જ પ્રાપ્ત થશે જેમાં કોઈ બેમત નથી. હવે ભગવાન સગુણ રૂપની ઉપાસનાનું મહાત્મ્ય સમજાવે છે.

 


12.6

યે તુ સર્વાણિ કર્માણિ, મયિ સન્ન્યસ્ય મત્પરાઃ।
અનન્યેનૈવ યોગેન, માં(ન્) ધ્યાયન્ત ઉપાસતે॥૧૨.૬॥

પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો, સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને, મુજ સગુણસ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતાં ભજે છે.

 અરે, જે મારામય રહેવાવાળા ભક્તજનો પોતાના સંપૂર્ણ કર્મોને મારામાં અર્પણ કરીને મારું એટલે કે સગુણ રૂપ પરમેશ્વરનું અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરે છે, ધ્યાન કરે છે, ઉપાસના કરે છે, ભજન કરે છે, તે લોકો સાથે હું શું કરું છું ખ્યાલ છે?

 


12.7

તેષામહં(મ્) સમુદ્ધર્તા, મૃત્યુસંસારસાગરાત્।
ભવામિ નચિરાત્પાર્થ, મય્યાવેશિતચેતસામ્॥૧૨.૭॥

મારામાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તોનો હે પાર્થ! હું સત્વરે મૃત્યુરૂપી સંસાર-સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું.

 હે અર્જુન! મારામાં ચિત્ત લગાવવાવાળા એ પ્રેમીજનોનો હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું.  કેવટે આજ વાત કરી હતી ને કે તે સમયે મારો ઉદ્ધાર કરી દેજો. સંસારના સાગરથી પાર થવાની વાત આવશે તો તમારે જ મને પાર કરાવવાનો રહેશે. મારો હાથ પકડજો. પણ આના માટે ભગવાન કહે છે કે શર્ત છે.

 




12.8

મય્યેવ મન આધત્સ્વ, મયિ બુદ્ધિં(ન્) નિવેશય।
નિવસિષ્યસિ મય્યેવ, અત ઊર્ધ્વં(ન્) ન સંશયઃ॥૧૨.૮॥

મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ; એ પછી તું મારામાં જ નિવાસ કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.

 તારી બુદ્ધિનું બધું જ રોકાણ મારામાં કર, નિવેશ તો તમે સાંભળ્યું હશે. બેંકમાં પૈસા મૂકીને આપણે રોકાણ કરીએ છીએ. તારી બુદ્ધિ પણ મારામાં જ લગાડ. આ બંને વાતો જ્યારે થશે તો તે મારામાં જ નિવાસ કરશે ને. તો પછી હું કોઈપણ જાતની શંકા વિના તેનો ઉદ્ધાર કરી દઉં છું. કોઈ ચિંતા જ નથી. પણ આપણી સમસ્યા એ છે કે આપણું મન તો ભગવાનમાં લાગી જાય છે, પણ બુદ્ધિ તે સ્વીકારતું નથી. બુદ્ધિ પ્રશ્ન ઉત્પન્ન કરે છે. કે શું આવું થઈ શકે? આ ગ્રંથમાં લખેલું છે પણ શું ખરેખર ભગવાન મારા સંકટ સમયમાં દોડીને આવશે? ભગવાન છે પણ ખરા કે નથી? આ મંદિરમાં છે કે પેલા મંદિરમાં છે? ઉપાસના કરવાથી આવશે? આ ઉપાસનાથી આવશે કે પેલી ઉપાસનાથી આવશે?  બુદ્ધિ આવા ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન કરે છે. ભગવાન કહે છે માફ કરજો! મારામાં મન લગાડશો પણ બુદ્ધિ નહિ લગાડો તો હું નહીં મળું. મન પણ મારામાં લગાડવાનું છે અને બુદ્ધિ પણ મારામાં લગાડવાની છે. અને મન અને બુદ્ધિનું તદાત્મ્ય જ યોગ કહેવાય છે. યોગ એટલે જોડાવું, જોડવું. ભક્તિયોગ એટલે ભગવાન અને ભક્ત બંને એક થઈ જાય છે.  વિભક્ત રહેતા નથી. વિભક્ત રહેવું એટલે કે અલગ-અલગ રહેવું. અને ભક્ત બનવું એટલે ભગવાન સાથે એક થઈ જવું. ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ તફાવત રહેતો નથી.

 “तुझ में मुझ में बस भेद यही मैं नर हूँ तुम नारायण हो।”

હું નર છું અને તું નારાયણ છે. બસ એટલો જ ભેદ રહી જશે. બાકી  કશોજ તફાવત રહેશે નહીં. હું પણ અહંકાર શૂન્ય થઈ ગયો અને તેથી હું વિરાટ પણ થઈ ગયો, વિરાટ રૂપ શૂન્યથી જ ઉત્પન્ન થાય છે. અને એટલે મન અને બુદ્ધિ બંને લગાવવા પડશે. જે રીતે પહેલા તાર્કિકે બુદ્ધિ લગાવીને પેલા પથ્થરને અહીંથી ત્યાં ફેંક્યો ને, એવું આપણે રોજ કરીએ છીએ. ભગવાન ઉપર જ આપણે સવાલ ઉત્પન્ન કરીએ છીએ. તમે જેટલો વિશ્વાસ તમારી “મા” પર કરો છો ને, અને મા કહી દે કે આ તારા પિતા છે તો આપણે ડીએનએ ટેસ્ટ કરાવવા જતા નથી. “મા" પર વિશ્વાસ છે. અહીં તો ભગવાન સ્વયં કહી રહ્યા છે તો એમાં કોઈ શંકા નથી. તો પછી આપણે શા માટે આપણી બુદ્ધિ લગાડીએ? “મા”ઉપર વિશ્વાસ છે, ભગવાન ઉપર નહીં? આવું કેવી રીતે? ભગવાન કહે છે.


12.9

અથ ચિત્તં(મ્) સમાધાતું(ન્), ન શક્નોષિ મયિ સ્થિરમ્।
અભ્યાસયોગેન તતો, મામિચ્છાપ્તું(ન્) ધનઞ્જય॥૧૨.૯॥

જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય, તો હે ધનંજય! અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર.

જો તું તારા મનને મારામાં સ્થાપિત કરવા માટે સમર્થ નથી, તારા માટે જો એ શક્ય નથી કે આખો દિવસ મારામાં ચિત લગાવી રાખ, અશક્ય લાગે છે, તો હે ધનંજય! -ધનંજય એટલે અર્જુન- કારણ કે જ્યારે તેમને ખાંડવવનમાં નવી નગરી ઊભી કરવી હતી ત્યારે તેના માટે ધનની જરૂર હતી અને તે ધન અર્જુન આજુબાજુના બધા રાજાઓને હરાવીને લાવેલા એટલે તેનું નામ ધનંજય પણ છે. ભગવાન કહે છે કે હે ધનંજય, કે જો તને એવું લાગતું હોય કે તું દિવસભર મારામાં મન લગાવી નહિ શકે, તો એવું નથી, થોડા પ્રયત્નો કર. અભ્યાસ એટલે પ્રયાસ. અભ્યાસ એટલે માત્ર ભણવું જ નહીં. પ્રયત્ન કરવો. અને આ અભ્યાસના યોગથી તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. “પ્રેક્ટિસ” જ્યારે તમે ભગવદ્ગીતાના આ લર્નગીતા ક્લાસમાં જોડાયા ત્યારે આ પ્રેક્ટિસ શરૂ થઈ. 
શરુઆતની પ્રાર્થના છે,

वसुदेवसुतं देवं, कंसचाणूरमर्दनम् ।
  देवकीपरमानन्दं, कृष्णं वन्दे जगद्गुरुम् ॥”

ચાર ચરણમાં બોલાતા આ શ્લોકમાં પહેલા ચરણમાં શ્વાસ અંદર લઈને “શ્રીકૃષ્ણ શરણમ મમ બોલવું. અને બીજા ચરણમાં શ્વાસ બહાર કાઢીને “શ્રીકૃષ્ણ શરણમ મમ” બોલવું ત્રીજા ચરણમાં શ્વાસ અંદર લઈને “શ્રીકૃષ્ણ શરણમ મમ” અને ચોથા ચરણમાં શ્વાસ બહાર કાઢીને “શ્રીકૃષ્ણ શરણમ મમ” એમ બોલવું. આપણા શ્વાસ સાથે ભગવાનનું નામ ચાલતું રહે તેના માટે અભ્યાસ, પ્રયાસ ચાલુ કરો. જ્યારે માળા કરીએ ને ત્યારે પણ એક શ્વાસ સાથે એક નામ સમરણ, બીજા નામ સાથે શ્વાસ બહાર. એક મણી ચાલે તો શ્વાસ અંદર જાય, બીજો મણી ચાલે તો શ્વાસ બહાર આવે. “શ્રીરામ જય રામ જય જય રામ”, “શ્રીરામ જય રામ જય જય રામ”. તો જ તું મારી ઈચ્છા કરી શકે છે. અને તું મને પ્રાપ્ત થઈશ. જો આ પણ તારા માટે મુશ્કેલ છે? ચાલો ઠીક છે, તું મને બહુ વહાલો છે ને તેથી તેનાથી પણ સરળ રસ્તો તને બતાવી દઉં!


12.10

અભ્યાસેऽપ્યસમર્થોऽસિ, મત્કર્મપરમો ભવ।
મદર્થમપિ કર્માણિ, કુર્વન્સિદ્ધિમવાપ્સ્યસિ॥૧૨.૧૦॥

જો તું ઉપર જણાવેલ અભ્યાસમાં પણ અસમર્થ છે, તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પારાયણ થા; મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ.

 અરે! અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે, ચિંતા ના કર, તેનાથી પણ સરળ ઉપાય બતાવું છું. હવે તું એવું કર કે ફક્ત મારા માટે જ કર્મ કર. તું જે કરે છે તે જ કર. પણ બસ તે મારા માટે કરે છે તેવી ભાવના તું મન માં લાવ. જ્યારે તું મારા નિમિત્તે બધા કર્મો કરીશ, ત્યારે પણ હું તને નિરાશ નહીં થવા દઉં અને તું મને પ્રાપ્ત કરીશ. આનો અર્થ એ છે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો, જો તમે દુકાનદાર છો, તો આવનાર દરેક ગ્રાહકમાં તમે ભગવાનને જુઓ. ગ્રાહકના આવવાથી તમારા મનમાં ભાવ આવવો જોઈએ કે ભગવાન આવ્યા. ભગવાનની સેવા કરી રહ્યો છું. જો તમે શિક્ષક છો તો દરેક બાળકમાં તમે બાળ કૃષ્ણને નિહાળો, રામ લલ્લાના દર્શન કરો! આ એક ઉપાસના થઈ રહી છે. અને આ ભાવના સાથે તેને ભણાવવાનું ચાલુ કરો. જો તમે ગૃહિણી છો, તો તમે ઘર સાફ કરો છો તો મનમાં એવો ભાવ લાવો કે ઘરે ભગવાન પધારવાના છે. રસોઈ બનાવો છો તેવો ભાવ રાખો કે ભગવાન માટે હું ભોગ બનાવું છું. ફક્ત આ ભાવ બદલવાનો છે. રસોઈ એ જ કરવાની છે, સાફ-સફાઈ પણ એમ જ કરવાની છે. કામ કશું બદલવાનું નથી. બસ, તેનો કરવાનો ભાવ બદલવાનો છે. બધા જ કામ તું મારા માટે કરવાનું ચાલુ કરી દે. અને આ ભાવ સાથે જો તું કામ શરૂ કરી દઈશ તો તું મને જ પ્રાપ્ત થઈશ તેમાં કોઈ શંકા નથી. ભગવાને શરૂઆતના દસ શ્લોકોમાં આટલી સરસ-સરસ વાતો બતાવી છે. પણ સમય સમાપ્ત થઈ ગયો છે રોકાવું પડશે.
 આ સાથે વિવેચન સમાપ્ત થયું. પછી પ્રશ્નોત્તરીનું સત્ર શરું થયું.
    
                      પ્રશ્નોત્તરી
સવાલ : ૧. હીનાદીદી અગ્રવાલ
 સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસનામાં હું સગુણ ઉપાસના કરું છું તો નિર્ગુણ ઉપાસના શું હોય છે?
જવાબ :
નિર્ગુણ ઉપાસનાનો અર્થ છે જ્ઞાનયોગ. આ રસ્તો ઘણો મુશ્કેલ છે. એમાં ઘણા યમ-નિયમોનું પાલન કરવું પડે છે. સગુણ ઉપાસનામાં ભૂલ થઈ જાય તો તમે ભગવાન પાસે હાથ જોડીને માફી માંગી લો કે ભગવાન, મારી ભૂલ થઈ ગઈ, બાળક સમજીને માફ કરી દો! પરંતુ નિર્ગુણ ઉપાસનામાં તમે ભૂલ ન કરી શકો. પદભ્રષ્ટ થઈ જાવ તે ના ચાલે. સામે ભગવાનનો વિગ્રહ હોય તો તમે એને શણગારી શકો પ્રેમ કરી શકો પરંતુ નિર્ગુણ નિરાકરણમાં તો પથ્થર પર પગ મુકવો હોય તો પણ વિચારવું પડે કે એમાં પણ ભગવાન છે આ મુશ્કેલ છે એટલે જ ભગવાન કહે છે,   “क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम्”
નિર્ગુણમાં સામે દેખતાં દરેક ભગવાન છે! સામે કૂતરું મળે તેમાં પણ ભગવાન છે, પછી તમે શું કરો? ઘરમાં કૂતરો ઘૂસી જાય તો એને બહાર પણ ન કાઢી શકો! નિર્ગુણની ઉપાસનામાં, "सर्वभूतहिते रताः ।”
બધા ભૂતમાત્ર માટે એક જ ભાવ, સમત્ત્વ ભાવ લાવવો પડશે અને બધામાં ઈશ્વરના દર્શન કરવા પડશે! કોઈ સાથે ઝઘડો પણ ન કરી શકાય! સાસુ-વહુ પણ ઝઘડો ન કરી શકે! બંનેમાં ભગવાન છે. સગુણ ભક્તિ તો કેવટવાળી ભક્તિ છે, કેવટને શાસ્ત્રોનું, વેદોનું જ્ઞાન ન હતું, યમ-નિયમની ખબર નહોતી! ભગવાન સામે ઝૂકી ગયો અને ભાવસાગર તરી ગયો! ઝૂકવું સગુણ ભક્તિમાં આવે છે, નિર્ગુણમાં તમે કોની સામે ઝૂકો?
સવાલ :
આપણે ઘરમાં પૂજા કરીએ છીએ, નામ જાપ કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ તે કઈ ભક્તિ થઈ?
જવાબ:
નામ જાપ સગુણ ભક્તિ થઈ ગઈ. કૃષ્ણનું નામ લો તો સગુણ કૃષ્ણની ભક્તિ થઈ, રામનું નામ સગુણ રામની ભક્તિ થઈ. નામજાપ એ સગુણ ભક્તિ છે.
સવાલ : ૨ ગૌતમભૈયા
આપણે જ્યારે કર્મની વાત કરીએ તો હમણાં બહુ સમસ્યાઓ થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે, ઘણી જગ્યાએ બહુ વરસાદ થાય છે તો ક્યાંક દુકાળ પડે છે. આપણે એવા કર્મ કર્યા છે જે સૃષ્ટિ વિરુદ્ધના છે. પરંતુ કર્મ કર્યા વગર પણ ચાલતું નથી તો શું આપણે કર્મ કરવાનું બંધ કરીએ? કર્મ કરવાથી ઝાડ કપાશે, રસ્તાઓ બનશે તો પરિસ્થિતિ વધુ બગડશે તો શું કરવું જોઈએ?
જવાબ:
ભગવાન કહે છે કે માનવ જીવનમાં આવ્યા છીએ તો કર્મોથી છુટકારો નથી. તમે સંન્યાસી પણ બની જશો તો પણ કર્મથી છૂટકારો નથી! તમે બેસી રહો છો તો પણ તમે બેસવાનું કર્મ કરો છો, અત્યારે તમે સાંભળવાનું કર્મ કરો છો, સૂઈ જાવ તો સૂવાનું કર્મ કરો છો. કર્મથી છૂટી નથી શકાતું! પરંતુ અઢારમાં અધ્યાયમાં ભગવાન કહે છે,
 " सहजं कर्म कौंतेय सदोषमपि न त्यजेत् ।
   सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥”

ભગવાન કહે છે અર્જુન! બધા કર્મોમાં કંઈને કંઈ દોષ છે જ! એવું કોઈ કર્મ નથી જેમાં દોષ નથી. અગ્નિને પણ ધુમાડાનો દોષ છે. અગ્નિ જે પરમ પવિત્ર માનીએ છીએ તેને પણ ધુમાડાના દોષ છે એટલે અગ્નિ જ પ્રજ્વલિત ન કરીએ એવું ન થાય! જો હું ડોક્ટર હોઉં તો ડોક્ટરના વ્યવસાયમાં પણ  કોઈને કોઈ દોષ હોય જ છે. દરેક વ્યવસાયમાં દોષ છે. દરેકથી પાપ કર્મ થઈ જ જાય છે. એવી સ્થિતિમાં એને ઓછામાં ઓછા કઈ રીતે કરાય એનું ચિંતન કરવું જોઈએ. અધિકાધિક દોષ મુક્ત કાર્ય કરવાનો પ્રયાસ કરવો જોઈએ. મારાથી જો નાનો મોટો દોષ રહી જાય તો એને સમતોલ કરવા માટે એક સારું કામ કરી લો તેનાથી દોષ ઓછો થઈ જાય! જો મારા કારખાનામાંથી બહુ ધુમાડો નીકળે તો મારે દસ-પંદર વૃક્ષો વાવી દેવા જોઈએ. મેં પ્રકૃતિને હાની પહોંચાડી જાય તો એને સરભર કરવાનો પ્રયત્ન કરવો. કર્મ કર્યા વગર છૂટકારો નથી અને દરેક કર્મમાં દોષ છે એટલે એને છોડી ન શકાય! 

કશ્યપ નામનો એક બ્રાહ્મણ ખૂબ જ મોટો તપસ્વી હતો. દિવસના સાતથી આઠ કલાક તે તપસ્યા કરતો રહેતો. ધ્યાન, ધારણા અને નામ સ્મરણ કરતો રહેતો હતો. વૃક્ષની નીચે એક પગ પર ઉભો રહીને તે કલાકો સુધી તપસ્યા કરતો રહેતો. ખૂબ તપ કર્યું, ખૂબ તપ કર્યું અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. એક વખત જે વૃક્ષની નીચે તે બેઠેલો ત્યાં વૃક્ષની ઉપર એક પંખી આવીને બેસી ગયું અને તે યોગી ઉપર ગંદકી કરી દીધી. યોગી તો એકદમ ગુસ્સે થઈ ગયો. તેના કપડાં પર, શરીર પર પેલા પંખીની બધી ગંદકી પડી અને તેણે ખૂબ જ ગુસ્સા સાથે તે પંખી સામે જોયું. પંખી તરત જ બળીને ભસ્મ થઈ ગયું. તેની રાખ નીચે પડી ગઈ. યોગીને થયું અરે! મારી નજરમાં આટલું સામર્થ્ય? ગુસ્સાથી કોઈની સામે જોઉં તો તે રાખ થઈ જાય છે! તેને તો ખૂબ અહંકાર ઉત્પન્ન થયો. અરે વાહ! શું સિદ્ધિ મળી છે! તે થોડી વાર પછી ગામમાં ભિક્ષા માંગવા ગયો અને એક ઘરની સામે જઈને અવાજ લગાવ્યો, “ભગવતી, ભિક્ષાન દેહી” અંદરથી અવાજ આવ્યો, મહાત્માજી થોડીવાર રોકાજો, હું થોડી કામમાં છું, જલ્દીથી આવું છું. પાંચ મિનિટનો સમય પસાર થઈ ગયો. પેલો યોગી તો થોડો ગુસ્સામાં આવી ગયો અને થોડા ગુસ્સામાં અવાજ કાઢ્યો “ૐ ભગવતી, ભિક્ષાન દેહી” તેના અવાજથી જ ખ્યાલ આવતો હતો કે તે ગુસ્સે ભરાયેલા છે. હજુ સુધી ભિક્ષા આવી નહીં તેનો ગુસ્સો હતો. અંદરથી ફરી કોમળ અવાજ આવ્યો મહાત્માજી, હું થોડી કામમાં છું થોડી વાર રાહ જુઓ, હું જલ્દીથી આવું છું, તમે જતા નહીં. ધીરજ રાખો. બસ હું આવી રહી છું, તમે જતા નહીં. સંન્યાસી ફરીથી રોકાઈ ગયો. ત્યારબાદ પાંચ મિનિટ પછી તેનાથી રહેવાયું નહીં અને તેણે એકદમ ગુસ્સાથી બૂમ પાડી, ભગવતી! ભિક્ષાન્ દેહી" મારી પાસે આટલી બધી રાહ જોવડાવી! તેના મનમાં વિચાર આવ્યો કે મેં ક્રોધથી ખાલી પક્ષીને જોયું તો તે બળીને ભસ્મ થઈ ગયું આવા યોગ સિદ્ધિ પ્રાપ્ત યોગીને રાહ જોવડાવે છે? ત્યારે તરત જ મહિલા બહાર આવે છે, પોતાના હાથમાં રહેલો લોટ સન્યાસીની ઝોળીમાં નાખ્યો. સંન્યાસીનો ક્રોધ આંખોમાં દેખાઈ આવતો હતો. તે મહિલાએ કહ્યું કે ક્ષમા કરજો મહારાજ, હું પતિવ્રત ધર્મનું પાલન કરતી હતી. મારા પતિ ખૂબ બીમાર છે. તેઓ પોતાનું કોઈ પણ કામ પોતાની જાતે કરી શકતા નથી. તો હું તેને નવડાવી રહી હતી, તેની સેવા મારો પહેલો ધર્મ છે અને એટલે મને આવવામાં થોડું મોડું થયું છે! મને ક્ષમા કરજો. તો પણ પેલો યોગી તેની સામે ગુસ્સા ભરી નજરે જોઈ રહ્યો હતો આ જોઈને તે મહિલાએ કહ્યું હે મહાત્મા, હે વીપ્રવર! એક વાત કરું? તમે દુ:ખ નહીં લગાડતા, તમે આટલા ક્રોધથી મારી સામે જુઓ છો તે બરાબર નથી. શું તમે એવું માનો છો કે તમારી ક્રોધિત નજરથી જે રીતે પેલું પંખી બળીને ભસ્મિભૂત થઈ ગયું હતું તે રીતે હું પણ ભસ્મિભૂત થઈ જઈશ? નહીં, એ થઈ શકે નહીં. તમે મને ક્ષમા કરો, મારે અંદર સેવા કરવાની છે, હું જઈ રહી છું. ત્યારે યોગીજી કહે છે, ઉભા રહો, ઉભા રહો, તમે મને ભિક્ષા આપી એ તો બહુ સારી વાત છે પણ મને એ પણ બતાવી જાવ કે તમે આ મને જે કહ્યું કે પંખી બળીને ભસ્મિભૂત થઈ ગયું તે તમે કઈ રીતે જાણ્યું? ત્યારે પેલી મહિલા કહે છે કે જો તમારે તે જાણવું જ હોય તો હું તો બહુ કામમાં છું, મારા પતિની સેવા કરવાની છે. તમે સામે પેલા વેપારીની દુકાને જઈને તેને પૂછો કે હું કઈ રીતે જાણું છું કે તમે તમારી ક્રોધભરી નજરથી પક્ષીને બાળીને ભસ્મિભૂત કરી દીધું. પેલો સન્યાસી તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો! આને તો ખ્યાલ છે, સામે પેલા વેપારીને પણ ખ્યાલ છે કે સવારે મેં પંખીને બાળીને ભસ્મિભૂત કરી દીધું છે. ઠીક છે! તે ધીરે-ધીરે કરતાં વેપારી પાસે પહોંચે છે. થોડા દૂરથી જ તે હાકલ દઈને પોતાના આવવાની ખબર વેપારીને આપે છે. વેપારી પાસે પાંચ થી છ ગ્રાહકો હતા અને તે એક પછી એક ગ્રાહકની સેવા કરી રહ્યો હતો. વેપારીએ કહ્યું કે થોડીવાર રોકાઈ જજો. આ પાંચ-સાત જે મારા ગ્રાહકો છે તેની સેવા કરીને પછી હું તમારી સાથે વાત કરીશ. એ દરમિયાન બે કે ત્રણ ગ્રાહકોને પતાવી લીધા. યોગીને તો પ્રતીક્ષા કરવામાં તકલીફ થઈ રહી હતી. તે ફરીથી બોલ્યો, અરે! કેટલો સમય લાગશે? ત્યારે વેપારી કહે છે મહારાજ, મને માફ કરજો મારે તો ગ્રાહકની પહેલાં સેવા કરવાની છે અને આની સેવા કરવી એ જ મારો પહેલો ધર્મ છે. પછી હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ કે પેલી મહિલાને કઈ રીતે ખ્યાલ આવ્યો કે આજે સવારે તમે તમારી ક્રોધભરી દ્રષ્ટિથી પેલા પંખીને બાળીને ભસ્મિભૂત કરી દીધું. ત્યારે આ વાત સાંભળી પેલો યોગી તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, અરે! આ શું થઈ રહ્યું છે ભાઈ, બતાવ તો ખરો. મને બહુ જલદી છે. ત્યારે આ વેપારી કહે છે મને તો થોડો સમય લાગશે, પણ જો તમને ખૂબ જ જલ્દી હોય તો સામે બેઠેલા પેલા કસાઈને પૂછો. કસાઈ? કસાઈ મને બતાવશે? જે  દરરોજ નવા-નવા પંખીઓને, પશુઓને કાપે છે, હત્યા કરે છે. પણ તેની પાસે કોઈ ઈલાજ નહોતો. તેની ઉત્સુકતા એટલી બધી વધી ગઈ હતી કે તેની સીમાનો પાર ન હતો. તે તો ફટાફટ પેલા કસાઈ પાસે પહોંચ્યો. કસાઇ તો એકલો જ બેઠેલો હતો અને કટ કટ કટ  માંસ કાપી રહ્યો હતો. ત્યારે સન્યાસીએ પૂછ્યું કે મહોદય, હું તમારી પાસે એક પ્રશ્ન લઈને આવ્યો છું, ત્યારે કસાઈએ તરત જ કહ્યું કે હું બિલકુલ જાણું છું કે તમારા મનમાં શું પ્રશ્ન છે? તમને પેલા વેપારીએ મારી પાસે મોકલ્યા છે અને તમે તેની પાસે એ જાણવા ગયેલા કે પેલી મહિલા કઈ રીતે જાણે છે કે તમે પંખીને બાળીને ભસ્મિભૂત કરી દીધેલું! તમે એ જાણવા માટે અહીં આવ્યા છે. ત્યારે પેલા યોગીએ કહ્યું, પણ પહેલાં એ બતાવો કે તમે આ બધું કેવી રીતે જાણો છો? ત્યારે કસાઈ કહે છે હું તો કશું કરતો નથી, હું તો એક કસાઈ છું, પણ હા એક વાત છે, મેં આજ સુધી ક્યારેય પણ મારા ગ્રાહકને છેતર્યા નથી કે ફસાવ્યા નથી અને મારા મા-બાપ છે તેમની સેવા કર્યા વિના હું સવારે ઘરથી બહાર નીકળતો નથી. તેમની સેવા જ મારી પૂજા છે. તે સિવાયની કોઈ પૂજા હું જાણતો નથી. મારા ઘરમાં કોઈ મંદિર નથી કે હું કોઈ મંદિર જતો નથી. બસ હું મારું કામ પ્રમાણિકતાથી કરું છું અને માતા પિતાની સેવાને પ્રથમ ધર્મ તરીકે સમજીને કરું છું. એના માટે થઈને હું કોઈ દિવસ બહાર ગામ પણ જતો નથી. બસ આટલું કરૂં છું તો હું બધાના મન સમજી શકું છું. કોના મનમાં શું છે? પેલો તુલાધાર વેપારી પોતાના ગ્રાહકોની સેવા કરે છે તે જ તેનો ધર્મ છે, પેલી ગૃહિણી તેના પતિની સેવા કરે છે અને તે જ તેનો ધર્મ છે.

આપણા દ્વારા ઘણા ખોટાં કામો થાય છે પણ એ કર્મોને પરમાર્જિત કરવા માટે વધુમાં વધુ સારા કર્મ કરીએ તો એ ગ્લાનિમાંથી આરામથી બહાર નીકળી શકીશું.
ભગવાન તો અર્જુનને એમ જ કહે છે ને કે શત્રુઓને મારી દે! ભગવાન જેને સ્વજનોની, ગુરુની, દાદાની હત્યા કરવાનું કહે છે તે ક્ષત્રિય છે! તો એણે કર્મ તો કરવું જ પડશે. આ બધાની હત્યા કરવી એ ખરાબ કાર્ય છે એ એને ખબર છે પણ ભગવાન કહે છે કે કર્તવ્યની ભાવનાથી કરવામાં  આવેલું કરવામાં આવેલું કર્મ ખરાબ નથી, એનું પાપ નથી લાગતું!
એ શુદ્ધ થઈ જાય છે.
સવાલ : ૩ પ્રિયાદીદી
તમે જેવી વિવેચન કર્યું, જે સમજાવ્યું તે આપણે શેમાં વાંચી શકીએ? કયું પુસ્તક છે? 
 જવાબ:
તમે learngeeta ની વેબસાઇટ પર vivechan.com પર જશો તો તમને એમાં બધા વિવેચનો સાંભળવા મળી જશે અને એની PDF પણ મળશે. અત્યારે જે વિવેચન ચાલે છે તેનું પણ જુદી-જુદી ભાષાઓમાં ભાષાંતર થઈને ગ્રુપમાં આવે છે. તમે ગીતા પ્રેસનું ગીતાનું કોઈપણ પુસ્તક મંગાવી શકો છો. તમે "સાધક સંજીવની" પુસ્તક મંગાવી શકો છો. 
સવાલ : ૪
જો આપણી સાથે કોઈ ખોટું કરી રહ્યું હોય તો કૃષ્ણ અર્જુનને શું શીખવે છે, એમણે તો રણનીતિ પણ શીખવી છે. આપણાં નીજી જીવનમાં કહીએ છીએ કે બધા પ્રત્યે સારો વ્યવહાર કરો, ખોટું ન કરવું જોઈએ તો શું કરવું?
જવાબ: 
ભગવાને અર્જુનને ધનુષ્ય લઈને યુદ્ધ કરવાનું કહ્યું, એ શત્રુ છે એટલે નહીં પણ અર્જુનનું કર્તવ્ય છે એટલે! આપણને પણ આપણું કર્તવ્ય કરવાનું કહે છે. આપણું કર્તવ્ય શું છે? કઈ રીતે કરવાનું છે? જે સાચું છે તે કામ કરવાનું છે. આપણે કાયદો હાથમાં નથી લેવાનો. તમારે વકીલ પાસે કે પોલીસ પાસે જવાનું છે. આજના જમાનાનું યુદ્ધ કોર્ટમાં થશે. કોર્ટમાં જવા જેટલું મોટું કામ ન હોય ને કોઈ ખોટું કરતું હોય તો ભગવાન કહે છે "નિર્વૈરસ્ય સર્વભૂતેષુ" એકવાર સામે જઈને બધી વાત કરી લો, જે તમારા મનમાં છે તે કહી દો, વેરની ભાવના છોડી દો, એની પણ વાત સાંભળી લો અને એને વેર ભાવના છોડવાનું કહો! જીવન બહુ નાનું છે. મનમાં શત્રુતાનો કાંટો લઈને રહેવું, જીવવું અઘરું છે. અંતિમ સમયે એ જ કાંટો આત્મામાં ચોંટી જશે અને પછીનું નવું જીવન એ વેરભાવનાથી, બદલો લેવા માટે નવી માતાનું ચયન કરશે! મનમાંથી બધા વિષવાળા કાંટા કાઢી નાખજો. કંઈ ન થાય તો એને ઇગ્નોર કરો. તમારા મનનો રીમોટ કંટ્રોલ એના હાથમાં ન આપો!
સવાલ : ૫ પ્રણાતીદીદી
જ્યારે તમે એમ કહ્યું કે કૃષ્ણ ભગવાન કહે છે કે મારામાં ભક્તિ રાખો, તમારી બુદ્ધિ ના લગાડો, હું તમારી બધી ચિંતાઓ દૂર કરી દઈશ. જો આપણે આપણી ચિંતાઓ ભગવાનને સમર્પિત કરીએ તો કેટલા સમયમાં એ આપણી ચિંતા દૂર કરશે?
જવાબ :
તમને જે ચિંતા છે તેનાથી પહેલાં એને ચિંતા થાય છે, એટલે જ સારા માતા-પિતાના ઘરમાં તમે જન્મ લીધો, તમારું સારી રીતે ભરણ પોષણ થયું. તમને કોઈ શારીરિક ખોડખાંપણ પણ નથી! તમારું બધું સારું થાય છે એ પણ એની જ ઈચ્છા છે. આપણા કોઈ પૂર્વજન્મોના કર્મ એવા હોય છે તેને આપણે ભોગવવા પડે છે. આ જન્મના પણ કર્મ કોઈ એવા હોય જેને આપણે ભોગવવા પડશે. આ જન્મમાં એ ભોગવવા ન પડે તો પછીના જન્મમાં ભોગવવા પડશે. આપણે આપણા કર્મ ભોગવવા માટે જન્મ લઈએ છીએ. જે થોડું ઘણું દુઃખ આપણા જીવનમાં આવે છે તે આપણે પહેલાં કરેલા પાપ કર્મનો હિસાબ પૂરો કરવા માટે આવે છે. એમ ન સમજો કે તમે પ્રાર્થના કરશો પછી એ સાંભળશે, તમારા પ્રાર્થના કરતા પહેલા જ એને તમારી તકલીફની ખબર છે. તમારી બુદ્ધિ અને મન એને સમર્પિત કરી દેશો, સંપૂર્ણ વિશ્વાસ કરશો તો તમારું એ ધ્યાન રાખશે. તમે જે કરશો તે મને સ્વીકાર્ય છે એવો તમારે વિશ્વાસ રાખવો પડશે. દરેક વખતે સુખ જ નથી મળતું, રસ્તામાં દુઃખ, તકલીફ પણ આવશે ત્યારે વિશ્વાસ રાખજો કે એ તમને ઊંચકી લેશે!
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
                ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. ॥