विवेचन सारांश
ઉત્તરાયણ-દક્ષિણાયન; જીવની ગતિ
આપણે વિશિષ્ટ અધ્યાય "અક્ષરબ્રહ્મયોગ" જોઈ રહ્યા છીએ. ભગવાને પોતાના દિવ્ય સ્વરૂપનું વર્ણન આમાં કર્યું છે. અર્જુને સાત પ્રશ્નો પૂછ્યા, એ સાત પ્રશ્નોના ઉત્તર આપતાં ભગવાને આ અધ્યાયનો વિસ્તાર કર્યો.
आब्रह्मभुवनाल्लोकाः(फ्), पुनरावर्तिनोऽर्जुन ।
मामुपेत्य तु कौन्तेय, पुनर्जन्म न विद्यते ॥ 8.16॥
શ્રીભગવાન કહે છે, હે અર્જુન! બ્રહ્મલોક પર્યંત બધા લોક પુનરાવૃતિ છે, પરંતુ હે કુંતીપુત્ર! મને પ્રાપ્ત થઈ કોઈનો પુનર્જનમ નથી થતો. આ જે ચૌદ લોક છે તેમાં બ્રહ્મલોક સૌથી ઉપર છે.
બ્રહ્મલોક - જેને સત્યલોક પણ કહે છે ત્યાં બ્રહ્માજી વિરાજે છે.
તપલોક - અહી વિરાજ વગેરે ઋષિ રહે છે.
જનલોક - અહીં સનકાદિ ઋષિ રહે છે.
મહર્લોક - અહીં ભૃગુ વગેરે ઋષિ રહે છે.
સ્વર્ગલોક - અહીં ઇન્દ્રાદિ દેવતા રહે છે.
ભુવર્લોક - અહીં અંતરિક્ષવાસી રહે છે.
ભૂલોક - અહીં પૃથ્વીવાસી રહે છે.
તેની નીચે અતલ, વિતલ, સુતલ, મહાતલ, તલાતલ, રસાતલ, પાતાળ છે, જ્યાં દૈત્ય, નાગ, પિશાચ વગેરે રહે છે. આવા ચૌદ લોક છે. આ લોકોની વચ્ચે પણ નાના-નાના લોકો છે! સ્વર્ગલોકમાં ગયા તો ઈન્દ્ર સાથે ઉત્તમ ભોગ ભોગવીએ છીએ. સ્વર્ગલોકથી ઉપર મહર્લોક, તેનાથી ઉપર જનલોક, તેનાથી ઉપર તપલોક અને એનાથી ઉપર બ્રહ્મલોક છે. આ બધામાં વિલક્ષણ પ્રકારના ભોગ, વિલક્ષણ પ્રકારના આનંદ હોય છે. આ લોકોના કાળ ખૂબ લાંબા હોય છે, પરંતુ ગમે તેટલા લાંબા કાળ હોય પણ ફરીને પાછા આવવાનું હોય છે, તેની પુનરાવૃત્તિ હોય છે. એવો કોઈ લોક નથી જ્યાં સ્થાયી નિવાસ હોય. ગમે તેટલા પુણ્ય કર્યા હોય તે પુણ્ય કર્મના પ્રભાવથી તેમને તેટલો સમય તે લોકમાં રહેવા મળે છે, પછી પાછા કર્મના અનુસાર બીજા લોક મળે છે. આ બધા જ દુ:ખાલય જ છે. બ્રહ્મા પણ એક યોનિ જ છે, ઈંદ્ર પણ એક યોનિ છે! પરંતુ મનુષ્ય યોનિ એકમાત્ર યોનિ છે જેને કર્મનો અધિકાર છે.
"बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथनि गांवा ।”
મનુષ્યજન્મ દેવતાઓને પણ દુર્લભ છે કારણકે બહુ સમય આ દેવલોકમાં રહીને કંટાળો આવે છે અને એમ થાય છે કે મનુષ્ય જન્મ લઈ કર્મ કરું અને ભગવાનના પરમધામને પ્રાપ્ત કરું! સ્વર્ગમાં રહીને ફક્ત ભોગ ભોગવવાનો શું અર્થ! બીજી કોઈ યોનિમાં પાપ-પુણ્ય નથી! જ્યાં હોઈએ ત્યાંથી ઉપર જવાનો અધિકાર છે! કોઈને કુતરો કરડે તો કુતરાને પાપ નથી લાગતું! દેવતાઓ કોઈને વરદાન આપે તો એમને પુણ્ય નથી મળતું! આ તેમનું કર્તવ્ય છે પણ મનુષ્ય કોઈને મદદ કરે તો એને પુણ્ય મળે છે અને કોઈને નુકશાન કરે છે તો પાપ લાગે છે. નિષ્કામ ભાવે કંઈ પણ કરે તો એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. બ્રહ્મલોક, સ્વર્ગલોક વગેરે પુનરાવર્તિ લોક છે, એ યોનિઓમાં પણ પુણ્ય ક્ષીણ થાય છે, નવા કર્મ નથી બંધાતા! ફક્ત મનુષ્ય યોનિમાં જ આપણને કર્મનું અદ્ભુત સાધન મળ્યું છે, જેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણે પરમધામને પ્રાપ્ત કરી શકીએ છીએ અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકીએ છીએ.
मामुपेत्य तु कौन्तेय, पुनर्जन्म न विद्यते ॥ 8.16॥
સમુદ્રના ટીપાંને સમુદ્રમાં મેળવી દીધું પછી તેને પાછું પ્રાપ્ત નથી કરી શકતાં! મનુષ્ય યોનિમાં જ આત્મતત્ત્વ મૂળ તત્ત્વમાં વિલીન થઇ જાય છે, પછી એનું કોઈ જુદું અસ્તિત્વ, સત્તા નથી રહેતાં. વિવેકશીલ, બુદ્ધિશાળી અને ગીતા ભણનારો મનુષ્ય સ્વર્ગલોક, બ્રહ્મલોક અથવા પિતૃલોકની ઈચ્છા નથી કરતો પણ પરમધામને પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
8.17
સહસ્રયુગપર્યન્તમ્, અહર્યદ્બ્રહ્મણો વિદુઃ।
રાત્રિં(ય્ઁ) યુગસહસ્રાન્તાં(ન્), તેઽહોરાત્રવિદો જનાઃ॥૮.૧૭॥
શ્રીભગવાને કહ્યું કે સમયનો સૌથી નાનો એકમ પરમાણુ છે, પરમાણુ ઉર્જા પણ છે, પદાર્થ પણ છે, અને સમય પણ છે.
1 - પરમાણુ
2 - બે પરમાણુ= એક અણુ
3 - ત્રણ અણુ = એક ત્રિસરેણુ
4 - ત્રણ ત્રિસરેણુ = એક ત્રુટી
5 - દસ ત્રુટી = એક પ્રાણ
6 - દસ પ્રાણ = એક વેધ (વેધના માપનો આરંભિક એકમ માનવામાં આવે છે એટલે આપણા ત્યાં જે ગણનાશાળાઓ છે તેને વેધશાળા કહે છે)
7 - ત્રણ વેધ = એક લવ થાય છે
સમય દેખાતો નથી, તે યંત્ર વગર માપી શકાતો નથી.
8 - ત્રણ લવ = એક નિમિષ (એક પલકારો કરીએ અને જે સમય લાગે છે તે એક નિમેષ છે તેને જોઈ શકાય છે.)
9 - ત્રણ નિમિષ = એક ક્ષણ થાય જેને આપણે એક સેકન્ડ કહીએ છીએ.
10 - પાંચ ક્ષણ એટલે પાંચ સેકન્ડ = એક કાષ્ઠા
11 - પંદર કાષ્ઠા= એક દંડ
12 - બે દંડ = એક મુહૂર્ત
13 - 48 મિનિટ X એક મુહૂર્ત = એક દિવસ
એક દિવસમાં 30 મુહૂર્ત હોય છે
14 - પોણા ચાર × 48 મિનિટ = એક પ્રહર
15 - આઠ પ્રહર = એક દિવસ (ચાર પ્રહરનો દિવસ અને ચાર પ્રહરની રાત)
16 - 15 દિવસ = એક પક્ષ (પંદર દિવસ અને 15 રાતનો એક પક્ષ હોય છે જેને કૃષ્ણ પક્ષ કે શુક્લ પક્ષ કહેવાય છે.)
17 - બે પક્ષ = એક માસ (મનુષ્યના એક માસ પિતૃઓના એક દિવસ હોય છે.)
18 - બે માસ = એક ઋતુ (એક વર્ષમાં છ ઋતુઓ હોય છે)
19 - ત્રણ ઋતુઓ = એક આયન (દક્ષિણાયન અને ઉત્તરાયણ)
20 - બે અયન = એક વર્ષ
21 - મનુષ્યનું એક વર્ષ = દેવતાઓનો એક દિવસ (એક અયન દેવતાઓનો દિવસ અને એક અયન દેવતાઓની રાત એટલે ઉત્તરાયણમાં દેવતા જાગે છે અને દક્ષિણાયનમાં સુઈ જાય છે.
22 - મનુષ્યના 360 વર્ષ = દેવતાઓનું એક વર્ષ
23 - (4,32,000) ચાર લાખ બત્રીસ હજાર મનુષ્ય વર્ષ = એક કળિયુગ જેમાં આપણે જીવી રહ્યા છે.
24 - આઠ લાખ ચોસઠ હજાર મનુષ્ય વર્ષ = દ્વાપરયુગ
25 - બાર લાખ છન્નું હજાર મનુષ્ય વર્ષ = ત્રેતાયુગ
26 - સત્તર લાખ અઠ્યાવીસ હજાર મનુષ્ય વર્ષ = સતયુગ
27 - આ ચાર યુગો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ મળીને એક ચતુર્યુગ થાય છે, એક ચતુર્યુગી 43 લાખ 20 હજાર મનુષ્ય વર્ષનું હોય છે.
28 - એવા એકોતેર ચતુર્યુગને એક મન્વંતર (મનુનો કાલ) એટલે, એક મનુના 100 વર્ષ કહેવાય છે. અત્યારે સાતમું મન્વંતર ચાલી રહ્યું છે વૈવસ્વત મનુ.
29 - બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતર હોય છે, 14 મનુ હોય છે એટલી લાંબી રાત હોય છે.
30 - ચૌદ મન્વંતરનો એક કલ્પ માનવામાં આવે છે, બ્રહ્માજી જ્યારે જાગે છે તો આખી સૃષ્ટિની રચના કરે છે અને જ્યારે સૂઈ જાય છે તો બધું સમાપ્ત થઈ જાય છે, એટલે કહે છે કે કલ્પક્ષય થઈ ગયો, પ્રલય આવી ગયો.
31 - બ્રહ્માજીના એક દિવસ વિષ્ણુજી અને શિવજીની એક નિમિષ છે.
32 - આ રીતે બ્રહ્માજીના 100 વર્ષની એમની આયુ છે ત્યાર બાદ બ્રહ્માજી પોતાના બધા લોક અને દેવતાઓ સહિત શાંત થઈ જાય છે.
બ્રહ્માજીના સો વર્ષ એકત્રીસ ખરબ દસ અરબ ચાલીસ કરોડ મનુષ્ય વર્ષના બરાબર છે અને આમ બ્રહ્માજીની આયુ 1000000000000000વર્ષની હોય છે. એ પણ અમર નથી! જે યોગી આ જાણનારા છે તે કાળતત્ત્વને જાણનારા છે. આપણે આ જાણતાં નથી.
અવ્યક્તાદ્વ્યક્તયઃ(સ્) સર્વાઃ(ફ્), પ્રભવન્ત્યહરાગમે।
રાત્ર્યાગમે પ્રલીયન્તે, તત્રૈવાવ્યક્તસઞ્જ્ઞકે॥૮.૧૮॥
ભૂતગ્રામઃ(સ્) સ એવાયં(મ્), ભૂત્વા ભૂત્વા પ્રલીયતે।
રાત્ર્યાગમેઽવશઃ(ફ્) પાર્થ, પ્રભવત્યહરાગમે॥૮.૧૯॥
પરસ્તસ્માત્તુ ભાવોઽન્યો-ઽવ્યક્તોઽવ્યક્તાત્સનાતનઃ।
યઃ(સ્) સ સર્વેષુ ભૂતેષુ, નશ્યત્સુ ન વિનશ્યતિ॥૮.૨૦॥
અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તઃ(સ્), તમાહુઃ(ફ્) પરમાં(ઙ્) ગતિમ્।
યં(મ્) પ્રાપ્ય ન નિવર્તન્તે, તદ્ધામ પરમં(મ્) મમ॥૮.૨૧॥
આ શ્લોકો અત્યંત મહત્વપૂર્ણ છે અને એકદમ ગૂઢ છે. જ્યાં સુધી આ શ્લોકો જ્ઞાની મહાપુરુષ દ્વારા સમજાવવામાં ન આવે, સમજાતાં નથી! આ શ્લોકો મહાપુરુષોની નજરે જોઈએ તો ખજાનો છે! સામાન્ય લોકોની નજરે અર્થ બરાબર સમજાતો નથી.
ભગવાન કહે છે કે, હે અર્જુન! સંપૂર્ણ સચરાચર, ભૂત, બ્રહ્માજીના દિવસના
પ્રવેશકાળમાં અવ્યક્ત બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરથી પેદા થાય છે. બ્રહ્માજીની રાતના પ્રવેશકાળમાં તે અવ્યક્ત નામવાળા બ્રહ્માજીના સૂક્ષ્મ શરીરમાં જ વિલીન થઈ જાય છે.
હે પાર્થ! બ્રહ્માજીના દિવસ દરમિયાન આખું જગત વ્યક્ત હોય છે અને રાત્રિમાં આખું જગત અવ્યક્ત થઈ જાય છે, તે ભૂત સમુદાય ઉત્પન્ન થઈ, પ્રકૃતિને પરવશ થઈ બ્રહ્માજીની રાત્રિ કાળમાં લીન થાય છે અને બ્રહ્માજીના દિવસના પ્રવેશકાળના સમયે ઉત્પન્ન થાય છે.
તે અવ્યક્ત બ્રહ્માજીથી પણ ઉપર જે અન્ય વિલક્ષણ, અનાદિ, અત્યંત શ્રેષ્ઠ ભાવરૂપ છે તે, અવ્યક્ત પરમ દિવ્ય પુરુષ સંપૂર્ણ ભૂતોના નષ્ટ થવાથી પણ નષ્ટ નથી થતા. જે અવ્યક્ત અક્ષર નામથી કહેવાય છે તે અક્ષર નામ પરમ અવ્યક્ત ભાવને પરમ ગતિ કહેવાય છે અને જેને પ્રાપ્ત થવાથી મનુષ્ય આ સંસારમાં પાછો આવતો નથી, તે મારું પરમધામ છે.
ભગવાન કહે છે, હે અર્જુન! સંપૂર્ણ ચરાચર ભૂતગણ છે. તે બ્રહ્માજીના દિવસ દરમ્યાન અવ્યક્તથી વ્યક્ત થઈ જાય છે. રાત્રિકાળ દરમ્યાન જ્યારે બ્રહ્માજી સૂવા જાય છે ત્યારે આ વ્યક્ત સંસાર અવ્યક્ત થઈ જાય છે. જેટલા લોકો, દેવતાઓ, પ્રાણીઓ જે કંઈ બ્રહ્માજીએ બનાવ્યું છે તે પ્રલયમાં બ્રહ્માજીમાં વિલીન થઈને શૂન્ય બની જાય છે. જ્યારે બ્રહ્માજી જાગે છે ત્યારે શૂન્યથી બધાનું સર્જન થાય છે અને પાછું પોતાના સ્થાન પર આવી જાય છે. આને પ્રલય અને સૃજન કહે છે.
પ્રલય ઘણા પ્રકારથી થાય છે -
૧) નિત્ય પ્રલય - દરેક ક્ષણ સંસારનો નાશ થઈ રહ્યો છે. ક્ષણ પહેલા જે સંસાર હતો તે અત્યારે નથી! દરેક ક્ષણ સરકી રહી છે. દરેક ક્ષણે બ્રહ્માંડનું સંકોચન-પ્રસરણ થાય છે.
૨) આત્યંતિક પ્રલય - બ્રહ્માજીનો કાળ પૂર્ણ થવા પર થાય છે. જે યોગી છે, જેણે પરમસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે આ પ્રલયચક્રની બહાર નીકળી જાય છે.
૩) નૈમિતિક પ્રલય - બ્રહ્માજીના રાત્રિ કાળમાં થાય છે.
૪) પ્રાકૃત પ્રલય - બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થવાથી તે પ્રલય થાય છે
અહીં બધા લોકો અવ્યકત થઈને પણ વ્યક્ત છે, અને વ્યક્ત થઈને પણ અવ્યક્ત છે. બ્રહ્માજી જુદી-જુદી વસ્તુઓ મેળવીને જુદા-જુદા સર્જન નથી કરતાં, એ આપમેળે થાય છે.
ધારોકે તમારી પાસે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન છે તેના પર આપણે દુનિયાના બધા લોકોને જોઈ શકીએ છીએ. પણ આ 'ઝૂમ'માં લીવનું બટન છે જે દબાવીને હું મીટીંગ છોડી શકું છું, આખું દ્રશ્ય, લોકો, વિવેચનો, અવાજ બધું જતું રહ્યું, વ્યક્ત અવ્યક્ત થઈ ગયું! ફરીથી બટન દબાવીએ તો બધું પાછું આવી ગયું! જે અવ્યક્ત છે તે વ્યક્ત થઈ ગયું! એ દ્રશ્ય કશેથી આવ્યું કે કશે ગયું નથી, યાંત્રિક પ્રક્રિયાથી આ થયું! અહીં બધા લોકો અવ્યક્ત થઈને પણ વ્યક્ત છે અને વ્યક્ત થઈને પણ અવ્યક્ત છે.
કોઈ વનવાસી વ્યક્તિએ પહેલા ક્યારેય ટીવી નથી જોયું. પહેલી વાર દિવાલ પર લગાવેલું ટીવી જુએ છે, જેમાં હાથીઓ દોડે છે! એ સમજે છે કે હાથીઓ સાચા છે! એણે દીવાલની પાછળ જઈ જોયું કે હાથીઓ કેટલા દૂર છે, જ્યારે તે જુએ છે તો તેને ખબર પડે છે કે જે ચાલે છે તેની પાછળ કંઈ નથી! ગૃહસ્વામી કહે છે કે આ પાતળી સ્ક્રીન પર ફિલ્મના રૂપમાં આવી રહ્યું છે, અલગ-અલગ દ્રશ્ય જોઈને તેને કૌતુક થાય છે. ચેનલ બદલાઈ ગઈ, અચાનક તેમાં હિમાલયના પહાડ આવવા લાગે છે.
કોઈવાર કોઈ વિચારે કે હું વિવેચન ડાઉનલોડ કરી લઉં, જ્યારે ઈચ્છા થાય ત્યારે સાંભળી શકું! આપણા મોબાઈલની એક ક્ષમતા હોય છે તે પ્રમાણેનું વિવેચન અંદર સમાઈ શકે છે. આમ થવાથી મોબાઈલમાં વજન વધી નથી જતું! બધું કાઢી નાખવાથી વજન ઘટતું નથી! જે ડાઉનલોડ કર્યું હોય તેટલી સામગ્રી સામે લાવવાની જરૂર નથી હોતી, એ જ રીતે જ્યારે બ્રહ્માજી સૂઈને ઉઠે છે ત્યારે આ આખો સંસાર અવ્યક્તથી વ્યક્ત થઈ જાય છે. કોટિ-કોટિ બ્રહ્માંડો છે અને કોટિ-કોટિ બ્રહ્માજીઓ છે. આ સંસાર વ્યક્તથી અવ્યક્ત થઈ જાય છે અને અવ્યક્તથી વ્યક્ત થઈ જાય છે, તે મોબાઈલના ઉદાહરણથી સહેલાઈથી સમજી શકાય છે. પેન ડ્રાઇવમાં ડાટા આવે છે અને જાય છે પણ મૂળ અંતર પડતું નથી. તે જ રીતે આખો સંસાર વ્યક્તથી અવ્યક્ત અને અવ્યક્તથી વ્યક્ત થઈ જાય છે. બ્રહ્માજી સૂએ ત્યારે સંસાર અવ્યક્ત અને ઉઠે ત્યારે વ્યક્ત થઈ જાય છે. કોઈ એમ માને કે બ્રહ્માજી સૂઈ જાય ત્યારે આપણા કર્મો વિલીન થઈ જાય છે પણ એવું નથી! આપણા કર્મો વિલીન નથી થતા પણ જ્યારે તે સૃષ્ટિનું નિર્માણ કરે છે ત્યારે કર્મ અનુસાર આપણને જન્મ મળે છે, કર્મફળ નષ્ટ નથી થતું! અહીં એક વિશિષ્ટ શબ્દ આવ્યો છે, "અવ્યક્ત સંજ્ઞક".
અવ્યક્ત સંજ્ઞક એટલે બ્રહ્માજી શાંત થવા પર તેમનો સૂક્ષ્મ ભાવ.
જ્યારે બ્રહ્માજીની આયુ સો વર્ષ પૂરી થઈ ગઈ તો અવ્યક્ત બ્રહ્મ અવ્યક્ત થઈ ગયા! બ્રહ્માજી પણ પોતાના લોકથી શાંત થઈ ગયા, દરરોજ સૂઈ જાય છે ને સંસાર અવ્યક્ત થાય છે. હવે પૂર્ણ રીતે અવ્યક્ત થઈ ગયા. હવે જ્યાં સુધી નવા બ્રહ્માજી નહીં આવે ત્યાં સુધી સૃષ્ટિનું નિર્માણ નહીં થાય! જ્યારે બ્રહ્માજી પણ અવ્યક્ત થઈ જાય ત્યારે પણ કંઈ રહે છે તે અવ્યક્ત સંજ્ઞક છે. આ બ્રહ્માજીની વ્યક્ત સ્થિતિથી પહેલાંની સ્થિતિ છે. અવ્યક્ત સંજ્ઞકથી નવા બ્રહ્માજી અને બ્રહ્માજીથી બ્રહ્માંડની સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. કર્મફળનો હિસાબ ત્યાં પણ રહે જ છે!
ચોથી સ્થિતિ થઈ શકે છે જ્યારે સમસ્ત વ્યક્ત અવ્યક્ત થાય. જે અક્ષરબ્રહ્મ સતત વિદ્યમાન હતા તે સનાતન અવ્યક્ત છે.
परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातनः ।
આ મૂળ છે તેનાથી આખી વ્યક્તની કલ્પના છે. જ્યારે બધું નાશ પામે છે, ત્યારે બ્રહ્માજી પણ નથી રહેતા, બધા જ લોકનો પણ અંત આવે છે, પરંતુ જે હંમેશા અસ્તિત્વ ધરાવે છે તે શ્રીભગવાન છે.
यः (स्) स सर्वेषु भूतेषु, नश्यत्सु न विनश्यति।
જે બધા ભૂતો, બ્રહ્માજી નષ્ટ થવા પર પણ નષ્ટ નથી થતાં તે પરમેશ્વર છે.
શ્રીભગવાન કહે છે,
अव्यक्तोऽक्षर इत्युक्त:(स्), तमाहुः(फ्) परमां(ङ्) गतिम् ।
यं(म्) प्राप्य न निवर्तन्ते, तद्धाम परमं(म्) मम ॥
ભગવાન પ્રત્યેની ભક્તિ, આત્મસાક્ષાત્કાર, કૈવલ્ય, નિર્વાણ, મોક્ષ વગેરેની સ્થિતિઓ કઈ રીતે પ્રાપ્ત કરવી તેના પર ઘણી શિબિરો યોજવામાં આવે છે અને તેમને પ્રાપ્ત કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવે છે. ભગવાન કહે છે કે જ્યારે તમે આ બ્રહ્મલોકના ચક્રવ્યૂહમાંથી બહાર આવશો, પ્રગટ અને અવ્યક્તના જાળને છોડીને, બ્રહ્માની સ્થિતિને પણ પાર કરીને સનાતન અવ્યક્તની સ્થિતિમાં પહોંચશો, ત્યારે તમે મારા ધામ સુધી પહોંચી શકશો અને પછી બીજે ક્યાંય જવાની જરૂર નથી. તે જ પરમ અને અંતિમ ધામ છે.
જ્યાં સુધી બ્રહ્મલોક સુધીના લોકમાં તમે ફરી રહ્યા છો ત્યાં સુધી વારંવાર જન્મ મરણના ચક્રમાં ફસાવું પડે છે.
पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनम् ।
વારંવાર જન્મ લઈએ છીએ, વારંવાર મૃત્યુ પામીએ છીએ અને વારંવાર માતાના પેટમાં ઉંધા લટકીએ છીએ. આ અનંત જન્મોથી ચાલતું આવ્યું છે. આપણા કર્મો અનુસાર જુદી-જુદી યોનિઓમાં ફરતાં રહીએ છીએ.
પુરુષઃ(સ્) સ પરઃ(ફ્) પાર્થ, ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ, યેન સર્વમિદં(ન્) તતમ્॥૮.૨૨॥
જ્ઞાનમાર્ગી કહે છે કે છે કે તમે વ્યક્તની પૂજા કરો છો, તમારે અવ્યક્તના માર્ગ પર, જ્ઞાનમાર્ગ પર આવવું જ પડશે!
ભગવાન અહીંયા એ વાતનું ખંડન કરે છે. જ્ઞાનમાર્ગની સૂક્ષ્મ વાત કરતાં-કરતાં ભગવાન ભક્તિમાર્ગની વાત કરે છે. ભગવાન કહે છે કે જે અનન્ય ભક્તિથી પ્રાપ્ત થવા યોગ્ય છે, અવ્યક્તની સ્થિતિ છે તે ભક્તિમાર્ગથી પ્રાપ્ત થશે.
અનન્ય ભક્તિ એટલે ન અન્ય, ભગવાન સિવાય કાંઈ નથી જોઈતું. એક ભગવાનની પૂજા કરતી હોઉં, ધારો કે હું શિવજીની પૂજા કરતી હોઉં તો હું કૃષ્ણના મંદિરમાં ન જાઉં! આ અનન્ય ભક્તિ નથી. મને પરમાત્મા સિવાય બીજું કંઈ નથી જોઈતું તે અનન્ય ભક્તિ છે.
तेरे रूप अनेक, तेरे नाम अनेक, पर तू एक ही।
तेरे स्वरूप अनेक पर तू एक ही ॥
તું મને વિષ્ણુના રૂપમાં પણ દેખાય છે, રામના રૂપમાં પણ દેખાય છે, માતાના રૂપમાં પણ દેખાય છે.
તમે મને ચશ્માવાળા ભાઈ, તિલકવાળા ભાઈ, કોટીવાળા ભાઈ એમ જુદાંજુદાં નામથી બોલાવી શકો છો પણ હું છું તો એક જ! તમે જે રૂપથી, જે ભાવથી ચિંતન કરીને બોલાવો,પણ આવીશ તો હું જ ને! એ જ રીતે એ પરમાત્મા સિવાય કંઈ છે જ નહીં! તમે રામ, શિવ, વિષ્ણુ, માતા ગમે તે નામથી બોલાવો આવશે તો એ જ! આ વાત જે સમજી ગયો તે અનન્યતાને પ્રાપ્ત કરી લેશે.
તમારા ઈષ્ટ રામજી હોય તો તમે ગમે તેના મંદિરમાં જાવ, રામજીની ભક્તિ માંગો! જવામાં ગરબડ નથી પણ માંગવું શું છે તેમાં ગરબડ છે. આપણે ભગવાન પાસે જઈને દુન્યવી સુખો માંગીએ છીએ. જ્યાં સુધી અન્યની કામના છે ત્યાં સુધી ભક્તિનો આરંભ નથી. અનન્ય ભક્તિનો આરંભ ત્યારે થાય છે જ્યારે પરમાત્મા પાસે પરમાત્મા સિવાય કંઈ નથી જોઈતું!
मेरे तो गिरधर गोपाल दुसरो न कोई ।
મીરાંબાઇ કહે છે કે મને સંસારનો આશ્રય નથી જોઈતો. આપણી આ સ્થિતિ નથી આવતી. શ્રીભગવાન કહે છે કે એ અવ્યક્ત સનાતનની સ્થિતિ સુધી પહોંચે છે. જે અહીં પહોંચી ગયો તેનો પુનર્જન્મ નથી હોતો.
યત્ર કાલે ત્વનાવૃત્તિમ્, આવૃત્તિં(ઞ્) ચૈવ યોગિનઃ।
પ્રયાતા યાન્તિ તં(ઙ્) કાલં(વ્ઁ) વક્ષ્યામિ ભરતર્ષભ॥૮.૨૩॥
શ્રીભગવાન કહે છે, હે અર્જુન! જે કાળમાં યોગીજન શરીરને ત્યાગી પાછા ફરતા નથી અને જે કાળમાં ફરીને આવે છે, તે બંને માર્ગ હું કહીશ. આનો સામાન્ય અર્થ થાય કે ક્યા કાળમાં મરીશ તો પાછો આવશે અને ક્યા કાળમાં મરીશ તો પાછો નહીં આવે!
અગ્નિર્જ્યોતિરહઃ(શ્) શુક્લઃ(ષ્), ષણ્માસા ઉત્તરાયણમ્।
તત્ર પ્રયાતા ગચ્છન્તિ, બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ॥૮.૨૪॥
એ બે પ્રકારના માર્ગમાં જે માર્ગથી જ્યોતિર્મય અગ્નિનો અધિપતિ દેવતા છે, શુક્લ પક્ષનો અધિનાયક દેવતા, અને છ મહિનાવાળા ઉત્તરાયણના અધિનાયક દેવતા છે, તે માર્ગમાં મરી ગયેલા યોગીજન પોતાના કર્મોથી ઉપરોક્ત દેવતાઓ દ્વારા બ્રહ્મલોકને પ્રાપ્ત થઈ, પછી બ્રહ્મને પ્રાપ્ત થાય છે.
આ શ્લોકથી એવું પ્રતીત થાય છે કે પહેલા છ મહિનામાં, શુક્લપક્ષમાં જનારા, ઉત્તરાયણમાં મરનારા સીધા બ્રહ્મલોકમાં જાય છે.
ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ(ષ્), ષણ્માસા દક્ષિણાયનમ્।
તત્ર ચાન્દ્રમસં(ઞ્) જ્યોતિઃ(ર્), યોગી પ્રાપ્ય નિવર્તતે॥૮.૨૫॥
શુક્લકૃષ્ણે ગતી હ્યેતે, જગતઃ(શ્) શાશ્વતે મતે।
એકયા યાત્યનાવૃત્તિમ્, અન્યયાવર્તતે પુનઃ॥૮.૨૬॥
ભીષ્મ પિતામહે મરવા માટે 48 દિવસ ઉત્તરાયણની પ્રતીક્ષા કરી, તેનાથી પણ ભ્રમ થઈ જાય છે કે ઉત્તરાયણમાં મરવાથી મુક્તિ થશે. પરંતુ ભીષ્મપિતામહને ઉત્તરાયણની પ્રતીક્ષા કરવાનું કારણ કંઈક બીજું હતું.
તેનો અર્થ એ નથી કે જે ઉત્તરાયણમાં શરીર ત્યાગ કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જશે અને જે દક્ષિણાયનમાં શરીર ત્યાગશે તે પરમગતિને પ્રાપ્ત નહીં થાય.
ઉત્તરાયણ અને દક્ષિણાયનના બે અભિમાની દેવતાઓ છે.
ઉત્તરાયણ અને દક્ષિણાયનના બે દેવતાઓ છે. એમ તો દરેક કામ માટે હજારો દેવતાઓ છે પણ અહીં ભગવાને થોડા જ દેવતાઓના નામ કહ્યા એમાં આ બંનેનો સમાવેશ કર્યો.
જેનું ઉત્તરાયણમાં મૃત્યુ થશે તે સ્વર્ગલોક જશે અને જેનું દક્ષિણાયનમાં મૃત્યુ થશે તે નરકમાં જશે એવી સર્વસામાન્ય માન્યતા છે.
આની હકીકત એક ટપાલપેટીથી સમજીએ. ટપાલપેટીમાં આપણે પત્રો નાખીએ છીએ. ટપાલપેટી પર પેટી ખૂલવાનો સમય લખ્યો હોય છે. આપણે પત્ર પેટીમાં કયા સમયે નાખ્યો તેનાથી કોઈ ફરક પડતો નથી, પણ ટપાલી એક નિશ્ચિત સમય પર તે પત્રોને લઈ જાય છે.
દરેક શહેરમાં બે ટ્રેન હોય છે, એક અપ ટ્રેન અને બીજી ડાઉન ટ્રેન. એટલે એક જે પાછળની તરફ જશે અને બીજી જે આગળની તરફ જશે. કયો પત્ર અપ ટ્રેનથી જશે અને કયો ડાઉન ટ્રેનથી જશે તેને અહીં અલગ અલગ કરવામાં આવે છે! અહીં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ટ્રેન છે. એટલે ઉતરાયણની ટ્રેન અને દક્ષિણાયનની ટ્રેન અલગ, આપણે ટ્રેનને ઉત્તરાયણની ટ્રેન માની લઈએ તો આ શુભ છે, સ્વર્ગની તરફ, મોક્ષની તરફ આપણને લઈ જશે અને તેમાં એ યોગી પણ હશે જે બ્રહ્મલોકનું પણ ઉલ્લંઘન કરી આગળ ચાલ્યો જશે, તે પણ આમાં જ સવાર હશે. ડાઉન ટ્રેન જે અશુભ, નરક અને અલગ-અલગ પ્રકારની યોનિઓની છે, અન્ય દેવતા હવે આ ટ્રેનમાં જનારા પત્રોને જુદા કરે છે, કોને કયા સ્ટેશનમાં ઉતારવાના છે, કોનું પુણ્ય, કયું પાપ ભોગવવાનું છે, કોને સ્વર્ગલોકમાં મોકલવાના છે, કોને ગંધર્વલોકમાં મોકલવાના છે અને કોને પિતૃલોકમાં મોકલવાના છે, કોને બ્રહ્મલોકમાં જવાનું છે, કોને પરમ લોકમાં મોકલવાના છે વગેરે-વગેરે. અને આ બંને ટ્રેનમાં તેને જુદા-જુદા ચડાવવામાં આવે છે. ક્યા સમયે મૃત્યુ થયું તે મહત્વનું નથી પણ મારા કર્મો અનુસાર આત્મતત્ત્વને ઉત્તરાયણ કે દક્ષિણાયનના દેવતાને સોંપી દેવાય છે.
ઉત્તરાયણ દેવતાની, શુક્લપક્ષની, અપટ્રેનની મુખ્ય મુખ્ય ત્રણ ગતિઓ છે,
1 સ્વર્ગ - શુભ ફળ, સારા કર્મ કરશે!, ઉત્તમ કર્મ કરનાર જશે
2 નરક - અશુભ ફળ, નિમ્ન કર્મ કરનાર જશે
3. અપવર્ગ - બ્રહ્મલોકને પાર કરી, જ્યાંથી પાછા ન આવે, મોક્ષ પામી લે તે, અપવર્ગમાં આવે છે.
દક્ષિણાયન દેવતાની, કૃષ્ણપક્ષની, ડાઉન ટ્રેનની ગતિઓ ફક્ત સ્વર્ગ અને નરક સુધીની જ હોય છે,
1 સ્વર્ગ - શુભ ફળ
2 નરક - અશુભ ફળ
શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષમાં બધા લોકો જાય છે. શુક્લપક્ષના દેવતા અપવર્ગવાળા આત્માઓ અને તે યોનિઓને જેણે સંસારચક્રને પાર કરી લીધું છે, પરમ ગતિની તરફ લઈ જાય અને અન્ય લોકોને બ્રહ્માજીના લોક સુધી લઈ જાય.
શ્રીભગવાન અર્જુનને વધુ વિગતવાર સમજાવે છે કે જ્યારે કોઈ ઉત્તરાયણની ટ્રેનમાં મુસાફરી કરે છે, ત્યારે તે માર્ગ પર, તેજસ્વી અગ્નિના અભિમાની દેવતા, ઉત્તરાયણના અભિમાની દેવતા, તેજસ્વી અર્ધના અભિમાની દેવતા અને દિવસના અભિમાની દેવતા હાજર હોય છે. આ દેવતાઓ આપણને આપણા કર્મ અનુસાર વિવિધ લોકમાં લઈ જાય છે. તે લોકના સુખ-દુઃખનો અનુભવ કર્યા પછી, આપણે ફરીથી પૃથ્વી પર પાછા ફરીએ છીએ. ઉત્તરાયણના અભિમાની દેવતા તે પરમ જીવોને, યોગીઓને મુક્તિના મુકામ પર લઈ જાય છે, જેમણે પોતાના સારા કાર્યો દ્વારા બ્રહ્મલોક પાર કર્યો છે અને પરમ ધામ પ્રાપ્ત કર્યું છે.
દક્ષિણાયનની ટ્રેનમાં મુસાફરી કરતા જીવોના માર્ગદર્શક દક્ષિણાયનના અભિમાની દેવતા, અંધારા અર્ધના અભિમાની દેવતા અને રાત્રિના અભિમાની દેવતા છે. યોગી (ઇચ્છિત પુરુષ) જે ચંદ્રના પ્રકાશને પ્રાપ્ત કર્યા પછી, તેના સારા અને ખરાબ કાર્યોનો અનુભવ કર્યા પછી, તે માર્ગ દ્વારા પોતાનું શરીર છોડી દે છે, તે ફરીથી માનવ સ્વરૂપમાં પાછો ફરે છે.
એટલે કે, આપણું મૃત્યુ ગમે તે સમયે થાય, મૃત્યુના દેવતા આપણને કયા દેવને સોંપે, આપણને ઉત્તરાયણ કે દક્ષિણાયન, શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષના સ્વામીઓને સોંપવામાં આવે, તે આપણા ભાગ્યનું સત્ય નક્કી કરે છે. આ શ્લોકોમાં દર્શાવેલ સત્ય જાણ્યા પછી, આ ગેરસમજ ચોક્કસપણે દૂર થશે કે ભીષ્મ પિતામહે પોતાનો જીવ છોડવા ઉત્તરાયણની રાહ જોઈ હતી, મોક્ષ મેળવવા માટે નહીં પણ મકરસંક્રાંતિના સૂર્યદેવના દર્શન કરવા માટે!
નૈતે સૃતી પાર્થ જાનન્, યોગી મુહ્યતિ કશ્ચન।
તસ્માત્સર્વેષુ કાલેષુ, યોગયુક્તો ભવાર્જુન॥૮.૨૭॥
શ્રીભગવાન કહે છે કે હે પાર્થ! આ પ્રકારે આ બંને માર્ગને તત્ત્વથી જાણી, કોઈપણ યોગી મોહિત નથી થતા, તેને ખબર હોય છે કે આ બંને તેના કામના નથી, આ કારણે તે સર્વકાળમાં યોગયુક્ત થઈ મારી પ્રાપ્તિને પ્રાપ્ત કરનારા સાધન વડે સમત્વમાં આવી જાય છે. ભગવાન ગીતામાં કહે છે કે મને યાદ કરીને કર્મ કર, તારે યુદ્ધ પણ કરવું હોય તો મને યાદ કર!
मामनुस्मर युध्य च।
રસોઈ કરવી હોય, ઓફિસનું કામ હોય, બાળકોનું કામ હોય બધામાં મારું ચિંતન કર! ભગવાન અર્જુનને ફક્ત સારી વ્યક્તિ બનાવવા નથી માંગતા પણ ભગવદ્ પ્રાપ્તિના માર્ગ પર લઈ જવા માંગે છે.
આપણે સ્વર્ગની કામનાથી દાન કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, પુણ્ય કર્મ કરીએ છીએ એ વિચાર નથી કરતા કે આપણી ક્રિયાથી આપણા પુણ્ય ક્ષીણ તો નથી થતા ને? મૃત્યુ પછી આપણને લાગે છે કે આપણી પાસે ખૂબ પુણ્ય છે જ્યારે આપણે યમરાજની પાસે પહોંચીએ છીએ તો ખબર પડે છે કે આપણા ખાતામાં કોઈ પુણ્ય કર્મ નથી.
આપણે દાન કરીએ છીએ તો આપણે એ વિચાર કરવા જોઈએ કે આપણે દાનના બદલામાં આ ત્રણ વસ્તુઓ તો નથી લઈ રહ્યા ને?
દાનના બદલે કામ, દાનના બદલે દામ, દાનના બદલે નામ.
આપણે આ બદલામાં લઈશું તો આપણા પુણ્ય કર્મ તેટલા ઓછા થઈ જાય છે, એટલે ગુપ્ત દાન એ મહાદાન છે, આપણી લેવાની વૃત્તિ જેટલી ઓછી હશે આપણા પુણ્ય કર્મ તેટલા વધશે.
શ્રીભગવાન કહે છે કે જે યોગી છે જેને આમાં રુચિ નથી, જે આધ્યાત્મના માર્ગ પર ચાલી રહ્યા છે કર્તવ્યને કર્મ સમજી કરે છે, જેનામાં વિવેક આવી ગયો, તે બધા કાળમાં, હર પળ, હર ક્ષણ સાવધાન થઈ, યોગયુક્ત થઈ જાય છે મારા સનાતન પરમપદને પ્રાપ્ત કરી લે છે.
વેદેષુ યજ્ઞેષુ તપઃ(સ્) સુ ચૈવ,
દાનેષુ યત્પુણ્યફલં(મ્) પ્રદિષ્ટમ્।
અત્યેતિ તત્સર્વમિદં(વ્ઁ) વિદિત્વા,
યોગી પરં(મ્) સ્થાનમુપૈતિ ચાદ્યમ્॥૮.૨૮॥
યોગી પુરુષ આ રહસ્યને તત્ત્વથી જાણી, વેદોને વાંચી, યજ્ઞોમાં, તપમાં તથા દાનમાં જે પુણ્ય ફળ કહેવામાં આવ્યા છે તે બધાનું નિરંતર ઉલ્લંઘન કરી જાય છે. જ્યારે યોગી આ રહસ્યને જાણી જાય છે ત્યારે તે કર્તવ્ય ભાવનાથી આસક્તિ વગર બધા કર્મ કરતા મારા પરમધામને પ્રાપ્ત થઈ જાય છે.
ભગવાન કહે છે કે યોગી પુરુષ બધાં કર્મો કરે છે, યજ્ઞ, તપ, દાન કરે છે, જપ કરે છે, માળા પણ કરે છે પરંતુ એના ફળની ઈચ્છામાં નથી ફસાતાં. બધાં કર્મો નિષ્કામ ભાવથી કરવાને કારણે બધા ઉત્તમ કર્મો કર્યા પછી સત્ત્વકર્મોનું ઉલ્લંઘન કરીને ઉત્તરાયણના દેવતા સાથે બ્રહ્મલોકને પણ પાર કરીને મને પ્રાપ્ત થઈ જાય છે, સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
ગોસ્વામીજી કહે છે,
एहि तन कर फल विषय न भाई | स्वर्गउ स्वल्प अंत दुखदाई |
સ્વર્ગમાં ગમે તેટલું સુખ હોય અને આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય, પણ અંત દુઃખદાયક હોય છે, તેથી સ્વર્ગની ઈચ્છા રાખવાને બદલે, ભક્તિની ઈચ્છા રાખવી જોઈએ.
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।
अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्।।
ભાગવતમાં નવ પ્રકારની ભક્તિ છે. રામાયણમાં પણ શ્રીરામે શબરીને નવધા ભક્તિનું વર્ણન કર્યું હતું. ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ કે નવધા ભક્તિ કરીને, આપણે પૂજાના માર્ગ પર ચાલીને આપણું જીવન ફળદાયી બનાવીએ.
હરિ નામ કીર્તન સાથે આ ગૂઢ વિવેચન સત્રનું સમાપન થયું. ત્યાર પછી પ્રશ્નોત્તર સત્રનો પ્રારંભ થયો.
*********************પ્રશ્નોત્તરી**********************૧) પ્રશ્નકર્તા- મંજુ અગ્રવાલ દીદી
પ્રશ્ન- ઉત્તરાયણ કે દક્ષિણાયન લખતી વખતે, તેની પાછળ 'ણ' અને 'ન' ના વિવિધ પ્રકારો હોય છે. આવું કેમ છે?
ઉત્તર- વાસ્તવિક શબ્દ 'અયન' છે જેનો અર્થ છ મહિના થાય છે. સંધિ અને વ્યાકરણના નિયમો અનુસાર, આ વિવિધ પ્રકારના 'ણ' અને 'ન' દેખાય છે.
૨) પ્રશ્નકર્તા- રજનીશ ભૈયા
પ્રશ્ન- આપણે જાણીએ છીએ કે વ્યક્તિને પોતાના કર્મો અનુસાર જન્મ મળે છે અને વ્યક્તિ ફક્ત માનવ જન્મમાં જ કર્મો કરી શકે છે, પરંતુ જો કોઈ ખરાબ કર્મો કરીને પશુ જન્મ મેળવે છે, તો તેને ફરીથી માનવ જન્મ કેવી રીતે મળી શકે?
ઉત્તર- જો કોઈ માનવ જન્મમાં સારા કર્મો ન કરે, તો તે પશુ જન્મમાં જાય છે અને ત્યાંથી પોતાના કર્મોના પરિણામો ભોગવ્યા પછી, ફરીથી માનવ જન્મમાં પાછો આવશે. માનવ જન્મમાં કરેલા સારા અને ખરાબ કર્મોના પરિણામો ભોગવ્યા પછી, વ્યક્તિને ફરીથી માનવ જન્મ મળે છે.
૩) પ્રશ્નકર્તા- મૃદુલ દીદી ભાલવર
પ્રશ્ન- આજના સમયમાં, સારા ગુરુ શોધવા મુશ્કેલ છે, તેથી જો આપણે મનમાં કોઈ મંત્રનો જાપ કરીએ, તો શું તેમાં કોઈ નુકસાન છે?
ઉત્તર- ના, કોઈ નુકસાન નથી. જો તમે તમારા હાથમાં ગોળી લઈને બંદૂક વગર તમારા દુશ્મન પર ફેંકો છો, તો તેમાં કોઈ નુકસાન નથી, તે ગોળીથી કોઈનું મૃત્યુ થશે નહીં કારણ કે તે ગોળીમાં બંદૂકની શક્તિ નથી. ગુરુ દીક્ષા લીધા પછી, ગુરુની આધ્યાત્મિક શક્તિ તમારી સાથે જોડાઈ જાય છે અને તમને બંદૂકની શક્તિ મળે છે. જો તમે દરરોજ એ જ મંત્રનો જાપ કરો છો, તો પણ તમારા મંત્રોનો પ્રભાવ પહેલા કરતાં હજાર ગણો વધી જાય છે. દરેક યુગમાં ગુપ્ત ગુરુઓ હતા. રામાયણ યુગમાં પણ કલાનેમી નામના એક ગુરુ હતા જેમને હનુમાનજી પોતાના ગુરુ બનાવવા માંગતા હતા અને આજે પણ આવા ગુપ્ત ગુરુઓ છે, પરંતુ સાચા ગુરુને ઓળખવા માટે, તમારે ચાર પરીક્ષણો કરીને તપાસ કરવી જોઈએ અને દરેક વ્યક્તિ આ કરી શકે છે:-
1. શું ગુરુ સ્વયંભૂ છે?
૨. તેમની પાછલી પેઢીઓમાં કોઈ સ્વ-ઘોષિત ગુરુ ન હોવા જોઈએ અને ગુરુ કોઈ આચાર્ય પરંપરા અથવા મઠ પરંપરા સાથે જોડાયેલા હોવા જોઈએ.
૩. તેઓ એવા હોવા જોઈએ જે શાસ્ત્રો વાંચે અને શીખવે.
૪. ધ્યાન આપો કે તેઓ સ્વ-પૂજાને વધુ મહત્વ આપે છે કે ભગવાનની પૂજાને. જે ગુરુ ભગવાનની પૂજાને મહત્વ આપે છે તે સાચા ગુરુ છે.
ભારતમાં સાચા ગુરુઓની કોઈ કમી નથી. ફક્ત તેમને ઓળખવાની જરૂર છે અને આ રીતે, સાચા ગુરુને ઓળખીને, તમે સદ્ગુરુના નિર્દેશો અનુસાર જીવનમાં આગળ વધી શકો છો.
૪) પ્રશ્નકર્તા- મંદાકિની દીદી
પ્રશ્ન- મારા સાસરિયાના ઘરે, ગણપતિજી અને શિવજીની પૂજા થતી નથી અને તે કરવાની પણ મનાઈ છે, પરંતુ મારું મન તેમની પૂજા તરફ વધુ ઝુકાવ ધરાવે છે. કૃપા કરીને આનો કોઈ ઉકેલ સૂચવો?
ઉત્તર- આજ સુધી મને એવા કોઈ સંપ્રદાય કે પરંપરાની ખબર નથી જેમાં આવી વસ્તુ પ્રતિબંધિત હોય પરંતુ હા, જો તમારા ઘરમાં આવી કોઈ પરંપરા હોય તો તમારે તેનું પાલન કરવું જોઈએ અને તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. હું તમને ખાતરી આપી શકું છું કે કોઈપણ દેવતાની પૂજા કરવાથી તમને ક્યારેય કોઈ નુકસાન થશે નહીં.
૫) પ્રશ્નકર્તા- શીલા દીદી
પ્રશ્ન- આપણા બધા તહેવારો અલગ-અલગ તારીખે આવે છે પરંતુ મકરસંક્રાંતિ હંમેશા ૧૪ જાન્યુઆરીએ આવે છે, એવું કેમ છે?
ઉત્તર- આપણું ભારતીય કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે જેના આધારે આપણા તહેવારો અલગ-અલગ તારીખે આવે છે પરંતુ ફક્ત મકરસંક્રાંતિ એ સૂર્ય ગતિ પર આધારિત તહેવાર છે અને તે રોમન કેલેન્ડર જેવું જ છે. ૭૨ વર્ષોમાં ૧ દિવસ વધે છે. વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરીએ થયો હતો, તે દિવસે પણ મકરસંક્રાંતિ હતી.
પ્રશ્નકર્તા- પ્રેમવીર સિંહ ભૈયા
પ્રશ્ન- અધ્યાયનું નામ "અક્ષરબ્રહ્મયોગ" છે. કૃપા કરીને તેને સમજાવો?
ઉત્તર- આ અધ્યાયમાં શ્રીભગવાને ફક્ત અક્ષર અને અવ્યક્ત સ્વરૂપની પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. શ્રીભગવાનને અર્જુનનો પ્રશ્ન છે કે આપણે તમારા અવ્યક્ત સ્વરૂપને કેવી રીતે જાણી શકીએ? અને શ્રીભગવાને આ અધ્યાયમાં તે પ્રશ્નોના ખૂબ જ સુંદર રીતે જવાબ આપ્યા છે.
પ્રશ્નકર્તા- કિશનભૈયા બંસલ
પ્રશ્ન- અભિમાની દેવતાનો અર્થ શું છે?
ઉત્તર- અહીં અભિમાની દેવતાનો અર્થ કોઈપણ પ્રકારનો ઘમંડ નથી પણ તેનો અર્થ નિયુક્ત દેવતા એવો છે. (appointed દેવકા)
પ્રશ્નકર્તા- મેઘ ભૈયા
પ્રશ્ન - સ્લાઇડ નંબર છ અને સાતમાં દક્ષિણાયનનું વર્ણન કરતી વખતે, સ્લાઇડ નંબર છમાં અશુભ અને નરક લખેલું છે જ્યારે સ્લાઇડ નંબર સાતમાં સ્વર્ગ અને નરક લખેલું છે, કૃપા કરીને તેના વિશે જણાવો.
ઉત્તર- જો તમે દક્ષિણાયનમાં મૃત્યુ પામો અને તમારા જીવનમાં સારા કાર્યો કર્યા હોય, તો અશુભ ભોગવ્યા પછી પણ સ્વર્ગની શક્યતા છે. તમને સ્વર્ગ પણ મળશે. ઉત્તરાયણના વાહનમાં બેઠા પછી પણ, જો તમે તમારા જીવનભર ખરાબ કાર્યો કર્યા હોય, તો સ્વર્ગનો આનંદ માણ્યા પછી તમને નર્ક પણ મળશે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે અક્ષરબ્રહ્મયોગો નામાષ્ટમોઽધ્યાયઃ॥૮॥