विवेचन सारांश
પરમાત્માનો અલૌકિક પ્રકાશ
ગીતા પરિવારની પરંપરા મુજબ હનુમાન ચાલીસાનું પઠન થયું. શરૂઆતની પ્રાર્થના અને દીપ પ્રજ્વલન પછી વિવેચનસત્રની શરૂઆત થઈ. ગુરુ વંદના, જ્ઞાનેશ્વર મહારાજને શત્ શત્ પ્રણામ, ગંગા માતાને અને સરસ્વતી માતાને પ્રણામ, ગીતામૈયાને વંદન, ભગવાન વેદવ્યાસજી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ સ્વામી ગોવિંદદેવગિરિજી મહારાજના ચરણોમાં કોટી-કોટી વંદન સાથે વિવેચનની શરૂઆત થઈ.
ભગવાનની અતિશય મંગલમય કૃપા આપણાં સૌ પર વરસી રહી છે, જેનાથી આપણે આ માનવ જીવનને સફળ અને સાર્થક બનાવી શકીએ. આ જીવનના પરમ ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, આ જીવનને વિજયી બનાવવા માટે, અને તેને સિદ્ધિ સુધી પહોંચાડવા માટે, જો આપણે ભગવદ્ગીતામાં પ્રવૃત્ત થઈએ, તો એ અમુલ્ય તક છે. શા માટે આપણને આ સુવર્ણ અવસર મળ્યો? કદાચ આ આપણા કોઈ આ જન્મના સુકૃત છે, કોઈ પૂર્વ જન્મના સુકૃત છે, કે પિતૃઓના કોઈ પુણ્યફળ છે અથવા કોઈ જન્મમાં કોઈ સંત મહાપુરુષની કૃપાદૃષ્ટિ આપણ પર પડી છે, આપણા ભાગ્યોદય માટે અમુક શુભ સંયોગો બનેલા છે, જેનાથી આપણે ગીતા વાંચવા માટે પસંદ કરાયેલા છીએ. આવા વિચારે મનમાં વારંવાર એ વિશ્વાસ જગાવવો જોઈએ કે આપણે ગીતા પસંદ કરી નથી, ગીતાજીએ આપણને પસંદ કર્યા છે. ભગવાનની અતિશય મંગલમય કૃપાથી જ ભગવદ્ગીતા મેળવવી શક્ય બને છે. ભગવદ્ગીતા સમાન માનવજીવનને કલ્યાણ કરવા માટે બીજો કોઈ ઉપયોગી ગ્રંથ નથી એવું પરમ શ્રદ્ધેય બ્રહ્મલીન જયદયાળજી ગોયંકાજીએ (ગીતા પ્રેસના સંસ્થાપક) ગીતાજીની પ્રસ્તાવનામાં લખ્યું. ૫૧૦૦ વર્ષોમાં ભારતના અને વિદેશોના ચિંતકોએ ભગવદ્ગીતાના વખાણ, ગુણગાન આ રીતે જ કર્યા છે. ૭૦૦ શ્લોકોની મણિમાલિકા અદ્ભુત ગ્રંથ છે, એણે અનંતરત્નોને પોતાનામાં સમાવ્યા છે.
ગાંધીજી કહેતા કે જ્યારે ચારે તરફ અંધકાર છવાઈ જાય છે અને મને કોઈ માર્ગ નથી સૂઝતો ત્યારે હું મારી માતા, ભગવદ્ગીતાની ગોદમાં જતો રહું છું, ત્યાં જવાથી મને માર્ગ મળી જાય છે. કેટલીય વાર આપણે સાંભળ્યું છે કે જીવનના બધા પ્રશ્નોના જવાબ આપણને ભગવદ્ગીતામાંથી મળી જાય છે. પોતાની મેળે ભગવદ્ગીતા ખોલીને બેસીશું અને પ્રયાસ કરીશું તો આપણને બરાબર સમજાતું નથી. આના માટે સમર્થ ગુરુ હોવા આવશ્યક છે. આ ગુરુગ્રંથ છે, જેણે વેદો અને ઉપનિષદોનો અભ્યાસ નથી કર્યો એને સીધું સમજાતું નથી! એટલે પરમપૂજ્ય સ્વામીજી જેવા મહાપુરુષ પાસે એ સાંભળવી, સમજવી જોઈએ.
આ બહુ મહત્વપૂર્ણ અધ્યાય છે. આને શાસ્ત્રની ઉપમા આપવામાં આવી છે. આપણે ગયા સપ્તાહે જોયું કેવી રીતે શ્રીભગવાને એક પીપળાના ઉંધા વૃક્ષથી આ સંપૂર્ણ બ્રહ્માંડની પરિકલ્પનાને સાદ્રશ્ય કરી.. આપણે કેટલીક સ્લાઇડના માધ્યમથી સમજવાનો પ્રયાસ કર્યો. શ્રીભગવાને આ અધ્યાયને શાસ્ત્રની ઉપમા આપી, અને તેમણે કહ્યું કે આ ઉંધા વૃક્ષના મૂળ આપણી અહંતા, મમતા અને વાસનાના કારણે જીવાત્માને દીર્ઘકાળ સુધી અલગ-અલગ ચક્રોમાં બાંધીને રાખે છે.
असङ्गशस्त्रेण दृढेन छित्त्वा।
અસંગતાના શસ્ત્રના આ ઉપાયોથી તમે આનાથી છૂટી શકો છો, કોની સાથે અસંગ થાય છે? શ્રીભગવાને કહ્યું કે આસક્તિથી અસંગતા લાવો, વિષયોની આસક્તિથી અસંગતા કરવી જ મૂળ વાત છે, આપણે આમાં શુકદેવ મહામુનિની કથા સાંભળી અને શુકદેવ મહામુનિએ કેવી રીતે રાજા જનક દ્વારા એ શિક્ષા પ્રાપ્ત કરી તે આપણે જોયું.
શ્રીભગવાને પાંચમાં શ્લોકમાં સમજાવ્યું છે,
निर्मानमोहा जितसङ्गदोषा, अध्यात्मनित्या विनिवृत्तकामाः।
છઠ્ઠા શ્લોકમાં શ્રીભગવાને પોતાનું સરનામું બતાવ્યું, જે અસંગ શસ્ત્રોથી પોતાની આસક્તિઓને કાપતા શીખી ગયો, તે અવિનાશી પરમપદને પ્રાપ્ત કરે છે.
15.6
ન તદ્ભાસયતે સૂર્યો, ન શશાઙ્કો ન પાવકઃ।
યદ્ગત્વા ન નિવર્તન્તે, તદ્ધામ પરમં(મ્) મમ॥૧૫.૬॥
ઈશ્વર પ્રકાશવાન છે એ રૂપક અલંકાર છે. એટલે પ્રકાશના રૂપમાં ઈશ્વરની કલ્પના અનાદિકાળથી કરવામાં આવે છે. વેદોમાં કહ્યું,
तमसो माँ ज्योतिर्गमय ।
જ્યોતિના સ્વરૂપમાં ભગવાનની કલ્પના કરી છે.
ગોસ્વામીજી કહે છે,
बंदउँ गुरु पद कंज कृपा सिन्धु नररूप हरि।
महामोह तम पुंज जासु बचन रबि कर निकर॥" (5)
પ્રકાશ ભગવાનનું પર્યાયવાચી બની ગયું! વેદોમાં ઈશ્વરને "ભૃગુજ્યોતિ" કહ્યા, અંગ્રેજોએ "ડીવાઈન લાઈટ" કહ્યા, મુસ્લિમોએ "નૂરે ઈલાહી" કહ્યા, પારસીઓએ તો સૂર્યને જ ઈશ્વરનું સ્વરૂપ માની લીધા. ભગવાન કહે છે તમે મને લૌકિક તત્ત્વોથી નહીં સમજી શકો!
“न रूप मस्येह तथोपलभ्यते ।”
હું પંચતત્ત્વોથી પરે છું!
૨) રૂપની ઉપાસના
૩) ભગવાનની લીલાઓની ઉપાસના અને
૪) ભગવાનના ધામની ઉપાસના
આ ચારેયની ઉપાસના કરવી અને ચારેયના અલૌકિક સ્વરૂપને સમજવું એ તત્ત્વજ્ઞાન છે.
અહીં ભગવાન પ્રકાશની વાત કરે છે ત્યારે એમ નથી સમજવાનું કે ભગવાનનું ધામ છે તે અત્યંત પ્રકાશિત છે! આ રૂપક છે. આ લૌકિક પ્રકાશની વાત નથી, અલૌકિક પ્રકાશની વાત છે.
આદિ શંકરાચાર્ય "ભજ ગોવિંદમ્"માં કહે છે,
पुनरपि जननं, पुनरपि मरणं,
पुनरपि जननी जठरे शयनम्।।
વારંવાર જન્મ લઈએ છીએ, વારંવાર મૃત્યુ પામીએ છીએ, વારંવાર માતાના ગર્ભમાં ઉંધા લટકીએ છીએ. કરોડો કરોડો જન્મથી આપણી આ યાત્રા ચાલી રહી છે. ભગવાન કહે છે, આમાંથી છૂટવું હોય તો મારી પાસે આવી જા, પછી તારે પાછું નહીં આવવું પડે! તો શંકા થાય કે ક્યાં જવાનું છે? કોણ છે? ભગવાન સ્પષ્ટીકરણ કરે છે.
મમૈવાંશો જીવલોકે, જીવભૂતઃ(સ્) સનાતનઃ।
મનઃ(ષ્) ષષ્ઠાનીન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ કર્ષતિ॥૧૫.૭॥
આ શ્લોકને જ્ઞાનમાર્ગનો, અદ્વૈતનો સર્વોત્તમ શ્લોક માનવામાં આવે છે, શ્રીભગવાન કહે છે, અર્જુન! આ દેહમાં જે સનાતન જીવાત્મા છે તે મારો અંશ છે, मम एव अंशः। એ મારો જ અંશ છે, ભગવાને તેની ઘોષણા કરી છે, તું મારાથી જુદો નથી! આ બધા જીવ, તમે બધા, મારા પોતાના છો, બધા મારા જ અંશ છો અને આ સનાતન છે. સામાન્ય રૂપથી આ શ્લોકનો અર્થ આટલો જ છે પણ વિશિષ્ટ અર્થ અદ્ભુત છે.
ભગવાન કહે છે, અર્જુન! ममैवांशो जीवलोके -
આને ગોસ્વામીજીએ માનસમાં લખ્યો.
આ બંને એક જ વાત કહે છે. પરમપૂજ્ય રામસુખદાસજી ક્યાં તો સાતમો શ્લોક બોલતાં કે ક્યાં તો ચોપાઈ બોલતાં! તમે કોઈ બીજા નથી, તમે અને હું જુદા નથી, તમારે કોઈ બીજાની પૂજા નથી કરવાની! તમારી જાતને ઓળખો! તમે કોણ છો? આ પ્રશ્ન લઈને સદીઓથી આપણે ભટકી રહ્યા છીએ, ભગવાન એનો જવાબ આપે છે કે તમે મારો અંશ છો! તમે મારી જેમ સનાતન છો.
બે શબ્દ છે એક સનાતન અને બીજો પુરાતન. આપણે કહીએ છીએ, પુરાતન અર્થાત ખૂબ પહેલાંનું, હજાર વર્ષ પુરાણું, લાખ વર્ષ પુરાણું, કેટલા પહેલાંના તે ખબર નથી અને આપણે પોતાના ધર્મને પુરાતન ધર્મ નથી કહેતા, સનાતન ધર્મ કહીએ છીએ.
સનાતન ધર્મ એટલે જે કયારેય પહેલીવાર નથી થયું, કોઈના દ્વારા સ્થાપિત કરવામાં નથી આવ્યો, સદાય હતો, સદાય છે અને સદાય રહેશે, એટલે આપણે ધર્મને કહીએ છીએ આ સનાતન ધર્મ છે.
આને કોઈ વ્યક્તિએ, કોઈ પયગંબરે કે કોઈ ભગવાનના પુત્રે સ્થાપિત નથી કર્યું. પહેલી વાર બન્યું એવું નથી, અને જ્યારથી પરમાત્મા છે ત્યારથી છે, અને પરમાત્મા ક્યારથી છે તો સનાતન: તો જીવાત્મા ક્યારથી છે તો તે પણ સનાતન: પહેલી વાર આત્મા થઈ હશે, પહેલીવાર તેમનો જન્મ થયો હશે, એવો પ્રશ્ન આપણા મનમાં આવતો હોય છે, સ્વાભાવિક રૂપથી આવે છે, પરંતુ આ જીવાત્મા ક્યારેય પહેલીવાર થયો નથી, અને હોઈ પણ ન શકે, આ સદાથી છે.
ગયા વખતે આપણે જોયું ઉંધા ઝાડના મૂળ પરમાત્મા છે. જો મૂળ પરમાત્મા છે તો વૃક્ષનું થડ, ડાળીઓ, પાંદડાંઓ, ફૂલ, ફળ બધું પરમાત્મા જ છે! પણ અંતર કેમ દેખાય છે? એનું કારણ છે.
મહાકાશ, મઠાકાશ અને ઘટાકાશ આ ત્રણેય વાત કરવામાં આવે છે, આપણા ઓરડાની બહારનું આકાશ, એક આપણા ઓરડાની અંદરનું આકાશ અને આપણા હાથમાં સ્થિત એક ગ્લાસની અંદરનું આકાશ આ ત્રણે અલગ-અલગ છે કે એક જ છે? વિચાર કરો, એક જ છે ને? પરંતુ એની પ્રતીતિ જુદી-જુદી થાય છે.
પરંતુ બહારના આકાશનું તાપમાન માનો કે 32 ડિગ્રી હોય તો ઓરડાના તાપમાન 30 કે 28 ડિગ્રી હોઈ શકે છે, ગ્લાસની અંદરનું તાપમાન તેનાથી પણ ઓછું હોઈ શકે છે, આકાશ એક જ હોવા છતાં પણ ઘરની બહાર નીકળીએ તો થોડું ગરમ આપણને લાગે છે. ઠંડીના સમયે ઘરની અંદરની તુલનામાં બહાર વધુ ઠંડી લાગે છે, ઘરની અંદર, બહાર અને ગ્લાસની અંદર વાતાવરણ એક હોવા છતાં પણ અલગ અલગ પ્રતીત થાય છે. હવે ગ્લાસ તૂટી ગયો તો તેની અંદરનું આકાશ બહારના આકાશને મળી જાય છે, એટલે ઘટાકાશ મઠાકાશ મળીને એક થઈ ગયા, હવે ઘર પડી જાય અને ઘરની અંદર અને બહારનું આકાશ એક થાય કે નહીં? પહેલાં પણ એક હતું અને તૂટવા પછી ફરીથી એક થતું પ્રતીત થાય છે, તે પરમાત્મા મહાકાશ છે, તે જ મહાકાશ, મઠાકાશના રૂપમાં પરિવર્તિત થાય છે. પરમાત્મા અને આપણે જુદા નથી! પરમાત્માને માનો મહાકાશ, બ્રહ્માંડને માનો મઠાકાશ અને શરીરમાં રહેનારા જીવાત્માને માનો ઘટાકાશ છે, એ બધું એક જ છે, જુદા-જુદા નથી!
હજી એક ઉદાહરણ જોઈએ. પરમાણુ વીજળીઘરમાં વીજળી ઉત્પન્ન થાય છે, જે હજારો મેગાવૉટની વીજળી અલગ-અલગ શહેરમા ગ્રીડ(વીજ સંકલન) મારફત જાય છે અને પુન: શહેર ટ્રાન્સફોર્મરથી આપણી સોસાયટીમાં આવે છે, અને પછી આપણા ઘરોમાં આવે છે, આપણા ઘરના મીટરમાં થઈ એક-એક સ્વીચ બોર્ડમાં આવે છે, પછી આપણે વિભિન્ન ઉપકરણોની સ્વીચ ઓન કરીએ તો તે ચાલે છે, હવે કહો તે બધા સ્વીચ બોર્ડ અને ઉપકરણ સુધી જનારી વીજળી એક જ છે ને! મારા ઘરમાં અને મારા પાડોશીના ઘરમાં જે વીજળી છે તે એક જ છે કે અલગ છે? અલગ-અલગ શહેરો અને ઘરોમાં આવનારી વીજળી એક જ છે, પરંતુ મારી વીજળીનું બિલ અને મારા પાડોશીની વીજળીનું બિલ અલગ-અલગ આવે છે, તે જ રીતે કર્મ ફળ અલગ હોવા છતાં પણ આપણા બધામાં પરમાત્માના ચેતન સ્વરૂપ એક જ રૂપમાં વિદ્યામાન છે, આપણે અલગ-અલગ નથી.
અંગ્રેજીમાં Soul શબ્દથી પરિચિત હોવાના લીધે આપણા મનમાં ભ્રમ ઉત્પન્ન થાય છે, પાશ્ચાત્ય દર્શનના કારણે આપણને લાગે છે, મારો આત્મા અલગ, તેનો આત્મા અલગ. તેનો આત્મા, કૂતરાનો આત્મા, બિલાડીનો આત્મા અલગ! આ અલગ-અલગ કંઈ જ નથી, પરંતુ આપણને અલગ-અલગ પ્રતીત થાય છે.
આપણા કર્મ અને લેખાજોખા અલગ હોવાના લીધે અલગ પ્રતીત થાય છે, અને તે અનુસાર વારંવાર જન્મ લેવો પડે છે, કેવી રીતે અલગ હોય છે, અને કેવા જન્મ લઈએ છીએ,
સ્લાઇડમાં પરમાત્મા, શાસ્ત્રોમાં વર્ણીત મહાકાશ, મઠાકાશ, ઘટાકાશ, જીવાત્મા, મન અને ઇન્દ્રિયો વિષયમાં પ્રતિકાત્મક રૂપથી બતાવવામાં આવ્યા છે, મહાકાશ અનંત છે, માત્ર સમજવા માટે તેને કાળા ઘેરાઓના વૃત્તથી બતાવવામાં આવ્યું છે, તેની અંદર કથ્થઈ રંગના ઘેરામાં મઠાકાશ છે, જેમાં અનેક યોનિઓ ઘણા બધા ગ્રહ, અલગ-અલગ પ્રકારના જીવ, આ બધા આવે છે, લીલા રંગના ઘેરામાં ઘટાકાશને બતાવવામાં આવ્યું છે, ઘટાકાશ એટલે મન સહિત પાંચ ઇન્દ્રિયો. બધી આકૃતિઓ છે તેમાં પીળો ભાગ છે, સફેદ ભાગ સાથે જોડાયેલા તે સનાતન જીવાત્મા થઈ ગયા. પાંચ વિષયો સાથે મનને આકર્ષિત કરીને ઘટાકાશને લઈને મઠાકાશમાં નિવાસ કરે છે અને મહાકાશમાં ફરતું રહે છે અને
पुनरपि जननं, पुनरपि मरणं, આમ વારંવાર જન્મ-મૃત્યુના ચક્રમાં ફસાતો રહે છે.
આપણાં મનમાં પ્રશ્ન આવે કે જો આપણે એના જ અંશ છીએ અને બધા આકાશ એક જ છે તો આપણો જન્મ, પુનર્જન્મ કઈ રીતે થાય છે, આપણે આગળ કઈ રીતે જઈએ છીએ? ભગવાન કહે છે,
શરીરં(ય્ઁ) યદવાપ્નોતિ, યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ, વાયુર્ગન્ધાનિવાશયાત્॥૧૫.૮॥
ભગવાન કહે છે, અર્જુન જેમ વાયુ ગંધના સ્થાનથી ગંધને પોતાની સાથે લઈ જાય છે, તેમ દેહ વગેરેનો સ્વામી જીવાત્મા જે શરીરનો ત્યાગ કરે છે, તેમા મન સહિત ઇન્દ્રિયોના બધા ગુણોને જે શરીરને પ્રાપ્ત થાય છે તેમાં પહોંચાડી દે છે. આપણે કોઈ વસ્તુ કશે પહોંચાડવી હોય કે કુરીયરનો સહારો લઈએ છીએ. અહીં વાયુ કુરીયરનું કામ કરે છે. શ્રીભગવાને એક સુંદર ઉદાહરણ આપ્યું છે.
તમે કોઈ કચરાપેટીની બાજુમાંથી નીકળો તો 100થી200 ડગલા પહેલાં તેની દુર્ગંધ આપણા નાકમાં પ્રવેશે છે, ત્યાંથી આવનારો વાયુ તે ગંધને લઈને આવે છે, અને 100 ડગલાં પહેલાં આપણી નાસિકામાં પ્રવેશ કરે છે, પરંતુ હકીકતમાં વાયુ એવું કરે છે શું? વાયુએ તે ગંધને પકડેલી છે શું? વાયુના થોડાક આગળ જવાથી તે ગંધ છોડી આગળ વધી જાય છે,
વાયુનો આ મુખ્ય ગુણ છે તે કોઈને પણ પકડી રાખતો નથી. આ રીતે આપણે કોઈ બગીચાની પાસેથી જઈએ તો સુગંધ આવે છે, કોઈ કચરાપેટી પાસે દુર્ગંધ આવે છે, વાયુ આ સુગંધ અને દુર્ગંધને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય છે, પરંતુ સદા માટે તે ગંધ અને ધારણ નથી કરતો. વાયુ કોઈપણ પદાર્થને પકડતો નથી તે તેની વિશેષતા છે,
જે રીતે વાયુ તે ગંધ સાથે ચોંટતો નથી તેવી જ રીતે આ આત્મતત્વ કોઈપણ વસ્તુ સાથે ચોટતું નથી, પરંતુ આપણા કર્મફળોને એક શરીરથી બીજા શરીર સુધી લઈ જાય છે, આપણે લોકોએ પૂર્વ જન્મમાં જે-જે કર્મ કર્યા તેની સ્મૃતિ, તેના સંસ્કાર, તેના કર્મફળ, તેના પાપ કારણ શરીરના રૂપમાં એક યોનિથી બીજી યોનિમાં, બીજા શરીરમાં ચાલ્યું જાય છે. આત્મા તેને લઈ જાય છે પણ ચોંટતો નથી. જેમ વાયુની સાથે ગંધ ચોંટીને ચાલી આવે છે, વાયુ નથી લઈ જતો, વાયુ સમાન જ આત્મા વાહકના રૂપમાં કાર્ય કરે છે, તે નિર્લેપ નારાયણ છે, તે માત્ર વાહક છે ગ્રહણ નથી કરતો. વાયુ કોઈ સુગંધ કે દુર્ગંધને સદા માટે ધારણ નથી કરી શકતો, તેમ આત્મતત્ત્વ પણ ફક્ત વાહકનું કામ કરે છે.
પાણીમાં લાલ રંગ નાખવામાં આવે તો પાણી લાલ જ રહેશે, પરંતુ હવામાં લાલ રંગ ઉડાડવાથી તે વધુ સમય સુધી લાલ નથી રહી શકતી, વાયુની વિશેષતા છે કે તે કોઈપણ તત્ત્વને ગ્રહણ નથી કરતો, જળ ગ્રહણ કરે છે, તેમાં કોઈ પદાર્થ નાખીએ તો તે તેમાં રહે છે. વાયુમાં કોઈ પદાર્થ નાખવાથી તે રહી શકતો નથી. કોઈ પદાર્થ પોતાની શક્તિથી વાયુમાં જેટલો સમય રહે છે, ધૂળ ઉડે છે, પછી નીચે પડી જાય છે. વાયુ કોઈપણ પદાર્થને પોતાની સાથે રાખતો નથી, એ જ રીતે આત્મતત્ત્વ કંઈ પણ ગ્રહણ નથી કરતું. વિષયાકર્ષણને લીધે આપણે જુદી-જુદી યોનીઓમાં જઈએ છીએ. ભગવાન કહે છે,
यं यं वापि स्मरन्भावं, त्यजत्यन्ते कलेवरम् ।
જે ભાવનું સ્મરણ કરતાં આપણે દેહનો ત્યાગ કરીએ છીએ એ જ ભાવ અનુસાર મને પછીની યોની પ્રાપ્ત થાય છે. કઈ રીતે પ્રાપ્ત થાય છે? શ્રીભગવાન આગળ કહે છે.
શ્રોત્રં(ઞ્) ચક્ષુઃ(સ્) સ્પર્શનં(ઞ્) ચ, રસનં(ઙ્) ઘ્રાણમેવ ચ।
અધિષ્ઠાય મનશ્ચાયં(વ્ઁ) વિષયાનુપસેવતે॥૧૫.૯॥
અર્જુન! આ જીવાત્મા મનનો આશ્રય લઈને શ્રોત્ર, નેત્ર તથા ત્વચા, રસના અને ઘ્રાણ આ પાંચ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરે છે. ઘર બદલતાં રહે છે, બનતા રહે છે, બગડતાં રહે છે. જૂના ઘરની જેટલી પણ આશાઓ, ઈચ્છાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ, સ્પૃહાઓ છે, તે પૂર્ણ કરવા માટે જીવાત્મા એક શરીરથી બીજા શરીરમાં પ્રયાણ કરતી રહે છે, પૂર્વ જન્મમાં કરેલા બધા પાપ-પુણ્ય, કર્મફળ એની સાથે જ ચાલે છે. પાપ-પુણ્યનું અને વાસનાઓનું નિર્માણ થાય છે, એ પૂરા કરવા માટે કરોડ-કરોડ જન્મ લેવા પડે છે! જુદી-જુદી યોનીઓમાં ફરતાં રહીએ છીએ, નવા પાપ-પુણ્ય કરતાં રહીએ છીએ. ચોર્યાસી લાખ યોનિઓમાંથી ફક્ત મનુષ્ય યોની જ એવી યોની છે જેમાં કર્મ કરવાનો અધિકાર મળે છે, બાકી બધી યોનીઓ ભોગ યોનીઓ છે. દેવતાઓ વરદાન આપે છે, એમને પુણ્ય નથી મળતું! કુતરો આપણને કરડે તો એને પાપ નથી લાગતું. ફક્ત મનુષ્યને જ કર્મફળ મળે છે, એટલે કહે છે,
बड़े भाग मनुष्य तन पावा
દેવતાઓ પણ મનુષ્ય યોની પ્રાપ્ત કરવા માટે તરસે છે.
મનુષ્ય કેવી રીતે ફસાય છે? શ્રીભગવાન કહે છે આ પાંચ ઇન્દ્રિયોના કારણે થાય છે.
હરણની ગતિ એટલે તેજ હોય છે કે સૌથી ઝડપી ચિત્તો ચાલીસ વારમાંથી એકવાર જ તેનો શિકાર કરી શકે છે, 39 વાર તે નિષ્ફળ થઈ જાય છે, હરણ પોતાના ચાર પગથી ચિત્તાથી અધિક ઝડપે દોડે છે, પરંતુ તે હરણને મનુષ્ય પકડી લે છે! મનુષ્ય બધાની નબળાઈ જાણીને તે પ્રમાણે વર્તે છે.
મનુષ્ય હરણને પકડી શકે છે તેનું કારણ છે હરણની વાસના, એની શબ્દ પ્રત્યેની વાસના! હરણને સંગીત અત્યંત પ્રિય છે, ભગવાન કૃષ્ણ જ્યારે પણ વાંસળી વગાડતા હતા, તેમની આસપાસ હરણ અવશ્ય આવતા, કસ્તુરીના કારણે હરણને પકડનાર શિકારી એક વિશેષ પ્રકારની ધૂન વગાડે છે, હરણ પોતાની આંખો બંધ કરી તે ધુનને સાંભળી મગ્ન થઈ જાય છે. શિકારી જ્યારે જુએ છે કે હરણ તે ધુનમાં આસક્ત થઈ ગયો છે, તો તે ધીરે-ધીરે તેની પાસે જઈ તેના પેટને કાપી કસ્તુરીને પ્રાપ્ત કરે છે, અને તે હરણને તડપતું છોડી ત્યાંથી જતો રહે છે. શબ્દના આકર્ષણમાં હરણ પોતાના પ્રાણ ખોઈ બેસે છે.
૨) ચક્ષુ એટલે નેત્ર, નેત્રનો ગુણ રૂપ. રાત્રીમાં એક જ રોશની પર હજારો પતંગિયા આવી અથડાય છે, આખી રાત તે લાઈટ સાથે અથડાઈને સવાર સુધીમાં મરી જાય છે, દીપકની જ્યોતમાં બળીને મરી જાય છે, એવું નથી કે તેમને દર્દ નથી થતું. તે દીપકની નજીક આવે તો તેની ઉષ્મા પતંગિયાને બાળીને ભસ્મ કરે છે, પરંતુ પતંગિયા દીવાની રોશનીનું આકર્ષણ છોડતા નથી, એ પોતાના પ્રાણ આપી દે છે, પરંતુ તેની પ્રકાશને પ્રાપ્ત કરવાની વાસના પૂરી નથી થતી. રૂપના આકર્ષણમાં પતંગિયા પોતાનો પ્રાણ ખોવે છે.
૩) સ્પર્શ- ત્વચાનો ગુણ છે સ્પર્શ. સંસારનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે જેની સામે સિંહ પણ તાકાત નથી બતાવતો પણ મહાવતના નાના અંકુશથી, તેના ઈશારા પર પોતાની ગતિ વિધિ કરે છે, ઊઠે છે, બેસે છે, પગ ઊંચા કરે છે! મનુષ્યને દરેકની નબળાઈ ખબર છે.
હાથીની નબળાઈ છે હાથણીનો સ્પર્શ, હાથીને પકડવા માટે મનુષ્ય અમાસના દિવસે આઠ બાય આઠ ફૂટનો ખાડો ખોદે છે અને હાથીને પકડવા માટે તેમાં પાંજરું મૂકે છે, તે ખાડાને પૂળાથી ઢાંકવામાં આવે છે, અને પાછળ હાથણીના આકારની ફ્રેમ લગાવે છે, તેની પર હાથણીનું તાજું છાણ લગાવે છે અને હાથણીના સ્વરની વિશેષ ધ્વનિ વગાડે છે. હાથીને હાથણીનો સ્પર્શ ખૂબ પ્રિય હોય છે. હાથી 2 km થી પણ દૂર હોય તો કોઈપણ ધ્વનિને સાંભળી શકે છે, એટલે તે હાથણીનો આ અવાજને સાંભળી તે દિશામાં દોડે છે, અમાસની રાતમાં તેને હાથણીની આકૃતિ દેખાય છે, થોડું નજીક આવી છાણના લીધે તેને ગંધ પણ આવે છે, તેને વિશ્વાસ થઈ જાય છે કે અહીં હાથણી છે અને સ્પર્શ કરવાના લોભે તે ખાડામાં જઈ પડે છે અને ફસાઈ જાય છે. જંગલી હાથી છે, ખૂબ શક્તિશાળી હોય છે. કંઈ ન કરી શકતાં તે સ્થિતિમાં તે જોરજોરથી અવાજ કરે છે ચીસો પાડે છે, તેને લીધી જંગલના બધા પશુ પક્ષીઓ વિચલિત થઈ જાય છે, ખાડામાંથી નીકળવાના પ્રયાસમાં તે ચારે તરફ સ્વયંને ઘાયલ કરી લે છે, ઘામાં તેને પીડા પણ થાય છે, ત્રણ દિવસ સુધી કોઈ શિકારી મહાવત તેની પાસે નથી જતો, ભૂખ અને ઘાથી પરેશાન હાથી હતાશ થઈ જાય છે, થાકી જાય છે. હવે બૂમ પાડવાની પણ તાકાત નથી રહેતી! ત્રણ દિવસ પછી મહાવત તેની પાસે આવે છે. હાથી એની સામે ગુસ્સાથી જુએ છે. મહાવત તેને કેળા આપે છે, મહાવતના ગયા પછી હાથી તે કેળા ખાઈ જાય છે. બીજા દિવસે જ્યારે મહાવત આવે છે તો હાથી ચીસો નથી પાડતો, તેની પાસે ખાવાની આશા કરે છે, મહાવતના હાથમાં કેળા જોઈને હાથી સુંઢ આગળ કરી તેની પાસેથી કેળા લઈ લે છે. બીજા દિવસે મહાવત તેની પાસે થોડું કામ કરાવે છે અને હાથી કામ પૂર્ણ કરે એટલે તેની ઇનામ તરીકે કેળા આપે છે. હાથી બુદ્ધિમાન પ્રાણી છે તે મહાવતના સંકેતોને સમજવાનો પૂરો પ્રયાસ કરે છે, તેને બીજા દિવસે વધુ કુશળતાથી મહાવતની વાત માને છે, છ દિવસમાં મહાવત અને હાથીની દોસ્તી થઈ જાય છે, મહાવત એને કેળા અને રોટલી ખવડાવે છે. મહાવત બીજા લોકો સાથે મળીને એને બધું શીખવાડે છે. હાથી હવે સમજે છે કે મહાવત જે કહે છે તે હું કરીશ તો મને રોટલી અને કેળા મળશે! મહાવત ઈશારાથી હાથીને સૂંઢ ઉપર લાવવાનું કહે છે, પોતે સૂંઢ ઉપર બેસીને ખાડામાં ઉતરે છે, હાથીને સ્પર્શ કરે છે, એના ઘા પર મલમ લગાડે છે. સાતમાં-આઠમા દિવસે હાથીને બહાર કાઢવામાં આવે છે, મહાવત તેની સૂંઢથી પકડીને પોતાની ઉપર બેસાડવાનો સંકેત કરે છે, એની પીઠ પર બેસીને અંકુશથી હાથી પાસે પોતાની વાત મનાવે છે. હાથી તેની બધી વાત માને છે, સૌથી શક્તિશાળી જંગલનો રાજા, મહાવતના અંકુશના સંકેતો પર પોતાનું જીવન વ્યતીત કરે છે. જંગલનો રાજા સરકસનો હાથી બનીને રહી જાય છે. સ્પર્શની વાસનામાં હાથી પોતાનું જીવન ખોઈ દે છે.
૪) રસ એટલે સ્વાદ. આ જીહ્વાનો ગુણ છે.
માછીમાર માછલીને પકડવા માટે લોટની ગોળી બનાવી કાંટામાં ફસાવી પાણીમાં નાખે છે, માછલીને લોટનો સ્વાદ એટલો બધો પ્રિય હોય છે કે તે આકર્ષણ છોડતી નથી અને તેના પ્રાણ ખોઈ દે છે.
૫) ઘ્રાણ - એટલે સુગંધ
ભમરાને ફૂલની સુગંધ પ્રિય હોય છે,
भंवरे ने खिलाया फूल, फूल को ले गया राजकुंवर ।
ભમરાને પુષ્પની પરાગ વિશેષ પ્રિય હોય છે, ભગવાને ભમરાને અગ્ર દાંત અત્યંત કઠોર આપ્યા છે, તેના કારણે તે કઠોરથી કઠોર ઝાડમાં પણ છેદ કરી શકે છે, આ ભમરાની પરાગની સુગંધ તેને અત્યંત પ્રિય છે. કમળના ફૂલની વિશેષતા હોય છે કે તે સવારે ખીલે છે અને સાંજે પાંખડીઓ બીડાઈ જાય છે. સવારે જેવું કમળ ખીલે છે, ભમરો તેના પર જઈ બેસી જાય છે, આખો દિવસ તેનો આનંદ લે છે, સંધ્યા સમયે કમળની પાંખડીઓ એક-એક કરી બંધ થવા લાગે છે, પરંતુ ભમરો પરાગના આકર્ષણમાં તેમાંથી બહાર નીકળતો નથી. રાત્રે હાથીઓનું ઝૂંડ નીકળે છે અને કમળોને પોતાના પગ નીચે કચડી નાખે છે. સુગંધના આકર્ષણમાં ભમરો સવાર સુધીમાં પોતાના પ્રાણને ત્યાગી દે છે.
શબ્દના આકર્ષણમાં હરણ, રૂપના આકર્ષણમાં પતંગિયાં, સ્પર્શના આકર્ષણમાં હાથી, રસના આકર્ષણમાં માછલી અને ગંધના આકર્ષણમાં ભમરો પોતાના પ્રાણ ખોઈ બેસે છે. આ બધા પ્રાણી તો એક-એક વાસનાઓમાં ફસાયેલા છે, પરંતુ મનુષ્યમાં તો અનેક વાસનાઓ છે, સારું ખાવાનું, સારું હરવું ફરવું, સારું પરફ્યુમ, સારી સુગંધ, સારાં કપડાં, સારું ગાદલું આપણે તો આ પાંચેય ઇન્દ્રિયોના આકર્ષણમાં જીવનભર ફસાયેલા રહીએ છીએ, આ વાસનાઓ ક્યારેય પૂર્ણ નથી થતી અને મનુષ્ય વારંવાર જન્મ લે છે અને મરે છે, વારંવાર આ યોનિયોમાં ભટકતો રહે છે. આમાંથી કઈ રીતે નીકળી શકાય? ભગવાન આગળ કહે છે.
ઉત્ક્રામન્તં(મ્) સ્થિતં(વ્ઁ) વાપિ, ભુઞ્જાનં(વ્ઁ) વા ગુણાન્વિતમ્।
વિમૂઢા નાનુપશ્યન્તિ, પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ॥૧૫.૧૦॥
ભગવાન કહે છે, અર્જુન! ત્રણ અવસ્થાઓ છે, ઉત્ક્રામંતમ, સ્થિતમ, અને ભૂઞજાનમ. શરીર બદલતી સમયે ઉત્ક્રામંતમ એટલે ઉપર જતી વખતે, સ્થિતમ એટલે શરીર બદલવાના વચ્ચેના સમયે, પછી કોઈ શરીરમાં આવી સક્રિય થઈ ગયા. ગુણાન્વિત્તમ એટલે ત્રણે ગુણોથી સંપન્ન, ત્રણ ગુણ એટલે સત્ત્વ, રજ અને તમ. તેનાથી મનુષ્ય પોતાના બધા કર્મ કરે છે, સક્રિય એટલે પ્રગટ. આ ત્રણ સ્થિતિમાં હું કઈ સ્થિતિમાં છું તે જ્ઞાની જાણે છે પણ અજ્ઞાની નથી જાણતાં!
જ્ઞાની એટલે જેમને ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું છે તે. અર્જુનને ભગવાનનું દિવ્ય રૂપ જોવું હતું, અર્જુનને ભગવાનના દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે જ્ઞાન ચક્ષુ ખુલ્યા, જીવનભર ભગવાન કૃષ્ણ સામે હતા, પરંતુ જ્ઞાન ચક્ષુ ન ખુલ્યા! જ્યારે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી, ત્યારે અર્જુનને ભગવાનના વિરાટ રૂપના દર્શન થયા! ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત ન કરી શકાય. જેની પાસે જ્ઞાનરૂપી નેત્ર છે તે જ આપણને જ્ઞાન આપી શકે છે!
યતન્તો યોગિનશ્ચૈનં(મ્), પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્।
યતન્તોઽપ્યકૃતાત્માનો, નૈનં(મ્) પશ્યન્ત્યચેતસઃ॥૧૫.૧૧॥
આ બહુ મહત્વપૂર્ણ શ્લોક છે આપણા ઘણા પ્રશ્નોના જવાબ આ શ્લોકમાં મળે છે. શ્રીભગવાન કહે છે પ્રયત્ન કરવાનો જરૂરી છે, પરંતુ માત્ર પ્રયત્ન કરવાથી મારી પ્રાપ્તિ નથી થતી. આપણી આસપાસ આપણે જોઈએ છીએ કે વીસ વર્ષથી ગીતાજી વાંચી રહ્યા હોય, પરંતુ સ્વભાવમાં કોઈ ફેર પડતો નથી, દરરોજે ત્રણ કલાક પૂજા કરે છે, પરંતુ એક ફૂટ ભૂમિ માટે પોતાના ભાઈ પર પણ કેસ કરી દીધો હોય છે, દરરોજ ચાર કલાક નામ જપ કરે છે, પરંતુ ક્રોધ કરે છે એટલે દરરોજ આ બધું કર્યા પછી પણ સ્વભાવમાં પરિવર્તન આવી જાય એ જરૂરી નથી.
શ્રીભગવાન કહે છે જ્ઞાન પણ ત્યારે જ મળશે જ્યારે અંતઃકરણ શુદ્ધ હશે, તેનો મેલ ધોવો પડશે, જૂઠું, હિંસા, છળ, કપટથી ભગવાનની પ્રાપ્તિ નથી થતી. શ્રીભગવાન કહે છે સ્વભાવમાં પરિવર્તન મૂળ વાત છે, જ્યાં સુધી સ્વભાવમાં પરિવર્તન નથી આવતું ત્યાં સુધી કરેલા સાધનથી ઉપલબ્ધિ નથી થતી. શ્રીભગવાન કહે છે અંતઃકરણની શુદ્ધિ મૂળ છે, શું કરવું છે અને શું નથી કરવાનું આ ધ્યાન રાખવાથી સાધના પરિપકવ થાય છે, આનું ધ્યાન ન રાખીએ તો સાધના પર પ્રભાવ નથી થતો. યોગ કરી લો, તમે કેટલીય પૂજા કરો, તમે કેટલાય કલાક બેસીને ધ્યાન કરો પણ અંતઃકરણની શુદ્ધિ નથી થતી ત્યાં સુધી આનો કોઈ અર્થ નથી. જેણે પોતાના અંતઃકરણની શુદ્ધિ પર ધ્યાન ન આપ્યું તે બધું જાણવા છતાં પણ કંઈ નથી જાણતા! આનો અર્થ એવો નથી કે સાધનથી કંઈ નહીં થાય! એનો અર્થ છે કે ફક્ત સાધન કર્યું અને અંત:કરણની શુદ્ધિ પર ધ્યાન ન આપ્યું તો નહીં થાય! અંત:કરણની શુદ્ધિ માટે પોતાની જાતને જાગૃત કરવી પડે છે, હું કેટલું સાચું બોલું છું કેટલું ખોટું બોલું છું, મારા હૃદયમાં કેટલો રાગ છે, કેટલો દ્વેષ છે, કેટલી કામનાઓ, વાસનાઓ છે, બીજા પ્રત્યે કેટલી ઘૃણા છે, કેટલું બીજાના અધિકારોનું હનન કરું છું, ષડયંત્ર કરું છું, કેટલી હિંસા કરું છું, કેટલું બીજાનું હ્રદય દુભાવું છું, જ્યાં સુધી આ મારા દોષો તરફ મારી દ્રષ્ટિ નહીં જાય અને એને દૂર નહીં કરું ત્યાં સુધી સાધના ફલીત નહીં થાય.
આજકાલ આવા લોકો ઘણાં મળી જશે જે ૪-૫ કલાક પૂજા, જાપ, ધ્યાન કરતાં હોય, મુશ્કેલ ઉપવાસ કરતાં હોય પણ જ્ઞાનપ્રજ્ઞ નહીં હોય! જ્યાં સુધી અંત:કરણ શુદ્ધ નહીં હોય ત્યાં સુધી કંઈ નહીં વળે! અંત:કરણની શુદ્ધિ પછી આપણે જે સાધના કરીએ છીએ તે ફળીભૂત થાય છે.
યદાદિત્યગતં(ન્) તેજો, જગદ્ભાસયતેઽખિલમ્।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ, તત્તેજો વિદ્ધિ મામકમ્॥૧૫.૧૨॥
હવેના ત્રણ શ્લોકોમાં ભગવાન અદ્ભૂત વ્યાખ્યા કરે છે. જેનું અંતઃ કરણ શુદ્ધ હોય છે તેને બધી જગ્યાએ પરમાત્મા દેખાય છે. જેનું અંત:કરણ જેટલું શુદ્ધ થતું જશે, એને બીજામાં દોષ નહીં દેખાય! કોઈ એનું ખરાબ કરે તો એનામાં પણ એને ભગવાન દેખાય છે.
શ્રીભગવાને ત્રણ ઉદાહરણ આપ્યા છે, સૂર્યમાં, ચંદ્રમાં અને અગ્નિમાં જે તેજ છે એને તું મારું તેજ જાણ. સવારે ઉઠીને સૂર્યને જોઈએ કે મોબાઈલની બ્રાઈટનેસ વધારીએ, જેટલી જગ્યાએ તેજ જોઈએ છીએ તે મારું તેજ છે.
અગ્નિની ત્રણ શક્તિઓ છે, એક છે દાહક શક્તિ, આપણે અગ્નિ પાસે જઈએ છે, તો તેની ઉષ્માનો અનુભવ થાય છે. જેટલી મોટી અગ્નિ તેટલી વધુ ઉષ્મા. અગ્નિમાં પ્રકાશ હોય છે, અગ્નિ છે તો પ્રકાશ દેખાય છે, અને એકમાં બંને, જેમ આપણે માત્ર ગેસ સળગાવીએ તો તેમાં પ્રકાશ ઓછો છે, પણ ઉષ્મા ખૂબ હોય છે, તેમાં આંગળી બળી જાય પણ તેમાં વાંચી નથી શકતા, તેમાં દાહકતા છે, પણ પ્રકાશ નથી, ચંદ્રમાના પ્રકાશમાં વાંચી શકીએ છીએ, પરંતુ તેમાં રોટલી ચડવી શકતા નથી, તેમાં શીતળતા છે, પ્રકાશ છે, પણ દાહકતા નથી, સૂર્યના પ્રકાશમાં પ્રકાશ પણ છે અને દાહકતા પણ છે. તેની સામે ઊભા રહીએ તો ત્વચા બળી જાય છે, એટલી તેનામાં દાહકતા છે, શ્રીભગવાન કહે છે જે દાહક શક્તિવાળા છે, તેનામાં પ્રકાશ છે, અને જેમાં બંને છે, ત્રણેય મારી શક્તિથી જ છે, તો શું આ અંતઃકરણની શુદ્ધિથી જે દેખાય છે તે આ સંસારની બહારનો પ્રકાશ છે? ભગવાન હવે મેક્રો પરથી માઈક્રો પર જાય છે!
ગામાવિશ્ય ચ ભૂતાનિ, ધારયામ્યહમોજસા।
પુષ્ણામિ ચૌષધીઃ(સ્) સર્વાઃ(સ્), સોમો ભૂત્વા રસાત્મકઃ॥૧૫.૧૩॥
શ્રીભગવાન શક્તિનું અવતરણ કરે છે, ઉપરથી નીચે લઈ આવે છે. શ્રીભગવાને વનસ્પતિઓને ઔષધી કહ્યું છે, શ્રીભગવાને કહ્યું કે હું જ પૃથ્વીમાં પ્રવેશ કરી મારી શક્તિથી બધા ભૂતોને ધારણ કરુ છું અને અમૃતમય ચંદ્રમાના રૂપમાં બધી ઔષધિઓને, વનસ્પતિઓને પુષ્ટ કરું છું. ધરતીરૂપી મઠાકાશમાં ભૂતોરૂપી ઘટાકાશમાં ધારણશક્તિ ચંદ્રમાની અને અગ્નિ શક્તિ સૂર્યની લઈને હું જ બધા જીવોમાં પ્રવેશ કરું છું. ભગવાન અંતરિક્ષથી ધરતી સુધી પહોંચી ગયા! મહાકાશથી મઠાકાશ અને મઠાકાશથી ઘટાકાશમાં આવી ગયા.
સૂર્યના પ્રકાશમાં પાક થાય છે, તેને ચંદ્રમાની શીતળતા ન મળે તો પાક ખરાબ થઈ જાય છે. સૂર્યના પ્રકાશની સાથે ચંદ્રમાનો પ્રકાશ મળવાથી જ કોઈ પાક પુષ્ટ થાય છે. એ વનસ્પતિઓનું આપણે ભોજન કરીએ છીએ.
અહં(વ્ઁ) વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણિનાં(ન્) દેહમાશ્રિતઃ।
પ્રાણાપાનસમાયુક્તઃ(ફ્) પચામ્યન્નં(ઞ્) ચતુર્વિધમ્॥૧૫.૧૪॥
ત્રણ પ્રકારની અગ્નિ છે, બડવાગ્નિ, દાવાગ્નિ અને જઠરાગ્નિ. બડવાગ્નિ સમુદ્રની, દાવાગ્નિ વનની અને જઠરાગ્નિ પેટની અગ્નિ છે, તેને વૈશ્વાનર પણ કહે છે.
આખો દિવસ આપણે કંઈપણ ખાઈએ, મૂત્રત્યાગ અને મળત્યાગ ગરમ જ હોય છે. આજ સવારથી માત્ર આઈસ્ક્રીમ ખાધો છે, માઇનસ ૩૪ ડિગ્રી તાપમાનવાળા વિસ્તારમાં મળ ત્યાગ કરવા પર મળ ગરમ જ આવે છે, આ જઠરાગ્નિમાં અગ્નિમાં પાકવાને કારણે થાય છે, સૂર્યાસ્ત પછી ખાઓ નહીં, જઠરાગ્નિ સૂર્યના પ્રકાશની સાથે તેજ રહે છે, પછી મધ્યમ થતી જાય છે, આયુર્વેદ અનુસાર રાત્રે ખાવું ન જોઈએ,સૂર્યાસ્ત પછી પાચનશક્તિ મંદ પડે છે. જઠરાગ્નિ સૂર્ય સાથે પ્રબળ છે, પછી મંદ પડી જાય છે.
શ્રીભગવાન કહે છે ત્રણ પ્રકારના અગ્નિમાં જઠરાગ્નિ બનીને હું ભોજન પચાવું છું. ચાર પ્રકારના અન્ન ભક્ષ્ય, લેહ્ય, પેય અને ચોષ્ય છે. ભક્ષ્ય જે ચાવીને ખાવામાં આવે છે એટલે કે અન્ન, લેહ્ય જે ચાટીને ખાવામાં આવે છે જેમકે ચટણી, પેય જે પીવામાં આવે છે જેમકે જ્યુસ અને ચોષ્ય જે ચૂસીને ખાવામાં આવે છે જેમકે શેરડી, કેરી. આ ચાર જ પ્રકારથી ભોજન કરવામાં આવે છે, પાંચમી કોઈ રીત નથી.
ભગવાન કહે છે પાંચ પ્રકારના પ્રાણ હોય છે. પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન આ પાંચ પ્રાણ છે, પાંચ તેના ઉપપ્રાણ છે. બધા પ્રાણના જુદા-જુદા કામ છે. કોણ ભોજનને લઈ જશે, કોણ ઓક્સિજનને લઈ જશે, કોણ શ્વાસ પર કાબુ કરશે, કોણ હાથ-પગ હલાવવામાં મદદ કરશે એ જુદા-જુદા પ્રાણ કરે છે.
શ્રીભગવાન કહે છે સૂર્યની શક્તિથી વનસ્પતિ પાકે છે, રાત્રે ઔષધીઓના રૂપમાં ચંદ્રમાંથી શીતળતા વરસે છે અને વનસ્પતિઓથી પ્રાણ બની આપણા શરીરને પુષ્ટ કરે છે, ઔષધિઓના રૂપમાં આપણા શરીરમાં પ્રવેશ કરે છે. પ્રાણાપાનની શક્તિ ગુરુત્વાકર્ષણના નિયમોનું ઉલ્લંઘન કરીને એને જઠરાગ્નિ તરફ લઈ જાય છે. ત્યાં એ પાકીને રસ બને છે. સમાન વાયુ એને એક-એક રોમ સુધી શક્તિના રૂપમાં પહોંચાડે છે. મહાકાશથી મઠાકાશમાં જાય છે, અને મઠાકાશથી ઘટાકાશમાં આવી એના રોમરોમમાં વ્યાપ્ત થઈ જાય છે એટલે આપણા રોમરોમમાં પરમાત્મા છે એમ કહેવાય છે.
સર્વસ્ય ચાહં(મ્) હૃદિ સન્નિવિષ્ટો,
મત્તઃ(સ્) સ્મૃતિર્જ્ઞાનમપોહનં(ઞ્) ચ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો,
વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્॥૧૫.૧૫॥
શ્રીભગવાન કહે છે હું બધાના હૃદયમાં નિવાસ કરું છું, એટલે આપણે કહીએ છીએ સૌની અંદર શ્રીભગવાન છે. બધા પ્રાણીઓમાં, બધા મનુષ્યમાં શ્રીભગવાન છે. સ્મૃતિ, જ્ઞાન અને અપોહન ત્રણ વાત વિષે શ્રીભગવાન કહે છે. સ્મૃતિ એટલે જૂની વાતો, જે આપણે પૂર્વથી જાણીએ છીએ તેનું જાગરણ, જ્ઞાન એટલે જે આપણે નવું શીખીએ છીએ, આજે આપણે કંઈક નવું શીખી લીધું. વિવેચનમાં નવું શીખ્યા જે નહોતાં જાણતાં એ જ્ઞાન થઈ ગયું અને અપોહન એટલે નવાજૂના સંશયોનું નિવારણ. જેનું જ્ઞાન અને સ્મૃતિ જેટલું વધુ હશે તેટલું અપોહન સારું હશે, એના વિચારોમાં સ્પષ્ટતા હશે! ઘણાં લોકો આખો વખત મૂંઝવણમાં જ હોય છે કે આ કરું કે નહીં? જ્યારે કેટલાક લોકોમાં વિચારોની સ્પષ્ટતા હોય છે. કોઈ પ્રશ્ન પૂછે, ફટથી જવાબ આપી દે, કોઈ સમસ્યા કહે તરત એનો ઉપાય બતાવી દે! ભગવાન કહે છે એ અપોહનની શક્તિ હું છું. હું જ બધા વેદો દ્વારા જાણવા યોગ્ય છું. બધા વેદોનું પ્રયોજન હું જ છું. વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું.
દ્વાવિમૌ પુરુષૌ લોકે, ક્ષરશ્ચાક્ષર એવ ચ।
ક્ષરઃ(સ્) સર્વાણિ ભૂતાનિ, કૂટસ્થોઽક્ષર ઉચ્યતે॥૧૫.૧૬॥
હવે શ્રીભગવાન આગળ ત્રણ શ્લોકો સોળ, સત્તર અને અઢારમાં સ્વયંને પ્રગટ કરે છે, પોતાના ગોપનીય સ્વરૂપનું વર્ણન કર્યું છે અને એક જુદી જ દ્રષ્ટિથી પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે.
શ્રી ભગવાન કહે છે, અર્જુન! આ સંસારમાં નાશવાન અને અવિનાશી બે પ્રકારના મનુષ્યો છે. અત્યાર સુધી આપણે પ્રકૃતિ-પુરુષ, જડ- ચેતન, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ, દેહ-દેહી, ક્ષર-અક્ષર વગેરે સાંભળ્યું છે. શ્રીભગવાન કહે છે અત્યાર સુધી તમે બે વિભાગ સાંભળ્યા છે, હવે આગળની વાત સાંભળો, સાધારણ રૂપમાં આ દેહ મરનાર છે, વિનાશી છે, આ દેહની અંદર રહેનારો જીવાત્મા જે ક્યારેય નથી મરતો, અવિનાશી છે. આપણે ૨ વર્ષના હતા ત્યારે, ૨૦ વર્ષના થયા ત્યારે, અત્યારે જુદા દેખાઈએ છીએ કારણકે શરીર દરેક ક્ષણે બદલાય છે. એ ક્ષર છે પણ એ શરીરમાં રહેનારો "હું", બે વર્ષનો હતો ત્યારે પણ હું જ હતો, વીસ વર્ષનો હતો કે અત્યારે એ હું ની અનુભૂતિ ક્યારેય બદલાતી નથી, એ અક્ષર છે. ફક્ત આ શરીરમાં જ નહીં, કરોડો જન્મોમાં જુદા-જુદા શરીરમાં આ જ અનુભૂતિ ધરાવે છે.
આપણે રાત્રે સૂઈ જઈએ છીએ, સ્થૂળ શરીર સૂઈ જાય છે, સૂક્ષ્મ શરીર જાગૃત છે, મનમાં કંઈ ચાલી રહ્યું છે. સવારે ઉઠીને આપણે કહીએ છીએ કે ગઈકાલે બરાબર ઉંઘ ન આવી! કોઈવાર એવું કહીએ કે આજે તો બહુ સરસ ઉંઘ આવી, ક્યારે સૂઈ ગયો કંઈ ખબર જ ન પડી! સવાર છે કે સાંજ છે તે પણ ખબર ન પડી! સ્થૂળ શરીર સૂઈ ગયું હતું, સૂક્ષ્મ શરીર સૂઈ ગયું હતું તો કોણ જાગતું હતું કે જેણે કહ્યું કે બહુ સરસ ઉંઘ આવી? આ જાગનારો અક્ષર છે, સાક્ષી છે તે જ જીવાત્મા છે.
શ્રીભગવાન કહે છે અત્યાર સુધી આખી ગીતામાં મેં આ બે વિભાગ બતાવ્યા છે, દેહ-દેહી, ક્ષર-અક્ષર, ક્ષેત્ર-શ્રેત્રજ્ઞ, હવે ત્રીજું સાંભળો.
ઉત્તમઃ(ફ્) પુરુષસ્ત્વન્યઃ(ફ્), પરમાત્મેત્યુદાહૃતઃ।
યો લોકત્રયમાવિશ્ય, બિભર્ત્યવ્યય ઈશ્વરઃ॥૧૫.૧૭॥
એ વાત કે બરાબર છે કે એક નાશવાન અને એક અવિનાશી છે પણ ઉત્તમ પુરુષ તો કોઈ બીજો જ છે! જે ત્રણે લોકોમાં પ્રવેશીને બધાનું ધારણ પોષણ કરે છે. પરમાત્મા આપણું નિર્માણ કરે છે, આપણે પરમાત્માનું નિર્માણ નથી કરી શકતાં. ભગવાન કહે છે કે જ્યારે મારે અવતાર લેવો હોય છે ત્યારે હું મારી પ્રકૃતિને મારે આધીન કરીને કોના ગર્ભથી જન્મીશ, ક્યા રાજ્યમાં જન્મીશ, મારું નામ શું હશે, મારો રંગ કેવો હશે તે હું નક્કી કરું છું.
प्रकृतिं(म्) स्वामधिष्ठाय, सम्भवाम्यात्ममायया॥
આપણે એનો અંશ હોવા છતાં એના સમાન શક્તિશાળી, સ્વતંત્ર નથી. આપણા અને એનામાં આ જ ભેદ છે, આપણે એક જ છીએ પણ એ સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છીએ એટલે એ આપણાથી ઉત્તમ છે. એ જડથી પણ ઉત્તમ છે અને ચેતનથી પણ ઉત્તમ છે, એ પરમેશ્વર, પરમાત્મા છે.
યસ્માત્ક્ષરમતીતોઽહમ્, અક્ષરાદપિ ચોત્તમઃ।
અતોઽસ્મિ લોકે વેદે ચ, પ્રથિતઃ(ફ્) પુરુષોત્તમઃ॥૧૫.૧૮॥
શ્રીભગવાન કહે છે કે હું પુરુષોત્તમ છું, સ્વયં પોતાનું નામકરણ કરું છું. પુરુષ એટલે આત્મા અને તેનાથી ઉત્તમ એટલે પુરુષોત્તમ. શાસ્ત્રોમાં મહિલા-પુરુષ વચ્ચેનો ભેદ નથી પણ પુરુષ એટલે જીવાત્મા. અહીં પુરુષ ભગવાનના અંશની સંજ્ઞા છે.
પુરુષ આત્માને કહે છે, તેનાથી પણ ઉત્તમ એટલે પુરુષોત્તમ.
યો મામેવમસમ્મૂઢો, જાનાતિ પુરુષોત્તમમ્।
સ સર્વવિદ્ભજતિ માં(મ્), સર્વભાવેન ભારત॥૧૫.૧૯॥
ભગવાને કહ્યું સાંભળો ભારત! જે જ્ઞાની પુરુષ મને તત્ત્વથી જાણે છે, તે સર્વ પ્રકારે મને જ ભજે છે, ભગવાન કહે છે બેનું રાજ્ય મહાકાશ, મઠાકાશ અને ઘટાકાશ ત્રણેમાં છે. પુરુષ અને જડ બંનેનું રાજ્ય ત્રણેયમાં છે. ત્રણે લોકમાં જઈને જે સંભાળવાનું છે, શક્તિ આપવાની છે, સૂર્યની શક્તિથી વનસ્પતિ પાકે છે પણ સૂર્યને કોણ શક્તિ આપે છે? સૂર્યને કોણ બનાવે છે? એની અવધિ કેટલી હશે તે કોણ નક્કી કરે છે? ભગવાન કહે છે કે એ હું કરું છું. એમને હું સંભાળું છું, શક્તિ આપું છું, એમનું ધારણ-પોષણ કરું છું, એમને સમાપ્ત પણ હું કરું છું અને ઉત્પન્ન પણ હું જ કરું છું.
બ્રહ્માજી આખી સૃષ્ટિનું નિર્માણ કરે છે પણ એમનું નિર્માણ હું કરું છું. બ્રહ્માજી જ્યારે નથી હોતા ત્યારે આપણાં કર્મોના લેખાંજોખાં પણ ભગવાન સંભાળે છે.
ભગવાન કહે છે, અર્જુન! સાંભળ, પુરુષોત્તમ છે એ પ્રકૃતિથી દૂર છે પુરુષની નજીક છે. જડથી દૂર છે. આપણે ભગવાનની બહુ નજીક છીએ, એમને પ્રાપ્ત કરવા બહુ અઘરાં નથી! ફક્ત આપણી વાસનાઓ, પાપ કામનાઓ, વૃત્તિઓ મેલથી ઢંકાયેલી છે એટલે આપણે પરમાત્માનો અનુભવ નથી કરી શકતાં. જે એનો અનુભવ કરી લે છે તે તત્ત્વથી મને પુરુષોત્તમ પરમાત્મા તરીકે જાણે છે અને વાસુદેવ પુરુષોત્તમને ભજે છે.
ઇતિ ગુહ્યતમં(મ્) શાસ્ત્રમ્, ઇદમુક્તં(મ્) મયાઽનઘ।
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્, કૃતકૃત્યશ્ચ ભારત॥૧૫.૨૦॥
શ્રીભગવાનને અર્જુનના બે ગુણ સૌથી પ્રિય છે, એક અનઘ અને બીજું અનુસૂય, અનઘ જેને ક્યારેય પાપ ન કર્યું હોય, ભગવાન તેને પ્રમાણિત કરે છે કે તે ક્યારેય પાપ નથી કર્યું, અનુસૂય એટલે જે ક્યારેક કોઈની નિંદા કરતો નથી, બીજાની નકારાત્મક વાતોની ક્યારેય ચર્ચા કરતો નથી. શ્રીભગવાન અર્જુનને નિષ્પાપ અર્જુન કહે છે, શ્રીભગવાન કહે છે જે વાત તને કહી રહ્યો છું તે સૌથી અધિક અત્યંત ગોપનીય છે, ગુહ્યતમ છે. (ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ- અત્યંત ગોપનીય જ્ઞાન). એ અધિકારીને જ મળે છે. આ શાસ્ત્ર છે તેને મારા દ્વારા કહેલું માની, તત્ત્વથી જાણીને મનુષ્ય જ્ઞાનવાન અને કૃતાર્થ થઈ જાય છે. ભગવાને એને શાસ્ત્ર કહ્યું છે એટલે એની ખૂબ મહિમા છે. જે મને પુરુષોત્તમ તરીકે જાણી લે છે એનું જ પૂજામાં મન લાગે છે, એ જ મારું ભજન કરી શકે છે, મારા સિવાય બીજું કંઈ એને પ્રાપ્ત કરવા યોગ્ય નથી લાગતું. જેને આવું લાગે છે તે જ સાચો જ્ઞાની છે. આ અધ્યાયને શાસ્ત્રની ઉપમા આપી અને પોતાને પુરુષોત્તમ સ્વરૂપનું વર્ણન કરી અર્જુનને કૃતાર્થ કરે છે, આપણને બધાને કૃતાર્થ કરે છે, ભગવાન વ્યાસ રચિત પુસ્તિકાના પાઠ સહિત વિવેચન સત્ર પૂર્ણ થયું. એક મિનિટના હરિ સંકીર્તન પછી પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું.
હરિ શરણમ્, હરિ શરણમ્, હરિ શરણમ્, હરિ શરણમ્
પ્રશ્નોત્તરી
સવાલ : ૧ જયા રાજુ ધર્મગડ્ડાભૈયા
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે યજ્ઞ, દાન, તપ તો કરવાના જ છે. એ સાથે જ આપણે જીવન દરમ્યાન ઘણાં કર્મ કરીએ છીએ, મોક્ષ મેળવવા માટે કર્મો તથા સંચિત કર્મોને શૂન્ય કરવાના છે તો કેવી રીતે કરીએ?
જવાબ :
ભગવદ્ગીતામાં ભગવાન એના ચાર ઉપાયો બતાવે છે. જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને ધ્યાનયોગ. એના સિવાય પણ ઘણાં માર્ગ છે.
કોઈપણ એક માર્ગ પકડીને ભગવાનને શરણાગત થઈ જાવ!
કર્મયોગનો માર્ગ પકડીએ તો કર્તાપણાનો ત્યાગ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરો, હું કર્તા નથી પણ ભગવાન મારી પાસે કરાવે છે, મને કંઈ જોઈતું નથી, મારું કર્તવ્ય છે એટલે કરું છું.
જ્ઞાનયોગમાં " વાસુદેવ સર્વમીતિ", ફક્ત ભગવાન જ છે, એના સિવાય બીજું કંઈ નથી
ભક્તિયોગમાં હું ભગવાનનો છું અને ભગવાને મને સેવા કરવા માટે જન્મ આપ્યો છે, તે કરીને હું ભગવાનની પ્રાપ્તિ કરી લઈશ, હું ભગવાનનો દાસ છું અને એને પ્રસન્ન કરવા માટે બધું કરીશ.
આ ત્રણ માર્ગોમાંથી મારા માટે જે સુગમ માર્ગ છે તેના પર હું ચાલીશ, જેટલો જેટલો હું આગળ વધતો જઈશ, ભગવાન કહે છે,
अहं त्वां सर्वे पापेभ्यः, मोक्ष यिश्यामि मा शुचः।”
હું તારા બધા પાપકર્મોનો નાશ કરીશ, તું મને પ્રાપ્ત કરી શકીશ. ભક્તિયોગથી, ધ્યાનયોગથી, કર્મયોગથી કે જ્ઞાનયોગથી આવીશ, હું તારા બધા કર્મોને નષ્ટ કરી દઈશ.
ज्ञानाग्नि दग्ध कर्माणी । જ્ઞાનયોગથી આવીશ તો જ્ઞાનની અગ્નિથી તારા બધા કર્મોને ભસ્મ કરી નાખીશ! નવા કર્મ નિર્માણ ન કરો, કોઈ ભૂલ ન કરો અને બધાં કર્મ મને અર્પણ કરી દો તો તમારો મોક્ષનો માર્ગ સરળ થઈ જશે.
સવાલ :
રોજ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ બોલીને કર્મ અર્પણ કરવાથી થઈ જશે?
જવાબ :
ફક્ત બોલવાથી કંઈ નહીં થાય, એ તો શરુઆત છે પણ એ વાત મારા અનુભવમાં આવવી જોઇએ, મારા રાગ-દ્વેષ સમાપ્ત થઈ ગયા, મારી કામનાઓ સમાપ્ત થઈ જાય ત્યારે આ થશે.
સવાલ :
જવાબ :
આત્માને જે કંઈ ભોગવવાનું હોય એને માટે એણે શરીર ધારણ કરવું પડે છે. આત્મા કંઈ નથી કરી શકતો! પાપ-પુણ્ય નવું શરીર ભોગવે છે, આત્મા નથી ભોગવતો. જુદા-જુદા ઉચ્ચ લોકોમાં પુણ્યફળ તથા જુદી-જુદી યોનીઓમાં પાપફળ ભોગવીને પાછું મનુષ્યયોનીમાં આવવું પડશે.
સવાલ : ૨ પદ્મિની દીદી અગ્રવાલ
૧૭મો શ્લોક ન સમજાયો, આ બંનેથી ઉત્તમ પુરુષ તો અન્ય જ છે. એટલે શું?
જવાબ:
ભગવાન કહે છે કે તું મારો અંશ છે, ભગવાન કહે છે કે પ્રકૃતિ અને પુરુષ બંનેથી હું ઉત્તમ છું. નાશવાન પ્રકૃતિથી તો હું ઉત્તમ છું જ પણ અવિનાશી પુરુષથી પણ હું ઉત્તમ છું. હું નક્કી કરીશ કે તું ક્યાં જન્મ લેશે પણ તું નક્કી નહીં કરી શકે કે હું ક્યાં જન્મ લઈશ. હું બધાનું ભરણપોષણ કરનારો છું, હું બધાંને શક્તિ આપું છું, હું ઉત્તમ છું. આપણે પરમાત્માના અંશ છીએ પણ આપણે કંઈ નક્કી નથી કરી શકતાં, એ શક્તિ મારી પાસે નથી. જે નાશવાન અને અવિનાશી છે તે બધાથી હું ઉત્તમ છું.
સવાલ : ૩ વિક્રમભૈયા
હું એવા કુટુંબને જાણું છું જેમણે ભગવદ્ગીતાનો અભ્યાસ કર્યો છે. એ લોકોએ બીજા કુટુંબને બરબાદ કર્યું છે. એ લોકો કહે છે કે ગમે તે કરીને આપણે કહીએ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ તો આપણે કંઈ ભોગવવાનું નથી રહેતું. આમાં જે કુટુંબે ભોગવવાનું આવ્યું છે એને ન્યાય કઈ રીતે મળશે?
જો કોઈ મનુષ્ય અનન્યભાવથી મને ભજશે અને પોતાના બધા સારા-ખરાબ કર્મો મને અર્પણ કરશે અને નક્કી કરશે કે હવે હું એક પણ પાપ નહીં કરું તો જ ભગવાન એની જવાબદારી લેશે.
જે કુટુંબને અન્યાય થયો છે તેને ભગવાન એ પ્રમાણેનું ફળ આપશે. બીજાને દંડ મળે એ મારી સાથે ન્યાય નથી, આ ખોટી ધારણા છે. જેણે મારી સાથે અન્યાય કર્યો એને શિક્ષા થાય તો મને ન્યાય મળે એ ખોટી માન્યતા છે. જેણે અન્યાય કર્યો છે એનું ફળ એણે ભોગવવું જ પડશે. જેની સાથે અન્યાય થયો છે એને રાહત આપવાથી, વળતર આપવાથી એને ન્યાય મળશે.
સવાલ : ૪ એચ. આઈ. સાહુભૈયા
અંગદાન કરવું જોઈએ?
જવાબ :
કોઈપણ અંગનું દાન કરી શકાય કારણકે એનાથી બીજા કોઈની જીંદગી બચાવી શકાય છે. અંગદાન શાસ્ત્રોમાં નિષિદ્ધ છે, પાપ લાગે છે પણ એની સામે પુણ્ય ઘણું વધારે મળે છે. આખા શરીરનું દાન ન કરવું જોઈએ, એનાથી દુર્ગતિ થાય છે.
સવાલ : ૫. સુશીલ સિંહા ભૈયા
શ્લોક ૮માં કહે છે કે આત્મા શરીરથી સ્વતંત્ર છે, શાશ્વત છે. એક શરીરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં જાય છે તો આ એક જ ઓળખ ન કહેવાય. તો આને પુનર્જન્મ કેમ કહે છે, આ તો જુદા-જુદા જન્મો જ છે?
જવાબ :
આ એટલે પુનર્જન્મ છે કારણકે તમારું ખાતું તે જ છે. આપણે ઈલેક્ટ્રીકનું મીટર લગાડીએ, મીટર બળી જાય તો નવું મીટર લગાડીએ પણ આપણો કસ્ટમર નંબર નથી બદલાતો! મીટર ગમે તેટલાં બદલાય પણ કસ્ટમર નંબર એ જ રહે છે. એ જ રીતે આપણે કોઈપણ યોનીમાં જન્મ લઈએ આપણું ખાતું એ જ રહે છે, પાપ કરીએ કે પુણ્ય, આ જ ખાતામાં જમા થાય છે.
સવાલ : એનો અર્થ કે આત્મા દેહ સાથે જોડાઈ ગયો કારણકે આપણી ઓળખ એ જ રહે છે?
જવાબ :
તમે આપણું કોને કહો છો તેના પર આધાર છે. તમે આ શરીરને તમારું કહો છો તો ગરબડ છે, તમે તમારા અસ્તિત્વને તમારું કહેતા હોવ તો બરાબર છે. આ જ શરીર પાછું નથી મળવાનું. જીવાત્મા જુદા શરીરમાં જન્મ લેશે. તમારા પાપ અને પુણ્ય નવું શરીર ભોગવશે, જીવાત્મા નહીં! પણ એ જીવાત્માએ એ શરીર ધારણ કર્યું છે, એકાઉંટ એ જ છે એટલે તમારો પુનર્જન્મ થાય છે.
સવાલ : છેલ્લે તમે કહ્યું કે જ્યારે બ્રહ્માજી પણ નથી હોતા ત્યારે પરબ્રહ્મ પરમાત્મા હોય છે. હું તો અત્યાર સુધી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જ ભગવાન માનતો હતો.
જવાબ : બ્રહ્માજી દેવતા છે જેમનો જન્મ વિષ્ણુની નાભીમાંથી થયો. બ્રહ્માજીના સો વર્ષની આયુ હોય છે. બ્રહ્માજીના આયુ બહુ લાંબી હોય છે, એ પછી બ્રહ્માજી શાંત થઈ જાય છે. બ્રહ્માજી દેવતા છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. શિવજી, વિષ્ણુ અને આદ્યશક્તિના જન્મ વિશે નથી સાંભળ્યું. પરબ્રહ્મના ત્રણ જ પ્રગટ સ્વરૂપ છે. એટલે જ આપણાં ત્રણ જ સંપ્રદાયો છે.
આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ.
॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે પુરુષોત્તમયોગો નામ પઞ્ચદશોઽધ્યાયઃ॥૧૫॥