विवेचन सारांश
યોગેશ્વર કૃષ્ણના શરણમાં

ID: 7413
Gujarati - ગુજરાતી
રવિવાર, 06 જુલાઈ 2025
પ્રકરણ 18: મોક્ષ-સન્યાસ યોગ
6/6 (શ્લોક 63-78)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


દેવશયની એકાદશીના પાવન પર્વના અદ્ભુત સમયે ગંગાના તટ પર ગીતાજીના જ્ઞાનગંગાનો પ્રવાહ તથા અઢારમા અધ્યાયનું સમાપન જીવનમાં ત્રિવેણી સંગમ સમાન યોગ બની રહ્યો છે. મા સરસ્વતી, ભગવાન વેદવ્યાસજી, સંત જ્ઞાનેશ્વર મહારાજ અને સદ્ગુરુ સ્વામી ગોવિંદ દેવગીરીજી મહારાજના ચરણોમાં નતમસ્તક થતા, ગંગા મૈયાના ચરણ કમળમાં કોટિ કોટિ વંદન સાથે ચતુર્થ સ્તરના ગીતા સાધકોને વિનમ્ર અભિવાદન કરતા, આજના સત્રનો શુભ આરંભ થયો.

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥

नमामि सद्गुरुं शान्तं सच्चिदानन्दविग्रहम्।
पूर्णब्रह्मपरानन्दं ईशमाळन्दिवल्लभम्॥

यानन्दश्रुतिमन्त्रशक्तिमहती ब्रह्मात्मविद्यावती
यासूत्रोदितशापद्धतिरिति प्रद्योतिनान्तरद्युतिः।
या सत्काव्यगतिप्रसादितर्मतिर्नानागुणालङ्कृति:
सा प्रत्यक्षसरस्वती भगवती मान्त्रायतां भारती॥

ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयम्।
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्॥
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम्।
अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्॥

नमोस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥

ભગવદ્ગીતાની કોઈ ઉપમા નથી ગીતાજીનું વર્ણન કરતાં જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે, म्हणोनी मने काय वाचा. जो सेवकु होइल इयेचा,तो स्वानन्दा साम्राज्याचा, चक्रवर्ती करी। જે મન, કાયા, વાણીથી ભગવદ્ગીતાની સેવા કરશે, તેના મનમાં સ્વાનંદનું સામ્રાજ્ય સ્થાપિત થશે તથા તેને આનંદ માટે ભટકવું નહીં પડે. તેમણે જીવનમાં જે સર્વોચ્ચ વાત કહી છે તે, तैसा वाग्विलास विस्तारू, गितार्थेसी विश्व भरूआनन्दाचे आवारू, मांडू जगा | ગીતાના અર્થથી વિશ્વ ને ભરી દેવું છે, આ ભાવનાથી આપણે ગીતા પરિવારના લોકો ચાલી રહ્યા છીએ. આગળના સપ્તાહમાં શ્રીભગવાન સમાપન કરતા અર્જુનને તેમના મનની કેટલીક વાતો કહી રહ્યા છે.
આપણે ઈશ્વર માટે સારા કર્મ કરવાના છે. જીવ, જગત તથા જગદીશ્વર આ ત્રણેયનો પરસ્પર સંબંધ ઓળખીને જાણી લેવાનો છે અને તેમના શરણાગત થઈ જવાનું છે. જેણે આપણા જીવનમાં ઉપલબ્ધિઓ આપી, જેણે આપણા માટે વાયુનું નિર્માણ કર્યું, જેણે આપણા માટે જળનું નિર્માણ કર્યું, જેણે આપણા માટે અન્નનું નિર્માણ કર્યું, જેણે આપણને બચાવવાની શક્તિ પણ પ્રદાન કરી, આપણા શરીરમાં બધી પ્રક્રિયાઓ આપી, જેના કારણે આપણે આ જીવન જીવી રહ્યા છીએ એના શરણમાં જવાનું છે. અને એટલે આપણે કહીશું કે,

क्या धरा हमने बनाई, या बुना हमने गगन,
क्या हमारी ही वजह से बह रहा सुरमित पवन,
या अगन के हम हैं स्वामी, नियंता जगधर के,
या जगत के सूत्रधार, नियामक संसार के?

આપણે નિયામક નથી, સૂત્રધાર નથી. સૂત્રધાર તો કોઈ બીજું જ છે, જે વિશ્વને ચલાવી રહ્યું છે. તેના ચરણોમાં નત મસ્તક થતા તેમની સાથે આપણો એક અનન્ય સંબંધ સ્થાપિત કરવા ગીતાજી અંતિમ ગંતવ્ય છે. તેને જાણવું અને આપણો પરમેશ્વર સાથે સંબંધ ઓળખવો, એ કેવી રીતે સાધ્ય થશે? અર્જુન, તને તેના માટે મારા શરણમાં આવવું પડશે. तमेव शरणम गच्छ सर्वभावेन भारततत्प्रसादात्परां शान्तिम स्थानं प्राप्स्यसि शाश्वतं।
તમેવ એટલે માત્ર તે જ આ ભગવાન છે. ઈશ્વરના શરણમાં ચાલ્યા જાઓ, માત્ર એ જ ભગવાનને પ્રાપ્ત કરવાનો માર્ગ છે. શરણાગતિ પણ અલગ અલગ હોય છે, એ ક્યારેય પૂર્ણ નથી હોતી. જે રીતે દ્રૌપદીના ચીરહરણ સમયે પહેલાં એ અન્ય આશ્રય પાસે ગઈ, જેમકે ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણ, ધૃતરાષ્ટ્ર, પાંચ પતિ. પરંતુ આ આશ્રય એના માટે કાંઈ ન કરી શક્યા, ત્યારે એણે કેશવને બોલાવ્યા. હે કેશવ! મારી લાજની રક્ષા કરો, હું તમારી શરણાગત છું. પરમેશ્વર પોતાના પ્રતિ જીવની પૂર્ણ શરણાગતિ માંગે છે. આપણા અંતરંગની જુદી જુદી ભાવનાઓ હોય છે. આપણે જ્યારે આપણા પિતાજીની તરફ જોઈએ છે તો ભાવના જુદી હોય છે, માતાની તરફ જોઈએ છે તો તેમની સાથે ભાવના અલગ હોય છે, પુત્ર, પુત્રીની તરફ જોવાની ભાવના જુદી હોય છે. આપણા મિત્ર પ્રતિ ભાવનાઓ જુદી હોય, પતિ પત્ની ની ભાવના જુદી હોય, બંધુ પ્રતિ ભાવના જુદી હોય. આ સૌ પ્રતિ જુદીજુદી ભાવનાઓ હોય છે એ બધી ભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણી ભક્તિમાં આ ભાવોના જુદા જુદા નામ આપવામાં આવ્યા છે, જેમ કે વાત્સલ્ય ભાવ, એક પુત્રનો પોતાના માતા કે પિતા પ્રતિ, લાલન પાલન એક માતા કે પિતાનો પોતાના બાળક પ્રતિ, સખા ભાવ અર્જુન તથા ભગવાનનો, સખા ભાવથી તેમની મૈત્રી છે, એટલે તે બંને મિત્ર છે. હનુમાનજી નો ભાવ કયો હતો? હનુમાનજીનો ભાવ એ દાસ્ય ભાવ, તમે મારા સ્વામી અને હું તમારો સેવક છું, આ હનુમાનજીનો ભાવ હતો. વેદાંતી હોય તેનો ભાવ હોય છે અંશ તથા અંશીનો એટલે કે આપણે અંશ છે તથા ભગવાન અંશી છે. એક છે માધુર્ય ભાવ, સંતશ્રી ગુલાબ રાવ મહારાજનો માધુર્ય ભાવ હતો, આ ભાવ પતિ પત્ની માટે કહેવાય છે કેમકે તેમને માટે કોઈ ભેદ નથી હોતો. એટલે આ સર્વોપરી ભાવ છે, તમારા મનમાં મારા પ્રતિ જે ભાવ હોય હું એનો પૂરક બની જાઉં છું, આપણે ક્યારેક લાલન પાલન ભાવ રાખીશું તો ભગવાન આપણી મા બની જશે, જેમ ઠાકોર રામકૃષ્ણ દેવનો ભાવ હતો. આપણે વાત્સલ્ય ભાવ લઈને જઈ શું તો ભગવાન કૌશલ્યા માતા બની જશે. આમ આ રીતે સર્વ ભાવથી મારી શરણાગતિ કરો. આ પરિપૂર્ણ શરણાગતિ જીવનમાં આવવાથી શું થશે?પરમાત્માના પ્રસાદથી તે પરમ શાંતિ પ્રાપ્ત થશે, જે શાંતિ ક્યારેય ઓછી કે ખંડિત નહીં થાય.
આપણને બધાને સમરાંગણનું દ્રશ્ય ખબર છે. ત્યાં અત્યંત કોલાહલપૂર્ણ ભય તથા અનિશ્ચિતતાનું વાતાવરણ હોય છે. શ્રીભગવાન અર્જુનને પૂછે છે કે આ ગુહ્ય જ્ઞાન જે મેં તને સમરાંગણમાં સંભળાવ્યું, એના પર અર્જુનનું ધ્યાન હતું કે  નહીં.


18.63

ઇતિ તે જ્ઞાનમાખ્યાતં(ઙ્), ગુહ્યાદ્ગુહ્યતરં(મ્) મયા।
વિમૃશ્યૈતદશેષેણ, યથેચ્છસિ તથા કુરુ॥૧૮.૬૩॥

આમ આ ગોપનીયથીય અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું; હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઇચ્છે એમ જ કર.

18.63
આ શ્લોક ગુરુ અને શિષ્યના સંબંધને સ્પષ્ટ કરે છે. ગુરુજી જે કહે તે શિષ્યએ માનવું જોઈએ. શિષ્યનું કર્તવ્ય હોય છે કે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. શિષ્ય કસોટીઓ હોય છે. સંશાનાત શિષ્ય, અને શાસના‌ત શિષ્ય. સંશાનાત એટલે પોતાની શંકાઓનું નિવારણ ચાહનારા અને શાસનાતનો અર્થ છે ગુરુની આપેલી આજ્ઞાઓનું પાલન કરનારા.
અહીં તો અર્જુને સ્વયમ જ કહી દીધું કે शिष्यास्तेहम शादिमान्त्वाम प्रपन्नम। હું પ્રપન્ન છું, તમારો શરણાગત છું, તમારો શિષ્ય છું એટલે મને ઉપદેશ આપો. ત્યાર પછી જ ભગવાને ઉપદેશ આરંભ કર્યો. કોઈપણ ઉપદેશ વ્યક્તિને પૂછ્યા વગર ન આપવો જોઈએ. વિદ્વાન લોકોનું સદૈવ એ કહેવાનું હોય છે કે विचारल्या शिवाय बोलू नाही। એટલે કોઈએ પૂછ્યું ન હોય તો તેને કહેવું જોઈએ નહીં. અર્જુને પૂછ્યું એટલે એણે શિષ્યત્વ ગ્રહણ કર્યું. આ અલૌકિક ગુરુ શિષ્ય યુગ્મ છે. શ્રીભગવાન અહીં કહે છે કે જ્ઞાનના ત્રણ સ્તર હોય છે ગુહ્ય, ગુહ્યત્તર અને ગુહ્યતમ. જેમ આપણે કહીએ છીએ કે good, better and best (superlative degree). અહીં બે જ શ્રેણીઓ છે, ગુહ્ય તથા ગુહ્યત્તર. હજી સુધી ભગવાને ગુહ્ય તથા ગુહ્યત્તર જ્ઞાન સમજાવ્યું છે. હવે તું સંપૂર્ણ રીતે તેના પર વિચાર કર તથા જે મનમાં ઈચ્છા હોય તે જ કર. શ્રીભગવાન પોતાના શિષ્યને અંધ ભક્ત નથી બનાવવા માંગતા. ગુરુએ અહીં એટલું પરિપૂર્ણ જ્ઞાન આપ્યું છે કે શિષ્ય મંથન કરશે તો તેને સમજાશે કે ગુરુએ જે કહ્યું તે જ સાચું છે. તેથી ગુરુ પોતાના શિષ્યને સ્વતંત્રતા આપે છે. ત્યારે ગુરુની કસોટી થાય છે. એ પોતાના શિષ્યને એટલું પરિપૂર્ણ જ્ઞાન આપે કે શિષ્ય સંપૂર્ણતાથી, સ્વયં ગુરુના બતાવેલા પથ પર ચાલવા લાગે. આ સફળ નેતૃત્વનો ગુણ હોય છે કે નિર્ણય લેવા માટે શિષ્યને સ્વતંત્ર છોડી દેવા જોઈએ.
શ્રીભગવાન અર્જુનને આત્મદીપ પ્રકાશિત કરવા માટે કહે છે. કોઈએ કલ્યાણનો માર્ગ વ્યાકુળતાથી આપણને બતાવ્યો હોય, પરંતુ આપણે કંઈ ન કરીએ તો તે વ્યક્તિ પછી આપણા માટે શું કરી શકે? મહિલાઓના જીવનમાં કેટલી વાર થાય છે કે આપણે આપણા બાળકોના કલ્યાણ હેતુ તેમને કહેવાનો પ્રયાસ કરીએ પરંતુ તે નથી સાંભળતા. ખલીલ જિબ્રાન કહે છે કે તમે જન્મ આપી શકો છો, પરંતુ બધા સારા વિચાર સંક્રમિત નથી કરી શકતા. આજના વાતાવરણમાં પણ ગીતાજીના ઉપદેશ પ્રાસંગિક છે, કારણકે કહી દીધા પછી આપણે મુક્ત થઈ જઈએ છીએ. શ્રીભગવાન આ વાત કહે છે, ત્યારે આપણે તો સાધારણ જીવ છીએ. આગળ શ્રીભગવાન ગુહ્યતમ જ્ઞાન સમજાવે છે.

18.64

સર્વગુહ્યતમં(મ્) ભૂયઃ(શ્), શૃણુ મે પરમં(વ્ઁ) વચઃ।
ઇષ્ટોઽસિ મે દૃઢમિતિ, તતો વક્ષ્યામિ તે હિતમ્॥૧૮.૬૪॥

સઘળાં ગોપનીય વચનોથીય ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચન ને તું હજી પણ સાંભળ; તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું.

18.64
શ્રીભગવાન કહે છે કે બધી રહસ્યમય વાતોમાં સૌથી રહસ્યમય વાત હવે હું તને કહું છું કારણકે તું મને સૌથી પ્રિય છે. આ મારું સર્વોપરી વચન છે.
જ્યારે ખાંડવવન દહનનો પ્રસંગ થયો ત્યારે શ્રીકૃષ્ણ તથા અર્જુન બંનેએ રક્ષા કરી. અગ્નિ નારાયણ પ્રસન્ન થયા, તથા વરદાન માંગવા માટે કહ્યું તો અર્જુને દિવ્યાસ્ત્ર તથા ગાંડીવ માંગ્યું. જ્યારે શ્રીકૃષ્ણને પૂછ્યું તો એમણે અર્જુનની નિરંતર પ્રીતિ માંગી. આ અર્જુનની મહત્તા છે. અર્જુન ભગવાનના પ્રિય સખા તથા ભ્રાતા છે.એ લોકો જ્યારે મળે ત્યારે એકબીજાને ભેટે છે. ભગવાન અર્જુનનું કલ્યાણ ઈચ્છે છે. જ્યારે આપણે નિરંતર ઈશ્વર સાથે જોડાઈશું તો ભગવાન આપણું કલ્યાણ ઈચ્છશે .


18.65

મન્મના ભવ મદ્ભક્તો, મદ્યાજી માં(ન્) નમસ્કુરુ।
મામેવૈષ્યસિ સત્યં(ન્) તે, પ્રતિજાને પ્રિયોઽસિ મે॥૧૮.૬૫॥

હે અર્જુન! તું મારામાં મન પરોવનાર થા, મારો ભક્ત બની જા, મારું પૂજન કરનાર થા અને મને પ્રણામ કર; આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું , કેમકે તું મને ઘણો પ્રિય છે.

18.65
શ્રીભગવાન કહે છે કે, હવે હું તને સર્વોપરી રહસ્ય કહું છું. તારું મન મારામાં લગાવ, મારા માટે પ્રેમથી મારી ભક્તિ કર.
परि तेचि भक्ति ऐसी , पर्जन्याची सुटीका जैसी।
धरांवाचुनी अनारिसी, गतिचि नेणे।।
कां सकल जल सम्पत्ति, घेऊनि समुद्राते गिवसती।
गंगा जैसी अनन्यगति मिळालीचि मिले।।
જ્ઞાનેશ્વર મહારાજ ભક્તિની અત્યંત સુંદર વ્યાખ્યા કરે છે. ગંગા માતા જે રીતે સમુદ્રને મળે છે અથવા પર્જન્ય (વાદળ)ની ધારા જેમ આકાશમાંથી છૂટ્યા પછી સીધી ધરતી પર આવી મળે છે, તે જ રીતે પ્રેમની ધારા નિરંતર પરમાત્મા સુધી પહોંચવી જોઈએ.
ભગવાન પ્રેમપૂર્વક ભક્તિ કરવા કહે છે. પ્રશ્ન એ થાય કે શું વેર સાથે ભક્તિ થાય છે? હા, જે રીતે રાવણ દિવસ રાત વેર ભાવથી શ્રીરામનું ચિંતન કરતો રહેતો હતો. શિશુપાળ પણ વેર ભાવથી શ્રીકૃષ્ણનું ચિંતન કરતો રહેતો હતો. પરંતુ શ્રીભગવાને તેમનું કલ્યાણ કર્યું. બંનેના કલ્યાણમાં અંતર જરૂર છે. પ્રેમથી મન લગાવનારનું કલ્યાણ એટલે વિજય અને વેરથી મન લગાવનારનું કલ્યાણ એટલે તેની મુક્તિ પછી એ રાવણ હોય, પૂતના હોય, કે શિશુપાલ હોય.
મોક્ષ તથા આનંદદાયક જીવનમાં અંતર હોય છે. એટલે શ્રીભગવાન કહે છે, હે અર્જુન! તું મારામાં મન લગાવ. મારો ભક્ત બની જા. શ્રીભગવાન કહે છે, 'मद्याजी भव' એટલે ભગવાન માટે કાર્ય કરો. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
तरी बाह्य आणि अंतरा, आपुलिया सर्व व्यापारा। मज व्यापकता ते वीरा, विषयों करी।।
આપણા બહિરંગ તથા અંતરમાં જે પણ વ્યાપાર ચાલે છે તે પરમાત્માને અર્પણ કરવા. ત્યાર પછી ભગવાન કહે છે કે माम् नमस्कुरु। એટલે પૂર્ણ શરણાગતિ એક જ સ્થાન પર રાખો. જયારે આપણે નમસ્કાર કરી રહ્યા છીએ ત્યારે એ સમજવું કે પરમાત્માને નમન કરી રહ્યા છીએ. માતા, પિતા, ગુરુ, વડીલ બધામાં વિદ્યમાન પરમાત્માને નમન કરવું જોઈએ.
આજે પંઢરપુરમાં લગભગ ચાર લાખ લોકો પહોંચે છે, તે બધા એકબીજાને નમસ્કાર કરે છે તથા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે છે, તેની પાછળ ભાવના એ હોય છે કે આપણા બંનેની અંદર વિદ્યમાન વિઠ્ઠલને પરસ્પર પ્રણામ. રામ રામ કહેવાની પદ્ધતિ પણ આ કારણે જ પ્રચલિત છે, તમારી અંદરના રામને મારા અંદરના રામનું મિલન. આ કરવાથી શું પ્રાપ્ત કરીશું? આ પરમાત્માની પ્રાપ્તિનો અત્યંત સુંદર માર્ગ છે. આપણું મન જ્યાં લાગે છે ત્યાંથી જ ગુણ લે છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કે રામ મારી અંદર આવો.
इति वदति तुलसीदास, शङ्कर शेष मुनि मनरञ्जनम्।मम ह्रदय कञ्ज निवास कुरु कामादी खलदल गञ्जनम्।।
શ્રીરામ તમે અવિકારી છો, તો તમે મારા અંદર આવશો તો મારા મનના બધા વિકાર ચાલ્યા જશે.
આપણું મન ત્યાં જ લગાડવાનું જ્યાંથી સકારાત્મક ઉર્જા આપણી અંદર આવી શકે. જે વ્યક્તિ બીજા સાથે દ્વેષ કરે છે તેનું ચિંતન કરશો તો તમારા મનમાં પણ દ્વેષ આવી જશે. કોઈએ મારી નિંદા કરી અને મેં તેની સાથે મારું મન મેળવ્યું, તો મારા મનમાં પણ નિંદાની ભાવના આવી જશે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. આપણી બધી પ્રકૃતિ વિદ્યુત પર કાર્ય કરે છે. કોઈ ટ્રાન્સફોર્મરમાં જે રીતે વિદ્યુતપ્રવાહ હાઈ ટેન્શનથી લો ટેન્શનની તરફ જાય છે તે રીતે આપણે જે વિચારોના સંપર્કમાં આવીએ છીએ તે વિચાર આપણામાં સંક્રમિત થઈ જાય છે. આપણે પૂજ્ય ગુરુદેવ, ભગવાન કે અન્ય સંત મહાત્માઓનું ચિંતન કરીએ છીએ તો થોડા સમય માટે આપણું મન તેમના મન સાથે જોડાઈ જાય છે. આપણને ખબર નથી હોતી કે એક શ્લોક બોલવા માત્રથી આપણને ઊર્જાનો અનુભવ કેમ થવા લાગે છે, આપણા મનમાં શાંતિ થઈ જાય છે તથા આપણે બીજા દ્વારા કરેલા દુર્વ્યવહારને પણ ભૂલી જઈએ છીએ.
આજના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવે કહ્યું કે મનને નિયંત્રિત કરવા માટે સ્થૂળ સાધનોનો પ્રયોગ કરો. પુસ્તિકામાં રામ રામ લખો. આવું કરવાથી આપણા મનની નકારાત્મક ઉર્જા ચાલી જાય છે. અહીં જ્યારે શ્રીભગવાન મન્મના કહે છે, તેમનું તાત્પર્ય એ છે કે પરમાત્મા સાથે આપણે આપણા મનને જોડીએ. કદાચ આપણે એમની સાથે આપણા મનને જોડીશું તો આપણું મન પણ એમના મન જેવું થવા લાગશે. ભગવાન સોગંદપૂર્વક કહે છે કે, આવું કરવાથી તું મારામાં જ નિવાસ કરવા લાગીશ.
આપણે આપણા ઘરમાં ઉદાહરણ જોઈએ તો આપણા મોટા વડીલ ફક્ત ભક્તિના સહારે ઈશ્વર પર અવલંબિત નથી રહેવા માંગતા, પરંતુ ઈશ્વર ભક્તિનો અર્થ છે, પરમપ્રેમ. તું મને જ માંગી રહ્યો છે, એટલે તારા બધા કાર્ય મને જ અર્પણ કરી રહ્યો છે. એટલે હું સોગંધ પૂર્વક કહું છું કે તું મને જ પ્રાપ્ત કરીશ.
આ શ્લોકને લૌકિક રુપથી જોઈએ તો આપણને એ સમજાશે કે આપણે કોઈપણ કાર્ય કરવાનું હોય, જેમકે નૃત્ય, સંગીત, ચિત્રકલા, ખેલ કુદ વગેરે, તો આપણે અન્ય વાતોથી આપણા મનને દૂર કરવું પડશે તથા તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે મન લગાવીને આપણું કાર્ય નહીં કરીએ તો આપણા મનમાં આપણા કાર્ય પ્રતિ દ્વેષ આવી જશે. એટલે પોતાના પ્રતિ પ્રેમ તથા ભક્તિની ભાવના હોવી જોઈએ. અહીં શ્રીભગવાને પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ સમજાવ્યું છે, પરંતુ આપણા લૌકિક જીવનના લક્ષ્ય પણ આ નિયમથી પૂર્ણ થાય છે. ત્યાર પછી તેના માટે આપણે કાર્ય કરવા પડશે, નિરંતર અભ્યાસ કરવો પડશે તો તમે જ્યાં જશો પૂર્ણ રૂપથી તમારું ધ્યાન ત્યાં કેન્દ્રિત કરશો.
ઉદાહરણ માટે આપણે ગીતા પરિવાર લર્ન ગીતાના માધ્યમથી માત્ર જીજ્ઞાસુ, પાઠક અથવા પથિક જ નથી બની રહ્યા, પરંતુ ચાણક્ષ(કુશાગ્ર બુદ્ધિ ) પણ બની રહ્યા છીએ. ગીતાજી માં મન લાગવાથી લોકો પોતાના લક્ષને પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે આપણા જીવનના કોઈપણ લક્ષ ને એવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. ગીતાજીની વિશેષતા છે કે એ આપણને લૌકિક તથા અલૌકિક બંને પ્રકારની સહાયતા કરે છે.
मत अभ्युदय निश्रेयस स्वधर्मा:
અભ્યુદય એટલે આપણી લૌકિક પ્રગતિ અને નિશ્રેયસ એટલે પરમ કલ્યાણ.
હજી પણ અર્જુનના મુખ પર પ્રશ્ન ચિન્હ છે કે હું યુદ્ધનું શું કરું? શ્રીભગવાન કહે છે કે અર્જુનના મનનું યુદ્ધ બે ધર્મોનું યુદ્ધ છે. એક છે એનો સામાજિક ધર્મ તથા બીજો છે એનો વ્યક્તિગત ધર્મ. એની સામે એના બધા સગા સંબંધીઓ છે. પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, જેમણે અર્જુનને ધનુર્વિદ્યા શીખવી છે, અર્જુન ના ભાવ વ્યક્ત કરતા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
मी पार्थु द्रोणाचा केला, येने धनुर्वेदु मज दिला।तेरे उपकारे काम आभारैला, वधी तयातें।।
આચાર્ય દ્રોણે જ અર્જુનને ધનુર્વિદ્યા શીખવી છે, એટલે કે બનાવ્યો છે. અર્જુન સ્વયંને ભસ્માસુરની ઉપમા આપે છે. અર્જુનના મનમાં દ્વંદ્વ છે, એક બાજુ તેનો ક્ષત્રિય ધર્મ છે તથા બીજી બાજુ તેનો સંપૂર્ણ પરિવાર છે, જેની હાનિ થવાની જ છે. અર્જુનની ચિંતાને દૂર કરતા શ્રીભગવાન આગળ કહે છે કે મનના દ્વંદ્વ ને સમાપ્ત કરવાથી જ આપણો વિજય થાય છે.



18.66

સર્વધર્માન્પરિત્યજ્ય, મામેકં(મ્) શરણં(વ્ઁ) વ્રજ।
અહં(ન્) ત્વા સર્વપાપેભ્યો, મોક્ષયિષ્યામિ મા શુચઃ॥૧૮.૬૬॥

બધા ધર્મોને એટલેકે બધા કર્તવ્ય કર્મો ને મારામાં ત્યજીને, તું કેવળ એક માત્ર મુજ સર્વ શક્તિમાન સર્વાધાર પરમેશ્વરના જ શરણે આવી જા; હું તને બધા પાપોથી મુક્ત કરી દઈશ, તું શોક કર મા.

18.66
શ્રીભગવાન કહે છે હે અર્જુન! તું શોક ન કર. જ્યારે કર્તવ્ય એક સાથે નિર્વાહ કરવા આવે છે ત્યારે તું બધા ધર્મોનો ત્યાગ કર
કોઈ સ્ત્રીને કાર્યાલયમાં જરૂરી કાર્ય છે તથા તેના બાળક ને તાવ પણ છે તો હવે તે પોતાનું કર્તવ્ય કેવી રીતે નિભાવશે? પૂજ્ય ગુરુદેવનું કથન છે કે આપાતકાલીન સ્થિતિ અથવા વ્યાપક હિત હોય એવું કાર્ય પહેલા કરવું જોઈએ. આવા અવસર માટે આપણી વિવેક બુદ્ધિ જાગૃત થવી જોઈએ. આવા સમયે તને કોઈ દ્વંદ્વ હોય તો પણ તે દ્વંદ્વ નો ત્યાગ કરી, મારા શરણમાં આવી જા. હું તને બધા પાપોથી મુક્ત કરીશ. શોક ન કર. ચયન કરવામાં તારા દ્વારા કોઈ ભૂલ થઈ જાય તો પણ હું તને મુક્ત કરીશ, કારણ કે તું મારી શરણમાં છે. શરણાગતિ કેવી છે? જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, જ્યાંથી મારો જન્મ થયો ત્યાં જઈ મળવું. બધા ભૂતોનું નિર્માણ જેણે કર્યું છે તે સર્વોત્તમ પરમાત્મા છે, તેમની શરણમાં જાવ. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
आता विश्वात्मके देवे, येणे वाग्यज्ञें तोषावें।तोषोनि मज़ द्यावें पसायदान से।।
આગળ જ્ઞાનેેશ્વર મહારાજ કહે છે-सुवर्ण मणि सोनिया, ये कल्लोळु जैसा पाणिया।तैसा मज़ धनञ्जया, शरण ये तू।।
સોનાને ઓગાળી ફરીથી આભૂષણ બનાવવામાં આવે છે. ઓગાળવાથી આભૂષણનું સોનુ ફરીથી શુદ્ધ સોના માં પરિવર્તિત થાય છે. જળમાં લહેરો ઊઠે છે તે જળમાં મળી જાય છે. તે જ રીતે હે અર્જુન! તું મારી શરણાગતિમાં આવ. આમ જ્ઞાનેશ્વર મહારાજ શરણાગતિની સર્વોપરી વ્યાખ્યા કરે છે.
આગળ શ્રીભગવાન અર્જુનને કહે છે કે આ ગુહ્યતમ રહસ્ય જે મેં તને કહ્યું તે બીજા કોઈને કહેવા જઈશ તો તે એ માટે સુપાત્ર ન પણ હોય. આ જ્ઞાન કોને કહેવું જોઈએ અને કોને નહીં એ આપણે જોવુ જોઈએ. લર્ન ગીતા કાર્યક્રમમાં ઘણા લોકો આવે છે પરંતુ બધા તેને શીખી નથી શકતા. ઈશ્વર મોકલે તે લોકોની પાસે લીન્ક પહોંચી જાય છે તથા પ્રેરણા પણ એ જ કરે છે.
आता विश्वात्मके देवे, येणे वाग्यज्ञें तोषावें।
तोषोनि मज़ द्यावें पसायदान से।।
આગળ જ્ઞાનેેશ્વર મહારાજ કહે છે-
सुवर्ण मणि सोनिया, ये कल्लोळु जैसा पाणिया।
तैसा मज़ धनञ्जया, शरण ये तू।।
સુવર્ણને ઓગાળી ફરીથી આભૂષણ બનાવવામાં આવે છે. ઓગાળવાથી આભૂષણને સુવર્ણ ફરીથી શુદ્ધ સુવર્ણ માં પરિવર્તિત થાય છે. જળમાં લહેરો ઊઠે છે તે જળમાં મળી જાય છે તે જ રીતે હે અર્જુન! તું મારી શરણાગતિમાં આવ.
આમ જ્ઞાનેશ્વર મહારાજ શરણાગતિની વ્યાખ્યા સર્વોપરી કરે છે. 
આગળ શ્રીભગવાન અર્જુનને કહે છે કે આ ગુહ્યતમ રહસ્ય જે મેં તને કહ્યું તે બીજા કોઈને કહેવા જઈ તો તે તેના પાત્ર ન પણ હોય, તેમને આ સમજાય પણ નહીં, કોને કહેવું જોઈએ અને કોને નહીં આપણે જોવુ જોઈએ.
લર્ન ગીતા કાર્યક્રમમાં ઘણા લોકો આવે છે પરંતુ બધા તેને નથી શીખી શકતા. ઈશ્વર જ મોકલે લોકોની પાસે લિંક પહોંચી જાય છે તથા પ્રેરણા પણ તે જ નિર્માણ કરશે.



18.67

ઇદં(ન્) તે નાતપસ્કાય, નાભક્તાય કદાચન।
ન ચાશુશ્રૂષવે વાચ્યં(ન્), ન ચ માં(ય્ઁ) યોઽભ્યસૂયતિ॥૧૮.૬૭॥

તારે આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈપણ કાળે ન તો તપરહિત માણસને કહેવો, ન તો ભક્તિરહિતને અને ન તો સાંભળવા ન ઈચ્છતા માણસ ને કહેવો તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદીયે ન કહેવો.

18.67
યક્ષે ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો હતો કે તપ શું છે? ધર્મરાજે એનો ઉત્તર આપ્યો કે तपः स्वधर्मवर्तित्वं।
ગુરુદેવે તેનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. તે કહે છે “તપસ્વ ધામ”. આ આપણા માટે એટલી મહત્વપૂર્ણ વાત છે કે આપણને લાગે છે કે આપણે ક્યાં સુધી કરી શકીશું? આપણે તો પહેલી શરતમાં જ અસફળ થઈ જઈએ. આપણે ક્યાં હિમાલયની કંદરામાં જઈને બેઠા છીએ? આપણે ક્યાં એક પગ પર ઉભા છીએ? આપણે ક્યાં રામરામ જપતા જપતા ધ્યાન કરી રહ્યા છીએ? આપણે તો સામાન્ય ગૃહસ્થ આશ્રમમાં રહેનારા મનુષ્ય છીએ. આપણા માટે આ કહ્યું છે કે “તપસ્વ ધર્મ”. વ્યક્તિ સ્વધર્મનું, પોતાના કર્તવ્યોનું, પોતાની જવાબદારીનું પાલન કરે. તે ગમે તે સ્થળ પર હોય, પોતાના ઘરમાં હોય, સમાજ માટે હોય કે રાષ્ટ્ર માટે કાર્ય કરે, એ આપણું કર્તવ્ય હોય છે. જે રીતે આપણે ચૂંટણી સમયે મતદાન કરીએ છીએ કે બીજી અનેક રીતે કર્તવ્ય કરીએ છીએ. પોતાનું કર્તવ્ય કરવું એ મનુષ્યનું તપ છે કારણકે એ કરવામાં કષ્ટ પડે છે. આપણા ઘરમાં કોઈને શારીરિક તકલીફ હોય, અસ્વસ્થ થઈ જાય તો ક્યારેક આપણે તેમને હોસ્પિટલ લઈ જવા પડે છે, ક્યારેક તેમની શલ્ય ક્રિયા હોય તો તેના માટે આપણે જાગવું પણ પડે છે. એક માતાએ પોતાના પુત્ર માટે જાગવું પડે છે, આપણા કોઈ પરિજન હોસ્પિટલમાં દાખલ થયેલા હોય તો આપણે સ્વયં ભોજન નથી કરી શકતા અને તેમની સેવામાં વ્યસ્ત રહીએ છીએ. ઘરના વૃદ્ધ જનની સેવામાં પણ રહીએ છીએ. આ સમસ્ત સેવાને તપમાં ઢાળવામાં આવી છે.
પરંતુ જે પોતાના જીવનમાં આ રીતનું તપ કરવાની ઈચ્છા જ નથી રાખતા, મનમોજી જીવન જીવે છે, માત્ર પોતાની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમાં જ રમમાણ રહે છે, પોતાના કર્તવ્યનો ત્યાગ કરનારો હોય છે, એવી વ્યક્તિને આ જ્ઞાન ન આપવું. તેને આ તપ સમજાશે જ નહીં, કારણ કે એણે જીવનમાં કોઈ તપ કર્યું જ નથી, ક્યારેય પોતાના જીવનને તપાવ્યું જ નથી. સુવર્ણ પણ તપ્યા વગર કુંદન નથી બનતું. જ્યારે તેને તપાવીએ છે, ત્યારે તેની અંદરની અશુદ્ધિઓ દૂર થાય છે. આ રીતે આપણા જીવનના બધા તપ આપણા જીવનની અશુદ્ધિઓ દૂર કરે છે. આપણું જીવન શુદ્ધ કરીએ તેનાથી મન શુદ્ધ થાય છે. શરીરને થોડું કષ્ટ પડે છે, પરંતુ કર્તવ્ય કર્મ કરવાથી મન શુદ્ધ થઈ જાય છે. શ્રીભગવાન કહે છે, આવું તપ ન કરનારા અને જેમાં સૃષ્ટિકર્તા પ્રતિ ભક્તિ નથી, જેને સાંભળવાની ઈચ્છા નથી અને સમજવા માંગતા પણ નથી તેમને આ જ્ઞાન ન સંભળાવો.
 
વિવેચિકાએ પોતાનો એક અનુભવ કહ્યો. એકવાર એમને પોતાના પુત્ર પાસે સિંગાપુર જવાનું હતું. એ ખૂબ ઉદાસ થઈ ગયા. એમને થયું કે ત્યાં શ્રીમદ્ભગવદ્ગીતા કોણ સાંભળશે? ગુરુદેવે કહ્યું કે, અરે ત્યાં ઝાડ, છોડ, ફૂલને સંભળાવજો. ત્યાં પહોંચ્યા પછી વિવેચિકા એક બાંકડા પર બેસીને ગીતાજી વાંચતા હતા. ત્યાં એક ચીની વ્યક્તિ આવી અને એણે પૂછ્યું કે તમે આ શું ગાઈ રહ્યા છો? મને આ સાંભળવાની ખૂબ ઈચ્છા થઈ રહી છે. એને ગીતાપઠન સારું લાગ્યું. શ્રીભગવાન કહે છે આનાથી સારું છે કે વાતાવરણને સંભળાવો. વાતાવરણમાં શબ્દ ફરે છે અને આકાશ તેનો વિષય છે. શબ્દ આકાશમાં રહી જાય છે, ધ્વનિ તરંગો બાષ્પિત નથી થતા.
અહીં શ્રીભગવાને અનસૂય હોય એનો અર્થ કહ્યો છે કે જે દોષ દ્રષ્ટિ નથી રાખતા. દોષ ન હોય છતાં પણ આપણે તેને દોષ દ્રષ્ટિથી જોઈએ છે તો તે આપણા મનની સૂય અવસ્થા છે. આપણે કોઈના ઘરે ગયા હોઈએ અને ત્યાંથી ગુણોના બદલે એમના અવગુણને લઈને આવીએ અને પોતાના ઘરમાં તેની ચર્ચા કરીએ તો આપણે સમજી લેવું જોઈએ કે આપણા મનમાં સૂય નું નિર્માણ થઈ ગયું. નવમા અધ્યાયમાં શ્રીભગવાને કહ્યું છે- અર્જુન તું અનસૂય છે એટલે તને કહી રહ્યો છું.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે અને ગુરુદેવ પણ આજના પ્રવચનમાં આ વિષય ચાલતો હતો ત્યારે કહેતા હતા કે શ્રીમદ્ભગવદ્ગીતાનું ઊંડાણ ક્યારે આપણી અંદર આવશે? કે આપણે તેના ઊંડાણમાં ક્યારે જઈશું? જ્યારે આપણે અર્જુન જેવા બનવાનો પ્રયાસ કરીશું. જ્ઞાનેશ્વર મહારાજે આના માટે ખૂબ જ સુંદર ઓવી કહી છે,
"अहो अर्जुना चे पांती, जे परिसणया योग्य होती।ती ही कृपा करुनी सन्तीं, अवधान द्यावें।।
જે અર્જુનની પંક્તિમાં માં બેસવા માંગે છે એવા સંત મહંતો મારી તરફ ધ્યાન આપે કે હું શું સમજાવવાનો છું. જે ગીતા પરિવારના માધ્યમથી આવ્યા છે, વિવેચન સાંભળવા આવ્યા છે તેમને કહો કે તે મારામાં પ્રેમ કરે છે અને મેં જ તેમને ગીતાજી શીખવાની પ્રેરણા આપી છે. આગળ શ્રીભગવાન કહે છે કે હવે હું તને કહેવા માંગુ છું કે આ રહસ્ય કોને કહેવું જોઈએ.





18.68

ય ઇમં(મ્) પરમં(ઙ્) ગુહ્યં(મ્), મદ્ભક્તેષ્વભિધાસ્યતિ।
ભક્તિં(મ્) મયિ પરાં(ઙ્) કૃત્વા, મામેવૈષ્યત્યસંશયઃ॥૧૮.૬૮॥

જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે, એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી.

18.68
શ્રીભગવાન કહે છે કે અર્જુન, જે વ્યક્તિ મને પરમ પ્રેમ કરી, મારા ભક્તને સારી રીતે પ્રેમપૂર્વક શ્રીમદ્ભગવદ્ગીતાના વિષયમાં સમજાવશે, જેના મનમાં ગીતાજીના પ્રતિ અખંડ પ્રેમરસનું નિર્માણ હશે તે મને જ પ્રાપ્ત કરી લેશે, તેમાં તું કોઈ સંશય ન રાખીશ. પરમાત્માની પ્રાપ્તિનો આ એક મહત્વપૂર્ણ માર્ગ છે. ”गीता पढ़ें, पढ़ाएं, जीवन में लाएं।" આ મંત્ર પરમ પૂજ્ય ગુરુદેવે આપ્યો છે. પૂજ્ય ગુરુદેવ કહે છે ગીતાજી વાંચો, વંચાવો અને જીવનમાં લાવો. ગીતાજીના ઊંડાણમાં ઉતરીને અને હૃદયસ્થ કરીને ત્યાર પછી પોતાના જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગીતાજી ઉતરે એવા પ્રયત્ન કરવા. જે અહીં સુધીની યાત્રા કરશે તે પરમાત્માની પ્રાપ્તિ કરી લેશે.

18.69

ન ચ તસ્માન્મનુષ્યેષુ, કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ।
ભવિતા ન ચ મે તસ્માદ્, અન્યઃ(ફ્) પ્રિયતરો ભુવિ॥૧૮.૬૯॥

માણસોમાં એનાથી વધીને મારુ પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં.

18.69
આપણે બધાએ એક શ્લોક સાંભળ્યો છે જે ગીતા પરિવારના પ્રચાર-પ્રસાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એનો અર્થ છે કે જે મારી શ્રીમદ્ભગવદ્ગીતા શીખવાડશે તેને હું સર્વાધિક પ્રેમ કરીશ. શ્રીભગવાન કહે છે કે જે મનુષ્ય મારી શ્રીમદ્ભગવદ્ગીતા ભણાવશે, શીખવાડશે તે સમસ્ત મનુષ્યજાતિમાં મારું પ્રિય કાર્ય કરનારા હશે. સમસ્ત પૃથ્વી પર મને તેનાથી અધિક પ્રિય અન્ય કોઈ નહીં હોય. એટલે આપણે ભગવાનને પરમ પ્રિય થવું હોય તો આ માટે શ્રીમદ્ભગવદ્ગીતા વાંચવી એ એક સરળતમ માર્ગ છે. શ્રીમદ્ભગવદ્ગીતા શીખવવી એ આપણા જીવનનું વ્રત થઈ જાય તો શ્રીભગવાનની પરમ પ્રીતિ આપણને પ્રાપ્ત થશે. આ શ્રીભગવાનનું વચન છે કે આ સૃષ્ટિમાં શ્રીભગવાનના અનેક કાર્ય છે પરંતુ આ કાર્ય સર્વોપરી છે, અને જે આ કાર્ય કરશે તે શ્રીભગવાનનું પરમ પ્રિય કાર્ય કરશે. એક રીતે શ્રીભગવાને આપણને આ સોગંદપત્ર પ્રદાન કર્યો છે. આગળ શ્રીભગવાન એક વધુ સરળ માર્ગ પણ સમજાવે છે.

18.70

અધ્યેષ્યતે ચ ય ઇમં(ન્), ધર્મ્યં(મ્) સંવાદમાવયોઃ।
જ્ઞાનયજ્ઞેન તેનાહમ્, ઇષ્ટઃ(સ્) સ્યામિતિ મે મતિઃ॥૧૮.૭૦॥

જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતા શાસ્ત્રોનું અધ્યયન કરશે ,એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞ થી પૂજિત થઈશ એવો મારો મત છે.

18.70
શ્રીભગવાન કહે છે કે કેટલીક વ્યક્તિઓના ઉચ્ચારણ શુદ્ધ ન હોવાના કારણે ગીતાજી વાંચી નથી શકતા, પણ જે મનુષ્ય આપણા બંનેના આ સંવાદનું પઠન કે અધ્યયન કરશે તેપણ જ્ઞાનયજ્ઞ દ્વારા મારું જ પૂજન કરે છે, એ મારો નિશ્ચિત મત છે. અહીં સંવાદ શબ્દનો પ્રયોગ એટલે કરવામાં આવ્યો છે, કારણ કે આ પ્રવચન નથી. અર્જુને વચ્ચે વચ્ચે અનેક પ્રશ્નો પૂછ્યા છે, એટલે આ શ્રીભગવાન અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,
गीता माते समान, मुमुक्ष बाळ हिंडते चुकुन,माय लेकरा चे करणे मिलन, भाव असतो सन्तांचा।।
જે સંત છે તે કહે છે કે ગીતાજી બધાને સંભળાવો કારણકે ગીતાજી માતા સમાન છે. જે મનુષ્ય પરમાત્માની ભક્તિ તથા પરમાત્માની પ્રાપ્તિ માટે પોતાના જીવનનું ઉન્નયન કરવા માંગે છે તે બંનેનું મિલન સંત કરાવે છે, આ તેમનો સ્વભાવ હોય છે. આગળ વધી શ્રીભગવાન વધુ એક સ્તર નીચે આવે છે અને કહે છે જે કોઈ કારણે આ પણ ન કરી શકે તે માત્ર આ પાવન ગ્રંથને સાંભળે.

18.71

શ્રદ્ધાવાનનસૂયશ્ચ, શૃણુયાદપિ યો નરઃ।
સોઽપિ મુક્તઃ(શ્) શુભાઁલ્લોકાન્, પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્॥૧૮.૭૧॥

જે માણસ શ્રદ્ધાળુઓ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતા શાસ્ત્રનું શ્રવણ કરશે, એ પણ પાપોથી છૂટી ને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે.

18.71
શ્રીભગવાન કહે છે કે જો તું એનું પઠન ન કરી શકે, તું ઉચ્ચારણ સારી રીતે ન કરી શકે, તો માત્ર શ્રદ્ધા તથા અનસુય ભાવથી ગીતાજીને સાંભળ. અહીં શ્રીભગવાને ફરીથી અનસૂય શબ્દનો પ્રયોગ કર્યો છે, એનો અર્થ છે દોષ દ્રષ્ટિ ન રાખવી. શ્રીભગવાન કહે છે માત્ર સાંભળવાથી જ તે મનુષ્ય પાપોથી, જીવનના અવરોધોથી અને દોષોથી મુક્ત થશે. એ સારો પુનર્જન્મ અને સારા માતા-પિતા પ્રાપ્ત કરશે, તથા અત્યંત ઉત્તમ લોકની પ્રાપ્તિ કરશે. આ રીતે તેની યાત્રા આગળ વધશે. હવે શ્રીભગવાન જે રીતે એક ગુરુ પોતાના શિષ્યને પ્રશ્ન પૂછે, જે રીતે એક માતા પોતાના બાળકને પ્રશ્ન પૂછે તે રીતે અત્યંત મધુર ભાવથી અર્જુનને એક સુંદર પ્રશ્ન પૂછે છે.

18.72

કચ્ચિદેતચ્છ્રુતં(મ્) પાર્થ, ત્વયૈકાગ્રેણ ચેતસા।
કચ્ચિદજ્ઞાનસમ્મોહઃ(ફ્), પ્રનષ્ટસ્તે ધનઞ્જય॥૧૮.૭૨॥

હે પાર્થ ! શું આ ગીતાશાસ્ત્ર ને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું? અને હે ધનંજય! શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો ?

18.72
યુદ્ધ ભૂમિમાં ઢોલ, યુદ્ધ-વાદ્ય, નગારા બધુ વાગી રહ્યું છે અને કોલાહલ તથા અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આપણા જીવનમાં પણ ગમે તે પ્રકારના કોલાહલ થતા રહે છે, છતાં પણ આપણે કોઈ મહત્વપૂર્ણ વચન સાંભળી શકીએ છીએ. શ્રીભગવાન અર્જુનને ખૂબ જ પ્રેમ કરે છે એટલે અર્જુનને પૂછે છે કે, હે પાર્થ, શું તેં એકાગ્રચિત્ત થઈ આ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાં મારા વચન સાંભળ્યા? આપણું જીવન પણ અનેક સંઘર્ષોથી ભરેલું હોય છે. માત્ર યુદ્ધ ભૂમિમાં જવું જ સંઘર્ષપૂર્ણ નથી. આપણા જીવનમાં પણ રાત દિવસ સંઘર્ષ રહે છે.
સંત તુકારામ મહારાજ કહે છે કે,
रात्री दिवस आम्हां युद्धाचा प्रसंग|अंतर्बाह्य जन आणि मन ||१||
जीवाही आगोज पडती आघात|येउनिया नित्य नित्य करी ||२||
રાત દિવસ સંઘર્ષ પૂર્ણ પરિસ્થિતિઓમાં આપણી અંદરના વિકારોના કારણે, બહિરંગ લોકોના સાથેનો વ્યવહાર જોવા મળે છે. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે આપણે પણ અર્જુનની સમાન આપણા જીવનના કોલાહલમાં આપણા જીવનના સંઘર્ષપૂર્ણ પ્રસંગમાં શ્રીભગવાનનું વચન સાંભળવાનું અને યાદ રાખવાનું છે.
શ્રીભગવાન કહે છે, હે ધનંજય! અજ્ઞાન અને મોહના કારણે તારા મનમાં જે સંમોહનું નિર્માણ થયું છે, તે શું પ્રનષ્ટ થશે? શ્રીભગવાને માત્ર નષ્ટ નહીં, પરંતુ પ્રનષ્ટ કહ્યું છે. જેનો અર્થ છે પૂર્ણ રીતે નષ્ટ થયું કે નહીં, સંપૂર્ણ રીતે ગયું કે નહીં?
શ્રી વેદ વ્યાસજીએ ખૂબ જ સુંદર શબ્દોનો પ્રયોગ કર્યો છે અને અર્જુનનો પણ એટલો જ સુંદર ઉત્તર છે.

18.73

અર્જુન ઉવાચ
નષ્ટો મોહઃ(સ્) સ્મૃતિર્લબ્ધા, ત્વત્પ્રસાદાન્મયાચ્યુત।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ(ખ્), કરિષ્યે વચનં(ન્) તવ॥૧૮.૭૩॥

અર્જુન બોલ્યા : હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને સ્મૃતિ મેળવી લીધી છે, હવે હું સંશયરહિત થઈને સ્થિત છું; માટે આપની આજ્ઞાનું પાલન કરીશ.

18.73.
અહીં અર્જુને પણ શ્રીભગવાન માટે અનેક સુંદર શબ્દોનો પ્રયોગ કર્યો છે. શ્રીભગવાન વેદવ્યાસજી દ્વારા જેમ અર્જુન માટે અનેક વિશિષ્ટ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેમ શ્રીભગવાન માટે પણ અનેક સુંદર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અચ્યુત નો અર્થ છે જે ક્યારેય દેખાતો નથી, ચ્યુત નથી થતો, પોતાનું સ્થાન ક્યારેય છોડતો નથી. અર્જુન કહે છે, હે અચ્યુત! તમારો પ્રસાદ એવો છે કે હું પણ અચ્યુત બની ગયો, હું પણ અડગ થઈ ગયો. મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને શું કરવું કે શું ન કરવું, એ વાત પણ મને સમજાઈ ગઈ છે. બધા સંદેહ અને દ્વંદ્વ સમાપ્ત થઈ ગયા છે. હવે હું સંદેહ રહિત થઈ, અડગ થઈ ઉભો છું. પહેલા અધ્યાયમાં અર્જુન કહી રહ્યા હતા કે મારા હાથમાંથી ગાંડીવ છૂટી રહ્યું છે. गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते। મારું મન ભટકી રહ્યું છે અને હું ઉભો રહેવા પણ યોગ્ય નથી, આમ કહી અર્જુન બેસી જાય છે. જેની આવી અવસ્થા હતી તે અત્યારે કહી રહ્યો છે કે, હું હવે સંદેહ રહિત થઈ ઊભો થઈ ગયો છું અને હવે તમારા વચનો અનુસાર જ વર્તન કરીશ. અર્જુને કહી દીધું કે હું તમારો શિષ્ય છું અને તમે જે ઉપદેશ આપ્યો છે, હવે તે અનુસાર જ વર્તન કરીશ. મારો બધો સંદેહ ચાલ્યો ગયો છે અને મને શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. આ ગ્રંથનો આરંભ ધૃતરાષ્ટ્રના વચનથી થયો છે અને સમાપન સંજયના વચનોથી થયું છે.

18.74

સઞ્જય ઉવાચ
ઇત્યહં(વ્ઁ) વાસુદેવસ્ય, પાર્થસ્ય ચ મહાત્મનઃ।
સંવાદમિમમશ્રૌષમ્, અદ્ભુતં(મ્) રોમહર્ષણમ્॥૧૮.૭૪॥

સંજય બોલ્યા : આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના આ અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો.

18.74
સંજય કહે છે કે વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાન અને મહાત્મા અર્જુનનો આવો અદ્ભુત અને પુલકિત કરનારો સંવાદ જે પહેલા ક્યારેય નથી સાંભળ્યો, એવો સંવાદ મેં સાંભળ્યો.


18.75

વ્યાસપ્રસાદાચ્છ્રુતવાન્, એતદ્ગુહ્યમહં(મ્) પરમ્।
યોગં(ય્ઁ) યોગેશ્વરાત્કૃષ્ણાત્, સાક્ષાત્કથયતઃ(સ્) સ્વયમ્॥૧૮.૭૫॥

શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પામીને મેં આ પરમ ગોપનીય યોગને, અર્જુન પ્રત્યે કહેતાં સ્વયં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે.

18.75.
સંજય કહે છે કે મેં ગુરુ વ્યાસજીની કૃપાથી આવો સંવાદ સાંભળ્યો. ગુરુ દરેક પ્રસંગને જોવાનો એક અલગ જ દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે, વ્યાપક દ્રષ્ટિકોણ આપે છે. જેમ શ્રીકૃષ્ણએ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ વિશ્વરૂપ દર્શન કરવા માટે આપી હતી, તે રીતે વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી, જે અતિ ગોપનીય રહસ્ય છે. શ્રીભગવાને અર્જુનને કહ્યું, આ વાત વાંસળી વગાડનાર, ગોવર્ધન ગિરધારી, વનમાં ગાયો ચરાવનાર ગોપાલ કૃષ્ણ, અશ્વમેઘ યજ્ઞમાં એંઠા પતરાળા લેનાર કૃષ્ણ કે ગોપીઓ સાથે રાસ કરનારા કૃષ્ણએ નથી કહી. આ વાત સ્વયં શ્રીયોગેશ્વર ભગવાને કહી છે, એટલે કે શ્રીકૃષ્ણએ પરમાત્મા સાથે યોગ કરીને આ વાત કહી છે. સંજય કહે છે કે એણે આ વાત સાક્ષાત સાંભળી, કારણકે મને મારા ગુરુએ આ બધું સાંભળવાની દિવ્ય શક્તિ પ્રદાન કરી, મને સામર્થ્ય પ્રદાન કર્યું અને ગુરુકૃપાથી મને શ્રીભગવાનના વિશ્વરૂપના દર્શન પણ થયા. ત્રણ જણાને વિશ્વરૂપ દર્શન પ્રાપ્ત થયેલ. સંજય, અર્જુન અને હનુમાનજી મહારાજ, જે અર્જુનના રથની ધજા પર બિરાજમાન હતા. ત્યાં હરિ અને હર બંને હતા. હરિ, જેમણે સ્વયં અર્જુનના સારથી બની ઘોડાની લગામ પકડેલી હતી અને હર એટલે હનુમાનજી મહારા,જ જે સ્વયં ભગવાન શંકરના અવતાર છે.

18.76

રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય, સંવાદમિમમદ્ભુતમ્।
કેશવાર્જુનયોઃ(ફ્) પુણ્યં(મ્), હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ॥૧૮.૭૬॥

હે રાજન્ ! ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ રહસ્ય યુક્ત, કલ્યાણકારક અને અદભુત સંવાદને સંભાળી- સંભાળીને હું વારંવાર હરખાવ છું.

18.76
અહીં સંજય કહે છે કે હે રાજન, આ કેશવ અને અર્જુનનો સંવાદ મને ફરી ફરી સ્મરણ થઈ રહ્યો છે, તેના કારણે હું આનંદિત અને રોમાંચિત થઈ રહ્યો છું. આનું ખૂબ સુંદર વર્ણન કરતા સંત જ્ઞાનેશ્વરજી મહારાજ કહે છે કે, અહીં સંજયના અષ્ટસાત્વિક ભાવ પ્રગટ થઈ ગયા અને નેત્રોથી આંસુ વહેવા લાગ્યા. રોમાંચના કારણે એના શરીરના રુંવાડા ઉભા થવા લાગ્યા.

18.77

તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય, રૂપમત્યદ્ભુતં(મ્) હરેઃ।
વિસ્મયો મે મહાન્ રાજન્, હૃષ્યામિ ચ પુનઃ(ફ્) પુનઃ॥૧૮.૭૭॥

હે રાજન્ ! શ્રી હરિના એ અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભાળી સંભાળીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવ છું.

18.77
સંજયે માત્ર સંવાદ નથી સાંભળ્યો પરંતુ વિશ્વરૂપ દર્શન પણ પ્રાપ્ત કર્યું. સંજય કહે છે, શ્રીહરિનું વિશ્વરૂપ દર્શન જે મને મારા ગુરુદેવની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવાના કારણે થયું તે મને ફરી ફરી સ્મરણ થઈ રહ્યું છે. સંત જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, આ જ્ઞાન કેવી રીતે અવતરિત થાય છે?
ऐसे ज्ञानप्रकाशे पाहिल, तैं मोहन्धकारू जाइल।जैन गुरुकृपा होईल, पार्थ गा।।
હે પાર્થ, જયારે જ્ઞાનનો પ્રકાશ આલોકિત થશે, જયારે મોહનો અંધકાર જશે અને જ્યારે ગુરુ કૃપા થશે ત્યારે તે સર્વોપરી જ્ઞાન પ્રાપ્ત થશે, જે સંજયને પ્રાપ્ત થયું છે.
धृतराष्ट्र उवाचधर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय।।1.1।।
પુત્ર મોહ ના કારણે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? ધૃતરાષ્ટ્રમાં પોતાના અને પારકાનો ભેદ છે તે દેખાય છે. એ સંજયને પૂછે છે કે તારો શું મત છે કે યુદ્ધમાં કોણ જીતશે? મારો દુર્યોધન જ જીતશે ને? કારણ કે તેની પાસે તો અગિયાર અક્ષૌહિણી સેના છે. દુર્યોધનની સાથે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે. ભીષ્મપિતામહને તો કોઈ હરાવી નહીં શકે. આપણી પાસે તો કર્ણ પણ છે, તો મારા દુર્યોધનની જીત તો નિશ્ચિત છે.
જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે,
અઢારમો અધ્યાય સંપૂર્ણ ગીતાનો સાર છે, કળશ છે. કળશની ઉપર શું હોય? ધ્વજ. એ ધ્વજ આ અંતિમ શ્લોક છે અને એ લહેરાઈને બતાવશે કે વિજય કોનો થશે?

18.78

યત્ર યોગેશ્વરઃ(ખ્) કૃષ્ણો, યત્ર પાર્થો ધનુર્ધરઃ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિઃ(ર્), ધ્રુવા નીતિર્મતિર્મમ॥૧૮.૭૮॥

હે રાજન્ ! જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંંડીવધારી અર્જુન છે ત્યાં જ શ્રી, વિજય, વિભૂતિ તેમજ અચળ નીતિ છે - એવો મારો મત છે.

18.78
સંજય કહે છે કે, હે રાજન! મને શું પૂછો છો? બધું સ્પષ્ટ દેખાય છે. જ્યાં સ્વયં યોગેશ્વર છે, જેમણે સાક્ષાત પરમાત્મા સાથે યોગ કર્યો છે અને જ્યાં ધનુર્ધારી પાર્થ છે, જે પોતાનું કાર્ય સ્વયં કરી શકે છે, ત્યાં ઘન, લક્ષ્મી અર્થાત શ્રી, સમૃદ્ધિ, વિજય, યશ, વિભૂતિ, સૌંદર્ય, બધા સદાચાર, નૈતિકતા અને વિજય નિશ્ચિત છે, આ મારો મત છે.
ઔરંગઝેબે એટલું ધન, સંપત્તિ, સમૃદ્ધિ એકઠી કરી અને અનૈતિકતાથી પોતાના ભાઈનું માથું કાપીને પોતાના જ પિતાને ભેટ સ્વરૂપે મોકલી દીધું. સાંભાજી પર પણ એટલો જ અત્યાચાર કર્યો. જ્યારે તેનુ પતન થયું, મૃત્યુ થયું, પછી ઓરંગાબાદમાં તેની ડાયરી મળી, તેમાં એણે લખ્યું હતું કે, મને ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો છે. હું નરક માં જઈશ, મેં ખૂબ અત્યાચાર કર્યા છે. અંતિમ ક્ષણમાં શું થશે?
અહીં યોગેશ્વર કૃષ્ણ મસ્તિષ્ક તથા બુદ્ધિનું પ્રતીક છે અને ધનુર્ધારી અર્જુન શારીરિક શક્તિનું પ્રતીક છે. જ્યાં આ બંને હોય, mind fitness and body fitness, ત્યાં લક્ષ્મી પ્રાપ્તિ થયા વગર નથી રહેતી. અર્જુન કર્મ અને યોગેશ્વર કૃષ્ણ જ્ઞાન છે.
આપણે ત્યાં રાજાઓના પણ ગુરુ હતા. શ્રીરામના ગુરુ વશિષ્ઠજી, શ્રીકૃષ્ણના ગુરુ સાંદિપનીજી, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય હતા. જ્યાં ગુરુ, જ્ઞાન અને વિવેક હશે ત્યાં વિજય નિશ્ચિત છે. એટલે આ શ્લોકનું પઠન ત્રણ વાર કરવામાં આવે છે.

અહીં સમાપન પ્રાર્થના સાથે ગીતાજીના કળશ સ્વરૂપ અંતિમ અધ્યાયનું ફરીથી શ્રવણ કરવા માટે આ સત્રનું સમાપન થયું.



**************॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ॥****************



ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં(ય્ઁ) યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે મોક્ષસન્ન્યાસયોગો નામ અષ્ટાદશોઽધ્યાયઃ॥૧૮॥

આ રીતે ૐ, તત્‌, સત્‌-એ ભગવાનના નામોના ઉચ્ચારણ સાથે બ્રહ્મવિધા અને યોગશાસ્ત્રમય શ્રીમદ્ભગવદ્‌ગીતોપનિષદરૂપી શ્રીકૃષ્ણાર્જુનસંવાદમાં “મોક્ષસંન્યાસયોગ" નામનો અઢારમો અધ્યાય પૂરો થયો. ॥૧૮॥