विवेचन सारांश
​સ્થિતપ્રજ્ઞના લક્ષણો

ID: 8448
गुजराती - ગુજરાતી
શનિવાર, 13 ડિસેમ્બર 2025
પ્રકરણ 2: સાંખ્ય યોગ
5/6 (શ્લોક 48-58)
વિવેચન: ગીતા વિદુષી સૌ. વંદના વર્ણેકર જી


દીપ પ્રજજ્વલન અને શ્રીકૃષ્ણની પ્રાર્થના સાથે વિવેચનની શરૂઆત થઈ. વિવેચકશ્રીએ મા સરસ્વતી, ભગવાન વેદ વ્યાસજી, સંત જ્ઞાનેશ્વર મહારાજ અને ગુરુ શ્રીગોવિંદદેવગિરિજી મહારાજના ચરણોમાં સાદર પ્રણામ કરી સર્વે ગીતા પ્રેમીઓને અભિવાદન કરી બીજા મહત્વના અધ્યાયનું ચિંતન કરવાનું શરુ કર્યું.
આપણે આજે ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ઉત્તરાર્ધનું ચિંતન કરવાના છીએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, કારણકે આમાં શ્રીભગવાન આપણને સ્થિતપ્રજ્ઞના લક્ષણ સમજાવે છે. જે આપણને આપણા ધ્યેય તરફ આગળ ધપાવે છે. ભગવાન અહીં એક પ્રેરણા સ્તોત્ર આપણી સમક્ષ રજૂ કરે છે.
ભગવદ્ગીતા વિશે વર્ણન કરતા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, ૭૦૦ શ્લોકોની જે આ ગીતા માતા છે, તે સપ્તશતી છે. જે રીતે દુર્ગામાની સપ્તશતી હોય છે, દુર્ગામા “મહિસાસુર મર્દિની” કહેવાય છે, એ જ રીતે આ ગીતા માતા આપણા અંતઃકરણમાં મોહરૂપી જે મહિસાસુર રહેલો છે તેનો વધ કરે છે અને આપણને આનંદના માર્ગ ઉપર લઈ જાય છે. આનંદમય જીવન જીવવાનું આ એક રહસ્ય છે.
જે રીતે આપણે જોઈએ છીએ કે મનને પ્રસન્ન કરવાવાળું આ ગીત ભગવાને રણભૂમિમાં ગાયું છે. ભગવાન અર્જુનને કહે છે કે મનુષ્ય પરિણામથી ડરે છે. અર્જુન, તું પરિણામથી ડરે છે,કારણ કે તારી અંદર સ્વજનોનો મોહ છે અને એટલા માટે તને લાગે છે કે આ યુદ્ધનું જે ભીષણ પરિણામ આવશે તે તારા કારણે આવશે. એટલે તું યુદ્ધ કરવા ઈચ્છતો નથી, પરંતુ યુદ્ધ કરવું એક ક્ષત્રિય હોવાના કારણે તારું કર્તવ્ય છે. આ યુદ્ધ તને એક કર્તવ્ય રૂપે પ્રાપ્ત થયું છે.
આપણે પણ આપણા જીવનમાં કોઈ કૃત્ય કરતી વખતે તેના પરિણામ સ્વરૂપે યશ-અપયશ, લાભ-નુકસાન, કે માન-સન્માન જેવી બાબતોને અવગણીને, સમત્વ ભાવ સાથે, કર્મ કરવા જોઈએ અને તે ખૂબી અહીં ભગવાન આપણને શીખવે છે. કર્મના પરિણામ આપણને ભયકંપિત કરે છે. આપણે મનને અનુકૂળ પરિણામ ઈચ્છીએ છીએ. આપણે પ્રતિકૂળ પરિણામ ઈચ્છતા નથી. મનુષ્યનો એક વિલક્ષણ સ્વભાવ હોય છે કે, જ્યારે તે એક વસ્તુ ઈચ્છે છે અથવા એક વસ્તુનો દ્વેષ કરે છે, ત્યારે તે તેના જ વિશે વિચારે છે. હું આ પરિણામ ઈચ્છું છું, પરંતુ નહીં મળે તો? આના કારણે તે એકાગ્રપણે કર્મ કરી શકતો નથી.

2.48

યોગસ્થઃ(ખ્) કુરુ કર્માણિ, સઙ્ગં(ન્) ત્યક્ત્વા ધનઞ્જય।
સિદ્ધ્યસિદ્ધ્યોઃ(સ્) સમો ભૂત્વા, સમત્વં(ય્ઁ) યોગ ઉચ્યતે॥૨.૪૮॥

હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યકર્મો કર્મો કર, (કેમકે) 'સમત્વ' એ જ યોગ કહેવાય છે.


અહીં ભગવાન યોગની પહેલી વ્યાખ્યા કરે છે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ૪૮મા શ્લોકમાં ભગવાન કહે છે, ધનંજય, આસક્તિનો ત્યાગ કરીને, તું મનને અનુકૂળ-પ્રતિકૂળ, પ્રિય-અપ્રિય આ બંને બાબતોમાં સમાન વૃત્તિ રાખીને યોગસ્થ બનીને યોગમાં સ્થિત થઈને તારા કર્મ કર. ભગવાન કહે છે, “समत्वं योग उच्यते।”. “યોગ”નો અર્થ છે જોડાવું.
અહીં ભગવાન કોની સાથે જોડાવાનું કહે છે? ઈશ્વર સાથે, કે જે આ સૃષ્ટિનો રચયિતા છે, જેણે આપણને આ કર્મભૂમિમાં મોકલ્યા છે. આ કર્મભૂમિમાં આપણે કર્મ કરવા આવ્યા છીએ. અને કર્મ કરવા અનિવાર્ય છે. જેમણે આપણને મોકલ્યા છે તેમની સાથે યોગ કરવા અને યોગની સ્થિતિમાં રહી પોતાના બધા કર્મો કરવા આપણો જન્મ થયો છે. એટલેજ ભગવાન કહે છે, “समत्वं योग उच्यते।”. સમત્વ બુદ્ધિ ત્યારે જ આવે જ્યારે આપણે ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિ સાથે કર્મ કરીએ, એટલે કે આપણા કર્મોને કર્મયોગમાં પરિવર્તિત કરીએ.
કોઈ સંગીતકાર કે ગાયક જ્યારે ગીત ગાય છે, શાસ્ત્રીય સંગીત રજૂ કરે છે, ત્યારે તેના ત્રણ સપ્તક હોય છે. એક તાર સપ્તક હોય છે, એક મંદ્ર સપ્તક હોય છે, એક મધ્ય સપ્તક હોય છે. તે તાર સપ્તકમાં ગાય છે, મંદ્ર સપ્તકમાં ગાય છે, મધ્ય સપ્તકમાં ગાય છે, અને ત્યારબાદ તે સમત્વમાં આવી જાય છે. આપણે કહીએ છીએ કે તે “સમ”માં આવી ગયો. એટલે આપણા જીવનમાં સમત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પછી ભલે જીવનમાં અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા. અને એટલે જ જે તાર જેટલો ખેંચાવો જોઈએ, તેટલો જ ખેંચવાથી મધુર સંગીત ઉત્પન્ન થશે. જો તેનો તાર જરૂર કરતાં વધારે ખેંચાય તો તે સંગીત આપણને કર્ણાપ્રિય લાગશે નહીં, બેસુરૂ થઈ જશે. આમ શ્રીભગવાન જીવનમાં સમત્વને ખૂબ મહત્ત્વ આપે છે.
મન અને બુદ્ધિ આ બંને ક્યારેક ક્યારેક પરસ્પર વિરોધી હોય છે. મન ભાવનાપ્રધાન હોય છે અને બુદ્ધિ તાર્કિક હોય છે. તર્ક ઈચ્છે છે. મન અને બુદ્ધિ આ બંનેમાં જ્યારે આપણે સમત્વમાં લાવીશું અને આપણા કર્મ માર્ગ પર આગળ વધીશું, જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે આ આપણા ચિત્તના સમત્વથી જ આવશે.
अर्जुना समत्व चित्ताचे।
तेज सार जाण बा योगाचे।

આપણે ચિત્તનું સમત્વ શું હોય છે, તે જોવાનો પ્રયત્ન કરીએ. ચિત્ત જેને અંગ્રેજીમાં “Subconscious Mind” કહીએ છીએ. આપણું અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહં, આ ચારેયથી બનેલું ચતુષ્ટય છે.
મન સંકલ્પ વિકલ્પ કરે છે, એટલે કે વિચાર કરે છે. સંકલ્પ એટલે કે એક વિચાર આવે છે અને તેનો વિકલ્પ બીજો વિચાર આવે છે. જેમકે હું આજનું ગીતા વિવેચન કરું કે ના કરું? અથવા તો હું વિવેચન સાંભળું કે ન સાંભળું? પહેલા વિચાર આવશે, હા, સાંભળવું જોઈએ, પછી બીજો વિચાર આવશે આજે નથી સાંભળતા. આજે ટીવી પર બીજો કોઈ કાર્યક્રમ છે, તે જ જોઈ લઈશું. તો આ સંકલ્પ અને વિકલ્પ આપણું મન કરે છે.
બુદ્ધિ નિર્ણય લે છે. પરંતુ આ નિર્ણય કઈ રીતે લે છે? આપણા ચિત્તમાં જે પ્રકારના પૂર્વગ્રહો હશે તે પ્રકારનો નિર્ણય બુદ્ધિ કરશે. ચિત્ત- જેમાં આપણા જીવનની ઘણી બધી ઘટનાઓ, પ્રસંગો, ભાવનાઓ ફક્ત આ જન્મની નહીં, અનેક પૂર્વ જન્મોની પણ એકઠી થાય છે.
આ ચિત્ત એક કોઠાર છે, અને તેના કારણે કોઈ વ્યક્તિ આપણી સામે આવે છે, તો જો ભૂતકાળમાં તેની સાથે કોઈ ઝઘડો થયો હોય, તેણે આપણી કોઈ નિંદા કરી હોય, તો આપણા ચિત્તમાંથી તે તરત જ બહાર આવે છે અને પૂર્વ સ્મૃતિના રૂપે આપણા ચિત્તમાં રહે છે. એટલે જ આ ફક્ત યાદગીરી નથી, અનેક જન્મોના સંસ્કાર ચિત્તમાં રહેલા હોય છે. એટલેજ ભગવાન જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે આ ચિત્તની શુધ્ધિ ખૂબ જ જરૂરી છે.

આપણે જોઈએ છીએ કે એક ન્યાયાધીશની સામે કોઈ ગુનેગાર આવે ત્યારે એને સજા સંભળાવવાની હોય છે.  તે બળાત્કારના ગુના માટે તેને જન્મટીપ અથવા મૃત્યુદંડ અથવા બીજી કોઈ સજા આપશે અને કહેશે કે આ ખૂબ જ ભયંકર ગુનો છે. પરંતુ જો તેનો કોઈ પરિચિત, કોઈ કુટુંબીજન, જ્ઞાતિબંધુ, ગુનેગારના રૂપમાં તેની સામે આવી જશે, તો તેનું ચિત્ત એકદમ ડામાડોળ થઈ જશે. ત્યારે તેની બુદ્ધિ જે નિર્ણય લે છે, તે ખોટો પણ હોઈ શકે છે. અને આ પ્રકારે તે નિર્ણયને કલુષિત કરી દે છે, જેને આપણે પક્ષપાત કહીએ છીએ. આમ બુદ્ધિના નિર્ણય સામે ચિત્ત હસ્તક્ષેપ કરે છે.
બચપણમાં મેં એક વાર્તા વાંચેલી, જે મને ખૂબ જ પસંદ આવેલી. એક પરિવાર, જેમાં બે ભાઈઓનો પૂરો પરિવાર અને તેમના માતા પિતા એક સાથે રહેતા હતા. એક દિવસ એવું બને છે કે મોટો ભાઈ બહારથી આવે છે અને તેના બંને હાથમાં એક એક શેરડીનો સાંઠો હોય છે. જમણા હાથમાં રહેલ શેરડીના સાઠામાં ખૂબ જ રસ હતો જયારે ડાબા હાથમાં રહેલ શેરડીના સાંઠામાં એટલો રસ ન હતો. તે જ્યાં પરિવાર બેઠેલો, તે રૂમમાં પ્રવેશ કરે છે અને જુએ છે, તો ડાબી બાજુ તેનો પોતાનો દીકરો બેસેલો અને જમણી તરફ નાના ભાઈનો દીકરો બેસેલો. હવે તેને તો આ બંને શેરડી પોતાના અને ભાઈના દીકરાને આપવાની હતી. હવે તેનું ચિત્ત તેમાં હસ્તક્ષેપ કરે છે. અને પોતાના દીકરાને વધુ રસ વાળો શેરડીનો સાંઠો આપવા માટે હાથને ચોકડી કરીને વાળે છે. અને જે જમણા હાથનો રસ વાળો શેરડીનો સાંઠો પોતાના દીકરાને આપે છે અને બાકીની શેરડી નાનાભાઈના દીકરાને આપે છે. આ વાત બાળકોને તો ન સમજાય, પરંતુ તેનો નાનો ભાઈ આ બધું જોઈ રહ્યો હતો. હવે તેના ચિત્તમાં મેલ આવી ગયો. ચિત્ત કલુષિતથઈ ગયું. ધીરે ધીરે તેમના ઘરમાં એક “દિવાલ” ઊભી થઈ જાય છે અને તે પરિવાર તૂટે છે. આ રીતે આપણું ચિત આપણા નિર્ણયને પ્રભાવિત કરે છે. આમાં પૂર્વગ્રહ છે. અને આ ચિત્તને સમત્વમાં લાવવાનું જ ભગવાન કહે છે.
આ ચિત્ત સમત્વમાં ક્યારે આવશે?
શ્રીભગવાન કહે છે, જ્યારે આપણે  કર્મફળની અપેક્ષા છોડી દઈશું ત્યારે. કર્મ માટે ધ્યેય ભલે હોય, પરંતુ ફળની આશા નહીં રાખીએ.
જુઓ ધ્યેય અને  ફળ બંને અલગ છે. ધ્યેય એ જીવનનો ઉદ્દેશ્ય છે અને ઉદ્દેશ્યના રસ્તા પર જતાં માન-અપમાન, સફળતા-નિષ્ફળતા, કે નફો-નુકસાન મળે, આ તેનું ફળ છે.

2.49

દૂરેણ હ્યવરં(ઙ્) કર્મ, બુદ્ધિયોગાદ્ધનઞ્જય।
બુદ્ધૌ શરણમન્વિચ્છ, કૃપણાઃ(ફ્) ફલહેતવઃ॥૨.૪૯॥

આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્ બુદ્ધિયોગનો જ આશ્રય લે; કેમકે ફળનો હેતુ બનનારા (ફળની આકાંક્ષા સેવનાર) જનો અત્યંત દીન છે.

શ્રીભગવાન કહે છે, આ સમત્વરૂપી યોગમાં સ્થિત થઈ જા. શ્રીભગવાન કહે છે કે, જે સમત્વરૂપી બુદ્ધિ છે, તેને પરમાત્મામાં સ્થિત કરવી, તે “બુદ્ધિ યોગ”છે. જેને આપણે કહીએ કે બુદ્ધિને ઈશ્વરના અનુસંધાનમાં રાખવી. બુદ્ધિને વ્યાપક કરવી, વિશાળ કરવી અને સંકુચિતતાથી મુક્ત કરવી. ફક્ત ફળની ઈચ્છા સાથે કરવામાં આવતા કર્મ નિકૃષ્ટ કર્મ થઈ જાય છે. એટલે હે ધનંજય, તું સમત્વરૂપી બુદ્ધિમાં સ્થિર થઈ જા, તેના શરણમાં આવી જા. આ સમત્વરૂપી બુદ્ધિનો આશ્રય લઈ તેમાં શરણાગતિ રાખીને તું તારા કર્મ કર. ફળની ઈચ્છાથી જે કર્મ કરશે તે દીન થઈ જશે, કારણકે ફળની પ્રાપ્તિ માટે તે જીવનમાં ખોટો રસ્તો પણ અપનાવી શકે છે, નૈતિકતા પણ છોડી શકે છે.
ભગવાન અહીં ખૂબજ મહત્ત્વપૂર્ણ વાત કહે છે. જે કંઈ કર્મ કરીએ તે ઈશ્વરના અનુસંધાનમાં કરીએ જેથી મનુષ્યની પડતી નહીં થાય અને આમ તે નૈતિકતા નહીં છોડે. એટલે ભગવાન કહે છે, જે બુદ્ધિયુક્ત હોય છે તે પોતાના જીવનના સુકૃત કર્મો, દુષ્કૃત કર્મો, યશ-અપયશ વગેરે જે કંઈ પણ છે તેનો ત્યાગ કરશે. યોગની બીજી વ્યાખ્યા શું છે? તે આપણે આગળ જોઈએ.

2.50

બુદ્ધિયુક્તો જહાતીહ, ઉભે સુકૃતદુષ્કૃતે।
તસ્માદ્યોગાય યુજ્યસ્વ, યોગઃ(ખ્) કર્મસુ કૌશલમ્॥૨.૫૦॥

સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે - તેમનાથી મુક્ત થઈ જાય છે, માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે.

આ પણ ખૂબ મહત્વપૂર્ણ શ્લોક છે. યોગની પહેલી વ્યાખ્યા આપણે જોઈ. “समत्वं योग उच्यते”. સમત્વ દ્રષ્ટિ એ યોગ છે. અને યોગની બીજી વ્યાખ્યા છે, “योगः कर्मसु कौशलम्”.  

ભગવાન કહે છે જેની બુદ્ધિએ સમત્વ પ્રાપ્ત કરી લીધું છે,તે સુકૃત-નિષ્કૃત, યશ-અપયશ, સફળતા-નિષ્ફળતા, બંનેનો ત્યાગ કરે છે.
ત્યાગ કરે છે એટલે શું? ક્યાંય પણ જઈને તેને છોડતો નથી. કર્મ તો કરે છે, પરંતુ તેના પરિણામને મનથી ધોઈ નાખે છે, તેનો ત્યાગ કરે છે. મનને તેના મનોવૈજ્ઞાનિક પરિણામથી મુક્ત કરી દે છે. બંને પરિણામો છે. જ્યારે કર્મ સિદ્ધ થાય છે ત્યારે યશ મળે છે, ત્યારે આપણું વ્યક્તિત્વ તેનાથી પ્રભાવિત થાય છે. અને જો કર્મ સિદ્ધ થતું નથી અને અપયશ મળે છે, તો તેનાથી પણ આપણું વ્યક્તિત્વ પ્રભાવિત થાય છે. આપણે શોકમગ્ન થઈ જઈએ છીએ અને હતાશામાં સરી પડીએ છીએ.
અહીં ફક્ત દુષ્કૃત અથવા તો અપયશને છોડવાની વાત નથી, ભગવાન કહે છે બંનેને છોડવાના છે. સિદ્ધ અને અસિદ્ધ, યશ અને અપયશ, બંનેથી વ્યક્તિત્વ પ્રભાવિત થાય છે. એટલે ભગવાન કહે છે, જેણે સમત્વરૂપી બુદ્ધિનો સ્વીકાર કર્યો છે, જેના જીવનમાં આ સમત્વ ઉત્પન્ન થઈ ગયું, તે સુકૃત અને દુષ્કૃત બંને કર્મોનો ત્યાગ કરે છે. ત્યાગ કરે છે એટલે કે મનમાંથી તેને કાઢીને અથવા તો મનને તેના પ્રભાવથી દૂર કરીને પોતાની જીવનયાત્રા આગળ વધારે છે અને એટલે તે આ બંનેમાં અટકતો નથી. આપણે અટકી જઈએ છીએ. ભગવાન કહે છે, અટકવાનું નથી. આ જીવનનો પ્રવાહ છે., એ રોકાતો નથી.
હે અર્જુન, તું પણ યુદ્ધના પરિણામોમાં મનથી અટક નહીં. તું પણ આ સમત્વ રૂપી યોગ જીવનમાં લાવ અને જીવનનું દરેક કર્મ આ બંને પરિણામોથી મુક્ત બનીને આ યોગને તું અપનાવ.
"योगः कर्मसु कौशलम्", આ ઘણી બધી સંસ્થાઓનું બોધ વાક્ય હોય છે. જે પ્રકારે આપણે L I Cનું બોધ વાક્ય જોઈએ છીએ, "योगक्षेमं वहाम्यहम्". આપણી વાયુસેનાનું બોધ વાક્ય ૧૧ મા અધ્યાયનું છે,"नभः स्पृशं दीप्तम्". પોતાનું કર્મ કુશળતાપૂર્વક કરવું એ યોગ છે. પરંતુ આના બે અર્થ છે. કર્મ કુશળતાપૂર્વક કરવું તે તો યોગ છે જ, જ્ઞાનેશ્વર મહારાજ આનુ ખૂબ જ સુંદર વર્ણન કરે છે. તેઓ કહે છે,
योग युक्त होन फळाची आसक्ती टाकून।
कर्मे करावी चित्त देऊन अर्जुना तू।

તું યોગયુક્ત બની જા. “ઈશ્વરાર્પણ” બુદ્ધિથી તું કર્મ કર. ઈશ્વરના અનુસંધાનમાં કર્મ કર. ફળની આસક્તિ છોડી દે કારણ કે ફળ પર નિયંત્રણ નથી. અને તું પૂરું ચિત્ત લગાવીને એટલે કે એકદમ એકાગ્ર થઈને તારું કર્મ કર. કર્મ પૂરું થઈ જાય, સિદ્ધ થઈ જાય, તો પણ અટકવાનું નથી. તેના કારણે ઉન્મત્ત ન થઈ જા. જો તે કર્મ અપૂર્ણ રહે કે અસિદ્ધ થઈ જાય કે જેણે તને મનને અનુકૂળ પરિણામ ન આપ્યું, તો પણ ઉદ્વિગ્ન ન બન. તું આ બંને વાતો છોડીને આગળ વધતો રહે. તેમાં અટક નહીં. આ પ્રકારે તું સમત્વ રૂપી યોગમાં રહે અને આ સમત્વ રૂપી યોગમાં રહીને જ બધા તારા કર્મો કરતો રહે.

“योगः कर्मसु कौशलम्”.એમાં આપણે બે વાતો જોઈશું. ખૂબ જ મહત્વપૂર્ણ એવો આ શ્લોક છે. ““योगः कर्मसु कौशलम्”.” એનો એક અર્થ થઈ ગયો ,કરવામાં જે કુશળતા છે, તે જ યોગ છે. આપણે કોઈ સારું કર્મ કરીએ તેમાં કુશળતા લાવવી, વિપુલતા વિકસાવવી, એ યોગ હોઈ શકે છે.
જે રીતે કોઈ ડોક્ટર પ્રથમ વખત ઓપરેશન કરતા હોય તો તેમનો હાથ ધ્રૂજે છે. પરંતુ ધીરે ધીરે તે જ કર્મ વારંવાર કરવાના કારણે ખૂબ જ સહજતાપૂર્વક હૃદયનું ઓપરેશન પણ કરી આપે છે. તે કર્મનો તેને કોઈ દબાવ નહીં આવે અને સ્વાભાવિક રીતે થઈ જાય છે. જેમકે રસોઈ બનાવવાની કોઈ મહિલા પ્રથમ વખત લાડુ બનાવે ત્યારે કેટલી વખત જુએ છે કે ચાસણી બરાબર બની છે કે નહીં? પરંતુ ધીરે ધીરે વારંવાર લાડુ બનાવતા બનાવતા તે લાડુ બનાવવામાં એટલી સહજ થઈ જાય છે કે તે ગીત સાંભળતા સાંભળતા કે ટીવી જોતા જોતા પણ વચ્ચે વચ્ચે લાડુ બનાવી લે છે. કારણ કે તેમાં તેની નિપુણતા આવી જાય છે. ડ્રાઇવિંગમાં પણ એવું જ છે પહેલી વખત આપણે ગાડી ચલાવીએ ત્યારે આપણે જોઈએ કે કઈ રીતે કલચ દબાવવામાં આવે છે કઈ રીતે ગિયર બદલાવવામાં આવે છે. ક્યારે બ્રેક દબાવવામાં આવે છે. પછી ધીમે ધીમે આપણું આખું શરીર તેના માટે તૈયાર થઈ જાય છે કારણ કે તે કર્મમાં આપણને કુશળતા આવી જાય છે.

આમ પોતાના કર્મમાં કુશળતા લાવવી એક યોગ છે. આ એક વાત તો થઈ ગઈ પરંતુ તે અડધી વાત થઈ. કારણ કે આપણે જેમ જોયું કે કુશળતાપૂર્વક કાર્ય કરવું તે એક યોગ છે. તો કોઈ ખિસ્સા કાતરુ કુશળતાપૂર્વક કોઈનું પર્સ ચોરી લે છે. તો આ કર્મ શું યોગ છે? આમ કર્મની કુશળતા શું યોગ થઈ ગયું? કોઈ ડોક્ટર કોઈની કિડની ચોરી લે અને તે વેચે અને તેમાં તે ખૂબ જ નીપુણ થઈ ગયો હોય, અથવા કોઈ બોમ્બ વિસ્ફોટ કરવાવાળા ખૂબ જ કુશળતાપૂર્વક તેની યંત્રણા તેમાં લગાવે તો શું કુશળતાપૂર્વક કરેલું આ દુષ્કર્મ યોગ થઈ જાય?
કુશળતાપૂર્વક કરેલું કર્મ ત્યારે જ યોગ થશે કે જ્યારે આપણે તે કર્મ ઈશ્વર માટે કરીએ. જે બધાના કલ્યાણ માટે હોય. ભૂતમાત્ર માટે હિતકારી હોય. આ ભગવદ્દ ગીતાનું સૂત્ર છે. મારા કે મારા પરિવાર, મારા સમાજ કે મારા દેશ માટે કરવામાં આવેલા સત્કર્મો જ ભગવાનને અર્પણ કરી શકાય છે. એટલે પોતાના કર્મને કર્મયોગમાં પરિવર્તિત કરવું
તે એક કુશળતા છે. આ તેનો બીજો અર્થ છે. તો પોતાના કર્મને કર્મયોગમાં બદલાવવો એ જ કુશળતા છે.  બુદ્ધિપૂર્વક પોતાના કર્મને ઈશ્વરને અર્પણ કરવું.

વિનોબાજી ભાવે કહે છે કે કર્મ અને કર્મયોગ બંનેમાં શું તફાવત છે? તેઓ એક ઉદાહરણ આપે છે. 500 રૂપિયાની એક નોટ છે અને એટલા જ આકારનો એક કાગળનો ટુકડો છે. આ કાગળનું મૂલ્ય શું? તેનું મૂલ્ય કશું નથી. પરંતુ 500 રૂપિયાની નોટનું મૂલ્ય છે. શા માટે? એના પર રિઝર્વ બેન્કના ગવર્નરના સહી સિક્કો છે. એ જ રીતે આપનું કોઈપણ કર્મ, પછી ભલે તે રસ્તો સાફ કરવાનું કર્મ હોય, ઈશ્વરને સમર્પણ થઈ શકે છે કારણ કે તે બધાના કલ્યાણ માટેનું કર્મ છે. જ્યારે આપણે કોઈપણ કર્મ પરમાત્મા માટે કરીએ છીએ, તે ભાવ સાથે કરીએ તો તે કર્મ પર પરમાત્માની મોહર લાગી જાય છે અને તે કર્મ આપણને અનેક ગણું  ફળ આપે છે કારણ કે તે કર્મ ઈશ્વર માટે કરેલું છે એટલે ઈશ્વરના ખાતામાં જમા થઈ જાય છે. અને ઈશ્વર માટે કરવામાં આવેલું કર્મ સત્કર્મ થઈ જાય છે.
કોઈ પણ કાર્ય આપણે પરમાત્મા માટે, સૃષ્ટિના રચયિતા માટે કરીએ અને તેને અર્પણ કરવાની બુદ્ધિ સાથે કરીએ તે કર્મયોગ છે. અને પોતાના કર્મને આ કર્મયોગમાં પરિવર્તિત કરવું તે જ કુશળતા છે. તો આપણું નાનામાં નાનું કર્મ પણ આપણે એ ભાવ સાથે કરીએ કે આ મારું ઘર નથી, ભગવાનનું ઘર છે અને એ રીતે એમના માટે આપણે સફાઈ વગેરે કરીએ તો તે કર્મ પણ કર્મયોગમાં પરિવર્તિત થઈ જાય છે. અને આજ જીવનની મોટી કુશળતા છે. આમ બે વ્યાખ્યા છે. પહેલી છે, "योगः कर्मसु कौशलम्" અને બીજું છે "समत्वं योग उच्यते". પોતાના કર્મને કર્મયોગમાં પરિવર્તિત કરવું તે જ જીવનની કુશળતા છે. એટલે ભગવાન આગળ કહે છે, હે અર્જુન, જે બુદ્ધિ યુક્ત થઈ ગયા એ ઈશ્વરના અનુસંધાનમાં પોતાનું કર્મ કરે છે





2.51

કર્મજં(મ્) બુદ્ધિયુક્તા હિ, ફલં(ન્) ત્યક્ત્વા મનીષિણઃ।
જન્મબન્ધવિનિર્મુક્તાઃ(ફ્), પદં(ઙ્) ગચ્છન્ત્યનામયમ્॥૨.૫૧॥

કેમકે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમ પદને પ્રાપ્ત થાય છે.

ભગવાન કહે છે, જેમણે પોતાના જીવનમાં આ સમત્વ બુદ્ધિનો અંગીકાર કરી લીધો એવા જે મહાનુભાવ- એવા જે સંત હોય, તેઓ શું કરે છે? અર્જુન, આવા જ્ઞાની લોકો કર્મફળનો ત્યાગ કરવાવાળા છે. શું આવશે તે આપણા હાથમાં નથી. તે આપણી યોગ્યતા કે આપણા અધિકારમાં નથી. પરંતુ અહીં ભગવાન કહે છે, તે કર્મ સાથે જન્મ લેનાર ફળ પંકજ સમાન છે. પંકજ એટલે કમળ. અનામય એટલે કે જ્યાં કોઈ રોગ નથી, જ્યાં કોઈ વિકાર નથી. આવા લોકોનું અંતઃકરણ કામ, ક્રોધ, લોભ, માયા, મત્સર, મોહ આ બધા માટે છટપટાતું નથી. તેમનું અંતઃકરણ ફક્ત આનંદ સ્વરૂપ થઈ જાય છે.
તે કેવું પદ પ્રાપ્ત કરે છે અને કઈ રીતે પ્રાપ્ત કરે છે? કર્મ સાથે જન્મતા ફળનો ત્યાગ કરીને. અહીં એ વાત આપણે ખાસ સમજીએ કે ત્યાગ કરવો એટલે ક્યાંય પણ જઈને છોડી દેવું એવો નથી. કારણકે આપણે ક્યાંય જઈને કાંઈ મૂકી દઈએ, જેમ કે આપણને મળેલ કોઈ ઈનામ હોય, કોઈ મેડલ મળેલ હોય, કોઈએ ઉપહાર આપેલો હોય, વગેરે, તે ક્યાંય જઈને રાખવાના નથી, કારણકે એમ રાખી દેવાથી તે મનમાં જ રહેશે. આપણું મન તેમાંથી મુક્ત નહીં થાય. ભલે તે આપણી આસપાસ રહે, પરંતુ તે મેં પ્રાપ્ત કરેલું છે તેવા ફળના પરિણામથી જ્યારે આપણું મન મુક્ત થઈ જાય ત્યારે તે અનામય પદની પ્રાપ્તિ થશે. ભગવાન કહે છે એટલે એનો ત્યાગ કરી દેશે, તેનાથી મનને ધોઈ દેશે. ભગવાન કહે છે અને જો આ તારા જીવનમાં સાધ્ય થઈ જાય ને અર્જુન, તો આજે તારી બુદ્ધિ આ મોહના કારણે ડામાડોળ થઈ રહી છે તે ડામાડોળ થશે નહીં અને તને સ્થિર બુદ્ધિ પ્રાપ્ત થશે.  

2.52

યદા તે મોહકલિલં(મ્), બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ।
તદા ગન્તાસિ નિર્વેદં(મ્), શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ॥૨.૫૨॥

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે જ વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમ જ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્યને પ્રાપ્ત થઈ જઈશ.

આપણે પહેલા અધ્યાયમાં જોયું કે અર્જુન શ્રીભગવાનને યુદ્ધ ન કરવાના માટે એક લાંબુ ભાષણ આપી દે છે. અર્જુન એ કહે છે કે આ યુદ્ધ કરવું મારા માટે ખોટું છે અને તેના માટે બધા કારણો આપે છે. જેવા કે કુળનો ક્ષય થશે, ગુણધર્મ નાશ પામશે, કુળ ધર્મ નાશ પામશે, સ્ત્રીઓ દુષિત થશે, વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થશે, શ્રાદ્ધ કરવા માટે કોઈ બચશે નહીં અને એટલે બધા નરકમાં જશે. આ બધી વાતો અર્જુને શ્રીકૃષ્ણને કહી છે. આ બધી વાતો ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોને તેમનું મન પરિવર્તન કરવા માટે કહેવામાં આવી હતી.
શ્રીભગવાન અર્જુનને કહે છે કે આ સાંભળેલી વાતોથી તારા અંતઃકરણને મુક્ત કરવાનું છે. તારે આ સમત્વરૂપી યોગનો અંગીકાર કરવો પડશે અને આ યુદ્ધનું ભીષણ કર્મ કરવું પડશે. ભગવાન કહે છે જ્યારે તારી બુદ્ધિ આ મોહરૂપી કાદવમાંથી બહાર નીકળશે નહીં ત્યાં સુધી આ બધી સાંભળેલી જે વાતો છે તેનાથી તને વૈરાગ્ય ઉત્પન્ન થશે. વૈરાગ્ય એટલે આસક્તિથી મુક્તિ અને બીજું વિશેષ રાગ. એ પરમાત્મા સાથે તને પ્રાપ્ત થશે.
જલ્લાદ  ફાંસીની સજાને અમલમાં મૂકે છે અને કોઈ ગુનેગારને ફાંસી આપે છે. પરંતુ તેનું પરિણામ તેના અંતઃકરણ પર કેમ નથી પડતું? કારણ કે તે કર્તવ્યના રૂપે તે કામ કરે છે. તે કોઈને મારી નથી રહ્યો. કારણકે ફાંસીની સજા કોઈ ન્યાયાધીશ સંભળાવેલી છે. પરંતુ ન્યાયાધીશે ફાંસીની સજા સંભળાવી કારણકે તે એમનું કર્મ હતું. તો કર્મના કારણે તેને તે સજા પ્રાપ્ત થઈ છે. પહેલા જલ્લાદે તેને ફાંસી પર ચડાવ્યો નથી. તો કર્તવ્ય રૂપે જ્યારે આવું મિશ્રણ કર્મ પણ કરવું પડે, તો તે કર્મફળ અંતઃકરણ પર અસર કરતું નથી.

2.53

શ્રુતિવિપ્રતિપન્ના તે, યદા સ્થાસ્યતિ નિશ્ચલા।
સમાધાવચલા બુદ્ધિઃ(સ્), તદા યોગમવાપ્સ્યસિ॥૨.૫૩॥

શાસ્ત્રીય મતભેદોથી વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈ જશે અને પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે, ત્યારે તું યોગ ને પામીશ અર્થાત્ તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે.

ભગવાન કહે છે કે આ બધી સાંભળેલી વાંચેલી વાતો આપણને પાપ પુણ્યની ઘણી બધી સંકલ્પનાઓ આપી દે છે. તારી બુદ્ધિ સૃષ્ટિકર્તા સાથે એકરૂપ કરી અને નિશ્ચલતાથી તેમાં બુદ્ધિ સ્થિત થઈ જશે કારણકે બુદ્ધિમાં પણ ફિલ્ટરેશન કરવું પડે છે. જે પ્રકારે આપણે હિત બુદ્ધિ, શત્રુ બુદ્ધિ કહીએ છીએ. તો આ બુદ્ધિ પણ આપણને વિચલિત કરે છે કારણ કે તે ચિત્ત અનુસાર નિર્ણય લે છે. તો ભગવાન કહે છે, જે રીતે તું સમત્વરૂપી યોગમાં કર્મ કરવા લાગશે તો તારી બુદ્ધિ પણ પરમાત્માયુક્ત થઈ જશે. યુક્ત એટલે જોડાવું. એ પરમાત્મા સાથે જોડાશે, યુક્ત થશે અને એમનો જે અભિપ્રાય છે, આપણી પાસેથી જે અપેક્ષા કરે છે તે પ્રમાણે તું કર્મ કરવા લાગશે આ પ્રમાણે તું સમત્વ યોગની પ્રાપ્તિ કરી શકીશ.

હવે અર્જુનના મનમાં પ્રશ્ન ઉદભવે છે. અર્જુન આપણા સૌનો પ્રતિનિધિ છે. નરોત્તમ હોવા છતાં પણ કઈ રીતે તેની બુદ્ધિ આજે વિચલિત થઈ ગઈ છે. સામે તેના બધા સગા સંબંધીઓ છે, આચાર્ય દ્રોણ છે, તેના પિતાતુલ્ય ભીષ્મ છે, જેમણે તેમને પિતાનો પ્રેમ આપેલો છે. આચાર્ય દ્રોણે તો તેમને પ્રત્યક્ષ ધનુર્વિદ્યા શીખવી છે. આવા સમયમાં તે તેમના પર બાણ ચલાવવા ઈચ્છતો નથી અને તેને લાગે છે કે મારે આ યુદ્ધ કર્મ ન કરવું જોઈએ. અને ભગવાન કહે છે કે તું આ યુદ્ધકર્મ પણ પરિણામની ચિંતા કર્યા વિના કરી શકે છે. જો તું આ કર્તવ્યકર્મ પોતાની બુદ્ધિને બુદ્ધિયુક્ત બનાવીને ઈશ્વરના અનુસંધાનમાં રાખીશ તો તને પરિણામનો ડર લાગશે નહીં.
આપણા જીવનનું કોઈ પણ કર્મ કરતી વખતે ભય લાગે છે. જેમ કે કોઈ સાક્ષાત્કાર માટે જઈ રહ્યું હોય. પરંતુ હે ભગવાન, હું આપના માટે જઈ રહ્યો છું. જે કંઈ પણ થશે તે આપ ઉપર છે. મેં મારી તૈયારી પૂર્ણ રીતે કરી છે. મેં મારું સો ટકા યોગદાન આપ્યું છે. હવે કર્મફળ તારા હાથમાં છે આવું વિચારીને જે જાય છે તેનું મન શાંત થઈ જાય છે કારણ કે તે સમત્વમાં આવી જાય છે. હવે જે કંઈ પણ આવે તે સ્વીકારવા હું તૈયાર છું, ભલે યશ આવે કે અપયશ આવે.

અર્જુન ને લાગે છે કે આ યુદ્ધને સમત્વરૂપી યોગમાં પરિવર્તિત કરવું ખૂબ જ મુશ્કેલ છે કારણકે અર્જુનને આ વાત ગળે ઉતરતી નથી.  જે આ રીતે સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે, જે આ પ્રકારે બુદ્ધિમાં સ્થિર થઈ જાય છે અથવા સમત્વ રૂપીયોગનો અંગીકાર પોતાના જીવનમાં કરે છે તે કદાચ કર્તવ્યકર્મ કરતો જ નહીં હોય એવું અર્જુનને લાગે છે. તેઓ એક જગ્યાએ બેસીને ધ્યાન ધરીને તપસ્યા કરતા હશે. ધારણા કરતા હશે. તે વ્યવહાર કરતા નહીં હોય. વ્યાવહારિક સ્વરૂપે આપણા જીવનમાં આ લાવવું આપણને સૌને કઠિન લાગે છે.

એટલે અર્જુન પૂછે છે કે ભગવાન,આપ જેની વાત કરી રહ્યા છો, આ સમરાંગણમાં યુદ્ધભૂમિમાં આપ આ વાત કરી રહ્યા છો એ સ્થિતપ્રજ્ઞતા શું ખરેખર વ્યવહારિક જીવનમાં પણ આપણે ઉતારી શકીએ? સ્થિતપ્રજ્ઞનો વ્યવહાર કેવો હોય છે? એ ચાલે છે કઈ રીતે, બોલે છે કઈ રીતે? શું તે ફક્ત કોઈ જગ્યાએ બેસીને ધ્યાન ધારણા કરે છે? તપસ્યા કરે છે? સ્થિત પ્રજ્ઞ કેવો હોય છે? અને આ પ્રશ્નના જવાબમાં ભગવાન તેની સામે એક અનુકરણીય પાત્ર, ઉદાહરણરૂપ પ્રતીક રજૂ કરી દે છે. બીજા અધ્યાયના આ બધા શ્લોકો બહુ મહત્ત્વપૂર્ણ છે. ગુરુદેવ કહે છે કે રોજ જો આ શ્લોકો વાંચીએ તો આપણું મન,આપણી બુદ્ધિ પણ સ્થિર થવા લાગે છે,  સમત્વમાં જવા લાગે છે. અર્જુનનો પ્રશ્ન શું છે? 

2.54

અર્જુન ઉવાચ
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, સમાધિસ્થસ્ય કેશવ।
સ્થિતધીઃ(ખ્) કિં(મ્) પ્રભાષેત, કિમાસીત વ્રજેત કિમ્॥૨.૫૪॥

અર્જુન બોલ્યા: હે કેશવ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત્ વ્યવહાર કરે છે?

અર્જુન પૂછે છે, હે કેશવ! સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા શું છે? તેના લક્ષણ શું છે? સાધકો માટે સિદ્ધોના લક્ષણ જ સાધન હોય છે.

અહીં પ્રથમ સ્થિતપ્રજ્ઞના લક્ષણ આવે છે. આપણે જોઈએ છીએ કે ભગવદ્દ ગીતામાં તેરમા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણ, સોળમા અધ્યાયમાં દૈવી સંપત્તિયુક્ત વ્યક્તિના લક્ષણ, બારમા અધ્યાયમાં ભક્તના લક્ષણ આવે છે. અહીં ભગવાન બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ કહે છે.
ભગવદગીતા એ સંવાદ છે, તેમાં ફક્ત ભાષણ નથી. અર્જુન પૂછે છે કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિની ભાષા શું છે, પરિભાષા શું છે, તેના લક્ષણ શું છે? જેની બુદ્ધિ સ્થિત થઈ ગઈ છે તે કેવી ભાષા બોલે છે, કઈ રીતે બોલે છે, તે કેવી રીતે બેસે છે અને કેવી રીતે ચાલે છે? એટલે કે તેનું આચરણ અને તેનો વ્યવહાર કેવો હોય છે? શું તે લોકો સાથે વાતો કરે છે કે નથી કરતો? તે લોકો સાથે હળે મળે છે? કારણ કે, લોકોને હળવા મળવાથી જ તેની અસર આપણા અંતરંગ, આપણા ચિત્ત પર થાય છે અને આપણી બુદ્ધિ વિચલિત થાય છે?

અહીં ત્રણ શબ્દ આવે છે સ્થિત પ્રજ્ઞ, એટલે જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે. જે રીતે બુદ્ધિ, મેધા અને પ્રજ્ઞા આ ત્રણેય શબ્દો બુદ્ધિ માટે પ્રયોજવામાં આવે છે. ક્યારેક ક્યારેક આ બધી હિત બુદ્ધિ હોઈ શકે છે,
શત્રુ બુદ્ધિ પણ હોઈ શકે છે. દરેક બુદ્ધિ નિષ્કલંક બુદ્ધિ હોય તેવું કહી ન શકાય. બુદ્ધિ પોતાની અશુદ્ધિઓને છોડીને  મેધામાં પ્રવેશ કરે છે. બુદ્ધિથી તત્ત્વોને શોધવા પડે છે, પરંતુ પ્રજ્ઞામાં તત્ત્વો પોતાની મેળે
પ્રતિબિંબિત થાય છે. સ્થિતપ્રજ્ઞ કે પ્રજ્ઞાવાન સિધ્ધ પુરુષો હોય છે, કે સંત મહાત્મા હોય છે, તેમણે તત્ત્વોને શોધવા પડતા નથી.

ઠાકોર રામકૃષ્ણ દવેએ ઘણા બધા ગ્રંથો વાંચેલા નહોતા પરંતુ ઉદાહરણ આપીને કેટલી સરસ રીતે તેઓ બધા તત્ત્વોને સમજાવતા હતા કારણ કે તેમની બુદ્ધિ પ્રજ્ઞામાં પરિણીત થયેલી. ગુરુજી કહે છે કે રાત્રિના સમયે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ તો આપણે તેને શોધવા માટે ટોર્ચ કે અન્ય કોઈ દીવાની મદદ લેવી પડે છે, પરંતુ સવાર થઈ ગઈ અને સૂરજ ભગવાનનો ઉદય થઈ ગયો હોય તો સૂરજના પ્રકાશમાં તે જ વસ્તુ આપણને તરત જ દેખાઈ જાય છે.

એ જ પ્રકારે આ પ્રજ્ઞામાં બધા જ તત્ત્વો પોતાની મેળે પ્રકાશિત થાય છે. અને તેના લક્ષણો શું છે, તેના માટે ભગવાન એક ઉદાહરણ અહીં રજૂ કરે છે. જે શ્રીભગવાનનું સ્વયંનું વર્ણન છે. ભગવાન અવતાર લઈને આવે છે તો કઈ રીતે સ્થિતપ્રજ્ઞ રહીને પોતાના કાર્ય કરે છે. કૃષ્ણ ભગવાનનો અવતાર જોઈએ તો તેમનો તો જન્મ જ જેલમાં થયેલો. કઈ રીતે તેમના છ ભાઈઓને કંસે મારેલા. તો શું આ બધી બાબતોનું પરિણામ તેમના અંતઃરંગમાં છે? નથી. આ બધા પરિણામોથી એમનું અંતઃરંગ મુક્ત છે. શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે એવું જ અબ્રાહમ લિંકનનું એક વાક્ય છે,
“With malice towards none, with charity for all, fight we must.”
રાગ દ્વેષ દૂર કરીને યુદ્ધ કરવાનું છે.
ભગવાન કહે છે, તેમનું અંતરંગ કેવું હોય છે? અર્જુન તે સાંભળ. અને અહીંથી શ્રીભગવાન સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવે છે.

2.55

શ્રીભગવાનુવાચ
પ્રજહાતિ યદા કામાન્, સર્વાન્પાર્થ મનોગતાન્।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ(સ્), સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે॥૨.૫૫॥

શ્રી ભગવાન બોલ્યા: હે પાર્થ! જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ રીતે ત્યજી દે છે અને આત્માથી (પોતે-પોતાની) આત્મામાં (પોતે-પોતાથી) જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.

હે પાર્થ, સૌપ્રથમ તો પોતાના મનમાં ફળ માટેની કામના ઈચ્છાઓ હોય છે અને તેના કારણે આવનારા ફળના વિચારના કારણે આપણી બુદ્ધિ સ્થિર રહી શકતી નથી. કારણ કે આપણે મનને અનુકૂળ ફળ ઈચ્છીએ છીએ. પ્રતિકૂળ ફળ જોઈતું નથી.
ભગવાન કહે છે, પાર્થ, જ્યારે મનુષ્ય પોતાની બધી કામનાઓનો પૂર્ણ રીતે ત્યાગ કરે છે અને પોતાના અંતઃરંગના આત્મતત્ત્વમાં સંતોષ મેળવે છે અને તે રસમાં વ્યસ્ત રહે છે. તેને સ્થિતપ્રજ્ઞ કહી શકાય છે. અહીં ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. જ્ઞાનેશ્વર મહારાજ તેના માટે શું કહે છે ?
“जो सर्वदा नित्य तृप्तो, अंतःकरण भरितु,
परी विषमाजी पतितु, जेणे संग कीजे।"

અહીં નિત્ય તૃપ્ત રહેવાની વાત છે. આપણી કામનાઓ આપણને અતૃપ્તિ આપે છે. કારણ કે આપણી એક કામના પૂરી થાય કે તરત જ બીજી કામના ઉત્પન્ન થાય છે. આ હંમેશા અસંતોષ આપે છે એટલે આપણે પરમાત્માના સાચા સ્વરૂપને જાણી શકતા નથી. જે આપણા આત્મામાં પ્રતિબિંબિત છે. ”સ્થિત પ્રજ્ઞના મનમાં કામના ઉત્પન્ન થતી નથી. ગુરુદેવે કહ્યું છે કે કામનાઓ પર ચાર રીતે નિયંત્રણ મેળવી શકાય છે.
“कामु सर्वथा जाए, जयाच आत्मसंतुषी मन राहे,
तोचि स्थितप्रज्ञ होय पुरुष जाण।”
જેના મનમાં કામનાઓ સંપૂર્ણ રીતે શાંત થઈ ગઈ હોય અને જે સર્વથા આત્મસંતોષી હોય એને સ્થિતપ્રજ્ઞ જાણ.

ફક્ત પોતાના સ્વાર્થ માટે મનમાં જે કામના છે તેના માટે આપણા યોગી પુરુષ, સ્થિતપ્રજ્ઞ પુરુષ શું કરે છે? તેઓ પોતાના માટે કોઈ ઈચ્છા કરતા નથી. તેમના મનમાં કોઈ કામના આવે છે તો તે સમૂહ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે આવે છે. બધાના કલ્યાણ માટેની કામના આવે છે. આને કહે છે કામનાનો વિસ્તાર કરવો. કામનાને વ્યાપક કરવી. એ લોકો ફક્ત પોતાના માટે કોઈ કામના નથી કરતા, પણ પરિવારની ઉન્નતિ માટે, મારા સમાજની ઉન્નતિ માટે, મારા રાષ્ટ્રની ઉન્નતિ માટે અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે વિશ્વની ઉન્નતી માટેની કામના કરે છે .
"कोहे विश्वचि माझे घर।
ऐसी मति जयाचि स्थिर।
किं बहुना चराचर आपण झाला।।”

જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરીના અંતિમ ભાગમાં વિશ્વ કલ્યાણ માટે અદ્ભૂત મંત્ર કે પ્રાર્થના લખી છે, જે અન્યત્ર ક્યાંય મળતી નથી.
वसुधैव कुटुम्बकम्” આ આપણા સનાતન ધર્મની પ્રાર્થના કે સિદ્ધાંત છે. એટલે ભગવાન કહે છે કે કામનાનો વિસ્તાર કરવો. કામનાઓમાં શુભ અને અશુભની પસંદગી કરવી. પોતાના મનમાં આવેલી કામના તપાસવી, અને તે શુભ છે કે અશુભ છે, તે બધાના કલ્યાણ માટે છે કે નહીં, તેનો વિવેક રાખવો. એ ધર્મસંગત છે કે નહીં? જેને આપણે કહી શકીએ કે તે મને કર્તવ્યના રૂપમાં પ્રાપ્ત થઈ છે કે શું? ધર્મસંગત કામના મને ઉન્નત કરશે. કામનામાં વિવેકની જાગૃતિ રાખવી અને કામનાને એકાગ્ર કરવી.
આપણા ક્રાંતિવીર હતા તેમની કામના હતી કે હું મારી માતૃભૂમિને સ્વતંત્ર કરું. બસ આ એક જ કામના. સ્વાતંત્ર્ય વીર સાવરકર કહે છે,
“हे मातृभूमि तुझं मन वाहिलेले।
वक्तृत्व वाग्विभवही तुझं अर्पीलेले।
तू तेचि अर्पीली नवकविना रसाला।
लेखा प्रती विषय अनन्य तूचि जाला॥”

હે માતૃભૂમિ, મેં મારું મન આપને આપી દીધું છે. મારુ વક્તૃત્વ, મારી વાણી, આપને અર્પણ કર્યું છે. હું કોઈ રચના કરીશ તો તે આપના માટે કરીશ. તો આ એકાગ્ર કરેલી કામના પણ આપણને ઉન્નત કરે છે. પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે કોઈએ તેની અન્ય નાની-નાની કામનાઓનો ત્યાગ કરી દીધો હોય તો આ ધ્યેય તેને ઉન્નત બનાવે છે. એટલે કામનાને ધ્યેયમાં પરિણીત કરવી, તેને વિશાલ કરવી, વ્યાપક કરવી, એકાગ્ર કરવી.
આપણે અહીં જોઈએ છીએ કે ગીતા પરિવાર તેમની સેવા માટે કાર્ય કરે છે અને આપણા મનમાં જો એવી કામના આવે કે આપણે તેને વધુ ઊંચાઈ પર પહોંચાડીશું તો આ કામના આપણી ઉન્નતિ કરશે. સાતમો અધ્યાય આપણે સમજ્યો છે, જેમાં ભગવાને પોતાનું સ્વરૂપ બતાવી દીધું છે. અહીં આપણે એ જોવું જોઈએ કે કઈ કામનાનો ત્યાગ કરવાનો છે. ભગવાને કહ્યું છે કે જે કામના ધર્મસંગત છે, કર્તવ્યના રૂપમાં છે, એ ભગવાનનું જ રૂપ છે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ વાત ભગવાન અહીં કહે છે. આ કામનાઓનો વિસ્તાર કઈ રીતે કરવો એ આગળ જોઈશું.

 


2.56

દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ(સ્), સુખેષુ વિગતસ્પૃહઃ।
વીતરાગભયક્રોધઃ(સ્), સ્થિતધીર્મુનિરુચ્યતે॥૨.૫૬॥

દુઃખોની પ્રાપ્તિ થતા જેનાં મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિ:સ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યાં છે એવો મુની (મનનશીલ મનુષ્ય) સ્થિરબુદ્ધિ કહેવાય છે.

શ્રીભગવાન સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવે છે. જીવનમાં આવનારા દુઃખોના કારણે એ ઉદ્વિગ્ન થતો નથી, એ દુઃખને શોકમાં પરિવર્તિત કરતો નથી, અને એ સુખમાં પણ નિસ્પૃહ થઈ જાય છે. સ્પૃહા એટલે લાલસા, જે ઈચ્છાથી પણ ઉપર છે. જેના મનમાં સુખ માટેની લાલસા નથી તે આગળ વધતો જાય છે. રાગ ભય અને ક્રોધ આ ત્રણ વાતોથી એ દૂર રહે છે.
રાગ એટલે આસક્તિ. રાગ-દ્વેષ, આ એક જોડી છે. જે રીતે રાગમાં આપણે કોઈ એક પ્રત્યે ખૂબ જ ખેંચાયેલા હોઈએ છીએ. આસક્તિ હોય તો ક્યારેક બીજા કોઈ માટે દ્વેષ નિર્માણ થાય છે.
એક માને પોતાના દીકરા કે દીકરી પ્રત્યે ખૂબ જ આસક્તિ હોય છે. તો એને પુત્રવધુ ને નણંદ માટે દ્વેષ ઉત્પન્ન થાય છે. કોઈ એક શિક્ષકને તેના એક વિદ્યાર્થી પ્રત્યે આસક્તિ હોય કે આ વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર છે, તો બાકીના વિદ્યાર્થીઓને પહેલા વિદ્યાર્થી પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ અને દ્વેષ એક સાથે ચાલે છે.
ક્રોધ આપણે સૌ જાણીએ છીએ. કોઈ ઈચ્છા પૂરી ના થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. તે પ્રાપ્ત થાય તો પણ આપણી પાસેથી કોઈ એ છીનવી ના લે તેનો ભય ઉત્પન્ન થાય છે. ભગવાન કહે છે આ ત્રણ વાતો: રાગ-દ્વેષ, ભય, ક્રોધથી જે મુક્ત થઈ જાય તેની આસક્તિ દૂર થઈ જાય છે.

મનને અનુકૂળ વાત માટેની આસક્તિ આપણને પછાડે છે. જો કોઈ છીનવી લે તો ક્રોધ નિર્માણ થશે અને છીનવી ન લે તે માટે ભય નિર્માણ થાય છે. આ ત્રણેય વાતો આપણા જીવનને, આપણા અન્તઃરંગને પ્રભાવિત કરતી રહે છે. ભગવાન કહે છે, અર્જુન, જેણે પોતાના જીવનને આ ત્રણેય વાતોથી દૂર કરી દીધું અને પોતાના મન પર આ રીતે નિયંત્રણ મેળવી લીધું, એવા જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ, આવા વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ કહી શકાય. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે,

 “नाना दुःखी प्राप्ती जयासी उद्वेगु नाही चित्ती।

आणि सुखाची आरती आडपैजे ना।”
સુખ અને દુઃખ એ જીવનના સિક્કાની બે બાજુઓ છે. જીવનનો સિક્કો જોઈએ તો બંને વસ્તુઓ આવશે. એટલે આપણા મહાનુભાવો કહે છે કે એવું ઘર શોધો કે જ્યાં ક્યારેય દુઃખ આવ્યું જ નથી. એવું કોઈ ઘર કે એવું જીવન કોઈ વ્યક્તિનું મળશે નહીં. ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ, જીવનના આ બે પાસાઓ ચાલુ રહે છે અને તે આપણને પ્રભાવિત કરે છે કારણ કે તે આપણા જીવનમાં રોકાઈ જાય છે. “किंचित् न भयभीतः।” હાર-જીતમાં પણ કોઈ ચિંતા નહીં. આ પ્રકારે જેનું જીવન થઈ જાય તેઓ જીવનમાં આગળ વધી જાય છે. અને આપણે આ સુખ અને દુઃખમાં ફસાઈ જઈએ છીએ અને આપણા જીવનને વિચલિત કરી દઈએ છીએ. આપણું જીવન ત્યાં જ રોકાઈ જાય છે. એટલે ભગવાન કહે છે કે સુખ આવ્યું હોય તો ભોગવી લેવું. પરંતુ તેનું પ્રદર્શન કરવું નહીં. અને દુઃખ આવે તો સહન કરી લેવું અને તેને વારંવાર યાદ ન કરવું. એ જ દુઃખને વારંવાર યાદ કરીને ભોગવવું નહીં.

લોકમાન્ય તિલકજીના જીવનનો એક પ્રસંગ છે. મહાનુભાવોના જીવનના પ્રસંગોમાંથી આપણે વાતો શીખીએ છીએ અને સમજીએ છીએ. પૂનામાં જ્યારે પ્લેગ ફેલાયેલો તો તેમના મોટા દીકરા વિશ્વનાથને  પ્લેગ થઈ ગયો. તિલકજી તેમના વર્તમાનપત્ર કેસરી માટે તંત્રીલેખ લખાવી રહ્યા હતા. એટલામાં કોઈએ આવીને કહ્યું કે તેમના મોટા પુત્ર વિશ્વનાથનું પ્લેગના કારણે મૃત્યુ થઈ ગયું છે. તિલકજી ઉભા થયા અને પોતાની પેન મૂકી દીધી. ઘરે જઈ વિશ્વનાથના શરીરને પ્રણામ કર્યા. બહાર આવી નચીકેલકરજીને કહ્યું કે આગળ લખો. અને તેમને લખાવવા લાગ્યા. નચિકેલકરજીએ કહ્યું કે આજે રહેવા દો, તો તિલકજીએ જે કહ્યું એ તેમનું મરાઠીમાં ખૂબ જ પ્રસિદ્ધ વાક્ય છે:

अख्ख्या गावाची होळी पेटली आहे.
तिथे माझ्या घरची एक गोवरी गेली,
तर दुःख करायला मला वेळ नाही.
देशकार्य झालं पाहिजे.”
આખા ગામમાં જ્યારે મૃત્યુનું તાંડવ ચાલી રહ્યું છે ત્યારે મારા ઘરમાંથી પણ એક ઇંટ પડી ગઈ તો મને તેનું કોઈ દુઃખ નથી. મારું દેશ કાર્ય ચાલુ રહેવું જોઈએ.

આ પ્રકારે સુખ અને દુઃખથી અલિપ્ત મહાનુભાવોને સ્થિતપ્રજ્ઞ કહી શકાય છે. આઈન્સ્ટાઈનને નોબલ પારિતોષિક મળ્યું. આ નોબલ પારિતોષિકના રૂપમાં તેમને એક ચેક આપવામાં આવ્યો. થોડા સમય પછી તે સંસ્થામાંથી તેમને ફોન આવ્યો કે તમે તે ચેક બેંકમાં જમા કરાવ્યો નથી? ત્યારે આઈન્સ્ટાઈનને યાદ આવ્યું કે મેં ચેક ક્યાં મૂક્યો છે? તેઓએ કોઈ બુકમાં બુકમાર્ક તરીકે મૂકી દીધેલો. ભૂલી પણ ગયા કે મને ચેક મળ્યો છે અને તેઓ આગળની શોધ માટે લાગી ગયા. અટક્યા નહીં. આપણા જીવનમાં આપણે દુઃખોમાં અટકી જઈએ છીએ, સુખોમાં ભટકી જઈએ છીએ. સુખનું પ્રદર્શન કરીએ છીએ અને દુઃખને વારંવાર રટીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ અહીં ભગવદ્દ ગીતામાં આપણા માટે એક સુંદર પાથેય આપે છે. 

2.57

યઃ(સ્) સર્વત્રાનભિસ્નેહઃ(સ્), તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૫૭॥

જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત (આસક્તિ રહિત) થયેલો છે તે શુભ કે અશુભ (વસ્તુ, સ્થિતિને) પ્રાપ્ત કરીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે,

આ પ્રકારે બધાના જીવનમાં સુખ દુઃખ આવે છે. પણ જે મમત્વ રહિત,આસક્તિ રહિત થઈ ગયો, જે શુભ કે અશુભની પ્રાપ્તિમાં ન વધુ ઉત્તેજિત થઈ જાય છે, ન તો તેનો દ્વેષ કરે છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, તેમ તું સમજ.
જ્ઞાનેશ્વર મહારાજ આના માટે ખૂબ જ સરસ ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે કુદરત તરફ જુઓ, પ્રકૃતિ તરફ જુઓ. આ પ્રકૃતિ સમત્વમાં હોય છે, ચંદ્ર કે સૂર્ય પોતાનો પ્રકાશ બધા માટે સમાન પ્રમાણમાં આપે છે. ચંદ્ર પોતાની ચાંદની બધા પર સમાન રીતે વરસાવે છે. જે ઊંચ કે નીચ જોતો નથી, બધા માટે સમાન આભા, બધા માટે સમાન શીતળતા. પાણી જે રીતે બધાની તરસ સમાન રીતે છિપાવે છે, સૂર્ય પ્રકાશ આપતી વખતે કશું જોતો નથી, પોતાનું કાર્ય કરે છે. કોઈને અનુકૂળ પ્રાપ્ત થાય છે તો તે હર્ષોલ્લાસમાં મગ્ન થતો નથી કે પ્રતિકૂળ પ્રાપ્ત થાય છે તો તે વિષાદ પણ કરતો નથી. આવા હરખ-શોક રહિત, આત્મબુદ્ધિમાં પોતાને સ્થિર કરી દીધા હોય અને વિકારોને નિર્માણ થવા ન દે એવા લોકો સ્થિતપ્રજ્ઞ છે.

2.58

યદા સંહરતે ચાયં(ઙ્), કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ(સ્), તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા॥૨.૫૮॥

કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને સમેટી લે છે તે જ રીતે જ્યારે આ કર્મયોગી પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે હઠાવી (અનાસક્ત કરી) લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું.

આપણે મંદિરમાં જોઈએ છીએ કે ત્યાં એક કાચબો હોય છે. આ કાચબો શા માટે હોય છે? એટલા માટે કે આપણે આગળ વધવું છે તો કાચબાની જેમ. દરેક ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને અંદર સમાવી દેવાની છે. જે પ્રકારે સંકટના સમયે કાચબો પોતાના બધા અવયવોને સમેટી લે છે અને કવચની અંદર ગોઠવી દે છે. એ જ પ્રકારે વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયમાં અટકતો નથી. એનો અર્થ એ નથી કે તે ઇન્દ્રિયોનો ઉપયોગ કરતો નથી, પણ ઇન્દ્રિયોના વિષયોનો ઉપયોગ કરવા છતાં તેમાં અટકતો નથી. આપણે જાણીએ છીએ કે આંખનો વિષય રૂપ છે,  નાકનો વિષય ગંધ છે, ત્વચાનો  વિષય સ્પર્શ અને જીભનો વિષય રસ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આપણે રૂપમાં અટકીએ છીએ, રસમાં અટકીએ છીએ, ગંધમાં અટકીએ છીએ, સ્પર્શમાં અટકીએ છીએ.
પરંતુ સ્થિતપ્રજ્ઞ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને તેને પોતાની અંદર સમેટી લે છે. પોતાની ઇન્દ્રિયોને તે વિષયોમાંથી સમેટી લે છે. નિંદા, સ્તુતિ વગેરેમાં અટકતો નથી અને ઇન્દ્રિયોને બીજો આહાર આપી દે છે. તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થઈ જાય છે. ઇન્દ્રિયોને તેના વિષયોથી દૂર રાખવી અને તેના કારણે આપણું મન તે વિષયોથી હટતું નથી. આપણી ઇન્દ્રિયો- આંખોથી આપણે જે કંઈ જોઈએ છીએ તે અંદર જઈને મનમાં અંકિત થાય છે. આ મનને ઇન્દ્રિયોના વિષયોથી મુક્ત કરવું તો કઈ રીતે કરવું? આપણે સ્થિતપ્રજ્ઞ કેમ થઈ શકતા નથી અને અધોગતિ થાય છે?
આ બધી બાબતો ભગવાન આગળના શ્લોકોમાં કહે છે. આ સાથે જ વિવેચન સત્રની સમાપ્તિ થઈ અને પ્રશ્નોત્તરીનું સત્ર શરૂ થયું.

                              પ્રશ્નોત્તરી

 ૧) પ્રશ્નકર્તા: નિશા ગર્ગદીદી
પ્રશ્ન: જો કોઈ માતા પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગે છે, તો શું તેનો પણ કોઈ અદ્રશ્ય સ્વાર્થ હોય છે? પરંતુ એક માતા માટે, તે સ્વાર્થ નથી કારણ કે તેની દીકરી પ્રત્યે તેની ફરજ છે. જ્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તેમની પાસેથી કંઈક માંગીએ છીએ ત્યારે તે ખોટું છે?
ઉત્તર:
ભગવાન કહે છે કે કઈ કામનાઓ મારું સ્વરૂપ છે? જે કર્તવ્યના રૂપે આપણને મળી છે તે તો કરવાની જ છે! 
ભગવાન આપણી ઇચ્છાઓ દ્વારા પોતાનો સાચો સ્વભાવ પ્રગટ કરે છે, એટલે કે આપણે જે કાર્યો પ્રાપ્ત કરીએ છીએ તે આપણી ફરજ તરીકે કરવા પડે છે, તેથી જો આપણે કંઈક માંગવું પડે તો પણ તે ખોટું નથી. એવી ઇચ્છા હોવી જોઈએ કે આ ફક્ત આપણા પોતાના સ્વાર્થી હેતુઓ માટે ન હોય અને આપણે બીજા કોઈને નુકસાન ન પહોંચાડીએ. ભગવાનના નામે કોઈ બીજાને નુકશાન ન પહોંચાડવું જોઈએ.
શ્રીમદ્ભગવદ્ગીતામાં આ સ્વીકારવામાં આવ્યું છે. આપણે આ સમજવું જોઈએ. આપણે કોઈપણ પુરસ્કારની અપેક્ષા વિના બીજાનું કાર્ય પણ કરવું જોઈએ. એના પ્રતિફળની ઈચ્છા કે 'મારો આભાર માનવો જોઈએ' ન રાખવી જોઈએ, નહીં તો આપણે એમાં અટકી જઈશું!

 ૨) પ્રશ્નકર્તા: કમલા દીદી
પ્રશ્ન: શું આપણે બુદ્ધિ, મેધા અને પ્રજ્ઞામાંથી પ્રજ્ઞાને વિવેકશીલ બુદ્ધિ કહી શકીએ?
ઉત્તર:
હા, આપણી પાસે મેધા હોવી જોઈએ. તો જ આપણે પ્રજ્ઞા પ્રાપ્ત કરી શકીએ છીએ, એટલે કે વિવેકશીલ બુદ્ધિ. તેને સ્વીકારવા માટે પણ પાત્રતા હોવી જોઈએ.

 ૩) પ્રશ્નકર્તા: કમલા દીદી.
પ્રશ્ન: ઉર્વશીએ અર્જુનને કયો શ્રાપ આપ્યો હતો?
ઉત્તર :
જ્યારે અર્જુન દિવ્યાસ્ત્ર મેળવવા માટે સ્વર્ગમાં ગયો, ત્યારે ઇન્દ્રદેવે ઉર્વશીને તેનું સ્વાગત કરવા માટે નૃત્ય કરવાની વ્યવસ્થા કરી. ઉર્વશી નૃત્ય કરી રહી હતી, ત્યારે અર્જુન વારંવાર તેની તરફ જોતો હતો, પરંતુ તેના મનમાં કોઈ ખોટા વિચારો નહોતા.
અર્જુનને ઉર્વશી પર પ્રેમ થઈ ગયો છે તેમ સમજીને તેણે ઉર્વશીને અર્જુનના રૂમમાં મોકલી. જ્યારે ઉર્વશીએ અર્જુનને કહ્યું કે તે તેની સેવા કરવા આવી છે, ત્યારે અર્જુને તેની નજર નીચી કરી. જ્યારે ઉર્વશીએ પોતાના આવવાનો હેતુ જણાવ્યો ત્યારે અર્જુને કહ્યું, "હે માતા! તમે ગેરસમજ કરી છે."
(કુરુવંશ પુરુરવા અને ઉર્વશીના વંશજ છે, તેથી આ અર્થમાં, તે તેની માતા હતી.)
અર્જુને કહ્યું કે તે તેને પોતાની માતા તરીકે જોઈ રહ્યો હતો કારણ કે તે તેની માતા કુંતીના પગ તેના ચરણોમાં જોઈ શકતો હતો.
પરંતુ ઉર્વશી ગુસ્સે થઈ ગઈ કે અર્જુને તેની અવગણના કરી હતી, અને પછી તેણે અર્જુનને નપુંસક બનવાનો શ્રાપ આપ્યો.

 ૪) પ્રશ્નકર્તા : મંજુ સીંઘદીદી
પ્રશ્ન : હું ગીતા પરિવારમાં ટ્રેનરની સેવા કરવા માંગું છું તો તે સ્વાર્થ કહેવાય?
ઉત્તર :
ગીતાજીની સેવા, પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા સ્વાર્થી ઈચ્છા નથી! જે બધાના કલ્યાણ માટેની કામના હોય તે આપણને નિઃસ્વાર્થી બનાવે છે અને આપણા કલ્યાણની કામના આપણને સ્વાર્થી બનાવે છે! 
આપણે બીજાના હિત સાથે પોતાનું પણ હિત જોવું જોઈએ કારણકે પરમાત્મા આપણામાં પણ વસેલા છે! ત્યાગ કર્યા વખતે પણ વિવેક જાગૃત રાખવો જોઇએ. 

આ સાથે જ પ્રશ્નોત્તરીનું સત્ર સમાપ્ત થયું. અંતિમ પ્રાર્થના અને હનુમાન ચાલીસાના પઠન પછી વિવેચનસત્રની સમાપ્તિ થઈ. 
                            ॥ ૐ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ  ॥